દીકરો મારો લાડકવાયો ગાડી લઈને નીકળ્યો, 150ની ઝડપે............
![]()
રાતનો સમય છે, આગિયારમાં ધોરણમાં ભણતા બે કિશોરો ગાડી લઈને નીકળી પડે છે. ગાડી આવડી ગયાના નશામાં ગાડીની સ્પીડ વધતી જ જાય છે. 100,120 અને હજી આગળ... એટલામાં છોકરાને યાદ આવે છે, ઇનસ્ટા પર લાઈવ થવાનું તો રહી ગયું. અને બંને લાઈવ થઈને દુનિયાને પોતાની સ્પીડ ( બેવકૂફી) દુનિયાને દેખાડી રહ્યા છે, એટલામાં સ્ટિયરિંગ પરનો કંટ્રોલ જતો રહે છે, અને ગાડી ફિલ્મી સ્ટાઇલમાં બે-ત્રણ ગલોટિયા ખાય જાય છે. બંને કિશોરો હોસ્પીટલમાં એડમિટ છે. ગાડી પૂરેપુરી ડેમેજ થઈ ચૂકી છે. હવે ઉપયોગમાં લઈ શકાય એમ જ નથી, ને એ બંને કિશોરો પર વારાફરતી ઓપરેશન્સ થઈ રહ્યા છે. માતા-પિતા લાખો રૂપિયાના ખાડામાં ઉતરી જશે. સાજા થવામાં મહિનાઓ નીકળી જશે. રાજકોટ જિલ્લામાં અઠવાડીયા પહેલા બનેલી આ દુર્ઘટના છે. મૂંબઈમાં વિલે પારલેમાં સવારના પહોરમાં જોયફૂલ રાઈડ માટે નીકળેલા કોલેજના બે વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. આ લેખ પૂરો થાય ત્યાં સુધીમાં કે પછી તમે આ લેખ વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં બીજા કેટલાયે ટીન-એજર્સ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હશે!
એકદમ નાની ઉંમરે બાળકોના હાથમાં સ્ટિયરિંગ પકડાવી દેવાની માતા-પિતાને આટલી બધી કેમ ઉતાવળ છે? કે પછી બાળકોની જીદ આગળ માતા-પિતાનું કઈ ચાલી નથી રહ્યું? કે પછી બાળકોને સારું કે ખરાબ? સાચું કે ખોટું? શિખડાવવાનો માતા-પિતા પાસે સમય જ નથી રહ્યો! કિશોરો અને કિશોરીઓ ઓનલાઈન ગેમ્સમાં ફસાઈ રહ્યા છે, ડ્રગ્સમાં સપડાઇ રહ્યા છે, રેકલેસ ડ્રાઇવિંગ કરી રહ્યા છે, પોર્ન-ફિલ્મસ જોઈ રહ્યા છે. કે પછી માતા-પિતા પોતાના સંતોનોને જે હાય-ફાય કલ્ચર આપી રહ્યા છે, તેની આ બધી આડઅસરો છે?
અમે નાના હતા, ત્યારે અમારી બધી જરૂરિયાતો પૂરી નહોતી થઈ, એટલે હવે અમારા સંતાનોની યોગ્ય-અયોગ્ય તમામ જરૂરિયાતો પૂરી થવી જોઈએ, માતા-પિતાનો આ પૂર્વગ્રહ સંતાનોને બેફામ બનાવી રહ્યો છે. 16 થી 19 વર્ષના ટીન-એજર્સ બીજા કોઈ પણ અકસ્માતો કરતાં ત્રણ ગણા વધુ ઘાતક અકસ્માતોમાં ફસાયેલા છે. ભારતમાં નેશનલ હાય-વે ટ્રાફિક સેફટી એડમિનિસ્ટ્રેશનના લેટેસ્ટ અહેવાલ મુજબ ભારતમાં થતાં કુલ માર્ગ અકસ્માતોમાથી 6% જેટલા અકસ્માતો ટીન-એજર્સ દ્વારા થાય છે. જેને લીધે દર વર્ષે લગભગ 3000 લોકો મૃત્યુ પામે છે અને સેંકડો ટીન-એજર્સ આજીવન અપંગ બની રહે છે. દર વર્ષે આ આંકડો 45% જેટલો વધતો જાય છે.
નેશનલ ક્રાઇમ રીપોર્ટ બ્યુરોના રીપોર્ટ મુજબ ભારતમાં 2024/2025 દરમિયાન આશરે 1000 જેટલા કિશોરો રેક-લેસ ડ્રાઇવિંગને લીધે પકડાયા હતા. અને દર વર્ષે આ સંખ્યા વધતી જ જઇ રહી છે. કિશોરોના ડ્રાઇવિંગ અંગે આપણા દેશમાં ચોક્કસ કાયદાઓ હોવા છતાં લોકો કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરી, કિશોરોના હાથમાં સ્ટિયરિંગ પકડાવી દેતાં હોય છે. જેના લીધે ઘણીવાર રસ્તા પર ચાલીને જતાં નિર્દોષ લોકો પણ તેઓના હિટ એન્ડ રન કેસના શિકાર બની જતાં હોય છે. તથ્ય કાંડમાં 9 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવેલા.
પિયર-ગ્રૂપના પ્રેશરને લીધે, ફાસ્ટ ડ્રાઇવિંગ જ ડ્રાઇવિંગ કહેવાય એવી માન્યતાને લીધે, ફ્રેંડ્સ સાથે મસ્તી કરવા નીકળેલા કિશોરોની અણસમજને લીધે, અકસ્માતોની ગંભીરતા ના સમજી શકવાને લીધે, સોસિયલ મીડિયા પર વાઇરલ થવાના ટ્રેન્ડને લીધે, ચાલુ ડ્રાઇવિંગે લાઈવ થવાના અભરખાને લીધે, ( લાઈવ થવાના ચક્કરમાં લોકો મરી રહયા છે!), ક્યારેક અતિશય ગુસ્સામાં આવીને, કોકને દેખાડી દેવાના ચક્કરમાં કિશોરો પોતાની અને બીજા લોકોની જિંદગીઓને દાવ પર મૂકી રહ્યા છે.
આ ટીન એજર્સને ટ્રાફિકના નિયમોનું જ્ઞાન જ હોતું નથી, લીવર દઈએ એટલે ગાડી દોડવા માંડે, એવી સમજણ સાથે તેઓ જીવના જોખમે રસ્તાઓ પર નીકળી પડતાં હોય છે. એટલું જ નહી, લેટેસ્ટ સર્વે મુજબ ભારતમાં શરાબ પીને મોજ-મસ્તી કરવા નીકળી પડેલા કિશોરો અને યંગસ્ટર્સની સંખ્યા પણ વધી રહી છે. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતાના દીકરાએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં એક યુગલને ઉડાડી દીધેલાં, જેને લીધે પત્ની મૃત્યુ પામી અને પતિને મહિનાઓ સુધી હોસ્પીટલમાં રહેવું પડેલું. આ કિસ્સામાં પેલી સ્ત્રીને એ યંગસ્ટરે 1.5 કિલોમીટર સુધી ઢસડેલી!
150/200 કિલોમીટરની ઝડપે નીકળી રહેલા આ વાહનોને અને તેના ચાલકોને માતા-પિતા અને બીજા વડીલોની તેમજ કાયદાઓની બ્રેક લાગવી જરૂરી છે.

No comments:
Post a Comment