Sunday, 19 October 2025

સાચે જ સાચું શું છે? એ જ નથી સમજાય રહ્યું......

 

 

 સાચે જ સાચું શું છે? એ જ નથી સમજાય રહ્યું...... 

  

 What Is Truth?

 

 

ક્લાસરૂમમાં ભણાવતી વખતે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી ના કરાય એવા પાઠો શીખવીએ છીએ. ઘરમાં સંતાનોને પણ આપણે સમજાવતા રહીએ છીએ કે સત્ય અને પ્રામાણિક્તાના રસ્તે જ ચાલવું જોઈએ. પણ વિદ્યાર્થીઓએ અને સંતાનો જ્યારે વર્ગખંડ અને ઘર છોડીને વાસ્તવિક દુનિયામાં જે કઇ ચાલી રહ્યું છે,  તે જુએ છે, ત્યારે તેઓ આપણને પૂંછતા થઈ જાય છે કે આ શું?

  પરીક્ષાખંડની બહાર આવી વિદ્યાર્થીઓ ગર્વથી કહે છે કે આખો કલાસ ચોરી કરતો હતો, પણ મે ના કરી. આપણે તેને શાબાશી આપીએ છીએ. પણ જ્યારે પરિણામ આવે ત્યારે જેણે ચોરી કરી હોય, તેઓ ચોરી ના કરનાર વિદ્યાર્થીઓ કરતાં માર્કસમાં આગળ નીકળી ગયા હોય છે. એટલે જેણે ચોરી નહોતી કરી એ વિદ્યાર્થી તરત પૂંછશે કે મેડમ તમે તો કહેતા હતાને કે જે કોપી કરે છે, તેઓ જિંદગીમાં ક્યારેય આગળ નથી નીકળી શકતા. પણ આ લોકો તો અમારાથી આગળ નીકળી ગયા અને નિશાળવાળાએ પોતાના સ્કૂલ પ્રોસ્પેક્ટમાં કે જાહેરાતના ફ્રન્ટ પેઇજ પર તેઓના નામ અને ફોટા પણ મૂકી દીધા.

   બાળકોને અને વિદ્યાર્થીઓને ક્યૂ સત્ય શીખવવું? એ જ સમજાતું નથી. હમણાં અમારી નિશાળમાં બે એકસરખા હોશિયાર વિદ્યાર્થીઓએ એક સ્પર્ધાત્મક પરીક્ષા આપી. એકે એકદમ પ્રામાણિકતાથી પેપર લખ્યું, જ્યારે બીજા છોકરાના મમ્મી તે સ્કૂલમાં ટીચર હતા, એટલે તેણે પોતાના દીકરાને પેપર લખવામાં મદદ કરી. હવે થયું એવું કે જેણે સાચી રીતે પેપર લખ્યું હતું, તે સીલેકટ ના થયો અને જેણે ચોરી કરીને લખ્યું હતું એ સીલેકટ થઈ ગયો!

   હવે પેલો હોશિયાર વિદ્યાર્થી બધાને પુંછી રહ્યો છે, મહેનત કરવા છતા અને પ્રામાણિક્તાથી પરીક્ષા દેવા છતાં હું સીલેકટ કેમ ના થયો? પણ કોઈ પાસે તેના પ્રશ્નનો જવાબ નથી.

  આ તો થઈ સ્કૂલો અને કોલેજોની વાત. મોટા ભાગની પ્રવેશ પરીક્ષાઓના પેપર્સ ફૂટી જાય છે. નીટ જેવી દેશની સૌથી અગત્યની પરીક્ષા પણ શંકાના ઘેરામાં ફસાયેલી છે. બાળકો થોડા મોટા થાય એટલે એ પોતાની આસપાસ ગલત રસ્તો પસંદ કરીને આગળ વધતાં લોકોને સફળ થતાં જુએ છે. અને તેઓ વધુ ને વધુ મૂંઝવણમાં મુકાય જાય છે.

   જે નિશાળમાં ભણવા જતાં હોય, તે નિશાળનાં શિક્ષકો પાસે ટ્યુશનમાં જવું ફરજિયાત છે. જો તેઓ બીજા કોઈ ટ્યુશનમા જાય તો શિક્ષકો ક્લાસમાં તેઓને સરખું ભણાવતા નથી. ને વળી જેઓ એ શિક્ષકના ટ્યુશનમા જાય તેઓને આઈ.એમ.પી. પ્રશ્નો મળી જતાં હોય છે. અંતે થાકી હારીને માતા-પિતા સંતાનોને એ જ શિક્ષકો પાસે ટ્યુશનમા મોકલે છે અને એકાએક બાળકો હોશિયાર થઈ જતાં હોય છે!

 જે માતા-પિતા પોતાના સંતાનોના શિક્ષણ પાછળ લખલૂટ ખર્ચાઓ કરે છે, અને જે માતા-પિતા પોતાના સંતાનોના શિક્ષણ માટે સૌથી વધુ ચિંતિત હોય છે, તેઓ એ પણ જાણવાની કોશિશ નથી કરતાં કે મારુ બાળક જે નિશાળમાં ભણવા જાય છે, ત્યાં ખરેખર ચાલી શું રહ્યું છે? એ નિશાળો જ પોતાનું પરિણામ સારું લાવવા બોર્ડની પરીક્ષાઓમાં બેફામ ચોરીઓ કરાવે છે. ઘરે આવીને બાળક વળી એ જ પ્રશ્ન કરતાં રહે છે. આમાં સાચું શું? તમે કહો એ કે અમારી નિશાળ શીખવે એ?

  ઘરે વડીલો વાતો કરતાં હોય કે આ સરકારી કે બિન સરકારી કામ કરાવવા ઘણા ધક્કા ખાધા, પછી નક્કી કર્યું કે સાહેબને આટલા આપી કામ જલ્દી કરાવી લીધું. કોણ લાંબી લાઈનોમાં ઊભું રહે? આમપણ હવે પૈસા દીધા વિના કોઈ કામ થવાનું જ નથી. ગમે તે ઓફીસમાં જઈએ અંડર ટેબલ વહીવટ તો કરવો જ પડે છે. લોન પાસ કરાવવાથી માંડીને, મકાનના નકશા પાસ કરાવવા સુધી, રેશનકાર્ડ કઢાવવાથી લઈને આધારકાર્ડ કે ઇવન આયુષ્યમાન કાર્ડ કઢાવવા કે પછી આ કાર્ડના ગલત ઉપયોગ બાબતે એમ દરેક ક્ષેત્રે આપણે ભ્રષ્ટાચારને એટલો નજીકથી જોઈએ છીએ કે ઘરેથી કામ કરાવવા નિકળીએ ત્યારે આપણને અંદરથી તો એવું જ ફીલ થતું હોય છે કે જે કામ મફતમાં થાય એમ છે, એના પૈસા તો આપવા જ પડશે અને જો પૈસા નહી આપીએ તો કામ નહી થાય.

 ડગલે ને પગલે આપણે આ બાબતને એટલી સ્વીકારી લીધી છે કે બાળકોને પ્રામાણિકતા વિષે સમજાવતી વખતે અંદરથી તો આપણને પણ એમ થતું હોય છે કે આપણે જે શીખવી રહ્યા છીએ એ બાબતે આપણને જ શંકા છે કે ખરેખર જે શીખવી રહ્યા છીએ એના થકી જિંદગીમાં આગળ વધી શકાશે ખરા?

  ચોપડાઓનો આદર્શવાદ કઈક અલગ છે, વાસ્તવિક દુનિયાના સિદ્ધાંતો કઈક અલગ છે. જે લોકો ખોટા રસ્તે આગળ વધી રહ્યા છે, તેઓને દુનિયા પુજી રહી છે. જેઓને કોઈપણ ગલત કામ બદલ સજા થવી જોઈએ તેઓ મોજથી જીવી રહ્યા છે. કમાણી ગલત રસ્તે લઈ આવો અને પછી એ કમાણીને શુદ્ધ કરવા ધર્મસ્થાનોમાં કે સામાજિક સંસ્થાઓમાં દાન આપી દેવાનું! બસ આ જ સમાજનું સૌથી મોટું સ્ટેટસ બની ગયું છે.

 સારા માણસો નથી, એવું નથી પણ પ્રામાણિક્તાનો અર્થ સૌ પોતપોતાની રીતે કરી રહ્યા છે. અને પ્રામાણિક માણસો એટલી બધી કસોટીઓમાથી પસાર થઈ રહ્યા છે કે લોકો તેઓને જોઈને એ રસ્તે જવાનું ટાળી રહ્યા છે. સત્ય અને નીતિમત્તાના મૂલ્યો એવી અભેરાઈએ ચડી ગયા છે, જ્યાથી નીચે નથી ઉતરી રહ્યા. અસત્યના ઘોંઘાટમાં સત્ય શૂન્યાવકાશમાં સરી પડ્યું છે.

 

 

 

 

Friday, 17 October 2025

મારિયા કોરિના મચાડો, મજબૂત લોકશાહી મૂલ્યોની લોખંડી સ્ત્રી....

મારિયા કોરિના મચાડો, મજબૂત લોકશાહી મૂલ્યોની લોખંડી સ્ત્રી.... 


હેડિંગ: 
          માચાડોનો રાજકીય સંઘર્ષ એ વાતની સાબિતી આપે છે કે લોકશાહી એવા લોકો પર આધાર રાખે છે જેઓ ચૂપ રહેવાનો ઇનકાર કરે છે, જેઓ ગંભીર જોખમ હોવા છતાં આગળ વધવાની હિંમત કરે છે. 
Nobel Peace Prize awarded to Venezuelan opposition leader María Corina  Machado



 

 

       વિશ્વમાં આજે જે કોઈપણ સફળ છે, તેઓની પાછળ એક લાંબી, સંઘર્ષકથા છે. 'સંઘર્ષ' એ દરેક વ્યક્તિના જીવનનું કોમન તત્વ છે. મુશ્કેલીઓ દરેકની જિંદગીમાં આવે છે, બસ દરેકની તેને હેન્ડલ કરવાની સ્ટાઈલ અલગ અલગ હોય છે. ઘણા મુશ્કેલીઓ સામે સરેન્ડર કરી દેતાં હોય છે, તો ઘણા મુશ્કેલીઓને સરેન્ડર કરાવતા હોય છે. હકીકત તો એ છે કે આ પૃથ્વી પરનો પ્રત્યેક જીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતો હોય છે. કોઈ જીવતા રહેવા તો કોઈ મળેલા જીવનને(સ્ટેટસને) ટકાવી રાખવા સંઘર્ષ કરતાં જ હોય છે. આપણી આસપાસ રોજ આપણે આવી અનેક સંઘર્ષવાર્તાઓને ફીલ કરતાં હોઈએ છીએ.

  પણ આ વિશ્વમાં કેટલાક લોકો એવા છે, જે સત્ય, આદર્શો, સિદ્ધાંતો, પરોપકાર, સ્વતંત્રતા, અધિકારો, ગરીબી, કોઈ જાતિ કે વર્ગના વિકાસ વગેરે વગેરે માટે સંઘર્ષ કરતાં હોય છે, પણ આપણા ધ્યાનમાં ત્યારે જ આવે છે, જ્યારે તેઓને કોઈ મોટા એવોર્ડ મળે છે! એમાં પણ જો આ વિશ્વનો સૌથી શ્રેસ્ઠ ગણાતો નોબલ પ્રાઇઝ મળે, એટલે આખી દુનિયાનું ધ્યાન તેઓ તરફ ખેંચાઇ જતું હોય છે. અને થોડા જ સમયમાં એ વ્યક્તિ ગૂગલ પર સૌથી વધુ વાર સર્ચ થયેલી વ્યક્તિ પણ બની જતી હોય છે.

  નૉર્વે નોબલ સમિતિ દ્વારા આ એવોર્ડ ભૌતિકવિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, શરીર શાસ્ત્ર કે દવા,સાહિત્ય, જુદા જુદા માનવશસ્ત્રો અને શાંતિના ક્ષેત્રે આપવામાં આવે છે. આ વર્ષનું વિશ્વશાંતિ માટેનું નોબલ પ્રાઇઝ મેળવવાની ઈચ્છા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપની અધૂરી રહી ગઈ અને એ એવાર્ડ મળી ગયો વેનેઝુએલાની સંઘર્ષવાર્તાની રાજકારણી મહિલા મારિયા કોરિના મચાડોને. -આ એવોર્ડ તેણીનો  દેશની સરકાર સામે શરૂ કરેલા યુદ્ધને વધુ તીવ્ર બનાવવાનો માર્ગ મોકળો કરવામાં મદદ કરી શકે છે. લોકશાહી અધિકારોને આગળ ધપાવવાના તેમના પ્રયાસોને આ પ્રોત્સાહન થકી એનર્જી મળી જશે.

   વેનેઝુએલાની સંઘર્ષકથાની આ હીરોઈનનો જન્મ ઇ.સ. 1967માં કારાકાસમાં થયેલો. ઇન્ડસ્ટ્રીયલ એન્જીનિયરીંગની ડિગ્રી મેળવનાર આ મહિલાએ બે દાયકા કરતાં પણ વધુ સમયથી સરમુખત્યારશાહી સામે સંઘર્ષ કરવા લોકોને પ્રેરિત કર્યા હતા. છેલ્લા વર્ષમાં, માચાડોને છુપાઈને રહેવાની ફરજ પાડવામાં આવી છે. તેમના જીવન સામે ગંભીર જોખમો હોવા છતાં, તેઓ દેશમાં રહ્યા અને  એક એવી જિંદગી પસંદ કરી  જેનાથી લાખો લોકોને પ્રેરણા મળી છે.  તેઓ  વેનેઝુએલાના સમાજના લશ્કરીકરણનો પ્રતિકાર કરવામાં ક્યારેય ડગમગ્યા નથી. માચાડો શાંતિપૂર્ણ લોકશાહી માટે અડગ યોદ્ધાની જેમ આજે પણ ઊભા છે. અને શાંતિથી પોતાની લડત લડી રહ્યા છે.

   તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત વોટ-મોનિટરિંગ સંસ્થા સુમાટેના સ્થાપક તરીકે કરી હતી. તે રાજકીય પક્ષ વેન્ટે વેનેઝુએલાના રાષ્ટ્રીય સંયોજક છે અને 2012 ના વિપક્ષી રાષ્ટ્રપતિ પ્રાઇમરીમાં ભાગ લીધો હતો, જેમાં તેણી હેનરિક કેપ્રિલેસ સામે હારી ગઈ હતી. 2014 ના વેનેઝુએલાના વિરોધ પ્રદર્શનો દરમિયાન, તેણીએ માદુરોની સરકાર સામે પ્રદર્શનોનું આયોજન કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. 2023 માં, માચાડોએ 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એકતા ઉમેદવાર બનવા માટે વિપક્ષી પ્રાથમિક ચૂંટણી જીતી. ત્યારબાદ વેનેઝુએલાની સરકારે તેમને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેણીના સંતાનો પણ હુમલાના જોખમને લીધે તેનાથી દૂર રહે છે.

 વેનેઝુએલા શાંતિનો રસ્તો છોડીને એવા રસ્તે વળી ગયું છે, જ્યાં ડગલે ને પગલે લોકશાહી અને માનવતાનું અસ્તિત્વ જોખમાય રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 8 મિલિયન લોકો પોતાનો દેશ છોડીને જતાં રહ્યા છે, સરમુખત્યારો હિંસાનો આશરો લઈ રહ્યા છે, કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે, મીડિયાની સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવી રહી છે, સાચું બોલનારને કેદ કરવામાં આવી રહ્યા છે,  એવા સમયે પણ આ સંઘર્ષકથા ચાલુ જ છે.

   માચાડોનો રાજકીય સંઘર્ષ એ વાતની સાબિતી આપે છે કે લોકશાહી એવા લોકો પર આધાર રાખે છે જેઓ ચૂપ રહેવાનો ઇનકાર કરે છે, જેઓ ગંભીર જોખમ હોવા છતાં આગળ વધવાની હિંમત કરે છે, અને જેઓ આપણને યાદ અપાવે છે કે સ્વતંત્રતાને ક્યારેય હળવાશથી લેવી જોઈએ નહીં, પરંતુ હંમેશા તેનો બચાવ કરવો જોઈએ - શબ્દોથી, હિંમતથી અને દૃઢ નિશ્ચયથી."

 

Saturday, 11 October 2025

કલાઇમેટ ચેન્જ પ્રત્યે ક્યારે સંવેદનશીલ થઈશું?

 

 કલાઇમેટ ચેન્જ પ્રત્યે ક્યારે સંવેદનશીલ થઈશું?

 

 How Global Warming Works | HowStuffWorks


ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે. ઝાકળને લીધે સવારે ટૂ-વ્હીલર્સની સિટ્સ ભીની થઇ રહી છે. ગમે ત્યારે ગમે ત્યાં પડી રહેલો વરસાદ લોકોને ભીંજવી નથી રહ્યો, પણ હેરાન કરી રહ્યો છે. ક્યારેક એટલો બધો તડકો ફીલ થઈ રહ્યો છે કે ચામડી બળી રહી હોય એવો અહેસાસ થાય છે. લોકો ઘરનું પાગરણ સુકવવા આ તડકાનો આશરો લઈ રહ્યા છે. દિવાળીકામની તૈયારીઓ લગભગ દરેક ઘરોમાં થઈ રહી છે. કેલેન્ડર મુજબ દિવસો વીતી રહ્યા છે, તહેવારો આવીને જઇ રહ્યા છે. હમણાં પ્રથમ સત્રની પરીક્ષાઓ પણ લેવાય જશે અને દિવાળી વેકેશન પણ પડી જશે. આમ આપણે જોઈએ તો બધુ જ નોર્મલ ચાલી રહ્યું છે. પણ એક બાબત નોર્મલ ફીલ નથી થઈ રહી અને એ છે, વાતાવરણમાં થઈ રહેલા ફેરફારો અને દવાખાનામાં વધતી જતી દર્દીઓની સંખ્યા!

  નવા નવા રોગો આપણા સૌના જીવનને એબનોર્મલ બનાવી રહ્યા છે. કેરળમાં મગજ ખાનાર અમીબાએ અનેક લોકોના જીવ લઈ લીધા છે. ખુદ ડોક્ટર્સ પણ આ પ્રકારના અમીબાને ઓળખવામાં થાપ ખાઈ જાય છે. આ ચેપ સામાન્ય રીતે મીઠા પાણીમાં નાક દ્વારા ફેલાય છે અને એટલો દુર્લભ છે કે મોટાભાગના ડોકટરો તેમની આખી કારકિર્દીમાં ક્યારેય કેસનો સામનો કરતા નથી. ખબર પડે કે દર્દીને આ શું થયું છે? ત્યાં સુધીમાં તો તેઓના પ્રાણ નીકળી જાય છે! કેરળમાં વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે આબોહવા પરિવર્તન જોખમ વધારી રહ્યું છે. ગરમ પાણી, લાંબો ઉનાળો અને વધતું તાપમાન અમીબા માટે આદર્શ પરિસ્થિતિઓ બનાવે છે. 1 સેન્ટિગ્રેડનો વધારો પણ કેરળના ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં તેના ફેલાવાને ઉત્તેજિત કરી શકે છે અને જળ પ્રદૂષણ અમીબા દ્વારા ખવાયેલા બેક્ટેરિયાને ખવડાવીને તેને વધુ બળ આપે છે.

  કેરળમાં 2016 માં કેસ મળવાનું શરૂ થયું, વર્ષમાં ફક્ત એક કે બે, અને તાજેતરમાં સુધી લગભગ બધા જ જીવલેણ હતા. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1962 થી વૈશ્વિક સ્તરે ફક્ત 488 કેસ નોંધાયા છે - મોટાભાગે યુએસ, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયામાં. અને 95% પીડિતો આ રોગથી મૃત્યુ પામ્યા છે. આવા તો અનેક રોગોને આપણે આપણા સૌના જીવનમાં એન્ટ્રી આપી દીધી છે. જેનું એકમાત્ર કારણ છે, પર્યાવરણ પ્રત્યેની આપણી બેદરકારી.

  આપણે વિકાસની આડમાં વાતાવરણમાં જે કઈ ફેરફારો થઈ રહ્યા છે, તેને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધા છે. કેટલા બધા સિગનલ્સ આપણને મળી રહ્યા છે કે આપણે જે રસ્તે જઇ રહ્યા છીએ, તે આપણને વિનાશ તરફ લઈ જઇ રહ્યો છે. પણ આપણે એ રસ્તેથી પાછા ફરવા જ નથી માંગતા. પંજાબ, હિમાચલ-પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર વગેરે સ્થળોએ કુદરતે જે તાંડવ કર્યું છે, તેના આપણે સાક્ષી છીએ, પણ કોઈ એ પુરાવાઓને યાદ રાખવા જ નથી માંગતા! પ્રવાસન આવા હરવા ફરવાના સ્થળે વસતા લોકોની રોજી-રોટી છે, પણ પ્રવાસનના નામે કુદરત સાથે જે અત્યાચાર થઈ રહ્યો છે. તેના પરિણામો આપણે સૌ ભોગવી જ રહ્યા છીએ.

  દુનિયાનો દરેક દેશ આજે કોઈને કોઈ કુદરતી આફતનો સામનો કરી રહ્યો છે. ક્યાંક ભૂકંપ, તો ક્યાંક દાવાનળ, તો ક્યાંક જવાળામુખી, દેશોને અને દેશોની મિલકતોને બરબાદ કરી રહ્યો છે. છેલ્લા સર્વે મુજબ કુદરતી આફતોએ વૈશ્વિક સ્તરે ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેમાં વિશ્વ હવામાન સંગઠન (WMO) ના સર્વે મુજબ 1970 થી 2021 વચ્ચે હવામાન, આબોહવા અને પાણી સંબંધિત જોખમોને કારણે $4.3 ટ્રિલિયનનું આર્થિક નુકસાન અને 2 મિલિયનથી વધુ લોકોના મોત થયા હતા.

  કુદરતને અવગણવાનું પરિણામ આપણી સામે જ છે.વાતાવરણ તેની સ્ફૂર્તિ ગુમાવી રહ્યું છે, અને તેને લીધે આપણે પણ સવારે ફ્રેશનેશ નથી ફીલ કરી રહ્યા. આપણાં સૌના જીવનમાથી વાતાવરણની શુદ્ધતા વિદાય લઈ રહી છે. અને તેના વર્સ્ટ પરિણામો આપણે તો ભોગવી જ રહ્યા છીએ, પણ આવનારી પેઢીઓ પણ ફીલ કરશે. આપણે તેઓને વારસામાં સંપતિના ઢગલા ના આપી શકીએ તો કઈ નહી, પણ શુદ્ધ વાતાવરણ આપવા માટે પ્રતિબદ્ધ થઈએ.

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...