દીકરીઓ.................કોની જવાબદારી?
ઝારખંડના રાંચી શહેરમાં ઠાઠથી એક બારાત નીકળી છે, જેમાં કોઈ વર નથી, કોઈ વધુ નથી, એક વૃદ્ધ માણસ અતિ હરખથી નાચતા નાચતા આગળ વધી રહયા છે. તેઓના ચહેરા પર સંતોષનો આનંદ છે. તે બારાત એક ઘર પાસે જઈને ઊભી રહે છે, અરે પિતાજી તમે, એવું કહીને જમાઈ પિતાને પગે લાગે છે, ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બનેલી દીકરી પિતાને આવેલા જોઈને પિતાને ભેટી પડે છે. તેણીની આંખોમાં આંસુઓની ધારા વહી રહી છે, અને પિતાની આંખોમાં પણ... પણ એ આંસુ દીકરીને સાસરિયાના ત્રાસમાથી છોડાવવાના સંતોષના હતા! ખુશીના હતા!
મારી દીકરી સાસરે જવાથી કોઈ અજાણી વ્યક્તિ નથી બની ગઈ કે નથી એ પરાયું ધન… ડાઈવોર્સી દીકરીને ઘરે લઈ જતાં સમયે નીકળેલા આ વાક્યોએ સમાજને જગાડવાનું કામ કર્યું છે. પિતાએ કહ્યું કે એક બાપ પોતાની દીકરીને ઉજ્જવળ ભવિષ્ય આપવા તેણીના લગ્ન કરાવે છે, પણ જો જીવનસાથી ખરાબ નીકળે કે સાસરિયાં સારા ના હોય તો દીકરીને તરત જ પિયર તરફ સન્માનપુર્વર્ક લઈ જવી જોઈએ. કારણકે દીકરીઓ અમૂલ્ય હોય છે!
જો માતા-પિતા આ વાતને સમજી લે, તો દીકરીઓ પ્રત્યેના સમાજના પૂર્વગ્રહોમાં ધરખમ ફેરફારો લાવી શકાય એમ છે....
“દીકરી કોની જવાબદારી છે?” આ પ્રશ્નનો જવાબ સદીઓથી આપણો સમાજ શોધી રહ્યો છે, પણ હજી સુધી તેનો કોઇ જવાબ મળી શક્યો નથી! તમે કહેશો અરે આજના સમાજમાં દીકરીઓને વળી કોણ જવાબદારી સમજે છે? હવે તો સમય બદલાય ગયો છે. અને દીકરીઓ સાથે પણ હવે દીકરાઓ જેવો જ વ્યવહાર કુટુંબોમા થાય છે. નો ડાઉટ સમય બદલાય ગયો છે, પણ આપણા સમાજની, ખાસ કરીને ગ્રામ્ય સમાજની મેંટાલિટી બદલાઈ છે ખરી?
ઘણા બધા ક્ષેત્રે હવે દીકરીઓની એન્ટ્રી થઈ ચૂકી છે, પણ એ એન્ટ્રી લેનાર દીકરીઓની સંખ્યા કેટલી? ભારતમાં આમ તો બે પ્રકારની દીકરીઓ રહે છે, એક શહેરી દીકરી અને બીજી ગ્રામ્ય દીકરી.... શહેરી વિસ્તારની દીકરીઓની પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં હજી આ બદલાવ બાકી છે..... આજે પણ ગામડાઓમાં દીકરીઓને પોતાનો જીવનસાથી નક્કી કરવાની કે પછી પોતાનું કરિયર નક્કી કરવાની કે સફળતા મેળવવાના રસ્તાઓ પસંદ કરવાની સ્વતંત્રતા નથી મળતી....
આજે પણ આગળ વધનાર સ્ત્રીઓ કરતાં પીછેહઠ કરનાર સ્ત્રીઓની સંખ્યામાં બહુ મોટો તફાવત જોવા મળે છે. ઘણા એવા કુટુંબો છે, જ્યાં દીકરીઓ કરતાં દીકરાઓને વધુ મહત્વ આપવામાં આવે છે. દિકારાઓ સક્ષમ ના હોય તો પણ એના શિક્ષણ પાછળ ખર્ચ કરવો છે, પણ દીકરીઓ સક્ષમ હોય તો પણ તેણીના શિક્ષણ પાછળ રોકાણ નથી કરવું!
દીકરી તો પરણીને સાસરે જતી રહેવાની, તેને ભણાવીશું તો એ લાભ તો બીજાને મળવાનો છે, એવા પૂર્વગ્રહો ધરાવનાર લોકોની સંખ્યામાં જરાપણ ઘટાડો નથી થયો. દીકરીનું શિક્ષણ તેના માટે વિપરીત સંજોગોમાં અને પોતાના હકો માટે લડવાનું સૌથી મજબૂત હથિયાર બની શકે એમ છે, પણ આપણે એ દિશામાં વિચારતા જ નથી...
દીકરીને લગ્ન સમયે કરિયાવર નહી આપીએ તો ચાલશે, પણ શિક્ષણ અને સ્કિલ-ડેવલપમેંટના પાઠ શીખવીશું તો તેણી જીવનમાં આવતી કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકશે, બસ દીકરીઓને ભણાવતી વખતે આટલું યાદ રાખીએ...
તો બીજો જવાબદારી અંગેનો એ સવાલ છે કે લગ્ન પછી ખબર પડે કે દીકરીને સાસરામાં દૂ:ખ આપવામાં આવે છે, ડોમેસ્ટિક વાયોલન્સનો દીકરી ભોગ બની રહી છે, તો તે તેણીનું નસીબ છે, એવું કહીને કે પછી, પતિ-પત્ની વચ્ચે આવું તો ચાલ્યા કરે, થોડો સમય જશે એટલે બધુ સરખું થઈ જશે, એવું સમજાવીને કે પછી ઘરમાં હજી તારી બહેનો બેઠી છે, તો એડજસ્ટમેંટ કરી લે એવી શિખામણ આપીને કે લગ્ન પછી તો દીકરીનું સાસરું જ તેણીનું ઘર છે, તેવી ડાહી ડાહી વાતો કરી લેવાથી શું આપણે દીકરીઓને આત્મહત્યાના રસ્તે નથી વાળી દેતાં?
ખાસ કરીને દીકરીઓએ જ્યારે અણસમજણમાં આવી જઈને ‘લવ મેરેજ’ કર્યા હોય ત્યારે તો આપણે જાણે એણે માફ ના કરી શકાય એવો અપરાધ કર્યો હોય એવું ચિત્ર ઊભું કરી દેવામાં આવે છે. માતા-પિતાએ શોધ્યું હોત તો આવું ના થાત! એવી માન્યતાઓ સાથે આપણે દીકરીઓને જંગલી પશુઓથી ભરેલા જંગલમાં એકલી છોડી દેતાં હોઈએ છીએ.
અરે આવી ભૂલો તો થઈ જાય, પણ માતા-પિતા તરીકે આપણા સૌની ફરજ છે કે આપણે દીકરીના આ કપરા કાળમાં તેણીની સાથે ઊભા રહીએ. ઉપરની સુંદર ઘટનાનો એક યુ-ટ્યુબ વિડીયો આજકાલ બધુ વાઇરલ થઈ રહ્યો છે, જેનું ટાઇટલ છે, ‘બેન્ડ, બાજા ઓર બીટીયા’. જોવાલાયક વિડીયો છે. સોસિયલ મીડિયા સામાજિક જાગૃતિ લાવવાનું સૌથી મોટું માધ્યમ છે, બસ આપણે જાગૃત થવા જોઈએ. દીકરી હકીકતમાં તો કોઇની જવાબદારી નથી, તેણીને મોકો મળે તો એ આખા કુટુંબની જવાબદારી ઉપાડી લે એમ છે, બસ એક જાગૃત માતા-પિતા તરીકે આપણે સૌએ તેણીને પેલા પિતાએ આપ્યો એવો સપોર્ટ આપવાનો છે.
ગામની એક દીકરી લવ મેરેજ કરીને ભાગી જાય તો આખા ગામની દીકરીઓના શિક્ષણ પર રોક લાગી જતી હોય છે. એક દીકરીએ કર્યું, એવું બધી કરશે, એ પૂર્વગ્રહ જ કેટલો અન્યાયી છે.... અને આ અન્યાયને આપણે સૌએ સાથે મળીને દૂર કરવો પડશે.
મહિલાઓને નડતાં આવા તો કેટલાયે પ્રશ્નો છે, જેના ઉકેલો આપણે સૌએ સાથે મળીને શોધવાના છે, અને સ્ત્રીઓને અસ્તિત્વ ટકાવી રાખવામા સપોર્ટ પૂરો પાડવાનો છે. સ્વસ્થ અને સુશિક્ષિત દીકરીઓ આખા સમાજની સૌથી મોટી સંપતિ છે, કારણકે તેની કોખમાં જ દેશનું ભવિષ્ય પલતું હોય છે....

No comments:
Post a Comment