ઓલમ્પિક, મેડલ અને આપણે.....
કાલ સાંજથી ‘નીરજ ચોપડા’ એ નામ ભારતના ઘરે ઘરે ગુંજતું થઇ ગયું છે. આપણે સોસોયલ મીડિયા તેના પરાક્રમના સમાચારથી ફૂલ છે. દેશની પ્રત્યેક વ્યક્તિ તેમનાં માટે ગર્વ લઇ રહી છે. લોકો પોતાના વોટ્સ-એપ સ્ટેટસમાં તેઓને અપડેટ કરી રહ્યા છે. કાલ સુધી જે નામને આપણે જાણતાં નહોતા એ આજે સમગ્ર વિશ્વમાં જાણીતું થઇ ગયું છે. ભારતે આઝાદી પછી પ્રથમવાર એથ્લીટમાં ‘ગોલ્ડ-મેડલ’ જીત્યો અને આપણે સૌ એ જીતનું ગર્વ લઇ રહ્યા છીએ. આજે ગૂગલ પર સૌથી વધુ સર્ચ ‘નીરજ ચોપડા’ વિષે થશે. ઘણાને આજે ખબર પડશે કે ‘જવેલીન-થ્રો’ એટલે શું? એથ્લીટ એટલે શું? એ પણ આજે ઘણાને સમજાશે! એક નજર તેમને મળેલા ઇનામોની યાદી પર કરી લઈએ. અત્યાર સુધીમાં તેમને મળેલા ઇનામોની યાદી જોઈએ,
હરિયાણા સરકાર ૬ કરોડ અને ક્લાસ-૦૧ જોબ
bcci ૧ કરોડ
ભારત ઓલમ્પિક સમિતિ ૭૫ લાખ
મહિન્દ્રા કંપની ૧કાર
મોરારીબાપુ ૨૫૦૦૦ રૂ.
તેમના જીવન પર એક મુવી પણ બનશે.
વગેરે વગેરે આ તો હજી શરૂઆત છે, પણ મિત્રો આપણે જે સફળતા જોઈએ છીએ ને તેની પાછળ અપ્રિતમ સાહસ અને સંઘર્ષ રહેલો હોય છે. વર્ષોની મહેનત હોય છે. કઠોર પરિશ્રમ હોય છે. અનેક નિષ્ફળતાઓ હોય છે, કેટલીયે ઈજાઓ હોય છે, ૨૦૧૯ માં તેમને કોણીમાં ઈજા થઇ હતી અને ઓપરેશન પણ કરાવ્યું હતું! તેઓ લાઈમલાઈટમાં આવ્યાં ઓલમ્પિકને લીધે બાકી ઘણા બધા મેડલ્સ તેઓના નામે છે. એશિયન જુનિયર ચેમ્પીયનશીપથી ચાલુ કર્યું અને પછી એ પ્રવાસ કદી અટક્યો નથી! કોમન-વેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, સાઉથ એશિયન ગેમ્સ, એશિયન ચેમ્પીયનશીપમાં તેઓ મેડલ્સ જીતી ચુક્યા છે. અર્જુન એવોર્ડ પણ તેઓને મળી ચુક્યો છે. આ બધી સિદ્ધિ પાછળ જો સૌથી વધુ કોઈ મદદરૂપ બન્યું હોય તો એ છે, તેઓના માતા-પિતા!
આ જ બાબત મારે આજે તમને પૂછવી છે, આ દેશમાં એવા કેટલા માતા-પિતા મળી આવશે? જે પોતાના સંતાનોને ‘રમતમાં’ કારકિર્દી બનાવવા દેશે? આપણે ત્યાં શારીરિક શિક્ષણને જરાપણ મહત્વ આપવામાં આવતું નથી. શાળાઓમાં અને મહાશાળાઓમાં શારીરિક શિક્ષણને માત્ર એક વિષય તરીકે ગણી લેવામાં આવે છે! એમાં પાસ થવું સરળ હોય એટલે વિદ્યાર્થીઓ એ વિષય પસંદ કરી લેતા હોય છે. તેની પ્રેક્ટીકલ પરિક્ષા કેવી રીતે લેવાય છે? આપણે સૌ જાણીએ છીએ. ભણતરના ભાર નીચે રમતો દબાઈ ગઈ છે. અને જે બાકી કામ હતું એ ‘ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ’ એ પૂરું કર્યું. આપણા બાળકો વર્ગ-ખંડોમાંથી નવરા જ નથી પડતાં કે આપણે તેઓને રમતના મેદાન પર રમતા નિહાળીએ. રમતના મેદાનો સાવ સુમ-શાન બની રહ્યા છે.
આપણે કેળવણીને પૈસા સાથે જોડીને તેનું મૂળ મહત્વ ભૂલી ગયા છીએ. રમતોમાં પૈસો નથી એટલે આપણે વિદ્યાર્થીઓને એ તરફ વળવા દેતા નથી. માતા-પિતા માટે એ સ્વીકારવું અને સમજવું જ મુશ્કેલીભર્યું બની ગયું છે કે રમતમાં પણ સંતાનોને આગળ વધારી શકાય છે. આપણે આપણા બાળકોને નાનપણથી જ વર્ગખંડો તરફ ધકેલી દેતા હોઈએ છીએ. રમતો નું સ્થાન જ આપણે તેઓના જીવનમાંથી છીનવી લીધું છે. રમતના મેદાનમાં સંતાનો પરસેવો પાડે એ માતા-પિતાને ગમતું જ હોતું નથી. એમાં પણ બાળક દસમાં કે બારમાં ધોરણમાં આવે એટલે તો તેના રમવા પર જાણે પ્રતિબંધ જ આવી જાય છે. અમુક ઉંમર બાદ રમતો જાણે આપણા સૌના જીવનમાંથી વિદાય જ લઇ લેતી હોય છે!
આપણે યાદ રાખીએ કે પૈસા મળ્યા એટલે તેમણે મેડલ્સ નથી જીત્યા, પણ તેઓ મેડલ્સ જીત્યા એટલે પૈસા મળ્યા! આપણા માતા-પિતાએ સમજી લેવાની જરૂર છે કે શારીરિક વિકાસ પણ જીવનના વિકાસ માટે એટલો જ જરૂરી છે. આપણે પણ સંતાનોને રમતના મેદાન પર દોડવા દઈએ અને રમવા દઈએ. તેને જે રમતમાં રસ હોય તે રમતમાં જવા દઈએ. યોગ,મેડીટેશન,રમત બધું જ જીવન માટે જરૂરી છે, તે નાં ભૂલીએ. વળી તેઓ કદાચ રમતને કારકિર્દી બનાવવા નાં માંગતા હોય તો કઈ નહિ, પણ તેઓના સર્વાંગી વિકાસ માટે તેઓને રમવા દઈએ.
નીરજ ચોપરા, સાઈના નેહવાલ, પી.વી.સંધુ, મીરાં ચાનું, બજરંગ પુનિયા, અદિતિ, મેરી કોમ, રવિ દહિયા, વગેરે રમતવીરોની સફળતા આજે આપણને સમજાવી રહી છે, પ્રેરણા આપી રહી છે કે આપણે પણ આપણા સંતાનોને રમતો તરફ વાળીએ. રમતોમાં તેઓને આગળ વધવા દઈએ. તેઓના માતા-પિતાએ પણ જો આવું વિચાર્યું હોત તો આપણા દેશને ઓલમ્પીકમાં આટલી સફળતા નાં મળી હોત! ઘણા લોકો એવું કહે છે કે આપણા દેશમાં ક્રિકેટ સિવાય એકેય રમતમાં પૈસો જ નથી, પણ આ ખોટું છે. દરેક રમતમાં પૈસો, પ્રસિદ્ધિ રહેલા જ છે. હવે આપણે પણ એ જાણી લેવાની જરૂર છે કે આપણે દરેક રમતને પ્રોત્સાહન આપીએ.
ઘણા એવું કહે છે કે મેડલ જીતે ત્યારે ચારે તરફથી પ્રશંશા થાય છે, પણ પછી... અરે એવું તો દરેક ક્ષેત્રોમા થતું હોય છે. આપણે અપડેટ કેમ રહેવું? એ આપણે નક્કી કરવાનું હોય છે. દરેકની સફળતાનો સમય નિશ્ચિત જ હોય છે. પછી જે તે રમતોમાં યોગદાન આપીને આપણે દેશને મદદ કરી શકીએ છીએ. માતા-પિતાએ રમતોને પણ સંતાનોના જીવન સાથે જોડવી પડશે. જો આપણે ઓલમ્પીકમાં આનાથી પણ વધુ સારું પરફોર્મન્સ કરવા ઇચ્છતા હોઈશું તો રમતોમાં રોકાણ કરવું પડશે. આપણા રમતવીરોને વધુ ને વધુ પ્રોત્સાહન આપવું પડશે. તેઓને ક્રિકેટના ખેલાડીઓ જેટલું મહત્વ આપવું રહ્યું. શિક્ષણમાં રમતોને પણ સ્થાન આપવું પડશે. જો આપણે રમતના મેદાનો ધમધમતા કરવા હશે તો બાળકોને ભણતરના ભારથી મુક્ત કરવા પડશે. તેઓને શેરીની ધૂળમાં આળોટવા દેવા પડશે, તેઓને વડના ઝૂલે ઝૂલવા દેવા પડશે અને નદીઓના પાણીમાં કુદવા પણ દેવા પડશે. તેઓને ઝાડ અને પહાડ પર ચડવા દેવા પડશે.
You will be nearer to heaven playing football than studying the Bhagavad-Gita.? સ્વામીવિવેકાનંદનું આ વાક્ય જ આપણને સૌને રમતોનું મહત્વ સમજાવી જાય છે. માતા-પિતા જાગશે તો આપણે વધુ ને વધુ રમતવીરો મેળવી શકીશું. ભલે સૌને આ નિર્ણય અઘરો લાગતો હોય પણ જો આપણા બાળકોને એ તરફ જવું હોય તો એ નિર્યણ જરૂરથી લઈએ. તેઓને પૂરેપૂરું પ્રોત્સાહન આપીએ, તેઓ પાછળ એક તાકાત બનીને ઊભા રહીએ. દરેક સફળતા પાછળ સંઘર્ષ હોય છે, એ સંઘર્ષ આપણા સંતાનોને કરવા દઈએ. એવું પણ જરૂરી નથી કે તેઓને તમામ સગવડો પૂરી પાડવી જરૂરી છે. જેઓને આગળ વધવાની ઈચ્છા છે, તેઓ માટે માતા-પિતાનો સપોર્ટ જ સૌથી જરૂરી છે. તે તેઓને આપીએ અને ઓલમ્પિક અને અન્ય રમતોત્સવની મેડલ ટેલીમાં આપણું સ્થાન વધુ ને વધુ આગળ લઇ જઈએ!