ચૂંટણીઓ, આપણે હારની ખેલદિલી અને જીતની વિવેકબુદ્ધિ ભૂલી ગયા છીએ!!!
હેડિંગ : ચૂંટણીઓ એ પસંદગીની પ્રક્રિયા છે, જેમાં આપણે જવાબદારીથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાની હોય છે, આ પ્રક્રિયામાં ક્યાંય વલ્ગર કે નીચ કક્ષાનું કન્ટેન્ટ સોસિયલ મીડિયા પર વાઇરલ થવું જોઈએ નહી. ચૂંટણીઓ લોકોના મનોરંજન માટે નથી. માટે આવી રીલ્સ બનાવનાર પર કંટ્રોલ હોવો જરૂરી છે.
પાંચ રાજ્યોની ચૂંટણીઑ પૂરી થઈ. પરિણામો પણ આવી ગયા. આપણા દેશમાં જુદી જુદી જગ્યાએ ભરાતી સંસદો અને ઓટલા પરિષદોમાં ચૂંટણીની હાર-જીતની ચર્ચાઓ સૌથી વધુ થાય છે. ગામડાઓથી લઈને શહેરો સુધી આપણે સૌ ચૂંટણીઓ સાથે જોડાયેલા રહીએ છીએ. જો કે આઝાદીના 77 વર્ષો બાદ પણ આપણને હજી મત કોને આપવો? એ નક્કી કરતાં નથી આવડતું. આજે પણ આપણે ઉમેદવારો જ્ઞાતિ અને જાતિના આધારે જ નકકી કરી રહ્યા છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી આપણી પાસે કોઈ ઠોસ વિકલ્પ પણ નથી. એટલે મોટાભાગની ચૂંટણીઓ એકતરફી થઈ ગઈ છે. ધર્મના આધારે લડાઈ રહેલી ચૂંટણીઓમાંથી વિકાસ અને આપણા સાચા પ્રશ્નો અને પડકારો એકદમ ભુલાઈ જ ગયા છે.
પણ સાથે સાથે બીજી કેટલીક અગત્યની બાબતો છે, જે આપણે સાવ ડિલીટ કરી દીધી છે અને એ છે, ખેલદિલી અને વિવેકબુદ્ધિ. હાર-જીત એ ચૂંટણીની રૂટિન પ્રક્રિયાઓ છે. પણ આપણે હારની ખેલદિલી અને જીતની વિવેકબુદ્ધિ ભૂલી ગયા છીએ. સોસિયલ મીડિયા પર શું શેર કરવું અને શું ના કરવું? શું જોવું અને શું ના જોવું? એ પ્રશ્નના જવાબો તો આજે પણ આપણી પાસે નથી. એમાં હવે ચૂંટણીમાં હારેલા નેતાઓ અને પક્ષો વિષેની એકદમ બેહૂદી અને ગંદી રીલ્સ જોઈને અને શેર કરીને આપણે જે આનંદ લઈ રહ્યા છીએ, તે આપણી નીચી માનસિકતા છતી કરે છે. આ રીલ્સ કોમનસેન્સથી નહી,પણ બીજાને નીચા દેખાડવાના પ્રયાસોરૂપે બનાવવામાં આવે છે, અને એટલે તે એકદમ નિમ્ન કક્ષાની બને છે. અને વાઇરલ પણ એટલી જ ઝડપથી થાય છે. અને ટ્રેન્ડમાં તો 5જી કરતાં પણ વધુ સ્પીડે આવી જાય છે.
2024 ની ચૂંટણીઓ ભારતની પ્રથમ એ,આઈ, બેઝ્ડ ચૂંટણીઓ હતી, જેમાં રાજનીતિ અંગેની રીલ્સ અને પોસ્ટ ઇંસ્ટા અને યુ-ટ્યુબ જેવા સોસિયલ મીડિયા પર સૌથી વધુ શેર થઈ. પણ સાથે સાથે નેતાઓની સાવ ઊતરતી કક્ષાઓની રીલ્સ બનાવવાનો ટ્રેન્ડ પણ એટલો જ વાઇરલ થયો. જેણે ત્યાર પછીની બધી ચૂંટણીઓમાં માઝા મૂકી. આ પ્રકારની પોસ્ટસ અને રીલ્સ લોકોને સૌથી વધુ મિસલીડ કરે છે. એમાં મૂકવામાં આવતી માહિતીમાં 0.05 ટકા જેટલું પણ સત્ય નથી હોતું.
પશ્ચિમ બંગાળ અને તામિલનાડુની ચૂંટણીઓ પર આ વખતે સૌથી વધુ રીલ્સ બની અને વાઇરલ પણ થઈ. તામિલનાડુમાં જેન-ઝી વૉટર્સ ઇંસ્ટા અને બીજા સોસિયલ મીડિયા પર સૌથી વધુ સક્રિય થયા. એ. આઈ. ના ટચે આ ટ્રેન્ડઝમાં ચાર ચાંદ લગાવી દીધા! પણ એ. આઈ. નો ગલત ઉપયોગ કરીને બનાવેલી કેટલીક રીલ્સ એટલી બેકાર હતી કે જોઈને પ્રશ્ન થાય કે આ લોકોને રોકવાવાળું કોઈ નહી હોય? એમાં પણ પશ્ચિમ બંગાળના હારેલા મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જીની રીલ્સ જોઈને એવું ફીલ થાય કે શું પુરુષો મહિલાઓ વિષેની પોતાની ટૂંકી માન્યતાઓ અને પૂર્વગ્રહો માંથી હજી આજે પણ બહાર આવી શકયા નથી?
ચૂંટણીઓ લોકશાહીનો આત્મા છે, જે આજે આવી રીલ્સને લીધે એકદમ ઘાયલ થઈ ચૂક્યો છે. કોઈપણ વ્યક્તિ પ્રત્યેનો આદર આપણે અભેરાઈએ ચડાવી દીધો છે. મોદી અને દીદી બંનેનો આદર થવો જોઈએ. જે હારી જાય છે, એ એટલા નીચા નથી હોતા, જેટલા તેઓને આ રીલ્સ દ્વારા દેખાડવામાં આવે છે. કોઈપણ સ્ત્રી આપણી ઘરની દીકરી જેટલા જ આદરને પાત્ર હોય છે. તેણીને આવી રીતે રીલ્સ થકી નીચા દેખાડવાના પ્રયાસો શું દર્શાવે છે? કે આપણે વિવેકબુદ્ધિ ચૂકી ગયા છીએ. એ. આઈ. થકી મોદી અને દીદીના રોમાંસના વિડિયોઝ જોઈને થાય કે આપણે વિવેકબુદ્ધિમાં માઇનસમાં જતાં રહ્યા છીએ.
રીલ્સ માહિતી માટે બનાવવી જોઈએ, જાહેરાતો માટે બનાવવી જોઈએ પણ કોઈનું અપમાન કરવા માટે તેનો ઉપયોગ ના થવો જોઈએ. ચૂંટણીઓ એ પસંદગીની પ્રક્રિયા છે, જેમાં આપણે જવાબદારીથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરવાની હોય છે, આ પ્રક્રિયામાં ક્યાંય વલ્ગર કે નીચ કક્ષાનું કન્ટેન્ટ સોસિયલ મીડિયા પર વાઇરલ થવું જોઈએ નહી. ચૂંટણીઓ લોકોના મનોરંજન માટે નથી. માટે આવી રીલ્સ બનાવનાર પર કંટ્રોલ હોવો જરૂરી છે. અને આપણી શેરિંગ કેપેસિટી પર પણ આપણે કંટ્રોલ રાખવો જરૂરી છે. રીલ્સ જવાબદારીપૂર્વક તૈયાર થવી જોઈએ અને જે સંવાદો થાય એ આદરપૂર્વકના હોવા જોઈએ.

No comments:
Post a Comment