આર્ટિફિશ્યલ ઈંટેલિજન્સ, મશીનો સ્માર્ટ થતાં જાય છે અને માણસો.... ???
Geoffrey Hinton, જેઓ ‘AI’ ટેક્નોલોજીના ગોડફાધર મનાય છે, તેમણે હમણાં ગૂગલમાથી એમ કહીને રાજીનામું આપ્યું કે “હવે મને મારા કામ માટે પસ્તાવો થઈ રહ્યો છે.” રાજીનામું આપતા સમયે તેમણે ન્યુયોર્ક-ટાઈમ્સને આપેલી મુલાકાતમાં કહ્યું કે મે આ રાજીનામું એટલા માટે આપ્યું છે કે જેથી હું વિશ્વને AI ટેકનૉલોજિની કેટલીક ડરામણી વાસ્તવિકતાઓ જણાવી શકું.
આ ટેક્નોલોજીની શરૂઆત આમ તો ઇ.સ. 1308માં કેતલાન અને રામોન લ્યુઈએ કરી હતી. પણ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ તરીકે તેની શરૂઆત જ્હોન મેકાર્થી, માર્વિન મિસ્કી અને નાથેનિયલ રોચેસ્ટરે ઇ.સ. 1955માં કરી હતી. તો તેજ વર્ષે ડીસેમ્બરમાં હરબર્ટ સિમોન અને એલેન નેવેલે સૌથી પ્રથમ એ.આઈ. પ્રોગ્રામ' લૉજિક થિયરિસ્ટ ની રચના કરી હતી. આ બંને સદીઓ વચ્ચે ઘણા બધા લોકોએ એ.આઈ. ટેકનૉલોજિ ક્ષેત્રે નવા નવા સંશોધનો કરેલા. આપણે સૌ કમ્પ્યુટર સાથે ગેમ્સ રમીએ છીએ, ખાસ કરીને ચેસ, એ.આઈ.ટેકનોલોજિ જ છે.
આજે પણ આપણા સૌના જીવનમાં આ ટેકનોલોજીનો જુદી જુદી જગ્યાએ આપણે ઉપયોગ કરી જ રહ્યા છીએ. જુદા જુદા સર્ચ એંજિન્સ, ઓનલાઈન એપ્લીકેશન્સ , યુ-ટ્યુબ, એમેઝોન, નેટફ્લિક્સ, ઑ.ટી.ટી. પ્લેટફોર્મ્સ વગેરે આ જ ટેકનૉલોજિ આધારિત છે. તો વળી માણસની ભાષાને સમજતા એલેક્ઝા અને ગૂગલ આસિસ્ટન્ટ પણ આ જ કેટેગરીમાં આવે છે. કેટલીક સેલ્ફ-ડ્રાઇવિંગ કાર્સમાં પણ આ ટેકનૉલોજિનો ઉપયોગ વધી રહ્યો છે.
આજે જ્યાં જ્યાં ઓટોમાઈજેશન છે, ત્યાં ત્યાં માણસોની જગ્યા આ ટેક્નોલોજિ લઈ રહી છે. હવે તો આ ટેકનૉલોજિ માણસો વતી વિચારવાનું અને નિર્યણો લેવાનું કામ પણ કરશે. અને એટલે જ આજકાલ તે વધુ ને વધુ ચર્ચામાં છે. ખાસ કરીને ‘chatgpt’ જેવા પ્રોગ્રામ્સ ના નવેમ્બર-2022 માં લોન્ચ થયા પછી આ ચર્ચાએ પાછું જોર પકડ્યું છે કે આ ટેકનૉલોજિ આપણા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક?
સતત અપડેટ થઈ રહેલી આ ટેકનોલોજીએ આપણા જીવનને ઘણું સરળ બનાવી દીધું છે. જે કામો પહેલાના જમાનામાં આપણને અશક્ય લાગતાં હતા એ કામો આજે આ ટેકનોલોજીએ શકય બનાવી દીધા છે. આના ફાયદા જોઈએ તો, 24*7 કામ કરવું, કંટાળ્યા કે થાક્યા વિના સતત કામ કરતાં રહેવું, પૂર્વગ્રહરહિત નીર્યણો, પડતર ઘટે છે, માનવીય ભૂલો ઘટાડે છે, સુધારે છે, માહિતીનું સરળતાથી વિશ્લેષણ કરી આપે છે, આપણને આરોગ્ય વિષે માહિતી આપે છે, પર્યાવરણ બચાવવામાં મદદ કરે છે, નવા નવા સંશોધનો થઈ શકે છે. વગેરે વગેરે ...
સૌથી મહત્વનુ એ છે કે આ ટેકનૉલોજિને માણસની જેમ લાગણીઓ નથી હોતી, એટલે લાગણીઓને કારણે કામના સ્થળે જે કઈ સમસ્યાઓ ઊભી થાય છે,તે આ ટેક્નોલોજીને લીધે ઊભી થતી નથી! માણસોના મેનેજમેન્ટ કરતાં મશીન્સનું મેનેજમેન્ટ હવે સરળ લાગવા લાગ્યું છે. રોબોટને આપણે કહીએ એટલું કામ કોઈપણ જાતની કચ કચ વિના કર્યે રાખે છે. એકવાર એક પ્રોગ્રામ ફીટ કરી દઈએ એટલે એ આપણી સૂચના મુજબ કામ કર્યે રાખે છે.
તો વળી આ એ.આઈ. પર કેટલાક આક્ષેપો પણ છે, આને લીધે બેરોજગારી વધશે, એક રીપોર્ટ મુજબ એ.આઈ. ને લીધે 300 મિલિયન લોકો પોતાની રોજગારી ગુમાવશે! આના સર્જન પાછળ ખર્ચો બહુ થાય છે, વ્યક્તિઓમાં રહેલી સર્જનાત્મકતા ઘટતી જશે, માણસો પોતાની ભૂલો સુધારવા પર ધ્યાન નહી આપે, આને લીધે સાઇબર ક્રાઇમ વધી રહ્યો છે, અને આજે સમાજ પર આ ટેક્નોલોજીની જે કઈ ખરાબ અસરો થઈ રહી છે, તે આપણે જોઈ જ રહ્યા છીએ. મશીન્સને અપડેટ કરતો રહેતો માણસ પોતાની જાતને અપડેટ કરવાનું ભૂલતો જશે.
રોબોટ મુવીમાં રજનીકાંતે માણસ જાતની રક્ષા કરવા અને માણસોની જેમ લાગણીઓ અનુભવતો એક રોબર્ટ બનાવેલો, જે તેના માટે જ સૌથી મોટો દુશ્મન બની જાય છે. જોફરી હિનટોને પણ આવી જ ચેતવણી આપીને કહ્યું છે કે એ.આઈ. ટેકનૉલોજિ ભવિષ્યમાં માણસ જાત પર મોટું દબાણ ઊભું કરશે. તેમણે ખાસ કહ્યું છે કે આ ટેકનૉલોજિ જો કોઈ અયોગ્ય માણસના હાથમાં આવી જશે તો એના ભયંકર પરિણામો આપણે સૌએ ભોગવવા પડશે. હવે સમજવાનું આપણા પક્ષે છે. આપણને ઈશ્વરે બુદ્ધિ સાથે વિવેકબુદ્ધિ આપી છે, તેનો ઉપયોગ કરીએ.