Thursday, 5 March 2026

પ્રેમ, પ્રકૃતિ, શ્રદ્ધા, ખુશીઓના રંગોને પિચકારીમાં ભરી નીકળી પડીએ.... જીવી લઈએ!

 

   પ્રેમ, પ્રકૃતિ, શ્રદ્ધા, ખુશીઓના રંગોને પિચકારીમાં ભરી નીકળી પડીએ.... જીવી લઈએ!

 Happy Holi 2026: 75+ best unique wishes, quotes, greetings messages,  Instagram & WhatsApp status to share with loved ones - Lifestyle News | The  Financial Express

 

 

 

     આપણે સૌ રંગ વગરના જીવનની કલ્પના જ કરી શકીએ એમ નથી. આમ તો પ્રકૃતિ આપણી પાસે રોજ નવા રંગો લઈને આવે છે. સૂર્યોદયનો કેસરી અને પીળો રંગ, સંધ્યાના આકાશના રંગોની તો ફીલિંગ જ કઈક અલગ હોય છે. સૂર્યાસ્ત સમયે હાશનો રંગ, ઢળતા સૂરજની ગરિમા જ કઈક અલગ હોય છે. જેને આમ તો આપણા ઘરની અગાશીએથી કે પછી ફળિયામાથી કે વાડી ખેતરના શેઢેથી પણ ફીલ કરી શકાય છે, પણ આપણે એ ફીલિંગ લેવા લાખો રૂપિયા ખર્ચી નાખતા હોઈએ છીએ. પક્ષીઓના કલરવનો રંગ હોય કે પછી ગોધૂલી સમયે પાછી ફરતી ગાયોના પગની ઠેસથી ઊડતી ધૂળનો રંગ હોય!

  કે પછી વાડી ખેતરમાં લહેરતા અનાજ, કઠોળ કે શાકભાજીના રંગોની રંગોળી તો આપણા સૌના જીવનમાં પથરાતી જ રહે છે. માણસ થાકે એટલે કુદરતના રંગો તેને આરામ આપે છે. થાકેલો માણસ આજે ફાર્મ હાઉસ કે વી-કેંડ વીલામાં એટલે જ તો શાંતિના રંગો શોધવા નીકળી પડે છે. ભારતીય પરંપરા મુજબ દરેક પ્રસંગનો એક અલગ રંગ છે. કાળો રંગ ભલે આપણને અશુભ લાગે છે, પણ અંધકારનો એ રંગ છે, એટલે જ આપણને આવતીકાલે નવી સવાર લઈને જિંદગી આવશે એવી શ્રદ્ધા છે!

  આપણી આસ્થા પણ રંગીન છે, અને આપણો ઈશ્વર પણ! ઈશ્વરને શરણે ચડાવાતા ફૂલોના રંગો પણ એટલા કે આપણને એ રોજ તાજગી અને નવીનતાના રંગથી ભીંજવતા જ રહે છે. પ્રકૃતિ પાસે રંગોની એટલી વિવિધતા છે કે આપણે ખુશીના રંગે પણ રંગાઈએ છીએ અને દૂ:ખનાં રંગે પણ. બ્લેક એન્ડ વાઇટ જિંદગીને કલરફૂલ બનાવવા આપણે ભલે જરૂરિયાતો પાછળ દોડતા રહીએ છીએ, પણ આપણને એક વાર તો જિંદગી સમજાવે જ છે કે પેલી રંગેલી જે લાઇન દેખાય છે ને, એ આપણા સૌની ફિનિશિંગ લાઇન છે, એને અડીને પાછા ફરી જઈએ અને જીવી લઈએ.

  આપણા દરેક તહેવારનો પણ એક રંગ છે, દુનિયા આખી ભલે ગોરા રંગ તરફ દોડે, પણ આપણો ઈશ્વર એવો મેઘવર્ણ છે, કે રંગભેદનો, અમીર-ગરીબનો તફાવત ત્યાં કાયમ ભૂંસાય જાય છે. ત્યાં સુધી પહોંચવા કોઇની જિંદગીમાં ખુશીના રંગો ઉમેરવા સિવાય બીજું કશું જ જરૂરી નથી! આપણી પ્રાર્થના મેઘધનુષના સાત રંગો જેવી છે, સત્ય અને પ્રામાણિક્તાના સફેદ પારદર્શક રંગ પર જ્યારે જ્ઞાનના પ્રકાશનો રંગ આપાત થાય છે, તો જે મેઘધનુષ રચાય છે, એનો રંગ એટલો પાક્કો થઈ જાય છે કે લોકોને એ રંગે રંગાવું જ પડે છે.

  હોળીના રંગો સાથે જોડાયેલી વાર્તાઓનો રંગ પણ સત્ય અને અસત્યના રંગો સાથે જોડાયેલી છે. અસત્ય ગમે તેટલું બળવાન હોય તેનું દહન થઈને જ રહે છે. ધર્મને ભલે આપણે અલગ અલગ રંગો સાથે બાંધી દીધો, પણ માનવતાનો રંગ એટલો અદભૂત છે કે એ દરેક ધર્મસ્થાનોમાથી બહાર નીકળીને આપણા સુધી પહોંચી જ જાય છે. હોળીના રંગો રાધા-કૃષ્ણના પ્રેમના ગુલાલ સાથે ઉડતા રહે છે. પ્રેમથી વધુ ક્રિયા કરનાર કોઈ બીજું કેમિકલ જ નથી. સતત લડી રહેલી આ દુનિયાને પ્રેમના રંગો થકી રંગી શકીશું તો જ દારૂગોળાના ધુમાડાના રંગોથી આપણે મુક્ત થઈ શકીશું.

  પ્રેમની પિચકારી લઈને નીકળી પડવાનું છે, આપણે વિકાસની આંધળી ગલીઓમાં ફસાઈ ગયા છીએ, પણ હવે ત્યાથી યુ-ટર્ન લઈ લેવાનો છે. ઉજ્જડ બનતી જતી ધરતીને આપણે ફરીથી લીલી ચુંદડી ઓઢાડવાની છે. ઘરના બારી-બારણાં ખોલી દઈને પ્રકૃતિના રંગોને આપણા ઘરોમાં એન્ટ્રી આપવાનો સમય આવી ગયો છે. માત્ર સમૃદ્ધિ નહી પણ ખુશીના રંગો થકી ઘરના આંગણાને અને આ પૃથ્વીને આપણે રંગવાની છે. આવનારી પેઢીને આપણે સ્વચ્છતા અને સ્વસ્થતાના રંગોથી રંગેલું પર્યાવરણ આપવાનું છે. જેના માટે જીંદગીની સ્ક્રીનમાથી પ્રદૂષણ ફેલાવતા રંગોને આપણે ડિલીટ કરી દેવાના છે.

   હોળી આપણે એટલે પણ ઉજવીએ છીએ કે દિવસ-રાત પરિશ્રમ કરતાં ખેડૂતોના ખેતરે નવા ધાનનું આગમન થાય છે. અને એ આગમનને વધાવવા આપણે એકબીજા પ્રત્યે રહેલા રાગ-દ્વેષ અને ઈર્ષ્યાને ભૂલી જઈને એકબીજાને પ્રેમના રંગો વડે રંગી દઈએ. બુરા ના માનો હોલી હે....

Friday, 27 February 2026

વેડ ઇન ઈન્ડિયા, મેરેજ ઈકોનોમીનો ગ્રાફ ફૂલ સ્પીડે ઊંચો ને ઊંચો જઈ રહ્યો છે....



વેડ ઇન ઈન્ડિયા, મેરેજ ઈકોનોમીનો ગ્રાફ ફૂલ સ્પીડે ઊંચો ને ઊંચો જઈ રહ્યો છે....  

 Wedding Entry Gate at ₹ 10500/piece in ...

 

 

 

 

 

 

 

                  ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસા એ મુખ્ય ઋતુઓ સાથે સાથે છ પેટા ઋતુઓ સહિત એક મોજ પડી જાય એવી ઋતુ આવે છે, જે વર્ષ દરમિયાન જુદા જુદા સમયે શુભ-મુહૂર્ત જોઈને આવે છે, અને એ છે, લગ્નોની ઋતુ! ભારતીય વેદો અનુસાર સોળ સંસ્કારોમાના એક સંસ્કાર એટલે લગ્ન. હજી આજની તારીખે ભારતીય  સમાજમાં 90% લગ્નો એરેંજ મેરિજિસની કેટેગરીમાં આવે છે. ( કોણ કહે છે યંગ જનરેશન વડીલોનું માનતી નથી!) દરેક ધર્મો સાથે લગ્ન-વ્યવસ્થા જોડાયેલી છે.

 

વિશ્વના સૌપ્રથમ રજિસ્ટર્ડ લગ્ન આજથી આશરે 4350 વર્ષો પહેલા 2350 બીસીમાં મેસોપોટેમીયામાં થયા હતા. ત્યાર પછીના વર્ષોમાં લગ્ન એક અનિવાર્ય સંસ્થા થઈ ગઈ જેને  કાનૂની સંરક્ષણ પણ મળ્યું. જો કે હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર 500 બી.સી.ઇ.ની આસપાસ વૈદિક ધર્મ શાસ્ત્રીય હિન્દુ ધર્મમાં પરિવર્તિત થતાં ગોઠવાયેલા લગ્નો પ્રચલિત થયા હતા. જો કે આપણને ઈતિહાસ વાંચીને આશ્ચર્ય થશે પણ પ્રાચીન સમયમાં લગ્નો સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમ કે આકર્ષણના પાયા પર નહી પણ સ્થિરતા અને જનિનિક વારસો જાળવી રાખવા થતાં. લગ્નમાં પ્રેમનું કેમિકલ ક્યારે ઉમેરાયું?  એ પણ શોધનો વિષય છે. 

 

 છેલ્લા કેટલાક વર્ષોથી લગ્નોનું ધાર્મિક ને બદલે આર્થિક મહત્વ વધી ગયું છે. ખાસ કરીને આપણાં દેશમાં! ભારતીય લગ્ન ઉદ્યોગ ૧૩૦ અબજ ડોલર (આશરે ૧૦.૭૯ લાખ કરોડ) વાર્ષિક અર્થતંત્ર ધરાવે છે, જે વિશ્વના સૌથી મોટા અને ભારતના ચોથા સૌથી મોટા આર્થિક ક્ષેત્ર તરીકે ક્રમે છે. ભારતમાં દર વર્ષે આશરે ૮ થી ૧૦ મિલિયન લગ્નોનું આયોજન થાય છે, ૨૦૨૪માં, ૪૮ લાખ લગ્નો ૫.૯૦ લાખ કરોડ રૂપિયાના ખર્ચે યોજાયા હતા, જ્યારે ૨૦૨૩માં ૩૮ લાખ લગ્નો ૪.૭૪ લાખ કરોડ રૂપિયાના ખર્ચે યોજાયા હતા. આ લગ્નો થકી સોના-ચાંદીના ઘરેણાં, કેટરિંગ, ફોટોગ્રાફી, મંડપ સર્વિસ, પાર્ટી-પ્લોટ્સ, ઇવેંટ મેનેજમેંટ વગેરે વગેરેનું માર્કેટ દર વર્ષે 6જીની સ્પીડે વધી રહ્યું છે. 

 લગ્નની એક એક વિધિ એટલે કે  હલ્દી રસમ, વાના રસમ, સંગીત સંધ્યા, મહેંદી, પાણી-ગ્રહણ, રીસેપ્શન, સગાઈ, પાછળ કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, જેને લીધે રોજગારીની પણ અનેક નવી તકોનું સર્જન થઈ રહ્યું છે. આ બધી રસમો સમયે દરેકને બીજા કરતાં મસ્ત દેખાવું છે, સુંદર દેખાવું છે, અને એટલે એકલા બ્યુટી-પાર્લરનું માર્કેટ જ  2024 માં 10.5-11.6 બિલિયન ડોલરથી વધુ હતું અને 2033 સુધીમાં લગભગ બમણુ એટલે કે 22 બિલિયન ડોલરથી વધુ થવાની ધારણા છે. મહેંદી મૂકનાર એક વ્યક્તિ પોતાની સ્કીલનો ઉપયોગ કરીને આશરે ઓછામાં ઓછું વાર્ષિક 5 થી 10 લાખ જેટલું કમાઈ લેતી હોય છે. તો એવી જ રીતે ફોટોગ્રાફીનું માર્કેટ પણ પ્રી-વેડિંગ અને પોસ્ટ વેડિંગને લીધે બજાર ઝડપથી વિસ્તરી રહ્યું છે, એક સર્વે મુજબ  2024 માં આશરે $6.79 બિલિયનથી વધીને 2033 સુધીમાં $13.69 બિલિયન થવાનો અંદાજ છે!

 

લગ્નો હવે ઉદ્યોગ બની ચૂક્યા છે, જેમાં કેટરિંગ અને પાર્ટી-પ્લોટ્સ પાછળ કુલ ખર્ચના 30%, જ્યારે ગિફ્ટ્સ અને ડેકોરેશન પાછળ અનુક્રમે 19% અને 14% ખર્ચ થાય છે. દેશમાં થતાં કુલ લગ્નોમાથી 50000 લગ્નો એવા છે, જેમાં 1 કરોડથી પણ વધુ ખર્ચ થાય છે! દેશના વડાપ્રધાન મોદીજીએ પણ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને બુસ્ટ અપ કરવા આ ઇકોનોમીનો સહારો લેવાનું કહ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'મેક ઇન ઇન્ડિયા' જેવી ઝુંબેશ શરૂ કરી, જેને 'વેડ ઇન ઇન્ડિયા' કહેવામાં આવે છે. જે અંતર્ગત  સમૃદ્ધ ઉદ્યોગપતિઓને ઉત્તરાખંડમાં દર વર્ષે ઓછામાં ઓછા એક ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કરવા માટે આમંત્રણ આપવાનો છે. જેથી વિદેશોમાં ડેસ્ટિનેશન વેડિંગ પાછળ ખર્ચાતા 12.1 બિલિયન ડોલરને દેશમાં લાવી શકાય.

 ઇકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ આ લગ્નની મોસમમાં 1 કરોડથી વધુ કામચલાઉ  નોકરીઓ ઉભી થઈ શકે છે, જેનો સીધો લાભ ડેકોરેટર્સ, કેટરર્સ, ફ્લોરિસ્ટ્સ, કલાકારો, ટ્રાન્સપોર્ટર્સ અને હોસ્પિટાલિટી સ્ટાફને મળે છે. એટલું જ નહી, કાપડ, ઝવેરાત, હસ્તકલા, પેકેજિંગ, વાહનવ્યવહાર વગેરે વગેરે ક્ષેત્રોને પણ નવી નવી રોજગારીની તકો મળી રહે છે. લગ્નો પાછળ થતાં ખર્ચાઓને આપણે જરૂરી ગણીએ કે બિનજરૂરી પણ રોજગારીની તકો ઊભી કરવામાં અને સ્કીલ આધારિત રોજગારીની તકો વધારવામાં આજે આ ખર્ચ આપણને પૂરતી મદદ કરી રહ્યું છે.

 
 


Friday, 20 February 2026

શા માટે બજારમાં ‘મેમરી ચિપ્સ મેમરી ચિપ્સ થઈ રહ્યું છે?

 

શા માટે બજારમાં ‘મેમરી ચિપ્સ મેમરી ચિપ્સ થઈ રહ્યું છે? 

 2025 semiconductor industry outlook | Deloitte Insights

 

 

 

 

 

      2026માં આપણે લેપટોપ,પી.સી. કે મોબાઈલ ફોન્સ લેવા જઈશું તો આગળના વર્ષો કરતાં ઘણી ઊંચી કિંમત ચૂકવવી પડશે. ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સનું આપણું આખું બજેટ ખોરવાઈ જાય એવું પણ બની શકે છે. તો સાથે સાથે આપણે જે જે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ રોજ કરીએ છીએ, એના માટેની મેમરી ચિપ્સ ના મળી શકવાને લીધે આવા ગેજેટ્સના ઉત્પાદન પર પણ અસર પડી શકે છે.

 આ માટે જવાબદાર છે, આર્ટિફિસિયલ ઈંટેલિજન્સ’!  તેના વધતાં વ્યાપને લીધે ટેક્નોલોજી માર્કેટમાં મેમરી ચિપ્સની જોરદાર અછત ઊભી થઈ રહી છે. કારણ કે ફેક્ટરીઓ લેપટોપ અને સ્માર્ટફોનમાં વપરાતી ચિપ્સ કરતાં હાઇપરસ્કેલર્સ માટેની ચિપ્સના ઉત્પાદનને વધુ મહત્વ આપી રહી છે. આ અછતના ગ્લોબલ ઈકોનોમીમાં  દૂરગામી પરિણામો આવવાની શક્યતા છે. વિશ્વની બે સૌથી મોટી મેમરી ચિપ નિર્માતા કંપનીઓ, દક્ષિણ કોરિયન કંપનીઓ સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ અને એસકે હાયનિક્સ, આ ચિપ્સનું રેકોર્ડ વેચાણ કરી રહી છે. તો આ ચિપ્સના ઉત્પાદનનો લાભ લેવા જાપાન, સિંગાપોર અને તાઇવાન સહિતના દેશોમાં નવા મેમરી ચિપ પ્લાન્ટ્સની જાહેરાત કરવામાં આવી રહી છે. ચીન સહિત વિશ્વના મોટા ભાગના દેશો ચિપ્સની તંગીનો લાભ ઉઠાવવા દોડા-દોડી કરી રહ્યું છે.

 મેમરી ચિપ્સ સેમિકન્ડક્ટર પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સિલિકોન વેફર્સમાંથી બનેલી આ ચિપ્સ,  ડેટા સ્ટોર કરીને  તેને પ્રોસેસિંગ યુનિટ્સ સુધી પહોંચાડવાનું કામ કરે છે, જ્યાં તેના પર આર્ટિફિસિયલ મગજ થકી ગણતરીઓ કરવામાં આવે છે! મેમરી ચિપ્સના મુખ્ય બે પ્રકારો છે, 1) ડાયનેમિક રેન્ડમ-એક્સેસ મેમરી, અથવા DRAM ધરાવતી, જે સક્રિય પ્રોગ્રામ્સ માટે ટૂંકા ગાળાની મેમરી પૂરી પાડે છે, અને 2) ચિપ્સ જે NAND ફ્લેશનો ઉપયોગ કરે છે, જે ફાઇલો માટે લાંબા ગાળાનો સ્ટોરેજ પૂરો પાડે છે.

  આખી દુનિયામાં આ  મેમરી ચિપ્સના ભાવ 6જી ની સ્પીડે વધી રહ્યા છે. માર્કેટ રિસર્ચ ફર્મ ટ્રેન્ડફોર્સના જણાવ્યા મુજબ આવનારા થોડા જ મહિનાઓમાં DRAM અને NAND ફ્લેશના ભાવ અનુક્રમે 90%95% અને 55%60% વધવાની ધારણા છે. એસ.કે. હાઇનિક્સ, સેમસંગ અને યુએસ કંપની માઇક્રોન વૈશ્વિક મેમરી ચિપ ઉત્પાદનમાં 90% થી વધુ હિસ્સો ધરાવે છે. જેઓના નફામાં અનલિમિટેડ વધારો થશે.

 ભારત પણ આ ક્ષેત્રે સ્વાવલંબી થઈ વિશ્વ-માર્કેટમાં પોતાની છાપ છોડવા માંગે છે. અને એટલે જ ભારત સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ દેશની એકંદર વ્યૂહરચનાનો હેતુ મેમરી અને લોજિક ચિપ્સ સહિત વિવિધ ચિપ્સ માટે ડિઝાઇનથી ફેબ્રિકેશન, પરીક્ષણ અને પેકેજિંગ સુધીની સંપૂર્ણ એન્ડ-ટુ-એન્ડ સપ્લાય ચેઇન બનાવવાનો છે. ભારતનો આ ક્ષેત્રે મેઇન પ્લાન ચિપ આયાત ઘટાડવાનો, વ્યૂહાત્મક ક્ષેત્રો માટે તેમને સુરક્ષિત કરવાનો અને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ બજારનો મોટો હિસ્સો મેળવવાનો છે. જો કે આ માટે હજી આપણે ઘણો લાંબો પ્રવાસ ખેડવાનો છે.

   જો કે અત્યારે તો આપણા દેશમાં લાંબા ગાળાની મેમરી ચિપ્સની ભયંકર અછત ચાલી રહી છે. અત્યારના માર્કેટ ટ્રેન્ડ મુજબ આ ચિપ- કટોકટી હજી 12 થી 24 મહિના સુધી ચાલશે. જેમાં 2027-2028 ની આસપાસ અર્થપૂર્ણ રાહત મળશે.પણ ભારત સરકાર આ સમસ્યાનો ઉકેલ રૂપે મેમરી ચિપની માંગને પહોંચી વળવા માટે સેમિકન્ડક્ટર ફિલ્ડમાં $10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે, જે આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સ્થાનિક ફેબ્રિકેશન યુનિટ્સ  બનાવવા પર ધ્યાન આપવાના પ્રયાસો કરી રહ્યું છે.

   જેના માટે  ટેકનોલોજી માટે વૈશ્વિક કંપનીઓ સાથે ભાગીદારી, સ્વદેશી ડિઝાઇનને પ્રોત્સાહન આપવું અને લેટેસ્ટ પેકેજિંગ વિવિધતાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સની 910 બિલિયનની સેમિકન્ડક્ટર ફેબ અને માઇક્રોન ટેકનોલોજીની $2.75 બિલિયનની આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ (OSAT) સુવિધા જેવા મુખ્ય પ્રોજેક્ટ્સ દ્વારા આપણે લોકલ માર્કેટ્સમાં ઊભી થયેલી આ અછતને પહોંચી વળીશું.

  2030 સુધીમાં આ માર્કેટ જે 2024માં $40 બિલિયનનું હતું તે વધીને $110 બિલિયન થઈ જશે. યુનિયન બજેટ-2026/27 માં ઈન્ડિયા સેમિકંડક્ટર મિશન માટે સરકારે 1000 કરોડની ફાળવણી કરી છે, જેમાં ટેકનોલોજી વિકાસને આગળ વધારવા અને ભવિષ્ય માટે તૈયાર કુશળ કાર્યબળ બનાવવા માટે ઉદ્યોગ સંચાલિત સંશોધન અને તાલીમ કેન્દ્રો પર મજબૂત ભાર મૂકવામાં આવ્યો છે.

  હેડિંગ :

 ડીસેમ્બર-2025માં રૂ. 1.60 લાખ કરોડના આઈ.એસ.એમ. પ્રોજેકટસને મંજૂરી આપવામાં આવી છે. સેમિકન્ડક્ટર્સ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ,પાવરિંગ કમ્પ્યુટર્સ,મોબાઇલ ડીવાઇસીઝ ટેલિકોમ્યુનિકેશન્સ,ઓટોમોબાઇલ્સ,સંરક્ષણ સિસ્ટમ્સ  અને એ.આઈ. નો મુખ્ય આધારસ્તંભ છે. 

 

Wednesday, 11 February 2026

 

 જે બીજા લોકો માટે અઘરું છે, એ શું આપણા માટે સરળ છે? 

 61 Motivational Self-Discipline Quotes - inPeaches

 

 

 

 

 

 જિંદગીમાં સૌથી સરળ હોય છે, બીજાને સમજાવવાનું અને સૌથી અઘરું હોય છે, ‘પોતાની જાતને સમજાવવાનું!’ આપણે સામેવાળાને તો બહુ સિફતપુર્વક કોઈપણ બાબતે સમજાવી લેતા હોઈએ છીએ. આ પ્રશ્નનો ઉકેલ તો એકદમ સરળ છે. આ સમસ્યા ઉકેલવા આટલું તો કરી જ શકાય, તમે તમારી જાતને એટલી તો બદલી જ શકો છો, તમે આમ તો કરી જ શકો છો, લે એમાં શું? આટલું તો તમે કરી જ શકો છો, વગેરે વગેરે હૈયાધારણ આપણે બીજાને આપતા જ રહીએ છીએ.

 સામેવાળી વ્યક્તિ માટે બધુ જ આપણે એકદમ સરળ કરી દેતાં હોઈએ છીએ. જેમ કે વ્યસન છોડવું સહેલું છે, ગુસ્સે ના થવું સરળ છે, મનને શાંત રાખવું સરળ છે, બીજા પ્રત્યે રાગ-દ્વેષ ના રાખવો સરળ છે, કોઈનું ખરાબ ના વિચારવું સરળ છે, કોઈની સાથે સરખામણી ના કરવી સરળ છે, જરૂરિયાતો પર બ્રેક મારવી સરળ છે, ઇલેકટ્રોનિક્સ ગેઝેટ્સનો ઉપયોગ ઘટાડવો સરળ છે, નિષ્ફળતા મળે તો હતાશ કે નિરાશ ના થવું સરળ છે, યોગા અને મેડિટેશન કરવું સરળ છે, નિયમિત કસરતો કરવી સરળ છે,

 અરે નિયમિત અને સાત્વિક જીવન જીવવું પણ એકદમ સરળ છે. કોઈપણ બાબતનો ડર ના રાખવો સરળ છે, મુશ્કેલીઓનો સામનો કરવો સરળ છે, અરે સરળ બાબતોની એક અનલિમિટેડ યાદી છે, જે આપણે સામેવાળી વ્યક્તિના હાથમાં થમાવી દેતાં હોઈએ છીએ.

  પણ આ જ બધી બાબતો જ્યારે આપણી જાતને સમજાવવાની આવે તો? એ પેપર એટલું અઘરું લાગે છે કે આપણે કવીટ કરી લેતા હોઈએ છીએ. આ જીવનમાં સૌથી અઘરું કામ જ ખુદને સમજાવવાનુ હોય છે. જાત સાથે લડીને આપણે એટલા થાકી જતાં હોઈએ છીએ કે પછી આપણે ખુદ સાથે સંવાદો કરવાનું જ ભૂલી જતાં હોઈએ છીએ.

  તમને, મને બધાને ખબર છે કે જો આપણે જાતને સમજાવી શકીશું, તો જિંદગીની મોટા ભાગની સમસ્યાઓ ઉકેલી શકીશું. પણ આપણે જાતને જ સમજાવી શકતા નથી. ને પરિણામે એટલી બધી બિનજરૂરી બાબતોમાં ફસાયેલા રહીએ છીએ કે ના કરવાનું પેલા કરીએ છીએ, અને કરવાનું યાદ રહેતું નથી.

 બીજા માટે સરળ લાગતી બાબતો આપણને આપણાં માટે અઘરી અને અશક્ય લાગવા માંડતી હોય છે. સૌથી વધુ આપણે ઉપરની બાબતો માટે જાત સાથે લડતા હોઈએ છીએ, પણ મોટા ભાગે એ બાબતો અપનાવતી વખતે ખુદને મનાવી શકતા નથી.

 જેને લીધે ઘણું બધુ આપણાં પર હાવી થઈ જતું હોય છે. વહેલું ઊઠાતું નહી, વ્યસનો છૂટતા નથી, એમાં પણ ડિજિટલ વ્યસનો તો મૂકી જ શકાતા નથી. રોજ સવારે ઊઠીએ એ સાથે જ આપણાં આપણી જાત સાથે સંવાદો શરૂ થઈ જતાં હોય છે, જે સમયાંતરે વિવાદોમાં ફેરવાઇ જતાં હોય છે. અને એ વિવાદો એટલે આપણે એટલું બધુ મનમાં સ્ટોર કરી રાખીએ છીએ કે જિંદગી હેંગ થઈ જાય છે, પણ આપણે ડિલીટ કરતાં નથી. કોઈ વર્ષો સુધી આપણને હેરાન કરતું રહે છે, અને આપણે થતાં રહીએ છીએ!

 નફરત, રાગ-દ્વેષ, નિર્બળતા વગેરે વગેરે આપણી અંદર એવા હાવી થઈ જાય છે કે સાવ સરળ લાગતી બાબતોમાં પણ આપણું જીવન ઘૂંચવાઈ જતું હોય છે. વળી જે ગાંઠો કાપી નાખવાની સલાહો આપણે બીજાને આપતા હોઈએ છીએ, એ ગાંઠોના છેડાઓ પકડીને આપણે બેઠા રહેતા હોઈએ છીએ.

  સેલ્ફી લેવી જેટલી સરળ લાગે છે, સેલ્ફ સાથે એડજસ્ટ થવું એટલું જ અઘરું બની રહે છે. આપણે ખુદને વિવિધ, વિચિત્ર અને વિપરીત પરિસ્થિતિમાં ગોઠવી નથી શકતા, એટલે જ દૂ:ખી થતાં રહીએ છીએ. અને બીજાને પણ દૂ:ખી કરતાં રહીએ છીએ.

  જે બાબતો આપણે બીજાને સમજાવીએ છીએ, તે પહેલા ખુદને સમજાવી લઈએ. જો એવું થઈ શકશે, તો આ દેશમાં જે એકબીજાને સલાહ આપવાનો રોગ છે, તેને આપણે કાયમ માટે દૂર કરી શકીશું.

   જેમ ગાંધીજીએ પોતાની જિંદગીને સત્યના પ્રયોગો એવું નામ આપ્યું હતું એમ આપણે પણ સત્યના પ્રયોગો પેલા ખુદ પર કરીએ, તેનું અવલોકન કરીએ અને જે તારણ મળે તેને બીજા સમક્ષ મૂકીએ પણ તેમણે એમ કરવું જ જોઈએ, એવો આગ્રહ ના રાખીએ....

 

Thursday, 5 February 2026

મજાની લાઈફ, સફળતાનો ખાલીપો અને ‘બ્રેક’!

મજાની લાઈફ, સફળતાનો ખાલીપો અને ‘બ્રેક’!
 હેડિંગ: રૂટિન જિંદગીમાથી લીધેલો બ્રેક આપણાં જીવનમાં યોગા અને મેડિટેશનનું કામ કરે છે! નવેસરથી જીવવા માટે જિંદગીને પણ ક્યારેક 'બ્રેક' મારવી પડે છે. પણ એના માટે આપણી અંદર હિંમત અને સંબંધોનો સાથ હોવો જોઈએ. 

Inline imageInline image


 

 

          સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ સ્કૂલમાં સૌથી વધુ ખુશ ક્યારે હોય છે? જવાબ છે, રીસેસના સમયે અને છૂટવાના સમયે! આપણે માર્ક કર્યું હશે કે આ સમયગાળા દરમિયાન તેઓ આનંદની કિકિયારીઓથી આસપાસના વાતાવરણને ભરી દેતાં હોય છે. કિટકેટની એક સરસ જાહેરાત છે, જેમાં એક વાક્ય આવે છે, આઈ નીડ અ બ્રેક. આપણને સૌને પણ ક્યારેક ને ક્યારેક સંબંધોથી કે પછી કામથી બ્રેક જોઈતો હોય છે. બસ આ બ્રેકની ફીલિંગ આપણને ફીલ થવી જોઈએ. હકીકત તો એ છે કે જેઓ ફીલ કરે છે, તેઓને બ્રેકની જરૂર પડે છે.

  કોઈ વ્યક્તિ સફળતાની ટોચે હોય, સોસિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોઅર્સ હોય, અને એવા સમયે કોઈ સેલિબ્રેટી નિવૃતિની જાહેરાત કરે, અને એ પણ એવું કહીને કે મારા ઓરિજિનલ શોખ આ ઘોંઘાટમાં ક્યાંક ખોવાઈ ગયા હતા, તેને ફરીથી શોધવા માટે આઈ નીડ અ બ્રેક! તો આપણને પણ ફીલ થાય કે હજી આ એ.આઈ. ની દુનિયામાં કોઈ તો એવું છે, જેને આ બ્રેક લેવાની લાગણી ફીલ થાય છે. એવી બે વ્યક્તિઓ કે જેમણે સફળતાની ટોચે બ્રેક લીધો, એમાં પહેલું નામ આવે, જેમણે હમણાં જ થોડા દિવસો પહેલા પ્લેબેક સિંગિંગમાથી પોતાનું નામ પાછું ખેંચી લીધું. એવું કહીને કે આ ઘોંઘાટમાં હું ક્લાસિકલ ગાયનને મારા શોખને ફીલ કરી શકતો નથી. હવે હું મારુ ના જીવી શકાયેલું જીવન જીવવા માંગુ છુ.

  માત્ર 38 વર્ષની વયે, આવો બોલ્ડ ડીસીઝન લઈને તેમણે બધાને ચોંકાવી દીધા. પૈસા કમાઈ લેવાની દોડમાં હું મારી અંદરનું જીવન નહોતો જીવી શકતો, જે હવે મારે જીવવું છે. જે નથી કરી શક્યા, તે કરી લેવા માટે બ્રેક લેવો જરૂરી છે. જે મે લીધો. હું સંગીત સાથે જ જોડાયેલો રહીશ, પણ અંદરથી. બીજું નામ આવે, ફેમસ રેડિયો જૉકી, ધ્વનિતઆ નામ રેડિયો મિર્ચી સાથે 2003 થી 2021 સાથે અવિરતપણે જોડાયેલું હતું, ઘણા બધા લોકોની સવાર અને સાંજ આ નામ સાથે શરૂ થતી હતી. અને ધ્વીનિતે એકાએક 2021માં રેડિયો મિર્ચી છોડી દીધું.

   તેમણે પણ એવું કહ્યું હતું કે, હવે મને મારુ મન કહે એમ કરવું છે, એટલે હું છોડી રહ્યો છુ. આ સફળ જિંદગીએ મારી અંદર એક ખાલીપો ભરી દીધો છે, અને એ ખાલીપો પૂરવા માટે, નવા રંગો શોધવા માટે હું આ રૂટિન છોડી રહ્યો છુ. તેમણે એવું પણ કહેલું કે મારી નજીકની વ્યક્તિઓને સમય આપવા માટે હું આ કરી રહ્યો છુ. હમણાં એક મુલાકાતમાં એમણે કહેલું કે જિંદગીમાં જે કઈ ચૂકી ગયો છુ, એ બધી ટ્રેનો પકડી લેવા માટે હવે મારે જૂનું કામ છોડવું છે, અને નવી દિશા તરફ ફંટાવું છે. મને એવું લાગ્યું કે સોસિયલ મીડિયા પર લોકો મને સાંભળી રહ્યા છે, પણ અનુસરી નથી રહ્યા! એટલે હવે મારે આ ડોગ-ચેઝ છોડી દેવી છે.

     મજાની લાઈફ જીવવા માટે, આવો બ્રેક લેવો જરૂરી છે. પણ આપણે સૌ સફળતાની રેસમાં એવા બંધાઈ ગયા છીએ, કે આવા બંધનો તોડી શકતા નથી. છે કશુંક એવું આપણાં સૌની અંદર જે બહાર આવવા મથે છે, પણ સાથે સાથે કશુંક એવું પણ છે, જે આપણને રોકતું રહે છે. આ જે સંઘર્ષ છે, એમાથી જ કશુંક નવું ઊગી નીકળતું હોય છે. જે ક્ષણે એક બીજ છોડ, ક્ષુપ કે વૃક્ષ બનીને ઊગી નીકળવા મથે છે, અને જ્યારે નવી કૂંપળો ફૂંટી નીકળે છે, ત્યારે જે આનંદ આપણાં જીવનમાં છવાઇ જાય છે, એ અદભૂત અને અવર્ણીય હોય છે. બસ આપણે જ્યારે ખુદ સાથે લડતા હોઈએ છીએ, ત્યારે પણ અંતે કશુંક નવું ઊગી નીકળતું હોય છે.

   અને એ નવું કશુંક ઉગાડવા માટે પણ બ્રેક લેવો જરૂરી છે. ઘણા મુવીઝમાં ઈંટરવલ પછી જ મજા આવે છે. આપણા સૌની જિંદગી પણ ક્યારેક ને ક્યારેક બ્રેક માંગે જ છે, તો લઈ લઈએ અને મોજ કરીએ.

 

  

એ.આઈ.રમકડાઓ’ બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે!!!

  ‘ એ.આઈ.રમકડાઓ ’ બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે!!!           રમકડાં એક એવું વિશ્વ છે , જ્યાથી બહાર નીકળવું બાળકો માટે અશક્...