સાવધાન! ફાર્માસ્યુટિકલ કંપનીઓ બોર્ડર ક્રોસ કરી રહી છે..........
હમણાં મારી એક મિત્ર શરીરમાં થોડી તકલીફો હોવાને લીધે ડોક્ટર પાસે બોડી ચેક-અપ માટે ગયેલી. ડોકટરે રીપોર્ટ્સનું લાંબુ લિસ્ટ પકડાવી દીધું. તેણીને બધા રીપોર્ટ્સ કરાવ્યા. બાકી બધુ નોર્મલ આવ્યું, પણ ડાયાબિટિસનો રીપોર્ટ જોઈ આશ્ચર્ય થયું. તે રીપોર્ટ વાંચીને ડોક્ટર્સે નિદાન કર્યું કે, ‘તમને ‘પ્રી-ડાયાબિટીસ’ છે’ એટલે કે ડાયાબિટીસ બોર્ડર પર છે, જાણે તે પણ બોર્ડર ક્રોસ કરવાની રાહ જોઈને બેઠું હોય! અને એ ડોકટરે ડાયાબિટીસ બોર્ડર ક્રોસ ના કરે તે માટે દવાઓ અને પરેજીનું લાંબુ લિસ્ટ પકડાવી દીધું. દર મહિને બતાવવા જવાનું તો ખરું જ! કહેવાની જરૂર ખરી કે બિલ અને દવાઓનું લિસ્ટ જોઈને જ લાગે કે આ બિલ ભરતા ભરતા જ ડાયાબિટીસ બોર્ડર ક્રોસ કરી જવાનું........
તમે એકવાર તો મૃત્યુ પામવાના જ છો, અરે તમે મૃત્યુની બોર્ડર પર છો, જીવવા માટે તમારે આટલું આટલું કરવું પડશે, આ તો આના જેવી વાત થઈ. આજકાલ રોગો કરતાં પણ વધુ રોગોનો ડર લોકોને વધુ માંદા કરી રહ્યો છે. ડાયાબિટીસની જેમ બી.પી. પણ હવે બોર્ડર પર ફરવા લાગ્યું છે. અરે અમુક જગ્યાએ તો તમને ભવિષ્યમાં અમુક પ્રકારના રોગો થશે કે કેમ? એના સેમિનારો અને કેમ્પસ થતાં હોય છે. જેમાં સ્વસ્થ દર્દીને ધરાર રોગીષ્ઠ બનાવી દેવામાં આવે છે. શરીરનું ધ્યાન રાખવું જરૂરી છે, પણ કાઇ જ ના થયું હોય અને આવા સેમિનારોમાં લોકોને બોલાવી જે તે રોગનો ડર તેઓમાં એન્ટર કરવો એ દવા બનાવતી કંપનીઓનો માસ્ટર પ્લાન બની ગયો છે. કોઈ રોગ બાબતે લોકોમાં જાગૃતિ લાવવી અને આવા સેમિનારો થકી લોકોમાં ડર પેદા કરવો બંને અલગ અલગ બાબતો છે. એ આપણે સૌએ ખાસ સમજી લેવાની જરૂર છે.
એક સર્વે મુજબ દર્દીઓ પર થતાં મેડિકલ ટેસ્ટસમાથી 40 થી 60 ટકા ટેસ્ટ્સ બિનજરૂરી હોય છે. આવા બિનજરૂરી પરીક્ષણો દર્દીને નુકસાન પહોંચાડતા હોય છે. ઘણીવાર આવા દર્દીઑ કાઇ જ ના થયું હોવા છતાં જે તે રોગના ડરથી પોતાનું માનસિક આરોગ્ય ગુમાવી દેતાં હોય છે. તેઓમાં એ રોગો પ્રત્યે માનસિક ભય ઘૂસી જતો હોય છે, જેને લીધે દર્દીને ઘણીવાર બિનજરૂરી ખર્ચાઓ પણ કરવા પડે છે. પેલા ડોક્ટર્સ દર્દીને જોઈને કે તેની રગ ચેક કરીને નિદાન કરી દેતાં, પણ હવે તો દવાખાને આવેલા દર્દીને સીધા જ ટેસ્ટ્સ કરવા જ મોકલી દેવામાં આવે છે. અને કા તો ટેસ્ટ કરવા વાળા જે તે ડોક્ટરના દવાખાને જ હાજર થઈ જતાં હોય છે!
ડાયાબિટીસ, બી.પી., હ્રદયને લગતા રોગો, થાઈરૉઈડ, વગેરે રોગો એકવાર નિદાનમાં આવી જાય પછી તેની દવાઓ આખી જિંદગી લેવી પડે છે. અને એટલે જ દવા બનાવતી કંપનીઓ ઈચ્છે છે કે આવા રોગો વિશેનો ભય લોકોમાં જળવાય રહેવો જોઈએ. એના માટે પણ તેઓ ડોકટર્સને કમિશન આપે છે. અને ડોક્ટર્સ ખાસ કરીને જેમણે ડોક્ટર બનવા માટે જંગી રકમો ખર્ચી છે, તેઓ ઝડપથી એ રોકાણ વસૂલ કરવા આ રસ્તે નીકળી પડતાં હોય છે. તેઓની વફાદારી દર્દીઓ કરતાં આવી કંપનીઓ પ્રત્યે વધુ હોય છે! અમાથી ઘણા બધા પરીક્ષણો તો એવા છે કે જેનાથી દર્દીઓને ફાયદો થવાને બદલે નુકસાન વધુ થતું હોય છે. જેમકે એક્સ-રે અને સી.ટી. સ્કેનને લીધે દર્દીઓને વારંવાર રેડીએશનના સંપર્કમાં આવવું પડે છે. વળી આવા પરીક્ષણો ખર્ચાળ પણ બહુ હોય છે.
તંદુરસ્ત લોકો જેઓ માને છે કે તેઓ બીમાર છે તેમની પાસેથી ઘણા પૈસા કમાઈ શકાય છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ રોગોને સ્પોન્સર કરે છે અને ડોક્ટર્સ તે રોગોને લોકોના મનમાં ઘુસાડે છે. આવી રીતે બિનજરૂરી દવાઓ અને પરિક્ષણોનું બજાર ધમધમતું રહે છે. માંદગીનું સામાજિક બાંધકામ રોગના કોર્પોરેટ બાંધકામ દ્વારા બદલવામાં આવી રહ્યું છે, જેમાં દવા કંપનીના સ્ટાફ, ડોકટરો અને ગ્રાહક જૂથોનો સમાવેશ થાય છે. "રોગ જાગૃતિ" ઝુંબેશ સામાન્ય રીતે કંપનીઓની માર્કેટિંગ વ્યૂહરચના સાથે જોડાયેલી હોય છે, તેથી તેઓ નવા ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો લોકોના મગજમાં ડોક્ટર્સ, સેમિનારો, કેમ્પસ અને સોસિયલ મીડિયા થકી એવા ઉતારી દે કે લોકોને એ દવાઓમાં જ પોતાનું જીવન દેખાવા લાગે!
ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોમાં વિશાળ બજાર ઊભું કરીને ફાર્માસ્યુટિકલ કંપનીઓ અઢળક નફો કમાઈ લેવાના લોભમાં દેશના લોકોના આરોગ્ય સાથે રમત કરી રહી છે. જે રમત લોકો માટે બહુ ભયંકર સાબિત થવાની છે. માટે રોગોના ડરથી ડરીએ નહી. રોગ કા તો હોય અને કા તો ના હોય. પ્રી-ડાયાબિટીક કે પ્રી-કોલેસ્ટોરેલ જેવુ કશું હોતું નથી. એક સર્વે મુજબ ભારતમાં 70 થી 80 ટકા જેટલા લોકો કેન્સરના ડરથી ડરીને જીવી રહ્યા છે. મહર્ષિ પતંજલિ કહેતા એમ, ‘આપણા 90% રોગોનું મૂળ આપણી માનસિક નબળાઈ છે.’ માટે મનમાં કોઈપણ રોગનો ભય ઘૂંસવા ના દઈએ.