નવી આશાઓ, નવી ઉમંગો અને નવા નવા આપણે સૌ!!
આજે 2026ના ચાર દિવસો વીતી ચૂક્યા છે, કોઈ બીજા ધર્મનું નવું વર્ષ ઉજવવું કે ના ઉજવવું એની મૂંઝવણમાથી આપણે સૌ બહાર આવી ગયા હોઈશું. સારું હોય એવું કશું પણ ઉજવી લેવું જોઈએ. ધર્મ ભલે ગમે તે હોય, સંદેશ તો એકસરખો જ છે ને! ઘણા લોકોએ નવા વર્ષના સંકલ્પ કરીને કા તો કનટીન્યુ રાખ્યા હશે અને કા તો દર વર્ષની જેમ એ બધા સંકલ્પો હવા થઈ ગયા હશે. જે હોય કશુંક નવું આવે, એની નોંધ જીવનમાં લેવી ઘટે. હવેથી 2025નું વર્ષ ઇતિહાસ બનીને રહી જશે. થોડા દિવસો સુધી તારીખો સાથે 2026 લખવાનું ભુલાઈ જશે ને 2025 જ લખાઈ જશે. છેલ્લા અઠવાડીયાથી ઘણા બધા ન્યૂઝપેપર્સમાં 2025નું સરવૈયું વિતેલા વર્ષની યાદો સાથે રજૂ થઈ રહ્યું છે. આખા વર્ષ દરમિયાન આપણી આસપાસ જે કાઇપણ સારું-ખરાબ બન્યું તેની વિગતવાર નોંધો દરેક છાપામાં આવી ગઈ અને આપણે વાંચીને એમાથી થોડું ઘણું યાદ રાખીને બાકીનું બધુ જ ભૂલી જઈશું.
આપણા સૌના અંગત જીવનના પ્રોફિટ-લોસને પણ આપણે વિતેલા વર્ષના સંદર્ભમાં મૂલવતાં રહીશું, એ સ્મૃતિઓને રીફ્રેશ કરીને હસી પણ લઈશું અને રડી પણ લઈશું. જિંદગીના કેલેંડરનું એક વર્ષ બદલાઈ જશે અને આપણે 2026 વિતેલા વર્ષ કરતાં બેટર બની રહે, તેવી પ્રાર્થનાઓ કરીશું. આમ તો સમય વહેતો રહે છે, આપણે એને ઘડિયાળ અને કેલેન્ડર વડે બાંધવાની કોશીશો કરતાં રહીએ છીએ, પણ એ બંધાતો નથી. કહે છે કે સમય ગમે તેટલો સારો હોય કે ખરાબ? ટકતો નથી,એ વીતી જ જાય છે.
બસ વીતી ગયેલા દરેક વર્ષ માટે આપણે એ જ યાદ રાખવાનું છે. અંગત જીવનના અમુક લોસીસને આપણે ક્યારેય ભૂલી નથી શકવાના, પણ સાથે સાથે આપણે જે કઈ ગુમાવ્યું છે, તેના સ્થાને નવું કશુંક આપણને મળી જ રહેવાનુ છે, બસ કદાચ આ વર્ષે ના મળે, તો આવતા વર્ષે પણ મળી જશે... માટે ગમે તે થાય ધીરજ ના ગુમાવી દઈએ. આપણી અંદર રહેલી આશાની કિરણો જ આપણા જીવનને પ્રકાશીત કરતી રહે છે. અને એ પ્રકાશ થકી જ આપણી અંદર રહેલી નકારાત્મકતાનું અંધારું દૂર થઈ શકે છે.
આપણે સૌ જીવનમાં આર્થિક સ્થિરતા અને આત્મનિર્ભરતા ઇચ્છતા હોઈએ છીએ, એવું પણ ઇચ્છતા હોઈએ છીએ કે જે વ્યક્તિઓ સાથે આપણે લાગણી થકી જોડાયેલા હોઈએ એ વ્યક્તિઓ આપણને કદી છોડીને ના જાય, પણ સંઘર્ષ તો દરેક વ્યક્તિના જીવનનું કોમન તત્વ છે, તેને આપણે ટાળી નહી શકીએ કે તેનાથી આપણે ભાગી નહી શકીએ. બસ આપણી પાસે એક જ ઓપશન છે, અને એ છે, લડતા રહીએ.....
દરેકના જીવનમાં એકાદ દસકો તો એવો આવે જ છે, જેમાં તેણે કાળી મજૂરી કરવી જ પડે છે, અગર તો અનેક સંઘર્ષોનો સામનો કરવો પડે છે, ઘણા લોકોના જીવનમાં આ ગાળો વધુ લાંબો પણ હોય શકે છે. પણ દરેક કાળી રાત પછી નવી સવાર હોય જ છે, માટે આપણને પણ એક દિવસ તો એ નવીન સવારની તાજગીનો અનુભવ થશે જ!
સાચું તો એ છે કે આપણી અંદરની તાજગી ક્યાય ખોવાય ના જવી જોઈએ. જીવન ગમે તેવી મુશ્કેલીઓ લઈને આવે, લડતા રહેવાની હિંમત આપણી અંદર જળવાઈ રહેવી જોઈએ, હું જાણું છુ કે હું જે કઈ રહી છુ, એ અઘરું છે, પણ અશક્ય તો નથી જ! વિતેલા વર્ષને વળગી રહેવાથી કશું મળવાનું નથી, આગળ વધી જવામાં જ મોજ રહેલી છે. માટે વહેતા રહીએ, વહેતા રહીશું તો આપણી અંદરનો ઘણો ખરો કચરો સાથે સાથે વહી જશે.
નહી કોઈ માનસિક કે નહી કોઈ શારીરિક બીમારી આપણને ટચ કરી શકે... અને આપણે મસ્તીથી ભરેલું જીવન જીવી શકીશું. ઘણીવાર આપણે વર્ષો અનુસાર જિંદગીને પ્લાન કરી લેતા હોઈએ છીએ, અને વિતેલા વર્ષોમાં જે કઈ પ્લાન મુજબ ના થઈ શક્યું કે ના મળી શક્યું, તેને આગલા વર્ષે કેરી-ફોરવર્ડ કરતાં રહીએ છીએ. પણ હકીકત તો એ છે કે પ્લાન બહારનું પણ ક્યારેક જીવી લઈશું તો જિંદગીમાં જે કઈ ખરેખર મિસિંગ છે, તેને ઉજવી શકીશું.
અમુક બાબતો કરી લેવા માટે અત્યારનો સમય જ સૌથી બેસ્ટ હોય છે. આવતા વર્ષે આ કરી લઈશું, એ આવતું વર્ષ ક્યારેય આવતું જ નથી! માટે કેલેન્ડરની તારીખો બદલાય એની સાથે સાથે આપણે પણ બદલાતા રહીએ. જિંદગીને બહુ ડૂઝ અને ડોન્ટ ડૂઝ વચ્ચે વહેંચી ના નાખતા. બિન્ધાસ્ત બનીને, નફફટ થઈને, થોડા થોડા સેલ્ફ-સેનટર્ડ થઈને જીવજો.
ગયા વર્ષે આ બધુ મિસિંગ હતું, આ વર્ષે ના રહેવું જોઈએ..... રોજ આવતી નવી સવારની તાજગીને જેટલી શ્વાસોમાં ભરી લઈશું, એટલા નવા વર્ષો જિંદગીમાં ઉમેરી શકીશું.....
