Tuesday 12 April 2022

કેટલીક ‘કુટેવો’ હવે ખરેખર આપણાં પર્યાવરણનું સૌંદર્ય છીનવી રહી છે!!!

 

 કેટલીક ‘કુટેવો’ હવે ખરેખર આપણાં પર્યાવરણનું સૌંદર્ય છીનવી રહી છે!!!

 Buy Go Back to Nature & Heal your 'Self' Book Online at Low Prices in India  | Go Back to Nature & Heal your 'Self' Reviews & Ratings - Amazon.in

1)     આપણને સૌને બજારમાં ખરીદી કરવા જતી વખતે, કાપડની થેલી લઈને જતાં શરમ આવે છે, એટલે આપણે પ્લાસ્ટિકની થેલીઓનો બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ.

2)   પ્લાસ્ટિક બહુ જ ખરાબ રીતે આપણાં સ્વાસ્થ્યને નુકસાન કરી રહ્યું છે, છતાં આપણે તેનો ઉપયોગ કરવાનું બંધ નથી કરી રહ્યા.

3)   જ્યાં ત્યાં કચરો ફેંકવાનું ભૂલતા નથી. બેફામ કચરો કરતાં રહેવું એ આપણી રાષ્ટ્રીય આદત બની ગઈ છે.

4)   પાણીનો બગાડ કરતાં રહીએ છીએ. તેને ગંદુ કરતાં રહીએ છીએ.

5)   વૃક્ષો વાવીએ છીએ, પણ ઉછેરતા નથી.

6)   પશુ-પક્ષીઓ આપણાં સાથીદારો છે, એ તો આપણે સાવ ભૂલી જ ગયા છીએ.

7)   જંગલો સાથે આપણો ગાઢ સંબંધ છે, છતાં આપણે તેઓને બેરહેમીથી કાપી રહ્યા છીએ.

8)   દરિયાઓના પાણીમાં પણ આપણે કચરો પધરાવતા રહીએ છીએ.

9)   એ.સી. ફ્રીજ જેવા સાધોનાના વધુ પડતાં ઉપયોગને ટાળી નથી રહ્યા.

10) લાઉડ-સ્પીકરોના ઘોંઘાટના વોલ્યુમને ઘટાડી નથી રહ્યા.

      આ લિસ્ટ હજી લાંબુ થાય એમ છે, પણ આપણે અત્યારે પર્યાવરણ ને અસર કરી રહેલી કુટેવો વિષે જ વાતો કરીએ. પર્યાવરણની સુરક્ષા એ અત્યારનો સૌથી જરૂરી મુદ્દો છે. જેને આપણે જેટલી ગંભીરતાથી લેવો જોઈએ એટલી ગંભીરતાથી લઈ નથી રહ્યા! ઉપરની તમામ કુટેવો આપણને અને આવનારી પેઢીને જીવવાલાયક પૃથ્વી નહી આપી શકે. એ વાત તો નકકી જ છે. આપણે સૌ પેલા કાલિદાસજીની જેમ જે ડાળીએ બેઠા છીએ એ જ ડાળીને કાપી રહ્યા છીએ! ફર્ક એટલો છે, કે તેમના હાથમાં કુહાડી હતી અને આપણાં હાથમાં આ કુટેવો છે. ખરીદી કરવા જતી વખતે પણ આપણે સ્ટેટસ જાળવી રાખવા માંગીએ છીએ અને એટલે જ આપણી પૃથ્વીનું સ્ટેટસ બગડી રહ્યું છે.

.    કોઈ જાહેર કાર્યક્રમ પૂરો થાય પછી એ સ્થળે રહેલા કચરાનું અવલોકન કરવામાં આવે તો એ સ્થળ ઉકરડો બની ગયુ હોય છે!  આપણી જાહેર આદતો એટલી બધી ગંદી છે, કે આપણે એ સ્થળોને કચરા નાખવાનું સ્થળ જ સમજી લેતા હોઈએ છીએ. બેફામ કચરો કરતાં રહેવું એ આપણી રાષ્ટ્રીય આદત બની ગઈ છે. પ્લાસ્ટિક આપણાં સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે, છતાં આપણે અંધ બનીને તેનો ઉપયોગ કરતાં જ રહીએ છીએ. આપણે આપણી જ જિંદગીમાં ઝેર ઘોળી રહ્યા છીએ. પ્લાસ્ટિક સાથે રહીને આપણે પણ પ્લાસ્ટિક જેવા થઈ ગયા છીએ. જેમ પ્લાસ્ટિકનો કોઈ રીતે નિકાલ નથી થઈ શકતો એ જ રીતે આપણી કુટેવોનો પણ કોઈ નિકાલ નથી!

    કેટલીક એવી નાની નાની કુટેવો છે, જે આપણે છોડી જ શકતા નથી. અને તેને લીધે આજે પૃથ્વી એટલી બધી ગરમ થઈ ગઈ છે, કે આપણું અસ્તિત્વ જોખમમાં મુકાઇ ગયું છે. આપણને આપણાં ભલા માટે વૃક્ષો વાવવાનું અને ઉછેરવાનું કહે છે, પણ આપણે એ પણ કરી શકતા નથી. આપણે આપણાં વિકાસની દોડમાં એટલા અટવાઈ  ગયા છીએ કે પૃથ્વીને રોજ આપણે થોડા થોડા વિનાશ તરફ લઈ જઈ રહ્યા છીએ. આપણે આપણાં વાહનો માટે પણ વૃક્ષોનો છાંયડો શોધતા ફરીએ છીએ, પણ વૃક્ષો ઉગાડવાની તસ્દી લેવા તૈયાર નથી. એ.સી. ફ્રીજ જેવા સાધોનાના વધુ પડતાં ઉપયોગને લીધે વાતાવરણમાં રહેલું ઓઝોન વાયુનું પડ પાતળું થઈ રહ્યું છે, જેને લીધે સૂર્યના કિરણો આટલા જલદ લાગી રહ્યા છે. આપણે ઠંડા થઈ રહ્યા છીએ પણ પૃથ્વી ગરમ થઈ રહી છે.

  વાતાવરણમાં થઈ રહેલા ફેરફારો રેકોર્ડ પર રેકોર્ડ તોડી રહ્યા છે, પણ આપણે વાતાવરણને શુદ્ધ કરવા તરફ નથી વળી રહયા એ પણ એક રેકોર્ડ છે!  ભારતના અનેક શહેરો પ્રદૂષણની હદ વટાવી ગયા છે. અમુક શહેરોનું વાતાવરણ એટલી હદે પ્રદુષિત થઈ ચૂક્યું છે કે એ શહેરોમાં રહેનાર લોકોની આંખોમાં અને ચામડીમાં બળતરા થઈ રહી છે. વાતાવરણ એટલું બધુ ધૂંધળું થઈ ગયું છે કે આપણે એમાં આવનાર સમયની ભયાનકતા પણ જોઈ શકતા નથી. બસ દોડયે જ જઈએ છીએ, વિકાસની આ આંધળી દોડ આપણને કચરાના ઢગલા તરફ લઈ જઇ રહી છે. એવો ઢગલો જેમાં માનવજીવન દટાઈ રહ્યું છે.

       બીચનું સૌંદર્ય જોઈને આપણે ત્યાં ફરવા તો જઈએ છીએ, પણ બીચનાં સૌંદર્યને માણવાને બદલે આપણે તેને નુકસાન પહોંચાડતા રહીએ છીએ. વળી કારખાનામાથી નીકળતા કેમિકલો તેમાં ભળવાથી દરિયાની અંદર જીવતા જીવો પણ મૃત્યુ તરફ ધકેલાઇ રહ્યા છે. આપણે આપણાં સ્વાર્થને લીધે સૃષ્ટિના તમામ જીવોને હેરાન કરી રહ્યા છીએ. આવી જ રીતે સુંદર નદીકિનારાઓને પણ આપણે પ્રદુષિત કરી દીધા છે. આખા વિશ્વમાં પીવાલાયક પાણીનો જથ્થો માત્ર 1.2% જેટલો જ રહ્યો છે. પાણી આપણાં જીવન સાથે જોડાયેલુ અનિવાર્ય તત્વ છે, છતાં આપણે તેની અહેમિયત સમજી નથી રહ્યા.

    કુદરત આપણને વારંવાર સિગ્નલ આપી રહ્યું  છે, પણ આપણે સ્ટોપ નથી થઈ રહ્યા. ટૂંકો લાભ મેળવવા આપણે લાંબાગાળાની આફતો નોતરી રહ્યા છીએ. દુનિયા ભરના પર્યાવરણવાદીઓ અને વૈજ્ઞાનિકો આપણને ચેતવી રહ્યા છે કે બસ હવે કુદરત તરફ પાછા વળી જઈએ પણ આપણે આપણાં સ્વાર્થ માટે ચેતવણીને ઇગ્નોર કરી રહ્યા છીએ! તેના ખરાબ પરિણામો પણ આપણને મળવાના શરૂ થઈ ગયા છે. પણ આપણે અટકી નથી રહ્યા. જે જે વસ્તુઓના વપરાશથી પર્યાવરણ પ્રદુષીત થઈ રહ્યું છે, તે વસ્તુઓના વપરાશને આપણે અટકાવી નથી રહ્યા.

     આપણે જાણવા છતાં આપણાં ખુદના અસ્તિત્વ પર પણ ખતરો ઊભો કરી રહયા છીએ. ભાવિ પેઢીએ તો હવે આપણી પાસેથી અમુક અપેક્ષાઓ રાખવાનું જ છોડી દીધું છે. આપણે આવતી પેઢીને સંપતિ આપવા પાછળ ભાગી રહ્યા છીએ, પણ પ્રાકૃતિક સંપતિ તેઓ પાસેથી છીનવી રહ્યા છીએ. આપણે તેઓને એવું પ્રદુષિત વાતાવરણ આપી રહ્યા છીએ કે તેઓ પાસે ચોખ્ખી હવા પણ નહી રહે કે નહી રહે ચોખ્ખું પાણી કે નહી રહે વૃક્ષો, પક્ષીઓ કે પશુઓ.

  લાઉડસ્પીકરોના ઘોંઘાટમાં આપણે કુદરતના કલરવને અને તેનાં સાદને નથી સાંભળી રહ્યા. તો ઈશ્વર તો આપણને શું સાંભળશે? જ્યાં જ્યાં માણસ ત્યાં ત્યાં પ્રદૂષણ.

          ખરેખર આપણે આ કુટેવોને આપણાં અસ્તિત્વ માટે છોડી દેવાની જરૂર છે.

      

        

  

Tuesday 29 March 2022

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, બાળકોએ માંગ્યા કે આપણે આપ્યા?

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, બાળકોએ માંગ્યા કે આપણે આપ્યા?

Gadgets and Children: The Pros & Cons of Electronic Gadgets

 

      હમણાં હમણાં બાળકોના ઉછેરમાં એક બાબત આપણને વારંવાર સાંભળવા મળે છે , “ અમને ના મળ્યું તે બધુ જ અમારા સંતાનોને આપવું છે”  બહુ સારી લાગણી છે, પણ આ લાગણી સાચી કેટલી? આ લાગણી હવે પૂર્વગ્રહમાં ફેરવાઇ ગઈ છે. અને એટલા માટે દરેક માતા-પિતા તનતોડ મહેનત કરતાં રહે છે. અને એના કારણે જ સમાજમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે!  બધાને જરૂરિયાતોના ઢગલા જેવી જિંદગી જોઈએ છીએ, અભાવ શું છે? એ જાણે કે હવે સૌ ભૂલવા જ લાગ્યા છીએ. કે ભૂલવા મથી રહ્યા છીએ!

  પેલા બાળકોને અભાવમાં ઉછેરવાની કળા માતા-પિતા પાસે હતી. સંતાનોને પણ ખબર પડવી જોઈએ કે અભાવમાં પણ શ્રેસ્ઠ જીવન જીવી શકાય છે. પણ હવે એ સારી ટેવો આપણા સમાજમાથી લુપ્ત થતી જાય છે. બજારે આપણી સમક્ષ જરૂરિયાતોનો જે ઢગલો ખડકી દીધો છે, તેની નીચે આપણે સૌ દબાઈ રહ્યા છીએ, ઢસડાઈ રહ્યા છીએ. મશીન્સ દ્વારા થઈ રહેલા ઢગલા-બંધ ઉત્પાદને આપણને માર્કેટિંગ આપ્યું અને એ માર્કેટિંગે આપણને પણ એક પ્રોડક્ટ માં ફેરવી નાખ્યા છે. હમણાં એક જગ્યાએ સરસ વાક્ય વાંચેલું તમારા બાળકો પર ધ્યાન આપો, તેઓને સમય આપો, નહી તો બજાર તેના પર ટાંપીને બેઠું છે.” માતા-પિતા પાસે બાળકોને આપવા માટે બધુ જ છે, સંપતિ, નવા નવા ઉત્પાદનો, જરૂરી –બિનજરૂરી વસ્તુઓ બસ તેઓ પાસે બાળકોને આપવા માટે સમય નથી. બાળકોને ઉજ્જવળ ભવિષ્ય આપવા માટે તેઓ બધુ જ કરે છે, પણ જે કરવાનું છે તે નથી કરી રહ્યા!

    શું નથી કરી રહ્યા? ખબર છે, તેઓ પોતાના બાળકોને વસ્તુઓ વગર પણ જીવી શકાય છે, એ નથી શીખવી રહ્યા. અને એ ચક્કરમાં જ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સે આપણા બાળકો પર કબજો જમાવી દીધો છે. ઘણી બધી એવી જરૂરિયાતો છે, જે આપણી જિંદગીના લીસ્ટમાં ના હોય તો પણ આપણે મોજથી જીવી શકતા હોઈએ છીએ. પણ આપણને લિસ્ટ લાંબુ કરવાની અને દોડતા રહેવાની આદત પડી ગઈ છે. અને આ આદતે જ આપણને આપણા જીવન-મૂલ્યોથી દૂર કરી દીધા છે! બીજી કોઈપણ જરૂરિયાતો કરતાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સે આપણા સૌના જીવન પર સૌથી વધુ અસર કરી છે, માટે આપણે એના તરફ વળીએ.

  એવી કેટલી બધી માતાઓને મે ગર્વથી એવું કહેતા સાંભળેલી છે કે મારો દીકરો કે દીકરી મોબાઈલ વિના જમતા જ નથી! કે પછી મારા બાળકને તમે ટી.વી. સામે બેસાડો એટલે એ બધુ ફટાફટ જમી લે. વળી ઘણાના મોઢે તો એવું પણ સાંભળ્યુ છે કે બાળકો તોફાન ના કરે એટલે અમે તેઓને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આપી દઈએ છીએ! ઘોડિયામાં સૂતું બાળક રડે તો પેલા હાલરડાં ગવાતા અને હવે મોબાઈલ પર હાલરડાં ચાલુ થઈ જાય છે. હાલરડાં દ્વારા બાળક સાથે થતો સંવાદ પણ હવે લુપ્ત થતો જાય છે.

  વળી ઘણા માતા-પિતાને આપણે એવો ગર્વ લેતા પણ સાંભળીએ છીએ કે મારા આટલી ઉંમરના બાળકને મોબાઈલ કે ટેબલેટના દરેક ફંક્શન આવડે છે, હો એટલી તો અમને પણ ખબર નથી પડતી! તો વળી ઘણા માતા-પિતા એ વાતનો ગર્વ લેતા હોય છે કે મારુ બાળક તો એ.સી. સિવાય સૂતું જ નથી! મોંઘા મોંઘા બાઈક્સ, રમકડાંઑ, સાથે આપણે તેઓને એકલા એકલા ઉછરવા મૂકી દીધા છે. આપણે તે હદે તેઓને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના હવાલે કરી દીધા છે કે તેઓને માતા-પિતા અને કુટુંબ સાથે સંવાદ કરવાનો સમય પણ રહેતો નથી. તેઓ પોતાની જ દુનિયામાં ખોવાયેલા રહે છે. આપણે આજે એવા અઢળક કુટુંબો જોઈશું કે જ્યાં ડ્રોઈંગ-રૂમમાં ઘરના બધા સભ્યો હાથમાં ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈને સાથે બેઠા છે! સૌ પોત-પોતાની સ્ક્રીનમાં ખોવાયેલા છે. હવે ઘરોમાં ધમાલ નથી થતી, શાંતિ જ પથરાયેલી રહે છે. કારણકે બાળકોને ખબર જ નથી કે ગેજેટ્સ બહાર પણ એક દુનિયા છે!

     તો શેરીઓ અને ગલીઓ પણ સુમશાન છે, શેરીની ધૂળમાં કે રેતીમાં હવે બાળપણ રગદોળાતું નથી. કેટલી બધી રમતો આજે પોતાના છેલ્લા શ્વાસો લઈ રહી છે. બહુ નાની ઉંમરે આપણે બાળકોને મશીન્સ તરફ ધકેલી રહ્યા છીએ. સગવડો અને સુવિધાઓના નામે આપણે તેઓને એવું ભવિષ્ય આપી રહ્યા છીએ જેમાં શારીરિક અને માનસિક ક્ષમતાઓ તેઓની ખતમ થઈ ગયેલી હશે. બધુ ઓન-લાઇન કરવાના ક્રેઝમાં આપણે આપણા બાળકોનું જીવન જ આઉટ-લાઈને ચડાવી દીધું છે.

    બાળકોના શારીરિક અને માનસિક વિકાસ પર ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અવળી અસરો ઊભી કરે છે, એ જાણવા છતાં આપણે તેઓને એ જ આપી રહ્યા છીએ. આ ગેજેટ્સની શોધ માનવ-જીવનને સરળ બનાવવા થઈ હતી, પણ આજે એ ગેજેટ્સ જ આપણા સૌના જીવનને કોમ્પ્લિકેટેડ બનાવી રહ્યું છે. પેલા આપણે આપણા સમયને સાચવવા તેઓને  આ ગેજેટ્સ તરફ વાળીએ છીએ અને પછી જ્યારે તેઓને એડિક્શન થઈ જાય ત્યારે આપણે રાડો પાડતા ફરીએ છીએ કે અત્યારની પેઢી તો અમારી સાથે સંવાદ કરતી જ નથી! જ્યારે તેઓ સાથે સંવાદ કરવાની જરૂર હતી, આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આપી દીધા અને હવે આપણે ક્યાં મોઢે તેઓ પાસે સમય માંગી રહ્યા છીએ.

   આપણી સગવડતા સાચવવા આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આપ્યા અને હવે એ સગવડ જ આપણા સૌ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. આ બાળકોને કે જેઓ માટે આ દુનિયા નવીનતાથી અને આશ્ચર્યોથી ભરપૂર હતી, તેઓની પાસેથી વિસ્મયો, મૌલિકતાં અને સર્જનાત્મકતા છીનવીને તેઓને આ તરફ વાળ્યા કોણે? બસ આટલું સૌ પોતાને પૂછજો.

 હકીકત તો એ છે કે આપણે આપણા બાળકોને બાળપણ સિવાય બધુ જ આપી રહ્યા છીએ. 

Gadgets and Children: The Pros & Cons of Electronic Gadgets

Sunday 20 March 2022

વ્યસન, કુટુંબોના આધારો છીનવી રહ્યા છે!!!

 

 

વ્યસન, કુટુંબોના આધારો છીનવી રહ્યા છે!!!

Drug addiction family

           એક ગામમાં ચૂંટણી ફરજ પર ગયેલા. મત દેવા આવતા 95% પુરુષો તમાકુ કે ગુટકા ખાતા ખાતા આવતા હતા. તેમની સાથે આવતા બાળકો કે જે છઠ્ઠા કે સાતમા ધોરણમાં ભણતા હતા, તેઓને પણ આ લત લાગવા માંડી હતી. ઘરના વડીલોને વ્યસન કરતાં જોઈને તેઓ પણ એ રસ્તે વળી ગયા હતા. દેશના લગભગ તમામ ગામો અને શહેરોની આ પરિસ્થિતી છે. લોકો વ્યસન સાથે એવી રીતે બંધાઈ જતાં હોય છે કે તેઓ પોતાની સાથે જોડાયેલી જિંદગીઓ વિષે પણ વિચારતા હોતા નથી. વ્યસનોના હવાલે થવા હવે યુવા વર્ગને પાનના ગલ્લા સુધી પણ નથી જવું પડતું, તેઓને ઘરોમાં જ આ ટ્રેનીંગ મળી રહે છે.  ભારતમાં 267 મિલિયન પુખ્તવયના નાગરિકો તમાકુ ના વ્યસન સાથે બંધાયેલા છે. (according to the Global Adult Tobacco Survey India, 2016-17.) આ તો માત્ર તમાકુના વ્યસન સાથે બંધાયેલા યુવાનોના આંકડાઑ છે. હજી શરાબ અને ડ્રગ્સના રવાડે ચડેલા લોકોનું લિસ્ટ લાંબુ છે.

  દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી જે રીતે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે, એના પરથી લાગી રહ્યું છે કે ડ્રગ્સનું વ્યસન પણ યુવા પેઢીને અંધકારમાં ધકેલી રહ્યું છે. એવું તો શું થઈ રહ્યું છે કે યુવાનો અને યુવતીઓ વ્યસનને ફેશન માની પોતાનું અને પોતાના કુટુંબોનું ભાવિ અંધકારમય બનાવી રહ્યા છે? તેઓ પાસે બધુ જ છે, છતાં તેઓ આવા ગલત વ્યસનો પાછળ પોતાનું સર્વસ્વ ગુમાવી રહ્યા છે!  ડ્રગ્સના વ્યસનને લીધે તેઓમાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ડ્રગ્સ તેઓની યુવાનીના સુવર્ણ વર્ષોને કથીરમાં ફેરવી રહ્યું છે. અને નવાઈની વાત તો એ છે કે ડ્રગ્સ, હેરોઇન, બ્રાઉન-સુગર વગેરે પાછળ પાગલ થનારા યુવાનો અને યુવતીઓની સંખ્યા વધી જ રહી છે.

      હજી આજની તારીખે અમુક કુટુંબોમા વ્યસનના કારણે માર-પીટ થતી રહે છે. તેમના સંતાનોને વારસામાં માંના આંસુઓ અને પિતાના અપશબ્દો મળતા રહે છે. આપણે આપણી આસપાસ કેટલા કુટુંબોને વ્યસનોને કારણે બરબાદ થતાં જોઈએ છીએ. વ્યસન સાથે સંકળાયેલા લોકો એવી ઉંમરે મૃત્યુના હવાલે થઈ જતાં હોય છે કે તેઓના કુટુંબો અચાનક જ નોધારા થઈ જતાં હોય છે. તેઓના બાળકો પરથી પિતાની છત્ર-છાયા બહુ નાની ઉંમરે ઉઠી જતી હોય છે. જે બાળપણ પિતાના ખોળામાં ઉછરવું જોઈએ તે બાળપણ જવાબદારીઓના બોજ તળે દબાઈ જતું હોય છે. અમુક જ્ઞાતિઓ વ્યસનને લીધે જ પોતાની જ્ઞાતિને અને પોતાને પ્રગતીના રસ્તે લઈ જઇ શકતા હોતા નથી!

     તમાકુ, ડ્રગ્સ, શરાબ, ગાંજો, ચરસ વગેરેનું વ્યસન ધરાવતી વ્યક્તિઓ પોતાનું શારીરિક અને માનસિક પતન નોતરતી હોય છે. સારી ટેવો પાડવી પડતી હોય છે, જ્યારે ખરાબ આદતો લોકો જાતે શીખી લેતા હોય છે. હાથમાં સીગરેટ લઈ સિગરેટના કસ મારતા યુવાનો અને યુવતીઓ એ ધુમાડા સાથે પોતાનું જીવન પણ ઉચ્છવાસમાં કાઢી નાખતા હોય છે. ખબર નહી પણ કેમ લોકોના મનમાં એ પૂર્વગ્રહ ઘર કરી ગયો છે કે વ્યસન આપણને માનસિક ટેન્શનમાં સહારો આપે છે. વ્યસનને કારણે આર્થિક નુકસાન પણ મોટું થાય છે. લોકો પોતાની જિંદગી છોડવા તૈયાર થઈ જતાં હોય છે, પણ વ્યસન છોડવા તૈયાર નથી હોતા!

   વ્યસનોને કારણે વ્યક્તિઓને શારીરિક, માનસિક અને સામાજિક નુકસાન થતું હોય છે. એવું આપણે નાના હોઈએ છીએ ત્યારથી શીખવવામાં આવતું હોય છે, પણ આપણે એને જિંદગીના અભ્યાસક્રમમાં સ્થાન આપતા નથી. અને વ્યસનોને ફેશન સમજી ધીમા ધીમા આપઘાત તરફ વળી જતાં હોઈએ છીએ. ટી.વી. માં અને બીજા સોસિયલ મીડિયામાં સેલેબ્રેટીને સિગરેટના કસ મારતા જોઈને કે શરાબની બોટલો ઉછળતા જોઈને યુવાનો અને યુવતીઓ પણ એ લત તરફ વળી જતાં હોય છે. હવે સોસિયલ મીડિયાનો વ્યાપ વધી ગયો એટલે બાળકો પણ એ રસ્તે જઇ રહ્યા છે. આવા વ્યસનો માટે જે ખર્ચાઓ થાય છે, એટલા ખર્ચાઓમાં તો એક બાળકને સરસ રીતે શિક્ષણ આપી શકાતું હોય છે! પણ વ્યસન પાછળ દોડનાર વ્યક્તિઓને આવા સારા વિચારો આવતા જ નથી.

કદી કોઈ કેન્સર હોસ્પીટલમાં જઈને જોઈશું તો આવા વ્યસનોને કારણે લોકોની જે હાલત થઈ જતી હોય છે, તે જોઈને કંપારી છૂટી જશે. વ્યસનોને લીધે કેન્સર થાય છે, એ વાત હવે બધાને ખબર છે, તમાકુ અને ગુટકા અને સિગરેટના પેકેટ પર આવી ચેતવણીઑ પણ લખેલી હોય છે, છતાં લોકો ટેસથી આવી ચેતવણીઓને અવગણી મૃત્યુના રસ્તે જતાં રહેતા હોય છે. વ્યસનોને લીધે આપણાં શરીરના અગત્યના અંગો જેવા કે હ્રદય, ફેફસાં, કિડની, લીવરને નુકસાન થતું હોવા છતાં લોકો તેને છોડવા તૈયાર નથી હોતા! સામેથી મૃત્યુ ખરીદવાની આદત લોકોને થઈ ગઇ છે, જે હવે કોઈ રીતે છૂટી નથી રહી.  ભારતમાં વ્યસનને લીધે થતાં કેન્સરનું પ્રમાણ દુનિયાના બીજા કોઈપણ દેશ કરતાં વધુ છે. અને હજી પણ વધી રહ્યું છે!

  વ્યસનોની સૌથી ખરાબ અસરો કુટુંબ-જીવન પર થઈ રહી છે. વ્યસનોને લીધે હસતી રમતી જિંદગીઓ નિરાશા અને હતાશાની ઊંડી ખીણમાં ધકેલાઇ રહી છે. જે જિંદગીઓ કુટુંબના મુખ્ય માણસ પર નભતી હોય છે, એ જિંદગીઓ આંસુઓના પ્રવાહમાં વહી જતી હોય છે. શું આપણાં બાળકો પરથી પિતાનું  છત્ર આપણે કોઈને વ્યસનને છીનવી લેવા દઇશું! બસ આ એક સવાલ ખુદને કરીએ અને વ્યસનોથી દૂર રહીએ. યુવા-વર્ગને વ્યસન ના રવાડે ચડતા રોકવા માટે થતાં પ્રયાસો કરીએ. વ્યસન એ ફેશન નથી, કે એની પાછળ દોડતા રહેવાથી કોઈ આધુનિક પણ થઈ જતું નથી. અને વ્યસન પાસે આપણી કોઈ સમસ્યાઓનો ઉકેલ પણ નથી, એ યુવા-વર્ગે ખાસ સમજી લેવાની જરૂર છે.

 


Tuesday 1 March 2022

મનનુંવિજ્ઞાન....... કશુંક ખૂબ જ જરૂરી આપણે ભૂલી રહ્યા છીએ!!!

 

મનનુંવિજ્ઞાન....... કશુંક ખૂબ જ જરૂરી આપણે ભૂલી રહ્યા છીએ!!!

 7 Things to Do if You Feel Emotional

 

                 હમણાં એક સંબંધીની મળવાનું થયું. તેમની દીકરી આર્ટ્સમાં મુખ્ય વિષય સાથે મનોવિજ્ઞાન લેવાનું કહી રહી હતી. મે તેને પુછ્યું કેમ મનોવિજ્ઞાન જ! તેણે જવાબ આપ્યો, આજે જે રીતે સમાજ વિકસી રહ્યો છે, નજીકના ભવિષ્યમાં બધાને આ વિષયની જરૂર પડવાની જ છે. માટે આજે જે રીતે લોકો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે, સૌથી વધુ તો સંબંધોને જોડી રાખવા માટે આ જ્ઞાનની જરૂર પડશે જ. હું એ બધાનું  કાઉન્સેલિંગ કરીશ, હસતાં હસતાં તેણે કહ્યું.

 છાપામાં, ટી.વી. માં, આજકાલ જે રીતે આપણે પ્રેમના નામે શક્તિ પ્રદર્શન જોઈ રહ્યા છીએ, આપણને સૌને મનની શાંતિ ની ખાસ્સી જરૂર હોય એવું લાગી રહ્યું છે. કોઈ યુવાન યુવતીનું ગળું કાપી રહ્યો છે, કોઈ પતિ પત્ની પર શક કરીને આત્મઘાતી હુમલો કરી રહ્યો છે. હું પણ મરુ અને તને પણ મારી નાખું! કોઈ ગમી ગયેલું પાત્ર ના મળવાથી પોતે આપઘાત કરી લેતા હોય છે, તો કોઈ પરીક્ષામાં નાપાસ થવાને લીધે જિંદગી છોડી રહ્યું છે. તો વળી કોઈ દેણું થઈ જવાને લીધે જિંદગી ગુમાવીને ભરપાઈ કરી રહ્યું છે. કોઈ વળી પરિક્ષાના ટેન્શનમાં આપઘાત કરી રહ્યું છે, તો કોઈને સંબંધો ગુમાવી દેવાના ડરને લીધે જિંદગી છોડવી પડી રહી છે. આ બધુ જોતાં, પેલી છોકરીની વાત ખોટી નથી લાગી રહી!!

  દિન-પ્રતિદિન વધુ ને વધુ લોકો માનસિક પીડા તરફ ધકેલાઇ રહ્યા છે. હતાશા, નિરાશા, જાણે કે આપણાં સૌના જીવનનો એક ભાગ બની રહ્યા છે. આપણી પાસે સુખના નામે અનેક સરનામા છે, પણ કોઈ એ સરનામે પહોંચી નથી રહ્યું. લાગે છે કે આપણું મુ.પોસ્ટ જ ગલત થઈ ગયું છે. પહેલા ક્યારેય નહોતી એટલે સુવિધાઓ અને સગવડો આપણી પાસે છે. છતાં આપણે સુખ અને શાંતિ શોધતા ફરીએ છીએ. ટેક્નોલોજીને લીધે આપણું સુખ પણ જાણે કે આભાસી બની ગયું છે. ટેકનૉલોજિ આપણને જરૂરિયાતોના એ બજારમાં લઈ આવી છે, જ્યાં આપણે રોજ સવારે આપણે સૌ  જવાબદારીઓના બોજ સાથે ઊઠીએ છીએ, અને જરૂરિયાતોના લિસ્ટને વળગી રહીએ છીએ!  હકીકત તો એ છે કે આપણે આપણાં સુખને વસ્તુઓની પ્રાપ્તિ અને પૂર્તિ સાથે એટલી સજ્જડ રીતે જોડી દીધું છે કે એ જોડાણ જ આપણને માનસિક રીતે અશાંત કરી રહ્યું છે.

આ પ્રકારનું જીવન આપણને સતત નકારાત્મક માર્ગે લઈ જઇ રહ્યું છે. સંબંધોને હત્યા કે આત્મહત્યા સુધી લઈ જનાર પરિબળોની આપણે ક્યારેય ચર્ચા જ નથી કરતાં! આપણી કઈ આદતો આપણને ક્ષણિક ક્રોધની અવસ્થામાં લઈ જાય છે? એના પર આપણે ક્યારેય વાતો જ કરતાં નથી! કોઈ વ્યક્તિને પોતાના હ્રદયની લાગણીઑ કે ગમા-અણગમા રજૂ કરવા જાણે કોઈ મળતું જ નથી. સંતાનો ખુલ્લા મને પોતાના જ માતા-પિતા સાથે કશું શેર કરી શકતા નથી! દાદા-દાદી તો ઓલરેડી કુટુંબ-વ્યવસ્થા માથી નીકળી જ ગયા છે! એટલી હદે આપણે બાળકોને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના હવાલે કરી દીધા છે કે પછી એમાંથી તેઓને બહાર લઈ આવવા તેઓનું કાઉન્સેલિંગ કરવું પડે છે. તેઓ માંગતા નથી, પણ આપણે આપીએ છીએ એટલે તેઓ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ વાપરતા થઈ ગયા છે.

   આવું શા માટે થાય છે? એની ચર્ચાઓ તો આપણે બહુ કરીએ છીએ, પણ આવું ના થાય એ માટે શું કરવું જોઈએ? એના વિષે બહુ ઓછી ચર્ચાઓ થાય છે. કોઈપણ વ્યક્તિના મનને જાણવું આના માટે ખૂબ જ જરૂરી છે, વ્યક્તિના મનમાં રહેલી જાગૃત અને અજાગૃત અવસ્થા જાણવા માટે મનોવિજ્ઞાન સૌથી જરૂરી વિષય છે અને આપણે એ વિષયને શિક્ષણમાં આપવું જોઈએ તેવું સ્થાન નથી આપી રહ્યા. વિદેશોમાં બાળકોની અભિયોગ્યતા, રસ વગેરે જાણવા માટે મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ થાય છે, પણ આપણે ત્યાં તો માત્ર ઇન્ટરવ્યુ જ લેવાય છે!  મનોવિજ્ઞાન થકી કોઈપણ વ્યક્તિમાં રહેલી માનસિક સમસ્યાઓ વિષે સરળતાથી માહિતી મેળવી શકીએ છીએ. આપણી શિક્ષણ-પદ્ધતિ જોઈશું તો સમજાશે કે આ વિષય મોટાભાગની નિશાળોમાં શીખવવામાં જ આવતો નથી. તેના માટે પ્રયોગશાળા જોઈએ એટલે મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓ એ વિષયને ટાળતી રહે છે. આપણે ત્યાં વિદ્યાર્થીઓ ક્યાં પ્રવાહમાં જશે? આગળ જઇ શું કરશે? એ બાજુવાળાના સંતાનો નક્કી કરે છે, પણ વિદેશોમાં તે માટે મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ અને સાધનોનો ઉપયોગ થાય છે. ક્રિયાત્મક કસોટીઓનો ઉપયોગ થાય છે.

 આપણે ત્યાં યુવાનો અને યુવતીઓ જે રીતે ગલત રસ્તાઓ તરફ ફંટાઇ રહયા છે. તેની પાછળ તેઓનું માનસિક રીતે નબળું મન જવાબદાર છે. તેઓને શાળા કે કોલેજોમાં કોઈ જ પ્રકારનું એવું શિક્ષણ નથી મળતું જેનાથી તેઓનો માનસિક વિકાસ થાય. તેઓને નાનામાં નાની બાબતોનો ઉકેલ મેળવતા પણ નથી આવડતું હોતું. અત્યારે જે પ્રકારની સમસ્યાઓમાથી આપણો સમાજ પસાર થઈ રહ્યો છે, તેના માટે બાળકોને, કિશોરોને અને યુવા-વર્ગને માનસિક રીતે સ્ટ્રોગ બનાવવાની ખાસ જરૂર છે. અને તેના માટે તેઓને નડતાં પ્રશ્નોની ખાસ ચર્ચાઓ કુટુંબો અને શાળાઓમાં થવી જોઈએ. તેઓને મનોવિજ્ઞાન વિષયનું શિક્ષણ આપવાની ખાસ જરૂર છે. તેઓ માનસિક વિકૃતિ તરફ વળી ના જાય તે માટે આ વિષયના શિક્ષણની ખાસ જરૂર છે.

   હકીકત તો એ છે કે આપણી આ દોડ-ધામ વાળી જિંદગીમાં આપણે આપણાં સંતાનોની શારીરિક જરૂરિયાતો તરફ જ ધ્યાન આપી રહ્યા છીએ, તેઓની માનસિક જરૂરિયાતોને સાંભળવાનો કે સમજવાનો આપણી પાસે સમય જ નથી રહ્યો. તેઓ આપણી પાસે ખૂલીને વાતો કરે એવું વાતાવરણ જ આપણે ઊભું કરી શકતા નથી. મારુ સંતાન શું કરી રહ્યું છે? ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ પર શું જોઈ રહ્યું છે? તેના મિત્રો કોણ છે? તે કઈ તરફ વળી રહ્યું છે? તેને ખરેખર શું જોઈએ છે? અમે તેને જે ભણવાનું કહી રહ્યા છીએ એ ભણતર તરફ એને જવું છે કે કેમ? આ પ્રશ્નોનાં જવાબો માતા-પિતાએ વહેલીતકે શોધી લેવાની જરૂર છે. તેને એવું વાતાવરણ આપીએ કે તેઓ ખૂલીને કોઈપણ બાબતે ચર્ચા કરી શકે કે પોતાનાથી થયેલી ભૂલો સ્વીકારી શકે. એ ભૂલો સ્વીકારે ત્યારે એ ભૂલોને ભૂલી જઈને તેઓને નવેસરથી જીવવાનું પણ માતા-પિતાએ જ શિખવવાનું છે.

 કોઈપણ આવો કિસ્સો સોસિયલ મીડિયા પર વાઇરલ કરવાથી નહી, પણ તેનો સોસિયલી ઉકેલ મેળવવાથી આવે છે!! યુવાનો અને યુવતીઓના મનને સમજવાની ખાસ જરૂર છે. કોરોના સમયે લોકોને મેંટલી સ્ટ્રોંગ બનાવવા આપણે મનોવિજ્ઞાન સેંટરનો આશરો લેતા હતા. માતા-પિતાનું પણ  વર્ષે એકવાર કાઉન્સેલિંગ થવું જોઈએ. નવી શિક્ષણનીતિઓ કરતાં નવા વિચારોથી સમાજ જલ્દીથી વિકસિત થતો હોય છે.

લાઈક, કમેંટ,શેર....

  આપણે ત્યાં લોકો માનસિક રોગોની સારવાર માટે મનોવૈજ્ઞાનિક પાસે જતાં એવી રીતે ડરે છે, જે રીતે કોઈ ડરી ગયેલું સંતાન પોતાના માતા-પિતા પાસે જતાં ડરે છે!

 

 

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...