Friday, 14 May 2021

શિક્ષણ,સગવડ અને આપણે..............

 

શિક્ષણ,સગવડ અને આપણે.............. 

શાળાકીય શિક્ષણના માળખામાં અભ્યાસ ક્રમ સંબંધિત ભલામણો કરાઈ | Recommendations  were made regarding the order of study in the structure of school education  | Gujarati News - News in Gujarati - Gujarati

      જો કોઈ આપણને પૂછે કે શિક્ષણ અને સગવડો વચ્ચે કોઈ સંબંધ છે? તો આપણે સૌ શું જવાબ આપીશું? માણસ અગવડો વેઠીને વધુ શીખે છે કે પછી સગવડો વચ્ચે ઉછરીને? શું આ સગવડો સારા ‘શિક્ષણ’ નું સ્થાન લઇ શકે? કે પછી ભણવા માટે એ.સી. ક્લાસ કે લેટેસ્ટ સગવડો જરૂરી છે ખરી? જવાબ વિચારજો અને પછી આગળ વાંચજો.

કોઈ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સીટીનું કે પછી કોઈ કલાસીસનું બ્રોશર જોઈએ, વાંચીએ તો આજે આપણને લાગે આ બ્રોશર કોઈ ફાઈવસ્ટાર હોટેલનું છે કે પછી કોઈ શૈક્ષણિકસંસ્થાનું! લેટેસ્ટ ક્લાસરૂમ, લેટેસ્ટ બિલ્ડીંગ, એ.સી. લેટેસ્ટ ફર્નીચર, લેટેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, લાયબ્રેરી,લેબોરેટરી (જેનો ઉપયોગ થતો પણ હશે કે કેમ!), અરે ઘણી સંસ્થાઓમાં તો લીફ્ટ પણ હોય! સારામાં સારી સુવિધાઓ સાથેનું સુસજ્જ બિલ્ડીંગ હોય! સરસ મજાનો બાગ, સાથે વિશાળ રમતનું મેદાન પણ જ્યાં રમવા જવાનું ક્યારેક જ બનતું હોય. પછી વર્ણન હોય ટોપમાં આવેલા વિદ્યાર્થીઓનું અને છેલ્લે આવે વાયદાઓ! તમારા બાળકોનું આમ કરી નાખીશું અને તેમ કરી નાખીશું. એને આવા બનાવી દેશું અને તેવા બનાવી દઈશું. એની સર્જનાત્મકતા સવારી દેશું. એને સફળતાના શિખરે પહોચાડી દઈશું. સર્વાંગી વિકાસ કરીશું વગેરે વગેરે. અરે બ્રોશર વાચી આપણને એમ થાય આ દેશમાં બધા બાળકો ડોક્ટર, એન્જીનીયર, પ્રોફેસર, વકીલ, જ બનશે. ( નેતાઓ અને ધર્મગુરુઓ ઉંચી પોસ્ટ છે, એના માટે સ્કૂલ જાવું જરૂરી નથી એટલે અહી સમાવેશ કર્યો નથી.) અને જો એ નહિ બની શકે તો કોઈ મોટા કલાકારો બની જશે. પણ હકીકત તો એ છે કે જેટલા સારા બ્રોશર બને છે, જેટલું ઉમદા માર્કેટિંગ થાય છે, એટલું સારું શિક્ષણ અપાતું નથી. આમાં એક પેજ જે વિદ્યાર્થીઓ સારા રેન્ક લઇ આવે એને હાથમાં કપ લઇ ઉભા રાખનારનું પણ હોય છે. પી.આર. ની રેલમછેલ! આપણને એમ થાય ૧૦૦ કરતા આંકડો ક્યાંક વધી નાં જાય! જેને માર્ક ઓછા આવે એને તો એવું લાગે આપણે ક્યાં ગ્રહ પર આવી ગયા! બિચારા એકલા અટુલા. અને માતા-પિતા આ માર્કેટિંગ થી પ્રેરાઈ લાખો રૂપિયા પોતાના સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચી નાખે. અરે ઘણા ઘરોમાં તો બાળકોના શિક્ષણની એટલી બધી ચર્ચા થતી હોય આપણને લાગે આનાથી મોટી કોઈ રાષ્ટ્રીય સમસ્યા જ નથી. ગરીબ અને મધ્યમ વર્ગના માતા-પિતા પણ આ રેસમાં જોડાય જાય. લોકો પોતાની આવકનો મોટો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચતા રહે છે, પણ એ રોકાણનું યોગ્ય વળતર મળતું નથી. પણ એને માટે શિક્ષણ-સંસ્થાઓ જવાબદાર નથી, જવાબદાર તો માતા-પિતા પોતે હોય છે, જે સ્ટેટસ માટે, દેખા-દેખી ને લીધે પોતાના સંતાનોને ખુબ ઉંચી ફી આપી ભણાવે છે.

 હવે બીજી વાત, રીઝલ્ટ આવે એટલે તમે સૌ જાણો છો, જે વિદ્યાર્થીઓના રેન્ક ઊંચા હોય, જેઓના પી.આર. ઊંચા હોય તેઓના ઈન્ટરવ્યું વર્તમાનપત્રોમાં આવે છે. એ ઈન્ટરવ્યું જો આપણે સૌ ધ્યાનથી વાંચીએ તો સમજાશે કે રેન્ક લાવનાર વિદ્યાર્થીઓ કેવી રીતે આગળ આવે છે? રેન્ક લાવનાર મોટા ભાગના વિદ્યાર્થીઓ જાત-મહેનત દ્વારા આગળ આવ્યા હોય છે. તેઓ કોઈપણ જાતની વિશેષ સગવડ વિના આવું પરિણામ લઈને આવ્યા હોય છે. અરે એમાંથી મોટા ભાગના તો એવા ગરીબ માતા-પિતાના સંતાનો હોય છે, જેઓ ને જીવનની પાયાની જરૂરીયાતો પણ મળતી હોતી નથી. કોઈ શેરીના થાંભલે બેસીને તો કોઈ પિતાજીની સાવ નાની દુકાનમાં બેસીને તો કોઈ  તમામ ઘરનું કામ કાર્ય પછી પણ ભણીને આગળ આવેલા હોય છે. જે વિદ્યાર્થીઓ આટલી આટલી અગવડો વચ્ચે આવું સુંદર પરિણામ લાવે છે, સૌ તેની નોંધ લે છે, તેઓને કોઈ જ પ્રકારના માર્કેટિંગની જરૂર પડતી નથી. આવા વિદ્યાર્થીઓ અનેક અગવડો વચ્ચે પોતાનામાં રહેલી પ્રતિભાને બહાર લાવવામાં સફળ રહે છે. સંઘર્ષ  રોજ તેઓના દરવાજા ખખડાવતો રહે છે, પણ તેઓ અટકતા નથી. સખત પરિશ્રમ દ્વારા તેઓ આગળ આવતા રહે છે. અરે ઘણીવાર તો માતા-પિતાને ખ્યાલ પણ નથી હોતો કે તેઓનું સંતાન આટલું પ્રતિભાશાળી છે. આમપણ મિત્રો કમળ કાદવમાં જ ખીલે છે. આમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ કોઈપણ કલાસીસમાં પણ જતા હોતા નથી. સ્કૂલમાં શીખવાડે એનું પૂનરાવર્તન કરી ના સમજાય એની પાછળ જાતે મથી શીખતા હોય છે.

તમે G.P.S.C. કે U.P.S.C. ના પરિણામો અને ઇન્ટરવ્યુ તપાસસો તો ખ્યાલ આવશે કે આમાં પણ એવા જ વિદ્યાર્થીઓ નંબર છે કે પાસ થાય છે, જેઓ સાવ સગવડો વિના મહેનત કરતા હોય છે. તેઓમાંથી પણ ઘણાના માતા-પિતા પાસે બે ટંક જમવાનું પણ હોતું નથી. હાથ-રીક્ષા ચલાવનાર, કે ઓટો-રીક્ષા ચલાવનાર કે મજુરી કરનાર માતા-પિતા ના સંતાનો સખત મહેનત કરીને આગળ આવતા હોય છે. આપણી સમક્ષ એવા ઘણા ઉદાહરણો છે, જેઓ સખત ગરીબીમાં ઉછરીને આગળ આવેલા હોય છે. ડો. એ.પી.જે.અબ્દુલ કલામ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે! જેઓ સ્ટ્રીટ લાઈટ નીચે ભણીને આગળ આવેલા છે. હકીકત તો એ છે કે સગવડતાઓ અને શિક્ષણને કોઈ સંબંધ હોતો નથી. હોશિયારી અને સગવડોને પણ કોઈ સંબંધ નથી. ( જો કે હોશિયારી એ કોઈ જ્ઞાતિનો ઈજારો નથી હોતી.) જેની અંદર પ્રતિભા અને ધગશ હોય એ બહાર આવ્યા વિના રહેતી નથી. એના માટે પ્રેરણા અને પ્રેરકબળ જ જરૂરી હોય છે. કોઈ વિશિષ્ટ સુવિધાઓ જરૂરી હોતી નથી. આપણે નાનપણથી જ શીખતા આવ્યા છીએ કે ફૂલો કાંટાઓ વચ્ચે જ ખીલે છે. ફૂલોની મહેંકને કોઈ રોકી શકતું નથી એમ જ વ્યક્તિમાં રહેલી ધગશ અને પ્રતીભાને કોઈ રોકી શકતું નથી.

હમણાં હમણાં એક મુવી આવ્યું છે. ‘સુપર૩૦’ જેમાં આ વાત બહુ સરસ રીતે સમજાવી છે. એક ઘગશ વાળો શિક્ષક કોઈપણ જાતની સુવિધા વિના ૩૦ ગરીબ બાળકોને ભણાવી IIT માં એડમીશન અપાવે છે. જેનામાં ઇચ્છાશક્તિ અને હોશિયારી છે, તેને તમે સાવ સામાન્ય નિશાળમાં ભણાવશો તો પણ એ આગળ વધી શકશે. તેની અંદર પ્રતિભાની જે કઈ આગ છે, એ બહાર આવ્યા વિના રહેવાની નથી. માટે આપણે સમજીએ અને આપણા સંતાનોને સગવડોના ભાર નીચે દબાવવાનો પ્રયત્ન ના કરીએ.એને જાતે જ વિકસવા દઈએ. પ્રથમ વાર ચાલવાનું શીખતા બાળકનો માત્ર હાથ પકડવો પડે છે, એ ચાલતા શીખી જાય એટલે એ સહારો છોડી દેવો પડે છે.એમ જ સગવડોનો સહારો પણ છોડી દેવો જોઈએ. જરૂર પૂરતું એને આપીએ અને બાકીના માટે એને જાતે લડવા દઈએ. કેમ ખરું ને?  સગવડો આપી દેવાથી વિદ્યાર્થીઓ ભણશે જ એની કોઈ ગેરંટી નથી હોતી. અગવડો સાથે પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકાય છે. જિંદગીમાં આગળ વધી શકાય છે. કાંટાઓ વચ્ચે જ ફૂલો ખીલે છે. જિંદગીના મુશ્કેલ રસ્તાઓ પાર કરીને જ કોઈ જીવન ઘડાતું હોય છે. સંઘર્ષ એ દરેક જીવનનું કોમન તત્વ હોય છે. જે જેટલો સંઘર્ષ વેઠે છે, એટલું જીવન-ઘડતર થતું રહે છે. માટે સંતાનોને માત્ર સગવડો આપતા રહેવાથી તે ભણશે અને આગળ વધશે એ માન્યતામાંથી બહાર આવી જવાની જરૂર છે. શિક્ષણ એ તો એવી વસંત છે, જે સૌના જીવનમાં વસંત લાવી શકે એમ છે. અને વસંત તો કુદરતી લાગણી છે. એ પાનખરમાંથી પસાર થઈને આપણા સુધી પહોંચે છે. આપણે સૌએ પણ આપણા જીવનની પાનખરને પસાર કરવાની છે. તો જ જિંદગીમાં શિક્ષણ રૂપી વસંતનો પગરવ થઇ શકશે.

    કોઇપણ ક્ષેત્રની સફળ વ્યક્તિઓનું જીવન અગવડો સાથે જ ચાલ્યું હોય છે. એ.પી.જે. અબ્દુલકલામ સ્ટ્રીટ લાઈટ  નીચે ભણીને આગળ આવેલા છે. આવા તો કેટલાયે ઉદાહરણો આપણી સામે છે. જે આપણને શીખવી જાય છે કે ભણવા માટે મહેનત અને ધગશ જ જરૂરી હોય છે. જેઓ પાસે આ બંને લાગણીઓ હોય છે, એ ગમે તેવા સંઘર્ષો વચ્ચે જ પણ પોતાનો માર્ગ કરી જ લે છે! 

141 Inspiring Education Quotes for Students and Teachers (2021 Update)

 

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...