Thursday, 13 May 2021

લોકશાહી,પ્રજા,સરકાર અને આપણે,

 

લોકશાહી,પ્રજા,સરકાર અને આપણે,

 Nelson Mandela Quote: An educated, enlightened & informed population is one  of the surest ways of promoting the health of a democracy.

        લોકશાહી એટલે શું? આ પ્રશ્નનો સૌથી પહેલો જવાબ આપણને નાગરિક-શાસ્ત્ર ભણતા ત્યારે મળ્યો. અબ્રાહમ લિંકન ની એક બહુ જાણીતી વ્યાખ્યા આપણે શીખી ગયા છીએ. “ લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું રાજ્ય.” બીજી લોકશાહી વિષે એ માહિતી આપણી પાસે છે કે ભારત સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. પણ આપણે એ ના શીખી શક્યા કે લોકોને શીખવી શક્યા કે લોકશાહીની સફળતા માટે ત્રણ બાબતો સૌથી અગત્યની છે,) લોકો ભણેલાં હોવા જોઈએ.) લોકોએ પોતાના તમામ પ્રશ્નોના ઉકેલ માટે કે ના ઉકેલાય તે માટે માત્ર સરકારને જ જવાબદાર ના ગણવી. અને ૩) આપણે પ્રજા તરીકે જે પ્રતિનિધિઓને ચૂંટીએ છીએ તેની પસંદગી કોઈપણ જાતના પૂર્વગ્રહ વિના થવી જોઈએ. હવે એ કહો કે આમાંથી આપણે કઈ બાબતને ભારતની લોકશાહીને સફળ બનાવવા અપનાવી છે? હા આપણે પ્રથમ બાબત પ્રત્યે થોડા આગળ જરૂર વધ્યા છીએ આપણે સાક્ષર બન્યા છીએ પણ શું આપણે સમજુ બન્યા છીએ ખરા? હકીકતે સાક્ષરતા બાબતે આપણને માત્ર આંકડા સાથે જ વધુ સંબંધ છે, પણ એ સાક્ષરતા થકી જે સમજણ આપણામાં આવવી જોઈએ એ આપણે કેળવી શકયા નથી. આઝાદ થયા ત્યારે એવું હતું સાક્ષરતા વધશે તો લોકશાહી પણ આગળ વધશે.પણ એવું થયું કે ના થયું? જવાબ તમારા પર છોડું છું, ત્રીજી બાબતને ધ્યાનમાં લઈએ તો આપણે જે કોઈ પ્રતિનિધીઓને સરકાર ચલાવવા ચૂંટીએ છીએ એને આપણે સમજણ સાથે ચૂંટીએ છીએ કે માત્ર ને માત્ર જ્ઞાતિને આધારે? ઈલેકશન સમયે માત્ર આ એક જ મુદ્દો આપણા ધ્યાનમાં રહે છે, અને આપણે સૌ આપણા કીમતી મતને સાવ કોડીનો કરી મુકીએ છીએ. જે મત વડે આપણે આપણું અને આપણા દેશનું ભાવી ઘડી શકીએ છીએ એ મતને આપણે જ્ઞાતિવાદ ના નામે સાવ ફ્રીમાં આપી દઈએ છીએ. જે મત આપીને આપણે આપણો દેશ આપણા પ્રતિનિધીઓને સોપીએ છીએ એ મતને આપણે સાવ મૂલ્યવિહીન બનાવી દીધો છે. લોકશાહીમાં પ્રજા સૌથી અગત્યનું પરિબળ હોય છે. હકીકત તો એ છે કે લોકશાહી એટલે પ્રજાનું જ રાજ્ય! પણ આપણે એ વ્યાખ્યાને સાવ ખોટી સાબિત કરી દીધી છે. આપણે તો એવું માની લીધું છે કે મત આપી આવીએ એટલે આપણી જવાબદારી પૂરી! પણ આપણને ખબર નથી કે મત આપી દઈએ એટલે જ આપણી જવાબદારી શરુ થાય છે.

   આઝાદી સમયે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું, કે દેશના વિકાસ માટે પ્રજાનો સહયોગ સૌથી મહત્વનો છે,”  કોઈપણ રાષ્ટ્ર મહાન ત્યારે જ બને જયારે પ્રજા પુરેપુરો સહકાર આપે. આપણે કોઈ પણ દેશનો ઈતિહાસ તાપસીસું તો જાણી શકીશું કે કોઈપણ દેશ મહાન અને વિકસિત ત્યારે જ બન્યો છે,જયારે ત્યાની પ્રજાએ સરકારની સાથે કદમ થી કદમ મિલાવીને દેશ માટે કામ કરેલું છે. જાપાન ૧૯૪૫માં અણુ-હુમલાનો ભોગ બનેલું અને આપણે ૧૯૪૭માં ગુલામીના અણુ બોમ્બમાંથી આઝાદ થયા. બંને દેશો સમાંતર ચાલ્યા છતાં આજે આપણે જાપાનને વિકસિત અને ભારતને વિકાસશીલ રાષ્ટ્ર તરીકે જોઈએ છીએ. ફર્ક શા માટે? ત્યાની પ્રજાએ પોતાના દેશનાં વિકાસ માટે સરકાર સાથે રહીને કામ કર્યું અને પરિણામ આપણી સામે છે. તેઓ કોઈ પણ બાબતનો વિરોધ કરવા હડતાલ પાડે તો તે દિવસે ૨ કલાક વધુ કામ કરે અને આપણે હડતાલ પાડીએ તો કામ ના કરીએ અને જે લોકો રાજ કમાય રોજગારી મેળવતા હોય એને નુકસાન પહોચાડીએ, એટલું જ નહિ તોફાનો કરીએ, સરકારી મિલકતોને નુકસાન પહોચાડીએ! જયારે આપણને પણ ખબર છે કે આ મિલકતો આપણા કરના પૈસામાંથી જ ઉભી થયેલી છે! શાંતિથી વિરોધ કરતા આપણને આવડતું જ નથી. જાપાન ના લોકોએ માત્ર પોતાના જ દેશમાં બનતી વસ્તુઓ વાપરવાની નીતિ અપનાવી ને પરિણામ આપણી સામે છે. નાના હતા ત્યારથી શીખતા આવ્યા છીએ કે તાળી હમેંશા બે હાથે જ પડે, પણ આપણને એ ગળે ઉતરતું જ નથી. વાંક કાઢવા અને સલાહ આપવા બધા તૈયાર થઇ જઈએ છીએ પણ સહકાર આપવાનો વારો આવે ત્યારે હતા ત્યાં ને ત્યાં! લોકશાહીમાં લોકો જ જો રાજા ગણાતા હોય તો રાજાએ પોતાના દેશના વિકાસ માટે બનતું કરી છૂટવું જોઈએ.

   પ્રજા એ લોકશાહીનો સૌથી મહત્વનો આધાર સ્તંભ છે. જો એ નબળો હશે તો લોકશાહીની ઈમારત ક્યારેય મજબુત નહિ બને. એ આપણે સૌએ સમજવું જ રહ્યું! જનતાને જનાર્દન કહી છે, તો આપણે પણ આપણી જવાબદારીઓ સમજવી પડશે અને નિભાવવી પડશે. આપણે જ્ઞાતિવાદ,ભાષાવાદ,કોમવાદ, ધર્મના નામે ઝઘડા,પ્રાંતવાદ,અનામતને નામે આંદોલનો, આ બધું બંધ કરવું પડશે. આપણે આ બધા વચ્ચે વહેચાઈ જવાને બદલે સંગઠિત રહેવું પડશે. સૌથી અગત્યની વાત એ છે કે કોઈપણ પક્ષ આપણો વોટબેંકતરીકે ઉપયોગ ના કરી જાય એ જોવું પડશે. સમજવું પડશે. આપણને મોટા મોટા વાયદાઓ આપી છેતરી ના જાય એ સમજવું પડશે. ચૂંટણી સમયે થતી લોભામણી જાહેરાતોમાં ના આવી તટસ્થ મતદાન કરવું પડશે. આપણે આપણો નેતા નિષ્પક્ષ રહી પસંદ કરવો પડશે. આપણા મતનો વ્યવસ્થિત ઉપયોગ જ આપણને સાચી લોકશાહી તરફ દોરી જશે. આપણે મત માટે કિમતી અને પવિત્ર એવો શબ્દ વાપરીએ છીએ. એ પવિત્રતા જાળવવી પડશે. સરકારની ગલત બાબતોનો શાંતિથી વિરોધ કરવો પડશે. અને એની સાચી બાબતો સ્વીકારી અને સહકાર આપવો પડશે. સરકારની લોકઉપયોગી યોજનાઓનો ગલત નહિ પણ સાચો ઉપયોગ કરવો જ રહ્યો! જે લાભો જે વર્ગ માટે હોય તેના સુધી પહોચાડવાની જવાબદારી આપણી સૌની છે. સબસીડીનો ગેસનો બાટલો કાળાબઝારમાં વેચાય ના જાય એ આપણે જોવાનું છે. કોઈપણ સરકારી કર્મચારી વ્યવસ્થિત કાર્ય કરે તે જોવાની જવાબદારી આપણી સૌની છે. ભ્રષ્ટાચાર ત્યારે જ થાય છે જયારે આપણે સામેથી ઓફર આપીએ છીએ. આપણી પાસે હવે સોસીયલ મીડિયા જેવું મજબુત સાધન છે, જેનો ઉપયોગ કરી આપણે કોઈપણ પ્રકારના ભષ્ટાચારને ખુલ્લો પાડી શકીએ છીએ.

  ગરીબી, બેકારી,ભૂખમરો, દારૂની આદત,બળાત્કાર,ભ્રૂણહત્યા,વસ્તી-વધારો,વગેરે જેવી આફતો સામે આપણે સૌએ સાથે મળીને લડવું પડશે. એક પ્રજા તરીકે આપણે રાષ્ટ્રના વિકાસમાં પુરેપુરો સહકાર આપવો પડશે. જાપાન તો એક ઉદાહરણ છે, વિશ્વના એવા કેટલાયે રાષ્ટ્રો છે, જે પ્રજા થકી જ વિકસ્યા છે. ઇઝરાયેલ,ડેનમાર્ક,જર્મની,વગેરે રાષ્ટ્રો આના શ્રેષ્ઠ ઉદાહરણો છે. તો આપણે પણ પ્રજા તરીકેની ફરજો બજાવવી જ રહી. આપણે જો દુષણોમાંથી બહાર આવી જઈશું તો રાષ્ટ્રને પણ બહાર લાવી શકીશું. “ be the change you wish to see in the world.” 

તમને થશે સરકાર વિષે કશું ના લખ્યું પણ મિત્રો જો પ્રજા જાગશે તો એને જાગવું જ પડશે! અને આમપણ સરકાર તો આપણે જેને પસંદ કરીએ એની જ બને છે ને? યથા પ્રજા તથા રાજા! આપણા પ્રતિનિધિઓ આપણામાંથી જ આવે છે ને? તો ચાલો એક તટસ્થ અને સ્વચ્છ સરકાર પસંદ કરીએ અને દેશના વિકાસમાં યથાયોગ્ય ફાળો આપીએ. માત્ર વાતો નહિ કામ પણ કરીએ.વળી લોકશાહી ટોળાશાહી પણ નાં બની રહેવી જોઈએ. કોઈપણ બાબતને કે સરકારની કોઈ નીતિને જાણ્યા કે સમજ્યા વિના તેના વિષે અભિપ્રાયો આપવા કે વિરોધ કરવો એ સાચી લોકશાહી નથી. લોકશાહીમાં પ્રજા પણ દેશના ઘડતર માટે એટલી જ પ્રતિબદ્ધ હોવી જોઈએ. તો આપણે પણ દેશને આગળ લઇ જવા પ્રતિબદ્ધ બનીએ અને લોકશાહીને સમજીએ. પ્રજા તરીકે આપણે આપણા ભાગે આવેલી ફરજો નિભાવીએ અને દેશને શાંતિના રસ્તે લઇ જઈએ.

 

 Democracy Quotes: democracy sayings, quotations, picture quotes

No comments:

Post a Comment

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...