
એ.આઈ. એ ભારતમાં આજે ક્રિકેટ, ગાંધીજી, સીનેમાં અને ધર્મ કરતાં પણ વધુ હોટ ટોપીક બની ગયો છે. દર બીજો લેખ એ.આઈ. અને તેનાથી ભવિષ્યમાં થનારી અસરો વિષે લખાય રહ્યો છે. બાળકોથી માંડીને વૃદ્ધો સુધીની વ્યક્તિઓ એ.આઈ. વિષેની ચર્ચાઓમાં હોંશભેર જોડાય રહી છે. ચેટ-જી.પી.ટી. અને બીજા એ.આઈ. ટૂલ્સ ભારતના અડધાથી વધુ મોબાઇલ્સમાં ડાઉનલોડ થઈ ગયા છે. દુનિયાભરની આઈ.ટી. કંપનીઓ એ.આઈ. ના ક્ષેત્રમાં નવા નવા સંશોધનો કરવા ગળા-કાપ સ્પર્ધાઓ કરી રહી છે.
સાથે સાથે મોટા ભાગના લોકોને એ ડર પણ સતાવી રહ્યો છે કે એ.આઈ.ને લીધે જુદા જુદા અનેક ક્ષેત્રોમાં રોજગારીની તકો ઘટશે. ઘણા લોકોને પોતાની રોજગારી ગુમાવવાનો વારો આવશે. માણસનું સ્થાન મશીન લઈ લેશે અને માણસ પોતાની નોકરી ગુમાવી બેકાર થઈ જશે. કોઈપણ નવી ટેકનૉલોજી આવે, ત્યારે માર્કેટમાં આવો ડર ઊભો થઈ જ જતો હોય છે, પણ સમય જતાં સમજાય છે કે નવી ટેકનૉલોજી પણ રોજગારીની નવી તકો લઈને આવે છે. અને એ.આઈ. ના કિસ્સામાં પણ એ સાચું છે. એ.આઈ. થકી પણ ઘણા એવા નવા ક્ષેત્રો ઉદભવશે જેના લીધે નવી નવી રોજગારીની તકો ઊભી થઈ શકશે. કોઈપણ જાતની હો હા કર્યા વિના આપણે પહેલા એ નવા ક્ષેત્રો વિષે જાણી લઈએ જ્યાં એ.આઈ. માણસ માટે નવી તકો ઊભી કરવાનું છે.
એ.આઈ. ભારતના માર્કેટમાં નવી નોકરીની તકો લાવી રહ્યું છે. એ.આઈ. થકી નવા સંશોધનો અને નવા નવા ઉકેલો મળી શકે છે. તેના થકી આપણે આપણી સર્જનાત્મક વૃતિઓને એક નવા જ સ્તરે લઈ જઇ શકીએ છીએ. કંપનીઓ હવે માહિતી વિશ્લેષણ, ઓટોમેશન અને સર્જનાત્મક કાર્ય જેવી બાબતો માટે એ.આઈ માં નિષ્ણાતોની ભરતી કરી રહી છે. એ.આઈ. ની અસર ખૂબ મોટી છે, જે શીખવા અને અનુકૂલન કરવા માટે તૈયાર લોકો માટે તકો પૂરી પાડે છે. હકીકત તો એ છે કે એ.આઈ. નોકરીઓ છીનવી રહ્યું નથી પરંતુ તેમને બદલી રહ્યું છે. તે વ્યક્તિઓમાં રહેલી ક્ષમતાઓને વધુ સ્માર્ટ અને વધુ સક્ષમ બનાવી રહ્યું છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) ના રીપોર્ટ મુજબ ઇ.સ. 2025માં એ.આઈ. 12 મિલિયન નવી નોકરીઓનું સર્જન જુદા જુદા ક્ષેત્રોમાં કરશે. એટલું જ નહી ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) ના 2019 ના અહેવાલ મુજબ, 2025 સુધીમાં, એ.આઈ. ડિજિટલાઈજેશન, પુનઃતાલીમ અને પુનઃકુશળતા દ્વારા ભારતમાં આશરે 40-45 મિલિયન કામદારોને અપડેટ કરવામાં મદદ કરશે. આ ઉપરાંત IT-BPM, ઉત્પાદન, કૃષિ, અને પરિવહન અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં લગભગ 20 મિલિયન નવી નોકરીઓ સર્જાવાની અપેક્ષા છે.
NASSCOM ના 2020 ના અહેવાલ મુજબ, 2025 સુધીમાં ભારતના GDP માં AI અને ડેટા 540 બિલિયન થી 500 બિલિયન ડોલરનું યોગદાન આપી શકે છે. આ મૂલ્યનો આશરે 45% ભાગ ત્રણ મુખ્ય ક્ષેત્રોમાંથી આવવાની ધારણા છે, ગ્રાહકોને માલનું છૂટક વેચાણ, ખેતી અને બેંકિંગ- વીમા. તે ઉપરાંત ટેલિકોમ, મીડિયા અને આઈ.ટી. એનર્જી, પરિવહન વગેરે વગેરે ક્ષેત્રેઓમાં પણ એ.આઈ. દ્વારા નવી રોજગારીનું સર્જન થશે.
જો કે કેટલાક આઇ.ટી. નિષ્ણાંતોનું માનવું છે કે એ.આઈ. ને લીધે મોટા ભાગની કંપનીઓને ભલે એવું લાગે કે એ.આઈ. માનવ શક્તિ ઘટાડશે, કાર્યક્ષમતા ઘટાડશે, અને નફામાં વધારો કરશે. પણ જો એ.આઈ. ને લીધે લોકોની નોકરીઓ જશે તો લોકોના પોકેટમાં પૈસા જ નહી રહે અને જો લોકો પાસે પૈસા જ નહી હોય તો એ.આઈ. દ્વારા તૈયાર કરેલો માલ ખરીદશે કોણ? એન્થ્રોપિકના સીઈઓ ડારિયો અમોડેઈએ ચેતવણી આપી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને લીધે આગામી પાંચ વર્ષમાં 50 ટકા એન્ટ્રી-લેવલ વ્હાઇટ-કોલર નોકરીઓનો ગાયબ થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે દુનિયાભરની સરકારો ભલે આ ખતરાને ઓછો આંકે પણ AI ના વધતા ઉપયોગથી બેરોજગારીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે જ.
એ.આઈ. ને લઈને આવી ઘણી-બધી આગાહીઓ થઈ રહી છે. જોઈએ ભવિષ્યમાં શું થાય છે? આપણું ભવિષ્ય તો આપણે જ ઘડવાનું છે, એ કઈ એ.આઈ. નહી ઘડી શકે. એ.આઈ. વિષે જરૂરી માહિતી ભેગી કરી પોતાનું કરિયર પ્લાન કરવું.

No comments:
Post a Comment