Friday, 19 September 2025

ચાલો મળીએ આજના અભણ અને ગરીબ સેલીબ્રેટીને....

 

ચાલો મળીએ આજના અભણ અને ગરીબ સેલીબ્રેટીને.... 

 Rajasthan: झालावाड़ हादसे के बाद मिसाल बने मोर सिंह, स्कूल के लिए दे दिया  घर, खेत में बनाई झोपड़ी | mor singh gives house lives on farm to make space  for classrooms

         25 મી જુલાઇ, 2025માં રાજસ્થાનના એક નાના એવા ગામ પીપલોડીમાં ભારે વરસાદને લીધે એક જર્જરિત નિશાળનાં પડી જવાથી એ નિશાળમાં પુરથી બચવા સૂતેલા કુટુંબોમાથી 7 બાળકો મૃત્યુ પામ્યા અને 21 જેટલા ઘાયલ થયા. શાળાનું મકાન ધારાશાયી થઈ ગયું અને હવે બાળકો તેમાં ભણવા જઇ શકે એમ નથી. આ હેડલાઇન્સ આપણે સૌએ લગભગ દરેક વર્તમાનપત્રમાં વાંચી હતી અને તેને લગતી અજાણ્યા લોકોના આંખમાં પણ  આંસુ આવી જાય, તેવી પોસ્ટસ પણ સોસિયલ મીડિયામાં જોઈ હતી. આ બધુ જોઈને કે વાંચીને ઘણા બધા સંવેદનશીલ લોકોના હ્રદયમાં દર્દ પણ થયું હશે અને થોડીવાર પછી આપણે સૌ ડેઇલી રૂટીનમાં પણ જોડાઈ ગયા હોઈશું.

  થોડી વાર આ દુર્ઘટનાના સણકા પણ ઉપડ્યા હશે, જેમણે બાળકો ગુમાવ્યા હતા, એ કુટુંબો વિષે વિચારીને આંખના ખૂણા પણ ભીના થયા હશે. પણ અંતે એ વિચારો વરાળ બનીને ઊડી ગયા હશે અને એકાદ દિવસ બાદ આપણે સૌ આ દર્દને સાવ ભૂલી પણ ગયા હોઈશું. હવે તો એ ઘટનાને એક કે દોઢ મહિના જેટલો સમય થઈ ગયો છે, જે આપણા સૌના મેમરી સ્ટોરેજમાથી કાયમ માટે ડિલીટ થઈ ગયો હશે. હું તમને સૌને એ દુર્ઘટના વિષે કઈ યાદ કરાવવા નથી માંગતી.

  પણ તેની સાથે જોડાયેલી એક અભણ વ્યક્તિની પ્રેરણામય વાર્તા આજે સૌને કહેવા માંગુ છુ. એ નાનકડા ગામમાં રહેતા ગરીબ ખેડૂતની સમૃદ્ધ વિચારોની સરવાણી થકી આજે આપણે સૌ ભીંજાઇ જઈએ અને હ્રદયનું કોરાપણું ભીનું ભીનું થઈ જાય એ પ્રેરણાનું ઝરણું તમને સૌને ફીલ કરાવવા માંગુ છુ. શા માટે કુદરતના આવા કારમા ઘા સામે પણ આજે આપણે સૌ અડીખમ ઊભા છીએ? એ પ્રશ્નનો જવાબ આપણને સૌને આ 60 વર્ષીય વિચારોના સમૃદ્ધ ખેડૂત પાસેથી મળી રહે છે.

   પિપલોડી ગામના મોર સિંહ નામના ખેડૂતે, જેઑ પોતે ક્યારેય નિશાળે નથી ગયા તેમણે ગામની શાળાને પોતાનું ઘર બાળકોને ભણાવવા માટે આપી દીધું! તેમનું બે રૂમનું સાદું ઘર હવે ગામના બાળકો માટે સંસ્કારનું કેન્દ્ર બની ગઈ છે. જ્યાં ભણીને બાળકો પોતાનું ભાવિ ઘડી શકશે. પોતાના સપનાઓ સાકાર કરી શકશે. અત્યારે તે શાળામાં 50/60 બાળકો અભ્યાસ કરે છે. જો મોર સિંહે આ મહાન કામ ના કર્યું હોત તો એ બધા બાળકોનું ભણવાનું છૂટી જાત અને તેમણે બાળ મજૂરીમાં જોતરાઈ જવું પડત.

  આ ગામમાં 90 ઘરો છે, જેમાં મોટા ભાગના આદિવાસી લોકો રહે છે. જેમણે વિકાસનો રસ્તો ક્યારેય જોયો નથી, અને એટલે જ તેઓ માટે મોર સિંહે આપેલું બલિદાન ખૂબ મહત્વ ધરાવે છે. મોર સિંહ પોતાનું આ ઘર બાળકોને આપી દઈ પોતે વાંસના બનેલા ઘરમાં રહેવા ચાલ્યા ગયા, જ્યાં કોઈ જ સગવડો નથી. પણ મોર સિંહે નક્કી કર્યું છે કે બાળકોનું ભવિષ્ય સલામત રહેવું જોઈએ. હવે તો ઘણા બધા બાળકો એ શાળામાં ભણવા આવવા લાગ્યા છે. શાળાને લગતી સગવડો પણ ત્યાં પહોંચવા લાગી છે.

    શ્રી સિંહે પોતાના ઘરને શાળામાં રૂપાંતરિત કર્યા પછી, રાજ્ય સરકારે પીપલોડીને ફેડરલ યોજના હેઠળ "મોડેલ ગામ" જાહેર કર્યું છે. આનાથી નવી શાળા, રમતનું મેદાન, આરોગ્ય કેન્દ્ર અને અન્ય સુવિધાઓ માટે વધુ ભંડોળ એકત્રિત કરવામાં મદદ મળશે, એવું તે ગામના સ્થાનિક અધિકારીઓનું કહેવું છે. "ગામમાં નવી શાળા બનાવવામાં ઓછામાં ઓછો દોઢ વર્ષ લાગશે," પણ હવે બાળકોને ભણવામાં કોઈ અવરોધ કે અડચણ નથી, કારણકે તેઓને પોતાની કામચલાઉ સુંદર મજાની શાળા મળી ગઈ છે. 
 
    ૨૫ જુલાઈના રોજ પીપલોડીમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર રાજસ્થાનમાં નબળી શાળા માળખાગત સુવિધાઓના પ્રણાલીગત મુદ્દાઓને ઉજાગર કર્યા. તાજેતરના સરકારી સર્વેક્ષણ મુજબ રાજ્યમાં ૫,૬૦૦ થી વધુ શાળાઓ જર્જરિત હાલતમાં છે. પણ જ્યાં સુધી આ દેશમાં મોર સિંહ જેવી અડીખમ દીવાલો છે, ત્યાં સુધી માનવતા અને શિક્ષણ ક્યારેય જર્જરિત નથી થવાનું, કેમ ખરું ને? 
  સંવેદનાઓને સારા વિચારોમાં ફેરવી શકીશું ત્યારે જ આપણે દેશની જર્જરિત દિવાલોને મજબૂત કરી શકીશું. 
  
 

 

 

 

No comments:

Post a Comment

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...