વો કાગઝ કી કસ્તી, વો બારીસ કા પાની!
અમે નાના હતા, ત્યારની વાત જ કઈક ઓર હતી! આ વાક્ય લગભગ આ દુનિયાની પ્રત્યેક વ્યક્તિએ એકાદવાર તો ફીલ કરેલું જ હશે અને બોલેલું પણ હશે. વિશ્વની તમામ વ્યક્તિઓનું બાળપણ એકસરખું હતું અને રહેશે. એટલું સારું છે કે કોઈ નાનપણથી મહાનતાના લક્ષણો નથી દેખાડતું!
“આ પૃથ્વી પર જન્મ લેતું પ્રત્યેક બાળક એ વાતનો સંદેશો લઈને આવે છે કે ઈશ્વરનો માણસ જાત પ્રત્યેનો વિશ્વાસ હજી ડગ્યો નથી.” એવું રવિન્દ્રનાથ ટાગોરે કહેલું હતું. ઘરમાં બાળકનું આગમન થાય એટલે ઘરનો ખૂણેખુણો ખુશીઓથી ઝૂમી ઊઠતો હોય છે. કહે છે, બાળક જન્મે તેની સાથે જ માતા-પિતાનો પણ જન્મ થતો હોય છે. બાળક એક એવી કિતાબ છે, જેના શરૂઆતના પ્રકરણો પર આપણે જે લખીશું એનો પ્રભાવ આખી જિંદગી પર જોવા મળશે.
દુનિયાભરના મનોવૈજ્ઞાનિકો બાળપણને સમજવાના પ્રયાસો કરી રહ્યા છે. પણ આજે પણ બાળપણ પહેલા જેટલું જ અનપ્રેડિકટેબલ છે. અને એ જ બાળપણની સૌથી રસપ્રદ વાત છે. આપણને સૌને શ્રીકૃષ્ણ અને શ્રી રામની બાળ-લીલાઓ સૌથી વધુ ગમે છે. ઘરમાં આવતું બાળક ઘરના પ્રત્યેક વ્યક્તિની જિંદગીને બદલી નાખે છે. તેના તોફાનો, તેની મસ્તી, તેની આંખોમાં રહેલી નવીનતા, તેના પ્રશ્નોમાં રહેલી વિસ્મયતા, તેની જીદ, તેનું રુદન, તેનું હાસ્ય, તેના નાના શરીરનું હલન-ચલન, બધુ જ આપણાં સૌના જીવનને સતત વહેતું રાખે છે.
નાની નાની બાબતોમાં ખુશ થઈ જવાનું, ઝઘડાઓને તરત ભૂલી જવાનું, જેની પાસેથી લાભ મળે લઈ લેવાનું, દરેક બાબતોને નવીનતાથી જોવાનું, વગેરે વગેરે આપણને બાળકો સતત શીખવતા રહે છે. નિખાલસતા અને નિર્દોષતા બાળકોની સૌથી મોટી મૂડી હોય છે. આપણી અંદર એક બાળક કાયમ જીવતું રહેવું જોઈએ. જેથી આપણે જિંદગીને જીવવાનું ના ભૂલી જઈએ. જિંદગી આપણને બાળકો જેટલી સરળ લાગવી જોઈએ. જવાબદારીઓના બોજ હેઠળ જિંદગીના કોઈપણ તબક્કે આપણી અંદર ઉછાળતા મારતું બાળપણ સ્થિર ના થઈ જવું જોઈએ.
જીંદગીની જે ક્ષણો આપણે જવાબદારીઓ ભૂલીને જીવીએ છીએ, એ જ મસ્ત બનીને જીવાતી હોય છે. બાળપણ આપણને શીખવાની પદ્ધતિઓ પણ શીખવે છે, આસપાસના વાતાવરણમાથી જે કઈ શીખવાનું મળે, શીખી લઈએ. નીડરતા તો બાળપણની સૌથી મોટી ઓળખાણ છે. બાળપણ જેવુ સાહસિક કોઈ નથી હોતું. બાળપણ સળગતા કોલસાને પણ હાથમાં લઇ શકે છે.
આપણે મોટા થઈને જવાબદારીઓના બોજ હેઠળ કચડાઈ નથી જતાં, પણ બાળપણ જીવવાનું ભૂલી જતાં હોઈએ છીએ એટલે જિંદગી અઘરી લાગે છે. બાળપણની મોજ સાચવી રાખવા કરતાં પણ કેરી ફોરવર્ડ કરતાં રહેવું જોઈએ, બાળરમતો બાળપણ સાથે જતી ના રહેવી જોઈએ. ટૂંકમાં બાળપણ આપણી અંદર જીવંત રહેવું જોઈએ. એકવાર ટ્રાય કરી જો જ ના ફાવે તો મોટા તો થઈ જ ગયા છીએ.
બાળવાર્તાઓ, પરિકથાઓ, દાદા-દાદીની વાર્તાઓ, માતા-પિતાની હુંફ, કાકા-કાકીના લાડ, મોટા ભાઈ-બહેનનું પ્રોટેકશન, કઝીન્સનો સપોર્ટ, મિત્રોની ધિંગામસ્તીથી બાળપણ વિકસતું રહે એ જરૂરી છે. બાળપણ સંપતિ નહી, સંસ્કારો માંગી રહ્યું છે. તે જરૂરિયાતો નહી, સમય માંગી રહ્યું છે. તે ખીલવા અને ખૂલી જવાનો અવકાશ માંગી રહ્યું છે. જે આપણે આપવું રહ્યું.
ઘણા બાળકો પાસે આજે એટલે બાળપણ નથી કારણ કે માતા-પિતા ગરીબ છે, અને કેટલાક બાળકોનું બાળપણ માતા-પિતાની સંપતિએ છીનવી લીધું છે. એક ભારે થેલો ઊંચકીને રડતાં રડતાં સ્કૂલે જાય છે, અને એક ખાલી થેલો લઈને હસતાં હસતાં એમાં કચરો ભરવા જાય છે. બાળ-મજૂરી ખરેખર કોઈપણ સમાજનું કલંક છે.
બાળપણ ટિંચાવું જોઈએ, પણ ટોર્ચર ના થવું જોઈએ. ચાની લારીએ ઊડતી વરાળ સાથે બાળપણના સપનાઓ ધૂંધળા ના થઈ જવા જોઈએ. એ ફટાકડાઓના કારખાનાઓમા ધૂંધવાઈ ના જવું જોઈએ. એ ભૂખમરાથી ભૂખ્યું ના રહેવું જોઈએ. બસ એ કાદવમાં ખીલી ઉઠતાં કમળ જેવુ હોવું જોઈએ.
અને હા ખાસ વાત તો રહી જ ગઈ, એ ઈલેક્ટ્રોનિક ગેઝેટસ સામે ઉછરતું ના હોવું જોઈએ. મોબાઈલ કે ટી.વી. કે ટેબલેટની સ્ક્રીન અને સ્ક્રોલિંગ વચ્ચે ફસાયેલું ના હોવું જોઈએ. શેરીમાં રમતા બાળકોનું દ્રશ્ય આજે ધૂધળું થઈ ગયું છે, પણ આપણે જ પ્રયાસો કરી એ બાળપણને શેરીમાં ઢસડી લાવવું પડશે. તેને શેરીની ધૂળમાં રગદોળવું પડશે અને વડની વડવાઈઓમાં ઝૂલતા શિખવવું પડશે. બાળપણને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવા આપણે જ પ્રયાસો કરવા રહ્યા. શું સારું છે? શું ખરાબ છે? તે બાળકોને નથી ખબર, માટે આપણે જ તેઓને એ શીખવવું પડશે....
બાળપણ ઓન-લાઇન ગેમ્સના બદલે બાળ સહજ રમતો સાથે જ જીવાવું જોઈએ. તે શિયાળામાં ઠૂઠવાવું જોઈએ, ગરમીમાં તપવું જોઈએ અને વરસાદમાં ભીંજાવું જ જોઈએ. તે ખાબોચિયામાં છબછબિયા કરતું હોવું જોઈએ, અને એ ગલીઓમાં રખડતું જ હોવું જોઈએ. એ રમતના મેદાનમાં પરસેવો પાડતું હોવું જોઈએ. તે માત્ર ભણતું જ નહી, પણ ઘડાવવું પણ જોઈએ.
બાળકોને પ્રકૃતિ સાથે જોડીને જ આપણે પર્યાવરણ સાથે જોડાયેલી સમસ્યાઓને હલ કરી શકીશું. આશા અને ઉમિદ રાખીએ કે બાળકોનું બાળપણ સચવાય રહે અને માતા-પિતા બાળકોને અભાવમાં જીવતા પણ શીખવી શકે. તેની બધી જ નહી, પણ લાગણીઓની જરૂરિયાતો સંતોષીશું તો એ આપોઆપ ખીલી ઉઠશે.
બાળપણ 365*24 દિવસો કિલ્લોલ કરતું રહે એવી ઈશ્વર પાસે પ્રાર્થના.......બાળકોમાં જે કઈ સારું ઉગાડવું છે,તેના બીજ આજથી જ વાવવાનું ચાલુ કરી દઈએ.
ઘર સે મસ્જિદ હે બહોત દૂર
ચલો યુ કર લે કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાયે.

No comments:
Post a Comment