
આજકાલ સ્પેસિયસ મકાનોની ફેશન ચાલે છે. મકાનો સ્કેવેરફીટમાં મપાય રહ્યા છે. પેન્ટ હાઉસ તો એટલા સ્પેસિયસ હોય છે કે એક એક ઓરડામાં રહેતા લોકો જાણે કે એક એક અલગ અલગ ટાપુ પર જીવી રહ્યા હોય એવું લાગે છે. આસપાસ બધુ જ છે, લેટેસ્ટ સગવડો, આકર્ષક ગાર્ડન, વગેરે વગેરે પણ આસપાસ માણસો જોવા મળતા નથી. આપણે સૌ એકલા એકલા એવી રીતે જીવી રહ્યા છીએ જાણે કે આપણે ધબકી જ નથી રહ્યા... એ.આઈ. સ્વરૂપે વર્ચ્યુઅલ સાથીદાર આપણે શોધવા લાગી ગયા છીએ. ઘણા એ તો એ અનુભવ પણ શરૂ કરી દીધો છે!
પણ આપણે એ ભૂલી રહ્યા છીએ કે આપણે ઈલેક્ટ્રોનિક ગેઝેટસના જંગલમાં એવી જગ્યાએ પહોંચી ગયા છીએ કે જ્યાં સૂર્યપ્રકાશ પણ નથી પહોંચી રહ્યો....ચારેબાજુ લીલ અને શેવાળ જામી ગઈ છે, અને એ રસ્તાઓ એકદમ સ્લીપરી થઈ ગયા છે. આપણે લપસી રહ્યા છીએ, અને એટલે જિંદગીનું બેલેન્સ હલબલી ગયું છે. પહેલા જાજા માણસો નાનકડા એવા ઘરમાં પણ મોજથી જીવી લેતા અને હવે ઓછા માણસો સ્પેસિયસ બંગલાઓમાં પણ મોજનું જીવન માણી નથી શકતા.
મકાનો મોટા થઈ ગયા, તો માણસો ઘટી ગયા છે. ખરેખર વી ઓલ ટોટલી લોસ્ટ.... અને એ પણ એવા દલદલમાં કે જેમ અંદર ઉતરતા જઈએ છીએ, તેમ તેમ વધુ ને વધુ ફસાતા જઈએ છીએ.
લાગણી સભર ઘરો છોડી લોકો એવા મકાનોમાં રહેવા ચાલ્યા જઇ રહ્યા છે કે જ્યાં તેઓ એકલા એકલા કોઈ એક ખૂણે બેસીને ખુશીઓને શોધી રહ્યા છે, પણ ખુશીઓ તો પેલા ઘરોમાં રહી ગઈ.... દરેક સગવડો માટે અલગ વ્યવસ્થા છે, પણ માણસો નથી... બાળકો માટે અલગ ઓરડાઓ છે, પણ વધુ બાળકો નથી. અરે ઘણા લોકો તો મકાનોના અલગ અલગ ફ્લોર કરાવે છે, લિફ્ટ મુકાવે છે, પણ લાગણીઓ લિફ્ટ થઈ શકતી નથી.
આપણે સાથે રહેવાનુ ભૂલી રહ્યા છીએ, એ યાદ કરવું પડશે. કુટુંબ પતિ, પત્ની, સાસુ, સસરા, ભાઈ, ભાભી, કાકા, કાકી થકી જ ધમધમતા રહે છે. ફેમિલીને આપણે જોઇન્ટ કરવા પડશે. લાગણીઓનો ફેવિકોલ લઈને તૂટેલા સંબંધોને ફરીથી જોડવા પડશે. ખાલી ખાલી મકાનોમાં આપણે એટલા એકલા પડી જઈશું કે જિંદગી શૂન્યાવકાશમાં સરી જશે.
જેઓ સાથે નથી જીવી શકતા તેમણે એકલા મરવું પડે છે. જિંદગીના કોઈપણ તબકકે સાથી વિના ચાલી શકાતું નથી. આપણે ઘરોથી જતાં રહેલા માણસોને પાછા બોલવવા પડશે. જો આપણે એમ નહી કરી શકીએ તો આપણે વિખેરાઈને સાવ અસ્તવ્યસ્ત થઈ જઈશું. માટે જે કઈ વિખેરાઈ જવા લાગ્યું છે, તેને સમેટવાની શરૂઆત કરવી પડશે. અને એ શરૂઆત આપણા ઉંબરેથી જ કરવી પડશે. સાંકડા ઘર હશે તો ચાલશે પણ મનને મોટું કરવું પડશે. જો આપણે એ નહી કરી શકીએ તો સંબંધોનો વિસ્તાર તો વધશે, પણ ઊંડાણ આપણે ગુમાવી દઇશું.
મને ખબર છે, મન મોટું કરવું એ અઘરું છે, પણ અશક્ય તો નથી જ.... જ્યારે સાવ તૂટી જઈશું ત્યારે આ વિશાળ મકાન ખાવા દોડશે... એકપણ દીવાલ આપણને સહારો નહી આપી શકે કારણકે તે લાગણીથી નહી, પણ સીમેન્ટ અને રેતીથી જ માત્ર બનેલી છે. કોરોના સમયે આપણે જોઈ લીધું છે કે એકલા રહેવું કેટલું અઘરું છે!
સમય વારે વારે આપણને સબક શીખવતો રહે છે, પણ આપણે ભૂલી જતાં હોઈએ છીએ. એટલે એ રીવિઝન પણ કરાવે છે, પણ આપણે કરતાં નથી, છેક છેલ્લા સમયે આપણને યાદ આવે છે, પણ હવે તો બહુ મોડુ થઈ ગયું હોય છે. અને આપણે આ મોટા મોટા મકાનોના ખાલી ખાલી ઓરડાઓમાં ના જીવી શકાયેલી ક્ષણોની ગિલ્ટી ફીલ કરતાં રહીએ છીએ.
મકાન બહાર ગાર્ડન એરિયા નહી હોય તો ચાલશે, પણ કુટુંબના સભ્યોનો કલરવ હોવો જરૂરી છે. બસ આપણે દરેક એરિયા માટે આટલું પણ યાદ રાખી લઈશું તો જિંદગી મસ્ત જીવી શકીશું. દૂ:ખ જ નહી, સુખ શેર કરવા માટે પણ આસપાસ નજીકમાં માણસો હોવા જરૂરી છે.
આપણે સંબંધો પાસેથી અપેક્ષાઓ નહી પણ આશાઓ તો જરૂરથી રાખી જ શકીએ..... અને એ જ આપણે કરવાનું છે... થોડોક અહમ, થોડી એવી જીદ, સાઈડ પર મૂકી દઈએ... કોઈ સાચું જ કહ્યું છે, ‘ આપણે દુનિયા નથી જીતવાની, ઘરને જીતવાનું છે.’
ધરતીનો છેડો ઘર... રોજ સાંજે જ્યાં આવવા માટે મન અધીરું થઈ જાય એ ઘર.... મકાનો તો સૌ બનાવી જાણે, જે ઘર બનાવી શકે એ જ ધબકતો માણસ!

No comments:
Post a Comment