ક્યાં સુધી આપણે ધર્મના નામે છેતરાતા રહીશું?
ફરી આપણે છેતરાઈ ગયા, ફરી આપણી શ્રદ્ધાનો કોઈ ગેરલાભ ઉઠાવી ગયું. વારંવાર આપણે એની એ જ જગ્યાએ છેતરાઇ જઈએ છીએ અને છતા આપણે એ ઘટનાઓમાથી કશું શિખતા નથી. મહારાષ્ટ્રમાં અશોક ખરાત નામના વ્યક્તિએ જે પોતાને ઈશ્વર માને છે,અને જેને લોકોએ પણ ઈશ્વર માની લીધો એ વ્યક્તિએ ધર્મગુરુ બની, સ્ત્રીઓનું જાતિય શોષણ કર્યું, એટલું જ નહી નરબલી પણ ચડાવ્યા.
અમુક પ્રકારનું મધ તુર્કીની સમુદ્રી ગુફામાથી લાવવામાં આવ્યું છે અને તેનાથી યૌન શક્તિ વધે છે, એવું કહી એક કિલોની બોટલ 9 લાખમાં વેચતો અને લોકો ખરીદતા પણ! માત્ર 10/12 વર્ષોમાં ધર્મના નામે આવા કાંડ કરીને તેણે 1500 કરોડની સંપતિ ભેગી કરી લીધી હતી. મહારાષ્ટ્રના ઘણા રાજનેતાઓ પણ તેની શરણમાં હતા! તેના ભકતોમાં સૌથી વધુ શિક્ષિત માણસો હતા!
ભારત શ્રદ્ધા પર નભતો દેશ છે, દુનિયાના કોઈપણ દેશ કરતાં આપણે વધુ ધાર્મિક છીએ. સૌ પોતપોતાની આસ્થા મુજબ ધર્મને અનુસરતા રહે છે. આપણે સુખી હતા, કારણકે આપણી પાસે ધર્મની અનેક ધારાઓ હતી,જેમાં ડૂબકી લગાવીને આપણે જીવનને ખરા અર્થમાં સમજી શકતા હતા અને માણી પણ શકતા હતા.પણ એકાદ સદીથી આ ધારાઓ પોતે જ એટલી ગંદી થઈ ગઈ છે કે ડૂબકી લગાવનાર, કોઈને પણ બ્લાઇન્ડલી ફોલો કરનાર પોતાના આત્માની આંખોને મીંચીને એ વ્યક્તિને ભગવાનમાની લેવાની ભૂલ કરી બેસે છે અને પછી જે અધર્મનું સામ્રાજ્ય સ્થપાય છે, એમાં આપણી શ્રદ્ધાનું વિસર્જન થઈ જાય છે.
આશારામ, બાબા રામ-રહીમ, કેશવાનંદ, જયેન્દ્ર સરસ્વતી, સારાઠી બાબા, બહુ લાંબુ લિસ્ટ છે. આ તો માત્ર એ જ નામ છે, જે સોસિયલ મીડિયાની અડફેટે આવી ગયા છે, આપણી આસપાસ એવા તો કેટલાયે બાબાઓ વસે છે, જે આપણને ધર્મના નામે છેતરતા રહે છે. અને આપને છેતરાતા પણ રહીએ છીએ. જેમ જેમ આપણે શિક્ષિત થતાં જઈએ છીએ, એમ આપણે વધુ ને વધુ આવી બાબતોમાં ફસાતા જઈએ છીએ!
ક્યાં સુધી આપણે એવું માનીને છેતરાતા રહીશું કે આપણા દૂ:ખોના ઉપાયો આવા સાધુ-સંતો પાસે હશે. વ્યક્તિઓને ભગવાન માની લેવાની આ ભૂલ આપણે કેટલીવાર રિપીટ કરતાં રહીશું! શું આપણાં વિચારોને ટેકનોલોજીની કોઈ જ અસર નથી થઈ! એ બાબતે આપણે જરાપણ અપડેટ નથી થયા! આવા કહેવાતા ધર્મગુરુઓ આપણી માનસિક નબળાઈઓનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે અને આપણે કશું નથી કરી શકતા! આશારામ હોય કે બાબા રામ રહિમ સ્ત્રીઓની પીડા ઓછી નથી રહી. કોઈને કોઈ બહાને તેઓનું શારીરિક શોષણ થઈ રહ્યું છે, ક્લિપિંગો બની રહી છે અને સેક્સનું બજાર વિસ્તરતું જ જાય છે.
અરે તમને સંતાન નથી થતું કે બીજું કોઈ દૂ:ખ છે, તો ડોક્ટર પાસે કે મનોચિકિત્સક પાસે જાવ, આવા ઢોંગી બાબાઓ પાસે જઈને શું મળવાનું! જે તમારાથી નથી થવાનું એ શું તેઓથી થઈ જવાનું? ધર્મ એટલે આવા બાબાઓના આશ્રમોમાં જઇ તેઓના સાનિધ્યમાં રહેવું એ વ્યાખ્યા જ સાવ ખોટી છે. શા માટે આપણે એવું માની લઈએ છીએ કે તેઓ પાસે આપણા બધા દર્દોની દવા છે?
ભગવદગીતામાં ભગવાને કહ્યું છે એમ આ વિશ્વ "છેતરપિંડી કરનારા અને છેતરાયેલા" બંનેથી ભરેલું છે કારણ કે વ્યક્તિઓ મોટાભાગે ધર્મ અને બલિદાનને સમજયા વિના સંપ્રદાયોની જાળમાં ફસાય જતાં હોય છે. તેમને એવું લાગે છે કે આપણે આવા કોઈ ધર્મગુરુના શરણે જતાં રહીશું તો આપણને મનની શાંતિ મળી જશે.
અને ધર્મગુરુઓ પણ આપણી દૂ:ખતી રગને ઓળખી ગયા છે. તમને તમારા પ્રયાસોનું યોગ્ય વળતર નથી મળતું? બસ આ એક પ્રશ્ન અને આપણે આવા બાબાઓના ચક્રવ્યૂહમાં ફસાય જતાં હોઈએ છીએ. આપણે સૌએ આવી માન્યતાઓમાથી બહાર નીકળી જવાની જરૂર છે, આપણાં દૂ:ખો આપણે જ ઊભા કરેલા છે અને તેનું નિવારણ પણ આપણી પાસે જ હોય છે. જીવન જીવવાનો કે સફળ થવાનો કોઈ શોર્ટકર્ટ નથી હોતો.આવા બાબાઓના આંધળા ફોલોઅર્સ બનીને આપણે કશું જ મેળવી શકવાના નથી.
ગુણવંત શાહે કહ્યું છે, એમ ‘મનુષ્ય શ્રદ્ધા વિના તરી ન શકે અને અંધશ્રદ્ધા વિના ડૂબી ન શકે.’

No comments:
Post a Comment