ખુશી માપવાનો કોઈ ઇન્ડેક્સ હોય ખરો?
તમને સૌથી વધુ ખુશી ક્યારે ફીલ થાય છે? આ પ્રશ્નનો જવાબ વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોવાનો. વળી કોઈ એક વ્યક્તિ માટે જે ઘટના ખુશી આપનારી હોય એ બીજી વ્યક્તિ માટે દૂ:ખ આપનારી પણ હોય શકે! ખુશ થવું કે રહેવું એ મનની પરિસ્થિતિ પર આધાર રાખે છે. જો કે ખુશ રહેવું એ બહુ સરળ ફીલિંગ છે, જેને આપણે જીવનધોરણ અને જરૂરિયાતો સાથે બાંધીને એકદમ ભારેખમ બનાવી દીધી છે.
આજે મોટા ભાગની વ્યક્તિઓ પાસે જરૂરિયાતોનું એક અનલિમિટેડ લિસ્ટ છે, જે ખૂંટતું જ નથી. વળી આ લિસ્ટની આશ્ચર્યજનક વાત એ છે કે આ લિસ્ટ આપણું પોતાનું નથી, એ સરખામણીથી અનલિમિટેડ બનતું જાય છે. જે બીજા પાસે છે, એ મારી પાસે પણ હોવું જોઈએ એ જીદ આપણને ખુશ થવા દેતી નથી. સૌને બીજાની જ જિંદગી વધુ સુંદર લાગે છે. અને એ જ લોકો પાસેથી તેઓની ખુશીઓ છીનવી રહી છે.
જે કઈ બાકી હતું એ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને સોસિયલ મીડિયાએ પૂરું કરી દીધું. સોસિયલ મીડિયાના વધુ પડ્યા ઉપયોગે આપણી ખુશીઓમાં ઘટાડો કરી દીધો છે, ને આપણાં ડીપ્રેશન અને ચિંતામાં વધારો. સરખામણીના હવનમાં ઘી હોમવાનું કામ સોસિયલ મીડિયાએ કર્યું અને આપણે એમાં ફસાતા ગયા. અને આજે આપણા સૌના દૂ:ખનું સૌથી મોટું કારણ જ સોસિયલ મીડિયા બની ગયું છે.
આજે મોટા ભાગની વ્યક્તિઓ ‘fomo’ થી પીડાય રહી છે. બધાને એવું લાગે છે કે એકાદ કલાક પણ જો સોસિયલ મીડિયાથી છેટું પડી જશે, તો આપણે કશુંક ચૂકી જઈશું. પોસ્ટ, લાઈક, શેર, કમેંટ, રીલ વગેરે વગેરેથી જિંદગી એટલી બધી ડિસ્ટર્બ થઈ રહી છે કે આપણે ખુશ થવા માટે દૂ:ખી થતાં રહીએ છીએ. સોસિયલ મીડિયાએ આપણને જે કઈ આપ્યું છે, એના કરતાં ઘણું વધારે છીનવી લીધું છે, અને એમાં સુખનો પણ સમાવેશ થઈ જાય છે.
પ્રકૃતિથી દૂર થઈને પણ આપણે સુખને ગુમાવી રહ્યા છીએ. કેટલા વિચિત્ર છીએ આપણે ખબર છે? જંગલોને કાપીને આપણે સુકાભટ્ટ થઈ ગયા અને હવે જંગલોને ફીલ કરવા રીસોર્ટનો સહારો લઈ રહ્યાં છીએ! વરસતા વરસાદે આપણે બારી-બારણાં બંધ કરી દઈએ છીએ, અને પછી કૃત્રિમ ફુવારાઓમાં રેન-ડાન્સ માટે પૈસા ખર્ચીએ છીએ. અત્યારે પૈસા કમાઈ લઈએ, પછી ખુશી મેળવી લઈશું, એ વહેમમાં આપણે ક્ષણોને માણવાને બદલે માત્ર આપણે ક્ષણોને કેપ્ચર કરવામાં ખુશીઓને વેડફી રહ્યા છીએ.
આ બધુ આજે એટલા માટે યાદ આવ્યું કે 20212થી યુનાઈટેડ નેશન્સે નક્કી કરેલા ધારા-ધોરણો મુજબ 20મી માર્ચ દર વર્ષે ‘ વર્લ્ડ હેપ્પીનેસ ડે’ ઉજવાય છે. અને ક્યાં દેશના લોકો કેટલા પ્રમાણમાં ખુશ છે, તેનો ઇંડેક્સ પણ તૈયાર કરવામાં આવે છે. જે મુજબ છેલ્લા 9 વર્ષથી ફિનલેંડ વિશ્વનો સૌથી સુખી દેશ છે! અને અફઘાનિસ્તાન સૌથી વધુ દૂ:ખી દેશ છે. વિશ્વની ચોથા નંબરની અર્થવ્યવસ્થા ધરાવતા ભારતનો ક્રમ 147 દેશોમાં 116મો છે. આશ્ચર્યજનક બાબત આ ઇન્ડેકસની એ છે કે વિશ્વના સૌથી ધનિક રાષ્ટ્રો પાછળના ક્રમે છે. અને સૌથી રસપ્રદ વાત આ સર્વેની એ છે કે તેઓ ખુશીને પણ માપી શકે છે! અને રેંકિંગ પણ આપી શકે છે!
આપણે જે ખુશીઓ આપણી અંદર છે, તેને બહાર મેળવી લેવાના રીતસરના ફાંફા મારી રહ્યા છીએ. નાની નાની બાબતો થકી અને જરૂરિયાતોના અભાવ સાથે પણ ખુશ રહી શકાય છે. સુખની મંઝિલ કરતાં પણ એ મંઝીલે પહોંચવામાં સહન કરેલા દર્દનું સુખ વધુ ફીલ કરવા જેવુ હોય છે. પસાર કરેલી દરેક મુશ્કેલ પરિસ્થિતિનું વર્ણન આપણે હસતાં હસતાં કરતાં હોઈએ છીએ.
હકીકતમાં તો એ મુશ્કેલ પરિસ્થિતિઑ જ આપણને દર્દ અને પીડા સાથે પણ હસતાં શીખવે છે. અને જેઓ સતત શિખતા રહે છે, તેઓનો હેપ્પીનેસ ઇંડેક્સ માપવાની પણ જરૂર નથી હોતી, કારણકે કે જેમણે સુખને પામી લીધું છે, તેમણે સુખને માપવાની જરૂર નથી રહેતી!

No comments:
Post a Comment