Thursday, 9 July 2026

અફલં શ્રાદ્ધમ્ અપાત્રે ધનમ્ અફલં યત્ ન દત્તમર્થિભ્યઃ

 


NGO HELPS THE POOR PEOPLE IN INDIA - Saviour Foundation




અફલં શ્રાદ્ધમ્ અપાત્રે ધનમ્ અફલં યત્ ન દત્તમર્થિભ્યઃ

 

 

        એક ખૂબ હોશિયાર વિદ્યાર્થીને આગળ ભણવું છે, પણ તેના માતા-પિતાની આર્થિક સ્થિતિ સારી ના હોવાને લીધે તે ભણી શકતો નથી. ભારતમાં દર વર્ષે આશરે 6.57મિલિયન વિદ્યાર્થીઓ તેઓના માતા-પિતાની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાને લીધે પૂરું ભણી શકતા નથી!  આજે પણ આપણાં દેશમાં લોકો રોગથી નહી પણ રોગોની સારવાર પાછળ થતાં ખર્ચાઓને લીધે હિજરાતા રહે છે. ધર્મસ્થાનોની બહાર ભૂખ્યા-તરસ્યા સેંકડો લોકો બેઠા છે, જેઓને બે ટંક પૂરતું ખાવાનું નથી મળતું! (આવા આપણાં દેશમાં 172 મિલિયન લોકો છે, કુલ વસ્તીના 12% જેટલા!) અને ધર્મસ્થાનોમાં લાખોના ખર્ચે ઉત્સવો ઉજવાતા રહે છે.

  આપણાં દેશમાં દાન લગભગ દરેક લોકોના જીવન સાથે જોડાયેલી લાગણી છે. પણ એ લાગણીનો ધોધ ખરેખર જે તરફ વહેવો જોઈએ, એ તરફ વહેતો નથી. ને તેને લીધે દાનની ખરેખર જેને જરૂર છે, તેવા લોકોને તેનો લાભ મળતો નથી. હકીકત તો એ છે કે દાન એ આપણાં દેશમાં દેખાડો કરવાનું એક માધ્યમ બનીને રહી ગયું છે. દાન દેતી વખતે લોકોની આંખોમાં પારદર્શકતા જોવા નથી મળતી. આપણે દાનને શ્રદ્ધા અને આસ્થા સાથે જોડીએ છીએ, પણ આપણી એ લાગણીઓનો સૌથી વધુ ગેરુપયોગ થઈ રહ્યો છે.

 દાનનો એ દલ્લો એવા લોકોના હાથમાં આવી ગયો છે, જેઓને આપણી શ્રદ્ધા અને આસ્થા સાથે કશું જ લેવાદેવા નથી! મોટા ભાગના ધર્મસ્થાનોમાં આ દાનના ઢગલાને સાચવવા કે પછી લૂંટી લેવા ત્યાં કામ કરતાં માણસો વચ્ચે સ્પર્ધાઓ જોવા મળે છે. જે ક્યારેક લોહિયાળ પણ બની જતી હોય છે. ભગવદગીતામાં અધ્યાય 17માં 20માં શ્લોકમાં ખુદ કૃષ્ણએ એવું કીધું છે કે, દાન એ જ સાચું છે, જે યોગ્ય સ્થળે, યોગ્ય વ્યક્તિને, યોગ્ય સમયે અને કોઈ જ પ્રકારની અપેક્ષા વિના આપવામાં આવેલું હોય!

  જો કે આપણે ધર્મસ્થાનોમાં જે દાન આપીએ છીએ, તે આપણાં સપનાઓ પૂરા કરવાની કિંમતરૂપે આપતા રહીએ છીએ. આપણે ઉપરવાળા સાથે દિલથી નહી, પણ ડીલથી જ કામ લઈએ છીએ. બહાર ભૂખ્યા લોકો ભીખ માંગી રહયા છે અને આપણે અંદર માંગી રહ્યા છીએ. આપણાં 10રૂ. ના દાનમાં પણ કશુંક મેળવી લેવાની લાલચ છુપાયેલી હોય છે. અને એ લાલચ જ આપણને ગલત જગ્યાએ દાન આપવા પ્રેરતી રહે છે.

  અપાત્ર એટલે કે કુપાત્ર (અયોગ્ય) વ્યક્તિને આપેલું ધન તદ્દન નિષ્ફળ (વ્યર્થ) જાય છે. જે ધન સાચા જરૂરિયાતમંદોને કામ ન આવે તે ધનનો નાશ થાય છે. આપણી આસપાસ એવા કેટલાયે જરૂરિયાતમંદ લોકો છે, જેને આપણાં ધનની જરૂર છે, પણ આપણે તેઓને અવગણીને એવી જગ્યાએ દાન આપવા દોડી જતાં હોઈએ છીએ, જ્યાં તે દાનનો યોગ્ય ઉપયોગ નથી થતો! હમણાં હમણાં કેટલાક ધર્મસ્થાનોમાં થયેલા દાનના ગલત ઉપયોગે આપણને સૌને હલાવી દીધા છે. જે ધર્મસ્થાનોમાં ધર્મની સ્થાપના થઈ ત્યારે આખા દેશે તેનો ઉત્સવ ઉજવેલો એ ધર્મસ્થાનમાં દાનની રકમનો હિસાબ કોઈને સમજાય નથી રહ્યો!

 આપણાં દેશમાં કુલ દાનના 85% રકમ ધર્મસ્થાનોમાં જાય છે. જેના લીધે ખરેખર લોકોનું ભલું કરવા શરૂ થયેલી સંસ્થાઓને જરૂરી રકમ નથી મળી રહેતી. આવી સંસ્થાઓ હમેંશા નાણાકીય કટોકટી સહન કરતી રહે છે. હોશિયાર વિદ્યાર્થીઓને માત્ર આર્થિક બાબતોને લીધે ભણવા ના મળે ત્યારે દાન-પેટીઓની નિર્થકતા સમજાય છે. પણ દાનના એ પ્રવાહને સાચા માર્ગે લઈ જવાના મોટા-ભાગના પ્રયાસો નિષ્ફળ બની રહે છે.

  આપણને સારી નિશાળોની જરૂર છે, સારી હોસ્પિટલ્સની જરૂર છે, દીકરીઓના શશક્તિકરણની જરૂર છે, પર્યાવરણના શુદ્ધિકરણ માટે દાનની જરૂર છે, અરે ઘરની આસપાસ રહેતા કોઈ ભૂખ્યા બાળકને ભોજનની જરૂર છે, અને આપણે તો માત્ર દેખાડા માટે કે પછી એ ધર્મસ્થાનોમાં આપણાં નામની તકતીઓ મુકાવવા માટે લાખો રૂપિયા ખર્ચી રહ્યા છીએ. દેશને રક્તદાનની પણ જરૂર છે, અને દેહદાનની પણ! ધર્મસ્થાનોને આ દાનની જરૂર નથી. કારણકે ભૂતકાળમાં આ જાહજલાલીથી આકર્ષાઈને જ આપણાં ધર્મસ્થાનો લૂંટાયા છે.

 આ અધધ ધનનો પ્રવાહ રચનાત્મક કાર્યોમાં અને દેશના વિકાસમાં વળે એ ખાસ જરૂરી છે.  ચાલો આજે જ એક કદમ કોઈ અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમ કે પછી વિદ્યાશ્રમ તરફ વાળી લઈએ....

 

 

 

 

 

No comments:

Post a Comment

અફલં શ્રાદ્ધમ્ અપાત્રે ધનમ્ અફલં યત્ ન દત્તમર્થિભ્યઃ

  અફલં શ્રાદ્ધમ્ અપાત્રે ધનમ્ અફલં યત્ ન દત્તમર્થિભ્યઃ               એક ખૂબ હોશિયાર વિદ્યાર્થીને આગળ ભણવું છે , પણ તેના માતા-પ...