અન્યાય સામે સતત લડતા રહેનાર, નાવી પિલ્લે....
કહેવાય છે કે, ‘યુદ્ધ અને શાંતિ વ્યક્તિના મનમાથી જ ઉદભવે છે.’ કેટલાક લોકો આ વિશ્વમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, રંગ, સંપતિ, વર્ચસ્વ સ્થાપિત કરવા, એમ કોઈના કોઈ બહાને લડતા જ રહે છે. તો સમાંતરે કેટલાક લોકો આ બધી જ નકારાત્મકતા સામે શાંતિનું સર્જન કરતાં રહે છે. સૌથી મજાની વાત એ છે કે આવી વ્યક્તિઓ વર્ષોથી ચાલ્યા આવતા કુરિવાજો, અન્યાયો, સામે સતત લડતા રહે છે અને એવા જ લોકોને લીધે આ વિશ્વ રહેવાલાયક બની રહે છે. એમાં પણ ભારતીય સંસ્કૃતિએ તો પ્રાચીન સમયથી જ સમજાવી દીધું હતું કે, શાંતિ રાખ્યા વિના વિશ્વ પ્રગતિ નહી કરી શકે. આપણે દારૂગોળાના ઢેર પર ક્યારેય સુખી સમાજની રચના નહી કરી શકીએ. એ જ પરંપરાને લઈને ભારતીયો કે ભારતીય મૂળની વ્યક્તિઓ વિશ્વમાં ક્યાય પણ હોય, અન્યાય સામે લડતી રહે છે.
એવા જ એક ભારતીય તામિલ મૂળના વ્યક્તિવિશેષ જેઓ આજીવન માનવઅધિકારો માટે લડતા રહ્યા અને માનવસેવા કરતાં રહ્યા અને વિશ્વમાં શાંતિ જળવાય રહે તે માટેના સતત પ્રયાસો કરતાં રહ્યા એવા નાવી પિલ્લે જેમને આ વર્ષનો શાંતિ માટેનો નોબલ પુરસ્કાર મળ્યો. ૮૫ વર્ષીય પિલ્લે દક્ષિણ આફ્રિકામાં હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થનારી પ્રથમ અશ્વેત મહિલા હતા. એટલું જ નહી તેમણે સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતમાં પણ મહત્વના હોદ્દા સંભાળ્યા હતા અને આજે પણ તેઓ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતમાં ન્યાયાધીશ છે.
નાનપણના એક બનાવે, તેમને કાયદાના અભ્યાસ તરફ વાળ્યા હતી, તેઓ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે પિતાની મહિનાની કમાણી 5 આફ્રિકન પાઉન્ડ લૂંટાઈ ગયા બાદ તેમણે જુબાની આપવા કોર્ટમાં બોલાવેલા. ચોરને સજા થઈ પણ પિતાની કમાણી પાછી ના મળી. પિલ્લેને તેમના બાળપણમાં તેમના ક્રાંતિકારી લેખનકાર્ય માટે પણ અનેક પુરસ્કારો મળેલા હતા. માત્ર 10 વર્ષની ઉંમરે પોતાની આસપાસ થઈ રહેલા રંગ-ભેદના કડવા અનુભવો પરથી તેમણે જોરદાર નિબંધ લખેલો. અન્યાય સામેના વિરોધનું બીજ નાનપણથી જ તેઓમાં વવાઇ ચૂક્યું હતું. ચૌદ વર્ષની ઉંમરે તેમણે સ્વદેશી વસ્તુઓના વપરાશ અંગે નિબંધ લખેલો અને બ્રોન્ઝ મેડલ મેળવેલો.
નવનેથમ પિલ્લેનો જન્મ ઇ.સ. 1941માં 23મી સપ્ટેમ્બરે થયેલો. પિલ્લેનો જન્મ અને ઉછેર ડર્બનમાં થયો હતો. તેમણે ત્યાંની યુનિવર્સિટી ઓફ નતાલમાં અભ્યાસ કર્યો અને ૧૯૬૩માં 'બેચલર ઓફ આર્ટ્સ' તથા ૧૯૬૫માં 'બેચલર ઓફ લૉ'ની પદવી મેળવી. યુનિવર્સિટી પછી, પિલ્લેએ વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને રંગભેદ વિરુદ્ધની કાયદાકીય લડાઈમાં જોડાયાં. ૧૯૬૭માં, પિલ્લેએ પોતાની કાયદાકીય પેઢી શરૂ કરી, આમ કરનાર તેઓ નતાલમાં પ્રથમ મહિલા બન્યાં. ૧૯૮૧માં, પિલ્લેએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને 'માસ્ટર ઓફ લૉ'ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૮૮માં, તેમણે પોતાની પી.એચ.ડી. પૂરું કર્યું અને હાર્વર્ડ લૉ સ્કૂલમાંથી 'ડોક્ટરેટ ઓફ જ્યુરિડિકલ સાયન્સ'ની પદવી મેળવી.
પિલ્લેના માતા-પિતા બાળકોના શિક્ષણ પ્રત્યે પૂરા જાગૃત હતા અને એટલે જ તેમણે જ્યારે બીજા માતા-પિતા પોતાના સંતાનોને નિશાળે મોક્લવાને બદલે તેઓના લગ્ન કરાવી દેતાં, તેવા સમયે તે પતિ-પત્નીએ પિલ્લે અને તેઓની બે બહેનોને નિશાળે મોકલવાનું ચાલુ રાખ્યું. ગરીબીમાં ઉછરેલા પિલ્લેએ જીવનમાં ડગલે ને પગલે સંઘર્ષ કરીને અભ્યાસ પૂરો કર્યો અને આ સ્થાને પહોંચ્યા. દક્ષિણ-આફ્રિકામાં ચાલતા રંગભેદની નીતિનો વિરોધ કરતાં રહ્યા અને લોકોને સમજાવતા રહ્યા કે, કોઈપણ વ્યક્તિ પોતાની હિંમત, શિક્ષણ અને સંકલ્પથી સમાજમાં મોટું પરીવર્તન લાવી શકે છે.
તેઓ સ્ત્રી-સમાનતા માટે પણ લડ્યા અને ગરીબ અને સમાજના શોષિત લોકો માટે પણ! કાયદાના માધ્યમથી તેમણે સમાજમાં શાંતિ સ્થાપવાના ભરપૂર પ્રયાસો કર્યા. કાયદો છે જ એટલા માટે કે આપણે સમાજમાં સકારાત્મક પરીવર્તન લાવી શકીએ. તેમનું માનવું હતું કે આ વિશ્વમાં દરેક વ્યક્તિને જાતિ,ધર્મ કે લિંગના ભેદભાવ વિના સમાન અધિકારો મળવા જોઈએ. તેમણે માત્ર વાતો ના કરી, પણ કામ પણ કરી દેખાડ્યું અને એટલે જ આજે તેઓને પોતાની અસાધારણ પ્રતિભા અને સતત અન્યાય સામે લડતા રહેવાની શક્તિને નોર્વેયન કમિટીએ સન્માનીત કરી.

No comments:
Post a Comment