Sunday, 26 November 2017

પ્રેમમાં પડેલા છોકરા,છોકરી અને આપણે,


 

  The greatest way to live with honour in this world is to be what we pretend to be.” 
― SocratesEssential Thinkers - Socrates

મારા એક વિદ્યાર્થીનું સુરતમાં ખૂન થઇ ગયું. બે દિવસ પહેલા એનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો.૨૨ વર્ષનો છોકરો હતો.,બે ભાઈઓ છે. એમાં આ નાનો છે.જોયેલા ચહેરા કાયમ માટે જાય એટલે આંખ સામા તરે.એના ખૂન નું કારણ “પ્રેમ-પ્રકરણ” એ કોઈ છોકરીને લવ કરતો હતો,એ છોકરીના કાકા એ  મરાવી નાખ્યો.સવાલ એ છે કે જયારે કોઈ પ્રેમ-પરાક્રમ પકડાય વાંક શું એક જ પક્ષનો હોય છે? હું પ્રેમને પ્રકરણ નહિ પરાક્રમ માનું છું, આપણા સમાજમાં તો એ પરાક્રમ જ ગણાય! આપણે ત્યાં મોટા ભાગે જ્ઞાતિ બહારના લગ્નો સ્વીકારવામાં આવતા નથી. એમાયે અમુક જ્ઞાતિને જાણે પ્રેમ કરવાનો અધિકાર જ ના હોય એવું લાગે. પ્રેમ કરનાર જાણે કોઈ ગુનેગાર હોય એવું વર્તન કરવામાં આવે છે.કૃષ્ણ-રાધાના પ્રેમ ને હોશે હોશે ભજનાર લોકો આપણા પ્રેમ-પરાક્રમોને સ્વીકારતું નથી.ઘણા કહે છે, પેલા કરતા હવે સારું છે. માતા-પિતા માની જાય છે. તો પછી આ “ઓનર-કિલિંગ” શબ્દ આવ્યો ક્યાંથી? માં-બાપ માટે પોતાનું માન શું દીકરા-દીકરીઓના જીવ કરતા પણ વધુ વહાલું હોય છે! કે પછી તેઓને ન માનવાની સજા આપવામાં આવે છે.આનો મતલબ તો એ થયો કે સંતાનો તમારું માને તો સારું નહિ તો એ ખરાબ! હા ઘણી વાર સામેનું પાત્ર ખરાબ હોય ને માં-બાપ વિરોધ કરે તો યોગ્ય છે,પણ એવું તો ઘણીવાર એરેન્જ મેરેજ માં પણ થઇ શકે ખરું! અને ચાલો કદાચ સંતાન થી પ્રેમ-લગ્ન કરવામાં ભૂલ થઇ જાય તો શું એને માફ કરી સ્વીકારી ના શકાય? પાછા તેઓને ઘરમાં સ્થાન ના આપી શકાય? આવા સમયે જ સંતાનોને માતા-પિતા ની જરૂર હોય છે,પણ નહિ માતા-પિતા ઘરના દરવાજા કાયમ માટે બંધ કરી સંતાનોને ભૂલની સજા આપવામાં લાગી જાય છે.ને અંતે ઘણીવાર સંતાનો આત્મ-હત્યા કરી લે છે.
ને હવે નવું ચાલ્યું છે, જો છોકરી કોઈ છોકરાને લવ કરતી હોય અને કુટુંબના સભ્યોને લાગે છોકરો નીચલી જ્ઞાતિ કે પોતાના લેવલ નો નથી તો એને મારી નાખવામાં આવે છે. શું હત્યા એ દરેક પ્રશ્નનો હલ છે? કદાચ આવી ઘટનાઓ ને આપણે “ઓનર મર્ડર” પણ કહીશું. મને એ નથી સમજાતું કેવું માન અને કેવું સન્માન જે કોઈના જીવન કરતા પણ શું ઊંચું હોય શકે? માત્ર માન જાળવવા કોઈની હત્યા કરી નાખવી એ કેટલું વાજબી છે, આવા લોકોને તો જાહેરમાં ફાંસી થવી જોઈએ.અને મૂળ વાત તો એ છે કે એક પક્ષનો જ શું વાંક હોય છે? એ ૨૨ વર્ષનો દીકરો ગુમાવનાર કુટુંબની શું હાલત થઇ હશે! એ માં ની કલ્પના કરો જેને પોતાનો જુવાનજોધ દીકરો ગુમાવ્યો હશે! એ બાપ ની વ્યથા કોણ સમજશે જેને દીકરાને ઘોડીએ ચડાવવાના સપના જોયા હશે, એને દીકરાને અર્થી પર જોયો હશે, એ ભાઈ-બહેન નું શું જેને પોતાનો વહાલસોયો ભાઈ ગુમાવ્યો. મને એટલી ખબર પડે હત્યા કોઈ ભૂલ માટે કદી આખરી ઉપાય નથી હોતો.અને આવી બાબતમાં તો બંને એટલા જ જવાબદાર હોય છે,તો પછી એક ને જ કેમ સજા મળે અને એ પણ આવી. આવા કિસ્સા તો દેશમાં દર વર્ષે અનેક બનતા હશે,ઘણા બહાર પડતા પણ નહિ હોય. કેટલાક આપણે સાવધાન-ઇન્ડિયા કે crime પેટ્રોલમાં જોઈતા હઈશું ને કેટલાક સાવ છુપાવી દેવામાં આવે છે.આપણે પણ આ કિસ્સાની થોડા દીવસ ચર્ચા કરી ભૂલી જઈશું.પણ જેને ઘરનો એક સદસ્ય કાયમ માટે ગુમાવ્યો એનું શું?
હકીકત તો એ છે કે આવી બબતોંમાં બંને પક્ષકારોનો એકસરખો હિસ્સો હોય છે, છતાં હમેંશા કોઈ એકે જ ભોગવવું પડે છે.અને અગત્યનું તો એ છે કે ખબર હોય છોકરીનો પણ એટલો જ વાંક છે,છતાં સજા છોકરાને જ મળે છે.સ્ત્રી-સશક્તિકરણ ની આડપેદાશ રૂપે આવી ઘટનાઓ બનતી રહે છે,જેમાં છોકરીઓ પેલા પ્રેમ-પરાક્રમ કરે છે,પણ પછી પકડાય જાય એટલે કહી દે આપણે નહિ રમતા, એ જ મારી પાછળ પડ્યો હતો.ને આપણો સમાજ એની વાત સ્વીકારી છોકરાઓને મારતી રહે છે.હવે છોકરી ઓ મોબાઈલ લેવા કે મોબાઈલના બીલ ભરવા કે ચોકલેટ કે ભેટ માટે છોકરાઓ સાથે લાવ-અફેર કરે પણ જયારે એ બહાર આવે છટકી જાય! પણ એને ખબર છે, ક્યારેક આમાં કોઈની જિંદગી છીનવાય જાય છે.અને મારનાર એ નહિ વિચારતા હોય વાંક આમાં બંનેનો છે, તો આવું ના કરાય.બંને ને સમજાવી શકાય અને વાતનો ઉકેલ લાવી શકાય. પણ એવું થતું જ નથી અતિ ક્રોધમાં આવી કુટુંબના સભ્યો છોકરાને હુમલો કરી મારી નાખે છે. આને આઠ જાણે ભેગા મળી માર્યો. હાડકા ખોખરા કરી નાખ્યા.તે કોમમાં આવી ગયો ને અંતે મરી ગયો.આ મેથડ છે, કોઈ બાબતનો અંત લાવવાની અને શું મારનાર શાંતિથી જીવી શકશે,કે પેલી છોકરી શાંતિથી જીવન વિતાવી શકશે ખરી!
અને ઘણીવાર છોકરા-છોકરીની પસંદગી સારી પણ હોય છે.છતાં તને ખબર ના પડે એમ કહી આવી બાબતોનો અંત લાવી દેવામાં આવે છે.અરે યાર એમને પણ જિંદગીના નિર્ણયો લેવા તો દયો! જરૂરી નથી કે તેઓ દરેક વખતે ગલત હશે.ક્યારેક તેઓની પસંદ પણ સાચી હોય શકે છે.ને ઘણી જ્ઞાતિઓમાં તો આ બીકે દીકરા-દીકરીઓને વહેલા પરણાવી દેવામાં આવે છે,પછી ભલે સમાજના અભાવે તેઓનું લગ્ન-જીવન પરાણે-પરાણે ચાલે, ઝઘડા પણ થાય અને ઘણીવાર ડાયવોર્સ પણ થઇ જાય.સાચું તો એ છે કે સંબંધો પ્રકરણો ક્યારેય એટલા વિકટ હોતા જ નથી કે આપણે કોઈની હત્યાઓ  જેવું ખરાબ કામ કરવું પડે પણ આ તો કહેવાતી આબરૂ જાળવવા આવું કૃત્ય કરવામાં આવે છે. માણસની જિંદગીથી મોટું કઈ હોતું જ નથી.નહિ માન,નહિ સન્માન કે નહિ આબરૂ. કોઈને મારી નાખવા જેવડું મોટું ખરાબ કાર્ય છે જ નહિ. તમે કદાચ માણસની અદાલતમાં છૂટી જશો,એની અદાલતમાંથી કોણ છોડાવશે? પ્રેમ થી પણ મોટી એક વાત છે,અને એ છે “માનસાઈ”
so please,stop the “honour-killing” or “honour-murder”
“There are many things worth living for, a few things worth dying for, and nothing worth killing for.”
― Tom RobbinsEven Cowgirls Get the Blues



Tuesday, 21 November 2017

રાષ્ટ્રવાદ રાષ્ટ્ર અને આપણે,








Voting is how we participate in a civic society - be it for president, be it for a municipal election. It's the way we teach our children - in school elections - how to be citizens, and the importance of their voice.



 આપણા ગામ કે શહેરમાં વીજળી ના હોય, કે રસ્તા ખરાબ હોય,કે દવાખાનું ના હોય, કે કચરાનો પ્રશ્ન હોય કે ગંદકી વધી ગઈ હોય કે પછી પીવાના પાણીના પ્રશ્નો હોય કે પછી અન્ય કોઈ પણ સમસ્યા હોય આપણને કેમ ચૂંટણી જ યાદ આવે છે.જેમ નેતાઓને આપણે ચૂંટણી ટાણે યાદ આવીએ છીએ એમ જ આપણને પણ તેઓ ચૂંટણી ટાણે જ યાદ આવે છે.ગામ ની તમામ સમસ્યાઓ ઉકેલાવા માટે જાણે આ એક જ સમય હોય એવું આપણે માનીએ છીએ.આ તો એવી વાત થઇ કે ડોક્ટર પાસે જઈએ ત્યારે યાદ આવે કે શું શું તકલીફ થાય છે? ચૂંટણી માં મત આપી આવીને આપણે જાણે સુઈ જતા હોય એવું લાગે જે ઉઠે રોજ પણ જાગે કદી નહિ. કેમ એવું થાય છે કે તમામ સમસ્યાઓ આપણને ત્યારે જ પીડા આપે છે, જયારે આ નેતાઓ આપણી પાસે મત માગવા આવે છે. રીતસરનું સામસામું સેટિંગ ચાલુ થઇ જાય. આમ કરી આપો તો મત આપીશું! અમુક ગામોમાં તો સામુહિક ચૂંટણી ના બહિષ્કારના સમાચારો આવતા રહે છે.શું કામ ભાઈ? જયારે એ નેતા તમારા મત-વિસ્તારમાં ચૂંટાઈને આવે ત્યારે કેમ ૫વર્ષ દરમિયાન કોઈ માંગણીઓ મુકતુ નથી? કેમ ૫વર્ષ દરમિયાન તમે જઈને કેતા નથી આ સમસ્યાઓ ઉકેલો.જેમ ૫ વર્ષ સુધી નેતાઓ જેમ જીતીને આપણને ભૂલી જાય છે,આપણે પણ સમસ્યાઓને ભૂલી જઈએ છીએ. વળી ૫ વર્ષ પતે એટલે તેઓને આપણે અને આપણને આપણી સમસ્યાઓ યાદ આવી જાય છે.તો એ વર્ષોમાં ખરેખર આપણી મુશ્કેલીઓ જાય છે ક્યાં? બધા એવું માની બેસી રહે છે કે કોઈક તો વિરોધ કરશેને? આપણે શું? જ્યાં સુધી કોઈ સમસ્યા મને નડતી નથી મને કોઈ વાંધો નથી.પગ તળે રેલો આવશે ત્યારે જોયું જશે.
કચરો જે દિવસે મારા ઘર પાસે ફેકાશે,ખરાબ રસ્તાને કારણે જયારે મારા કુટુંબના કોઈ સભ્યને અકસ્માત થશે, કે પીવાનું પાણી મારા ઘરે નહિ આવે ત્યારે વાત. જ્યાં સુધી કોઈ સમસ્યા મને નડતી નથી એ મારી નથી એવું આપણે સૌ માની લઈએ છીએ.જ્યાં વિરોધ કરવો જરૂરી હોય ત્યાં આપણે હમેંશા મુક બની જઈએ છીએ, કોણ લપમાં પડે? એ આપણી સૌથી મોટી સમસ્યા છે.રસ્તે પડેલો પથ્થર સૌને નડતો હોય છે,પણ એને દુર કરવાની તસ્દી કોઈ લેતું નથી. એટલું જ નહિ એ પથ્થર હટાવવાનો પ્રયાસ કરનારને કોઈ મદદ પણ કરતુ નથી.એ જ લોકો ચૂંટણી સમયે ટોળામાં ભળી સમસ્યા ગણાવવામાં લાગી જાય છે.અરે કેટલાક તો પોતાની પીવાની સમસ્યા પણ આ ટાણે હલ કરવાની કોશિશ કરતા હોય છે.મત માગવા આવનારને કદી કોઈ પૂછતું પણ નથી કે ૫ વર્ષનો હિસાબ આપો.અમારા કીમતી મતના બદલામાં તમે કેટલું કામ કર્યું? એ પૂછવાની પણ કોઈ તસ્દી લેતું નથી.ઘણા નેતાઓ તો લગભગ ૪-૫ ટર્મ થી ચૂંટાતા હોય છે, છતાં કોઈ જઈને પૂછતું નથી કે આ તમામ સમસ્યાઓ ઉકેલાતી કેમ નથી? આમપણ આપણને પ્રશ્નો ઉકેલાય એમાં તો શું,પણ પ્રશ્ન પૂછવાની પણ ટેવ નથી.નેતાઓ ભાષણ આપે,લાલચ આપે. એમાં ભરમાઈ જઈ આપણે મૂળ પ્રશ્નો ભૂલી જઈ છીએ? આપણે આપનું ભાવી કા તો એક ‘લેપટોપ’ કે ટેબ્લેટ કે એક દારૂની બોટલ કે થોડાક રૂ, કે કિલો ઘઉં કે બીજી કોઈ નજીવી લાલચમાં ગીરવે મૂકી દઈએ છીએ. વચનો ની હારમાળા વચ્ચે પ્રશ્નોની માળા ક્યાંક ગુમ થઇ જાય છે.આમ પણ આપણા દેશમાં “વોટબેંક’ સૌથી વધુ સચવાય છે.ને આપણે એ બેંકમાં આપણું સઘળું સાચવી મૂકી દઈએ છીએ અને પછી આ બધી બેંકો ફડચામાં જાય એટલે સરકારને બ્લેમ કરતા રહીએ છીએ.
અત્યારે બધા ચૂંટણીનો જાણે કે લાભ લેવાની હરીફાઈ કરી રહ્યા હોય એવું લાગે. અરે આ હરીફાઈમાં આપણે સરદાર, ગાંધીનો ઉપયોગ પણ કરી લઈએ છીએ,કોઈપણ દેશના ચૂંટણીના મુદ્દા વિકાસના હોય કે જ્ઞાતિવાદ કે કોમવાદ હોય! સાચું કેજો. તમે ગમે તે જ્ઞાતિના હોવ કે ગમે તેવા પ્રશ્નો હોય! જોવાનું તો એ કે અત્યારે બધાને પ્રશ્નો નડતા થઇ ગયા છે. રસ્તા પરના પથ્થરો દરેકને ઉઠાવવા છે, બસ એકાદ લાભ મળી જવો જોઈએ.કોઈ પૈસા લઈને કે કોઈ પ્રસિદ્ધિ માટે લડે છે, દેશ માટે લડનાર તો દીવો લઈને શોધવા છતાં મળે એમ નથી. ખેડૂતોના પ્રશ્નો, સરકારી નોકરિયાતોના પ્રશ્નો,વેપારીઓના પ્રશ્નો,મહિલાઓના પ્રશ્નો, મારા પશ્નો, તમારા પ્રશ્નો, આપણા સૌના પ્રશ્નો અત્યારે ચારેબાજુથી ફૂટી નીકળ્યા છે. “ પ્રશ્ન ઉઠાવો અને લાભ મેળવો” અત્યારનું સુત્ર બની ગયું છે. ચૂંટણી છે, એટલે લેવાય એટલો લાભ લઇ લઈએ, એવું જનતા વિચારે અને પૂરી થાય પછી બધા ક્યાં જવાના છે, એમ ગાંઠ વળી નેતાઓ બધી માંગ પૂરી કરતા રહે છે. આમાં કોણ ફાવી જશે,સૌ જાણે છે છતાં આપણે તો હતા એવા ને એવા! બદલાઈએ તો પૈસા પાછા! આ દોઢ કે બે મહિના આપણે તેઓનો દાવ લઈશું અને પછી પાંચ વર્ષ એ આપણો. કેમ ખરું ને?
વળી કેટલાક નેતાઓ એક પક્ષમાં ટીકીટ ના મળે તો અન્યમાં લઇ તકનો લાભ લેતા રહે છે. સવારે આ પક્ષમાં સાંજે આ પક્ષમાં તો બીજે દિ વળી બીજા પક્ષમાં!કાચિંડો રંગ બદલવામાં અને આ નેતાઓ પક્ષ બદલવામાં કોઈને ના પહોચવા દે! આ તો જીવવિજ્ઞાન નો નવો મુદ્દો થઇ ગયો.કોણ ક્યારે કોની બાજુ એ જ ના સમજાય. બધા મળેલ તકનો લાભ લેવામાં એટલા બધા મશગુલ કે એ વાત તો ભૂલાય જ જાય કે આ ચૂંટણી લડાય છે, શેના માટે? સુશાશન માટે કે પછી પાંચ વર્ષમાં બધું ભેગું કરી લેવા માટે. તક ચૂકાવી ન જોઈએ. બધા ઉમેદવારો પોતાના વિકાસ માટે લડે છે,દેશનો વિકાસ કોઈને યાદ આવતો નથી.
હકીકત તો એ છે કે આપણે સૌ “રાષ્ટ્રવાદી” નહિ પણ “તકવાદી” છીએ. સૌને પરિસ્થિતિનો લાભ લઇ લેવો છે.બીજું કોઈ ધ્યેય નથી.અને એટલે જ જે ચૂંટણીઓ દેશની લોકશાહી કે પ્રગતી માટેનું પવિત્ર સાધન બની રહેવું જોઈએ એ ચૂંટણીઓ મજાકનું એક સાધન બની રહી ગઈ છે. અને હા આ બધામાં આપણે આપણા વહાલા મીડિયાને તો ભૂલી જ ગયા, જેઓ સૌથી મોટા તકવાદી બની રહે છે.ચેનલ ની ટી.આર.પી. વધારવા ગમે તે હદે જવા તૈયાર ચેનલો તક ઝડપવામાં ક્યાય પાછળ રહેતી નથી. જે મીડિયા લોકશાહી ની ચોથી જાગીર ગણાય છે, તેઓ માઈકના અવાજમાં ચૂંટણીના ઘોંઘાટને વધારી દે છે. માઈક લઇ લોકોને ઝઘડાવવાની તેઓને પણ મોજ પડે છે.અને આપણને એ ચર્ચાઓ જોવામાં મોજ પડી જાય છે.
ટુકમાં બધા કોઈને કોઈ તક શોધતા જ રહે છે, દેશના ભલા ની તક કોઈને દેખાતી નથી. હવે તમે જ કહો આવી રીતે ચૂંટાયેલી સરકાર કેવી હશે?
यथा प्रजा तथा राजा

Elections remind us not only of the rights but the responsibilities of citizenship in a democracy.






Sunday, 19 November 2017

વિવાદ,વિરોધ અને આપણે,


વિવાદ,વિરોધ અને આપણે,
વિવાદ,વિરોધ અને આપણે,


આજથી ચાર વર્ષ પહેલા અમે કોલેજમાંથી પ્રવાસ લઇ શિરડી ગયેલા.પ્રથમ રાત્રી અમો નાસિક એક ધર્મશાળામાં રોકાયેલા.રાત્રે અમો સુતા હતા તે રૂમનો દરવાજો છોકરીઓએ અને અન્ય એક શિક્ષકે ખખડાવ્યો.ખબર પડી અમારી કોલેજની કોઈ છોકરીનું કોઈ માણસે શરાબના નશાના ગળું પકડ્યું હતું.આપણે તો ગુજરાતી દે દનાદન બધા દોડ્યા અને પેલી છોકરીને છોડાવી પેલા છોકરાને સરસ મેથીપાક આપ્યો. કેટલીક છોકરીઓ અને એકાદ શિક્ષક મોડા આવ્યા, એ પણ મારવાના કામમાં લાગી ગયા. છેલ્લે માંડ માંડ અમારા બધાની પકડમાંથી પેલાને ત્યાના કોઈ સ્થાનિક ભાઈએ છોડાવ્યો.પાછા ફરતી વખતે છેલ્લે આવેલ વિદ્યાર્થીઓની એ પૂછ્યું. મેડમ કેમ ઓલા ને માર્યો? મેં નીંદરમાં એ પૂછી લીધું કારણની પુરેપુરી ખબર નહોતી તો કેમ માર્યો પેલાને? તો કહે મેડમ તમે બધા વિરોધ કરતા હતા એટલે અમે પણ લાગી પડ્યા. બોલો લ્યો.  સમજાયું આવી જ રીતે ઘણીવાર આપણે કોઈ બાબત કે ઘટના વિષે પૂરી જાણકારી મેળવ્યા વિના જ તેનો વિરોધ કરવા લગતા હોઈએ છીએ.ઘણીવાર તો લોકોને વિરોધ શા માટે? એની પણ ખબર નથી હોતી અને ટોળું ભેગું થયું નથી કે જોડાયા નથી! કોઈપણ બાબતને જાણ્યા કે સમજયા વિના તે સારી છે કે ખરાબ છે, કેમ નક્કી કરી શકાય? અરે કોઈની ટીકા કરવા માટે પણ એના વિષે પૂરેપૂરું જાણવું જરૂરી છે.ને આપણે તો માત્ર આગળ ચાલનારને અંધ બની અનુસરતા રહીએ છીએ. આજે આપણા દેશમાં ‘લોકશાહી’ ઓછી અને ‘ટોળાશાહી’ વધુ જોવા મળે છે. કોઈપણ બાબતનો વિરોધ કરવો હોય તો કા તો મીણબત્તી અગર તો મોટા મોટા ઝંડા લઇ સૌ નીકળી પડે છે. પણ જેનો આપણે વિરોધ કરીએ છીએ તે ખરેખર વિરોધ કરવા યોગ્ય છે કે નહિ એ તો વિચારો. તટસ્થ બહુ ઓછા લોકો જોવા મળશે. કા તો લોકો એ ઘટના કે બાબતની તરફેણમાં રહેશે ક તો વિરોધમાં! એમાં શું સાચું છે કે શું ખોટું એ જાણવામાં કોઈને રસ જ હોતો નથી. એમાયે હવે સૌના હાથમાં સોશિયલ મીડિયા આવી ગયું છે. અને આ સોશિયલ મીડિયા આજે એક એવું તળાવ બની ગયું છે,જેમાં ખરાબ વિચારોનો અને ખોટા સમાચારોનો પ્રવાહ સતત ભળતો જ રહે છે. આ whatsaap અને facebook પર તો રીતસરનું વિરોધનું વાવાઝોડું જ ફૂંકાઈ જાય છે, અને જેવો કોઈ બાબતનો વિરોધ શરુ થાય આ માધ્યમો સૌથી વધુ સક્રિય થઇ જાય છે.સાચું-ખોટું એટલું બધું રોજ share થતું રહે કે અંતે જયારે વિરોધનો જુવાળ ઉભો થાય સૌથી પેલા net જ બંધ કરી દેવું પડે છે.આ વિરોધ કરવાના ચક્કરમાં તો આપણે ‘બાપુના’ સત્યાગ્રહના શસ્ત્રને પણ બદનામ કરી નાખ્યું છે!
જેને જયારે મન પડે એક ટોળું ઉભું કરી વિરોધ પ્રદર્શન ચાલુ કરી દે છે. બસ બાકીના કેટલાક નવરા,કે દેવું થઇ ગયું હોય તેઓ આમાં ઉમેરાતા જાય અને બસ વિરોધ પ્રખ્યાત થઇ જાય. મીડિયાવાળા માઈક લઇ અને ચર્ચાઓ કરાવી એમાં મસાલો ઉમેરી દે અને વિરોધની વાનગી તૈયાર! ના ચગે તો પૈસા પાછા. ઘણીવાર તો એ વિરોધને કારણે જ એ બાબતો એટલી પ્રખ્યાત બની જાય છે,જેટલી વિરોધ થયા પેલા હોતી નથી. ગુજરાતમાં અનામત આંદોલન થયું પછી ઘણાને ખબર પડી કે અનામત એટલે શું? અને એની અસર જુઓ બારમાં ધોરણમાં એકાઉન્ટમાં ‘મુડીઅનામત ‘નો પ્રશ્ન પૂછાયો તો એક છોકરાએ આંખુ અનામત આંદોલન લખી નાખ્યું! બોલો નાના બાળકો અને વિદ્યાર્થીઓ પણ સમજ્યા વિના આ બધું જાણવા લાગ્યા! સમજણ વગરનું જ્ઞાન બહુ ગલત અસર ઉભી કરે છે.કોઈ ખોટી વાતનો વિરોધ થાય એ વાત સાચી પણ પછી આપણે દરેક નાની નાની બાબતોનો પણ વિરોધ કર્યે રાખીએ એ વળી કયા વિકાસ ની નિશાની છે. આપણે ત્યાં એક ચીલો પડી ગયો છે, ચૂંટણી આવે એટલે બધાને બધો વિરોધ યાદ આવે. અરે કોઈ સેલીબ્રેટી કોઈ બાબતે કશું બોલે તો આપણે એનો વિરોધ કરી એની મુવીને કઈ કાઢી લીધા જેવું ના હોય છતાં હીટ બનાવી દઈએ છીએ.( અને સેલીબ્રેટીઓનો પણ હવે ધંધો બની ગયો છે, જેમ પીચરમાં એક્શન ના સ્ટંટ હોય એમ બોલવામાં કોઈ પબ્લીસીટી સ્ટંટ કરી લેવાનો પ્રજા વિરોધ કરે આપણી મુવી હીટ થઇ જાય અને સમાચારોમાં રેવાનો મોકો પણ મળી જાય!) આવા વિરોધને કારણે જરૂરી બાબતો સાઈડમાં રહી જાય છે અને બિનજરૂરી બાબતો ચર્ચાતી રહે છે. ટી.વી.માં અને ખાસ કરીને news ચેનલોમાં તો આવી બાબતોનો અતિરેક જોવા મળે છે. તમે જ વિચારજો ‘પદ્માવતી” મુવીનો આટલો વિરોધ થઇ રહ્યો છે, એને લીધે એને કેટલું કવરેજ મળી રહ્યું છે, સરવાળે શું થશે? જે મુવી નહિ જોવાના હોય એ પણ એમાં વળી એવું શું છે કે લોકો આટલો વિરોધ કરી રહ્યા છે, એમ વિચારી જોવા જશે! વગર માર્કેટિંગ પીચરને ઓડીયન્સ મળી રહેશે, ને મુવી હીટ. રામ-લીલા વખતે પણ એવું જ થયું હતું ને? હતું મુવીમાં કઈ?
કેવો વિરોધ વળી, પુતળા બાળવા, પીચરના પોસ્ટર બાળવા,આ સાલું આપણી પ્રજાને લાગી બહુ આવે! એવી જ રીતે કોઈ આંદોલન સમયે પણ વિરોધ કરતી વખતે એસ.ટી. બસ બાળવી, જાહેર મિલકતોને નુકસાન પહોચાડવું,તોફાનો કરવા,તોડફોડકરવી,ઘણા તો પોતાની પર્સનલ દુશ્મની પણ એમાં કાઢી લેતા હશે! ધંધા રોજગાર બંધ રહે,દેશને કરોડો રૂ.નું નુકસાન જાય,બિચારા નિર્દોષ માણસો જીવ ગુમાવે. એ વિરોધમાં આપણને એ પણ ખબર પણ નથી રેતી કે આ નુકસાન ભરવાનું આપણે જ છે.આપણા ટેક્સ ની રકમમાંથી જ એ બધું ઉભું થયેલું હોય છે.પાછું આપણે જ એ ઉભું કરવાનું છે. કોઈપણ ઘટનાનો વિરોધ કરીએ એ પહેલા એની પાછળનો હેતુ જાણી લેવો જોઈએ. અને કદાચ વિરોધ કરવાની જરૂર પડે તો શાંતિ થી તેનો વિરોધ કરવો જોઈએ. કોઈને નુકસાન પહોચાડવાથી શું ફાયદો થવાનો. વિચારો તો ખરા! આ વિરોધના ઘોંઘાટમાં સાચી અને સારી ઘટનાઓ પણ ભૂલાય જાય છે. તમને એવું નથી લાગતું આપણે આ વિરોધ નો જ વિરોધ કરવાની જરૂર છે. એક શિક્ષિત અને સમજદાર નાગરિક તરીકે ચાલો સૌ સાથે મળી દેશને સાચા રસ્તે લઇ જવાની કોશિશ કરીએ. અને કરવો જ હોય તો જ્ઞાતિવાદ,કોમવાદ,ભ્રૂણહત્યા,બળાત્કાર,દહેજ,અસ્પૃશ્યતા,ગરીબી,બેકારી,વસ્તી-વધારો,બાળમજૂરી,આતંકવાદ જેવી ખરેખર ગલત બાબતોનો વિરોધ કરીએ અને એ પણ એને દુર કરવા નહિ કે માત્ર ચગાવવા.
આમ તો જેને ખરેખર “પદ્માવતી” નો વિરોધ કરવો જ છે, એને માટે એક ટીપ છે,
મુવી રિલીઝ થવા દો, હીટ નહિ થવા દેવાનું, કોઈએ જોવા જ નહિ જવાનું. સંપીને વિરોધ કરવાનો, યાર. યાદ છે “ અસહકાર નું આંદોલન” જયારે કઈ બદલવા વિરોધ થાય તો એ બદલાવું તો જોઇએ ને? માત્ર રાડો પાડવાથી શું થવાનું?

હિન્દી કવિ દુષ્યંતકુમારની એક બહુ સરસ કવિતા છે,
  


 हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए।

आज यह दीवार, परदों की तरह हिलने लगी,
शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए।

हर सड़क पर, हर गली में, हर नगर, हर गाँव में,
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए।

सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।

मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए।
આવો હોય વિરોધ!

  

Monday, 13 November 2017

જ્ઞાતિવાદ, ભારત અને આપણે




discrimination text on white paper with disabled people around

 ભગવદગીતામાં કૃષ્ણ ભગવાને ચાર સરસ મજાના વાક્યો કહ્યા છે, જેનું આપણે સામાન્ય રીતે કરીએ છીએ તેમ જ ખોટું અર્થઘટન કર્યું અને આજે એ અર્થઘટન આપણા દેશના વિકાસમાં સૌથી મોટો અવરોધ બની ગયો છે.જોઈએ એ ચાર વાક્યો અને સમજીએ,
૧)  જેનામાં જ્ઞાન હોય, જેણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય,જે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતો હોય,જેને કર્મકાંડ આવડતા હોય તે બ્રામ્હણ.
૨) જે સાહસિક હોય, જે દેશનું રક્ષણ કરવા સક્ષમ હોય, જે શુરવીર હોય તે ક્ષત્રીય.
૩) જે વેપારીવૃતી ધરાવતો હોય, જેનામાં વેપારનું જ્ઞાન હોય તે વૈશ્ય.
૪) જે હીન વૃતિ ધરાવતો હોય, જેના વિચારો નિમ્ન કક્ષાના હોય તે ક્ષ્રુદ્ર.
પણ આપણે આ વાક્યોનું ઊંધું કરી નાખ્યું અને સમગ્ર સમાજ જે કર્મ આધારિત વ્યવસ્થા ધરાવતો હતો તે જન્મ આધારિત વર્ણવ્યવસ્થામાં બદલાય ગયો અને એ સાથે જ આપણો સમાજ એવો વહેચાઈ ગયો જે આજ સુધી એક થઇ શક્યો નથી.આપણી જ્ઞાતિવાદની આ પરંપરાને લીધે આજે પણ આપણે ‘એકતા’ નું મુલ્ય સમજી શક્યા નથી. કૃષ્ણના સમયમાં પણ આ જ્ઞાતિવાદ હતો જ. કર્ણ સાથે થયેલો અન્યાય એનો પૂરાવો છે.એટલે જ ભગવાને ભગવદગીતામાં કહ્યું છે, “ ગુણ ને કર્મ કર્યા પ્રમાણે બ્રામ્હણ, ક્ષત્રીય,વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણોની રચના કરી છે.” હવે તમે જ કરો આનું અર્થઘટન એટલે સમજાશે. આપણી સમાજવ્યવસ્થા ટોટલ કર્મ આધારિત હતી પણ આપણે એને જન્મ આધારિત કરી સામેથી મુશ્કેલીઓ ઉભી કરી.જેવા કર્મ એવો વર્ણ! પણ આપણે એ ન સમજયા અને પરિણામ તમારી સામે છે. આજે આપણો સમાજ એટલી બધી જ્ઞાતિઓ વચ્ચે વહેચાઈ ગયો છે કે રોજ એક નવી જ્ઞાતિ અને નવો નેતા ઉભો થઇ જાય છે.આપણી આજની ચૂંટણીઓ સમગ્રપણે જ્ઞાતિવાદના નામે લડાય છે. ચૂંટણી એ તંદુરસ્ત લોકશાહી માટે પૂર્વશરત છે,પણ આપણી ચૂંટણીઓ જીતવા માટે ‘જ્ઞાતિવાદ’ પૂર્વશરત બની ગયો છે. ચૂંટણી થકી આપણે આપણા દેશનું ભાવી નક્કી કરતા હોઈએ છીએ.આપણા ચૂટેલા પ્રીતીનીધિઓ જ દેશનો વહીવટ કરતા હોય છે.આપણે આપણા વોટનું મુલ્ય સમજતા નથી બાકી એવી સરકાર રચી શકાય જે પ્રગતિના નામે લડે નહિ કે માત્ર જ્ઞાતિવાદના નામે.
આપણી લોકશાહી આપણને સમજણ વગરની મળી ગઈ છે. ખરેખર આપણે લોકશાહી એ શબ્દને સમજી જ શક્યા નથી.આપણે ત્યાં અભણ તો ઠીક પણ ભણેલા પણ ‘જ્ઞાતિવાદને’ છોડી શકતા નથી.તમે જ વિચારજો મત દેતી વખતે તમે કેટલા સ્વતંત્ર રીતે મત આપો છો.ઘરના વડીલ કે જ્ઞાતિનો કોઈ આગેવાન કે તેને મત આપીએ છીએ. આપણી ચૂંટણીઓ ક્યારેય તટસ્થતાથી લડાતી નથી.જે વિસ્તારમાં જે જ્ઞાતિનું સંખ્યાબળ વધુ હોય તે જ્ઞાતિના ઉમેદવારો જીતે છે. ઘણીવાર તો જ્ઞાતિના નામે આવા ઉમેદવારો ખોટા આંદોલનો કરાવી જે તે રાજ્યની પરિસ્થિતિ પણ વિષમ બનાવતા રહે છે.માત્ર સંખ્યા બળને આધારે તેઓ ફાયદો ઉઠાવી પોતાના અંગત પૂર્વગ્રહો ને આપણા દ્વારા પોષતા રહે છે, અને આપણે એનો હાથો બનતા પણ રહીએ છીએ.ચૂંટણી માં મુદા દેશની પ્રગતિના હોવા હોઈએ એને બદલે જ્ઞાતિવાદના જ રહે છે.જ્ઞાતિવાદ ને વેગ આપી આપણે દેશની પ્રગતિનો ગ્રાફ ઘટાડતા રહીએ છીએ.જ્ઞાતિવાદ આપણી લોકશાહી માટે કેન્સર જેવું બની ગયું છે. જે ધીમે ધીમે દેશની તંદુરસ્તીને અસર કરી રહ્યું છે. દુખની વાત તો એ છે કે દેશના યુવાનો આ રસ્તે સૌથી આગળ છે.પોતાની જ્ઞાતિના સંખ્યાબળને આધારે તેઓ રાષ્ટ્રને નુકસાન પહોચાડતા રહે છે. જે ભગવદગીતાને આપણે સૌથી આધારભૂત ગ્રંથ ગણીએ છીએ તેની આવી સુંદર બાબતનું આપણે સાવ ખોટું અર્થઘટન કરી રહ્યા છીએ.
આજે આપણો દેશ આવા ખોટા મુદાને રવાડે ચડી ગયો છે, અને મુળ મુદ્દાને ભૂલી ગયા છીએ.જ્ઞાતિવાદ એ ભારતના દરેક રાજકીય પક્ષની માનીતી ‘વોટબેંક’ બની ગઈ છે.દરેક પક્ષ પોતાની જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરે છે.જ્ઞાતિવાદ એ આપણા દેશની મજબૂતીને ઉધઈ બની કોરી રહી છે.દેશને પોલો કરી રહી છે.તમે જ વિચારો તમે વોટ દેવા જાવ ત્યારે કદી આ બધી બાબતો વિચારો છો ખરા! હું જેને મત આપું છું, તે નેતામાં મારી જ્ઞાતિ સિવાય પણ કોઈ ક્વોલિફિકેશન છે ખરી? હું જેને મત આપું છું એ ખરેખર આ પદને લાયક છે ખરા? એવું વિચારવાને બદલે આપણે પણ જ્ઞાતિવાદને પોષતા રહીએ છીએ. એટલું યાદ રાખજો જે પ્રજા પોતાનામાં રહેલા દુષણોને જાતે દુર નથી કરતી તે હમેંશા અવિકસિત જ રહે છે.હકીકત તો એ છે કે પછાત આપણે નથી આપણી વિચારધારા જ પછાત છે, જે દુષણો સામે નવા વિચારોને ટકવા દેતી નથી.જો આપણે વિકસવું હશે તો કર્મ આધારિત સમાજ વ્યવસ્થા પાછી લાવવી પડશે. કૃષ્ણ ભગવાને જે કર્મ આધારિત સમાજની સમજણ આપી હતી તેને ધ્યાનમાં લેવી પડશે.માણસના જન્મના કુળને બદલે કર્મને મહત્વ આપવું પડશે, માણસ તેના કર્મથી મહાન છે,નહિ કે જન્મથી એ સમજવું પડશે.


  Discrimination is not done by villains. It's done by us
Read more at: https://www.brainyquote.com/quotes/quotes/v/viviennemi822199.html?src=t_discrimination

Wednesday, 1 November 2017

.............................................................................!

...................................................


                   કેટલાક લેખોને કોઈ શિર્ષકની જરૂર હોતી નથી.કેટલાક કાર્યોનું કોઈ મુલ્ય નથી હોતું.કેટલાક વ્યક્તિત્વો એટલા અદભુત હોય છે કે તેઓના સંપર્કમાં આવનાર સૌને પ્રભાવિત કરતા રહે છે. જેમ ફૂલ તેના સંપર્કમાં આવનાર પ્રત્યેકને સુગંધ આપતા રહે છે, તેમજ આવા વ્યક્તિઓ પોતાના સંપર્કમાં આવનાર સૌને પ્રેરણા આપતા રહે છે.સરળ વ્યક્તિત્વ ઈશ્વર સૌને નથી આપતો. ઘણા થોડું કરીને પણ પોતાની જાતને એક વર્તુળમાં કેદ કરી લેતા હોય છે, જેનો પરિઘ બહુ સાંકડો હોય છે.જયારે કેટલાક એવા હોય છે,જે વિરાટ કાર્યો કરવા છતાં પોતાની જાતને સરળ રાખી સકતા હોય છે. તેઓને મળીને હમેશા એવું ફીલ થાય કે તેઓ આપણા છે.ગમે તેટલા આગળ વધી જાય તેઓ પાછળ જોવાનું ચુકતા નથી. પોતાના કાર્યોનો નહિ કોઈ શો, કે નહિ કોઈ માર્કેટિંગ. બસ “કાર્ય એ જ તેઓનો જીવન મંત્ર હોય છે.” ભગવદગીતામાં શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, “કર્મ કરો પણ ફળની ચીંતા ના કરો.” છતાં મોટા ભાગના લોકો કર્મને ફળ સાથે જોડી દુખી થતા રહે છે. જયારે કેટલાક આ મંત્રને સંપૂર્ણ અનુસરતા હોય છે. તેઓ પોતાનું  કાર્ય એટલી શ્રેષ્ઠતાથી કરતા હોય છે કે એવું લાગે ઈશ્વર આસપાસ છે જ આપણને ઓળખતા આવડતું હોતું નથી.
 હમણાં જ આવા બે વ્યક્તિત્વોને મળવાનું થયું. જેઓ તેઓનું કાર્ય જીવનમંત્ર માની કરી રહ્યા છે.એક એવું દંપતી જે ગ્રામ્ય વિસ્તારના લોકોના વિકાસ માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરી રહ્યું છે.એક એવી સંસ્થા જે બાળકોને સર્જનાત્મક કેમ બનવું તે શીખવી રહ્યું છે, જ્યાં પહેલ,સંગઠન,આયોજન,સહભાગિતા,ક્ષમતાવર્ધન,ગ્રામોત્થાન જેવી અનેક અગત્યની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.તમારામાંથી ઘણા સમજી ગયા હશે અને ઘણાએ તો એ સંસ્થા જોઈ પણ હશે! એ સંસ્થા છે, જસદણ થી ૨૫ કીમી દુર આવેલું એક ગામ જ્યાં ચેતન્યભાઈ અને સોનલ બેન આ યજ્ઞ ચલાવી રહ્યા છે, જેનું નામ છે, “ઢેઢકી’ અને સંસ્થાનું નામ ‘લોકમિત્રા’ સુંદર સંસ્થા, શાંત વાતાવરણ કુદરત સાથે વાત કરતા હોય એવું લાગ્યું. આવી સાદગી મેં કદી જોઈ નથી. અમે તેઓને અમારા એક કાર્યક્રમ માટે સન્માન લેવાનું આમંત્રણ આપવા ગયેલા. પણ તેઓએ કહ્યું સન્માન ન લેવું એવું અમે નક્કી કર્યું છે, અને આપણે સૌ નામ પાછળ કેવા દોડતા હોઈએ છીએ. જેઓ સતત કામ કરતા રેતા હોય છે, તેઓ માટે પોતાનું કાર્ય જ સૌથી મોટું સન્માન હોય છે.ઈશ્વરને ધન્યવાદ મારી મુલાકાત આવી સુંદર વ્યક્તિઓ સાથે કરાવી.
  મને સૌથી વધુ ગમી ત્યાની હોસ્ટેલ જે એકદમ કુદરતી રીતે બનાવેલી હતી.વાંસથી બનાવેલુ સુંદર ઘર! એક સીડી ચડવાની અને અંદર સંપૂર્ણ કુદરતી ઘર. જોવાની મજા આવી ગઈ.વિદ્યાર્થીઓ જાતેજ રસોઈ બનાવી જમેં. છે ને અદભુત વાત! આપણે તો આપણા બાળકો માટે એ.સી. નિશાળો અને હોસ્ટેલો શોધતા ફરીએ છીએ, જયારે અહી તો અગવડો અને અભાવો વચ્ચે કેમ જીવવું એ શીખવવામાં આવે છે.અમે સોનલ બેનને થોડા પ્રશ્નો પૂછ્યા કે તેઓ અહી કેવી રીતે આવ્યા અને આજ ગામ કેમ પસંદ કર્યું, તેઓએ કહ્યું, અમે ૨૮ વર્ષ થી અહિયાં છીએ, આ સંસ્થાની સ્થાપના કરી ૧૯૮૯માં. તેમણે કહ્યું ગામ પસંદ કરવાના અમારા કેટલાક ક્રાયટેરિયા હતા એ મુજબ સાયકલ પર પ્રવાસ કરી અમે આ સ્થળ પસંદ કર્યું. ને છેલ્લા ૨૮ વર્ષ થી અમે આ કાર્ય કોઈપણ જાતના માર્કેટિંગ વિના કરીએ છીએ.હજી વધુ રહેવું હતું પણ સમયના અભાવે શકય ના બન્યું. તેમના ઘરે સરબત પી અમે પાછા ફર્યા, પણ મનમાં એક વાત ગુંજતી રહી, “ જેને કામ કરવું જ છે, તેને રસ્તો હમેંશા મળી જ રહે છે.” એ સંસ્થાના થોડાક સુત્રો તમારા માટે લખું છું.

ભણવું એટલે વિકસવું
સાહેબ થઇ મ્હાલવું
નગર-મહાનગરે વિચરવું
વતન-ગામડું વિસરવું

માનવ હમેંશા ઉર્ધ્વગામી છે
તેવા દ્રઢ વિશ્વાસ સાથે.


Wednesday, 11 October 2017

શિક્ષણ, પરિવર્તન અને આપણે



શિક્ષણને રાષ્ટ્રમાં પરિવર્તન લાવનાર સૌથી અગત્યનું માધ્યમ ગણવામાં આવે છે.કોઈ પણ રાષ્ટ્ર એટલે આગળ છે, કારણકે તે શિક્ષિત છે.વિશ્વના જે રાષ્ટ્રો શિક્ષિત છે,વિકસિત છે.પણ શું આપણા દેશમાં શિક્ષણ પરિવર્તન લાવનાર સૌથી અગત્યનું પરિબળ છે, ખરું? શિક્ષણ થકી લોકોમાં વૈચારિક પરિવર્તન આવે છે ખરું? આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિએ અલગ-અલગ હોવાનો. પણ જો આ જ પ્રશ્ન આપણે આજે શિક્ષણ મેળવનાર લોકોને પૂછીએ તો શો જવાબ મળશે?કેટલા વિદ્યાર્થીઓ એવું કહેશે કે ‘શિક્ષણને લીધે અમે જ્ઞાતિપ્રથા,દહેજ,ભ્રૂણહત્યા,બળાત્કાર,જાતિવાદ,અસ્પૃશ્યતા અંધશ્રદ્ધા વગેરે દુષણોમાં માનતા નથી. કોણ એવું કહેશે શિક્ષણને લીધે અમારા આ દુષણો પ્રત્યેના વિચારો બદલાય ગયા છે.અમે સમજી ગયા છીએ કે આવા કુરીવાજોથી દુર રહેવું જોઈએ. બોલો કોણ સંપૂર્ણ નિર્ભયતાથી આ કુરિવાજો સામે લડશે? હકીકત તો એ છે કે આપણા દેશમાં શિક્ષણનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે, તેમ તેમ વૈચારિક પરિવર્તન વધવાને બદલે ઘટતું જાય છે! હવે આ શિક્ષણ-પ્રથાનો વાંક છે કે પછી શિક્ષણ પ્રાપ્ત કરનારનો? કે પછી આપણે અમુક પરિવર્તનોને હજી સુધી સમજી જ શક્યા નથી! અને એમાનું એક પરિવર્તન છે, ‘આધુનિકીકરણ’ આ શબ્દનો આપણે ઉપયોગ વારંવાર કરીએ છીએ પણ હજી સુધી આ પરિવર્તનને આપણે સમજી શકયા નથી. આ શબ્દની વ્યાખ્યા જ આપણે ખોટી કરી છે.
     આપણે એવું માનીએ છીએ કે કોઈ સંસ્કૃતિનું આંધળું અનુકરણ એટલે ‘આધુનિકીકરણ’. કોઈ યુવાન કે યુવતી લેટેસ્ટ ફેશનના કપડા પહેરે કે મેકઅપ કરે એટલે એ આધુનિક! કોઈ વ્યક્તિ હાઈ-ફાઈ સ્માર્ટફોન વાપરે કે ઉંચી કંપનીના ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ વાપરે એટલે એ આધુનિક! કે પછી કોઈ માતા-પિતા પોતાના સંતાનોને 'english-medium’ સ્કૂલમાં ભણાવે એટલે આધુનિક! કોઈ વ્યક્તિ પોપ-સોંગ્સ સાંભળે કે પાર્ટીઓમાં ડાન્સ કરે એટલે આધુનિક! કે પછી કોઈ લેટેસ્ટ હોટેલમાં ચાઇનીઝ, પંજાબી કે કોન્ટીનેન્ટલ જમેં એટલે એ આધુનિક! વગેરે વગેરે...... બોલો આમાંથી તમે કઈ વ્યાખ્યાને સાચી માની તેને અનુસરો છો? ને કઈ વ્યાખ્યા મુજબ ખૂદને “આધુનિક” માનો છો? કહેશો. આ આપણી બનાવેલી આધુનિકતાની વ્યાખ્યા, જેને આધારે આપણે સૌનું મૂલ્યાંકન કરતા રહીએ છીએ. હવે તમે જ કહો જો વ્યાખ્યા જ ખોટી હોય તો મૂલ્યાંકન પણ ખોટું જ થવાનું ને? હકીકત તો એ છે કે આધુનિકતા આવે છે નવા વિચારો થકી. જે પ્રજા જુના અને ઝડ વિચારો છોડી નવા વિચારોને સ્વીકારવા તૈયાર રહે છે, તે આધુનિકતાની સાચી પરિભાષા કરી શકે છે.ને એ મુજબ પોતાનું આધુનિકીકરણ કરી શકે છે.માત્ર કોઈ પાસેથી ઉછીના લીધેલા ‘days’ ઉજવવાથી કોઈ પ્રજા આધુનિક નથી બની જતી.એના માટે પ્રજાએ ગમે તેવા દુષણો સામે લડવા તત્પર રહેવું પડે છે.ગમે ત્યાં ભારતીય સંસ્કૃતિના ગાણા ગાયે કશું થવાનું નથી.પરિવર્તન લાવવા પેલા આપણે પરિવર્તિત થવું પડશે.
 સાચું તો એ છે કે જ્યાં વિચારોની સ્વતંત્રતા અને વિચારો રજુ કરવાની નિર્ભયતા હોય એ બાબતો જ આધુનિકતાના દાયરામાં આવે છે.દુષણો સામે લડનાર જ સાચો શિક્ષિત નાગરિક ગણાય છે.સતીપ્રથાનો વિરોધ કરનાર અને એ પ્રથા બંધ કરાવવાનો પ્રયાસ કરનાર ‘રાજા રામ મોહનરાય’ આધુનિક હતા. એકલે હાથે એ દુષણ સામે લડ્યા અને જીત્યાં પણ ખરા! તેઓ પેલા લાખો વ્યક્તિઓએ એ પ્રથાની સ્ત્રી પર થતી અસર જોઈ હતી પણ કોઈ બોલ્યું નહિ. જેવું છે તેવું સ્વીકારી લેવાની આપણી આદતોએ જ આપણને નવા વિચારો થી દુર કરી મુક્યા છે.જ્યાં સુધી કોઈ પ્રથા મને નડતી નથી, એનો કોઈ વિરોધ નથી.પણ જો એ મને નડશે તો હું લડી લઈશ આપણી આ આધુનીક્તાએ આપણને સાવ કુવામાંના દેડકા બનાવી દીધા છે.એ જ રીતે અથાક પ્રયત્નો થકી ભારતમાં પ્રથમ મુવી બનાવનાર ‘દાદા સાહેબ ફાળકે’ પણ આધુનિક હતા. મારા દેશને મારે કશુક નવું આપવું છે, એ વિચાર જ આધુનીક્તાનો પર્યાય બની રહે છે.એવી જ રીતે ભારતમાં કોઈ નવી શરૂઆત કરનાર પ્રત્યેક વ્યક્તિ આધુનિક છે.પણ જો તમે ડોક્ટર છો અને હજી દહેજ માંગો છો તો તમારા જેવું ‘અભણ’ કોઈ નથી. તમારું શિક્ષણ તમારામાં ડિગ્રી સિવાય કોઈ પરિવર્તન લાવી શક્યું નથી.તેવી જ રીતે જો તમે શિક્ષિત છો અને ભ્રૂણહત્યા માં માનો છો તો તમારા જેવું રૂઢીવાદી કોઈ નથી.શિક્ષણ થકી નવા વિચારોનું પ્રસારણ થવું જોઈએ. જે શિક્ષણ તમને સામાજિક કુરિવાજો સામે લડતા ના શીખવે એ શિક્ષણ શું કામનું?
આઝાદીના ૭૨ વર્ષો પછી પણ આપણે દહેજ,અંધશ્રદ્ધા,વ્યક્તિપૂજા,ભ્રૂણહત્યા,અસ્પૃશ્યતા વગેરે જેવા દુષણો દુર નથી કરી શક્યા,એ સૂચવે છે કે આપણે માત્ર સાક્ષર બન્યા છીએ પણ શિક્ષિત બન્યા નથી.હજી આજની તારીખે મત કોને આપવો એ એક પુખ્ત નાગરિક તરીકે આપણે નક્કી નથી કરતા.પણ આપણી જ્ઞાતિ કે કુટુંબ આ બાબતો નક્કી કરે છે.હવે તમે જ કહો શિક્ષણ થકી ખરેખર આપણે મુક્ત બન્યા કે હજી જુના વિચારો સાથે જ જીવી રહ્યા છીએ.નવા વિચારો સામે આપણે આપણા મનની બારીઓ બંધ જ કરી દીધી છે.નવા વિચારો જુના વિચારો સામે લડી જ શકતા નથી એ બાબત જ સૂચવે છે કે આપણે હજી જૂનીપુરાણી સદીઓમાં જ બંધિયાર બની જીવી રહ્યા છીએ. આપણો બાહ્ય પહેરવેશ બદલાયો છે,પણ આંતરિક પરિવર્તન હજી ઘણે દુર છે.વૈચારિક પરિવર્તન હજી આપણે અપનાવ્યું નથી. એ જ જુના વિચારો અપનાવી આપણે સ્ત્રીઓને પડદા કે બુરખા પાછળ ધકેલતા રહીએ છીએ. સ્ત્રી પણ જીન્સ પહેરવાથી કે ટુકા કપડા પહેરવાથી આધુનિક નહિ બને પણ એણે પણ નવા વિચારો સ્વીકારવા પડશે. સ્ત્રી-શિક્ષિત બની નવા વિચારો અપનાવશે તો રાષ્ટ્ર ઝડપથી બદલાશે.સ્ત્રીઓ એ પણ કુરિવાજો સામે લડવું પડશે.
  આપણને વિચારોની ઝડતા ફાવી ગઈ છે.નવી શરૂઆત કરનાર આપણને ગમે છે,પણ શરૂઆત કરવી આપણને ગમતી નથી.નવા રસ્તાઓ આપણે અપનાવવા પડશે.એક એક યુવાન અને યુવતીઓએ નવા વિચારો અપનાવવા પડશે.પછી તે સોચાલય બનાવવાનો હોય કે સ્વચ્છતા નો કે પછી દહેજ નહિ લેવાનો. દરેક જગ્યાએ આપણે આગળ પડતા રહેવું પડશે.આપણે જ નવા વિચારોના ‘બ્રાન્ડ-એમ્બેસેડર’ બનવું પડશે.લગ્ન પાછળ થતા ખોટા ખર્ચાઓ અટકાવવા પડશે, ધર્મના નામે મંદિરો કે મસ્જિદોમાં પૈસા આપવા એના કરતા કોઈ ગરીબને એ પૈસા થકી મદદ કરવી પડશે,કોઈ પરિણીત યુગલે કહેવું પડશે કે અમે ભ્રૂણહત્યા નહિ કરીએ,માત્ર મારા માતા-પિતાના કહેવાથી કોઈ બાબા કે ધર્મગુરુમાં નહિ માનું,કોઈ વ્યસન નહિ કરું,આવા નવા વિચારો સાથે શરૂઆત કરનાર પ્રત્યેક વ્યક્તિ ‘આધુનીક’ ગણાશે.શિક્ષણ નો સાચો હેતુ તો જ સિદ્ધસિદ્ધ જો આપણે એમાં સુચવેલા પરિવર્તનો સ્વીકારી દેશને નવી દિશા તરફ લઇ જઈ શકીશું.શિક્ષણ એક એવું માધ્યમ છે,જેના થકી આપણે દેશમાં નવા વિચારોનો સંચાર કરી શકીશું.
 કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ લોકોની વિચારસરણીમાં આવતા પરિવર્તન થકી જ થાય છે.નવા વિચારો જયારે જુના વિચારોને દુર કરે છે,ત્યારે જ સૂર્યોદય થાય છે.વિચારોની નવીનતા જ રાષ્ટ્રને નવા સંશોધનો તરફ દોરી જાય છે.શિક્ષણ દ્વારા જ રાષ્ટ્રમાં સર્જનાત્મકતાનો સંચાર થાય છે.અને જ્યાં સર્જનાત્મકતા હોય ત્યાં મૌલિકતા નિખરે છે.અને મૌલિકતા પ્રજાને વિચારોની સ્વતંત્રતા તરફ દોરી જાય છે. અને સાચું શિક્ષણ એ જ છે જે લોકોને સ્વતંત્રતા તરફ દોરી જાય. શિક્ષણનો મુખ્ય હેતુ જ લોકોને મુક્ત રીતે વિચારતા કરવાનો છે.યાદ કરો રવીન્દ્રનાથ ટાગોર ની એ કવિતા.સાચું શિક્ષણ વિદ્યાર્થીઓને માત્ર ડિગ્રી નહી પણ દેશની સમસ્યાઓ સામે લડવાની તાકાત પણ આપનાર બની રહેવું જોઈએ.
 
Where the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
By narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.


Sunday, 8 October 2017

ડિગ્રી આવડત અને આપણે,

 

  






ડિગ્રી આવડત અને આપણે,


હમણાં કે.બી.સી. માં એક એપિસોડ જોયો.એક ધો.૧૦ પાસ બહેને ૫૦લાખરૂ જીત્યા.આટલું ઓછું શિક્ષણ હોવા છતાં વિશ્વાસ પૂર્વક રમ્યા અને મોટી રકમ જીત્યાં પણ ખરા! સફળતાની પૂછપરછ માં તેમણે જવાબ આપ્યો, “મને વાંચવું બહુ ગમે છે અને હું પુષ્કળ વાચન કરું છું એટલે સફળ થઇ.” ડિગ્રી ને શિક્ષણ સાથે જોડી આપણે જ્ઞાન,સમજ,આવડત જેવા ગુણોને સાવ ગૌણ બનાવી દીધા છે. ને પરિણામે આજે ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ પણ યોગ્ય કૌશલ્ય ધરાવતા હોતા નથી.ને જેઓ ભળેલા નથી તેઓ કૌશલ્યનો ઉપયોગ કરી ક્યાય આગળ નીકળી ગયા છે. ને ઘણીવાર તો એવું બને છે કે અતિ ભણેલા અભણ ને ત્યાં પોતાની ડિગ્રી વટાવતા રહે છે.તેઓના વ્યવસ્થાપન હેઠળ કાર્ય કરતા રહે છે.કારણ ડિગ્રી વ્યક્તિને નવું સંશોધન કરવા કરતા વધુ સલામતી વાળી નોકરી કરવા પ્રેરતી રહે છે.એક નોકરી મેળવી આજનો વિદ્યાર્થી સલામત બની જાય છે,પણ પોતાની ડિગ્રીને કોઈ નવા રસ્તે લઇ જવાનું ટાળે છે. ‘વાઈટ કોલર’ નોકરીના વળગણે વિદ્યાર્થીને ગોખણીઓ બનાવી દીધો છે. ડિગ્રીની પરીક્ષામાં અવ્વલ આવનાર જિંદગીની પરીક્ષામાં ઘણીવાર સદંતર ફેલ થતો રહે છે. ડિગ્રી ના બઝારે સંશોધન નામની પ્રોડક્ટને સાવ ગૌણ બનાવી દીધી છે. વિદ્યાર્થી નોકરી મેળવવા ડિગ્રી પર ડિગ્રી મેળવતો રહે છે,પણ કૌશલ્ય વિકસતું નથી. અરે ક્લાસ-રૂમમાં બેઠેલા ૭૫% વિદ્યાર્થીઓને તો ખબર પણ નથી હોતી કે હું શા માટે આ અભ્યાસક્રમ ભણું છુ? અને આમાંથી કેટલુ મને આવડે છે અને કેટલું આવડતું નથી? અરે ઘણી વાર તો ૧૦ પાસ વિદ્યાર્થીને પોતાની ભાષા લખતા કે વાચતા પણ આવડતી હોતી નથી. ને ૧૨ પાસ વિદ્યાર્થી એક સાદી અરજી કે સાદું ફોર્મ પણ ભરી શકતો નથી. ધોરણ પાસ થઇ જાય પણ એ આવી નાની બાબતો પણ શીખતો નથી. અરે મેઈન વિષય રાખનાર ઘણા વિદ્યાર્થીઓ ને એ વિષય શા માટે રાખ્યો છે, એ પણ ખબર હોતી નથી! જે વિષય સાથે તે ગ્રેજ્યુએટ થાય છે ઘણીવાર એનું પાયાનું જ્ઞાન પણ એની પાસે હોતું નથી.( મેઈન english રાખનારને ઘણીવાર પોતાનું નામ અને સરનામું english માં લખતા આવડતું હોતું નથી!)
          ડિગ્રીના મહત્વ એ તેની મૌલિકતાને ગોખણીયા જ્ઞાનમાં તબદીલ કરી નાખી છે. આજે શાળા કે કોલેજ ના ક્લાસરૂમમાં ભણતા વિદ્યાર્થીઓમાં ૫૦% એવા છે, જેઓને ભણવું જ નથી પણ એક યા બીજા કારણોસર ભણતા રહે છે.તેઓનું પ્રેરક બળ શિક્ષણ નહિ પણ કોઈ બીજું હોય છે.તેઓને અભ્યાસક્રમમાં જરાયે રસ હોતો નથી.પરાણે ભણતા રહે છે,પણ નવું શીખતા કશું નથી, એવું લગભગ દરેક ક્ષેત્રોમાં જોવા મળે છે.આવા વિદ્યાર્થીઓ ના કામનું વાસ્તવિક ક્ષેત્ર અને અભ્યાસક્રમ વચ્ચે જમીન-આસમાન નો તફાવત હોય છે.આપણે ત્યાં ખેતીને લગતા અભ્યાસક્રમો સાવ ઓછા જોવા મળે છે, જયારે દેશની મોટા ભાગની પ્રજા આ ક્ષેત્ર સાથે સંકળાયેલી હોવા છતા! વિશ્વના જે દેશોએ પોતાના સૌથી અગત્યના આર્થીક ક્ષેત્રો છે, તે ક્ષેત્રોને શિક્ષણ સાથે જોડી દઈ વિદ્યાર્થીઓને એનું જ શિક્ષણ લેતા કર્યા છે,જેમ કે ડેન્માર્ક ડેરી-ઉદ્યોગમાં આગળ છે તો ત્યાં શાળામાં બાળકોને એના વિશેના અભ્યાસક્રમો જ ભણાવવામાં આવે છે, જયારે આપણી શિક્ષણ-પ્રથામાં આવું ક્યાય જોવા મળતું નથી.ને પરિણામે વિદ્યાર્થીઓ ખેતી ની નજીક જવાના બદલે દુર જતા રહે છે.ખેતી તેઓને અનાકર્ષક લાગે છે.વિદ્યાર્થીઓ માર્ક-શીટમાં માર્કસના ઢગલા લાવે છે,પણ જરૂરી કૌશલ્ય કેળવી શકતા નથી. તેઓ બહારની દુનિયાના પ્રશ્નોના જવાબ આપવામાં તદન અશક્ષમ બની જાય છે.ને જેઓને ભણવામાં જરાયે રસ નથી છતાં ભણે છે તેઓ ક્લાસરૂમમાં શિસ્તના પ્રશ્નો ઉભા કરતા રહે છે.
  ડિગ્રી અને આવડત નો સહસંબંધ ‘શૂન્ય’ છે.આ બંને બાબતો એકબીજા સાથે સંકળાયેલી નથી.ને એવા હજારો ઉદાહરણો આપણી આજુબાજુ જોતા હોઈએ છીએ પણ સમજતા નથી કે સ્વીકારતા નથી. તમે ટી.વી.પર મુંબઈના ડબ્બા વાલાનું વ્યવસ્થાપન જોયું હશે.એનો માલિક સાવ અભણ છે છતાં એનો કેસ-સ્ટડી એમ.બી.એ. નો વિદ્યાર્થી ભણે છે.વિચારજો. અરે ઘણીવાર તમેં તમારી આસપાસ એવા ઉદાહરણો પણ જોયા હશે કે એક ડોક્ટર અને દરજીકામ કરતા વ્યક્તિની આવક એકસરખી પણ હોય શકે! એક ની પાસે ડિગ્રી છે અને એકની પાસે આવડત પણ છતા બંનેનું આર્થિક સ્તર એકસરખું છે! એવું ક્યારેય નથી હોતું કે કોઈ ડોક્ટર કે એન્જીન્યર યુની.ફર્સ્ટ હોય એટલે એની આવડત ઉંચી હોય! હકીકત તો એ છે કે આવા વ્યવસાયોમાં ડિગ્રી કરતા આવડત જ અગત્યની હોય છે. ઘણી વાર ડોકટરો વચ્ચેની આવકમાં ઘણો બધો ફેરફાર જોવા મળે છે.આ સઘળી બાબતો એવું સૂચવે છે કે જો તમારામાં એક પણ આવડત હોય તો એને યોગ્ય રસ્તે વાળી એક સરસ કારકિર્દી બનાવી શકો છો. પણ આપણને અમુક ક્ષેત્રો સિવાય કશું સુઝતું જ નથી! કારણ આપણે ડિગ્રીના સર્ટીફીકેટ પાછળ આપણી આવડતના સર્ટીફીકેટને ગોઠવી ફાઈલમાં માત્ર સાચવી મુકીએ છીએ. તે સર્ટિને આગળ લઇ જવાનો પ્રયત્ન કરતા નથી.એવા કેટલાયે વિદ્યાર્થીઓ હોય છે જેઓ સારું ગાતા હોય કે સારા ચિત્રો દોરતા હોય કે પછી રમત-ગમતમાં હોશિયાર હોય,કે બીજી કોઈ કળામા હોશિયાર હોય છે. પણ તેઓ ખુદને ઓળખતા નથી ને આપણી શિક્ષણ-પ્રથામાં આવી કળાઓને કોઈ સ્થાન નથી ને પરિણામે યોગ્ય પ્લેટફોર્મના અભાવે આવી કળાઓ બહાર આવી શક્તી નથી. ને પરિણામે આવા વિદ્યાર્થીઓ કળાને છુપાવી કોઈ નાનકડી નોકરી પાછળ પોતાનું જીવન વિતાવી દેતા હોય છે.
           ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કોઈ વ્યવસ્થિત તક ના મળતા એ પ્રતિભાઓ ડિગ્રીના બોજ તળે દબાઈ જાય છે.ટ્રેન્ડમાં હોય તેવી ડિગ્રીઓ અને કોર્સીસ પાછળ દોડી તેઓ પોતાનું અસ્તિત્વ જે કળામાં હોય તે કળા ને જ ભૂલી જાય છે.ધીરુભાઈ અંબાણી,સચિન તેંદુલકર,લતા- મંગેશકર ,માર્કઝુકરબર્ગ વગેરે એવા કેટલાય નામો છે જેઓએ પોતાની આવડત ઓળખી એના પર જ બધું એકાર્ગ કરી પોતાના ક્ષેત્રમાં આગળ વધ્યા અને એ ક્ષેત્રનો પર્યાય બની ગયા.પણ આપણે હજી આ ડિગ્રીના ચક્કરમાંથી બહાર આવતા નથી.વળી આપણે ત્યાં વિદ્યાર્થીઓમાં સરકારી નોકરીનું વળગણ પણ બહુ જોવા મળે છે. એકવાર મળી જાઉં એટલે આખી જિંદગી સ્થિર! એવી માન્યતા સાથે ડિગ્રી પર ડિગ્રી મેળવતા જાય છે, પણ જ્ઞાન કે આવડત પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતા નથી.સરકારી નોકરી એવી સ્થિરતા કે સલામતી આપે કે નવું કશું કરવાની ઇચ્છા જ ના થાય. ૧૦ થી ૫ ની નોકરી. બસ બીજું કશું નહિ.
      વિદેશોમાં aptitude ટેસ્ટ લઇ વિદ્યાર્થીનું ક્ષેત્ર નક્કી કરવામાં આવે છે. આપણી શાળાઓ એ પણ કરતી નથી. વિદેશોમાં આવી ટેસ્ટ લઇ માતા-પિતા,શાળાઓ વિદ્યાર્થીઓને એ જ ક્ષેત્રમાં આગળ લઇ જવાનો પ્રયાસ કરે છે, જયારે આપણા દેશમાં માતા-પિતા અને શાળાઓ વિદ્યાર્થીઓને ડોક્ટર કે એન્જીનીર બનાવવા સિવાય ત્રીજું ક્ષેત્ર વિચારતી જ નથી.બોર્ડની પરિક્ષાઓ પૂરી થતા જ મોટા મોટા હોડીગ્ઝમાં ટોપ-ટેન વિદ્યાર્થીઓના નામ ગુંજતા રહે છે.ને બાકીના બિચારા હિજરાતા રહે છે.બાળકોના એડમીશન માટે માં-બાપ મહિનાઓ સુધી દોડ-દોડ કરતા રહે છે ને પોતાના જીવનની તમામ કમાણી આપીને પણ ડોક્ટર કે એન્જીનીયર બનાવતા રહે છે!આપણી શિક્ષણ પ્રથાએ વિદ્યાર્થીઓને નંબરની ગેમના એટલા વ્યસ્ત ખેલાડી બનાવી દીધા છે, જ્યાં ટોપ-ટેન સિવાય એકેય નંબર ધ્યાનમાં જ આવતા નથી.જ્યાં વિદ્યાર્થીઓના માત્ર માર્ક્સ કે ગ્રેડ જ અગત્યના છે તેના કૌશલ્ય કે આવડતનું મહત્વ જરાયે રેવા દીધું નથી.
 જે દિવસ થી આપણે ડિગ્રી કે નંબર કરતા વધુ અગત્યનું કૌશલ્ય ગણીશું. ઓલમ્પિક રમતોસ્વમાં મેડલ ટેલીમાં આપણે પણ ટોપ-ટેન દેશોમાં હોઈશું!

“Your school may have done away with winners and losers, but life HAS NOT. In some schools they have abolished failing grades and they’ll give you as MANY TIMES as you want to get the right answer. This doesn’t bear the slightest resemblance to ANYTHING in real life.”  BILL GATES



ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...