Saturday, 14 July 2018

માતા-પિતાની મહત્વાકાંક્ષા સંતાનો અને આપણે,


માતા-પિતાની મહત્વાકાંક્ષા સંતાનો અને આપણે,


             


<b>Over</b>-<b>Ambitious</b> <b>Parents</b> stock illustration. Illustration of force - 66475834

બુધવારે એસ.વાય. બી.એ. માં રવીન્દ્રનાથ ટાગોરનું ફેમસ કાવ્ય ચાલતું હતું, “ where the mind is without fear” જેમાં ચિતને ભયથી દુર રાખવાની વાત કહેલ છે. મસ્ત કાવ્ય છે. ભણાવતા-ભણાવતા મેં બધા વિદ્યાર્થીઓને પૂછ્યું, ચાલો કહો તમને સૌથી વધુ ડર શેનો લાગે છે? બધાએ જવાબ આપ્યા, કોઈકે કહ્યું પાણીનો,કોઈકે કહ્યું આગનો, કોઈકે કહ્યું મરવાનો. બધાએ અલગ-અલગ જવાબ આપ્યા. પણ એક જવાબ જેણે મને આજે લખવાની પ્રેરણા આપી અને એ છે “ મને મારા માતા-પિતાની મહત્વાકાંક્ષાઓનો ડર લાગે છે.” હું જયારે ભણવા બેસું મને એવું લાગે છે, હું તેઓની અપેક્ષાઓ નહિ પૂરી કરી સકું તો? અને તેના લીધે મારા જીવનમાં નકારાત્મક વિચારો આવી જાય છે. ને હું હતાશ અને નિરાશ થઇ જવ છું. આ જવાબ લગભગ આજના ૯૦% વિદ્યાર્થીઓનો હોય છે. આપણે સૌ જાણીએ છીએ, ડરને લીધે કોઈપણ કામ સરખું થઇ શકતું નથી. આપણે જેનાથી ડરીએ છીએ, તેને કદી પૂરેપૂરું આપી શકતા નથી. તો પછી માતા-પિતા શા માટે પોતાના સંતાનોને પોતાના સપનાઓ પુરા કરવાનું મશીન સમજતા હશે અને બાળકો પર પોતાના વિચારો ફરજીયાત લાદતા હશે. અને એ પણ કોઈક સાથે સરખામણી થવાને લીધે. હકીકત તો એ છે કે માતા-પિતા સંતાનોને બજારમાં એક ચલણી સિક્કો બનાવી દેવાની દોડમાં એના અસ્તિત્વને છિન્નભિન્ન કરી દે છે. સંતાનોને ખુદની જિંદગી જીવવા મળતી નથી. તેઓ સતત માતા-પિતાની મહત્વાકાંક્ષા હેઠળ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી દે છે. માતા-પિતા એ નહિ સમજતા કે સંતાનોને પોતાની પણ કોઈ ઈચ્છાઓ, સપનાઓ હોય છે. છે કોઈ ક્ષેત્ર એવું જે તેને બહુ ગમતું હોય છે, પણ એ દુનિયાની દ્રષ્ટીએ કે બજારની દ્રષ્ટીએ બહુ ઉપયોગી નહિ હોવાને લીધે, માતા-પિતા સંતાનોના એ સપનાઓને ‘સ્પેસ’ જ આપતા નથી. મોટાભાગના ઘરોમાં આ બાબતે માતા-પિતા અને સંતાનો વચ્ચે ‘વિશ્વયુદ્ધ’ થતા રહે છે. અને તેઓ વચ્ચે ગેપ વધતો જાય છે. માતા-પિતાની મહત્વાકાંક્ષા સાથે મેળ નહિ પડતો હોવાથી મોટાભાગના બાળકોને શિક્ષણ પ્રત્યે નફરત થઇ જાય છે. દર વર્ષે લાખો બાળકો માતા-પિતાની મહત્વાકાંક્ષાને લીધે પોતાનું મનપસંદ શિક્ષણ કે જીવન મેળવી શકતા નથી. બીજાની સરખામણીએ મારું સંતાન પાછળ ના રહી જાય એ જ તેઓનું એકમાત્ર ધ્યેય હોય છે. તેઓ પોતાના સંતાનોને રેસના ઘોડાથી વિશેષ કશું સમજતા હોતા નથી. ગમે તે રીતે સંતાનોને રેસ જીતવાની છે, આગળ વધવાનું છે. પછી ભલે એ રેસમાં રસ હોય કે ન હોય!
 મોટાભાગે માતા-પિતા બાળક જન્મે એ પહેલા જ તેનું ભવિષ્ય નક્કી કરી લેતા હોય છે. મારો દીકરો કે દીકરી આમ જ કરશે અને આમ જ બનશે. તેઓને ખબર નથી હોતી કે જે જન્મવાનું છે, એ સ્વતંત્ર અસ્તિત્વ સાથે જન્મશે. આપણે એને જન્મ આપીએ છીએ,પણ એનું ભવિષ્ય એને જાતે નક્કી કરવાનું છે.વળી મોટાભાગના માતા-પિતા પોતાના બાળકોને કા તો ડોક્ટર અને કા તો એન્જિનિયર જ બનાવવા ઈચ્છતા હોય છે, જાણે આ સિવાય બીજું કઈ તેઓનું ભવિષ્ય જ ના હોય એવું લાગે! આવી મહત્વાકાંક્ષાને લીધે બાળકોનું અસ્તિત્વ સતત ભૂંસાતું રહે છે. તું આમ કર આમ ના કર એવું કહી માતા-પિતા સંતાનોને ટોકતા રહે છે અને સંતાનો ઘણીવાર એને લીધે પોતાનું અસ્તિત્વ બનાવી શકતા નથી.દરેક વાલીએ એ સમજવું જોઈએ કે તેઓ પોતાના સંતાનોના વોચમેન નથી, પણ માળી છે. જેમ માળી ફૂલને ખીલવાની પૂરી તક આપે છે, એ ફૂલને પાણી, સૂર્યપ્રકાશ,હવા બધું સમયાંતરે આપે છે, જેથી ફૂલ એની પૂર્ણ કક્ષાએ ખીલી શકે. એ ફૂલો વચ્ચે કદી સરખામણી નહિ કરે. એમ જ આપણે પણ આપણા સંતાનોને સમયાંતરે જરૂરી બધું જ આપવું પણ એ આપણી રીતે જ ખીલે એવી અપેક્ષા કદી ના રાખવી. જેમ દરેક ફૂલને પોતાનું સોંદર્ય,મહેક હોય છે, એમ જ દરેક બાળકને પોતાનું વિશ્વ હોય છે. કોઈ રમતમાં હોશિયાર તો કોઈ કળામાં તો કોઈ ભણવામાં હોશિયાર હોય છે, સૌને સૌનું ક્ષેત્ર પસંદ કરી લેવા દેવું જોઈએ. તમે માર્ક કરજો જે માતા-પિતાએ પોતાના બાળકોને આવી ક્ષમતા પારખી ઉછેર્યા છે, તેઓ આજે સફળ છે. જે તે ક્ષેત્રમા આગળ છે. તો પછી શા માટે બાળકોને મહત્વાકાંક્ષા ના બોજ નીચે કચડી દેવા. એ જે છે એ પણ ભૂલી જશે. એક ડર હમેંશા તેની સાથે વિકસતો રહેશે, કે હું મારા માતા-પિતાની આંકાક્ષાઓ પૂરી નહિ કરી સકું તો શું થશે? એ બીકે ઘણા બાળકો પોતાનું બાળપણ,યુવાની બધું જ ગુમાવી બેસે છે!
     એક માતા-પિતા તરીકે સમાજમાં આપણે આપણા બાળકોને હમેંશા એક ઢાંચામાં ઢાળવાના પ્રયત્નો કરતા રહીએ છીએ અને એટલે જ જનરેશન ગેપ વધતો જાય છે. એવી ખાઈ બંને વચ્ચે બનતી જાય છે જે રોજેરોજ વધુને વધુ ઊંડી બનતી જાય છે. આવી પરિસ્થિતિમાં માતા-પિતા અને સંતાનોના સપનાઓ ટકરાતા રહે છે અને બંને પક્ષે હતાશા,નિરાશા વધતી જાય છે. ઘણા મા-બાપ સંતાનોને “સ્ટેટસ અપડેટ” માનતા હોય છે. દુનિયાને દેખાડી દેવાના ચક્કરમાં તેઓ પોતાના સંતાનોને સ્ટેટસનું પ્રેશર આપતા રહે છે, જેને લીધે બાળકો વધુ ટેન્શનમાં રહે છે. તેઓ બાળકોને પાંખ તો આપે છે, પણ ઉડવા આકાશ આપતા નથી. મહત્વાકાંક્ષાની બેડીઓ સંતાનોના આકાશને સીમિત કરી દે છે. ઘણા ઘરોમાં તો વિચારોની બારીઓ ખોલવાની પણ છૂટ નથી હોતી. માતા-પિતા પોતાના સંતાનોનું જીવન ‘ડીઝાસ્ટર મેનેજમેન્ટ’ ની સૂચનાઓ જેવું કરી દે છે, આમ કરાય અને આમ ના કરાય. સંતાનોને હરહમેંશ એવું લાગ્યા કરે કે કોઈ અદ્રશ્ય સ્વરૂપે એની પાછળ ફરતું રહે છે, જે એને વિકસવા દેતું નથી. તું અમારી આશા છે એવું જયારે કોઈ માં-બાપ પોતાના સંતાનને કહે છે એ સંતાન પોતાના જીવનની આશા ગુમાવી બેસે છે. આપણે એને માત્ર ચાલવા શીખવવાનું છે, રસ્તાઓ એને જાતે શોધવા દેવાના છે, આપણે એને રક્ષણ આપવાનું છે બાકી એ પોતાનું અસ્તિત્વ જાતે શોધી લે છે. હકીકત તો એ છે કે આપણે તેઓને વારસામાં મિલકત કે અપેક્ષાઓ નહિ પણ એને જાતે વિકસવાની તકો આપવાની છે. એને નક્કી કરવા દેવાનું છે કે એને શું બનવું છે? ચાણક્ય એ કહ્યું છે, એમ “Treat your kid like a darling for the first five years. For the next five years, scold them. By the time they turn sixteen, treat them like a friend.Your grown up children are your best friends.”  આજથી હજારો વર્ષ પહેલા આપેલુ આ જ્ઞાન આજે આપણે ખાસ અમલમાં મુકવાની જરૂર છે.  
ખલીલ જિબ્રાન ની કવિતા આપણે સૌએ ખાસ યાદ રાખવી રહી,
Your children are not your children. The by Khalil Gibran ... 

  
 


Sunday, 17 June 2018

સ્પર્ધા અને આપણે,


સ્પર્ધા અને આપણે,





  નાના હતા ત્યારે સ્કૂલમાં ટીચર એક સરસ વાર્તા કહેતા. વાર્તા કઈક આમ હતી, એક સ્કૂલમાં એકવાર એક શિક્ષકે બોર્ડ પર એક લાઈન દોરી અને પછી કહ્યું કે “ આને સ્પર્શ કર્યા વિના તમારે નાની બનાવી દેવાની છે, નહિ ભૂંસવાની કે નહિ સ્પર્શવાની! આખો વર્ગ વિચારમાં પડી ગયો, આવું કેમ શક્ય બને? આ તો કોઈ જાદુગર જ કરી સકે. સ્પર્શ કર્યા વિના કે ભૂંસ્યા વિના લાઈન નાની કેવી રીતે કરવી? શિક્ષકને દુ:ખ થયું શું કોઈ વિદ્યાર્થી આવું નહિ કરી સકે? એટલામાં એક વિદ્યાર્થી ઉભો થયો અને એને ચોક લઇ એ નાની લાઈન નીચે બીજી મોટી લાઈન કરી દીધી. ઉપરની લાઈન આપોઆપ નાની થઇ ગઈ. શિક્ષકે પેલા વિદ્યાર્થીને શાબાશી આપી. અને સમજાવ્યું કે જીંદગીમાં દરેકે પોતાની સફળતાની લાઈન જાતે જ દોરવી પડે છે. બીજાની લાઈન ભૂંસીને કદી સફળ થઇ શકાતું નથી. બીજાની લાઈન કરતા આપણી લાઈન મોટી કરીને જ આપણે દરેક સ્પર્ધાઓ જીતી શકીએ છીએ.સ્પર્ધામાં સૌથી અગત્યનો આપણો જ ટ્રેક હોય છે. એ ટ્રેક પર ચાલીને જ આપણે સફળતાનો માર્ગ બનાવી શકીએ છીએ. બીજાના ટ્રેક પર જવાથી તો અકસ્માત થઇ જાય છે. ઈશ્વરે દરેક વ્યક્તિને ખાસ ક્ષમતા સાથે આ પૃથ્વી પર મોકલ્યો છે. ઇવન એણે આપણા સૌમાં ખાસિયતો અને મર્યાદાઓ પણ સરખી માત્રામાં આપી છે. જેઓ જે બાબતો પર એકાગ્ર થાય છે, તેઓ એ રીતે પોતાની જિંદગી વિકસાવી સકે છે. જો આપણે આપણી મર્યાદાઓ સમજી આપણામાં રહેલી ખાસિયતોને વિકસાવતા રહીશું, તો આપણે જરૂરથી સફળ થઇ શકીશું. ઈશ્વરે જે આપીને આપણને મોકલ્યા છે, એને ધ્યાનમાં રાખીશું તો આપણે ખીલી શકીશું અને બીજાને પણ મહેક આપી શકીશું. ખીલવા માટે ફૂલો જેટલી ખેલદિલી જોઈએ. કોઈ ફૂલ કદી પોતાના રંગ,દેખાવ,બાબતે બીજા સાથેસરખામણી કરતા હોતા નથી અને એટલે જ દરેક ફૂલનું પોતાનું અલગ અસ્તિત્વ હોય છે. ઇવન કુદરતનું દરેક તત્વ ક્યારેય એકબીજા સાથે સરખામણી કરતુ નથી. એ સૌ પોત-પોતાની રીતે વિકસે છે અને મસ્તીમાં રહે છે. તમે કદી ક્યાય સાંભળ્યું કે વાંચ્યું કે કોઈ પશુ-પક્ષીએ એકબીજાની સરખામણીમાં આપઘાત કરેલ હોય! કુદરતના કોઈપણ તત્વને ક્યારેય પોતાના સ્ટેટસની પડી હોતી નથી. એટલે તેઓ મસ્ત જીવે છે. અને આપણું જીવન રેસનું મેદાન બની ગયું છે જ્યાં લોકો દરેક બાબતે એકબીજાની સરખામણી કરતા રહે છે, અને હતાશા,નિરાશામાં આવી સુસાઇડ કરતા રહે છે. માનસિક રોગોના શિકાર બનતા રહે  છે. આપણે સૌ સરખામણીના ચક્રવ્યુહમાં એવા ફસાઈ ગયા છીએ કે આપણી જિંદગી આપણને હમેંશા બીજા કરતા અધુરી જ લાગ્યા કરે છે.
  સ્પર્ધા માનવજીવન માટે જરૂરી છે,પણ એ સ્પર્ધા ખેલદિલી વાળી હોવી જોઈએ. વળી આપણે સ્પર્ધામાં આગળ વધવું હોય તો આપણી ક્ષમતાઓને વધારવી જોઈએ, નહિ કે સામેવાળાની ક્ષમતાને ઉતારી પાડવાની કોશિશ કરવી જોઈએ. જીવનમાં દરેક ક્ષેત્રમા આ બાબત ધ્યાનમાં રાખવી. તમે કોઈ સ્કૂલ ચલાવો છો અને અન્ય સ્કૂલ સાથે તમારી સ્પર્ધા છે તો તમારે તમારી ગુણવત્તા સુધારી તમારી સ્કૂલને આગળ લઇ જવી જોઈએ, નહિ કે સામેની સ્કૂલનું ખરાબ કરી તમારી સંખ્યા વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શ્રેષ્ઠ ગુણવત્તા આપશો તો આપોઆપ વિદ્યાર્થીઓ ખેંચાઈ આવશે.એ જ રીતે તમે કોઈ સારા કલાકાર છો તો તમારી કલાને શ્રેષ્ઠ રીતે ખીલવો, નહિ કે બીજાની કલાનું અપમાન કરી કે એને નીચી દેખાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનના દરેક ક્ષેત્રમા દરેક જગ્યાએ એ બાબત લાગુ પડે છે. તમારે સફળ થવું છે તો તમારું ધ્યેય નક્કી કરી એ રસ્તે ચાલતા રહો. તમારે બોલવાની જરુર નથી તમારા કામને બોલવા દયો. કોઈપણ જગ્યાએ આપણે હોઈએ આપણે જે કરવા માંગીએ છીએ, એમાં આપણું સંપૂર્ણ ધ્યાન હોવું જોઈએ.બીજાઓ જે કરે તે. જો આપણે બીજાઓની બાબતોને મહત્વ આપતા રહીશું તો આપણું લક્ષ ભૂલાય જશે. અને આપણે ભટકતા થઇ જઈશું. જો લક્ષ આપણું છે, તો એની સુધી જવાના રસ્તાઓ પણ આપણા જ હોવા જોઈએ. માટે સ્પર્ધા કરવી, પણ સરખામણીથી હમેંશા દૂર રહેવું. બીજાને પાડવા મહેનત કરવી એના કરતા તો આપણી જાતને ઉન્નત બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ.
ક્રિકેટની રમતમાં સચિન એક છે, ધોની એક છે, વિરાટ એક છે. દરેક ખેલાડીઓનું પોતાનું અલગ અસ્તિત્વ છે. ત્રણેય ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓ છે. એમ જ આપણે પણ ભલે કોઈ એક જ ક્ષેત્રમા હોઈએ  બીજાથી આપણું અલગ અસ્તિત્વ વિકસાવવું જોઈએ. હકીકત તો એ છે કે આપણે જીતવા માટે કે સફળ થવા માટે લડવું જોઈએ નહિ કે બીજાને હરાવવા કે નિષ્ફળ બનાવવા. કર્ણ અર્જુન કરતા પણ ચડિયાતો યોધ્દ્ધા હતો પણ એણે પોતાની જાતને સાબિત કરવા કરતા પણ વધુ મહત્વ અર્જુન કરતા પોતે વધુ ચડિયાતો છે, એ સાબિત કરવામાં પોતાની કલાનો ઉપયોગ કર્યો અને એ જ સાબિત કરવામા અધર્મના રવાડે ચડી ગયો. તે શ્રેષ્ઠ હતો, પણ સરખામણીના ઝેરે એને ખરા સમયે પોતાની તમામ વિદ્યાઓ પણ ભુલાવી દીધી. આપણે પણ જયારે આવું કરીએ છીએ આપણી શ્રેષ્ઠતા ગુમાવી બેસીએ છીએ. તમે જ વિચારજો જેઓ જીંદગીમાં સફળ થયા છે, તેઓએ કદી કોઈની સાથે પોતાની જાતને સરખાવી નથી. તેઓ નિષ્ફળ ગયા પણ નીચે ના ઉતર્યા. તેઓ હારી પણ ગયા પણ પોતાની જાતને ના હારવા દીધી. આગળ વધવા માટે બીજાને ગુણવત્તા આપવી પડે છે. બ્રાન્ડનેમ બનવા માટે ગ્રાહકોનો વિશ્વાસ જીતવો પડે છે. તમારી અંદર રહેલા જુનુન ને તમારી સફળતા માટે આગ આપવી પડે છે. જો આપણે બીજા માટે પથ્થર બનતા રહીશું તો કદી કોઈ આવી એ પથ્થરને દુર ફેંકી દેશે. માટે બીજાને નીચા દેખાડવાનો કદી પ્રયાસ ના કરો.
જિંદગી રમતનું મેદાન છે, એ મેદાનમાં ખેલદિલી સાથે જે રમે છે, એ જ જીતે છે. જેઓ ચીટીંગ કરી જીતે છે, તેઓ જિંદગીના મેદાનમાં પોતાનું સ્થાન ગુમાવી બેસે છે. દોડની રમતમાં દોડનાર હમેંશા પોતાના ટ્રેક પર જ દોડે છે, અને એટલે જ પોતાના ટ્રેક પર સૌથી ઝડપથી દોડનાર જ જીતે છે.શ્રેષ્ઠ બનવા માટે શ્રેષ્ઠતા સાબિત કરવી પડે છે. તમે નક્કી કરેલી સફળતાનો માપદંડ તમારી પાસે જ રાખજો. એને જયારે તમે બીજાના માપદંડથી માપશો. તમારી સફળતાનું અવમુલ્યન થવા લાગશે. આપણી સફળતાં કદી કોઈ અવોર્ડ કે સર્ટીફીકેટને આધીન નથી હોતી. માટે કોઈ બિરદાવે નહિ તો ગભરાશો નહિ. બસ આગળ વધ્યે જ જાવ. અને હા લીટી તમારી મોટી કરજો બીજાની ભૂંસવાનો પ્રયાસ ના કરતા ok. ઈશ્વરે આપણને બાય ડીફોલ્ટ ‘યુનિક’ જ બનાવ્યા છે તો બીજાની સાપેક્ષે શા માટે જીવવાનો પ્રયાસ કરવો! આપણે જિંદગીની રેસના ઘોડાઓ નથી જેને કોઈ આપણા વતી રેસમાં દોડાવે અને આપણે દોડતા રહીએ, પણ આપણે તો એ વ્યક્તિઓ છીએ, જે પતંગની કલ્પનાના આધારે પ્લેન પણ બનાવી શકે. જેઓ અપંગ હોવા છતાં હિમાલય પણ ચડી સકે અને જેઓ કેન્સર હોવા છતાં તેમાંથી બહાર આવી રમી પણ શકીએ. આપણે એ છીએ જે આંધળા બેહરા મૂંગા હોવા છતાં બીજાને રસ્તા બતાવી સકે એવું પ્રેરણાદાયી જીવી શકીએ. આપણા માં રહેલી અખૂટ શક્તિઓને ઓળખીએ અને સફળ થઈએ. આપણામાં રહેલી ઉર્જાનો ઉપયોગ આપણા જીવનને ઉજ્જવળ બનાવવામાં કરીએ. બીજાની જીંદગીને અન્જાવવામાં શામાટે એનો વ્યય કરવો? કેમ ખરું ને?



Wednesday, 13 June 2018

આપણે અને આપણે,


આપણે અને આપણે,


   







શીર્ષક વાચી નવાઈ ના લગાડતા! આપણે શબ્દમાં આપણે સૌ આવી જઈએ છીએ. અને આપણે હમેશા કોઈપણ બાબતે બીજા પર આરોપ મુકતા રહીએ છીએ, પણ આપણી જાતને અમુક પ્રશ્નો કદી પૂછતાં નથી ને એટલે જ આપણી અને આપણા રાષ્ટ્રની સમસ્યાઓ નો કદી કોઈ ઉકેલ નથી. ના સમજાયું તો ચાલો એક સર્વે કરીએ. આમપણ જુદી-જુદી ન્યુઝ ચેનલો અને સમાચાર-પત્રો દ્વારા જુદી જુદી સરકારોની કામગીરી બાબતે સર્વે થતા રહે છે.આપણે ઉત્સાહભેર એમાં ભાગ પણ લઈએ છીએ અને સર્વેના આધારે સરકારોની કામગીરી મૂલવતા રહીએ છીએ. સર્વેમાં શું હોય આપણે હા કે ના લખી દઈએ અગર તો અમુક પ્રશ્નોના જવાબમાં જે ઓપશન આપેલા હોય તેની સામે ટીક કરી દઈએ. જાણે એવું લાગે આપણે આપણી કેવડી મોટી જવાબદારી નિભાવી દીધી અને સરકારને પણ કહી દીધું કે તમે કેટલું કામ કર્યું અને કેટલું બાકી છે. આમ પણ આપણે ત્યાં ભારતમા બે બાબતો હમેંશા મફતમાં જ મળી રહે છે, ૧) સલાહ અને ૨) અભિપ્રાય. કેમ ખરું ને? આમ કરો અને આમ ના કરો એ સલાહ અને સરકાર આમ કરે છે અને આમ કરતી નથી એવા અભિપ્રાયો! આપણે આખો દિવસ ચર્ચા કરીએ છીએ અને ટી.વી. પર સાંભળતાં રહીએ છીએ, જોતા રહીએ છીએ. એ ચર્ચાઓ ટાઇમ પાસ કે ટી.આર.પી. વધારવાના પ્રયત્નોથી વિશેષ કશું હોતી નથી. ઘણીવાર તો સાવ બિનજરૂરી બાબતોની ચર્ચાઓ થતી રહે છે અને આપણ હોંશે હોંશે જોતા રહીએ છીએ. સરવાળે શું થાય? ચૂંટણી આવે ત્યારે જરૂરી મુદ્દાઓ ભૂલાય જાય અને બિનજરૂરી ચર્ચાતા રહે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે આપણે આવી બિનજરૂરી બાબતોને ધ્યાનમાં લઇ વોટ પણ આપી આવીએ છીએ અને પછી પાંચ વર્ષ સુધી ગલત સરકારને સહન કરતા રહીએ છીએ. શું કરવું જોઈએ એ બધા કહે છે, પણ કરતુ કોઈ નથી. અને હદ તો ત્યારે થાય જયારે કોઈ એ દિશામાં કઈ કામ કરે તો આપણે એની મજાક ઉડાવતા રહીએ છીએ અને પછી એ વ્યક્તિ મસ્ત કામ કરે ત્યારે એના જ ગુણગાન ગાતા રહીએ છીએ.
ચાલો આજે આપણે આપણો ખુદનો જ સર્વે કરીએ એક પ્રજા તરીકે આપણે સરકારના સારા કાર્યોને કેટલો સપોર્ટ કર્યો? અને પછી નક્કી કરીએ આપણે હજી સુધી કેમ ‘વિકાસશીલ’ છીએ? હકીકત તો એ છે કે દરેક રાષ્ટ્રનું એક કેરેક્ટર હોય છે. જે સર્વ વિશ્વમાં ઓળખાતું હોય છે. આપણે પણ થોડું ચેક કરી લઈએ એક નાગરિક તરીકે આપણે દેશ માટે શું કરીએ છીએ. અને પછી સરકાર પર આરોપ લગાવીએ. ok તો ચાલો સર્વે ચાલુ કરીએ.
૧) સરકારના સ્વચ્છતા-અભિયાન પ્રોજેક્ટ માટે આપણે શું કર્યું?
૨) સરકારના નદીઓના પાણીને સ્વચ્છ કરવાના પ્રયાસોમાં આપણે કેટલી મદદ કરી?
૩) સરકારે ખાનગી શિક્ષણ સંસ્થાઓ સામે ફી ઘટાડાનો જે કાયદો ઘડ્યો એના પાલનમાં કેટલા વાલીઓએ મદદ કરી?
૪) સરકાર માર્ગ સલામતી માટે જે કાયદાઓ બનાવે એમાથી કેટલા આપણે પાળીએ છીએ?
૫) ચૂંટણી સમયે સાચા ઉમેદવારને વોટ આપવાના બદલે આપણે હમેંશા આપણી ‘જ્ઞાતિના’ જ ઉમેદવારને પસંદ કરી છીએ?ભણેલા હોવા છતાં! હા કે ના
૬) સરકાર જે કોઈ યોજનાઓ બહાર પાડે એ ગરીબ વર્ગ માટે હોવા છતાં આપણે ધનિક થઈને પણ તેનો લાભ લઇ લઈએ છીએ? હા કે ના
૭) ભ્રૂણહત્યા,દહેજ,બળાત્કાર,ઘરેલુંમારપીટ,વગેરે સામાજિક સમસ્યાઓ સામે લડવા સરકારે જે કઈ કાયદાઓ ઘડ્યા છે, એમાં આપણે કેટલો સપોર્ટ આપીએ છીએ?
૮) પર્યાવરણ બચાવવા સરકાર જે કઈ પ્રયત્નો કરે જેમકે પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરવાનો, વૃક્ષારોપણ, જળબચાવો,પૃથ્વી બચાવો,વગેરે બાબતોમાં આપણે કેટલો સહયોગ કરીએ છીએ?
૯) જંગલી પ્રાણીઓને બચાવવા અને ઘર આંગણાના પશુ-પક્ષીઓને બચાવવા આપણે શું કરી છીએ?
૧૦) ભ્રષ્ટાચાર રોકવા આપણે શું કર્યું?
૧૧) સગાવાદ,કોમવાદ,જ્ઞાતિવાદ,લાગવગશાહી રોકવા આપણે શું કર્યું?
૧૨) વસ્તી આપણા દરેક પ્રશ્નનું મૂળ હોવા છતાં એને ઘટાડવા સરકારે જે કઈ પણ પ્રયાસો કર્યા એમાં આપણે ક્ર્ટલો સહયોગ આપ્યો?
૧૩) સરકારે  ખરાબ ખોરાકથી બચાવવા આપણા માટે જે કોઈપણ કાયદાઓ ઘડ્યા એના પાલન માટે આપણે શું કર્યું? અરે આપણી પાસે તો બોટલ કે પેકિંગ પર લખેલી એક્સપાયરી ડેટ વાંચવાનો પણ સમય હોતો નથી. હા કે ના
૧૪) અમુક જ્ઞાતિઓ આજે પણ સામાજિક કે આર્થીક રીતે પછાત છે, કારણકે તેઓ દારૂ અને જુગાર જેવા દુષણોમાંથી બહાર આવતા નથી, હા કે ના
૧૫) આપણી પ્રાચીન સારામાં સારી શિક્ષણ-પ્રથા છોડી આપણે મેકોલ ની જ શિક્ષણ પદ્ધતિને અનુસરી રહ્યા છીએ,હા કે ના જે માત્ર કારકુનો જ પેદા કરે છે. કે સંશોધકો નહિ.
૧૬) આજે પણ આપણે અંધશ્રદ્ધા ને મહત્વ આપીએ છીએ અને એટલે જ આશારામ કે બાબા રામરહીમ જેવા લોકો આપણને છેતરતા રહે છે? હા કે ના
૧૭) હજી આજે પણ આપણે રાહ જોઈ બેઠા છીએ કે કોઈ આવશે અને આપણો ઉદ્ધાર કરશે? હા કે ના ( જ્યારે આપણને પણ હવે સમજાય ગયું છે કે આપણે જ આપણે ઉદ્ધારક છીએ છતાં!)
૧૮) સરકારના સોચાલય અભિયાન માટે આપણે શું કર્યું? ( આઝાદીના ૭૧ વર્ષો પછી પણ આપણને શીખવાડવું પડે છે કે લેટ્રિન કરવા ક્યાં જવાય?)
૧૯) દર ચૂંટણીઓમાં રાજકારણીઓ આપણને ‘ઉલ્લુ’ બનાવી ધર્મના નામે ઝઘડાવી મુકે છે, છતાં આપણે હજી પણ ‘ઉલ્લુ’ બનતા જ રહીએ છીએ? હા કે ના
૨૦)  આપણે આપણા દેશના બધા જ પ્રશ્નો જાણીએ છીએ, છતાં આંખ આડા કાન કરી છીએ, અને વિચારીએ છીએ મારા એકલાથી શું થવાનું? હા કે ના
 હજી તો ઘણા પ્રશ્નો છે, પણ આદર્શ પ્રશ્નાવલી ટૂંકી હોવી જોઈએ એટલે હવે પ્રશ્નો અહી અટકાવી દઉં છું. પણ આ સર્વેમાં ભાગ જરૂર લેજો. આપણે દેશ માટે શું કરીએ છીએ? એનું પરિણામ મળી રહેવાનું છે. મિત્રો કોઈપણ દેશ વિકસિત છે, કારણકે ત્યાની પ્રજા પણ સરકારની લગોલગ કામ કરે છે. દેશના વિકાસ માટે સરકારને પૂરેપૂરો સહકાર આપે છે. આપણે તો સહકાર આપવાને બદલે સરકારે ઘડેલા કાયદાઓ કેમ તોડવા એ જ વિચારતા રહીએ છીએ! ઉપર પૂછેલા દરેક પ્રશ્નોના જવાબ તમારી જાતને પણ પૂછજો. આપણે એક સ્ટેટમેન્ટ હમેંશા આપતા રહીએ છીએ, કે “ સરકાર કઈ કરતી નથી” પણ કદી એ પણ વિચારો કે “ આપણે દેશ માટે શું કર્યું?” આપણે સૌ દેશના ઓછા વિકાસ માટે એકબીજા પર આરોપ મુકતા રહીએ છીએ, પણ એ નથી વિચારતા કે એક આંગળી જયારે આપણે અન્ય તરફ ચીન્ધીએ છીએ તો બાકીની આપણી તરફ જ જાય છે. પ્રજા સહકાર ના આપે તો કોઈ દેશ કદી પ્રગતિ કરી શકતો નથી. વિશ્વના જે દેશોએ પ્રગતિ કરી છે, એ પ્રગતિમાં ત્યાની પ્રજાનો પુરેપુરો સપોર્ટ છે. જાપાન વિકસિત છે કારણ કે ત્યાની પ્રજાએ નિર્ણય લીધો કે આપણે માત્ર દેશમાં બનેલી વસ્તુ જ વાપરીશું અને આજે પરિણામ આપણી સમક્ષ છે.આપણો સૌથી મોટો પ્રશ્ન જ એ છે કે એક પ્રજા તરીકે આપણે ક્યારેય આપણી ભૂલોમાંથી શીખતા નથી. અને એટલે જ આપણે વિકસતા નથી. એટલીસ્ટ સારા કામો કરી બતાવે એવી સરકાર તો આપણે ચૂંટી જ શકીએ ને? દેશના દરેક પ્રશ્નો આપણા છે, એવું આપણે સમજવું પડશે.
  કચરો કચરાપેટીમાં નાખવો પડશે, દીકરા દીકરી વચ્ચેનો ભેદ દુર કરવો પડશે, દારૂ અને જુગાર જેવા દુષણોથી દુર રહેવું પડશે,પર્યાવરણ ચોખ્ખું રાખવું પડશે. ઉપર જણાવેલા દરેક પ્રશ્નોના ઉકેલ માટે આપણે મહેનત કરવી પડશે. કાયદાઓનું પાલન આપણા સહકાર વિના નહિ થાય. દેશનું ઘડતર આપણા થકી જ થઇ શકશે. આપણે જેટલુ દેશ માટે કામ કરીશું દેશ એટલો જ આગળ વધશે. અને હા સર્વેમાં જોડાજો અને પ્રજા તરીકેના આપણા કેરેક્ટરને સમજજો. શું ખબર આપણે સમજી શકીએ, “જાગ્યા ત્યારથી સવાર”
બસ એટલું યાદ રાખવું આપણું કેરેક્ટર એ જ દેશનું કેરેક્ટર બની રહેશે?
સરકારનો કેસ-સ્ટડી આપણે વારંવાર કરીએ છીએ, ચાલો આજે આપણે આપણો પણ કરીએ!
જે વિદેશના રસ્તા,ગાડીઓ, ટેક્નોલોજી વગેરે વગેરે આપણને બહુ ગમે છે, એ બધું એટલે આટલું સરસ છે કે ત્યાં લોકો દરેક નિયમોનું અને કાયદાઓનું પાલન કરે છે. કાયદાઓ તોડવા એને કોઈ બહાદુરી ગણતું નથી.


દેશ તો આઝાદ થતા થઇ  ગયો 
પણ તે શું કર્યું? 
  ઉમાશંકર જોષી.  
                                                 

Thursday, 12 April 2018

ભ્રષ્ટાચાર, અને આપણે


ભ્રષ્ટાચાર, અને આપણે


           








આ ભારતમા ઘરે ઘરે, ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, ઓફિસે ઓફિસે ટી.વી. ના દરેક કાર્યક્રમોમાં, અરે દરેક જગ્યાએ ચર્ચાતો વિષય છે, અને એવરગ્રીન વિષય છે. બધાને આની ચર્ચા કરવી ગમે છે. એને વખોડવો ગમે છે, કોણ કેટલું ભ્રષ્ટ છે એ માપવાની મજા સૌને આવે છે. સૌ એવું ત્રાજવું લઇ બેસે છે કે તોલી સકે કોણ કેટલું ભ્રષ્ટ છે? આ દેશમાં નેતાઓ,વેપારીઓ,પત્રકારો,કલાકારો,અધિકારીઓ,ડોકટરો, વકીલો,શિક્ષકો,પટ્ટાવાળાઓ,ઓફિસરો, અરે બધા જ ‘ભ્રષ્ટ’ છે. તો પછી કોણ કોને આંગળી ચીંધી સકે? કારણ એક આંગળી ચિંધનાર ની બાકીની આંગળીઓ પોતાના તરફ હોય છે. અને આ બધા જ જાણે છે, છતાં બધા એવી રીતે ચર્ચાઓ કરતા હોય જાણે તેઓ ભ્રષ્ટ ના હોય. હકીકત તો એ છે કે આપણા દેશમા ભ્રષ્ટાચાર લોકોનો સ્વભાવ બની ગયો છે. જેમ કોઈ રોગ લોહીમાં ભળી જાય પછી એનો ઈલાજ શક્ય ના બને એમ જ ભ્રષ્ટાચાર આપણા સૌના લોહીમાં ભળી ગયો છે. જેનો કોઈ ઈલાજ શક્ય જ નથી. વેલ એવું નથી કે એનો કોઈ ઈલાજ નથી એ ઈલાજ કોઈએ સ્વીકારવો નથી. ભ્રષ્ટાચારનું પ્રિસ્ક્રીપ્શન બહુ સરળ છે. “સાદું અને સાચું જીવન જીવો” પણ એ આપણે સ્વીકારવું નથી. સૌને તમામ સુખ-સગવડો વાળું જીવન જોઈએ છીએ,બીજાઓ જીવે છે એવું વૈભવશાળી જીવન જોઈએ છે. માટે આ રોગનું પ્રિસ્ક્રીપ્શન કોઈ અમલમાં મૂકતું નથી.
  કોઈપણ કૌભાંડ પકડાય ત્યારે તમે માર્ક કરજો, કેટકેટલા લોકો એમાં સંડોવાયેલા હોય છે, નીચેથી ઉપર તમામ કેટેગરીના લોકો એમાં ભળેલા હોય છે. કોભાંડ કરનાર જાણે છે કે અહી દરેક વ્યક્તિની એક કિમત છે જે એ ચુકવવા તૈયાર છે. એના માર્ગમાં જેટલા લોકો આવે બધાને એ ‘ભ્રષ્ટ’ કરી મુકે છે.જેથી પકડાવવાનો સવાલ જ રહેતો નથી. છેલ્લા થોડા વર્ષોમાં આપણા દેશમાં થયેલા કોભાંડો પર નજર નાખશો તો ખ્યાલ આવશે, કોમનવેલ્થ કોભાંડ,સ્ટેમ્પપેપર કોભાંડ,ટેલિકોમકોભાંડ,કોલસા કોભાંડ,વગેરે વગેરે...લીસ્ટ લાંબુ છે. પણ સવાલ એ છે કે આ બધા અબજો રૂપિયામાં કન્વર્ટ થયા ત્યારે પકડાયા વર્ષો પછી પકડાયા અને આખી ચેનલ એમાં સામેલ હતી. જેના ભાગે જે આવે, બધાએ ખાઈ લીધું. એક ઓફીસ હોય તો એમાં કામ કરતા તમામ લેવલના કર્મચારીઓ રિશ્વત લેતા હોય છે. જેવી જેની ક્ષમતા અને પહોચ. અરે પત્રકારત્વ જેને આપણે લોકશાહીનો ચોથો આધાર-સ્તંભ કહીએ છીએ,એ પણ સમાચાર છાપવાના, કોઈ મુદ્દાને ઉછાળવાના કે ક્લોઝ કરી દેવાના પણ પૈસા તેઓ લેતા રહે છે. શિક્ષકો પેપર ફોડવા કે imp પ્રશ્નો આપવાના પૈસા લેતા રહે છે. સી.બી.એસ.સી. ના પેપર ફૂટ્યા એ તેનું ઉદાહરણ છે, આવું તો ઘણ બધી પરીક્ષાઓમાં થાય છે. નેતાઓ તો આપણે ત્યાં આ બાબતે સૌથી પ્રખ્યાત છે. એટલે એની ચર્ચાઓ કરવી નથી.કારણ એને ચૂંટીને આપણે જ તો મોકલીએ છીએ. આવી રીતે બધાજ લોકો પોતપોતાની રીતે ભ્રષ્ટાચાર કરતા રહે છે અગર તો એને પ્રાત્સાહન આપતા રહે છે.
આપણે તો એડમીશન લેવા માટે, લાંબી લાઈનોમાં ઉભું ના રહેવું પડે, નોકરી માટે, ઇન્ટરવ્યુમાં પાસ થવા માટે, એમ દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરતા રહીએ છીએ. નાના નાના કામો માટે પણ આપણે આ દુર્ગુણનો સહારો લેતા હોઈએ છીએ. રસ્તામાં ટ્રાફિક પોલીસ પકડે એને દંડ ના આપવો પડે એટલે એની સાથે સેટિંગ કરતા હોઈએ છીએ. કૂપનનું કેરોસીન ‘કાળાબજાર’ માં વેચી, કે ગેસનો બાટલો બારોબાર વેચી, બીલ વગરનો માલ ખરીદી, આર.ટી.ઓ. માં લાયસન્સ જલ્દી મળી જાય એટલે કે પછી ડોકટર પાસેથી ખોટું મેડીકલ સર્ટિ કઢાવવા પણ સેટિંગ કરતા હોઈએ છીએ. અરે આપણા આરોગ્ય માટે જરૂરી એવી બાબતોમાં પણ આપણે ભ્રષ્ટાચાર કરતા હોઈ છીએ. પોતાના બાળકોને સારી કોલેજમાં એડમીશન અપાવવા માતા-પિતા ડોનેશનના નામેં રિશ્વત જ તો આપે છે. આમાંથી સમાજનો કોઈ એક વર્ગ બાકાત નથી. બધા પોતાનું કામ કરાવી લેવા આવું નાનું-મોટું સેટિંગ કરતા રહે છે. અને એટલે જ આપણે આ રોગનો નિકાલ કરી શકતા નથી. ભ્રષ્ટાચાર મુક્ત ભારત એક કલ્પના માત્ર છે. રામરાજ્ય તો સપનામાં કન્વર્ટ થઇ ગયું છે. આવું શુકામ થાય છે, એના માટેનું કારણ એક જ છે, આપણે સૌએ એને ‘વ્યવહાર’ તરીકે સ્વીકારી લીધું છે. જેમ હવા,પાણી, ખોરાક વિના ના જીવી શકાય એમ ‘ભ્રષ્ટાચાર’ વિના ના જીવી શકાય એવું આપણે માનતા થઇ ગયા છીએ.અરે આપણી માંગ સ્વીકારવા કે જરૂરિયાતો પૂરી કરાવવા આપણે તો આપણા ઈશ્વર,અલ્લા,ઈશુ વગેરે ને પણ ..................................હવે તમે સૌ જાણો જ છો. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં બીજું કોઈ પીઠબળ જરૂરી નથી, પણ આપણે શ્રદ્ધા સાથે પણ પૈસાને જોડી દઈએ છીએ.
તમને થશે તો શું આપણા દેશમા પ્રમાણિક માણસો છે જ નહિ. અરે મિત્રો છે ને! પણ એને તો સૌએ ‘એલિયન’ માની લીધા છે. જે પ્રામાણિક છે,એને આપણે વેદિયા કે સમય સાથે ના ચાલનાર કે સિદ્ધાંતના પૂંછડા કહી એકલા પાડી દઈએ છીએ. એવા માણસો જાણે આ દેશમાં દુખી થાવા જ આવ્યા હોય એવું લાગે છે. કોઇપણ ડીપાર્ટમેન્ટમાં આવા માણસો હિજરાતા રહે છે, આંખો સામે ખોટું થતા જુએ છે, પણ કશું કરી શકતા નથી. સાવ એકલા પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરી તેઓ લડતા રહે છે અને એક દિવસ રીટાયર્ડ પણ થઇ જાય છે. તેઓને માત્ર એટલો સંતોષ રહે છે, આપણે પ્રામાણિક જીવન જીવ્યા. પણ અફસોસ એટલો રહી ગયો કે સીસ્ટમ સુધારી શક્યા નહિ. આપણને પ્રામાણિક વ્યક્તિઓ ગમે છે, પણ પ્રામાણિક થવું ગમતું નથી. બધા જાહેરમાં પ્રવચન કે ભાષણ આપતા હોય એ સંભાળીને એમ લાગે આહા આના જેવું પ્રામાણિક કોઈ નહિ હોય,પણ વાસ્તવિકતા કઈક જુદી જ હોય છે. અરે અહી તો લોકો સપ્તાહ સાંભળીને ઘરે જતા હોય ને રસ્તામાં કોઈ રોકે તો ‘ટ્રાફિક-પોલીસ’ સાથે સેટિંગ કરતા જોવા મળે છે. પૂજા કરીને બહાર નીકળે અને કોઈકના સારા ચંપલ લઇ જતા રહે છે. એટલે એવું ના માનતા જેઓ બહુ ધાર્મિક છે, તેઓ નૈતિક છે. તેઓ પણ આ દોડમાં સામેલ છે. બાકી આપણે વાત કરી એમ પ્રમાણિક માણસો મળી બધે આવે છે, પણ પૂજાતા ક્યાય નથી. એ બધાને નડે છે અને એટલે સૌથી વધુ દુખી થાય છે. બાકી રહી વાત ‘ભ્રષ્ટાચાર’ દુર થવાની તો દિલ્હી હજી અનેક ‘પ્રકાશવર્ષ’ દૂર છે. અને આપણું અને મુલ્યો વચ્ચેનું અંતર વધતું જ જાય છે.
  આપણે જે જે બાબતોને સ્વીકારી લીધી છે, એ આપણે કદી દુર કરી શકવાના નથી. પ્રત્યેક કામ માટે આપણે એક કિમત ચૂકવીએ છીએ અને એટલે જ “ ભ્રષ્ટાચાર’ ઘટવાનો કે દુર થવાનો નથી.
      
 નાના હતા ત્યારે નિબંધ પૂછાતો,
 "ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર" હજી એમાં કોઈ ફર્ક પડ્યો નથી.
.

                                                                                                                            

Thursday, 5 April 2018

કાયદાઓ વિરોધ અને આપણે,


કાયદાઓ વિરોધ અને આપણે,


    






 હમણાં આપણા દેશમાં સુપ્રીમકોર્ટના ચુકાદા સામે તોફાનો અને બંધ ચાલે છે. કોઈએક સમાજ પોતાને મળેલા શસ્ત્રનો ગલત ઉપયોગ ના કરે એ માટે સુપ્રીમકોર્ટે વર્ષો જુના કાયદામા ફેરફાર કર્યો.  અને એ આદેશ વાચ્યા કે સમજ્યા વિના એ સમાજે એનો વિરોધ કર્યો. આપણા દેશમાં આમપણ ટોળાશાહી તો છે જ! કોઈ અત્યાચાર સામે અવાજ ઉઠાવવા લોકો ભેગા થાય કે ના થાય પણ આવી બાબતોનો વિરોધ કરવા લોકો ભેગા થઇ જ જાય છે.અને એ પણ એવા લોકો જેને દેશના વિકાસ ની કશી પડી જ હોતી નથી.જેઓને નવરા બેઠા માત્ર હંગામો કરવામાં જ રસ હોય છે.આવા ટોળાઓને કારણે ઘણીવાર લોકોને પોતાની દુકાનો બંધ રાખવી પડે છે ને કોઈ કારણ વિના એક દિવસની પોતાની આવક જતી કરવી પડે છે. કરે કોઈ અને ભરે કોઈ! આ લોકો ઉશ્કેરાટમાં ને ઉશ્કેરાટમાં જાહેર મિલકતોને પણ નુકસાન પહોચાડે છે. એસ.ટી. બસો બાળે છે કે પોલીસની જીપો બાળી મુકે છે. આ બધું નુકસાન પણ અંતે તો સામાન્ય માણસો એ જ ભરવું પડે છે. જેઓ આવી કોઈપણ પ્રવૃતિઓમાં રોકાયેલા નથી તેઓને જ જાજુ સહન કરવું પડે છે. (છતાં કોઈ આવી બાબતોનો વિરોધ નથી કરતા એ અલગ વાત છે.) આવા વિરોધમાં ઘણીવાર તો કોઈ નિર્દોષ નાગરિક પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે. કોઈનો જુવાનજોધ દીકરો મૃત્યુ પામે ત્યારે એ માતા-પિતાનું શું? ઘણા લોકો પોતાની અંગત દુશ્મની કાઢવા આવી ઘટનાઓનો સહારો લેતા હોય છે.
જે લોકો કાયદાઓને સમજે છે એ કદી હિંસક બનતા નથી. પણ આપણા દેશમા કેટલાક અણસમજુ લોકો કોઈપણ સારા ચુકાદાનો પણ વિરોધ જ કરતા રહે છે.અને એ પણ એવો હિંસક વિરોધ જેના થકી સમાજને જ નુકસાન સહન કરવું પડે છે.કોઈપણ દેશમાં કાયદાઓ શાંતિ અને સલામતી સ્થાપવા ઘડવામાં આવતા હોય છે. કાયદો હોય તો સમાજ પર નિયંત્રણ રહે અને સમાજ-વ્યવસ્થા જળવાય રહે.જ્યાં માણસોનો સમૂહ છે, ત્યાં પ્રશ્નો થવાના જ. માણસ છે, ત્યાં કોઈપણ બાબતે ઝઘડા થવાના જ. એ ઝઘડાઓના ઉકેલ માટે પણ કાયદાઓ અગત્યના છે. કાયદાઓ છે,તો માનવજીવન સુચારુ રૂપે ચાલે છે.પણ હકીકત એ પણ છે કે એ કાયદાઓનું અમલીકરણ વ્યવસ્થિત થવું જોઈએ.અને વળી કાયદા જે તે દેશમાં વસતી પ્રત્યેક વ્યક્તિ માટે એકસમાન હોવા જોઈએ. ગુનો કરનાર વ્યક્તિ ગમે તે કેટેગરીની હોય એને સજા સામાન્ય માણસ જેટલી જ થવી જોઈએ. કાયદાની નજરમાં દરેક વ્યક્તિ ‘કોમનમેન’ જ હોવો જોઈએ.
  આપણે ત્યાં વિશ્વમાં સૌથી વધુ ‘લોકશાહી’ નો ગલત ઉપયોગ થાય છે.કાયદાઓ જાણે આપણા દેશમાં તોડવા માટે જ ઘડાતા હોય એવું લાગે.જ્યાં કોઈ એક કાયદો ઘડાય આપણે એમાંથી છટકવાના ઉપાયો શોધતા રહીએ છીએ.અને છટકી પણ જઈએ છીએ. ન્યાયતંત્ર કોઈપણ દેશનો આધાર-સ્તંભ ગણાય છે. એ રાજકારણથી પણ પર છે.છતાં આપણે તેણે આપેલા ચુકાદાનો હિંસક વિરોધ કરતા રહીએ છીએ.સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે અને અમુક લોકોને ના ગમે એટલે તરત જ એનો વિરોધ ચાલુ થઇ જાય છે.એ ચુકાદો અમલમાં તો આવવા દયો.પછી ખબર પડે કે એની સારી-ખરાબ અસરો શી છે? એ કશું જાણ્યા સમજ્યા વિના આપણે સાવ ખોટો વિરોધ કરતા રહીએ છીએ.સમાજમાં પરિવર્તન લાવવા ઘણીવાર અમુક બાબતોમાં પરિવર્તન આવવું જરૂરી છે. જૂની પુરાણી બાબતોમાં ફેરફાર થાય તો એને સ્વીકારવું જોઈએ, નહિ કે તેનો વિરોધ જ કર્યા કરીએ.કાયદાઓ બદલાશે તો સમાજમાં પણ પરિવર્તન આવશે. તમે જ વિચારજો આપણા દેશમા બાળ-લગ્ન, સતી-પ્રથા, વિધ્વાપુનર્લગ્ન જેવા દુષણો નહીવત થઇ ગયા એમાં કાયદાના બદલાવનો કેટલો બધો હાથ છે. આ બાબતોને લગતા કાયદા ઘડાયા તો આજે આપણે એ કુરિવાજોને દુર કરી શક્યા છીએ.એવી જ રીતે અમુક કાયદાઓમાં થતા ફેરફારોને આપણે સ્વીકારવા રહ્યા.
અને વળી જો કોઈ કાયદો ખરેખર આપણને વિરોધ કરવા જેવો લાગતો હોય તો એનો વિરોધ શાંતિથી કરવો જોઈએ. એ માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ. શાંતિથી એ પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું આપણે શાંતિની પરિભાષા સાવ ભૂલી જ ગયા છીએ.આપણને માત્ર તોફાનો કરવામાં અને સમાજ અને રાષ્ટ્રને નુકસાન કરવામાં જ રસ છે! એ આપણે શાંત ચિતે વિચારવાની જરૂર છે. કોઇપણ બાબતના વિરોધમાં સીધુ સડકો પર આવી જવું કેટલું યોગ્ય છે? એ આપણે શીખવાની અને સમજવાની જરૂર છે.કેમ કોઈએ c.b.s.c. માં ફૂટી ગયેલા પેપરો બાબતે પેપર ફોડનારને સજા થવી જોઈએ એ બાબતે વિરોધ ના કર્યો? આવી જરૂરી બાબતો પ્રત્યે આપણે કદી જાગૃત થતા નથી.પેપર ફૂટવાથી કેટલા બધા નિર્દોષ લોકોને સહન કરવું પડે છે, પણ આપણે સમજતા જ નથી.અને બિનજરૂરી વિવાદો કરતા રહીએ છીએ.આપણને માત્ર સમાચારોમાં જ રસ છે. એમાં કેટલું સત્ય છે એ આપણે કદી જાણવાનો કે સમજવાનો પ્રયત્ન કરતા નથી. કાયદાઓ સમાજની ભલાઈ માટે જ ઘડવામાં આવે છે, પણ આપણે એને ફોલો કરતા નથી.આપણે ત્યાં તો કાયદા તોડવા એ જાણે ફેશન કે સાહસ નું કામ હોય એમ લોકો માને છે. સિગ્નલ તોડનાર વ્યક્તિને આપણે અટકાવતા નથી એટલે ભયંકર અકસ્માતો થાય છે. હેલ્મેટ પહેરતા નથી એટલે હાય-વે પર આપણે સલામત નથી. ને છતાં આપણે કાયદાઓ તોડતા રહીએ છીએ. જો આપણે ‘લોકશાહી’ સફળ બનાવવી હશે, તો કાયદાનું પાલન કરવું પડશે ને નવા કાયદાઓ સ્વીકારવા પણ પડશે. કાયદાઓ થી માત્ર સમાજનું જ નહિ,પણ આપણું પણ ભલું થાય છે.માટે પણ એને સ્વીકારવા રહ્યા. કાયદાનો જેટલો અમલ થાય આપણા માટે સારું રહેશે. અને હા એ કાયદાઓ તમામ લોકોને એકસમાન રીતે લાગુ પડે એ જોવાનું પણ આપણે જ છે. વિરોધ ત્યાં જરૂર કરજો
.
“When the crowd follows you, their noise can misguide you. When you follow the crowd, their direction may mislead you.” 




Sunday, 18 March 2018

શિક્ષણના ત્રણ પાયા અને આપણે,


શિક્ષણના ત્રણ પાયા અને આપણે,








દરેક દેશની સમાજવ્યવસ્થાનો સૌથી મજબુત પાયો એની શિક્ષણવ્યવસ્થા હોય છે. કોઈપણ દેશમા વૈચારિક પરિવર્તન લાવવા શિક્ષણ સૌથી મજબુત આધાર ગણાય છે. એવું મનાય છે કે કોઇપણ દેશના વિકાસમાં શિક્ષણનો ફાળો ખૂબ જ મહત્વનો હોય છે. આ દુનિયામાં જયારથી જ્ઞાન ઉદભવ્યું હશે, શિક્ષણની જરૂરિયાત ઉભી થઇ હશે. હકીકત તો એ છે કે કોઈપણ સંસ્કૃતિ વિકસી હશે કે નાશ પામી હશે, કોઈપણ ઈતિહાસ રચાયો હશે કે કોઇપણ નવી શોધ થઇ હશે, જે તે પેઢીઓ સુધી પહોચાડવાનું કામ શિક્ષણે જ કર્યું છે. જેમ દરેક દેશની કોઈ ને કોઈ પ્રાચીન સંસ્કૃતિ છે, એમ જ દરેક દેશની એક ચોક્કસ શિક્ષણ-પદ્ધતિ હતી, છે અને રહેશે. આપણા દેશમાં પ્રાચીન સમયથી એક સુંદર શિક્ષણ વ્યવસ્થા રહી છે. આપણી પાસે નાલંદા,તક્ષશિલા, વલ્ભ્ભીપૂર જેવી વિદ્યાપીઠો હતી, જ્યાં વિશ્વનું શ્રેષ્ઠ શિક્ષણ અપાતું, જ્યાં વિશ્વના શ્રેષ્ઠ સાહિત્યનુ સર્જન થયેલું. એવી વિદ્યાપીઠો જેણે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું આગવું સ્થાન બનાવેલું. આ બધી વિદ્યાપીઠોની સૌથી અગત્યની બાબત અને આપણી પ્રાચીન શિક્ષણ પ્રથાની સૌથી મહત્વની બાબત એ હતી કે ત્યારે શિક્ષક ગુરુ તરીકે પૂજાતો. એ બાળકના સર્વાંગી વિકાસનો પ્રણેતા ગણાતો. કોઈ રાજ્યમાં તેનું સ્થાન રાજા કરતાયે ઊંચું ગણાતું. અરે એ એવા શિષ્યો નિર્મિત કરી સકતો કે જે ભારતનો ઈતિહાસ બદલી શકે. એ આ સમ્રગ ભારત વર્ષનો રાજા બની શકે. એવી શિક્ષણ-પ્રથા જ્યાં રાજા કે રંક બંનેના સંતાનો એકસાથે ભણતા અને એ પણ કોઈપણ જાતની સ્પેશિયલ ટ્રીટમેન્ટ વગર. એ શિક્ષણ-વ્યવસ્થા એટલી સચોટ અને સુંદર હતી કે આજે પણ આપણે અંદરથી તો એવું માનીએ જ છીએ કે આજ કરતા એ સારી હતી. બાળકોના સર્વાંગી વિકાસ માટે એ જ શિક્ષણ-વ્યવસ્થા યોગ્ય હતી. બાળકોને જીવન ઉપયોગી તમામ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું. ગુરુનું સ્થાન વિદ્યાર્થીના જીવન ઘડતરમાં સૌથી અગત્યનું રહેતું.
 આ બધું હતું હતું એવું આપણે રોજ સાંભળતા વાચતા અને ચર્ચતા રહીએ છીએ. પણ આજે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે, પરીક્ષા ચાલુ છે ને એટલે મન થઇ ગયું. હા તો પ્રશ્ન એ છે કે આપણી શિક્ષણ- પ્રથામાં જે કઈ ખૂંટે છે એનો બધો ભાર શા માટે શિક્ષક મહોદય પર નાખી દેવામાં આવે છે. હા એ શિક્ષણ-વ્યવસ્થાનો સૌથી અગત્યનો પાયો છે અને તે મજબુત હોવો જોઈએ એ પણ કબૂલ પણ બાકીના બે પાયા એટલે કે ‘શિષ્ય’ અને ‘માતા-પિતાનો’ પણ આમાં ફાળો હોવો જોઈએ કે નહિ? આધુનિક શિક્ષણ-વ્યવસ્થા વિદ્યાર્થી લક્ષી છે એ વાંધો નથી પણ શિક્ષકને સાવ નબળો પાડી દીધો છે. વાંધો ત્યાં છે. આપણા દેશમાં જેમ કંઈપણ બને બધો વાંક સરકાર પર ઢોળી દેવામાં આવે છે, એમ જ શિક્ષણ-પ્રથાની તમામ ઉણપો શિક્ષક પર ઢોળી દેવામાં આવે છે. જાણે બધી બાબતો માટે તે જ જવાબદાર હોય એવો વ્યવહાર તેની સાથે કરવામાં આવે છે. હકીકત તો એ છે કે આજે પણ એવા શિક્ષકો છે જે વિદ્યાર્થીના વિકાસ માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરતા રહે છે, પણ એવી બાબતોને છાપાઓની માત્ર શોભા બનાવી ક્યાંક ખૂણે ખાચરે છાપી દેવામાં આવે છે. હવે વાત કરીએ બાકીના બે પાયાની તો મને કહો જોઈએ ક્યાં વિદ્યાર્થીને સ્ટ્રીક શિક્ષક કે પરીક્ષામાં ચોરી ના કરવા દે તેવા શિક્ષકો ગમે છે? જો કોઈ શિક્ષક પરીક્ષામાં ચોરી ના કરવા દે તો ઘણીવાર તો એને માર પણ ખાવો પડે છે. અને આમપણ પ્રમાણિક માણસ હમેંશા આપણા દેશમા એકલો પડી જાય છે. એમ એ શિક્ષક પણ એકલો પડી જાય છે. ક્લાસમાં ઊંડાણપૂર્વક ભણાવનાર શિક્ષકો વિદ્યાર્થીને ગમતા નથી એને તો માત્ર પરીક્ષાલક્ષી માહિતી માં જ રસ હોય છે. આપણે ‘આદર્શ શિક્ષક’ ની વાતો બહુ કરતા હોઈએ છીએ પણ ‘આદર્શ વિદ્યાર્થી’ ચર્ચાતો જ બંધ થઇ ગયો છે. વિદ્યાર્થી ને આમ કરવું આમ ના કરવું, મારવા નહિ ટેન્શન આવી જાય એવું કશું કહેવું નહિ. જો બધું પરિપત્ર જ નક્કી કરે તો શિક્ષકે કરવાનું શું?
  હવે તો એવી પરિસ્થિતિ થઇ ગઈ છે કે વિદ્યાર્થી થી શિક્ષકે ડરી ડરી રહેવું પડે છે કે એને કઈ કહેવાય ના જાય કે એની પર હાથ ઉપાડાય ના જાય! આમ પણ કોઈએ સાચું જ કહ્યું છે કે, “ જ્યારથી શિક્ષક ના હાથમાંથી લાકડી છીનવાય ગઈ છે, પોલીસે વધુ ઉપાડવી પડે છે.”  કેમ ખરું ને? જે શિક્ષકો પરિક્ષામાં જવાબો લખાવી દે કે imp પ્રશ્નો આપી દે તેવા જ શિક્ષકો વિદ્યાર્થીઓને ગમે છે. આપણે સૌ એક શિક્ષક પાસેથી અપેક્ષા બહુ રાખીએ છીએ પણ એને એવા અધિકારો આપી એ છીએ ખરા કે તેઓ એ અપેક્ષા પર ખરા ઉતરી સકે? જવાબ આપવો હોય તે આપી સકે છે.અત્યારે પરિસ્થિતિ એવી છે કે એકાએક વિદ્યાર્થીઓ હોશિયાર નથી થઇ ગયા પણ પરીક્ષા પદ્ધતિ જ સાવ સરળ બની ગઈ છે. અત્યારના શિક્ષકોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે જે વિદ્યાર્થીઓને ભણવું જ નથી, જે માત્ર સમય પસાર કરવા જ શાળા કે કોલેજમાં આવે છે, એને ભણાવવા કેવી રીતે? ભણાવનાર ગમે તેટલો ભણાવવા તૈયાર હોય પણ જેને ભણવું જ ના હોય એના માટે કોઈ ઉપાય ખરો? શિક્ષણને રસપ્રદ બનાવવાનું કામ શિક્ષકનું છે એ કબૂલ પણ એને રસથી ભણવાનું કામ તો વિદ્યાર્થીએ જ કરવું રહ્યું!
 હવે વાત કરીએ ત્રીજા પાયાની એટલે કે માતા-પિતા! એવો પાયો જેને પોતાના સંતાનોને એની ક્ષમતા ઓળખ્યા વિના જ ભણાવવા હોય છે. જેઓ પોતાના સંતાનોને માત્ર ડોકટર વકીલ કે એન્જીનીયર કે પછી વ્હાઈટ કોલર જોબ હોલ્ડર જ બનાવવા જ ઈચ્છે છે. જેઓ માટે બાળકોમાં રહેલી આવડત નું કોઈ મુલ્ય જ નથી. જેઓ બાળકોને રેસના ઘોડા જ સમજે છે. જેઓ બાળકોને માત્ર સરખામણી કરવાનું સાધન જ સમજે છે. બાળકોને શું ગમે છે? એના કરતા તેઓને મન ડીગ્રીઓનું જ મહત્વ હોય છે. જેઓ સ્કૂલ પસંદ કરતી વખતે માત્ર બિલ્ડીંગ કે અન્ય સુવિધાઓ જ જુએ છે પણ કોણ કેવું ભણાવે છે કે મારા સંતાનનો અહી સર્વાંગી વિકાસ થશે કે નહિ? એના પર જરા સરખું પણ ધ્યાન આપતા નથી! જ્યાં ફીસ ઉંચી ત્યાં શિક્ષણ સારું એવી માન્યતાઓમાં જેઓ રાચે છે. જેઓ પોતાના સંતાનોને માત્ર દેખાડો કરવાનું માધ્યમ જ માને છે. અરે ઘણા માતા-પિતા તો માત્ર જ્ઞાતિ જોઈ એ જ્ઞાતિની સ્કૂલમાં પોતાના બાળકોને ભણવા મુકે છે. હવે તમે જ વિચારજો આવા માપદંડો સાથે કોઈ માતા-પિતા પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ કેવી રીતે આપી સકે? અને અંતે બધો વાંક શિક્ષકો પર આવી રહી જાય છે. દર વર્ષે ૧૧ માં ધોરણમાં ૮૦ % વિદ્યાર્થીઓ એવા હોય છે જેને સાયન્સ નથી રાખવું હોતું પણ માતા-પિતાના દબાણને કારણે તેઓ આ પ્રવાહમાં જાય છે અને પ્રવાહ સાથે તરવાને બદલે ડૂબી જાય છે. હવે તમે જ કહેજો જેને મન જ ના હોય એ માળવે તો શું બાજુના ગામ સુધી પણ કેવી રીતે જવાના? સાયન્સની પરિક્ષામા પણ જો વિદ્યાર્થીઓ માત્ર ચોરી પર નભતા હોય તો બીજાની વાત જ શી કરવી?
 તમને થશે શિક્ષકોની વાત તો કરી જ નહિ, એ પાયો પણ નબળો હોય સકે, પણ તો પછી કેમ કદી વાલીઓ આવા શિક્ષકો સામે અવાજ ઉઠાવતા નથી. આપણે ચલાવી લઈએ એટલે બધું ચાલે છે. શિક્ષકો ને મજબુત કરવા એ આ બંને પાયાનું કામ છે. ના ભણાવતા શિક્ષકો સામે ફરિયાદ કરવાનું કામ આ બંને પક્ષકારોનું જ છે. આપણે જેટલા જાગૃત રહીશું આ પાયો મજબુત બનશે. કેમ ખરું ને ? શિક્ષકોને અપ-ડેટ થવું પડે એવું વાતાવરણ આપણે જ ઉભું કરવાનું છે. કોઈપણ દેશની શિક્ષણ-વ્યવસ્થા આ ત્રણેય પાયા પર નભે છે અને એ ત્રણેય પાયા સક્ષમ અને મજબુત હોવા જોઈએ. તો જ આપણે સારું શિક્ષણ માળખું ઉભું કરી શકીશું અને શિક્ષણનું સ્તર ઊંચું લાવી શકીશું. માત્ર સાક્ષરતા એ આપણો ઉદેશ નથી પણ ભણવાનું પણ ગળે ઉતરવું જોઈએ. એટલીસ્ટ હું શા માટે ભણું છું એવો સવાલ જયારે વિદ્યાર્થીને થશે, ને શિક્ષકો ને એવું થશે કે હું જે કામ કરું છું એના પર રાષ્ટ્ર નભે છે તો અને હા માતા-પિતા જયારે એવું સ્વીકારશે કે મારા સંતાનોને જે ભણવું હોય અને જે આવડત ખીલવવી હશે,એ હું કરવા દઈશ ત્યારે આપણે ખરા અર્થમા રાષ્ટ્ર-નિર્માણ કરી શકીશું. બોલો આમીન...........




Tuesday, 6 March 2018

પરીક્ષાઓ વિદ્યાર્થીઓ અને આપણે,




પરીક્ષાઓ વિદ્યાર્થીઓ અને આપણે,


પરીક્ષા આપણી શિક્ષણ પ્રથાનો એક અગત્યનો હિસ્સો છે.વર્ષ દરમિયાન એક વર્ગમાં આપણે કેટલું શીખ્યા તેનું મૂલ્યાંકન પરીક્ષા દ્વારા થાય છે.આપણી પરીક્ષા પદ્ધતી વિષે ઘણું લખાતું રહે છે, ને સરકાર દ્વારા વારંવાર એમાં ફેરફારો થતા રહે છે.પરીક્ષાઓ હોવી જોઈએ કે ના હોવી જોઈએ તેના વિષે અઢળક ચર્ચાઓ થતી રહે છે.પણ પરીક્ષા તો લેવાય જ છે. આપણી શિક્ષણપદ્ધતિ પાસે એનો કોઈ વિકલ્પ પણ નથી. પરીક્ષા માત્ર વિદ્યાર્થીની માહિતી જ ચકાસે છે, જ્ઞાન નહિ એવું આપણને હમેંશા લાગે છે. પરીક્ષાને લીધે ગોખણપટ્ટી ને જ મહત્વ મળે છે, એવી આપણી સતત ફરિયાદ રહે છે.પરીક્ષાથી માત્ર ડિગ્રી મળે છે,કૌશલ્ય વિકસતું નથી એવું પણ આપણે માનીએ છીએ.પણ હકીકત તો એ છે કે  પરીક્ષા નો આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી.પરીક્ષા ના રાખીએ તો વિદ્યાર્થીઓ માટે ભણવાની  કોઈ પ્રેરણા જ નહિ રહે. પરીક્ષા જ આપણા વિદ્યાર્થીઓને પ્રેશર લેતા શીખવે છે.તમે જ વિચારો ક્રિકેટ શીખનાર કોઈ ક્રિકેટર ને અન્ય કોઈ ટીમ સામે મેચ જ રમવા ના મળે તો એની પ્રેકટીસનું કોઈ મહત્વ રહેશે ખરું! કે પછી કોઈ કળા ધરાવનાર વ્યક્તિને પોતાની કળા રજુ કરવાનું કોઈ પ્લેટફોર્મ જ ના મળે તો! કે પછી કોઈ અભિનેતાને એક્ટિંગ માટે કોઈ સ્ટેજ જ ના મળે તો? એની એક્ટિંગ શું કામની? પરીક્ષા વિદ્યાર્થીઓ માટે એવું જ સ્થાન ધરાવે છે, હા આપણે તેને થોડી વધુ ગંભીર લઇ લીધી છે, એ વાત સાચી છે. પણ પરીક્ષા વિના મૂલ્યાંકન શક્ય જ નથી. તમે જ કહો વક્તૃત્વની કસોટી વિના કોઈ સારો વક્તા આપણને મળે ખરો! હકીકત તો એ છે કે પરીક્ષા વિના આપણામાં વિપરીત પરિસ્થિતિ સામે લડવાની તાકાત આવતી નથી. પરીક્ષા છે, તો આપણે આપણામાં રહેલું શ્રેષ્ઠ બહાર લાવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ.ત્રણ કલાકમાં આખા વર્ષનું મૂલ્યાંકન ના થાય એવી આપણી દલીલ હોય છે,પણ એ ત્રણ કલાક એવા કલાકો છે,જેમાં તમે જેવી રજૂઆત કરશો એવું પરિણામ આવશે.એ ત્રણ કલાકનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો એ અગત્યનું છે.તમે કહેશો એમાં શું આવડતું હોય તે લખવાનું અને ના આવડતું હોય તે છોડી દેવાનું કે પછી પેલો સગો તે પાડોશી! પણ પેપર હાથમાં આવે તમે વાચી જાઓ અને નક્કી થઇ જાય આટલું આવડે અને આટલું નહિ, પછી જ સમસ્યા શરુ થાય છે.હવે વિદ્યાર્થીનું ધ્યાન આવડતા કરતા ના આવડતા સવાલોમાં વધુ અટવાઈ જાય છે. જે આવડે છે, તે લખવાનું શરુ તો કરી દઈએ પણ મગજ ના આવડતા પ્રશ્નોમાં વધુ અટવાયેલુ રહે છે.નથી આવડતું તેનું શું કરીશું? અને ઘણીવાર તો ૧૦૦ માર્કસના પેપરમાં ૯૦ માર્કસનું આવડતું હોય છતાં વિદ્યાર્થી મૂંઝાઈ જતો હોય છે! ૧૦ નું શું કરીશું?
        એમાયે જો ગણિત,વિજ્ઞાન,અંગ્રેજી,જેવા અગત્યના વિષયો હોય તો તો ઘણા એટલા મૂંઝાઈ જાય કે આખું પેપર આવડતું હોય છતાં ભૂલાય જવાય છે. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓનું કાઉન્સેલીંગ કરવું પડે છે. ઘણા વિદ્યાર્થીઓ તો આપઘાત કરી લે છે.અને સઘળો વાંક આખરે આપણી પરિક્ષાપદ્ધતિ પર આવી જાય છે.પણ હકીકત તો એ છે કે આપણે વિદ્યાર્થીઓને પેપરમાં અનપેક્ષિત સવાલો પુછાય તો શું કરવું એ શીખવતા જ નથી. તમે માર્ક કરજો કોઈપણ સરળ પ્રશ્ન થોડો પણ બદલાવી પૂછાય તો એનો જવાબ લખવામાં તકલીફ પડે છે.આપણું શિક્ષણ એટલું બધું પરીક્ષા લક્ષી થઇ ગયું છે કે આ પૂછાવાનું નથી તો સર કે મેમ શું કામ ભણાવો છો? એવું વિદ્યાર્થી પૂછતાં થઇ જાય છે.પરિણામે અમુક પ્રકરણ વિદ્યાર્થીઓ શીખતા જ નથી. ઓપશનમાં કાઢી લઈશું, એવું કહેતા રહે છે.પણ વિચારો તો કોઈ ડોક્ટર કોઈ સર્જરી કે રોગ વિશેની માહિતી ઓપશનમાં કાઢી નાખે તો શું થાય? well આપણે વાત કરતા હતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ક્ષમતા હોવા છતાં વ્યવસ્થિત રજૂઆત કેમ નથી કરી શકતા? કારણકે તેઓ પ્રેશરને ટેકલ કરી શકતા નથી. તેઓ પેપર વાચી કેમ લખવું તેનું આયોજન કરવાને બદલે નથી આવડતું તેનું શું કરીશું? તેના પર એકાગ્ર થઇ જાય છે,ને પરીણામેં આખા વર્ષની મહેનત પર પાણી ફરી જાય છે.શિક્ષણમાં થોડીક પ્રેક્ટીકલ ટ્રેનીંગ પણ હોવી જોઈએ. વિજ્ઞાનપ્રવાહ માં તો હોય જ છે,પણ આર્ટસ અને કોમર્સ કે અન્ય ફેકલ્ટીમાં પણ હોવી જોઈએ! જેથી વિદ્યાર્થી લખતી વખતે માત્ર ગોખેલું ના લખે પણ મૌલિક પણ લખી શકે.શબ્દ-ભંડોળ એટલું ઓછું હોય છે કે નિબંધ પણ ગોખીને લખે છે. આપણે શિક્ષણને રસપ્રદ બનાવવાને બદલે ફરજીયાત બનાવી દીધું એટલે પરીક્ષાઓ ભારરૂપ લાગવા માંડી છે.
બજારમાં અત્યારે અભ્યાસક્રમને લગતા કેટલા બધા પુસ્તકો મળે છે, જેમાં તૈયાર મટીરીયલ્સ જાજુ હોય છે. વિદ્યાર્થીઓને જવાબો તૈયાર મળે છે એટલે તેઓ મૌલિક કશું વિચારતા નથી.અરે ઘણા તો ગણતરીના વિષયોમાં પણ નવનીતનો ઉપયોગ કરે છે,દાખલો ના આવડે કે ખોટો પડે તેને સમજવાને બદલે વિદ્યાર્થીઓ તરત એમાં જોઈ જવાબ મેળવી લે છે, તેથી તેની ભૂલ તેને સમજાતી જ નથી કે મેં દાખલાનું કયું સ્ટેપ ખોટું કર્યું? ને પરિણામેં પરીક્ષામાં દાખલા થોડા અઘરા પૂછાય એટલે પેપર બગડી જાય.જાતે શીખવાની આદતો આપણને કલાસીસ અને આ તૈયાર મટીરીયલ વાળાએ સાવ ભુલાવી જ દીધી છે.એટલે પરીક્ષા અઘરી લાગે છે.ઘણા વિદ્યાર્થી એકાગ્ર થઈને વાચતા હોતા નથી.એટલે બધું ભૂલાય જતું હોય છે. પછી પરીક્ષા વખતે એટલા ઉજાગરા કેરે કે પેપર પૂરી સ્વસ્થતાથી લખી જ ના શકે.પેપર કેમ લખાય એના વિશે શિક્ષકો આખું વર્ષ સમજાવતા રહે છે,પણ મોટાભાગના વિદ્યાર્થીઓ તે ધ્યાન દઈને સંભાળતા જ નથી.મોટાભાગના વિદ્યાર્થીઓને મુખ્ય પ્રોબ્લેમ રજુઆતનો જ હોય છે.રજૂઆત પરીક્ષામાં બહુ અગત્યની બાબત છે, પણ વિદ્યાર્થીઓ તેના પ્રત્યે પૂરું ધ્યાન આપતા નથી.નવો પ્રશ્ન નવા પાને લખવો છતાં તેઓ બે વિભાગોને ભેગા કરી જ આપે છે.ક્રમ જાળવતા નથી ને પરિણામે પેપર અસ્તવ્યસ્ત થઇ જાય છે.ઘણીવાર તો વિદ્યાર્થીએ જવાબ સાચો લખ્યો હોય તો પણ રજુઆત નબળી હોવાને લીધે પરીક્ષકને વાંચવામાં કંટાળો આવે છે, ને માર્ક્સ ઓછા મુકે છે.માટે રજૂઆત ધારદાર રાખો. આયોજન પૂર્વક લખો.મુદાસર જવાબ લખો.અપેક્ષિત જવાબ લખો. માર્ક્સ અનુસાર જવાબ લખો.
ગભરાઈ ના જાવ.શાંતિ રાખો. પેપર હાથમાં આવ્યા બાદ પૂરું વાચી આવડતું હોય તે લખવા માંડો અને ના આવડતું હોય તે છોડી દયો.કે.બી.સી. જુઓ છો ને? એમાં તમે અમુક રકમ જીત્યાં બાદ પ્રશ્નનો જવાબ ના આવડે તો કવીટ કરી શકો છો ને. તમે જોજો ઘણીવાર લોકો ના આવડતું etempt કરી મોટી રકમ ગુમાવી દેતા હોય છે.એમ તમે પણ ના આવડતું હોય તેની લાયમાં આવડતું ના ભૂલી જતા.જેટલું આવડે એટલું perfect લખો. પરીક્ષામાં આયોજન સૌથી અગત્યનું હોય છે. આખુ પેપર કેવી રીતે લખવું? એનું પહેલેથી આયોજન કરી લેવું. અને એ મુજબ જ પેપર લખવું. માત્ર તમારા પેપરમાં જ ધ્યાન આપવું. અને યાદ રાખજો અઘરું પૂછાય જાય તો પણ મન શાંત રાખી પેપર લખવા માંડવું. અને યાદ રાખજો કદાચ ફેલ થશો તો જિંદગી ખતમ થઇ નથી જવાની. મન હળવું કરી પેપર દેવા જજો.
best luck






ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...