સોસિયલ મીડિયા લાઈક,કમેંટ,શેર....... ‘હેન્ડલ વિથ કેર’
હમણાં એક લેખ વાંચ્યો જેમાં સોસિયલ મીડિયા પર શું શેર કરવું અને શું નહી? એ વિશે લખેલું હતું. સોસિયલ મીડિયા આપણાં સૌના જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે. રોજે રોજ યુઝર્સની સંખ્યા વધતી જાય છે. અને આપણે તો જાણે નક્કી જ કરી લીધું છે કે કશું શેર કરતાં સમયે વિચારવાનું નહી કે આ શેર કરાય કે નહી? આમપણ આજકાલ કેરિંગ કરતાં શેરિંગનું મહત્વ વધી ગયું છે! અને કદાચ એટલે જ કોઈકને આવો લેખ લખવાની ફરજ પડી હશે! અને સાથે સાથે એક સમાચાર વાંચ્યા, એક છોકરાએ સગાઈ બાદ છોકરીને એકાંતના સ્થળે મળવા બોલાવી, તેની સાથે અંગત ક્ષણો માણી, તેનો વિડીયો બનાવી સોસિયલ મીડિયા પર મૂકી છોકરી સાથે સગાઈ તોડી નાખી! આ વિડીયો આપણી પાસે આવ્યો હોત તો આપણે શું કર્યું હોત?
કોઈ જાણીતી વ્યક્તિનો ખરાબ વિડીયો આપણને કોઈ સોસિયલ મીડિયા દ્વારા મોકલે તો આપણે શું કરીએ છીએ? એવી જ રીતે કોઈ સગા-સંબંધી, મિત્રો કે ઓળખીતી વ્યક્તિનો ખરાબ વિડીયો કોઈ આપણને મોકલે તો આપણે શું કરીએ છીએ? તમે કહેશો પહેલા જોઈ લઈએ છીએ અને પછી બીજાને સેન્ડ કરી દઈએ છીએ. આજકાલ લોકોને વાઇરલ વિડીયો અને સંદેશાઓમાં વધુ રસ હોય છે. કોઈપણ સોસિયલ મીડિયા થકી કોઈપણ ખરાબ સંદેશ આવે આપણામાથી મોટાભાગના વગર વિચાર્યે તેને શેર કરી દેતા હોઈએ છીએ.
આ વિડીયો સાચો છે કે એડિટ કરીને ખોટી રીતે રજૂ કરેલો છે, એવું કશું જ વિચાર્યા વિના આપણે દે ધનાધન આવા વિડિયોઝ શેર કરવા લાગી જતાં હોઈએ છીએ. ઉદયપુરમાં જે કઈ ઘટના બની તેને વાઇરલ કરવાનું ષડયંત્ર હત્યા કરનાર લોકોએ રચ્યું અને આપણે એ સફળ પણ થવા દીધું! જેની પાસે એ વિડીયો આવ્યો એ બધાએ શેર કર્યો અને પરિણામે હવે આવા લોકોને જ્યારે પણ આવું કશું કરવું હશે તેઓને એક રસ્તો મળી ગયો અને એ રસ્તો આપ્યો આપણે જ!
વાઇરલ થવું કે કરવું એ આજના સમાજની તાસીર બની ગઈ છે. કોઈપણ જગ્યાએ કોઈ ઘટના બને કે તરત જ સરકારે ત્યાના સોસિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દેવો પડે છે. આ મીડિયા થકી આપણે હકારાત્મકતા કરતાં નકારાત્મકતા વધુ ફેલાવી રહ્યા છીએ. દેશની હવાઓમાં સતત આ મીડિયા થકી નફરતનું ઝેર ફેલાઈ રહ્યું છે, જે આપણાં સૌના શ્વાસમાં જઇ રહ્યું છે ને નફરત સ્વરૂપે ઉચ્છવાસમાં ફેંકાઇ રહ્યું છે.
આ તો એક ઉદાહરણ છે, ભૂતકાળમાં પણ ઘણીવાર આવી જ રીતે અસામાજિક તત્વો દ્વારા આવા વિડિયોઝ શેર કરવામાં આવે છે અને આપણે એ આગને હવા દઈ વધુ ને વધુ ભયાનક સ્વરૂપ આપવામાં આપણો ફાળો નોંધાવી દેતાં હોઈએ છીએ. પણ એ આગ કેટલાયે લોકોની ખુશીઓને રાખમાં ફેરવી નાખતી હોય છે, એ આપણે વિચારતા હોતા નથી. જે લોકો આવી રીતે નફરત ફેલાવવાનો વ્યાપાર કરે છે, તેઓમાં કોઈનું ભલું થાય એવી વિચારધારા નથી હોતી પણ આપણે એક જવાબદાર નાગરિક તરીકે એ વ્યાપારને શા માટે આગળ લઈ જવો?
આવી જ રીતે દીકરીઓના ખરાબ વિડિયોઝ ઘણીવાર લીક થતાં રહે છે. અને તેને પણ આ સભ્ય સમાજના લોકો શેર કરતાં રહે છે. પેલો બહુ હોશિયારી કરતો હતોને મારી દીકરી આમ મારી દીકરી તેમ..... જોયો તેની દીકરીનો વિડીયો...આવું કહેતી વખતે આપણે એટલું પણ નથી વિચારતા કે જો આપણી દીકરી સાથે આવું થાય તો? દીકરીની આબરૂને આપણે ઘરની આબરૂ સાથે જોડતા હોઈએ છીએ, પણ આવા વિડીયો શેર કરતી વખતે આપણે એ આબરૂ વિશે થોડું એવું પણ વિચારતા હોતા નથી!
ઘણીવાર આવા વિડિયોઝ શેર થવાના કારણે દીકરીઓના કુટુંબ માટે સમાજમાં જીવવું અઘરું થઈ જતું હોય છે. દીકરીઓને આપઘાત સુધી લઈ જતું આવું શેરિંગ સમગ્ર સમાજે ડિલીટ મારવા જેવુ છે. શા માટે કોઈ કુટુંબની દીકરીઓના આવા વિડિયોઝ વાઇરલ કરવા? એવી જ રીતે કોઈના અકસ્માતના, ઝઘડાંઓના, મારામારીના, ફોટા અને વિડિયોઝ શેર થતાં રહે છે અને સમાજને ડિસ્ટર્બ કરતાં રહે છે. અને મજાની વાત તો એ છે કે છતાં આપણે શું શેર કરવું અને શું નહી? એ બાબતે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરતાં નથી!
આવા વિડિયોઝ સેન્ડ કરવાના મોહમાં ઘણા તો અકસ્માતના સ્થળે ઘાયલ વ્યક્તિઓને કે બીજી કોઈ દુર્ઘટનામાં ફસાયેલ વ્યક્તિઓને મદદ કરવાને બદલે લોકો ફોટા પાડતા રહે છે અને વિડિયોઝ ઉતારતા રહે છે. સુરતમાં ફેનિલ પટેલ જ્યારે ગ્રીષ્માને મારી રહ્યો હતો, ત્યારે પણ ત્યાં હાજર રહેલા લોકોએ ગ્રીષ્માને બચાવવાને બદલે વિડીયો ઉતારવાનું વધુ પસંદ કરેલું. એમાથી કોઈએ પણ થોડી હિંમત દાખવી હોત તો એ છોકરી આજે જીવતી હોત!
ગામમાં કે શહેરમાં હવે તો દરેક જગ્યાએ સોસિયલ મીડિયા પહોંચી ગયુ છે. આપણે લોકો સુધી શું પહોંચાડવા માંગીએ છીએ? એ આપણે હવે ખરેખર નકકી કરી લેવાની જરૂર છે.
લાઈક,કમેંટ,શેર....
સોસિયલ મીડિયા પર ‘સોસિયલ’ બનો, જેનાથી સમાજને નુકસાન થાય એવી પોસ્ટ શેર ના કરો..