ઇતિહાસ એ મગજ પરનો ભાર નથી, પણ હ્રદયનો પ્રકાશ છે!!!
રામ કે કૃષ્ણનું અસ્તિત્વ હતું કે કેમ? ઈશુ ખ્રિસ્તના માતા-પિતા કોણ હતા? કઈ કઈ સંસ્કૃતિઓ ક્યારે વિકસી? ક્યાં ક્યાં ધર્મોનો વિકાસ અને વિસ્તાર કેવી રીતે થયો? ક્યાં રાજાના સમયમાં દેશ વધુ સમૃદ્ધ હતો? આર્યો કોણ હતા? આપણાં દેશનું નામ ‘ભારત’ કેમ અને કેવી રીતે પડ્યું? રામાયણ, મહાભારત, બાઇબલ, કુરાન,વેદો, ઉપનિષદો, વગેરે ધાર્મિક ગ્રંથો કોણે અને ક્યારે લખ્યા? આપણાં પહેલાની પ્રજાઓ કેવું જીવન જીવતી હતી? અમુક સંસ્કૃતિઓનો વિકાસ અને વિનાશ કેવી રીતે થયો?
આપણે સૌ આ ટેક્નોએજ સુધી કેવી રીતે પહોંચ્યા? રાજાશાહી સમયે લોકોનું જીવન કેવું હતું? અખંડ ભારત વિખંડિત કેવી રીતે થયું? ભારત એક સમૃદ્ધ દેશથી ગુલામ કેમ થયો? અને કેવી રીતે આપણે અંગ્રેજોના શાસનમાથી મુક્ત થયા? વિશ્વયુદ્ધો ક્યારે ક્યારે થયા? અને ત્યાર પછી શું થયું? આ બધુ જ જાણવા માટે આપણે ઇતિહાસનો અભ્યાસ કરતાં હોઈએ છીએ.ઇતિહાસ આમ તો સમય સાથે જોડાયેલો વિષય છે, એટલે ઘણાને જે તે વર્ષ યાદ ના રહે તો આ વિષય અઘરો અને કંટાળાજનક લાગતો રહે છે. પણ સાથે સાથે હકીકત પણ એ છે કે વ્યક્તિ સાયન્સ, આર્ટ્સ, કોમર્સ કે કોઈપણ વિદ્યાશાખાનો હોય, તેની થોડી ઘણી અભિરુચિ તો દેશના કે દુનિયાના ઇતિહાસમાં રહે જ છે.
કોઈપણ દેશ પોતાના શિક્ષણમાં ઇતિહાસ એટલા માટે વિદ્યાર્થીઓને શીખવે છે, જેથી આપણે ઈતિહાસમાં એટલે કે ભૂતકાળમાં કરેલી ભૂલોમાથી બોધપાઠ લઈ શકીએ શકીએ. જે ભૂલો એ સમયે થઈ હતી, તે ભૂલોનું પુનરાવર્તન ના થાય એટલા માટે આપણે ઇતિહાસ શિખતા હોઈએ છીએ. પણ ખરેખર શું આપણે ઇતિહાસમાથી કશું શિખતા હોઈએ છીએ, ખરા?
બીજા વિશ્વયુદ્ધમાં પોતાના બે મહત્વના શહેરોના વિનાશને જોઈને જાપાન જેવા દેશે શીખી લીધું કે યુદ્ધને લીધે વિનાશકતા સિવાય બીજું કઈ સર્જન થતું નથી. ને પરિણામે તે દેશે યુદ્ધને છોડીને પોતાના દેશને ટેકનૉલોજિ તરફ વાળ્યો. માત્ર દેશમાં જ બનતી વસ્તુઓનો વપરાશ કરવાનો નિયમ લઈ દેશને વિકસિત બનાવી દીધો. એવી જ રીતે ડેન્માર્ક, જર્મની, સ્વીડન વગેરે જેવા દેશોએ પણ પોતાના ઇતિહાસમાથી બોધપાઠ લઈ પોતાનો વિકાસ સાધ્યો છે.
પણ આજકાલ આપણાં દેશમાં ‘જે તે સમયના ઇતિહાસને” લઈને વારંવાર બિનજરૂરી વિવાદો થતાં રહે છે. ભૂતકાળમાં જે તે સમયે જે કઈ થયું તે, તે સમયની પરિસ્થિતી અને સંજોગોને ધ્યાનમાં લઈને થયું હોય છે. એ ઈતિહાસને વિકૃત રીતે છાપીને કે પછી ખોટી રીતે રજૂઆત કરીને તેના પર બિન-જરૂરી ચર્ચાઓ કરવાની આજકાલ આપણાં દેશમાં ફેશન ચાલી રહી છે.
ઘણીવાર તો આ ઇતિહાસને રાજકીય રીતે એવી રીતે રજૂ કરવામાં આવે છે કે જે તે પક્ષની હાર-જીતનું કારણ એ ઇતિહાસ પર આધારિત થઇ જતું હોય છે. હવે સદીઓ પહેલા જે કઈ થયું? એની સામાજિક કે રાજકીય અસરો અત્યારે આ દેશ પર શા માટે થવી જોઈએ? અરે ઘણીવાર તો ઈતિહાસને પકડીને આપણે ત્યાં બે કોમો કે ધર્મો વચ્ચે રમખાણો પણ ચાલુ થઈ જતા હોય છે.
આપણાં ભવ્ય અને વિવિધતાસભર ઈતિહાસને હિન્દુ,મુસ્લિમ, ખ્રિસ્તી, પંજાબી, પારસી, વગેરે કોમોમાં વહેંચી દેવો એ બાબત દેશની શાંતિ માટે ખરેખર ભયંકર કામ છે. જે કઈ આજે આપણે આપણાં બાળકો અને યુવાનોને ઇતિહાસ ના નામે શીખવી રહ્યા છીએ, એમાં ક્યાય ધર્મના નામે ઝઘડા કે રાગ, દ્વેષ ના હોવા જોઈએ. જે તે સમયે જે થયું એના માટે અત્યારે લડી-ઝઘડીને આપણે ઈતિહાસને બદલી શકવાના નથી, પણ આવી રીતે લડી ઝઘડીને આપણે આપણાં ભવિષ્યને જરૂર અંધારામાં ધકેલી રહ્યા છીએ. કોઈ હિન્દુ જે મુસ્લિમ રાજાએ ભૂતકાળમાં જે કાઇપણ કર્યું, તેનો બદલો આજની પ્રજા સાથે લેવાની આ જીદ કેવી?
ઇતિહાસ ભૂતકાળને બદલી નથી શકતો, પણ તે ભવિષ્યને બદલી શકે છે. ઈતિહાસની ઘટનાઓનો ઉપયોગ સમાજમાં નફરત કે રાગ દ્વેષ ફેલાવવા માટે ના થવો જોઈએ. અને સાથે સાથે ઇતિહાસ સાચી રીતે પણ રજૂ થવો જોઈએ. જેઓ ઇતિહાસ પાસેથી કશું શિખતા નથી, તેમણે એ ઇતિહાસ ફરીથી જીવવો પડે છે. માટે આપણે આપણાં જ્ઞાનમાં વધારો કરવા ઈતિહાસ ભણીએ, પણ ઇતિહાસમાં જે કઈ અંધકાર હતો, તેના અંધારા હેઠળ આપણો વર્તમાન કચડાઈ ના જવો જોઈએ.