Wednesday, 15 May 2024

પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!

 

પરીક્ષા પદ્ધતિની ‘પરીક્ષા’ કરવાની જરૂર છે!!

CBSE set to conduct Class 10, 12 board exams from tomorrow - Hindustan Times

 

 

                  આજકાલ પરિણામોની ઋતુ ચાલી રહી છે. મોટા ભાગના લોકોનું સોસિયલ મીડિયા સ્ટેટસ પોતાના સંતાનોના માર્ક્સથી છલકાઇ રહ્યું છે. પરીક્ષામાં પહેલા પાસ થવું અઘરું હતું, હવે ફેઇલ થવું અઘરું થઈ ગયું છે! આટલા અધધધ પરિણામ જોઈને સવાલ થઈ રહ્યો છે કે વિદ્યાર્થીઓ એકદમ હોશિયાર થઈ ગયા છે. ધોરણ 9 સુધી હવે કોઈને નાપાસ નથી કરવાના અને દસમા અને બારમામાં ઇવન વિજ્ઞાન-પ્રવાહમાં પણ હવે કોઈ નાપાસ થતું નથી. નવા સત્રથી શાળાઓ અને કોલેજો વિદ્યાર્થીઓથી ઉભરાઇ જવાની.

   આ વર્ષે ધોરણ12 વિજ્ઞાન-પ્રવાહનું પરિણામ 82% આવ્યું, આપણા વખતે 28% પણ નહોતું આવતું! એવી જ રીતે કોલેજોમાં પણ આવું જ પરિણામ આપવામાં આવી રહ્યું છે. જૂની શિક્ષણ-પદ્ધતિમાં કોલેજમાં ફર્સ્ટ-ક્લાસ મેળવવો પણ અઘરો બની જતો, બહુ ઓછા વિદ્યાર્થીઓને 70% ઉપર માર્ક્સ આવતા, અને હવે તો 90% ઉપર માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓને રાફડો ફાટે છે. એમાં વળી પી.આર. ની માયા શરૂ થઈ. ( જો કે હજી 80% વાલીઓને અને શિક્ષકોને આ પી. આર. શું છે? એની ખબર નથી!)

  વળી પી.આર. ગણતી વખતે માત્ર અમુક વિષયના માર્ક્સ જ ગણવામાં આવે છે. પણ વિદ્યાર્થીઓને એડમિશન આપતા સમયે શૈક્ષણિક સંસ્થાઓ પર્સનટેજને ધ્યાનમાં લેતી હોય છે! જો અમુક વિષયો જરૂરી જ ના હોય તો શા માટે વિદ્યાર્થીઓ પર તે વિષયનું ભારણ નાખવામાં આવે છે? વિજ્ઞાન પ્રવાહ પહેલા સીલેકટેડ વિદ્યાર્થીઓનો પ્રવાહ ગણાતો, પણ હવે આ પ્રવાહ એટલો વિશાળ થઈ ગયો છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ એમાં તણાઇ જાય છે!

   પહેલા વિદ્યાર્થીઓ ઓછા ધોરણ ભણતા તો પણ જાજુ આવડતું અને હવે બહુ ભણે છે, તો પણ ઓછું આવડતું હોય છે. પાયો તો એટલો નબળો હોય છે કે કારકિર્દીની ઇમારત મજબુત બનતી જ નથી. દર ત્રણ વર્ષે કોઈ એક પ્રવાહનો ટ્રેન્ડ આવે છે, અને વિદ્યાર્થીઓ એ તરફ દોડ લગાવતા રહે છે, એ ત્રણ વર્ષ પછી ભણીને બહાર આવે તો પેલો ટ્રેન્ડ બદલાઈ ચૂક્યો હોય છે!  વિજ્ઞાનની પ્રયોગશાળામાં ના થાય એટલા પ્રયોગો વિદ્યાર્થીઓ અને શિક્ષણ સાથે થઈ રહ્યા છે. અને એ પ્રયોગોમાં વિદ્યાર્થીઓ એ નથી નકકી કરી શકતા કે મારે કઈ દિશા તરફ જવાનું છે?

  હવે દરેક પોઝિશન માટે પ્રવેશ-પરીક્ષા આપવાની હોય છે. તમે 12મુ સારા માર્ક્સ સાથે પાસ કરો કે ના કરો, પણ નીટ કે જીના માર્ક્સ સારા આવે તો જ આગળનો માર્ગ નક્કી થઈ શકે. તો પછી બોર્ડની પરીક્ષાઓ લેવાની જરૂર જ શું છે? વિદ્યાર્થી દસમું પાસ કરે એટલે તેનું ફોકસ જ આવી પરીક્ષાઓમાં પર થવા દ્યો, આ બિનજરૂરી પરીક્ષાઓ લઈ તેને મૂંઝવણમાં મૂકવાનો કોઈ અર્થ ખરો! એવી જ રીતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં આવેલ માર્ક્સ એકપણ જગ્યાએ નોકરી મેળવવા કે આગળ એડમિશન લેવામાં કાઉન્ટ થતાં નથી. તો પછી ધોરણ 10 ની પરીક્ષા લેવાનો અર્થ શું?

  કોલેજમાં ડીગ્રી માટે ભણતો વિદ્યાર્થી ડીગ્રી ગમે તેટલા માર્ક્સ સાથે મેળવે, તેને પણ કોઈપણ પોસ્ટ મેળવા પ્રવેશ-પરીક્ષા આપવી જ પડે છે, તો કોલેજના શિક્ષણનો શો અર્થ? મોટા ભાગના વિદ્યાર્થીઓ કોલેજમાં એડમિશન લઈ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા નીકળી પડે છે. તે નિયમિતપણે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીઝમાં જાય છે, પણ કોલેજે આવતા નથી, તો આવડી મોટી મોટી સરકારી કે ગ્રાન્ટેડ કોલેજો પાછળ ખર્ચા કરવાનો કોઈ અર્થ? અને જે ડિગ્રી તેઑ મેળવી રહ્યા છે, તે ચોરી કરીને કે યેનકેન પ્રકારે મેળવે છે, એટલે કોલેજ નામના કારખાનાઓમાથી દર વર્ષે લાખો યુવાનો અને યુવતીઓ કશું જ શીખ્યા વિના બહાર પડી રહ્યા છે!

   પેપર સ્ટાઈલ હવે વિદ્યાર્થીઓને ખાસ પાસ થવામાં મદદ કરે, એવી જ રાખવામા આવે છે. એટલા બધા ઓપશન તેઓને પેપરમાં મળે છે કે પાઠયપુસ્તકોમાથી આખા ને આખા પ્રકરણ વિદ્યાર્થીઓ તૈયાર ના કરે તો પણ સરળતાથી પાસ થઈ શકે છે. વળી પેપર કાઢવાનું પણ પાઠયપુસ્તકોમાથી! એમાં વળી શાળાઓ શાળાઓ વચ્ચે ઊંચું પરિણામ લાવવાની હોડ હોય છે અને એ હોડને લીધે મોટા ભાગની શાળાઓ પોતાના વિદ્યાર્થીઓને ચોરી કરાવી દસમું પાસ કરાવી દેતી હોય છે. સારું ભણાવીને નહી, પણ ચોરી કરાવીને પાસ કરાવી દેનાર શાળાઓ કેવા નાગરિકો સમાજમાં ઠલવી રહ્યા છે?

      આવી પરીક્ષા-પદ્ધતિ વિશ્વસનીય નથી રહી, સાચું શિક્ષણ એ છે, જે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની પરીક્ષાનો સામનો કરવામાં મદદ કરે. જો પરીક્ષાની પેટર્ન પહેલેથી જ નકકી હશે, તો એ પરીક્ષા વિદ્યાર્થીઓને માત્ર ગોખણપટ્ટી તરફ જ લઈ જશે. વધુમાં વધુ ગુણ અને ઊંચી ટકાવારી એ જ જાણે કે આજના શિક્ષણના મુખ્ય ઉદેશો બની ગયા છે. વિશ્વસનીય પરીક્ષા પદ્ધતિ એ શિક્ષણના ધોરણને સુધારવાની મુખ્ય રીતોમાંની એક છે. આવી પરીક્ષા પદ્ધતિ શિક્ષણમાં સાચા મૂલ્યાંકન અને પ્રયોગોને મારી નાખે છે. શિક્ષણ અને મૂલ્યાંકનમાં પારદર્શિતા દ્વારા જ મૂલ્યાંકન અને શિક્ષણના ધોરણની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરી શકાય છે.

      

      

 

 

Saturday, 11 May 2024

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

 

 કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક......... 

Covishield Side Effects: पैनिक न हों ...

 

 

                 દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ બે વિભાગોમાં વહેંચાઈ ગઈ છે. કોરોના પહેલા એવી ઘણી બાબતો હતી, જે આપણને સરળ લાગતી હતી પણ કોરોના બાદ સમજાયું કે આ તો સાલું અઘરું છે અને એ સમજણ બાદ ઘણા લોકોની જીવનશૈલી પણ ઘરમૂળથી બદલાઈ ગઈ છે. જે લોકો કોરોના પહેલા બાળક નહોતા ઇચ્છતા, તેઓ કોરોના બાદ મોટી ઉંમરે પણ બાળક માંગવા લાગ્યા છે. લોકોને કુટુંબનું મહત્વ પણ સમજાવા લાગ્યું છે, સિંગલ ચાઇલ્ડ અંગેના લોકોના વિચારોમાં પણ ફેરફારો થવા લાગ્યા છે. એવી જ રીતે કોરોના બાદ લોકોના આરોગ્ય અંગેના વિચારોમાં ધરખમ પરીવર્તન આવી ગયું છે.  

    હા કોરોનાની એક આડઅસર સ્વરૂપે બાળકોમાં અને યુવાનોમાં ઈલેક્ટ્રોનિક ગેઝેટસનો ઉપયોગ વધી ગયો છે. પણ આપણે એ વાત આજે અહી નથી કરવી. આપણે તો વાત કરવી છે અને સાચી વાત કરવી છે, વેક્સિન અને વધતાં હાર્ટ-એટેક વચ્ચેના સંબંધની. છેલ્લા એકાદ વર્ષથી ભારતમાં હાર્ટ-એટેકના કેસીઝ અને એટેકથી થતાં મૃત્યુનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેને લઈને એવી ચર્ચાઓ થઈ રહી હતી કે આ કોવિશિલ્ડ કે કોવેક્સિનની વેક્સિનને લીધે હાર્ટ-એટેકથી થતાં મૃત્યુ વધી રહ્યા છે.

 

   સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કોવિશિલ્ડ નામની કોવિડ-19 રસીનું ઉત્પાદન કર્યું હતું પરંતુ mRNA પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો ન હતો. તે વાયરલ વેક્ટર પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. રસીમાં, એક ચિમ્પાન્ઝી એડેનોવાયરસનો ઉપયોગ થયેલો. તે કોવિડ -19 સ્પાઇક પ્રોટીનને મનુષ્યના કોષોમાં વહન કરવા સક્ષમ બનાવવા માટે સંશોધિત કરવામાં આવ્યું છે. આ કોલ્ડ વાયરસ મૂળભૂત રીતે કોરોના સંક્રમણને રોકી શકતું નથી, પરંતુ તે રોગપ્રતિકારક તંત્રને આવા વાયરસ સામે મિકેનિઝમ તૈયાર કરવા માટે ખૂબ જ સારી રીતે શીખવી શકે છે. .  

TTS એ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ સાથે થ્રોમ્બોસિસ છે, જે મૂળભૂત રીતે મગજની રક્ત વાહિનીઓમાં અથવા અન્ય જગ્યાએ, પ્લેટલેટની ઓછી સંખ્યા સાથે ગંઠાઈ જાય છે. ઘણી વાર,આ ગંઠાવાનું હૃદય સુધી જઈ શકે છે, જેને લીધે  હૃદયરોગના હુમલા અથવા મગજમાં સ્ટ્રોક આવવાનું કારણ બની શકે છે.અને આવું કોવિશિલ્ડ કે કોવેક્સિનને લીધે થઈ રહ્યું છે, એવી અફવાઓ ફેલાઈ રહી હતી. જેને લઈને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ માર્ચ 2024 માં ડાયલોગ્સ - નેવિગેટિંગ ઇન્ડિયાઝ હેલ્થ સેક્ટર' ખાતે જણાવ્યું હતું કે ICMR એ એક વિગતવાર અભ્યાસ કર્યો છે જે દર્શાવે છે કે કોવિડ -19 રસી હૃદયરોગના હુમલા માટે જવાબદાર નથી અને વ્યક્તિની જીવનશૈલી અને પરિબળો જેવા કે દારૂનું વધુ પડતું સેવનપાયાના કારણો પૈકી હોઈ શકે છે.

 

   દેશમાં કોવિડ-19 સામે રસીકરણ કરાયેલા લગભગ 90 ટકા ભારતીયોએ કોવિશિલ્ડ લીધું હોવાનો અંદાજ છે. TTS વિશેના અહેવાલો સાર્વજનિક થયા ત્યારથી, ઘણા ડૉક્ટરોને સંભવિત હાર્ટ એટેક સામે પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે જાણવા માંગતા લોકો હોસ્પિટલ્સ તરફ દોડી રહ્યા છે. ઘણાએવા લોકો પણ છે જેમણે રસીકરણ પછી પ્રિયજનોને ગુમાવ્યા છે અને હવે તેઓ તેમના મૃત્યુને કોવિશિલ્ડ સાથે સંબંધિત છે અને ઉત્પાદકો સામે દાવો કરવા કોર્ટમાં જવાની ધમકી આપી રહ્યા છે.

   ઘણા દર્દીઓ અને દર્દીઓના સગાઓ દ્વારા ડોકટર્સને ધમકીઑ પણ આપી રહ્યા છે કે આ ક્યારેક જ થતી આડઅસર વિષે તમારે અમોને માહિતગાર કરવાની જરૂર હતી. પણ ડોકટર્સનું કહેવું છે કે કોવિડ ચેપ રક્ત ગંઠાઈ જવાની વૃત્તિમાં વધારો કરે છે, જે હાર્ટ એટેક, સેરેબ્રલ સ્ટ્રોક, ડીપ વેઈન થ્રોમ્બોસિસ અથવા પેરિફેરલ ધમની થ્રોમ્બોસિસ જેવા લોહીના ગંઠાવાનું વિકાસને કારણે થતા તમામ રોગોનું જોખમ વધારે છે. પરંતુ આ જોખમ જીવનભરનું જોખમ નથી. આ જોખમ મુખ્યત્વે કોવિડ ચેપ દરમિયાન અને ચેપ પછી અમુક સમયગાળા (1-2 મહિના) માટે હોય છે. એટલા માટે જોખમ ઘટાડવા માટે તે સમયગાળા દરમિયાન રક્ત પાતળું થાય એવી દવાઓ સૂચવવામાં આવે છે. સંશોધન મુજબ કોવિડ-19 પછી હાર્ટ સ્ટ્રોકમાં વધારો થવાના કારણો સંપૂર્ણપણે સમજી શક્યા નથી પરંતુ તે બળતરા, થ્રોમ્બોસિસ અને એન્ડોથેલિયલ નુકસાનની પ્લિયોટ્રોપિક અસરોને કારણે થઈ શકે છે. અને એ પણ 100000 દર્દીઓમાં 1 ને થઈ શકે છે.

   સાચી માહિતી એ જ બધા રોગોનું નિદાન અને સારવાર છે. માટે સોસિયલ મીડિયા પર આવતી ખોટી અને બિનજરૂરી માહિતીને ધ્યાનમાં લઈ ગભરાઈ ના જઈએ. સાથે સાથે આવી માહિતીની ચકાસણી કર્યા વિના શેર પણ ના કરીએ. ખોટું શેરિંગ તો એ ક્લોટિંગ છે, જેનાથી લોકોમાં ડરનું વાતાવરણ ઊભું થઈ જતું હોય છે. અને રોગ કરતાં પણ રોગનો ડર વધુ ખતરનાક હોય છે. 

  શારીરિક શ્રમની બાદબાકી અને ખોટા ખોરાકને લીધે આજે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ-એટેક આવી રહ્યા છે. માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવીએ અને લાંબુ અને મોજ-મસ્તીભર્યું જીવીએ. સરળ જીવનશૈલી સૌથી મહત્વની વેક્સિન છે.

 

    

 

 

"

 

   

Friday, 3 May 2024

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

 

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

Happy women's day with the banner template

 

   હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી, એક નિદાન-કેમ્પની જાહેરાત હતી, તમને ભવિષ્યમાં ક્યાં રોગો થવાની સંભાવના છે? એ પ્રશ્નનો જવાબ આજે મેળવો અને એ રોગો ના થાય તે માટે અત્યારથી જાગૃતિ કેળવો એ પણ દવા લઈને! અને પછી નીચે જાહેરાતમાં જુદા જુદા રોગો અંગે જાગૃતિ લાવવા આપણે જે જે દિવસો ઉજવીએ છીએ, તેનું મેનુ આપેલું હતું, જે વાંચીને મને પ્રશ્ન થયો કે શું આ દિવસો ઊજવતાં રહેવાથી ખરેખર જાગૃતિ આવે છે કે પછી નવું બજાર ઊભું કરવાની આ નવી માર્કેટિંગ સ્ટાઈલ છે? જવાબ તમારા પર છોડું છુ.

       જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીના મહિનાઓની યાદી તૈયાર કરીશું તો સમજાશે કે દરેક માહિનામાં 20/25 દિવસો તો એવા છે જ જેને આપણે જે તે દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ.  મહિનાનો દરેક દિવસ કોઈને કોઈએ બાબત પ્રત્યે જાગૃતિ લાવવા ઉજવાતો રહે છે. પણ માત્ર ઉજવાતો રહે છે, એ બાબતો પ્રત્યે જાગૃતિ આવે છે ખરી? મોટાભાગના દિવસો વર્ષોથી ઉજવાતા આવે છે. શું આપણને એ બાબતોને લઈને સમાજ જરાપણ જાગૃત થયો હોય એવું લાગે છે ખરી? આ દિવસો માત્ર ને માત્ર જનરલ નોલેજના પેપર્સના પ્રશ્નો બની રહી ગયા હોય એવું લાગતું રહે છે.

  વિશ્વ પર્યાવરણ દિવસ છેલ્લા 52 વર્ષોથી આપણે ઉજવીએ છીએ, શું આપણે પર્યાવરણની સુરક્ષા બાબતે જાગૃત થયા છીએ? છેલ્લા કેટલાક વર્ષોથી આપણે પર્યાવરણની જે હાલત જોઈ રહ્યા છીએ, ક્યાય વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની અસરો દેખાતી હોય એવું નથી લાગી રહ્યું! વૃક્ષો કપાય રહ્યા છે, પ્રદૂષણ વધી રહ્યું છે, પ્લાસ્ટિકનો વપરાશ જરાપણ ઘટી નથી રહ્યો. ઋતુઓનો મિજાજ બદલાઈ રહ્યો છે. પૃથ્વી વધુ ને વધુ ગરમ થઈ રહી છે.  પર્યાવરણ જાગૃતિ બાબતે હજી આપણે સુષુપ્ત અવસ્થામાં જ છીએ.

    આવા દિવસોનું મહત્વ ફોટા પાડ્યા સિવાય કશું રહ્યું નથી.  મોટા મોટા કાર્યક્રમો થાય, સરકારે આપેલી ગ્રાન્ટ થોડી થોડી વપરાય ( બાકીની ક્યાં જાય છે? બધાને ખબર છે) વિશ્વ પર્યાવરણ દિવસે ઉગાડેલા વૃક્ષોમાથી 95% વૃક્ષોનું ચાર-પાંચ દિવસો બાદ અસ્તિત્વ પણ હોતું નથી. નથી વૃક્ષો ઉછરતા કે નથી પૃથ્વીની શોભા વધતી! આવું મોટા ભાગના દિવસો વખતે થતું હોય છે. 1 દિવસ ઉજવવાનો અને બાકીના 364 દિવસો દરમિયાન જેમ હતું તેમ ને તેમ! તે દિવસે સોસિયલ મીડિયામાં દિવસનો ચળકાટ રહે અને બાકીના દિવસો દરમિયાન અંધારું!

     કેટલા બધા રોગોને લઈને દિવસો ઉજવાતા રહે છે, કેટલા લોકોમાં એ રોગો પ્રત્યે સભાનતા આવી? રોગ કરતા પણ વધુ ખતરનાક રોગનો ડર હોય છે, અને દિવસોની ઉજવણી કરીને જાણે કે લોકોમાં એ ડર ઊભો કરવામાં આવી રહ્યો હોય એવું લાગે છે. વિશ્વ કેન્સર દિવસ ઉજવીએ કે ડાયાબિટીસ ડે ઉજવીએ આ રોગ ધરાવનાર લોકોની સંખ્યા ઘટી નથી રહી! ઉલટાનું વધી રહી છે. આ દિવસોની ઉજવણી જાગૃતિ લાવી રહી છે કે ડર ઊભો કરી રહી છે? એ નક્કી કરવા વળી એક નવો દિવસ ઊભો કરવો પડશે!

   સ્માઇલ કરવાના કે ખુશ રહેવાના પણ દિવસો ઉજવવામાં આવે છે. શું આપણે હવે માણસોને ખુશ રહેવા પ્રત્યે પણ જાગૃત કરવા પડશે! અરે સંબંધોના પણ દિવસો મધર્સ-ડે, ફાધર્સ-ડે, ડોટર-ડે, બ્રધર્સ-ડે, વગેરે વગેરે યાદી લાંબી છે. ડે-સેલિબ્રેટ કરવા માતા-પિતાને ઘરે લઈ આવવાના અને પછી બીજા દિવસે..... આપણી પાસે મજબૂત ફેમેલી સિસ્ટમ છે, અરે 24* 365 જે સંબંધો હોય એના માટે પણ દિવસો ઉજવવાના!  ડોટર્સ-ડે ઉજવાતો રહે છે, પણ ભ્રૂણ-હત્યાઓ અટકી નથી રહી!  વીમેન્સ-ડે ઉજવીએ છીએ, પણ ગામડાની સ્ત્રીઓ હજી આજે પણ 16મી સદીઓના પ્રશ્નો સામે ઝઝૂમી રહી છે. સમાન વેતન માટે પણ ફાંફા મારી રહી છે.

        હકીકત તો એ છે કે આમાથી મોટા ભાગના દિવસો બજારે નક્કી કરેલા છે.  જેમકે વેલેન્ટાઇન ડે આ દિવસ હવે પ્રેમનો દિવસ નથી રહ્યો એ તો ફૂલો, ભેટો અને પાર્ટીઓના સેલિબ્રેશનનો દિવસ બની રહી ગયો છે!  જેના દ્વારા વેપારી કંપનીઓનો નફો સતત વધી રહ્યો છે. એસોચેમના 2023ના રીપોર્ટ મુજબ એકલા ભારતમાં જ વેલેન્ટાઇન ડે નું માર્કેટ 25000 કરોડનું છે! આવું લગભગ મોટા ભાગના દિવસોની ઉજવણીમાં થઈ રહ્યું છે. જે દિવસને પ્રખ્યાત કરવો હોય તેના પ્રમોશન માટે આખું એક નેટવર્ક ઊભું થઈ જતું હોય છે. અને એ નેટવર્કમાં લોકો ફસાઈ જતાં હોય છે. દવાથી માંડીને બીજી તમામ કંપનીઓ દિવસોની ઉજવણીમાં આ જ કામ કરતી હોય છે.  દિવસોની ઉજવણી એ મોટી મોટી કંપનીઓ દ્વારા ઊભું કરેલું એ જાળું છે, જેમાં ગ્રાહકો ફસાઈ રહ્યા છે અને ખર્ચાઈ રહ્યા છે.

  

 

 

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...