દેશમાં કોઈપણ ઘટના બને એટલે આપણે કા તો એ ઘટનાની તરફેણમાં જતાં રહીએ છીએ અને કા તો એ ઘટનાની વિરુદ્ધમાં! શું આપણે તટસ્થતાથી કોઈપણ ઘટના કે વિચારનું અવલોકન કરવાની તાકાત ગુમાવી ચૂક્યા છીએ? સરકારની રચનાથી માંડીને બીજી કોઈપણ ઘટના, વ્યક્તિ કે વિચાર પ્રત્યે આપણે વગર વિચાર્યે પ્રવાહમાં ભળી જઈને અભિપ્રાયો આપવા લાગીએ છીએ, સરઘસો કાઢવા લાગીએ છીએ, ચળવળ ચલાવવા માંડીએ છીએ, અને પછી મોટા ભાગના કિસ્સાઓમાં આપણે જેનો વિરોધ કરી રહ્યા હોઈએ છીએ, એવું કશું હોતું નથી!
ગાંધીજીનો સૌથી મહત્વનો ગુણ હતો, કોઈપણ ઘટનાની નિષ્પક્ષતાથી તપાસ કરવી અને પછી જો યોગ્ય લાગે તો તેનો વિરોધ કરતાં. પણ આપણે તો એ સાચું છે કે ખોટું? તે જાણવાની તસ્દી જ નથી લેતા! યાદ કરો ઇ.સ. 1922નો ચોરા-ચોરી વાળો બનાવ, જેમાં ગાંધીજીએ શરૂ કરેલા અહિંસાના આંદોલનને ના સમજી શકેલા લોકોએ હિંસા આચરેલી અને તેને લીધે બાપુએ એ આખું આંદોલન જ બંધ કરી દીધેલું એમ કહીને કે લોકો હજી અહિંસાનો સાચો અર્થ સમજી શક્યા નથી.
આ દેશમાં કેટલાક બુદ્ધિજીવીઓ છે, જેઓને લગભગ કોઈને કોઈ ઘટના વ્યક્તિ કે વિચારનો વિરોધ કરવાની ટેવ પડી ગઈ છે. તેઓ રાહ જ જોઈને બેઠા હોય છે. કોઈપણ આવી ઘટના બને કે વિચાર રજૂ થાય એટલે તેઓ લોકોને લઈને નીકળી જ પડતાં હોય છે. અને પ્રજા તરીકે આપણે પણ તેઓની પાછળ ખોટી રીતે દોરવાઈ જતાં હોઈએ છીએ. ઇવન ઘણા લોકોને તો મેટર શું છે? એ પણ ખબર નથી હોતી અને પેલા બુદ્ધિજીવીઑ કહે એટલે તેઓ નીકળી પડતાં હોય છે.
જ્ઞાતી ને આગળ કરીને કે પછી ધર્મને આગળ કરીને તેઓ ભલી-ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરતાં જ રહે છે. અને મહત્વનુ એ છે કે આપણે શિક્ષિત થઈ રહ્યા છીએ, પણ આવી બાબતો પ્રત્યે જાગૃત નથી થઈ રહ્યા. તમે વિચારો 2014થી મોદી સરકાર આવી, ત્યારથી આપણો દેશ મોદીજીની તરફેણમાં કે મોદીજીની વિરુદ્ધમાં વહેંચાઈ ગયો છે. તેમણે કરેલા સારા કામોની નોંધ નહી, તેમણે કરેલી ભૂલો બાબતે કોઈ તટસ્થ ચર્ચા નહી. ને બસ દેકારે દેકારા કરીને આપણે વ્યવસ્થિત ચર્ચાઓને સ્થાન જ નથી આપી રહ્યા.
આવી બિનજરૂરી બાબતોમાં પડીને આપણે આપણાં દેશના વિકાસ માટે મહત્વની બાબતોની અવગણના કરી રહ્યા છીએ. જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે, ત્યારે જ આપણને અમુક બાબતો યાદ આવે છે. દેશના દરેક રાજ્યમાં આજે કોઈને કોઈ જ્ઞાતી કે ધર્મને લઈને કે પછી સાવ બિનજરૂરી બાબતોને લઈને સરઘસો નીકળી રહ્યા છે, મારામારી થઈ રહી છે, ઘરો સળગી રહ્યા છે અને તટસ્થતા બિચારી ખૂણે બેઠી બેઠી રડી રહી છે. મણિપુર હોય કે કાશ્મીર, ગુજરાત હોય કે મહારાષ્ટ્ર કોઈને કોઈ મુદ્દે નિષ્પક્ષ બનીને વિચારવું જ નથી.
નીટની કે નેટના પેપર્સ લીક થવા મુદ્દે પણ જે લોકો વિરોધ કરી રહ્યા છે, તેઓ પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે. તેઓને વિદ્યાર્થીઓના ભવિષ્યને બદલે પોતાની ‘વોટબેંક’ ભવિષ્યની વધુ ચિંતા છે. ઘણીવાર તો ઘણા વિરોધો જે તે સમાજના નેતાઓને પૈસા આપીને ઉભા કરાવવામાં આવે છે! તમે મુદ્દો ચગાવો અમે તમારી પાછળ બેકઅપ માટે ઊભા જ છીએ. સોસિયલ મીડિયાના આ યુગમાં કોઈપણ બાબત વાઇરલ થતાં સમય તો લાગતો નથી. પણ આપણે આપણી વિવેકબુદ્ધિને અભેરાઈએ ચડાવી દીધી છે, એ હકીકત છે.
ખરેખર આપણે પ્રજા તરીકે વીરોધ જ કરવો હોય તો ભ્રષ્ટાચાર, જ્ઞાતી-વાદ, કોમવાદ, ભ્રૂણ-હત્યા, પ્રાદેશિકવાદ, ભાષાવાદ,પ્રદૂષણ સામે લડાઈ, વૃક્ષો ઉગાડવા,પર્યાવરણને ગ્લોબલ વોર્મિંગથી બચાવવું, ગરીબી દૂર કરવામાં સરકારને મદદ કરવી વગેરે વગેરે જેવા ઘણા મુદ્દાઓ છે. પણ એ પ્રત્યે આપણે જરાપણ સંવેદનશીલ નથી થઈ રહ્યા! અને સાવ મામૂલી મુદ્દાઓને લઈને આપણી લાગણીઓ ઘવાઈ જતી હોય છે.
જાદુગરનો હોય એ સરકસનો કે પછી સીનેમાનો આપણને તમાશા જોવામાં જ મજા આવે છે. સરઘસો કે રેલીઓને જોવા ઘરની બહાર નીકળવાની આપણી જૂની આદત છે. પણ કોઈ દેશ માટે મહત્વના કામો માટે ઘરની બહાર નીકળવાની આપણને ટેવ નથી પડી રહી. અરે આપણને તો ચૂંટણી સમયે પંદર મિનિટનો સમય કાઢીને મત દેવા જવા પણ ઘરની બહાર નીકળવું નથી ગમતું!
ખોટે-ખોટી ચર્ચાઓના દેકારામાં સાચી બાબતોના સંવાદો દમ તોડી રહ્યા છે. તટસ્થ બનીએ, વિચારીએ શું કરવા જેવુ છે? અને પછી દેશહિતમાં નિર્ણય લઈએ. કોઈ કહે એટલે ઝંડા નીકળી ના પડીએ.