Tuesday, 4 March 2025

જિંદગી અને સ્ક્રોલિંગ.......

 

  જિંદગી અને સ્ક્રોલિંગ....... 

Load Less and Scroll More with Infinite List in Flutter

 

જિંદગી સોસિયલ મીડિયા પર સ્ક્રોલ કરવાનો વિષય જ નથી. આજકાલ આપણે જિંદગીને એટલી બધી સ્ક્રોલ કરી રહ્યા છીએ કે કલાકો વીતી જાય છે, પણ કશું હાથમાં આવતું નથી. આ ઇલેકટ્રોનિક ગેઝેટ્સ આપણા સૌનો એટલો બધો સમય ખાઈ જઇ રહ્યા છે કે જેમ હાથમાથી રેતી સરકી જાય, એમ સમય સરકી રહ્યો છે. તમે કહેશો આ તો અમને સૌને ખબર છે, અરે ખબર સૌને છે, પણ સ્ક્રોલ કરવાનું છોડતા કોઈ નથી.

  એક સોસિયલ મીડિયા પરથી બીજા સોસિયલ મીડિયા પર ઠેકડા જ મારતા રહીએ છીએ. જો કે હાથ કશું નથી લાગતું એ વાત અલગ છે! બાકી હતું એ ઓનલાઈન ગેમ્સે પૂરું કર્યું. ઓનલાઈન ગેમ્સે તો બાળકો પાસેથી તેઓને બાળપણ, યુવાનો પાસેથી તેની યુવાની છીનવી લીધી છે. શેરીમાં આઉટડોર ગેમ્સ રમતા બાળકો હવે મોબાઇલની સ્ક્રીનમાં કેદ થઈ ગયા છે.

 તેઓ પોતાની આસપાસની દુનિયા પ્રત્યે જરાપણ ધ્યાન નથી આપી રહ્યા. એ સ્ક્રીનની બહાર જાણે કોઈ દુનિયા છે જ નહી, તેઓ તેવું માનવા લાગ્યા છે. રીલ લાઈફ રીયલ લાઈફ પર ભારી પડી રહી છે. હકીકત તો એ છે કે આ ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સની દુનિયાએ બાળકોને એટલા ભ્રમિત કરી દીધા છે કે તેઓ પોતાનું નિર્દોષ અને નિખાલસ બાળપણ જ ગુમાવી બેઠા છે.

 ગેઝેટ્સ સ્માર્ટ બનતા જાય છે, અને બાળકો માનસિક અને શારીરિક રીતે નબળા બનતાં જાય છે. પહેલા બાળકો તોફાન ના કરે અને એક જગ્યાએ બેઠા રહે તે માટે માતા-પિતા સંતાનોને આ ગેઝેટ્સ આપે છે અને પછી એ ગેઝેટ્સ તેઓની દુનિયાનો અતૂટ હિસ્સો બની રહે છે, જેનાથી ખુદ માતા-પિતા તેઓને અલગ કરી શકતા નથી.

  યુવાનો અને યુવતીઓ જે રીતે આ ગેઝેટ્સ પાછળ પાગલ થઈ રહ્યા છે, વાત ના પુંછો! એક બીજા સાથે સંબંધથી જોડાવવા તેઓ આ માધ્યમોનો ઉપયોગ કરે છે અને પછી એ માધ્યમો જ રીલેશન ટૂંટવાનું કારણ બની રહે છે. આ ગેઝેટ્સ થકી તેઓ એટલા અટેચ રહે છે કે અંતે એ કનેક્શન જ લોસ્ટ થઈ જાય છે. ગુડ મોર્નિંગ અને ગૂડ નાઈટ ક્યારે ગુડ-બાયમાં ફેરવાય જાય છે? તેની પણ તેઓને ખબર નથી રહેતી!

  સ્ક્રીન પર સતત ઝબૂકતા મિસ-કોલ અને બીજા નોટિફિકેશન્સ તેઓની જિંદગીને સતત ડિસ્ટર્બ કરતાં રહે છે. અને તેઓ થતાં પણ રહે છે. આ ડિસ્ટર્બન્સ જ તેઓના મગજને આઉટ ઓફ કંટ્રોલ કરી નાખતા હોય છે. વધુ પડતું કનેકશન તેઓના સંબંધોમાં રહેલા એકસાઈટમેંટ ને ખતમ કરી નાખે છે. મળવાના ઝનૂનમાં તેઓ ના મળી શકવાનું દર્દ જ ફીલ નથી કરી શકતા. ગેરહાજરી ફીલ થઈ શકે એટલું ડિસ્ટન્સ પણ તેઓ નથી રાખી શકતા અને પરિણામે તે મને રીપ્લાય કેમ ના આપ્યો? એ પ્રશ્ન ધડામ દઈને રીલેશન સાથે અથડાતો રહે છે. હું ઓનલાઈન એટલે આખી દુનિયા ઓનલાઈન એ મેંટાલિટીમાથી આજની જનરેશન બહાર જ આવી શકતી નથી!

 જે કઈ આ સ્ક્રીન આપણને દેખાડી રહી છે, તે સઘળું જ સાચું છે તેમ માનીને આપણે પણ એ રસ્તે નીકળી પડતાં હોઈએ છીએ. સ્ક્રીનમાથી બહાર આવતો પ્રકાશ આપણી આંખોને આંજી રહ્યો છે. ને પરિણામે આપણે કશું જ સ્પષ્ટ જોઈ શકતા નથી.

  પતિ-પત્ની વચ્ચે પણ આ ગેઝેટ્સ આવી ગયા છે. એક જ બેડરૂમમાં હોવા છતાં તેઓ સાથે નથી, કારણકે તેઓના હાથમાં આ ગેઝેટ્સ છે. ઘરમાં દરેક ઓરડામાં રહેતા લોકો એક અલગ ટાપુ બનાવીને આ ગેઝેટ્સ સાથે સમય વિતાવી રહ્યા છે. ઘરમાં એકબીજા સાથનું કનેક્શન આને લીધે પુઅર થઈ ગયું છે. રીકનેક્શનની કોઈ ગુંજાઈશ જ નથી રહી.

  બધુ પોસ્ટ કરી લેવાની ઉતાવળમાં જીવવાનું જ ભૂલાય રહ્યું છે. ક્ષણો માત્ર ક્લિક જ થઈ રહી છે, જીવાય નથી રહી. જેને જુઓ તે બસ આ સ્ક્રીનમાં જ ફસાયેલું જોવા મળી રહયું છે. ઇવન આપણો કુદરત સાથેનો સંબંધ પણ આના લીધે ડિસ-કનેક્ટ થઈ ગયો છે. આ વર્ચ્યુઅલ દુનિયાએ વાસ્તવિક જીવન સાથેનો આપણો સંબંધ નબળો કરી દીધો છે.

 આપણે શેરીની ધૂળને, પક્ષીઓના કલરવને, વડની વડવાઇઓને, નદીના કિનારને, સાગરની લહેરોને, ઊગતા અને આથમતા સૂર્યને, ખિલતા ફૂલને, ઋતુઓના આગમનને ફીલ નથી કરી રહ્યા. ઘોંઘાટોમાં ક્યાંક હ્રદયનું મૌન સંભળાતું બંધ થઈ ગયું છે. ખુદ સાથેનો સંવાદ આપણે અભેરાઈએ ચડાવી દિધો છે, એ ઉતરવા માંગે છે, પણ આપણે ઉતારવા માંગતા નથી.

  સ્ક્રીન પાછળની જે દુનિયાને આપણે સાચી માની લીધી છે, એ ભ્રમમાથી જેટલા જલ્દી બહાર નીકળી જઈશું, આપણે જીવંત રહેતા શીખી જઈશું. આપણે આપણી અંદર ડોકિયું કરી શકીશું. માણસ અને મશીન રાશિ એક છે, પણ બંને વચ્ચે હ્રદય નો તફાવત છે. લાગણીનો તફાવત છે. જેને આપણે ફીલ કરતાં શીખી લેવાનો છે. મશીન ક્યારેય ધબકી શકવાનું નથી. ......

 એકબીજા સાથે જોડાવા માટે માત્ર ને માત્ર લાગણીનો સેતુ જ કાફી છે. એ સેતુ જેટલો મજબૂત બાંધીશું, આપણે ઈશ્વરની બનાવેલી પ્રાકૃતિક દુનિયામાં જીવી શકીશું. કેમ ખરું ને?

 

Friday, 28 February 2025

આપણને માત્ર માહિતીની જરૂર છે કે વિચારોની પણ!

 

આપણને માત્ર માહિતીની જરૂર છે કે વિચારોની પણ! 

 Intrusive Thoughts: Why We Have Them and How to Stop Them - Resurchify


       માહિતીનો ધોધ ચારેતરફથી વહી રહ્યો છે. ગૂગલ પોતાની સાઈટ પર રોજ નવા સાડા ત્રણ લાખ નવા પેજિસ ઉમેરે છે. ગૂગલને દર સેકંડે 40000 સર્વિસ રીકવેસ્ટ મળે છે. જેને આખા દિવસમાં કન્વર્ટ કરીએ તો 3.5 અબજ જેટલી થાય છે. આ માહિતી ગૂગલના જુદા જુદા સ્ત્રોતો જેવા કે યુ-ટ્યુબ, ગૂગલ મેપ અને ગૂગલ મેઈલ દ્વારા મેળવાતી હોય છે. આજે કોણ એવું હશે જે આખા દિવસમાં એકવાર ગૂગલની કોઈ પ્રોડક્ટ કે પછી સોસિયલ મીડિયાની કોઈપણ એક એપ્લીકેશન કે સાઇટનો ઉપયોગ નહી કરતું હોય! એકલા ભારતમાં 535.8મિલિયન વોટ્સએપ યુઝર્સ છે. જ્યારે ઇનસ્ટાગ્રામ યુઝર્સ 385.35મિલિયન છે. ટ્વિટર અલગ, ફેસ-બૂક અલગ, અને બીજી સાઇટ્સ અને એપ્લીકેશન્સ અલગ!

  રોજ અખૂટ માહિતી આપણાં પર થોપવામાં આવી રહી છે. એ માહિતીમાથી કેટલી સાચી? કેટલી ખોટી? એ અંગે જો કે આપણી પાસે કોઈ માહિતી નથી. અગાઉ સારા વિચારો આપણાં સુધી પહોંચાડનાર આપણાં ઇન્ફ્લુઅન્સર્સ ગણાતા. અને હવે જુદી જુદી સાઇટ પર સારું ખરાબ ગમે તેવું કન્ટેન્ટ આપનાર આપણાં ઇન્ફ્લુઅન્સર્સ બની ગયા છે. આપણને જીવન કેમ જીવવું એ સમજાવનાર પોતે આપઘાત કરી રહ્યા છે. કેમ બોલવું એ શિખવનારની પોતાની જીભ સ્લીપ થઈ રહી છે. સવારના ઊઠવું કેમ? ત્યારથી લઈને રાત્રે સુવા કેવી રીતે જવું? એ બધાના જ વિડિયોઝ આપણાં મોબાઇલની મેમરીને ફૂલ કરતાં રહે છે. કેટલું બધુ એવું મોબાઇલની મેમરીમાં પડેલું છે, જેને આપણે વગર જોઈએ કે વગર વાંચ્યે ફોનની મેમરીમાથી ડીલિટ કરી નાખતા હોઈએ છીએ.

  બધાને માહિતી જોઈએ છીએ, પણ સાચી માહિતી ક્યાં છે? અને કઈ છે? એની તો વીકેપીડિયાને પણ ખબર નથી. લોકો સર્ચ કરીને જે માહિતી મેળવે છે. એની સત્યતાની કોઈ સાબિતી નથી. હકીકત તો એ છે કે હવે નવી કોઈ બાબત આવવાની હોય, તો તેના વિષે સાચું ઓછું, પણ ભ્રમ ફેલાવી એવી માહિતી વધુ ફેલાઈ રહી છે. એ.આઈ. વિષે થઈ રહેલી ચર્ચાઓ આનું તાજું ઉદાહરણ છે. વળી આજકાલ સૌથી વધુ ભયજનક બાબત એ છે કે એ માહિતીનો ઉપયોગ લોકો કેવી રીતે કરશે? ખુદ આપણે સૌ પણ આપણાં પાસે આવેલી માહિતી સાચી છે કે ખોટી? સારી છે કે ખરાબ? તે જાણ્યા વિના બીજાને ફોરવર્ડ કરતાં રહીએ છીએ!

  રોગોની માહિતી તો જે રીતે સોસિયલ મીડિયાઝ પર શેર થઈ રહી છે, લાગે છે હવે કોઈને ડોકટર્સની જરૂર જ નહી પડે. થોડા મહિનાઓ પહેલા બિહારમાં કોઈએ યુ-ટ્યુબ પર જોઈને કોઈનું ઓપરેશન કરી નાખેલું! જેના હાથમાં જે વિષયનું કન્ટેન્ટ આવે, લોકો આડેધડ વાઇરલ કરી રહ્યા છે. ગૃહિણીઓ રસોઈના, ઘરડાઓ રોગોના ઉપચારોમાં, પુરુષો ધંધાના અને શેરબજારના, બાળકો કાર્ટૂન અને રીલ્સમાં, યંગ-જનરેશન વાઇરલ થવાના ફીવરમાં કે પછી ઇન્ફ્લુઅન્સર્સની વાતોમાં એટલા બધા ગૂંચવાઈ ગયા છે કે એનાથી પડતી ગૂંચો ઉકેલાઈ જ નથી રહી.

  યુ-ટ્યુબ તો મહાકુંભ કરતાં પણ મોટું સ્થાન બની ગયું છે. જ્ઞાનની સરવાણી તેમાં વહેતી જ રહે છે. લોકો ડૂબકી મારતા જ જાય છે, પણ ખરેખર સાચુ જ્ઞાન મેળવવું જોઈએ તે નથી મળી રહ્યું. કારણકે જે માહિતી તેઓ આપે છે, એ સાચી છે કે ખોટી? તેની કોઈ ખાતરી નથી. જ્ઞાન-ગુરુઓ, ઇન્ફ્લુઅન્સર્સ, ક્રીએટર્સ, ટીચર્સ, ટ્રાવેલિગ બ્લોગર્સ, વગેરે વગેરે દ્વારા રજૂ થતું કન્ટેન્ટ લોકોને વધુ ને વધુ કંફ્યૂઝ કરી રહ્યું છે. બધા આજે ભલે માહિતીના પ્રવાહ તરફ દોડી રહ્યા હોય, પણ હકીકત તો એ છે કે જેટલી જરૂર આપણને માહિતીની છે, એટલી જ જરૂર આપણને સારા-વિચારોની પણ છે.

  મેળવેલી માહિતીનો શ્રેષ્ઠ ઉપયોગ વિચારો દ્વારા જ શકય બની શકશે. આભાસી દુનિયાએ રચેલી માહિતીની જાળમાથી આપણને વિચારો જ બહાર લાવી શકશે. માહિતીએ આપણાં જીવનમાં જે તણાવ, ચિંતા, અને ડીપ્રેશન ઊભું કર્યું છે, તેને વિચારો જ શાંત કરી શકશે. આભાસી મીડિયા પરની અર્થહીન માહિતીને આપણે આપણાં ઉપનિષદો, પુરાણો અને વિચારકોના વિચારો થકી જ સાર્થક કરી શકીશું.

Sunday, 23 February 2025

દીકરો મારો લાડકવાયો ગાડી લઈને નીકળ્યો, 150ની ઝડપે............

 

 દીકરો  મારો લાડકવાયો ગાડી લઈને નીકળ્યો, 150ની ઝડપે............ 

 Under-16 riders flouting traffic rules strike fear in road users | Pune  News - Times of India

 

 

           રાતનો સમય છે, આગિયારમાં ધોરણમાં ભણતા બે કિશોરો ગાડી લઈને નીકળી પડે છે. ગાડી આવડી ગયાના નશામાં ગાડીની સ્પીડ વધતી જ જાય છે. 100,120 અને હજી આગળ... એટલામાં છોકરાને યાદ આવે છે, ઇનસ્ટા પર લાઈવ થવાનું તો રહી ગયું. અને બંને લાઈવ થઈને દુનિયાને પોતાની સ્પીડ ( બેવકૂફી) દુનિયાને દેખાડી રહ્યા છે, એટલામાં સ્ટિયરિંગ પરનો કંટ્રોલ જતો રહે છે, અને ગાડી ફિલ્મી સ્ટાઇલમાં બે-ત્રણ ગલોટિયા ખાય જાય છે. બંને કિશોરો હોસ્પીટલમાં એડમિટ છે. ગાડી પૂરેપુરી ડેમેજ થઈ ચૂકી છે. હવે ઉપયોગમાં લઈ શકાય એમ જ નથી, ને એ બંને કિશોરો પર વારાફરતી ઓપરેશન્સ થઈ રહ્યા છે. માતા-પિતા લાખો રૂપિયાના ખાડામાં ઉતરી જશે. સાજા થવામાં મહિનાઓ નીકળી જશે. રાજકોટ જિલ્લામાં અઠવાડીયા પહેલા બનેલી આ દુર્ઘટના છે. મૂંબઈમાં વિલે પારલેમાં સવારના પહોરમાં જોયફૂલ રાઈડ માટે નીકળેલા કોલેજના બે વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. આ લેખ પૂરો થાય ત્યાં સુધીમાં કે પછી તમે આ લેખ વાંચી રહ્યા હશો ત્યાં સુધીમાં બીજા કેટલાયે ટીન-એજર્સ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હશે!

   એકદમ નાની ઉંમરે બાળકોના હાથમાં સ્ટિયરિંગ પકડાવી દેવાની માતા-પિતાને આટલી બધી કેમ ઉતાવળ છે? કે પછી બાળકોની જીદ આગળ માતા-પિતાનું કઈ ચાલી નથી રહ્યું? કે પછી બાળકોને સારું કે ખરાબ? સાચું કે ખોટું? શિખડાવવાનો માતા-પિતા પાસે સમય જ નથી રહ્યો!  કિશોરો અને કિશોરીઓ ઓનલાઈન ગેમ્સમાં ફસાઈ રહ્યા છે, ડ્રગ્સમાં સપડાઇ રહ્યા છે, રેકલેસ ડ્રાઇવિંગ કરી રહ્યા છે, પોર્ન-ફિલ્મસ જોઈ રહ્યા છે. કે પછી માતા-પિતા પોતાના સંતોનોને જે હાય-ફાય કલ્ચર આપી રહ્યા છે, તેની આ બધી આડઅસરો છે?

  અમે નાના હતા, ત્યારે અમારી બધી જરૂરિયાતો પૂરી નહોતી થઈ, એટલે હવે અમારા સંતાનોની યોગ્ય-અયોગ્ય તમામ જરૂરિયાતો પૂરી થવી જોઈએ, માતા-પિતાનો આ પૂર્વગ્રહ સંતાનોને બેફામ બનાવી રહ્યો છે. 16 થી 19 વર્ષના ટીન-એજર્સ બીજા કોઈ પણ અકસ્માતો કરતાં ત્રણ ગણા વધુ ઘાતક અકસ્માતોમાં ફસાયેલા છે. ભારતમાં નેશનલ હાય-વે ટ્રાફિક સેફટી એડમિનિસ્ટ્રેશનના લેટેસ્ટ અહેવાલ મુજબ ભારતમાં થતાં કુલ માર્ગ અકસ્માતોમાથી 6% જેટલા અકસ્માતો ટીન-એજર્સ દ્વારા થાય છે. જેને  લીધે દર વર્ષે લગભગ 3000 લોકો મૃત્યુ પામે છે અને સેંકડો ટીન-એજર્સ આજીવન અપંગ બની રહે છે. દર વર્ષે આ આંકડો 45% જેટલો વધતો જાય છે.

    નેશનલ ક્રાઇમ રીપોર્ટ બ્યુરોના રીપોર્ટ મુજબ ભારતમાં 2024/2025 દરમિયાન આશરે 1000 જેટલા કિશોરો રેક-લેસ ડ્રાઇવિંગને લીધે પકડાયા હતા. અને દર વર્ષે આ સંખ્યા વધતી જ જઇ રહી છે. કિશોરોના ડ્રાઇવિંગ અંગે આપણા દેશમાં ચોક્કસ કાયદાઓ હોવા છતાં લોકો કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરી, કિશોરોના હાથમાં સ્ટિયરિંગ પકડાવી દેતાં હોય છે. જેના લીધે ઘણીવાર રસ્તા પર ચાલીને જતાં નિર્દોષ લોકો પણ તેઓના હિટ એન્ડ રન કેસના શિકાર બની જતાં હોય છે. તથ્ય કાંડમાં 9 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવેલા.

  પિયર-ગ્રૂપના પ્રેશરને લીધે, ફાસ્ટ ડ્રાઇવિંગ જ ડ્રાઇવિંગ કહેવાય એવી માન્યતાને લીધે, ફ્રેંડ્સ સાથે મસ્તી કરવા નીકળેલા કિશોરોની અણસમજને લીધે, અકસ્માતોની ગંભીરતા ના સમજી શકવાને લીધે, સોસિયલ મીડિયા પર વાઇરલ થવાના ટ્રેન્ડને લીધે, ચાલુ ડ્રાઇવિંગે લાઈવ થવાના અભરખાને લીધે, ( લાઈવ થવાના ચક્કરમાં લોકો મરી રહયા છે!), ક્યારેક અતિશય ગુસ્સામાં આવીને, કોકને દેખાડી દેવાના ચક્કરમાં કિશોરો પોતાની અને બીજા લોકોની જિંદગીઓને દાવ પર મૂકી રહ્યા છે.

  આ ટીન એજર્સને ટ્રાફિકના નિયમોનું જ્ઞાન જ હોતું નથી, લીવર દઈએ એટલે ગાડી દોડવા માંડે, એવી સમજણ સાથે તેઓ જીવના જોખમે રસ્તાઓ પર નીકળી પડતાં હોય છે. એટલું જ નહી, લેટેસ્ટ સર્વે મુજબ ભારતમાં શરાબ પીને મોજ-મસ્તી કરવા નીકળી પડેલા કિશોરો અને યંગસ્ટર્સની સંખ્યા પણ વધી રહી છે. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતાના દીકરાએ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસમાં એક યુગલને ઉડાડી દીધેલાં, જેને લીધે પત્ની મૃત્યુ પામી અને પતિને મહિનાઓ સુધી હોસ્પીટલમાં રહેવું પડેલું. આ કિસ્સામાં પેલી સ્ત્રીને એ યંગસ્ટરે 1.5 કિલોમીટર સુધી ઢસડેલી!

  150/200 કિલોમીટરની ઝડપે નીકળી રહેલા આ વાહનોને અને તેના ચાલકોને માતા-પિતા અને બીજા વડીલોની તેમજ કાયદાઓની બ્રેક લાગવી જરૂરી છે.

    

 

 

Monday, 3 February 2025

સ્ત્રીઓ અને સ્ત્રી-સન્માન !!!

 

 સ્ત્રીઓ અને સ્ત્રી-સન્માન !!!

Respect Wamen

 

જીંદગીની ટ્રેન સમાંતર પાટાઓ પર ચાલતી રહે છે. નાના હતા ત્યારે ગણિતમાં ભણેલા કે બે સમાંતર રેખાઓ હમેંશા સાથે ચાલે છે, પણ ભેગી કદી થતી નથી. જિંદગીમાં ઘણું વધુ એવું છે, જે સાથે સાથે ચાલતું રહે છે, પણ ભેગું ક્યારેય થઈ શકતું નથી. ગૃહિણી અને તેને મળતું સનમાન આવી બે સમાંતર રેખાઓ છે, જે ચાલે છે સાથે, પણ એકબીજાને મળતી ક્યારેય નથી.

    એક સ્ત્રી જે સંપૂર્ણ પોતાના કુટુંબને સમર્પિત થઈને રહે છે, ઘરના તમામ કામો કરે છે. સપ્તપદીના સાતેય પદોને નિભાવે છે, બાળકોને ઉછેરે છે, સવારે દૂધવાળો દૂધ દેવા આવે, ત્યારથી લઈને રાત્રે દૂધ મેળવવા સુધીની ઘરની તમામ પ્રવૃતિઓ એ એકલા પંડે સંભાળે છે. અને છતા આ કામ રહી ગયું, રહી ગયું એ લિસ્ટ પૂરું થતું જ નથી.

    સ્ત્રીઓના કામને અર્થશાસ્ત્રએ ક્યારેય આર્થિક પ્રવૃતિ તરીકે સ્થાન નથી આપ્યું. જેનું નાણાંમાં કોઈ મૂલ્ય નથી એવી કોઈપણ પ્રવૃતિને અર્થશાસ્ત્ર મહત્વ આપતું જ નથી. અને તમે માર્ક કરજો જે જે બાબતો નાણામાં માપી નથી શકાતી એ તમામ બાબતોને પ્રેમના દાયરામાં લઈને આપણે તેને સંતોષ આપવાના ખોટા પ્રયાસો કરતાં હોઈએ છીએ.

  સમાજ પછી ભલે તે ગમે તેટલો શિક્ષિત કે વિકસિત હોય, પણ સ્ત્રીઓ પ્રત્યે તેની વિચારસરણી ક્યારેય બદલાવવાની નથી. સ્ત્રીઓ પુરુષો માટે કે પૂર્વગ્રહ બની ગઈ છે, અને આપણે જાણીએ છીએ કે પૂર્વગ્રહો ક્યારેય બદલાતા નથી. આ જે કઈ સ્ત્રીઓ વિષે આપણે બદલાયેલું વાતાવરણ જોઈ રહ્યા છીએ, તે ઉપરછલ્લું જ છે. અંદરથી તો આજે પણ પુરુષો સ્ત્રીઓ વિષે એ જ જૂના-પુરાણા વિચારો સાથે જ જીવી રહ્યા છે.

   આ સમાજને જાળવી રાખવી જવાબદારી સ્ત્રીઓ પર નાખીને સમાજે તેણીને એવી બાંધી લીધી કે એ બંધનો હજી આજે પણ તે તોડી શકી નથી. ઘરનો ઉંબરો પાર કરવા આજે પણ તેણે ઘરના સભ્યોની મંજૂરી લેવી પડે છે. મે હા પાડી એટલે મારી દીકરી કે મારી પત્ની કે મારી બહેને કે મારી માએ ઘરની બહાર નીકળી પોતાનો વ્યવસાય વિકસાવ્યો કે નોકરી કરી! પેલા દીકરી હતી, એટલે બંધનો, પછી પત્ની થાય એટલે બંધનો અને પછી મા બને એટલે બંધનો.

   લગ્ન બાદ બીજા જ દિવસથી પોતાના માતા-પિતાના ઘરે જવા પણ સ્ત્રીઓએ મંજૂરી લેવી પડે છે. કેટલાક પુરુષો તો આવી છુટ આપીને તેમણે જાણે કે સ્ત્રીઓ પર ઉપકાર કરી દિધો હોય તેવું વર્તન કરતાં હોય છે. લગ્નો તૂટે તો એની સંપૂર્ણ જવાબદારી પણ સ્ત્રીઓની! છુટ્ટાછેડા લીધેલ સ્ત્રીઓ માટે એકસાથે બે ઘરોના દરવાજા ધડામ દઈને બંધ થઈ જતાં હોય છે. દીકરો ના આપી શકે તો તે માટે પણ સ્ત્રીઓ જવાબદાર! સ્ત્રીઓના ચારિત્ર્ય પર સવાલો ઊઠે પણ પુરુષોનું તો જાણે કોઈ ચારિત્ર્ય જ નહી! પુરુષો તો આવા જ હોય, પણ સ્ત્રીઓએ તો સમજવું જોઈએ ને?

   સ્ત્રીઓનું આધિપત્ય પુરુષો આજે પણ સ્વીકારી શકતા નથી પછી ભલે તે અમેરિકાની સ્ત્રી હોય કે ભારતની! ઘણી સ્ત્રી લેખકોને એવું લાગે છે કે સ્ત્રીઓ પોતાને મળેલ આઝાદીનો ગલત ફાયદો ઉઠાવી રહી છે. પણ એકવાર ગ્રામ્યવિસ્તારોમાં અને રૂઢિવાદી જ્ઞાતિઓમાં ડોકિયું કરજો, સમજાઈ જશે કે સ્ત્રીઓ કેટલી સ્વતંત્ર થઈ છે? હજી આજેપણ ગામડાઓમાં સ્ત્રીઓ ઘરના બીજા સભ્યોની સમકક્ષ બેસી શકતી નથી.

  ઘરોમાં ભાઈ-બહેન વચ્ચેના ઉછેરની સરહદો આજે પણ એટલી જ મજબૂત છે. ગામની કોઈ એક દીકરી ભાગીને લગ્ન કરે, એટલે બાકીની દીકરીઓ માટે ભણવું એક સપનું બની જતું હોય છે. દીકરાઓ ભાગે તો બાકીના દિકરાઓ પર કોઈ અસરો જોવા મળતી નથી. અરે ભણવા બાબતે ટેલેંટેડ છોકરીઓને પોતાના ભાઇઓના ભણવાને લીધે ભણવા પણ મળતું નથી. ભણવું હોય તો કમાઈને ભણો! એવા જવાબો માતા-પિતા પાસેથી મળે છે.

  અને એટલે જ પુરુષો કરતાં સ્ત્રીઓએ પોતાના સપનાઓ પૂરા કરવા વિશિષ્ટ પ્રયાસો કરતાં રહેવા પડે છે. અરે જન્મ લેવા માટે પણ ઘરના સભ્યોની મંજૂરી લેવી જરૂરી હોય છે. અમુક જ્ઞાતીઓ ફરમાન બહાર પાડતી હોય છે કે સ્ત્રીઓના મોબાઈલ વપરાશ પર પ્રતિબંધ હોવો જોઈએ. અરે યાર દિકરાઓ શું મોબાઈલ વાપરવાથી નથી બગડતા? માત્ર દીકરીઓ જ બગડે છે.

  સ્ત્રીઓ તરફી કાયદાનો સ્ત્રીઓ ગલત લાભ ઉઠાવી રહી છે, એવું ઘણા લખે છે, પણ કાયદાઓ જાણતી હોય એવી સ્ત્રીઓ કેટલી? બેંગલુરુના એક આઈ.ટી. એંજિનિયરે આ કાયદાઓને લીધે લાઈવ આત્મહત્યા કરી, એટલે બધા સ્ત્રીઓ વિષે બોલવા લાગ્યા. પણ બળાત્કારના કિસ્સાઓમાં ન્યાય ના મળવાને લીધે સ્ત્રીઓ આપઘાત કરી લેતી હોય છે કે પછી ક્ષણે ક્ષણે ઘૂંટાય ઘૂંટાય ને મરતી હોય છે, તેના આંકડાઓ છે કોઈ પાસે?

  વર્કિંગ વીમેન કોન્સેપ્ટ પણ મને લાગે છે, પુરૂષોએ જ સ્ત્રીઓ માટે બનાવેલો છે. જેથી કદાચ એ કમાઈ ના શકે તો એ જવાબદારી પણ સ્ત્રીઓ ઉઠાવતી રહે. વર્કિંગ વીમેન એ સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવાની કોઈ સ્કીમ નથી કે પછી એનાથી સ્ત્રીઓને નથી કોઈ આર્થિક સ્વતંત્રતા મળતી કે નથી તેને લીધે સ્ત્રીઓને ઘરમાં લેવામાં આવતા નિર્યણોમાં કોઈ ભાગીદારી મળતી.

  ચંદ્રકાંત બક્ષિજીએ પોતાના એક આર્ટિકલમાં લખેલું છે કે વર્કિંગ વીમેન બનવાથી સ્ત્રીઓ પહેલા કરતાં વધુ આઝાદ નથી થઈ પણ પહેલા કરતાં વધુ ગુલામ બની ગઈ છે. વર્કિંગ વીમેન માટે આપણે અનુકૂળ વાતાવરણ નથી ઊભું કરી શક્યા. કામના સ્થળે સ્ત્રીઓનું શોષણ થતું રહે છે. બહાર કામ કરીને આવેલી સ્ત્રીઓ માટે ઘરનું કામ ડોકિયા કરતું જ રહે છે.

  આ બંને સ્થળો વચ્ચે સંતુલન જાળવવામાં સ્ત્રીઓનું પોતાનું સંતુલન ખોરવાઈ જતું હોય છે. પોતાના અસ્તિત્વ માટેની લડાઈમાં તેણે એટલા બધા મોરચે લડવું પડે છે કે પેલું અસ્તિત્વ જ ક્યાંક ખોવાઈ જતું હોય છે. ઓશો રજનીશજી કહે છે એમ પુરૂષોએ સ્ત્રીઓને દેવી બનાવી દીધી તો એમાં પણ તેઓનો સ્વાર્થ છે.

  સ્ત્રીઓને સ્ત્રીઓની દુશ્મન બનાવવામાં પણ પુરુષોનો અદ્વિતીય ફાળો છે. પુરુષો બરાબર જાણે છે કે સ્ત્રીઓને એકબીજાની સામસામે કેવી રીતે લાવવી?

  સ્ત્રીઓ ગઇકાલે પણ સ્ત્રીઓ જ હતી, આજે પણ સ્ત્રીઓ જ છે અને આવતીકાલે પણ કદાચ... સ્ત્રીઓના સન્માનની વાતો ઓનપેપર કાર્યક્રમો જેવી જ રહેવાની છે.

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...