કોઈને મદદ કરતાં પહેલા......
થોડા દિવસો પહેલા એક દુકાનેથી વસ્તુ લેતા સમયે એક લઘર-વઘર અને ગંદુ બાળક દુકાનમાથી ખરીદી કરી રહેલા લોકો પાસે ભીખ માંગી રહ્યો હતો. ઉભેલા લોકોમાથી એક-બે જણાએ તેને થોડા પૈસા આપ્યા. મને એમ હતું કે તે ભૂખ્યો હશે, એટલે સામે રહેલી ખાણી-પીણીની લારીમાથી કશુંક લઈને ખાશે. પણ એવું ના થયું. તે તો એ પૈસાથી ગુટકા લઈને ખાવા માંડયો. એવી જ રીતે કોઈ મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને આપણે ખાવા માટે બિસ્કીટના પેકેટસ આપીએ તો તેઓ એ પેકેટ્સ વેચીને એમાથી જે પૈસા મળે, તેમાથી પોતાનું વ્યસન સંતોષતા હોય છે.
આપણાં દેશમાં ખરેખર કેટલીક વસ્તી એવી છે, જે કારમી ગરીબીમાં જીવે છે, તો સાથે સાથે મધ્યમ વર્ગમાં પણ એવા ગરીબ લોકો છે, જેઓને અમુક પ્રકારની મદદની જરૂર હોય છે. પણ તેઓ કોઈ પાસે માંગી શકતા નથી. હકીકત તો એ છે કે ગરીબો માટે સરકારની અનેક યોજનાઓ છે, અને ધનીકો પાસે પૈસા. સૌથી વધુ જો આ દેશમાં કોઈ પિંસાતું હોય તો એ મધ્યમ વર્ગ છે. જેઓ માટે કોઈ જ સરકારી યોજનાઓ પણ નથી કે પૂરતા પૈસા પણ નથી.
છેલ્લા કેટલાક વર્ષોથી આપણાં દેશમાં સમાજસેવા પ્રત્યેનું વાતાવરણ એકદમ હકારાત્મક બની ગયું છે. ગરીબ લોકોને મદદ કરવા આગળ આવનારી સંસ્થાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જ જાય છે. જરૂરિયાતવાળા લોકોને કપડાંથી માંડીને શિક્ષણ સુધીનું, તેમજ ખોરાકથી માંડીને આરોગ્ય સુધીની સેવાઓ મફતમાં મળી રહે એવી વ્યવસ્થાઓ જુદી જુદી સંસ્થાઓ દ્વારા થતી હોય છે. પણ સૌથી મોટી સમસ્યા એ છે કે ખરેખર જે લોકો સુધી આ બધુ પહોંચવું જોઈએ, તે લોકો સુધી પહોંચતું નથી.
અથવા તો તે એવા લોકોને પહોંચે છે, જેઓને મન આ સુવિધાઓનું મૂલ્ય રોકડી કરી લેવા સિવાય કશું હોતું નથી. તેઓ પોતાને મળતી આ સુવિધાઓનો ગલત ફાયદો ઉઠાવતા રહે છે. સોસિયલ મીડિયામાં પ્રસિદ્ધિ મળી રહે એ માટે પણ લોકો હવે બીજાને મદદ કરી, ફોટા પડાવી એ ફોટા સોસિયલ મીડિયા પર મૂકી સંતોષનું સુખ પ્રાપ્ત કરી લેતા હોય છે. સરકારી યોજનાઓ હોય કે પછી એન.જી.ઓ. થકી મળતી મદદ હોય, આવા લે-ભાગુઓ જાજા છે, જેઓ આ મદદનો ગેરફાયદો ઉઠાવતા રહે છે.
સોસિયલ મીડિયાના આ દેકારામા ખરેખર જેઓને જરૂર છે, તેવા લોકોનું મૌન દટાઇ જતું હોય છે. મદદ કરનારી સંસ્થાઓએ પણ પહેલા સર્વે કરાવવો જોઈએ કે અમે જે પ્રકારની મદદ કરીએ છીએ તે ખરેખર જેઓને જરૂર છે, તેવા લોકો સુધી પહોંચે છે ખરી.... જો સંસ્થાઓ આવું કશું જ કર્યા વિના મદદ કરતી રહેશે તો એ મદદનો કોઈ અર્થ જ નહી રહે. આવી સંસ્થાઓનો ઉદેશ સારો હોય છે, બસ હવે તેમણે ટાર્ગેટ સાચો નકકી કરવાનો છે.
સેવાઓ ખરેખર જરૂરી હોય તેવા લોકો સુધી પહોંચશે તો એ સેવાઓનો સાચો અર્થ સરશે. જો કરેલી સેવાથી કોઈના ચહેરા પર ઓરિજિનલ હાસ્ય આવશે તો એ પ્રાર્થના સીધી ઈશ્વર સુધી પહોંચશે. અને આખરે તો આ બધુ આપણે એટલા માટે જ તો કરતાં હોઈએ છીએ. સામેવાળાની જરૂરિયાત સમજીને જો આપણે ચીજવસ્તુઓ પૂરી પાડીશું તો એને પણ એ વસ્તુઓ મદદરૂપ થઈ પડશે. ના જોઈતી હોય એવી વસ્તુઓના ઢગલા કરીને આપણે શું કરીશું?
વળી મફતમાં મળતી વસ્તુઓનો ઘણીવાર બહુ બગાડ થતો હોય છે. તો આવી કોઈ વ્યક્તિઓને મદદ કરતી વખતે વિડિયોગ્રાફી કે ફોટોગ્રાફીનો આગ્રહ ના રાખીએ. કોઇની મજબૂરીને આપણાં સોસિયલ મીડિયાની પોસ્ટ બનાવીને આપણે બહુ મોટી ભૂલ કરતાં હોઈએ છીએ. દેખાડો કરીને કરેલું દાન તો ઈશ્વરના ચોપડે પણ લખાતું નથી. માટે જેને જરૂર છે, તેને જ આપીએ અને છાનું છાનું આપીએ. આપને કરેલી સેવાનો કોઈ દુરુપયોગ ના કરી જાય એ ધ્યાન આપણે રાખવાનું છે.
વળી આવા લોકો મફતમાં વસ્તુઑ મેળવીને આળસુ પણ થઈ જતાં હોય છે. ને ઘણા લોકો તો કામધંધો છોડીને આવી વસ્તુઓનો લાભ લેવા ગોઠવાઈ જતાં હોય છે. જ્યાં જ્યાં અન્નક્ષેત્રો ચાલુ હોય છે, ત્યાં આવા લોકો જમી લેતા હોય છે. અને વ્યસનો માટે પૈસા માંગી લાવતા હોય છે.
હકીકત તો એ છે કે કોઈને આત્મનિર્ભર બનાવવા એ જ સૌથી મોટી સેવા છે. આવા લોકોને પગભર કરીએ અને જિંદગીમાં આગળ વધતાં શીખવીએ.

