# ફોમો, આપણે ખરેખર શું મિસ કરી રહ્યા છીએ?

સરેરાશ ભારતીયનો સ્ક્રીન ટાઈમ રોજનો આશરે 7.3 કલાકનો છે. જેમાં સૌથી વધુ સમય તેઓ સોસિયલ મીડિયા પર પોસ્ટ જોવામાં અને ચેટ કરવામાં ખર્ચે છે. તમને થશે આમાં નવું શું છે? પણ આ સ્ક્રીન સ્ક્રોલ કરતાં કરતાં એકાએક જો તેઓ કોઈ મિત્ર કે સગા-સંબંધીઓના ટ્રાવેલિંગ કે પ્રસંગના વિડિયોઝ કે ફોટા જુએ છે. કે પછી પોસ્ટ દ્વારા એ જાણે છે કે પોતાના મિત્રો અને સંબંધીઓ તેઓ વિના ક્યાંક મોજ કરી આવ્યા? અને મનમાં વિચારો અને પ્રશ્નોનો ત્સુનામી આવી જાય છે.
તમે સ્ક્રોલ કરી રહ્યા છો અને તમને એ પાર્ટીનો ફોટો દેખાય છે જેમાં તમે ગયા નહોતા. અથવા કોઈ "ઇન્ફલુઅન્સર" ના વેકેશનના ફોટા જે વિદેશી સ્થળોએ 5-સ્ટાર હોટલોમાં બીચ પર બેઠા હોય અને આપણને માર્કેટિંગની જાળમાં ફસાવતા હોય! અથવા કોઈ ન્યૂલી મેરીડ કપલ તેમના ભવ્ય હનીમૂન પર હોય.. જે આપણને એ નકારાત્મક વિચારો તરફ લઈ જાય છે કે “મને આ બધુ કેમ ના મળ્યું?” ચિંતા, ગુસ્સો, ઈર્ષ્યા, ઈર્ષ્યા, ઉદાસી વગેરે જેવી અનેક લાગણીઓ ઉભરીને સપાટી પર આવી જાય છે.
FOMO હંમેશા સમાજમાં અસ્તિત્વમાં હતો જ પરંતુ હવે સોશિયલ મીડિયાની સુવિધા સાથે, આ ઉત્તેજનાઓ પ્રત્યેનો આપણો સંપર્ક સતત વધી રહ્યો છે. અને પછી, એટલી જ ઝડપથી, તમે બધું સમજવાનો પ્રયાસ કરતા ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો: તમે શું ખોટું કર્યું છે તે વિચારતા રહો છો, ઈચ્છો છો કે તમને પણ તેમાં સામેલ કરવામાં આવે, તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર સ્ક્રોલ કરીને તેઓએ તમને કેમ ના બોલાવ્યા? એ પ્રશ્નનો જવાબ શોધતા રહો છો, આખરે, તમે ઉદાસી, અપરાધભાવ અથવા શરમમાં ડૂબી જાઓ છો કારણ કે તમે ફીલ કરો છો કે તમે કશુંક બહુ જ જરૂરી મિસ કરી દીધું છે. આ છે ફીલિંગે ‘ફોમો’ ( ફીઅર ઓફ મિસિંગ આઉટ)
સોશિયલ મીડિયા પર અન્ય લોકો દ્વારા દર્શાવવામાં આવતી પ્રવૃત્તિઓ સાથે પોતાના જીવનની તુલના કરતી વખતે નકારાત્મકતાની લાગણી અનુભવવી, અન્ય લોકોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવા માટે વારંવાર સોશિયલ મીડિયાનું નિરીક્ષણ કરવું, સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યા પછી માનસિક થાક અનુભવવો, લાંબુ સમયપત્રક બનાવીને દરેક જગ્યાએ હાજર રહેવાનો પ્રયાસ કરવો, શારીરિક થાક અનુભવવો, ઉદાસી, ચિંતા અથવા હતાશાની લાગણી અનુભવવી, એકાગ્રતામાં મુશ્કેલીઓનો સામનો કરવો, ઊંઘવા માટે ફાંફા મારવા, ખુદને એકલી ફીલ કરવી...વગેરે વગેરે બાબતો થકી ફોમોએ રચેલી દુનિયામાં આપ સૌનું સ્વાગત છે.
આ ઘટના સૌપ્રથમ 1996 માં માર્કેટિંગ વ્યૂહરચનાકાર ડૉ. ડેન હર્મન દ્વારા ઓળખવામાં આવી હતી, જેમણે સંશોધન કર્યું હતું અને 2000 માં ધ જર્નલ ઓફ બ્રાન્ડ મેનેજમેન્ટમાં આ વિષય પર પ્રથમ શૈક્ષણિક પેપર પ્રકાશિત કર્યું હતું. હર્મન એમ પણ માને છે કે આ ખ્યાલ મોબાઇલ ફોનના ઉપયોગ, ટેક્સ્ટિંગ અને સોશિયલ મીડિયા દ્વારા વધુ ભયંકર બન્યો છે. લેખક પેટ્રિક જે. મેકગિનીસે FOMO શબ્દ બનાવ્યો અને 2004 માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના મેગેઝિન ધ હાર્બસમાં એક ઓપ-એડમાં તેને લોકપ્રિય બનાવ્યો.
FOMO અંગે સૌપ્રથમ રજૂઆત 2004 માં શૈક્ષણિક જોસેફ રીગલ દ્વારા લખાયેલા હાર્બસ લેખમાંથી પણ મળી આવી છે. અત્યારે આ શબ્દ સોસિયલ મીડિયાના ‘વાઇરલ ટ્રેન્ડ’માં છે. આ લાગણીએ ઘણા લોકોના માનસિક આરોગ્યને ઊંડેથી નુકસાન પહોંચાડયું છે. એક સર્વે મુજબ દર 10 માથી ચાર વ્યક્તિઓ ફોમોથી પીડાય રહી છે. ખાસ કરીને જનરેશન Z તેની જોરદાર ઝપટે ચડી ગઈ છે. આ ભય લોકોની સંતોષની લાગણીને માઇનસ લેવલ પર લઈ જઇ રહ્યું છે. મોટા ભાગના લોકો માત્ર આ ભયને લીધે સોસિયલ મીડિયાથી ચીપકીને રહેલા જોવા મળે છે.
ફોમો ને લીધે બેટર લાઇફની સંકલ્પના જ બદલાઈ ગઈ છે. જેના વગર પણ જિંદગી મોજથી જીવી શકાય છે, તેવી તમામ બાબતોને આપણે આપણા જરૂરિયાતોના લીસ્ટમાં ઉમેરીને હેરાન થઈ રહ્યા છે. અને હવે આનો ઉપાય પણ આપણે જ શોધવો રહ્યો...


