તોડકર જોડ લો, ચાહે હર ચીજ દુનિયાકી સબ કુછ કાબિલે મરમ્મત હે ‘વિશ્વાસ’ કે સિવા!
હેડિંગ:
વિશ્વાસના અભાવે લોકો એકબીજાને છેતરી રહ્યા છે ને એટલે શંકાનું
વાતાવરણમાં પ્રમાણ વધી રહ્યું છે. અને શંકા વિશે ભગવાન શ્રી કૃષ્ણએ
ભગવદગીતામાં કહ્યું છે, "संशयात्मा विनश्यતિ"
શું આપણને આપણી આસપાસના લોકો પર વિશ્વાસ છે? શું આપણને આ દેશની સરકાર,
પોલીસ, રાજનીતિ,શિક્ષણનીતિ કે ન્યાયતંત્ર પર વિશ્વાસ છે? શું આપણને પ્રિયજન
કે સ્વજન પર વિશ્વાસ છે? શું આપણને આ દેશના મીડિયા પર વિશ્વાસ છે? શું
આપણને આપણી લોકશાહી પ્રક્રિયા પર વિશ્વાસ છે? શું આપણને ‘સ્વધર્મ’માં
વિશ્વાસ છે? શું આપણને ઈશ્વર પર વિશ્વાસ છે? અરે શું આપણને આપણી જાત પર
વિશ્વાસ છે? તમે જેની પાસેથી માલ ખરીદો છો એ વેપારી પર તમને વિશ્વાસ છે?
આ પ્રશ્નોનાં જવાબો વિચારીશું એટલે સમજાઈ જશે કે આજે આપણે આસપાસના
વાતાવરણમાથી શ્વાસમાં જે હવા લઈ રહ્યા છીએ, તેમાથી સતત અવિશ્વાસનો ઑક્સીજન
શ્વાસમાં લઈ રહ્યા છીએ. 6જી ની ઝડપે લોકોનો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ
વર્ચ્યુયલ બની રહ્યો છે. વિશ્વાસ મૃગજળ જેવો બની ગયો છે, જે લાગણીનો આભાસ
કરાવે છે, પણ અહેસાસ નથી કરાવી શકતો. આપણે સૌ આજે શંકા, ભય અને અસુરક્ષાની
નકારાત્મક લાગણીનો માનસિક અને શારીરિક શિકાર થઈ રહ્યા છીએ.
વિશ્વાસની લાગણી વ્યક્તિના જન્મથી માંડીને તેના મૃત્યુ સુધીના દરેક તબક્કે
અલગ અલગ રીતે આપણી અંદર ઊગે છે, ખીલે છે અથવા તો મૂરઝાય જતી હોય છે.
રવિન્દ્રનાથ ટાગોરનું એક મસ્ત વાક્ય છે, “ આ પૃથ્વી પર અવતરતું પ્રત્યેક
બાળક એ વાતનો સંદેશો લઈને આવે છે કે ઈશ્વરને હજી માનવજાત પર વિશ્વાસ છે.’
પણ માણસજાતની પોતાની ‘મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ’ માઈનસમાં જતી રહી હોય
એવું આપણી આસપાસની ઘટનાઓને ફીલ કરીએ ત્યારે લાગે છે. વિશ્વાસ પર એવી ઘાત
લાગી ગઈ છે કે તેનાથી લાગેલા ઘાવો દુનિયાની શ્રેસ્ઠ મલમપટ્ટીથી પણ રુઝાઇ
નથી રહ્યા!
બાળક જન્મે ત્યારે કુટુંબમાં નવી
આશાઓ અને વિશ્વાસનો જન્મ થતો હોય છે. એ વિશ્વાસ કે આ બાળક ઘરના દરેક
સંબંધોને કદી ના તૂટે એવા મજબૂત તાંતણે બાંધશે. તો મૃત્યુ પણ એ વિશ્વાસ
લઈને આવે છે કે હવે નવજીવન મળશે. બાળક જ્યારે પ્રથમવાર સ્તનપાન કરે છે, તો
તેને વિશ્વાસ થઈ જાય છે કે મારા પોષણ માટે ઈશ્વરે માંનું નિર્માણ કર્યું
છે. પ્રથમવાર તેની જિંદગીને ઘરની ચોખટની બહાર જ્યારે પિતા આંગળી પકડીને લઈ
જાય છે, તો બાળકમાં વિશ્વાસ જન્મે છે કે હું જ્યારે જ્યારે પડી જઈશ તો પિતા
રૂપી આધાર મને ટેકો આપીને ફરીથી બેઠો થવાની તાકાત પૂરી પાડશે. એ જ રીતે
કુટુંબના પ્રત્યેક સભ્યો થકી વ્યક્તિમાં કોઈને કોઈ પ્રકારનો વિશ્વાસ જન્મ
લેતો હોય છે.
તમે માર્ક કરજો બાળકને રમાડતા
રમાડતા, જ્યારે કુટુંબનો કોઈપણ સભ્ય તેને હવામાં ઉછાળે છે, તો તેને 100%
ભરોસો હોય છે કે મને આ વ્યક્તિ નીચે નહી પડવા દે. પણ મોટા થઈને આપણે
સફળતાની હવામાં ઉડતા હોઈએ ત્યારે આપણને શું વિશ્વાસ હોય છે કે આ જ વ્યક્તિઓ
આપણને નીચે નહી પડવા દે? કે પછી જિંદગીમાં આપણે મુશ્કેલીઓમાં ફંગોળાતા
હોઈએ છીએ ત્યારે આપણને સંભાળી શકે એવું કોઈ મળશે એવો વિશ્વાસ ખરેખર ઉંમર
વધતાં આપણી અંદર વધતો જાય છે કે ઘટતો જાય છે?
જો કે વ્યક્તિને સૌથી પહેલા ‘પોતાની જાત’ પર વિશ્વાસ હોવો જોઈએ. જો તે
ખુદના વિશ્વાસે સૂર્યની જેમ સળગતો રહેશે, તો આખી દુનિયાને સ્વ-પ્રકાશ થકી
પોષણ આપતો રહેશે. પણ જો ખુદ પર વિશ્વાસ નહી હોય, તો ન તો એ ખુદ પર વિશ્વાસ
રાખી શકશે કે ન તો કોઈના વિશ્વાસને પાત્ર બની શકશે. આત્મ-વિશ્વાસ પ્રકાશનો એ
પૂંજ છે, જેના થકી આપણે જિંદગીમાં ગમે તેવી મોટી મુસીબતોનો સામનો કરી શકીએ
છીએ. પણ આજકાલ વ્યક્તિઓમાં આત્મવિશ્વાસ એકદમ તળિયે જતો રહ્યો છે, જે કોઈપણ
રીતે સપાટી પર નથી આવી રહ્યો.
એક સર્વે
પ્રમાણે વિશ્વભરમાં 85% લોકો ઓછા આત્મવિશ્વાસના અભાવથી પીડાય છે. કોઈને
પોતાના રંગને લીધે તો કોઈને પોતાની હાઇટને લઈને તો કોઈને પોતાની ક્ષમતાઓને
લઈને કે કોઈને હું આ કરી જ નહી શકું એવી લઘુતાગ્રંથિને લઈને પોતાની જાત
સાથે જ સેટિંગ નથી આવતું! જે તેઓના બીજા સાથેના સેટિંગને પણ સ્વીચ ઓફ કરી
દે છે.
અને તેને લીધે એક વ્યક્તિનો બીજા વ્યક્તિ
સાથેનો વિશ્વાસનો સંબંધ પણ ડગુમગુ થઈ રહ્યો છે. સંબંધોમાં ઝાકમઝોળ છે,
રેપિંગ છે, પેકિંગ છે, સરપ્રાઇઝીસ તો અનલિમિટેડ છે, બહારથી બધુ અપ-ટુ-ડેટ
લાગી રહ્યું છે, બસ સંબંધોના હાર્દરૂપ વિશ્વાસની જ કમી છે! અને એ કમી આજે
જીંદગીની સૌથી નજીકની અને પ્રિય વ્યક્તિ પાસે સૌથી નજીકની વ્યક્તિનું ખૂન
કરાવી રહી છે. ખૂણે-ખાચરેથી દર્દનાક હાલતમાં આપણે કલ્પના પણ ના કરીએ એવી
સ્થિતિમાં લાશો મળી રહી છે, ને પછી જે રહસ્યો ખૂલી રહ્યા છે. તેને જોઈને
વિશ્વાસ પરથી વિશ્વાસ ઉઠી જાય છે.
આજે આપણાં
સંબંધો મોબાઇલની ટચ સ્ક્રીન જેટલા પણ સેન્સિટિવ નથી રહ્યા. છાપાઓના ઓલમોસ્ટ
દરેક પાનાઓ પર સંબંધોને લઈને કોઈને કોઈના ખૂનના સમાચારો છપાતાં રહે છે.
સંબંધો, ધંધામાં, શિક્ષણમાં, અને ઈશ્વર પ્રત્યે એમ ઓલમોસ્ટ દરેક જગ્યાએ
વિશ્વાસનો અભાવ ફીલ થઈ રહ્યો છે. લેટેસ્ટ ટેકનૉલોજી થકી લોકો એકબીજાની એકદમ
નજીક આવી રહ્યા છે, પણ અંતર વધતું જ જાય છે. લોકો જેટલા એકબીજા સાથે
કનેક્ટ થઈ રહ્યા છે, એટલા જ ડિસકનેક્ટ થઈ રહ્યા છે. વધુ પડતાં કનેકશને
લોકોમાં વિશ્વાસને બદલે શંકાનું વાતાવરણ ઊભું કરી દીધું છે. એકબીજાના
મોબાઈલ ચેક કરીને નિભાવવામાં આવતા સંબંધોમાં વિશ્વાસનો અભાવ સ્પષ્ટપણે છલકી
રહ્યો છે. વિશ્વાસના અભાવને લીધે સંવાદોને બદલે વિવાદો વધી રહ્યા છે.
સંબંધોમાં પ્રામાણિક્તા નથી રહી, જેને લીધે સંબંધો અપારદર્શક બની રહ્યા
છે. અને એ અપારદર્શકતા વ્યક્તિઓને અસલામતી અને શંકાના એવા અંધકારમાં લઈ જઇ
રહી છે, જ્યાં તેઓ સતત એકલતા, હતાશા, નિરાશા અને તણાવને ફીલ કરી રહ્યા છે.
મોબાઇલના નંબરની અદલાબદલીથી શરૂ થયેલા સંબંધો તે મારો કોલ કેમ ના ઉપાડયો?
કે મારો મેસેજ વાંચીને મને જવાબ કેમ ના આપ્યો? મે તને કોલ કર્યો ત્યારે
તારો નંબર બીઝી આવી રહ્યો હતો, કોલ લૉગ જોઈને તે મને કોલબેક કેમ ના કર્યો?
તારા સ્ટેટસમાં તારી આટલી નજીક કોણ હતું? તે મને લાઇક કેમ ના આપી? કમેંટ
કરવાનું તો સાવ ભૂલી જ ગઈ કે ભૂલી ગયો! વગેરે વગેરે પ્રશ્નોની ગૂંચમાં એવા
મૂંઝાઇ જાય છે કે વિશ્વાસના અભાવે કાચ તૂટે એટલી ઝડપથી તૂટીને વેરવિખેર થઈ
જતાં હોય છે, જેની કરચો આખી જિંદગી વિશ્વાસઘાતના નામે ખૂંચતી રહે છે.
લગભગ દરેક સંબંધો વિશ્વાસના અભાવે હાંફી રહ્યા છે. વૃદ્ધાશ્રમો વધી રહ્યા
છે, ને લોકો એટલા બધા એકલા એકલા જીવી રહ્યા છે કે જીંદગીનો એકપણ દિવસ
આંખોમાં આંસુ વગર સૂકો નથી જતો! જનરેશન ગેપ પણ આ વિશ્વાસના અભાવે જ વધુ ને
વધુ પહોળો થઈ રહ્યો છે. આજે જન્મતા બાળકને માતા તરફથી પોષણ કે પિતા તરફથી
આધાર મળશે કે નહી? એની કોઈ ગેરંટી કે વોરંટી જ નથી. વિશ્વાસ ટુકડાઓમાં
કપાઈ ફ્રોઝન થઈ રહ્યો છે, તે કૂકરમાં બફાઈ રહ્યો છે, હનીમૂનમાં લોહીલુહાણ
થઈ રહ્યો છે કે પછી ડ્રમમાં દમ તોડી રહ્યો છે. વિશ્વાસના અભાવે જ આજે
નાનપણમાં એકબીજાનો હાથ પકડીને મોટા થયેલા ભાઈઓ સંપતિ માટે એકબીજાનું ખૂન
કરવા તૈયાર થઈ જતાં હોય છે.
જીવનનું પ્રત્યેક
ક્ષેત્ર વિશ્વાસના અભાવને લીધે અસુરક્ષિત ફીલ થઈ રહ્યું છે. સ્ત્રીઓ અને
પીડિત લોકો પોતાના પર થતાં અત્યાચારની એફ.આઈ.આર. લખાવતા ડરે છે, કારણકે
તેઓને પોલીસતંત્ર પર વિશ્વાસ નથી, લોકો અદાલતોમાં કેસ લડતા ડરે છે કે
કારણકે તેઓને ન્યાયતંત્ર પર વિશ્વાસ નથી. લોકો હવે ધર્મગુરુઓ પાસે પણ જતાં
ડરે છે, કારણકે તેઓ પણ વિશ્વાસલાયક નથી રહ્યા. નેતાઓ અને લોકશાહી પ્રત્યેના
વિશ્વાસની તો ચર્ચા જ કરવી નકામી છે. કારણકે ધર્મ અને જ્ઞાતિ-જાતિના
અવિશ્વાસને લીધે તેઓ એટલા બધા દૂર જતાં રહ્યા છે કે તેઓને પ્રજાના કામ
માટે પાછા લાવી શકાય એમ જ નથી. ધંધામાં પણ લોકોને સતત છેતરાઈ ગયાની લાગણી
થતી રહે છે.
કહે છે કે વિશ્વાસ કમાતા આખી જિંદગી
નીકળી જાય છે, પણ વિશ્વાસ ગુમાવવામાં એક ક્ષણ પણ લાગતી નથી.નાના હતા
ત્યારે હિંદીમાં ભણવામાં આવતું‘ વિશ્વાસ પે દુનિયા કાયમ હે.’ પણ આજે ફીલ
થાય છે કે વિશ્વાસ હી કાયમ નહી રહા! ગાંધીજીએ સ્વરાજ માટે ‘ટ્રસ્ટીશિપનો
સિદ્ધાંત’ આપેલો, તમે સમાજના સાધનોના ઉપયોગથી જે સંપતિનું સર્જન કર્યું, એ
સંપતિનો ઉપયોગ સામાજિક વિકાસ માટે થવો જોઈએ, લોકોના વિકાસ માટે થવો જોઈએ.
પણ આજે તો સંપતિ જ અવિશ્વાસના અંધકારમાં ખોવાઈ ગઈ છે. જે લોકોના સર્વોદયને
રૂંધી રહી છે.