Saturday, 4 October 2025

તોડકર જોડ લો, ચાહે હર ચીજ દુનિયાકી સબ કુછ કાબિલે મરમ્મત હે ‘વિશ્વાસ’ કે સિવા!

 તોડકર જોડ લો, ચાહે હર ચીજ દુનિયાકી સબ કુછ કાબિલે મરમ્મત હે ‘વિશ્વાસ’ કે સિવા!

New Study Shows A Lack Of Trust Between Employees And Employers









હેડિંગ:
    વિશ્વાસના અભાવે લોકો એકબીજાને છેતરી રહ્યા છે ને એટલે શંકાનું વાતાવરણમાં પ્રમાણ વધી રહ્યું છે. અને શંકા વિશે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદગીતામાં કહ્યું છે, "संशयात्मा विनश्यતિ"


 

 

    
  શું આપણને આપણી આસપાસના લોકો પર વિશ્વાસ છે? શું આપણને આ દેશની સરકાર, પોલીસ, રાજનીતિ,શિક્ષણનીતિ કે ન્યાયતંત્ર પર વિશ્વાસ છે? શું આપણને પ્રિયજન કે સ્વજન પર વિશ્વાસ છે? શું આપણને આ દેશના મીડિયા પર વિશ્વાસ છે? શું આપણને આપણી લોકશાહી પ્રક્રિયા પર વિશ્વાસ છે? શું આપણને ‘સ્વધર્મ’માં વિશ્વાસ છે? શું આપણને ઈશ્વર પર વિશ્વાસ છે? અરે શું આપણને આપણી જાત પર વિશ્વાસ છે? તમે જેની પાસેથી માલ ખરીદો છો એ વેપારી પર તમને વિશ્વાસ છે?

  આ પ્રશ્નોનાં જવાબો વિચારીશું એટલે સમજાઈ જશે કે આજે આપણે આસપાસના વાતાવરણમાથી શ્વાસમાં જે હવા લઈ રહ્યા છીએ, તેમાથી સતત અવિશ્વાસનો ઑક્સીજન શ્વાસમાં લઈ રહ્યા છીએ. 6જી ની ઝડપે લોકોનો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ વર્ચ્યુયલ બની રહ્યો છે. વિશ્વાસ મૃગજળ જેવો બની ગયો છે, જે લાગણીનો આભાસ કરાવે છે, પણ અહેસાસ નથી કરાવી શકતો. આપણે સૌ આજે શંકા, ભય અને અસુરક્ષાની નકારાત્મક લાગણીનો માનસિક અને શારીરિક શિકાર થઈ રહ્યા છીએ.

  વિશ્વાસની લાગણી વ્યક્તિના જન્મથી માંડીને તેના મૃત્યુ સુધીના દરેક તબક્કે અલગ અલગ રીતે આપણી અંદર ઊગે છે, ખીલે છે અથવા તો મૂરઝાય જતી હોય છે. રવિન્દ્રનાથ ટાગોરનું એક મસ્ત વાક્ય છે, “ આ પૃથ્વી પર અવતરતું પ્રત્યેક બાળક એ વાતનો સંદેશો લઈને આવે છે કે ઈશ્વરને હજી માનવજાત પર વિશ્વાસ છે.’ પણ માણસજાતની પોતાની ‘મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ’ માઈનસમાં જતી રહી હોય એવું આપણી આસપાસની ઘટનાઓને ફીલ કરીએ ત્યારે લાગે છે. વિશ્વાસ પર એવી ઘાત લાગી ગઈ છે કે તેનાથી લાગેલા ઘાવો દુનિયાની શ્રેસ્ઠ મલમપટ્ટીથી પણ રુઝાઇ નથી રહ્યા!

  બાળક જન્મે ત્યારે કુટુંબમાં નવી આશાઓ અને વિશ્વાસનો જન્મ થતો હોય છે. એ વિશ્વાસ કે આ બાળક ઘરના દરેક સંબંધોને કદી ના તૂટે એવા મજબૂત તાંતણે બાંધશે. તો મૃત્યુ પણ એ વિશ્વાસ લઈને આવે છે કે હવે નવજીવન મળશે. બાળક જ્યારે પ્રથમવાર સ્તનપાન કરે છે, તો તેને વિશ્વાસ થઈ જાય છે કે મારા પોષણ માટે ઈશ્વરે માંનું નિર્માણ કર્યું છે. પ્રથમવાર તેની જિંદગીને ઘરની ચોખટની બહાર જ્યારે પિતા આંગળી પકડીને લઈ જાય છે, તો બાળકમાં વિશ્વાસ જન્મે છે કે હું જ્યારે જ્યારે પડી જઈશ તો પિતા રૂપી આધાર મને ટેકો આપીને ફરીથી બેઠો થવાની તાકાત પૂરી પાડશે. એ જ રીતે કુટુંબના પ્રત્યેક સભ્યો થકી વ્યક્તિમાં કોઈને કોઈ પ્રકારનો વિશ્વાસ જન્મ લેતો હોય છે.

   તમે માર્ક કરજો બાળકને રમાડતા રમાડતા, જ્યારે કુટુંબનો કોઈપણ સભ્ય તેને હવામાં ઉછાળે છે, તો તેને 100% ભરોસો હોય છે કે મને આ વ્યક્તિ નીચે નહી પડવા દે. પણ મોટા થઈને આપણે સફળતાની હવામાં ઉડતા હોઈએ ત્યારે આપણને શું વિશ્વાસ હોય છે કે આ જ વ્યક્તિઓ આપણને નીચે નહી પડવા દે? કે પછી જિંદગીમાં આપણે મુશ્કેલીઓમાં ફંગોળાતા હોઈએ છીએ ત્યારે આપણને સંભાળી શકે એવું કોઈ મળશે એવો વિશ્વાસ ખરેખર ઉંમર વધતાં આપણી અંદર વધતો જાય છે કે ઘટતો જાય છે?

  જો કે વ્યક્તિને સૌથી પહેલા ‘પોતાની જાત’ પર વિશ્વાસ હોવો જોઈએ. જો તે ખુદના વિશ્વાસે સૂર્યની જેમ સળગતો રહેશે, તો આખી દુનિયાને સ્વ-પ્રકાશ થકી પોષણ આપતો રહેશે. પણ જો ખુદ પર વિશ્વાસ નહી હોય, તો ન તો એ ખુદ પર વિશ્વાસ રાખી શકશે કે ન તો કોઈના વિશ્વાસને પાત્ર બની શકશે. આત્મ-વિશ્વાસ પ્રકાશનો એ પૂંજ છે, જેના થકી આપણે જિંદગીમાં ગમે તેવી મોટી મુસીબતોનો સામનો કરી શકીએ છીએ. પણ આજકાલ વ્યક્તિઓમાં આત્મવિશ્વાસ એકદમ તળિયે જતો રહ્યો છે, જે કોઈપણ રીતે સપાટી પર નથી આવી રહ્યો.

  એક સર્વે પ્રમાણે વિશ્વભરમાં 85% લોકો ઓછા આત્મવિશ્વાસના અભાવથી પીડાય છે. કોઈને પોતાના રંગને લીધે તો કોઈને પોતાની હાઇટને લઈને તો કોઈને પોતાની ક્ષમતાઓને લઈને કે કોઈને હું આ કરી જ નહી શકું એવી લઘુતાગ્રંથિને લઈને પોતાની જાત સાથે જ સેટિંગ નથી આવતું! જે તેઓના બીજા સાથેના સેટિંગને પણ સ્વીચ ઓફ કરી દે છે.

 અને તેને લીધે એક વ્યક્તિનો બીજા વ્યક્તિ સાથેનો વિશ્વાસનો સંબંધ પણ ડગુમગુ થઈ રહ્યો છે. સંબંધોમાં ઝાકમઝોળ છે, રેપિંગ છે, પેકિંગ છે, સરપ્રાઇઝીસ તો અનલિમિટેડ છે, બહારથી બધુ અપ-ટુ-ડેટ લાગી રહ્યું છે, બસ સંબંધોના હાર્દરૂપ વિશ્વાસની જ કમી છે! અને એ કમી આજે જીંદગીની સૌથી નજીકની અને પ્રિય વ્યક્તિ પાસે સૌથી નજીકની વ્યક્તિનું ખૂન કરાવી રહી છે. ખૂણે-ખાચરેથી દર્દનાક હાલતમાં આપણે કલ્પના પણ ના કરીએ એવી સ્થિતિમાં લાશો મળી રહી છે, ને પછી જે રહસ્યો ખૂલી રહ્યા છે. તેને જોઈને વિશ્વાસ પરથી વિશ્વાસ ઉઠી જાય છે.

 આજે આપણાં સંબંધો મોબાઇલની ટચ સ્ક્રીન જેટલા પણ સેન્સિટિવ નથી રહ્યા. છાપાઓના ઓલમોસ્ટ દરેક પાનાઓ પર સંબંધોને લઈને કોઈને કોઈના ખૂનના સમાચારો છપાતાં રહે છે. સંબંધો, ધંધામાં, શિક્ષણમાં, અને ઈશ્વર પ્રત્યે એમ ઓલમોસ્ટ દરેક જગ્યાએ વિશ્વાસનો અભાવ ફીલ થઈ રહ્યો છે. લેટેસ્ટ ટેકનૉલોજી થકી લોકો એકબીજાની એકદમ નજીક આવી રહ્યા છે, પણ અંતર વધતું જ જાય છે. લોકો જેટલા એકબીજા સાથે કનેક્ટ થઈ રહ્યા છે, એટલા જ ડિસકનેક્ટ થઈ રહ્યા છે. વધુ પડતાં કનેકશને લોકોમાં વિશ્વાસને બદલે શંકાનું વાતાવરણ ઊભું કરી દીધું છે. એકબીજાના મોબાઈલ ચેક કરીને નિભાવવામાં આવતા સંબંધોમાં વિશ્વાસનો અભાવ સ્પષ્ટપણે છલકી રહ્યો છે. વિશ્વાસના અભાવને લીધે સંવાદોને બદલે વિવાદો વધી રહ્યા છે.

  સંબંધોમાં પ્રામાણિક્તા નથી રહી, જેને લીધે સંબંધો અપારદર્શક બની રહ્યા છે. અને એ અપારદર્શકતા વ્યક્તિઓને અસલામતી અને શંકાના એવા અંધકારમાં લઈ જઇ રહી છે, જ્યાં તેઓ સતત એકલતા, હતાશા, નિરાશા અને તણાવને ફીલ કરી રહ્યા છે. મોબાઇલના નંબરની અદલાબદલીથી શરૂ થયેલા સંબંધો તે મારો કોલ કેમ ના ઉપાડયો? કે મારો મેસેજ વાંચીને મને જવાબ કેમ ના આપ્યો? મે તને કોલ કર્યો ત્યારે તારો નંબર બીઝી આવી રહ્યો હતો, કોલ લૉગ જોઈને તે મને કોલબેક કેમ ના કર્યો? તારા સ્ટેટસમાં તારી આટલી નજીક કોણ હતું? તે મને લાઇક કેમ ના આપી? કમેંટ કરવાનું તો સાવ ભૂલી જ ગઈ કે ભૂલી ગયો! વગેરે વગેરે પ્રશ્નોની ગૂંચમાં એવા મૂંઝાઇ જાય છે કે વિશ્વાસના અભાવે કાચ તૂટે એટલી ઝડપથી તૂટીને વેરવિખેર થઈ જતાં હોય છે, જેની કરચો આખી જિંદગી વિશ્વાસઘાતના નામે ખૂંચતી રહે છે.

  લગભગ દરેક સંબંધો વિશ્વાસના અભાવે હાંફી રહ્યા છે. વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, ને લોકો એટલા બધા એકલા એકલા જીવી રહ્યા છે કે જીંદગીનો એકપણ દિવસ આંખોમાં આંસુ વગર સૂકો નથી જતો! જનરેશન ગેપ પણ આ વિશ્વાસના અભાવે જ વધુ ને વધુ પહોળો થઈ રહ્યો છે. આજે જન્મતા બાળકને માતા તરફથી પોષણ કે પિતા તરફથી આધાર મળશે કે નહી? એની કોઈ ગેરંટી કે વોરંટી જ નથી. વિશ્વાસ ટુકડાઓમાં કપાઈ ફ્રોઝન થઈ રહ્યો છે, તે કૂકરમાં બફાઈ રહ્યો છે, હનીમૂનમાં લોહીલુહાણ થઈ રહ્યો છે કે પછી ડ્રમમાં દમ તોડી રહ્યો છે. વિશ્વાસના અભાવે જ આજે નાનપણમાં એકબીજાનો હાથ પકડીને મોટા થયેલા ભાઈઓ સંપતિ માટે એકબીજાનું ખૂન કરવા તૈયાર થઈ જતાં હોય છે.

  જીવનનું પ્રત્યેક ક્ષેત્ર વિશ્વાસના અભાવને લીધે અસુરક્ષિત ફીલ થઈ રહ્યું છે. સ્ત્રીઓ અને પીડિત લોકો પોતાના પર થતાં અત્યાચારની એફ.આઈ.આર. લખાવતા ડરે છે, કારણકે તેઓને પોલીસતંત્ર પર વિશ્વાસ નથી, લોકો અદાલતોમાં કેસ લડતા ડરે છે કે કારણકે તેઓને ન્યાયતંત્ર પર વિશ્વાસ નથી. લોકો હવે ધર્મગુરુઓ પાસે પણ જતાં ડરે છે, કારણકે તેઓ પણ વિશ્વાસલાયક નથી રહ્યા. નેતાઓ અને લોકશાહી પ્રત્યેના વિશ્વાસની તો ચર્ચા જ કરવી નકામી છે. કારણકે ધર્મ અને જ્ઞાતિ-જાતિના અવિશ્વાસને લીધે તેઓ એટલા બધા દૂર જતાં રહ્યા છે કે તેઓને પ્રજાના કામ માટે પાછા લાવી શકાય એમ જ નથી. ધંધામાં પણ લોકોને સતત છેતરાઈ ગયાની લાગણી થતી રહે છે.

 કહે છે કે વિશ્વાસ કમાતા આખી જિંદગી નીકળી જાય છે, પણ વિશ્વાસ ગુમાવવામાં એક ક્ષણ પણ લાગતી નથી.નાના હતા ત્યારે હિંદીમાં ભણવામાં આવતું‘ વિશ્વાસ પે દુનિયા કાયમ હે.’ પણ આજે ફીલ થાય છે કે વિશ્વાસ હી કાયમ નહી રહા! ગાંધીજીએ સ્વરાજ માટે ‘ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત’ આપેલો, તમે સમાજના સાધનોના ઉપયોગથી જે સંપતિનું સર્જન કર્યું, એ સંપતિનો ઉપયોગ સામાજિક વિકાસ માટે થવો જોઈએ, લોકોના વિકાસ માટે થવો જોઈએ. પણ આજે તો સંપતિ જ અવિશ્વાસના અંધકારમાં ખોવાઈ ગઈ છે. જે લોકોના સર્વોદયને રૂંધી રહી છે.

 


Friday, 19 September 2025

ચાલો મળીએ આજના અભણ અને ગરીબ સેલીબ્રેટીને....

 

ચાલો મળીએ આજના અભણ અને ગરીબ સેલીબ્રેટીને.... 

 Rajasthan: झालावाड़ हादसे के बाद मिसाल बने मोर सिंह, स्कूल के लिए दे दिया  घर, खेत में बनाई झोपड़ी | mor singh gives house lives on farm to make space  for classrooms

         25 મી જુલાઇ, 2025માં રાજસ્થાનના એક નાના એવા ગામ પીપલોડીમાં ભારે વરસાદને લીધે એક જર્જરિત નિશાળનાં પડી જવાથી એ નિશાળમાં પુરથી બચવા સૂતેલા કુટુંબોમાથી 7 બાળકો મૃત્યુ પામ્યા અને 21 જેટલા ઘાયલ થયા. શાળાનું મકાન ધારાશાયી થઈ ગયું અને હવે બાળકો તેમાં ભણવા જઇ શકે એમ નથી. આ હેડલાઇન્સ આપણે સૌએ લગભગ દરેક વર્તમાનપત્રમાં વાંચી હતી અને તેને લગતી અજાણ્યા લોકોના આંખમાં પણ  આંસુ આવી જાય, તેવી પોસ્ટસ પણ સોસિયલ મીડિયામાં જોઈ હતી. આ બધુ જોઈને કે વાંચીને ઘણા બધા સંવેદનશીલ લોકોના હ્રદયમાં દર્દ પણ થયું હશે અને થોડીવાર પછી આપણે સૌ ડેઇલી રૂટીનમાં પણ જોડાઈ ગયા હોઈશું.

  થોડી વાર આ દુર્ઘટનાના સણકા પણ ઉપડ્યા હશે, જેમણે બાળકો ગુમાવ્યા હતા, એ કુટુંબો વિષે વિચારીને આંખના ખૂણા પણ ભીના થયા હશે. પણ અંતે એ વિચારો વરાળ બનીને ઊડી ગયા હશે અને એકાદ દિવસ બાદ આપણે સૌ આ દર્દને સાવ ભૂલી પણ ગયા હોઈશું. હવે તો એ ઘટનાને એક કે દોઢ મહિના જેટલો સમય થઈ ગયો છે, જે આપણા સૌના મેમરી સ્ટોરેજમાથી કાયમ માટે ડિલીટ થઈ ગયો હશે. હું તમને સૌને એ દુર્ઘટના વિષે કઈ યાદ કરાવવા નથી માંગતી.

  પણ તેની સાથે જોડાયેલી એક અભણ વ્યક્તિની પ્રેરણામય વાર્તા આજે સૌને કહેવા માંગુ છુ. એ નાનકડા ગામમાં રહેતા ગરીબ ખેડૂતની સમૃદ્ધ વિચારોની સરવાણી થકી આજે આપણે સૌ ભીંજાઇ જઈએ અને હ્રદયનું કોરાપણું ભીનું ભીનું થઈ જાય એ પ્રેરણાનું ઝરણું તમને સૌને ફીલ કરાવવા માંગુ છુ. શા માટે કુદરતના આવા કારમા ઘા સામે પણ આજે આપણે સૌ અડીખમ ઊભા છીએ? એ પ્રશ્નનો જવાબ આપણને સૌને આ 60 વર્ષીય વિચારોના સમૃદ્ધ ખેડૂત પાસેથી મળી રહે છે.

   પિપલોડી ગામના મોર સિંહ નામના ખેડૂતે, જેઑ પોતે ક્યારેય નિશાળે નથી ગયા તેમણે ગામની શાળાને પોતાનું ઘર બાળકોને ભણાવવા માટે આપી દીધું! તેમનું બે રૂમનું સાદું ઘર હવે ગામના બાળકો માટે સંસ્કારનું કેન્દ્ર બની ગઈ છે. જ્યાં ભણીને બાળકો પોતાનું ભાવિ ઘડી શકશે. પોતાના સપનાઓ સાકાર કરી શકશે. અત્યારે તે શાળામાં 50/60 બાળકો અભ્યાસ કરે છે. જો મોર સિંહે આ મહાન કામ ના કર્યું હોત તો એ બધા બાળકોનું ભણવાનું છૂટી જાત અને તેમણે બાળ મજૂરીમાં જોતરાઈ જવું પડત.

  આ ગામમાં 90 ઘરો છે, જેમાં મોટા ભાગના આદિવાસી લોકો રહે છે. જેમણે વિકાસનો રસ્તો ક્યારેય જોયો નથી, અને એટલે જ તેઓ માટે મોર સિંહે આપેલું બલિદાન ખૂબ મહત્વ ધરાવે છે. મોર સિંહ પોતાનું આ ઘર બાળકોને આપી દઈ પોતે વાંસના બનેલા ઘરમાં રહેવા ચાલ્યા ગયા, જ્યાં કોઈ જ સગવડો નથી. પણ મોર સિંહે નક્કી કર્યું છે કે બાળકોનું ભવિષ્ય સલામત રહેવું જોઈએ. હવે તો ઘણા બધા બાળકો એ શાળામાં ભણવા આવવા લાગ્યા છે. શાળાને લગતી સગવડો પણ ત્યાં પહોંચવા લાગી છે.

    શ્રી સિંહે પોતાના ઘરને શાળામાં રૂપાંતરિત કર્યા પછી, રાજ્ય સરકારે પીપલોડીને ફેડરલ યોજના હેઠળ "મોડેલ ગામ" જાહેર કર્યું છે. આનાથી નવી શાળા, રમતનું મેદાન, આરોગ્ય કેન્દ્ર અને અન્ય સુવિધાઓ માટે વધુ ભંડોળ એકત્રિત કરવામાં મદદ મળશે, એવું તે ગામના સ્થાનિક અધિકારીઓનું કહેવું છે. "ગામમાં નવી શાળા બનાવવામાં ઓછામાં ઓછો દોઢ વર્ષ લાગશે," પણ હવે બાળકોને ભણવામાં કોઈ અવરોધ કે અડચણ નથી, કારણકે તેઓને પોતાની કામચલાઉ સુંદર મજાની શાળા મળી ગઈ છે. 
 
    ૨૫ જુલાઈના રોજ પીપલોડીમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર રાજસ્થાનમાં નબળી શાળા માળખાગત સુવિધાઓના પ્રણાલીગત મુદ્દાઓને ઉજાગર કર્યા. તાજેતરના સરકારી સર્વેક્ષણ મુજબ રાજ્યમાં ૫,૬૦૦ થી વધુ શાળાઓ જર્જરિત હાલતમાં છે. પણ જ્યાં સુધી આ દેશમાં મોર સિંહ જેવી અડીખમ દીવાલો છે, ત્યાં સુધી માનવતા અને શિક્ષણ ક્યારેય જર્જરિત નથી થવાનું, કેમ ખરું ને? 
  સંવેદનાઓને સારા વિચારોમાં ફેરવી શકીશું ત્યારે જ આપણે દેશની જર્જરિત દિવાલોને મજબૂત કરી શકીશું. 
  
 

 

 

 

Friday, 5 September 2025

# ફોમો, આપણે ખરેખર શું મિસ કરી રહ્યા છીએ?

 

# ફોમો, આપણે ખરેખર શું મિસ કરી રહ્યા છીએ? 

 Fomo Fear Missing Out: Over 505 Royalty-Free Licensable Stock Illustrations  & Drawings | Shutterstock

 

 

     સરેરાશ ભારતીયનો સ્ક્રીન ટાઈમ રોજનો આશરે 7.3 કલાકનો છે. જેમાં સૌથી વધુ સમય તેઓ સોસિયલ મીડિયા પર પોસ્ટ જોવામાં અને ચેટ કરવામાં ખર્ચે છે. તમને થશે આમાં નવું શું છે? પણ આ સ્ક્રીન સ્ક્રોલ કરતાં કરતાં એકાએક જો તેઓ કોઈ મિત્ર કે સગા-સંબંધીઓના ટ્રાવેલિંગ કે  પ્રસંગના વિડિયોઝ કે ફોટા જુએ છે. કે પછી પોસ્ટ દ્વારા એ જાણે છે કે પોતાના મિત્રો અને સંબંધીઓ તેઓ  વિના ક્યાંક મોજ કરી આવ્યા? અને મનમાં વિચારો અને પ્રશ્નોનો ત્સુનામી આવી જાય છે.

   તમે સ્ક્રોલ કરી રહ્યા છો અને તમને એ પાર્ટીનો ફોટો દેખાય છે જેમાં તમે ગયા નહોતા. અથવા કોઈ "ઇન્ફલુઅન્સર" ના વેકેશનના ફોટા જે વિદેશી સ્થળોએ 5-સ્ટાર હોટલોમાં બીચ પર બેઠા હોય અને આપણને માર્કેટિંગની જાળમાં ફસાવતા હોય! અથવા કોઈ ન્યૂલી મેરીડ કપલ તેમના ભવ્ય હનીમૂન પર હોય.. જે આપણને એ નકારાત્મક વિચારો તરફ લઈ જાય છે કે “મને આ બધુ કેમ ના મળ્યું?” ચિંતા, ગુસ્સો, ઈર્ષ્યા, ઈર્ષ્યા, ઉદાસી વગેરે જેવી અનેક લાગણીઓ ઉભરીને સપાટી પર આવી જાય છે.

   FOMO હંમેશા સમાજમાં અસ્તિત્વમાં હતો જ પરંતુ હવે સોશિયલ મીડિયાની સુવિધા સાથે, આ ઉત્તેજનાઓ પ્રત્યેનો આપણો સંપર્ક સતત વધી રહ્યો છે. અને પછી, એટલી જ ઝડપથી, તમે બધું સમજવાનો પ્રયાસ કરતા ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો: તમે શું ખોટું કર્યું છે તે વિચારતા રહો છો, ઈચ્છો છો કે તમને પણ તેમાં સામેલ કરવામાં આવે, તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર સ્ક્રોલ કરીને તેઓએ તમને કેમ ના બોલાવ્યા? એ પ્રશ્નનો જવાબ શોધતા રહો છો, આખરે, તમે ઉદાસી, અપરાધભાવ અથવા શરમમાં ડૂબી જાઓ છો કારણ કે તમે ફીલ કરો છો કે તમે કશુંક બહુ જ જરૂરી મિસ કરી દીધું છે. આ છે ફીલિંગે ફોમો ( ફીઅર ઓફ મિસિંગ આઉટ)

  સોશિયલ મીડિયા પર અન્ય લોકો દ્વારા દર્શાવવામાં આવતી પ્રવૃત્તિઓ સાથે પોતાના જીવનની તુલના કરતી વખતે નકારાત્મકતાની લાગણી અનુભવવી, અન્ય લોકોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવા માટે વારંવાર સોશિયલ મીડિયાનું નિરીક્ષણ કરવું, સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યા પછી માનસિક થાક અનુભવવો, લાંબુ સમયપત્રક બનાવીને દરેક જગ્યાએ હાજર રહેવાનો પ્રયાસ કરવો, શારીરિક થાક અનુભવવો, ઉદાસી, ચિંતા અથવા હતાશાની લાગણી અનુભવવી, એકાગ્રતામાં મુશ્કેલીઓનો સામનો કરવો, ઊંઘવા માટે ફાંફા મારવા, ખુદને એકલી ફીલ કરવી...વગેરે વગેરે બાબતો થકી ફોમોએ રચેલી દુનિયામાં આપ સૌનું સ્વાગત છે.

  આ ઘટના સૌપ્રથમ 1996 માં માર્કેટિંગ વ્યૂહરચનાકાર ડૉ. ડેન હર્મન દ્વારા ઓળખવામાં આવી હતી, જેમણે સંશોધન કર્યું હતું અને 2000 માં ધ જર્નલ ઓફ બ્રાન્ડ મેનેજમેન્ટમાં આ વિષય પર પ્રથમ શૈક્ષણિક પેપર પ્રકાશિત કર્યું હતું. હર્મન એમ પણ માને છે કે આ ખ્યાલ મોબાઇલ ફોનના ઉપયોગ, ટેક્સ્ટિંગ અને સોશિયલ મીડિયા દ્વારા વધુ ભયંકર બન્યો છે. લેખક પેટ્રિક જે. મેકગિનીસે FOMO શબ્દ બનાવ્યો અને 2004 માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના મેગેઝિન ધ હાર્બસમાં એક ઓપ-એડમાં તેને લોકપ્રિય બનાવ્યો.

  FOMO અંગે સૌપ્રથમ રજૂઆત 2004 માં શૈક્ષણિક જોસેફ રીગલ દ્વારા લખાયેલા હાર્બસ લેખમાંથી પણ મળી આવી છે. અત્યારે આ શબ્દ સોસિયલ મીડિયાના વાઇરલ ટ્રેન્ડમાં છે. આ લાગણીએ ઘણા લોકોના માનસિક આરોગ્યને ઊંડેથી નુકસાન પહોંચાડયું છે. એક સર્વે મુજબ દર 10 માથી ચાર વ્યક્તિઓ ફોમોથી પીડાય રહી છે. ખાસ કરીને જનરેશન Z તેની જોરદાર ઝપટે ચડી ગઈ છે. આ ભય લોકોની સંતોષની લાગણીને માઇનસ લેવલ પર લઈ જઇ રહ્યું છે. મોટા ભાગના લોકો માત્ર આ ભયને લીધે સોસિયલ મીડિયાથી ચીપકીને રહેલા જોવા મળે છે.

  ફોમો ને લીધે બેટર લાઇફની સંકલ્પના જ બદલાઈ ગઈ છે. જેના વગર પણ જિંદગી મોજથી જીવી શકાય છે, તેવી તમામ બાબતોને આપણે આપણા જરૂરિયાતોના લીસ્ટમાં ઉમેરીને હેરાન થઈ રહ્યા છે. અને હવે આનો ઉપાય પણ આપણે જ શોધવો રહ્યો...

 

 

  

 

 

Friday, 22 August 2025

આજની ‘લોસ્ટ જનરેશન’ને પાછી કેવી રીતે મેળવીશું?

 

આજની ‘લોસ્ટ જનરેશન’ને પાછી કેવી રીતે મેળવીશું? 

 We are the next lost generation. – Drops of Ink

 

 

    આજની પેઢી આ શબ્દોથી વધુ ચર્ચાસ્પદ આજકાલ કઈ જ નથી. જો દેશમાં કઈ નવા-જૂની થઈ હોય, તો લોકો તેના વિષે વાતો કરતાં હોય છે, પણ જો ચર્ચા કરવા માટે બીજું કઈ ના હોય તો આજની પેઢી એ સૌથી હોટ ટોપીક હોય છે. લોકોની વાતોમાં આજની પેઢી વિશે ચિંતાઓ દેખાય છે. તેઓની વાતોમાં વારંવાર પોતે આજની પેઢી જેવડા હતા ત્યારે શું શું કરતાં હતા? તેનું એક લાંબુ લિસ્ટ છે. અને એ લિસ્ટ કોઈ રીતે આજની જનરેશનની પ્રવૃતિઓ સાથે મેચ થતું નથી. ને પરિણામે જે ગેપ ઊભો થાય છે, તેને પૂરવાના પ્રયાસો દરેક ઘરમાં થતાં રહે છે, પણ એ પુરાય છે, ખરા....

   માનવજાત અસ્તિત્વમાં આવ્યાને લગભગ 200,000 વર્ષ થઈ ગયા છે. માનવજાતની ઘણી પેઢીઓ આવી અને ઘણા વિકાસ થયા. હવે માનવજાત 21મી સદીમાં છે. અત્યારે જે પેઢી અસ્તિત્વમાં છે, યુવાનોની દુનિયામાં તેને "જનરેશન z" તરીકે ઓળખવામાં આવે છે. જનરેશન z એ 1997-2012 ની વચ્ચે જન્મેલા બાળકો છે, નામમાં Z એ ઝૂમર્સ માટે વપરાય છે જેમણે તેમના જીવનના ખૂબ જ શરૂઆતના તબક્કાથી ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો.

  આપણે આજની પેઢીને આપણી પાસે જે કઈ સારું હતું, ( આપણો શ્રેસ્ઠ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો) તે આપવા અધીરા થઈ રહ્યા છીએ. પણ લેટેસ્ટ ટેક્નોલોજી અને ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સના પ્રવાહમાં આજની પેઢી એવી વહી રહી છે કે તેઓને એ પ્રવાહમાથી બહાર લઈ આવવાના આપણા મોટા ભાગના પ્રયાસો નિષ્ફળ જઇ રહ્યા છે. આપણે આપણી આ નિષ્ફળતાના કારણો ધ્યાનથી તપાસવાની જરૂર છે. અને નવેસરથી નવા પ્રયાસો કરવાની જરૂર છે.

  પેલા તો એ વિચારી લઈએ કે ખરેખર આપણે તેઓને આપવા શું માંગીએ છીએ? આપણે એ પૂર્વગ્રહમાથી બહાર આવી જઈએ કે આ પેઢી કોઈનું સાંભળતી નથી કે કોઈને સીરિયસ લેતી નથી. જો આપણી રજૂઆત આકર્ષક હોય તો તેઓ ઘણું બધુ સાંભળે છે અને તેઓને સાચું લાગે એ જીવનમાં પણ ઉતારે છે. પણ મુશ્કેલી એ છે કે આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સની જેમ આકર્ષક રજૂઆત થકી કશું સમજાવી નથી શકતા. ને વળી આપણે તેઓને જે રસ્તે વાળવા માંગીએ છીએ, આપણે ખુદ એ રસ્તે ચાલીએ છીએ ખરા? આ પ્રશ્ન તો આજે મોટા ભાગના લોકો જે આજની પેઢી વિશે ચિંતા પાળીને બેઠા છે, તેમણે ખુદને પુંછી લેવો જોઈએ.

 આપણે તેઓને પુસ્તક વાચન સાથે જોડવા માંગીએ છીએ, પણ શું આપણે પુસ્તક સાથે મિત્રતા કરી છે? આપણે તેઓને ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સથી દૂર કરવા માંગીએ છીએ, પણ શું આપણે પોતે તેનાથી દૂર રહી શકીએ છીએ? આપણે ઈચ્છીએ છીએ કે તેઓ પ્રકૃતિ સાથે જીવે, પણ શું આપણે પ્રકૃતિ સાથે જીવંત રહીએ છીએ? આપણે તેઓની પાસે સમય માંગીએ છીએ, પણ શું આપણે તેઓને સમય આપીએ છીએ ખરા? આપણે તેઓને ખુલ્લા મેદાનમાં રમતા જોવા ઈચ્છીએ છીએ, પણ એ માટે આપણે કોઈ ખાસ પ્રયાસો કરીએ છીએ? યોગા,મેડિટેશન કે કોઈપણ પ્રકારના ધાર્મિક સંસ્કારો તરફ આપણે આજની પેઢીને લઈ જવા માંગીએ છીએ, પણ શું આપણે એ રસ્તે વળ્યા છીએ?

   હકીકત તો એ છે કે આપણે એવું માની લીધું છે કે આજની પેઢી માટે લાગણીઓ કરતાં પણ વધુ જરૂરી છે, તેઓની જરૂરિયાતોની પૂર્તિ! આપણે નાના હતા ત્યારે આપણી જે જરૂરિયાતો પૈસાના અભાવે પૂરી ના થઈ શકી એ હવે આપણાં બાળકોની થઈ જ જવી જોઈએ. આજની પેઢીનું જરૂરિયાતોનું લિસ્ટ આપણે જ લાંબુ કર્યું છે. આપણે જ તેઓને બહુ નાની ઉંમરે ના શીખવાનું શીખવા દીધું છે. આજની જનરેશન બહુ સ્માર્ટ છે, એવું કહેનારા દરેક લોકોએ તેઓની સ્માર્ટનેસને સમજવી પડશે.

  આપણે આપણી સગવડતા મુજબ તેઓનો ઉછેર કરી રહ્યા છીએ, એટલે આજની જનરેશન લોસ્ટ જનરેશનશા માટે કહેવાય છે? એ આપણે જ સમજવું પડશે. ખરેખર તો આપણે જ તેઓને પાછા શોધી આપવા પડશે. આપણા વિચારો તેમના પર થોપવાથી કશું નહી થાય, તેઓને આપણે હુંફ અને પ્રેમ થકી પાછા વાળવા પડશે.

 

Sunday, 10 August 2025

જોઈએ છીએ? જોઈએ છીએ? પુસ્તકો પરની ધૂળ ખંખેરી શકે એવા લોકો જોઈએ છીએ!!!

 

જોઈએ છીએ? જોઈએ છીએ? પુસ્તકો પરની ધૂળ ખંખેરી શકે એવા લોકો જોઈએ છીએ!!!

 Library - Trilogy Curated Bookshop and ...

 

 

 

   હમણાં એક દિવસ ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓને લઈને પુસ્તકાલય જવાનું વિચાર્યું. મુલાકાત ગોઠવવા માટે પુસ્તકાલયના વ્યવસ્થાપકને ફોન કર્યો. પેલા તો તેમને વિશ્વાસ જ ના આવ્યો કે કોઈ સ્કૂલના છોકરાવ મુલાકાતે આવવા માંગે છે, પણ પછી એ અવઢવની સ્થિતિમાથી બહાર આવીને તેમણે મુલાકાત ગોઠવી આપી.

  વિદ્યાર્થીઓને લઈને મુલાકાતે ગઈ, તો વિદ્યાર્થીઓ અવનવા પુસ્તકો અને સામયિકો તેમજ સમાચારપત્રો જોઈને ખુશ થઈ ગયા. ને પુસ્તકો પણ અમારા વિદ્યાર્થીઓને જોઈને ખુશ ખુશ થઈ ગયા. ચાલો કોઈક તો આવ્યું અમને આ કબાટોમાથી બહાર કાઢવાવાળું! લગભગ કલાક સુધી તેમણે ધ્યાન દઈને વાચન કર્યું. પુસ્તકોના એક બે પાનાં વાચ્યા, સામયિકો વાચ્યા, અને સમાચાર પત્રો પણ... ઘણાને સમજાવવું પડ્યું કે સામયિકો અને છાપાઓ વચ્ચે શું તફાવત હોય છે? પણ ઓવરઓલ એ કલાકની મુલાકાત વિદ્યાર્થીઓ માટે આનંદદાયક રહી. ઘણા વિદ્યાર્થીઓએ પુસ્તકાલયમાં ખાતું ખોલાવવાનું ફોર્મ પણ છેલ્લે લીધું.

     હું તે લોકોને વારંવાર વાચન માટે સમજાવતી હોવ છુ. કે રોજ થોડો થોડો સમય વાચનને આપો, જેથી તમે તમારા જીવનમાં નવા અને વૈવિધ્યસભર વિચારોનો ઉમેરો કરી શકો. જેના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓને હમણાં એક દિવસ મે એક ગુજરાતી છાપું દેખાડ્યું! 70 વિદ્યાર્થીઓના વર્ગમાં 80% વિદ્યાર્થીઓએ ક્યારેય ગુજરાતી છાપું નહોતું જોયું! મે પુછ્યું પણ ખરું કે તો તમે ડિજિટલ ન્યૂઝપેપર વાચો છો? તો તેની પણ તે લોકોએ ના પાડી!

   ખરેખર અત્યારના વિદ્યાર્થીઓમાં વાચન પ્રત્યે જરાપણ લાગણી નથી રહી. પુસ્તકો તો દૂર તેઓને નાના નાના ફકરાઓ વાચવામાં પણ કંટાળો આવે છે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સની સ્ક્રીનમાં તેઓનું વાચન ક્યાંક ગુમ થઈ ગયું છે. પુસ્તકોરૂપી આત્મા ઘરોમાથી જાણે કે અદ્રશ્ય જ થઈ ગયો છે. હકીકત તો એ છે કે આપણી પેઢી યંગ જનરેશનને પુસ્તકો આપવાનું જ ભૂલી ગઈ છે. કારણકે આપણે સૌ પણ આ સ્ક્રીનના વમળમાં ફસાઈ ગયા છીએ.

  2024 નેશનલ બુક ટ્રસ્ટ સર્વેએ કરેલા સર્વે મુજબ ભારતમાં માત્ર 36.8% બાળકો જ પુસ્તકો વાંચે છે, જ્યારે યંગ જનરેશનમાં તો આ આંકડો હજી નીચો છે. માત્ર 25% યુવાનો જ પુસ્તકો વાંચે છે. એટલું જ નહી જે પેઢીના લોકો પુસ્તકો પ્રત્યે લાગણીશીલ હતા, તેઓ પણ બીજા વિકલ્પો મળી રહેવાને લીધે પુસ્તકોનો સાથ છોડી રહ્યા છે. આપણા સૌના જીવનમાથી પુસ્તકોની લીટરલી બાદબાકી થઈ રહી છે. અન્ય દેશોની તુલનામાં ભારતમાં પુસ્તક વાંચન દર પ્રમાણમાં ઓછો છે તેના માટે ટેક્નોલોજીનો વધુ પડતો ઉપયોગ, શિક્ષણનો વધુ પડતો ભાર, ઈલેક્ટ્રોનિક ગેઝેટસ અને સોસિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ, મોંઘા પુસ્તકો અને  વધુમાં, વાંચન સમય માંગી લે તેવું વલણ જેવા પરિબળો જવાબદાર છે. 
 

  જે બાળકો ઓછું વાંચે છે તેઓ તેમના શૈક્ષણિક પ્રદર્શન, સામાજિક-ભાવનાત્મક સુખાકારી અને ભવિષ્યની તકો પર નકારાત્મક અસર અનુભવી શકે છે. ઓછું વાંચન શબ્દભંડોળ વિકાસ, સમજણ કૌશલ્ય અને એકંદર શૈક્ષણિક સફળતાને અવરોધી શકે છે, જે સંભવિત રીતે નીચા ગ્રેડ, શાળામાં ગેરહાજરી અને વર્તણૂકીય સમસ્યાઓ તરફ દોરી શકે છે. વધુમાં, ઓછું વાંચન કરનાર બાળકોમાં આત્મવિશ્વાસનો અભાવ, ચિંતા અને સાથીદારોના અસ્વીકાર જેવી સમસ્યાઓનો સામનો કરતા રહે છે. એટલું જ નહી ઓછા વાચનને લીધે બાળકોની કલ્પનાશક્તિને અને સર્જનાત્મક શક્તિને પણ નુકસાન થાય છે.

  ખુદ આપણે આપણી જાતને પુંછી લઈએ કે છેલ્લે આપણે ક્યારે એક આખું પુસ્તક વાંચ્યું હતું? કે આપણે ખુદ છેલ્લે ક્યારે પુસ્તકાલયની મુલાકાત લીધી હતી? જવાબ જ નહી આપી શકીએ.

  પુસ્તકો આપણાં સૌના જીવનમાં નવીનતા, વિવિધતા અને પ્રેરણા લઈને આવતા હોય છે. મોટા ભાગના સફળ લોકોની સફળતા પાછળ પુસ્તકોનો ફાળો જોરદાર હોય છે. વાચન એક પ્રકારનું મેડિટેશન છે, જેના થકી આપણું માનસિક આરોગ્ય જળવાય રહે છે, રહી વાત બાળકોને એ તરફ વાળવાની, તો એના માટે આપણે સૌએ પણ હાથમાં મોબાઇલને બદલે પુસ્તકો લેવા પડશે. શિક્ષણ સંસ્થાઓમાં એક પિરિયડ વાચનનો હોવો જોઈએ.

 

ગૂગલ, આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું?

  ગૂગલ , આ પથ્થર અને હથોડી વડે હું મંદિર કેવી રીતે બનાવું ?                        હમણાં વિદ્યાર્થીઓને ઇલોરામાં આવેલા કૈલાશ ...