Sunday 15 January 2023

  માતા-પિતાની મહત્વાકાંક્ષાના ભાર હેઠળ કચડાતી જિંદગીઓ....

 

માતા-પિતાની મહત્વાકાંક્ષાના ભાર હેઠળ કચડાતી જિંદગીઓ....

 Debate: Parental expectations[1]- Chinadaily.com.cn

 

 

બુધવારે એસ.વાય. બી.એ. માં રવીન્દ્રનાથ ટાગોરનું ફેમસ કાવ્ય ચાલતું હતું, “ where the mind is without fear” જેમાં ચિતને ભયથી દુર રાખવાની વાત કહેલ છે. મસ્ત કાવ્ય છે. ભણાવતા-ભણાવતા મેં બધા વિદ્યાર્થીઓને પૂછ્યું, ચાલો કહો તમને સૌથી વધુ ડર શેનો લાગે છે? બધાએ જવાબ આપ્યા, કોઈકે કહ્યું પાણીનો,કોઈકે કહ્યું આગનો, કોઈકે કહ્યું મરવાનો. બધાએ અલગ-અલગ જવાબ આપ્યા. પણ એક જવાબ જેણે મને આજે લખવાની પ્રેરણા આપી અને એ છે મને મારા માતા-પિતાની મહત્વાકાંક્ષાઓનો ડર લાગે છે.હું જયારે ભણવા બેસું મને એવું લાગે છે, હું તેઓની અપેક્ષાઓ નહિ પૂરી કરી શકું તો? અને તેના લીધે મારા જીવનમાં નકારાત્મક વિચારો આવી જાય છે. ને હું હતાશ અને નિરાશ થઇ જાઉં છું.

 અને સાંજે આ સમાચાર વાંચ્યા! કોટા ( રાજસ્થાનમાં) કૃતિ ત્રિપાઠી નામની એક વિદ્યાર્થીનીએ 90+ ટકા હોવા છતા ભણતર અને માતા-પિતાની અપેક્ષાઓના બોજ નીચે મૂંઝાઇને આપઘાત કર્યો. તેની સુ-સાઈડ નોટ ખરેખર વાંચવા જેવી છે, “ હું ભારત સરકાર અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયને કહેવા માંગુ છું કે જો તેઓ ઈચ્છે છે કે કોઈ બાળકનું મૃત્યુ ના થાય તો વહેલી તકે આ કોચિંગ સંસ્થાઓ બંધ કરી દેવી જોઈએ.” આ ભણતરના ભાર હેઠળ કચડાઈને આવી તો કેટલીયે માસૂમ જિંદગીઓ ખીલ્યા પહેલા જ કરમાઈ જતી હોય છે. શિક્ષણ વિદ્યાર્થીઓને જીવતા શીખવે તેવું હોવું જોઈએ, પણ આ તો કેવું શિક્ષણ જે વિદ્યાર્થીઓને મૃત્યુ તરફ ખેંચી જતું હોય છે! ભારતમાં દર એક કલાકે એક વિદ્યાર્થી આપઘાત કરે છે!

 આ જવાબ લગભગ આજના ૯૦% વિદ્યાર્થીઓનો હોય છે. આપણે સૌ જાણીએ છીએ, ડરને લીધે કોઈપણ કામ સરખું થઇ શકતું નથી. આપણે જેનાથી ડરીએ છીએ, તેને કદી પૂરેપૂરું આપી શકતા નથી. તો પછી માતા-પિતા શા માટે પોતાના સંતાનોને પોતાના સપનાઓ પુરા કરવાનું મશીન સમજતા હશે? અને બાળકો પર પોતાના વિચારો ફરજીયાત લાદતા હશે. અને એ પણ કોઈક સાથે સરખામણી થવાને લીધે. હકીકત તો એ છે કે માતા-પિતા સંતાનોને બજારમાં એક ચલણી સિક્કો બનાવી દેવાની દોડમાં એના અસ્તિત્વને છિન્નભિન્ન કરી દે છે. સંતાનોને ખુદની જિંદગી જીવવા મળતી નથી. તેઓ સતત માતા-પિતાની મહત્વાકાંક્ષા હેઠળ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી દે છે. માતા-પિતા એ નહિ સમજતા કે સંતાનોને પોતાની પણ કોઈ ઈચ્છાઓ, સપનાઓ હોય છે. છે કોઈ ક્ષેત્ર એવું જે તેને બહુ ગમતું હોય છે, પણ એ દુનિયાની દ્રષ્ટીએ કે બજારની દ્રષ્ટીએ બહુ ઉપયોગી નહિ હોવાને લીધે, માતા-પિતા સંતાનોના એ સપનાઓને સ્પેસજ આપતા નથી.

  મોટાભાગના ઘરોમાં આ બાબતે માતા-પિતા અને સંતાનો વચ્ચે વિશ્વયુદ્ધથતા રહે છે. અને તેઓ વચ્ચે ગેપ વધતો જાય છે. માતા-પિતાની મહત્વાકાંક્ષા સાથે મેળ નહિ પડતો હોવાથી મોટાભાગના બાળકોને શિક્ષણ પ્રત્યે નફરત થઇ જાય છે. દર વર્ષે લાખો બાળકો માતા-પિતાની મહત્વાકાંક્ષાને લીધે પોતાનું મનપસંદ શિક્ષણ કે જીવન મેળવી શકતા નથી. બીજાની સરખામણીએ મારું સંતાન પાછળ ના રહી જાય એ જ તેઓનું એકમાત્ર ધ્યેય હોય છે. તેઓ પોતાના સંતાનોને રેસના ઘોડાથી વિશેષ કશું સમજતા હોતા નથી. ગમે તે રીતે સંતાનોને રેસ જીતવાની છે, આગળ વધવાનું છે. પછી ભલે એ રેસમાં રસ હોય કે ન હોય!

 મોટાભાગે માતા-પિતા બાળક જન્મે એ પહેલા જ તેનું ભવિષ્ય નક્કી કરી લેતા હોય છે. મારો દીકરો કે દીકરી આમ જ કરશે અને આમ જ બનશે. તેઓને ખબર નથી હોતી કે જે જન્મવાનું છે, એ સ્વતંત્ર અસ્તિત્વ સાથે જન્મશે. આપણે એને જન્મ આપીએ છીએ,પણ એનું ભવિષ્ય એને જાતે નક્કી કરવાનું છે.વળી મોટાભાગના માતા-પિતા પોતાના બાળકોને કા તો ડોક્ટર અને કા તો એન્જિનિયર જ બનાવવા ઈચ્છતા હોય છે, જાણે આ સિવાય બીજું કઈ તેઓનું ભવિષ્ય જ ના હોય એવું લાગે! આવી મહત્વાકાંક્ષાને લીધે બાળકોનું અસ્તિત્વ સતત ભૂંસાતું રહે છે. તું આમ કર આમ ના કર એવું કહી માતા-પિતા સંતાનોને ટોકતા રહે છે અને સંતાનો ઘણીવાર એને લીધે પોતાનું અસ્તિત્વ બનાવી શકતા નથી.

 દરેક વાલીએ એ સમજવું જોઈએ કે તેઓ પોતાના સંતાનોના વોચમેન નથી, પણ માળી છે. જેમ માળી ફૂલને ખીલવાની પૂરી તક આપે છે, એ ફૂલને પાણી, સૂર્યપ્રકાશ,હવા બધું સમયાંતરે આપે છે, જેથી ફૂલ એની પૂર્ણ કક્ષાએ ખીલી શકે. એ ફૂલો વચ્ચે કદી સરખામણી નહિ કરે. એમ જ આપણે પણ આપણા સંતાનોને સમયાંતરે જરૂરી બધું જ આપવું પણ એ આપણી રીતે જ ખીલે એવી અપેક્ષા કદી ના રાખવી. જેમ દરેક ફૂલને પોતાનું સોંદર્ય,મહેક હોય છે, એમ જ દરેક બાળકને પોતાનું વિશ્વ હોય છે. કોઈ રમતમાં હોશિયાર તો કોઈ કળામાં તો કોઈ ભણવામાં હોશિયાર હોય છે, સૌને સૌનું ક્ષેત્ર પસંદ કરી લેવા દેવું જોઈએ. તમે માર્ક કરજો જે માતા-પિતાએ પોતાના બાળકોને આવી ક્ષમતા પારખી ઉછેર્યા છે, તેઓ આજે સફળ છે. જે તે ક્ષેત્રમા આગળ છે. તો પછી શા માટે બાળકોને મહત્વાકાંક્ષા ના બોજ નીચે કચડી દેવા. એ જે છે એ પણ ભૂલી જશે. એક ડર હમેંશા તેની સાથે વિકસતો રહેશે, કે હું મારા માતા-પિતાની આંકાક્ષાઓ પૂરી નહિ કરી સકું તો શું થશે? એ બીકે ઘણા બાળકો પોતાનું બાળપણ,યુવાની બધું જ ગુમાવી બેસે છે!

     એક માતા-પિતા તરીકે સમાજમાં આપણે આપણા બાળકોને હમેંશા એક ઢાંચામાં ઢાળવાના પ્રયત્નો કરતા રહીએ છીએ અને એટલે જ જનરેશન ગેપ વધતો જાય છે. એવી ખાઈ બંને વચ્ચે બનતી જાય છે જે રોજેરોજ વધુને વધુ ઊંડી બનતી જાય છે. આવી પરિસ્થિતિમાં માતા-પિતા અને સંતાનોના સપનાઓ ટકરાતા રહે છે અને બંને પક્ષે હતાશા,નિરાશા વધતી જાય છે. ઘણા મા-બાપ સંતાનોને સ્ટેટસ અપડેટ માનતા હોય છે. દુનિયાને દેખાડી દેવાના ચક્કરમાં તેઓ પોતાના સંતાનોને સ્ટેટસનું પ્રેશર આપતા રહે છે, જેને લીધે બાળકો વધુ ટેન્શનમાં રહે છે. તેઓ બાળકોને પાંખ તો આપે છે, પણ ઉડવા આકાશ આપતા નથી. મહત્વાકાંક્ષાની બેડીઓ સંતાનોના આકાશને સીમિત કરી દે છે.

  ઘણા ઘરોમાં તો વિચારોની બારીઓ ખોલવાની પણ છૂટ નથી હોતી. માતા-પિતા પોતાના સંતાનોનું જીવન ડીઝાસ્ટર મેનેજમેન્ટની સૂચનાઓ જેવું કરી દે છે, આમ કરાય અને આમ ના કરાય. સંતાનોને હરહમેંશ એવું લાગ્યા કરે કે કોઈ અદ્રશ્ય સ્વરૂપે એની પાછળ ફરતું રહે છે, જે એને વિકસવા દેતું નથી. તું અમારી આશા છે એવું જયારે કોઈ માં-બાપ પોતાના સંતાનને કહે છે એ સંતાન પોતાના જીવનની આશા ગુમાવી બેસે છે. આપણે એને માત્ર ચાલવા શીખવવાનું છે, રસ્તાઓ એને જાતે શોધવા દેવાના છે, આપણે એને રક્ષણ આપવાનું છે બાકી એ પોતાનું અસ્તિત્વ જાતે શોધી લે છે. હકીકત તો એ છે કે આપણે તેઓને વારસામાં મિલકત કે અપેક્ષાઓ નહિ પણ એને જાતે વિકસવાની તકો આપવાની છે. એને નક્કી કરવા દેવાનું છે કે એને શું બનવું છે?

 

 

Tuesday 20 December 2022

આપણે જેવા છીએ તેવા સ્વીકારવાની હિંમત છે? આપણા સૌમા!!!

 

આપણે જેવા છીએ તેવા સ્વીકારવાની હિંમત છે? આપણા સૌમા!!

 Self-acceptance quotes | The World of English

 

     કરણ જોહરે પોતાની આત્મકથા An Unsuitable Boyમાં હું ગે છુ એવું સ્વીકાર્યું છે. લોકો તરફથી વારંવાર કરણની જેન્ડરને લઈને થતી પંચાતોનો જવાબ આપતા તેણે જવાબ આપ્યો હતો કે,  "Everybody knows what my sexual orientation is. I don't need to scream it out. If I need to spell it out, I won't only because I live in a country where I could possibly be jailed for saying this". પોતાના શરીરને અને મનને તેમણે સ્વીકારી લીધું છે. માટે જ તેમણે સરોગેસી થકી બે સુંદર બાળકોના પિતા બનવાનું પસંદ કર્યું છે.

  શું આપણે આવી રીતે ખુદને સ્વીકારી શકીએ છીએ ખરા? આપણે આપણા વિકસવાના વર્તુળની ત્રિજ્યા જ એટલી સાંકડી કરી લીધી છે કે સમાજના વર્તુળની બહાર આપણે નીકળી જ નથી રહ્યા. અને એટલે આપણે બીજાને પણ વિકસવા નથી દેતાં! હકીકત તો એ છે કે આપણે ખુદને ક્યારેય નજીકથી જોવાનો કે સમજવાનો જ પ્રયાસ નથી કરતાં હોતા. હેલન કેલરે પોતાનામાં રહેલી શારીરિક ખામીઓને સ્વીકારી લીધી એટલે તેણી માનસિક રીતે મજબૂત બની આગળ વધી શકી. અને એવું કામ કરી બતાવ્યુ જે શારીરિક રીતે ફીટ માણસો પણ નથી કરી શકતા.

   આપણી આસપાસ એવા ઘણા લોકો વસે છે, જેમણે પોતાની જાતને સ્વીકારી લીધી છે, એટલે તેઓ સફળ છે. તેઓને આવી રીતે સફળ થતાં જોઈને પણ આપણે પ્રેરણા લેતા નથી. આપણે ખુદને અને ખુદમાં રહેલી ખામીઓને સમાજથી છુપાવતા રહીએ છીએ. અને તેને લીધે આપણે આપણી વિશિષ્ટતાઓ પર પણ ધ્યાન નથી આપી શકતા.

 આપણે કાળા છીએ, આપણે જાડા છીએ, આપણે ઠીંગણા છીએ, આપણે ઓછાબોલા છીએ, આપણે ગરીબ છીએ, આપણે અશક્ત છીએ, સમાજે નકકી કરેલા માપદંડો મુજબ આપણને જીવવું નથી ગમતું, વગેરે વગેરે બાબતો આપણે આપણા મનમાં એવી રીતે ભરી લેતા હોઈએ છીએ, કે નવી કોઈ વાતો મનમાં દાખલ થઈ જ શકતી નથી! અરે યાર આપણે જેવા હોઈએ ખુદને પસંદ હોવા જોઈએ. જો આપણે આવી બિનજરૂરી બાબતોને જીવનમાં સ્થાન આપતા રહીશું તો ખુદનું જીવન કદી નહી જીવી શકીએ.

આપણે જ્યારે કોઈ સ્થળે કિન્નરને જોઈએ છીએ, તો મજાક ઉડાવતા હોઈએ છીએ. જેઓના આશીર્વાદ લેવા આપણને ગમતા હોય છે, એ વ્યક્તિઓને આપણે એવી નજરથી જોતાં હોઈએ છીએ કે માતા-પિતાને આવા બાળકો જન્મે એ સાથે જ તેઓનો ત્યાગ થઈ જતો હોય છે. છતાં કેટલાક લોકો પોતાના એ શરીરને પણ સ્વીકારીને આગળ વધી જતાં હોય છે. એ શરીરને પણ આપણે સ્વીકારી લેવું જોઈએ.

આપણે જેટલી જલ્દી ખુદને ઓળખી અને સ્વીકારી લઈશું, એટલૂ વહેલા જીવન જીવવાની મોજ માણી શકીશું. આપણે અહી સમાજના માળખામાં ફીટ થવા નથી આવ્યા, પણ ઈશ્વરે આપણા પર મૂકેલી શ્રદ્ધાને ફીલ કરવા આવ્યા છીએ. આપણને એકપણ ફિલટરની જરૂર નથી, કે કોઈના અપ્રૂવલની પણ જરૂર નથી. આપણે જેવા છીએ તેવા રહીએ, જરૂર મુજબ ખુદને અપડેટ કરતા રહીએ અને જિંદગીમાં જીવંતતા ઉમેરતા રહીએ.

  આપણી કોઈપણ ખામી ક્યારેય આપણા પર હાવી ના થવી જોઈએ. આપણે શારીરિક રીતે ભલે વિકલાંગ હોઈએ, પણ માનસિક રીતે આપણે દિવ્યાંગ હોવા જોઈએ. આપણી અંદર જે કઈ હોય તેને સાથે લઈને ચાલવું જરૂરી છે. ટ્રોલ થઈ જવાની બીકે આપણે આપણી જિંદગી વિષે ટ્વિટ કરવાનું છોડી દેવાની જરાપણ જરૂર નથી. સમાજની ચર્ચાની એરણે સૌ કોઈ ચડતું રહે છે, આગળ તેઓ જ વધી શકે છે, જેઓ આ ચર્ચાને અવગણતા રહે છે.

  ખુદનો સ્વીકાર આપણામાં આત્મવિશ્વાસ પેદા કરે છે. જેઓ ખુદને જેવા છે, તેવા સ્વીકારી લે છે, તેઓ માનસિક રીતે મજબૂત બની જતાં હોય છે. જેઓ ખુદને સ્વીકારી લેતા હોય છે, તેઓ પોતાની અંદર રહેલી નકારાત્મકતાને સરળતાથી દૂર કરી લેતા હોય છે. તેઓ જીંદગીને વધુ ઝડપથી હકારાત્મક બનાવી શકતા હોય છે. સમાજે ફૂંકેલા વાવાઝોડાનો તેઓ દ્રઢતાથી સામનો કરી શકતા હોય છે.

 આપણે દેખાવડા ના હોઈએ તો ક્યારેય લઘુતાગ્રંથિથી પીડાવું ના જોઈએ. દુનિયામાં ઘણી એવી વ્યક્તિઓ છે, જે સુંદર ના હોવા છતાં સફળતાના શિખરે છે. આપણી અંદરની ગુણવત્તા જ આપણને બીજાથી અલગ પાડતી હોય છે. સમાજના માપદંડો જ કઈક એવા છે કે સમાજની વ્યાખ્યાઓથી અલગ વ્યક્તિઓ પોતાની જાતને અભિવ્યક્ત કરતાં ડરતી રહે છે અને ક્યારેક તો આવી વ્યક્તિઓ હતાશા અને નિરાશામાં પણ ગરકાવ થઈ જતી હોય છે.

  માટે ખુદને જેવા છીએ, તેવા સ્વીકારવાની હિંમત રાખીએ અને આપણી ખામીઓ અને નિષ્ફળતાને સ્ટેટસમાં મૂકતાં ના ડરીએ. ખુદને અપડેટ કરવા લોકોની કમેંટસને અવગણતા રહીએ. આપણી જિંદગી  કોઈના લાઈક, કમેંટ્સ કે શેર પર આધારિત ના હોવી જોઈએ. આપણી જિંદગી ખુદ પર આધારિત હોવી જોઈએ.

 

 

Friday 2 December 2022

સ્ત્રીઓ ધર્મસ્થાનો, અંદર આવવાની મનાઈ છે....કારણકે?

 

સ્ત્રીઓને ધર્મસ્થાનોની, અંદર આવવાની મનાઈ છે....કારણકે?

Controversial Notice Outside Jama Masjid Gets Withdrawn After Widespread Backlash

     હમણાં હમણાં દિલ્હીની જામા મસ્જિદમાં સ્ત્રીઓએ અંદર આવવું નહી એવા બોર્ડે બહુ વિવાદ જગાવ્યો. અંગે બહુ ચર્ચાઓ ચાલી. અંતે એ બોર્ડ લઈ લેવામાં આવ્યું. તો 2016 પહેલા શિંગળાપૂરના શનિદેવના મંદિરમાં સ્ત્રીઓને પ્રવેશવાની મનાઈ હતી! 2016 પછી તૃપ્તિ દેસાઈની ચળવળને લીધે સ્ત્રીઓને શનિદેવના મંદિરમાં પ્રવેશ મળવા લાગ્યો.

 કેરલના Pathanamthitta district માં આવેલા શબરીમાલા મંદિરમાં સદીઓથી સ્ત્રીઓ માટે નો એન્ટ્રી છે! 1991માં થયેલી એક પિટિશનને લીધે 10 થી 50વર્ષની સ્ત્રીઓને શબરીમાલા મંદિરમાં પ્રવેશવાની મનાઈ હાઇ-કોર્ટે ફરમાવેલી છે. જે સ્ત્રીઓ પિરિયડસમાં હોય તેઓને અંદર આવવાની મનાઈ કરવામાં આવી હતી. જેનો 2018 બાદ ખૂબ જ વિરોધ થયેલો. ઘણી સ્ત્રીઓએ મંદિરના પરિસરમાં જવાના પ્રયાસો કરેલા. ઘણી સ્ત્રીઓ સફળ પણ થઈ. પણ તેઓના ગયા બાદ મંદિરને ફરીથી પવિત્ર કરવામાં આવ્યું! સ્ત્રીઓ વિના કોઈ ધર્મસ્થાન પવિત્ર કેવી રીતે થઈ શકે? ને હાઈકોર્ટે સ્ત્રીઓને મદિરમાં જવાની મંજૂરી આપતા ત્યાં રમખાણો પણ ફાટી નીકળ્યા હતા!

   જે ધર્મસ્થાનોને આપણે ઈશ્વરનું ઘર માનીએ છીએ, એ ઘરોમાં સ્ત્રીઓને શા માટે પ્રવેશ નથી મળતો? સ્ત્રી એ પરમ પિતા પરમાત્માનું સર્જન છે, તો પછી તેઓને શા માટે ધર્મસ્થાનોમાં પ્રવેશવા દેવામાં નથી આવતી? એક સર્વે મુજબ પુરુષો કરતાં સ્ત્રીઓ ધર્મના અસ્તિત્વને વધુ ઝડપથી સ્વીકારતી હોય છે, તો પછી શા માટે તેઓને ધર્મસ્થાનોથી દૂર રાખવાના પ્રયાસો કરવામાં આવે છે?

  સ્ત્રી જ્યારે પિરિયડ્સમાં હોય ત્યારે તેઓને ધર્મસ્થાનોમાં જવાની મનાઈ કરવામાં આવે છે, એ પૂર્વગ્રહ હવે બદલવાની જરૂર છે. પિરિયડસમાં હોવું એ સ્ત્રીના અસ્તિત્વ સાથે સંકળાયેલી ઘટના છે, તે એવું ઋતુચક્ર છે, જે પૃથ્વી પરના લોકોના જન્મ સાથે સંકળાયેલું છે. એ દિવસો કેમ કરીને ઈશ્વરથી દૂર રહેવાના દિવસો હોય શકે? પ્રાચીન સમયથી આપણાં દેશમાં આ માન્યતા ચાલી આવે છે, જેને હવે આપણે બદલવાની જરૂર છે. આપણે આપણાં વિચારોને બદલવાની જરૂર છે. પ્રાચીન સમયમાં જે કાઇપણ કારણો હતા, તે યુગ બદલાય તેની સાથે બદલાઈ જવા જોઈએ. જેટલી ઝડપથી આપણે ટેકનૉલોજિ બદલી રહ્યા છીએ, તે ઝડપે આવા જુનવાણી વિચારો પણ બદલવાની જરૂર છે.

  બીજું કારણ પ્રવેશનિષેધનું ખરેખર જાણવા જેવુ છે. જામા મસ્જિદના ઈમામે બોર્ડનો વિરોધ થતાં એવું કહ્યું કે છોકરાઓ અને છોકરીઓ અહી સેલ્ફી અને ફોટા પાડવા આવે છે, એટલે આવું બોર્ડ મૂકવું પડ્યું. અરે છોકરીઓ સાથે છોકરાઓ પણ આ બધુ કરતાં હતા, તો તેઓ માટે શા માટે આવું બોર્ડ ના મુકાયું? હકીકત તો એ છે કે પુરુષપ્રધાન સમાજમાં સમાજને જાળવી રાખવાની સંપૂર્ણ જવાબદારી સ્ત્રીઓ પર નાખી દેવામાં આવે છે. એટલે આવા પ્રવેશનિષેધના નિયમો પણ સ્ત્રીઓ માટે જ મૂકવામાં આવે છે. છોકરાઓ માટે પણ આવું બોર્ડ મૂકી શકાયું હોત...

  પુરુષો તો હોય જ એવા, પણ સ્ત્રીઓએ આવું ના કરવું જોઈએ. એવું કહીને સ્ત્રીઓ પર નિયંત્રણ લાદી દેવામાં આવે છે. મને તો એ જ નથી સમજાતું કે સમાજ શા માટે સ્ત્રીઓને ધર્મસ્થાનોથી દૂર રાખવા માંગે છે? જો સ્ત્રી અને પુરુષ બંને ઉપરવાળાનું જ સર્જન હોય તો પછી સ્ત્રીઓ માટે આવા નિયમો શા માટે? તો વળી ઘણા ધર્મસ્થાનોમાં સ્ત્રીઓને જીન્સ કે બીજા કપડાં પહેરીને ના આવવું, એવી સૂચનાઓનું પાલન કરવું પડે છે.  

 તો વળી ઘણા ધર્મોમાં સ્ત્રીઓને જોવાની પણ મનાઈ કરી દેવામાં આવે છે. ના જોવાથી અંદરના જે કઈ હોર્મોન્સ છે, એ બદલાઈ જવાના? પુરુષો અને સ્ત્રીઓના ધર્મસ્થાનો પણ અલગ અલગ બાંધવામાં આવે છે! તેઓને બને તેટલા દૂર રાખવાની કોશિશ કરવામાં આવે છે. શું થશે એનાથી? પરિણામો આપણી સામે જ છે! જે લોકો ધર્મને સમજવા માંગે છે, તેમણે એક વાત સમજી લેવાની જરૂર છે કે સ્ત્રીઓથી અલગ રહેવાથી તેઓ ક્યારેય ઉપરવાળાની નજીક નથી જઇ શકવાના. આપણાં ઋષિમુનિઓ હમેંશા સાંસારિક જીવન જીવીને જ આધ્યાત્મિક જ્ઞાન મેળવી શકયા હતા.

 સ્ત્રીઓને ધર્મસ્થાનોથી દૂર રાખવાના આ કારણો સાવ પાયા વિનાના છે. યોગામાં શ્વાસને રોકી રાખવાની ક્રિયા નકારાત્મક ગણાય છે. તેમજ સ્ત્રીઓના પ્રવેશને ધર્મસ્થાનોમાં રોકવાની ક્રિયા પણ નકારાત્મક છે. આપણાં કોઈપણ ધર્મગ્રંથોમાં સ્ત્રીઓને ધર્મસ્થાનોમાં પ્રવેશવા ના દેવી, કે તેઓની સામે પણ ના જોવું, એવું કઈ લખેલું જ નથી. તો પછી આપણે ક્યાં આધારે આ બધા પૂર્વગ્રહો પાછળ દોડી રહ્યા છીએ. ધર્મસ્થાનોમાં જો ખરેખર સૃષ્ટિના સર્જક્નુ અસ્તિત્વ હોય તો સ્ત્રીઓ પણ ત્યાં એન્ટર થઈ શકતી હોવી જોઈએ. એના માટે સ્ત્રીઓએ લડવું પડે એનો અર્થ એ છે કે ત્યાં સર્જકનું અસ્તિત્વ નથી.

   

   

 

દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???

  દિવસોની ઉજવણી લોક-જાગૃતિ માટે કે બજારનો નફો વધારવા માટે???       હમણાં એક રસપ્રદ જાહેરાત વાંચી , એક નિદાન-કેમ્પની જાહેરાત હતી , તમ...