Sunday 12 February 2023

સંતાનોની ખોટી ફરિયાદોની ચકાસણી કર્યા વિના હોબાળો...... થોડું વિચારી લઈએ.

 

સંતાનોની ખોટી ફરિયાદોની ચકાસણી કર્યા વિના હોબાળો...... થોડું વિચારી લઈએ. 

 Parents: not happy about something at school? Here's how to complain |  Teaching | The Guardian

 હમણાં રાજકોટની એક નિશાળમાં ધોરણ 8માં ભણતી એક છોકરીએ ઘરે જઈને માતા-પિતા પાસે ફરિયાદ કરી કે ગણિતના સરે આજે મને ગણિતના પિરિયડમાં ‘I love યૂ કહ્યું. અને માતાશ્રીએ  સાચું ખોટું કશું જાણ્યા સમજ્યા વિના નિશાળમાં જઈને હોબાળો મચાવી દીધો. શાળાના સ્ટાફ અને ગણિતના સર સાથે બોલા-ચાલી કરી અને સરને જેવુ-તેવું કહેવા લાગ્યા. સરે કહ્યું કે હું ક્લાસમાં રીવિઝન કરાવી રહ્યો હતો, ગણિતના એક સ્વાધ્યાય માટે જરૂરી ફોર્મ્યુલા શીખવી રહ્યો હતો. શિખવ્યા બાદ આ સૂત્ર મે બધાને વારા-ફરતી પૂંછયું, આખા ક્લાસમાં માત્ર તમારી દીકરીને ના આવડ્યુ એટલે મે તેને મોટીવેટ કરવા કહ્યું કે તું બોર્ડ પાસે જઈને બોલ કે, I love this formula’

  શાળાના આચાર્યએ સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કર્યું, તો ગણિતના સરે કહ્યું હતું એવું જ થયું હતું. હવે વિચારો શાળામાં સી.સી.ટી.વી. ફૂટેજ ના હોત તો પેલા સરનું શું થાત? ક્લાસના બીજા વિદ્યાર્થીઓએ પણ કહ્યું કે હા સરે તેને I love this formula’ એવું જ બોલવાનું કહ્યું હતું! હવે શું પેલા માતાશ્રી દીકરીને સમજાવી શકશે કે સરને અને શાળાના સ્ટાફને સોરી કહેવાનું શિખવશે ખરા?

 ક્યાં સુધી આપણે આપણાં સંતાનોની આવી ખોટી બાબતોને સાચું-ખોટું જાણ્યા-સમજ્યા વિના પ્રોત્સાહન આપતા રહીશું? જે માતા-પિતા જાણ્યા-સમજ્યા વિના પોતાના સંતાનોનું આવું ઉપરાણું લીધા કરે છે, તેઓ પોતાના સંતાનોને ખોટા રસ્તે લઈ જઈ રહ્યા છે.

 આવા સંતાનો બહુ ઝડપથી ગલત રસ્તે જતાં રહેતા હોય છે. અને એકદિવસ આ બાબત ખુદ માતા-પિતા માટે ખતરનાક બની રહેતી હોય છે. જરૂર પડ્યે સંતાનોની સાઈડ લઈએ, પણ જરૂર પડે તો તેને ટોકતાં અને રોકતા રહીએ. તેઓની ખોટી ફરિયાદોને પ્રોત્સાહન આપતા રહીશું તો તેના ઉછેરમાં મોટી ખામી રહી જશે. આવા સંતાનો જ આગળ જઈને માતા-પિતાના દૂ:ખોનું કારણ બની રહેતા હોય છે

આવા સમયે આપણે સંતાનોને પ્રોત્સાહન આપતા રહીશું તો તેઓના મનમાં એવું ઠસી જશે કે હું ગમે તેટલું ખોટું કરીશ કે બોલીશ મારા માતા-પિતા મારી પડખે ઊભા છે, એટલે મને કોઈ તકલીફ નહી પડે. અને તેઓ સાવ ખોટા રસ્તે ચડી જશે. આવા સંતાનો પોતાની ખામીઓ છુપાવવા હમેંશા બીજા પર આરોપો મૂકતાં રહે છે. તેઓ પોતાની નિષ્ફળતા માટે બિજા લોકો પર આરોપો મૂકતાં રહેશે. જેવી રીતે આપણે આપણાં સંતાનોને કોઈ બીજા સાથે લડતા ઝઘડતા શીખવીએ છીએ, એવી જ રીતે આપણે તેઓને શીખવતા હોતા નથી કે આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો માફી પણ માંગી લેવી.

ઘણીવાર શાળામાં કોઈ શિક્ષક વિદ્યાર્થીને મારે તો પણ હવે આપણે સૌ હોબાળો કરી મૂકતાં હોઈએ છીએ, પણ આપણે એ જાણવાની કોશિશ નથી કરતાં હોતા કે શા માટે માર્યું? વિદ્યાર્થીઓને ના જ મારવા જોઈએ, પણ ક્યારેક વિદ્યાર્થીઓએ એટલા બધા અવિવેકી થઈ જતાં હોય છે કે તેઓને શિસ્ત શીખવવા માટે મારવા પણ પડતાં હોય છે. તેને લીધે હવે શાળાઓમાં બાળકોને શિક્ષકો કશું કહેતા જ હોતા નથી.

 બાળક ભણે તોય ભલે અને ના ભણે તોય ભલે! આવા સંતાનો પોતાની જાતને કઈક સમજવા લાગે છે. દરેક જગ્યાએ શિસ્તને લઈને આજકાલ એટલે જ પ્રશ્નો વધુ ઊભા થતાં જાય છે. શાળામાં આપણે ફી ભરીએ છીએ, એટલે શાળાના સંચાલકો, સ્ટાફ અને ખાસ કરીને શિક્ષકને આપણે ખરીદી લેતા હોતા નથી.

મહાભારતમાં ગુરુ દ્રોણે અશ્વત્થામાની દરેક ખોટી બાબતોને પુત્ર મોહમાં સ્વીકારી અને પછી જે થયું હતું, તે આપણે સૌ જાણીએ જ છીએ. માત્ર પુત્રમોહને લીધે તેમણે અધર્મનો સાથ દેવો પડ્યો હતો. આપણે પણ ક્યાંક એ જ તો નથી કરી રહ્યા ને?

 



Thursday 9 February 2023

મજૂર, ખેડૂત, પ્લંબર, મિસ્ત્રી,ગૃહિણી વગેરે વગેરેનું સ્ટેટસ અપગ્રેડ કરવાની ખાસ જરૂર છે!!!

 

મજૂર, ખેડૂત, પ્લંબર, મિસ્ત્રી,ગૃહિણી વગેરે વગેરેનું સ્ટેટસ અપગ્રેડ કરવાની ખાસ જરૂર છે!!!

 Labour Reforms Necessary, But Hold No Meaning If They Take Away Labourers'  Rights

 

એક મજૂર મજૂરી કરે છે, એક પ્લમબર નળ-ફીટીંગનું કામ કરે છે, ખેડૂત ખેતી કરે છે, હજામ વાળ કાપે છે, વેપારી વેપાર કરે છે, સ્ત્રીઓ ગમે તેટલી ટેલેંટેડ હોય ઘરકામ જ કરવાનું! અને એ ઘરકામનું કોઈ આર્થિક મૂલ્ય ના હોવાથી તેણીના કામને મહત્વનુ નહી ગણવાનુ..... ડ્રાઈવર ગાડી ચલાવે છે, એમ દરેક વ્યક્તિ પોતાને મળતું કામ કરતાં હોય છે. અને આર્થિક રીતે આપણે જોઈશું તો સમજાશે કે દેશના આર્થિક માળખામાં ખેતી, ઉદ્યોગ, અને સેવા ક્ષેત્રમાં આવતી તમામ આર્થિક પ્રવૃતિઓનું મહત્વ એકસરખું હોય છે. દેશના વિકાસ માટે, આ તમામ આર્થિક પ્રવૃતિઓ જરૂરી છે. પણ જ્યારે આપણે સામાજિક દ્રષ્ટિએ આ પ્રવૃતિઓને મૂલવીએ છીએ, તો અમુક કામ પ્રતિષ્ઠા વાળું ગણાય છે અને અમુક નહી. એમ કેમ?

 જે ક્ષેત્રો અહી લખ્યા નથી, તે ક્ષેત્રોને આપણે એટલું બધુ સામાજિક રીતે મહત્વ આપી દીધું છે કે બાકીના કામો કરનારનું તો જાણે કોઈ મહત્વ જ ન હોય એવું લાગે છે. આજે એક મજૂર, એક ખેડૂત, એક પ્લંબર,એક કલાકાર, એક મિસ્ત્રી, એક હજામ વગેરે વગેરે કામ કરતાં લોકો એવું વિચારે છે કે અમારા બાળકો મોટા થઈને ડોકટર, વકીલ એન્જિનિયર બને  કે બીજા કોઈ ઊંચા પદ પર પહોંચે પણ એ અમારા ધંધા તો ના જ કરે!

 ખેતી આપણો મુખ્ય વ્યવસાય છે, ભારત એક ખેતી-પ્રધાન દેશ છે. એવું આપણે વિદ્યાર્થીઓને સતત શીખવીએ છીએ, પણ આ ખેતી-પ્રધાન દેશનો પ્રધાન જ એકદમ નબળો થઈ ગયો છે. અને પરિણામે ખેતીથી આજની જનરેશન દૂર ભાગી રહી છે. આપણું અર્થતંત્ર ખેતી પર નભે છે, પણ આપણે દેશના યુવાનોને તેની તરફ વાળી શક્યા નથી. દુનિયાના જે જે દેશોએ વિકાસ તરફ આગેકૂચ કરી છે, તેઓએ પોતાના મુખ્ય વ્યવસાયને શિક્ષણનો એક ભાગ ગણીને પોતાના દેશના યુવાનોને એ આર્થિક પ્રવૃતિ તરફ પ્રેરિત કર્યા છે, પણ આપણે એવું કરી શક્યા નથી. અને હજી પણ કરી રહ્યા નથી.

  આ કામ નાનું અને આ મોટું, એવું વર્ગીકરણ કરીને આપણે અમુક પ્રકારની આર્થિક પ્રવૃતિ સાથે સંકળાયેલા લોકોને સતત નીચા દેખાડતા હોઈએ છીએ. તેઓના મેલેઘેલા કપડાની સુગંધ વાઇટ-કોલર જોબ સામે જાણે કે કશું જ મૂલ્ય ના ધરાવતી હોય એવી સમાજરચના આપણે કરી ચૂક્યા છીએ. કોઈ એક સંસ્થા ચલાવવામાં તેમાં કામ કરતા તમામ કર્મચારીઓનું યોગદાન હોય છે. દરેક લેવલે કામ થતું રહે છે, એટલે જ પાયાઓ મજબૂત થતાં હોય છે, અને જો પાયા મજબૂત હોય તો જ ઉપરના સ્તરો મજબૂતીથી કામ કરી શકે છે. પણ આપણે તો અમુક સ્તરના કર્મચારીઓને કશું માન-સન્માન જ આપતા હોતા નથી.

 અમુક શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે કામ કરાવ્યુ વિદ્યાર્થીઓએ પાસે શાળાની સફાઈ કરાવી આવા સમાચાર જ્યારે કોઈપણ સોસિયલ મીડિયા પર આવે છે, તો બહુ નવાઈ લાગે છે.  શું થઈ ગયું અગર નિશાળમાં વિદ્યાર્થીઓ પાસે આવું કોઈ કામ કરાવવામાં આવે છે! તેઓના સર્વાંગી વિકાસ માટે આ શારીરિક પ્રવૃતિઓ જરૂરી છે. આપણી પ્રાચીન શિક્ષણપદ્ધતિમાં ગુરુકુળમાં રહીને ભણતા વિદ્યાર્થીઓ પાસે તમામ જરૂરી કામો કરાવવામાં આવતા. જેથી તેઓને કોઈ કામ પ્રત્યે અણગમો ના થાય, અને આજે કોઈ વિદ્યાર્થી પાસે એકાદ કામ કરાવવામાં આવે તો હોબાળો થવા લાગે છે. આવું થવાને લીધે વિદ્યાર્થીઓના મનમાં અમુક કામ પ્રત્યે અણગમો થઈ જતો હોય છે.

  ગાંધીજીએ જીવનની કેળવણીને થ્રી H’ સાથે જોડી હતી. H ફોર HAND, H ફોર HEART અને H ફોર HEAD આજે આપણે વિદ્યાર્થીઓને માત્ર headનું શિક્ષણ આપી રહ્યા છીએ. Hand અને heart ખોવાય ગયા છે. જો આવું જ રહ્યું, તો ભવિષ્યમાં ખેડૂત, પ્લંબર, મજૂર, વગેરે વગેરે વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો આપણને મળશે જ નહી! માટે દરેક પ્રકારની આર્થિક પ્રવૃતિને એકસરખુ સામાજિક સ્ટેટસ આપવાની જરૂર છે.

Friday 3 February 2023

ડ્રગ્સ હવે ‘ટીન એજર્સ’ ને સોફ્ટ-ટાર્ગેટ બનાવી રહ્યું છે....માતા-પિતા ક્યાં છે?

 

ડ્રગ્સ હવે ‘ટીન એજર્સ’ ને સોફ્ટ-ટાર્ગેટ બનાવી રહ્યું છે....માતા-પિતા ક્યાં છે?

Teenage Drug Addiction: Why They Use Harmful Substances - Rehab Spot

છેલ્લે ક્યારે તમે તમારા ટીન-એજના પુત્ર કે પુત્રીની પાસે શાંતિથી બેસીને વાતો કરી હતી? તેને નડતી શારીરિક કે માનસિક સમસ્યાઓ જાણવાની કે સમજવાની કોશિશ કરી હતી? ઘણા વાલીઓ આ સવાલોના જવાબ નહી આપી શકે. કારણકે તેઓ પાસે સમય નથી. તેઓ તો પોતાના સંતાનોની એ જરૂરિયાતો પૂરી કરવા પાછળ દોડી રહ્યા છે, જે જરૂરિયાતો તેઓના માતા-પિતા તેઓની પૂરી કરી શક્યા નહોતા! ગરીબ માતા-પિતા તો આવી બાબતોને પોતાના બજેટમાં સ્થાન જ આપી શકતા નથી! અને મધ્યમ વર્ગના માતા-પિતા ધનિક માતા-પિતા સાથે સ્પર્ધામાં ઉતર્યા છે, માટે તેઓ પાસે તો આવી બાબતો માટે સમય છે જ નહી!

 પણ જો ક્યારેક ભૂલથી તેઓ સાથે બેસવાનો કે તેઓને સમજવાનો સમય મળી જાય  અને તમારા પુત્ર કે પુત્રી નિરાશાવાદી થઈ ગયેલા જણાય, ચિડિયા થઈ જાય, વધુ પડતી દલીલો કે ઝઘડાં કરવા લાગે, પૈસા ચોરવા લાગે, અનૈતિક પ્રવૃતિઓમાં જોડાય, આખો દિવસ ઊંઘ કર્યા કરે, તેઓનું વજન વધવા લાગે, જિંદગીમાથી રસ ઉઠી જાય, ગમે તે ભોગે આ તો જોઈએ જ એવું માનવા લાગે, તો તમારું સંતાન ડ્રગ્સ કે શરાબનું એડિકટ થઈ રહ્યું છે. તે એવા વમળમાં ફસાઈ રહ્યું છે, જ્યાથી તમારે જ એને બહાર લઈ આવવાના છે.

   ઓક્ટોબર 2022ના સર્વે મુજબ છેલ્લા બે વર્ષોમાં ભારતમાં ડ્રગ્સ લેતા યંગ-સ્ટર્સનું પ્રમાણ 50% જેટલું વધી ગયું છે. એમાં પણ સૌથી વધુ ડ્રગ્સ લેવાનું પ્રમાણ ટીન-એજર્સ માં વધી રહ્યું છે. તેઓ માટે આ વ્યસન ફેશન બની ગયું છે. તેઓ સ્પિરિટ, કફ-સિરપ, ઊંઘની ગોળીઓનો ઉપયોગ ડ્રગ્સ તરીકે કરી રહ્યા છે. માથાના દુખાવા માટેની ટીકડીઓને કોક કે બીજા કોઈ ડ્રિંક્સ સાથે ભેળવીને તેઓ ડ્રગ્સનો આનંદ લઈ રહ્યા છે. અરે કેટલાક તો કોન્ડોમ નો પણ આના માટે ઉપયોગ કરી રહ્યા છે.

માતા-પિતા બંને કામે જતાં હોય, આજના ટીન-એજર્સ બહુ ઝડપથી આવી લતો તરફ વળી જતા હોય છે. વળી આજકાલ સમાજમાં એવું સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થઈ ગયું છે, જેના લીધે આ ઉંમરના લોકો પર અપેક્ષાઓનું દબાણ વધી ગયું છે. જીજ્ઞાસાવૃતિ, પીયર-પ્રેશર, તણાવ, લાગણીઑના સંઘર્ષો, ભાગેડુવૃતિ, કુટુંબનું નીચું સામાજિક સ્ટેટસ, માતા-પિતાની હુંફનો અભાવ, કુટુંબના ઝઘડાઓ, વગેરે બાબતોને લીધે આજની યંગ-જનરેશન બહુ ઝડપથી ડ્રગ્સના વ્યસન તરફ વળી રહી છે. કેવી રીતે માતા-પિતા અને સમાજે એકલા કરી મૂકેલા આવા ટીન-એજર્સ અને યંગ-સ્ટર્સ ને ડ્રગ્સ વેચવાવાળા ડ્રગ્સ તરફ વાળતા હોય છે?  એ આપણે બધા જ જાણીએ છીએ.

ભારતીય બાર એશોસીએશન ના મતે ભારતની ઝડ અને વધુ પડતી સ્પર્ધાત્મક શિક્ષણપ્રથા પણ ટીન-એજર્સ અને યંગ-સ્ટર્સને ડ્રગ્સના નશામાં ડૂબાડી રહી છે. શાળાઓ અને કોલેજોની આસપાસ ડ્રગ્સનું વેચાણ સૌથી વધુ થતું હોય છે. આવા સ્થળેથી જ ડ્રગ્સ વેચવાવાળા પોતાના ગ્રાહકો શોધી લેતા હોય છે. પાકિસ્તાન પંજાબની સરહદેથી ડ્રગ્સ સપ્લાય કરી આપણી યંગ જનરેશનને બરબાદ કરવાના પ્રયાસો કરી રહી છે. હમણાં હમણાં લગભગ દર બીજા દિવસે ક્યાંક ને કયાકથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. માત્ર નબીરાઓ જ નહી, પણ ગરીબ અને મધ્યમ વર્ગના નબીરાઓ પણ આ આદતમાં સપડાઇ રહ્યા છે. સાથે સાથે વહાલી દીકરીઓ પણ આ લતે ચડી રહી છે. તેઓના હાથમાં પણ સિગારેટ, શરાબ, ડ્રગ્સ વગેરે વગેરે દેખાઈ રહ્યું છે! ( સ્ત્રી શશક્તિકરણ!)

 બસ તમારા સંતાનોને સમય આપો અને આ ઉંમરે તેઓના મિત્ર બનીને તેઓ સાથે રહો. સફળ થવાનું તેઓ પર દબાણ ના કરો.

તેઓની એકાદ જરૂરિયાત ઓછી પૂરી થશે તો ચાલશે, પણ તેઓને આ રસ્તે જતાં નહી રોકીએ તો નહી ચાલે...

 

     


 

 




 

 

Monday 30 January 2023

રોટીયા ઉન્હીકી થાલીયોસે કુડે તક જાતી હે, જીન્હે પતા નહી હોતા ભૂખ ક્યાં હોતી હે????

રોટીયા ઉન્હીકી થાલીયોસે કુડે તક જાતી હે, જીન્હે પતા નહી હોતા ભૂખ ક્યાં હોતી હે??


   હમણાં એક જગ્યાએ જમણવારમાં એક ભાઈને બધાને એવું કહેતા સાંભળ્યા કે  જોઈએ તેટલું જ લેજો, અન્નનો બગાડ કરતાં નહી. જેટલીવાર લોકો બુફે પાસે થાળી લઈને ખાવાની વસ્તુઓ લેવા જાય, તેટલીવાર તેઓ આ પ્રમાણે સૂચના આપતા જતાં હતા. તેનાથી તે દિવસે અન્નનો ઘણો બધો બગાડ અટકાવી શકાયો. આપણે લગ્ન-પ્રસંગો કે બીજા કોઈ સારા પ્રસંગોએ કે પછી મૃત્યુ પછીની ક્રિયાઓ પાછળ થતાં જમણવારમાં ખાવાની વસ્તુઓનો સૌથી વધુ બગાડ કરતાં હોઈએ છીએ. બુફે-સિસ્ટમમાં વારંવાર લેવા ના જવું પડે એટલા માટે એકસાથે આપણે થાળી જરૂરી-બિનજરૂરી વસ્તુઓથી ભરી લેતા હોઈએ છીએ. અને પછી પેટ ભરાય જાય એટલે થાળીમાં હજી એક વ્યક્તિ જમી લે, એટલું પડતું મૂકતાં હોઈએ છીએ.

  તે ઉપરાંત ઘરમાં પણ જમ્યા પછી આપણે થાળીમાં ઘણું બધુ પડતું મૂકતાં હોઈએ છીએ. ઘરે પણ આપણે ખોરાક રાંધતી વખતે કોઈ ચોક્કસ માપ નથી રાખતા અને પરિણામે ઘણો બધો વધેલો ખોરાક ફેંકી દેવો પડે છે. આપણે જોતાં જ હોઈએ છીએ કે રોજ આપણાં ઘરોમાં કેટલા બધા લોકો ખાવાનું માંગવા આવતા હોય છે. એ લોકોને ખાવાનું નથી મળતું અને આપણે ખોરાકનો બગાડ કરતાં રહીએ છીએ.

   સમગ્ર વિશ્વમાં અનાજની ભયંકર તંગી છે. રોજ કરોડો લોકો ભૂખ્યા પેટે સૂઈ રહ્યા છે. ત્યારે આપણી આ કુટેવને આપણે છોડી દેવાની જરૂર છે. બીજીવાર લેવા ઊભા થવું પડે એમાં શું થઈ ગયું? જોઈએ તેટલું જ થાળીમાં લેવું જોઈએ. આપણે થાળી મૂકવા જઈએ ત્યારે ઘણા પ્રસંગોમાં જોતાં હોઈશું કે ભૂખ્યા લોકો એ એંઠી થાળીમાં પણ પોતાનું ભોજન શોધતા હોય છે. આપણે નાખી દીધેલું તેઓ જમતા હોય છે. આવો ભૂખમરો જોઈને પણ આપણને એમ નથી થતું કે ખાવ-પીવાની વસ્તુઓનો બગાડ ના કરવો જોઈએ.

  નિષ્ણાંતોના કહેવા મુજબ વિશ્વની કુલ વસ્તીને થઈ રહે એટલા અનાજનું ઉત્પાદન દર વર્ષે થાય છે. પણ કમનસીબે અને આપણી ખોરાકનો બગાડ કરવાની કુટેવને કારણે આ પૃથ્વી પરની કુલ વસ્તીના 1/3 ભાગને ખાવાનું મળતું નથી! વિશ્વના કુલ અનાજ ઉત્પાદનમાથી 17% અનાજનો બગાડ ઘરોમાં, હોટેલાઓમાં સ્ટોર્સમાં થાય છે. જેના લીધે દર વર્ષે અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ આપણને અબજો રૂપીયાનુ નુકસાન થાય છે.

     UNEP ના લેટેસ્ટ આંકડા પ્રમાણે ભારતમાં એક વ્યક્તિદીઠ 50 કિલો અનાજનું નુકસાન દર વર્ષે થાય છે. જે વિશ્વના કોઈપણ દેશ કરતાં સૌથી વધુ છે! આને આપણે ગુણાકાર કરીને વસ્તીના પ્રમાણમાં ફેરવીએ તો અધધધ આંકડામાં રકમ આવે છે. યુનાઈટેડ નેશન્સ ના આંકડા મુજબ ભારતમાં 40% ખોરાક પ્રસંગો વખતે નકામો જાય છે. જેને રૂપિયામાં ફેરવીએ તો 92000 કરોડનું નુકસાન દર વર્ષે આના લીધે આપણને થાય છે.

  ભારતમાં ભૂખમરાનું કારણ ઓછું ઉત્પાદન નથી, પણ ખોરાકનો બગાડ છે! 14 ઓક્ટોબર,2022 માં બહાર પડેલા  ગ્લોબલ હંગર ઇંડેક્સ-2022 મુજબ વિશ્વમાં ભારતનો નંબર 121 દેશોમાં 107 પર આવી ગયો છેજે પાછલા ઇંડેક્સ કરતાં 13 રેન્ક વધી ગયો છે. વળી ખોરાકના બગાડને લીધે પોષણયુક્ત ખોરાક બાળકો સુધી નથી પહોંચી રહ્યો અને તેને લીધે આપણાં દેશના લાખો બાળકો કૂપોષણનો પણ ભોગ બની રહયા છે. અમુક દેશોમાં જમતા સમયે થાળીમાં પડતું મુંકવું એ ગુનો ગણાય છે, એના માટે નાગરિકોએ દંડ ભરવો પડે છે.

  ઘણા પ્રસંગોમાં તો ખોરાકનું મેનું એટલું લાંબુ હોય છે કે મોટા ભાગના લોકો ફુલ મેનૂ સુધી પહોંચી પણ નથી શકતા અને તેને લીધે પણ ખોરાકનો ખૂબ બગાડ થાય છે. ઘણી સંસ્થાઓ આવા ખોરાકને જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડી રહી છેઆપણે વિશ્વમાં ઘઉં, ચોખા વગેરે પાકોના ઉત્પાદનમાં બીજા નંબરે છીએ, છતાં કરોડો લોકોને ભૂખ્યા સૂઈ જવું પડે એ કેવો વિરોધાભાસ! કેટલાયે એવા બાળકો છે, જેઓનું ભવિષ્ય ભૂખમરાને લીધે રગદોળાઇ રહ્યું છે. બે ટંક પૂરતું જમવાનું ના મળવાને કારણે આવા બાળકોને અને લોકોને બીજી કોઈ બાબત માટે વિચારવાનો સમય જ નથી મળી રહ્યો. અને એટલે જ સમાજના એક વર્ગનો વિકાસ જ થઈ રહ્યો નથી.

  આ બધુ રોકવા માટે આપણે માત્ર થાળીમાં જોઈએ એટલું જ જમવાનું લેવાનું છે. આ એક સુટેવ આપણે સૌએ ખાસ અપનાવી લેવાની છે.... થાળીમાં પડતું મૂકતા સમયે એટલું જરૂરથી વિચારીએ કે દેશના કોઈ ખૂણે કોઈ ભૂખ્યું સૂઈ રહ્યું છે. ને કોઈ બે ટંક પૂરતું ના જમવાનું મળવાને લીધે કચરામાં કશુંક શોધી રહ્યું છે.

 

 

 


 


Thursday 19 January 2023

‘વહુઓ’વડીલોને સાચવે એવી અપેક્ષા રાખવી હોય તો ‘દીકરીઓ’ પાસેથી પણ આ અપેક્ષા રાખો..... 

વહુઓ’વડીલોને સાચવે એવી અપેક્ષા રાખવી હોય તો ‘દીકરીઓ’ પાસેથી પણ આ અપેક્ષા રાખો.....

6 Ways To Target Seniors More Effectively In Digital Marketing

 

         હમણાં અમારા પાડોશમાં રહેતા એક યુવાનને જોવા એક યુવતી આવી. મુલાકાત વખતે તેણે યુવાનને પ્રશ્ન પૂંછયો બહું રસપ્રદ પ્રશ્ન છે હો ધ્યાન દઈને વાંચજો, ઘરમાં તાંબા પીતળનાં વાસણો કેટલા છે?’ યુવાનને પ્રશ્ન જ ના સમજાયો એટલે એણે પૂંછયું એટલે આ વળી કેવો પ્રશ્ન! તો યુવતીએ પ્રશ્ન સમજાવ્યો કે હું પૂંછવા માંગુ છુ કે ઘરમાં ઘરડાઓ કેટલા છે? પેલો યુવાન તો આવું ભાષાંતર સાંભળીને અવાક થઈ ગયો. આ તે કેવો પ્રશ્ન? જો કે આ પ્રશ્ન આજે દરેક સગપણ વખતે ગુંજી રહ્યો છે.

  છોકરાના માતા-પિતા કે બીજા વડીલો સાથે રહેશે કે નહી? એનો જવાબ શું આવે છે? એના આધારે મોટા ભાગના સગપણોનું ભાવિ નક્કી થઈ રહ્યું છે. વડીલો સાથેનું ઘર મારી દીકરીને માફક નહી આવે, એવું આજે મોટા ભાગના માતા-પિતા માની રહ્યા છે. આમ તો કોઈપણ સગપણ ક્યારેય કોઈ શરત પણ ટકતું નથી, પણ આવી શરત પરના સંબંધો તો બાંધવા જ જોઈએ નહી. જે છોકરી માતા-પિતાને સાચવવા તૈયાર નાં થાય તેવી છોકરીઓ  બહારથી ગમે તેટલી સુંદર હોય અંદરથી એકદમ કદરૂપી ગણાય. અને માતા-પિતા જો એવું ઇચ્છતા હોય કે મારા દિકરાની વહુઓ અમને સાચવે, તો તમારી દીકરીઓને પણ સમજાવો કે સાસુ-સસરા કે વડીલોને સાચવવા એ પણ તેઓના લગ્ન-જીવનનું એક અગત્યનું પગલું છે. વડીલો એ કોઈ જવાબદારી નથી, પણ જવાબદારીનું વહન કરવામાં મદદરૂપ થતાં ફરિશ્તાઓ હોય છે.

 માતા-પિતાએ ક્માયેલી સંપતિ જોઈએ છીએ, પણ માતા-પિતા નથી જોઈતા આ તો કેવી સ્વાર્થ-વૃતિ? વળી ઘણા યુવાનો-યુવતીઓ માતા-પિતા સંપતિ આપે તો જ સાથે રાખવા એવી સ્વાર્થ-વૃતિ ધરાવતા હોય છે. આ બંને બાબતો કોઈપણ સમાજને તોડી નાખનારી છે. આજે આપણી કુંટુંબ-વ્યવસ્થા તૂટી રહી છે, તેની પાછળનું આ કારણ સૌથી મોટું છે. બધાને એકલા રહેવું છે. વડીલોને કોઈએ સાચવવા નથી. તેઓની છત્ર-છાયામાં રહેવું નથી. લગ્નો જ જુદા થઈ જવાની શરતોએ થઈ રહ્યા છે.

 અમે નાના હતા ત્યારે લગભગ દરેક શેરીમાં એકાદ બે વૃદ્ધો એવા રહેતા જેઓને માત્ર દીકરી હોવાથી કે દીકરાઓ સાચવતા ના હોવાથી એકલવાયું જીવન જીવતા હતા. તો કોઈ એવા માજી પણ રહેતા હોય કે જેઓ ની:સંતાન વિધવા થયા હોય એટલે એકલા રહેતા હતા. શેરીના તમામ લોકો આવા વૃદ્ધોનું પૂરું પૂરું ધ્યાન રાખતા. કોઈ સંબંધ ના હોવા છતાં તેઓ શેરીના તમામ લોકોના સગા હતા. કોઈના પણ ઘરે જમવાની સારી સારી વસ્તુઓ બનતી તો એ તેઓ સુધી જરૂરથી પહોંચતી. તેઓ સાજા માંદા પડે તો સારવાર પણ તેઓ સુધી પહોંચતી. લાગણીઓ થકી આવા સંબંધો દરેક ગલીઓમાં ધબકતા રહેતા.

   આજે શેરીઓ એની એજ છે, પણ દ્રશ્ય થોડું બદલાય ગયું છે. ગામડાઓની શેરીઓ તો લગભગ ખાલી થઈ ગઈ છે. આપણી આસપાસ કેટલાયે ગામો એવા છે, જ્યાંના યુવાનો પોતાના કુટુંબોને લઈને કમાવવા શહેરોમાં જતાં રહે છે, ને વડીલો એકલા એકલા ગામોમાં પાછળનો પહોર વિતાવતા રહે છે! દર મહીને દીકરાઓ પૈસા મોકલાવે છે, પણ આખા વર્ષમાં માત્ર એક કે બે-વાર મળવા આવે છે. અહી રહેતા વડીલોની જિંદગી એટલી એકલવાયી થઈ ગઈ છે કે તેઓ અંદરથી ઘૂંટાતા રહે છે, પણ એ ઘૂંટનનો અવાજ બહાર નથી આવી રહ્યો માત્ર તેઓની આંખોમાં વરસી રહ્યો છે. શહેરોમાં પતિ-પત્ની બંને નોકરી કરતાં હોય છે, તેથી દાદા-દાદી જોઈતા હોતા નથી.

  કુંટુંબોમાથી દાદા-દાદીની બાદબાકીઑ થઈ રહી છે. બાળકોના સૌથી સારા મિત્રો અને સ્ટોરી-ટેલર્સ દાદા-દાદી આજે કુંટુંબના ફોટાઓમાં ક્લિક નથી થઈ રહ્યા. જેની લાકડી ચોરીને બાળકો દાદા-દાદી બનતા એ બાળકો આજે ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના સહારે ઉછરી નથી રહ્યા, માત્ર મોટા થઈ રહ્યા છે! નેનો ટેક્નોલોજીના આ યુગમાં કુંટુંબો પણ નેનો થઈ રહ્યા છે. વિભક્ત કુટુંબો આપણા દોડી રહેલા વિકાસની સૌથી મોટી આડ-પેદાશ છે. આપણે બગડી રહેલા પર્યાવરણની ચર્ચાઓ અને ચિંતા કરી રહ્યા છીએ, પણ ઘરોનું ભાવાવરણ ગૂંગળાઈ રહ્યું છે, તેની ચર્ચાઓ કે ચિંતા કોઈ નથી કરી રહ્યું!

  પહેલા જ્યારે બાળકોને માતા-પિતા કોઈ બાબતે ખીજાતા કે મારતા, તો દાદા-દાદી કાયમ વચ્ચે આવી જઇ બાળકોનું ઉપરાણું લેતા. મમ્મી-પપ્પાએ મનાઈ ફરમાવેલી વસ્તુઓની જરૂરિયાતો દાદા-દાદી થકી પૂરી થતી. મમ્મી-પપ્પાને ઘરમાં કોઈ ખીજાય શકતું તો એ વડીલો હતા, બાળકોની આંગળી પકડીને સ્કૂલે કે ધર્મસ્થાને લઈ જતાં હાથો જ આજે ક્યાંક ખોવાય ગયા છે કે પછી કપાય ગયા છે. મોટા ભાગની છોકરીઓને એવું લાગી રહ્યું છે કે વડીલોને સાથે રાખવાથી આપણી સ્વતંત્રતા છીનવાઈ જશે. આપણે રહેવું હશે એમ નહી રહી શકીએ, પણ આ જરાપણ સાચું નથી. હકીકત તો એ છે કે તેઓ છે, એટલે જ આપણે જે કરવું હોય તે કરી શકતા હોઈએ છીએ. નોકરી કરતી સ્ત્રીઓ માટે દાદા-દાદી સૌથી મોટું છત્ર  છે, જેના સહારે તેઓના બાળકો ઉછરી શકે એમ છે, સંસ્કારો મેળવી શકે એમ છે.

વડીલોનો કોઈ વાંક નથી, એવું નથી પણ એમ તો આપણે પણ નાના હોઈએ ત્યારે આપણે પણ કેટલા અણસમજુ હતા? શું આપણા માતા-પિતાએ આપણને કાઢી મૂક્યા હતા કે રાખવાની ના પાડી દીધી હતી, તો પછી આપણે શા માટે તેઓને કાઢી મૂકવા જોઈએ? કે પછી તેઓને એકલા છોડી દેવા જોઈએ? તેઓ જેમ આપણી અણસમજને સમજી જતાં હતા તેમ આપણે પણ તેઓની અણસમજણને સમજીને તેઓને સાથે રાખવા જોઈએ. દીકરીઓને સમજાવો કે વડીલોને સાચવવા જરૂરી છે. પોતાની દીકરીઓ માટે વડીલો વગરનું ઘર શોધવામાં ક્યાંક આપણે આપણા ઘરોને તો ખાલી નથી કરી રહયા ને? તમારા દીકરા માટે છોકરી જોવા જાવ અને કોઈ આવો પ્રશ્ન પૂંછશે તો તમને કેવું લાગશે? વહુ સેવા કરે એવું ઈચ્છો છો, તો દીકરીઓને પણ સાસરિયાં પક્ષના વડીલોને સાથે રાખવાનું શીખવો....

 

કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........

    કોવિશિલ્ડ..........................હાર્ટ-એટેક.........                        દુનિયા હવે કોરોના પહેલા અને કોરોના પછી એમ ...