Sunday 10 March 2024

‘તું કરી શકીશ’ના દેકારામા “હું નહી કરી શકું”, નું મૌન દટાઈ ના જવું જોઈએ.....

 

[Enter Post Title Here]

 

 તું કરી શકીશના દેકારામા “હું નહી કરી શકું”, નું મૌન દટાઈ ના જવું જોઈએ.....
 Student Suicides: टूटते सपने या हद से ज्यादा तनाव, क्यों आत्महत्या कर रहे  हैं विद्यार्थी? | kota education hub why are students committing suicide -  Hindi Oneindia

           

  હમણાં થોડા દિવસો પછી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ શરૂ થશે. છેલ્લું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બધાને એક જ પ્રશ્ન સતાવતો હશે, પેપર્સ કેવા નીકળશે? લાસ્ટ મિનિટ રીવિઝનની સાથે સાથે વિદ્યાર્થીઓની માનસિક હાલત પણ બગડી રહી છે. પ્રાચીન સમયમાં જ્યારે કોઈ યોદ્ધો લડાઈ લડવા જતો, તો તેના માથે તિલક કરવામાં આવતું એમ વિદ્યાર્થીઓના માથે પણ તિલક કરવામાં આવશે! આપણે જેટલું વધુ મહત્વ આ પરીક્ષાઓને આપી રહ્યા છીએ, એટલા આપઘાતો વધી રહ્યા છે!

  “શિક્ષણ આપણને જિંદગીની વિપરીત પરિસ્થિતિઓ સામે લડતા શીખવે એવું હોવું જોઈએ”, આ વાક્ય હવે માત્ર કોઈ સારા પુસ્તકની એક લાઈન બનીને રહી ગયું છે. કારણકે વાસ્તવિક જીવનમાં આ શિક્ષણ જ આજે યુવાનો અને યુવતીઓના આપઘાતનું સૌથી મોટું કારણ બની રહ્યું છે. ધોરણ 10 અને 12 પાસ કરીને આવનાર વિદ્યાર્થીઑ પર સ્પર્ધાત્મક પરીક્ષાઓનું દબાણ આજકાલ એટલું રહે છે કે સ્કૉલર વિદ્યાર્થીઓ લડવાને બદલે બહુ જલ્દીથી હાર માનીને જિંદગીને બેડ-બાય કહી રહ્યા છે. JEE અને NEET જેવી પરીક્ષાઓ પાસ કરવાનું દબાણ તેઓને કોટા ફેકટરી જેવા કેન્દ્રોમાં લઈ જાય છે, જે કેન્દ્રો હવે તેમની સાથે જોડાયેલા ઘણા યુવાનો / યુવતીઓ માટે જેલ તરીકે જોવામાં આવે છે; જ્યાં તેમના શરીર, આત્મા અને સપનાને કેદ કરી લેવામાં આવે છે!

 આ જેલોથી ગભરાઈને 90% થી ઉપર માર્ક્સ લાવનાર વિદ્યાર્થીઓ પણ મૃત્યુને ગળે લગાડી રહ્યા છે. જિંદગીમાં બીજા ઘણા બધા વિકલ્પો હોવા છતાં તેઓ આપઘાત નો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. 2023ના સર્વે મુજબ 18થી 45 વર્ષની ઉંમરના યુવાનો અને યુવતીઓ સૌથી વધુ આપઘાત કરી રહ્યા છે. અભણ કરતાં ભણેલા વધુ આપઘાત કરી રહ્યા છે!  9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ સૌથી વધુ આપઘાત કરી રહ્યા છે. દીકરાઓ કરતાં દીકરીઓ વધુ આપઘાત કરી રહી છે. છે
  

    ભારતીય ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના લેટેસ્ટ સર્વે મુજબ આપણાં દેશમાં  દર 42 મિનિટે એક વિદ્યાર્થી આત્મહત્યા કરી રહ્યો છે. રોજ 34 વિદ્યાર્થીઓ ભણતરના દબાણ હેઠળ કચડાઈ રહ્યા છે!. ભારતમાં શિક્ષણને જ્ઞાનને બદલે રોજગાર અને આજીવિકાના પ્રવેશદ્વાર તરીકે જોવામાં આવે છે. ઘણા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો પોતાની જાતને જે અનિશ્ચિત સામાજિક, જ્ઞાતિ અને વર્ગની મુશ્કેલીઓમાં લાગે છે તેમાંથી બચવા માટે તેઓ શિક્ષણના સહારે આવે છે.  તેઓને લાગીએ રહ્યું છે કે શિક્ષણ આપણને તમામ મુશ્કેલીઓમાથી બહાર લઈ આવશે પણ એવું થઈ નથી રહ્યું અને એ નિરાશા ગરીબ વર્ગના યુવાનો અને યુવતીઓને આપઘાત તરફ લઈ જઇ રહી છે.

 કોટા જ્યાં ‘JEE’ અને ‘NEET’ ની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાની ફેકરીઑ આવેલી છે, ત્યાં સ્કૉલર વિદ્યાર્થીઓ જીંદગીની પરીક્ષામાં સતત ફેઇલ થઈ રહ્યા છે અને હ્રદયને રડાવી મૂકે એવી સ્યૂસાઇડ નોટ લખીને આ દુનિયાને અલવિદા કરી રહ્યા છે. ‘NEET’ માં પાસ થઈ ડોક્ટર બની અનેક લોકોના જીવ બચાવવાના સપના જોનાર વિદ્યાર્થીઓ પોતાની જિંદગીને જ બચાવી નથી શકતા!

  અતિ વ્યસ્ત ટાઈમ-ટેબલ, ગળાકાપ સ્પર્ધા અને દબાણને લીધે સ્કૉલર વિદ્યાર્થીઓનું માનસિક આરોગ્ય બગડી રહ્યું છે. માતા-પિતા તેઓના પાછા ફરવાનો એકપણ દરવાજો ખુલ્લો નથી મુક્તા અને પરિણામે તેઓ આ દબાણ હેઠળ દટાઈ જઈને કચડાઈ રહ્યા છે. બીજા કરતાં સતત સારો દેખાવ કરવાનું દબાણ તેઓ અનુભવી રહ્યા છે. ઘરની યાદ પણ તેઓને સતાવતી હોય છે, પણ ઘરના દરવાજા પર નો એન્ટ્રી નું બોર્ડ લાગી ગયું છે. સંતાનોના માનસિક સ્ટ્રેસને લાગણીઓથી હેન્ડલ કરીએ નહી કે અપેક્ષાઓથી.

   ખુદ સંતાનો માતા-પિતાને ઘણીવાર કહેતા હોય છે કે હું આ પરીક્ષાઓ પાસ નહી કરી શકું, પણ માતા-પિતા માનવા તૈયાર નથી હોતા! દિકરા કે દીકરી તું પાછો આવીશ? તો અમારું શું થશે? લોકો તારા વિષે અને આપણાં કુટુંબ વિષે શું વિચારશે? એવા દબાણ હેઠળ તેઓ ખુદના સંતાનોને આપઘાત કરવા માટે મજબૂર કરી રહ્યા છે. તેઓ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી કે તેઓના સંતાનો આ સ્પર્ધાના દબાણનો સામનો કરવા સક્ષમ નથી. પોતાના સંતાનોની ક્ષમતાઓ બાબતે તેઓ વધુ પડતાં મહત્વાકાંક્ષી બની રહ્યા છે ને પરિણામે યુવાનો અને યુવતીઓ એ મહાત્વાકાંક્ષાનો ભાર સહન ના થઈ શકતા મૃત્યુને વહાલું કરી રહ્યા છે.

  આ પરીક્ષાઓ જીંદગીની અંતિમ પરીક્ષાઓ નથી, અને કદાચ વચ્ચેથી છોડી દેવી પડે તો એમાં કઈ થઈ જવાનું નથી, જેમણે આ પરીક્ષાઓ પાસ નથી કરી, તેઓ પણ મોજથી જીવી જ રહ્યા છે. આપણે માત્ર લડતા શીખવાનું છે. દરેક લડાઈ આમપણ કોઈ નથી જીતી શકતું. તું કરી શકીશના દેકારામા “હું નહી કરી શકું”, નું મૌન દટાઈ ના જવું જોઈએ.

 

  

 

 

  

 

Student Suicides: टूटते सपने या हद से ज्यादा तनाव, क्यों आत्महत्या कर रहे  हैं विद्यार्थी? | kota education hub why are students committing suicide -  Hindi Oneindia

Wednesday 28 February 2024

અમીન સયાની, ઓલ ઈન્ડિયા રેડિયો અને આખો દેશ......

 

અમીન સયાની, ઓલ ઈન્ડિયા રેડિયો અને આખો દેશ......

Amin Sayani was the 'king' of the radio world.

              એક એવી વ્યક્તિ જેના અવાજે આ દેશની એક આખી જનરેશનને રેડિયો પાસે લાવી ભેગી કરી દીધી. માત્ર એટલું બોલાય બહેનો ઓર ભાઈઓ એટલે ઘરના ખૂણે ખૂણેથી  સભ્યો આવીને રેડિયો સામે ભેગા થઈ જાય. જેમના શો બિનાકા ગીતમાલા એ 42 વર્ષો સુધી લોકોના હ્રદય પર રાજ કર્યું. જેમને લીધે બોલિવૂડ સંગીત આ દેશના ઘરે ઘરે, ઓફોસે ઓફીસે, શેરીએ શેરીએ પહોંચ્યું. જેમનો શો શરૂ થતાં જ હજારો લોકો કાગળ અને પેન લઈને ગીત અને ગીત વિષેની માહિતી લખવા બેસી જતાં!

     ભારતમાં રેડિયોની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં જે મખમલી અવાજ સૌથી વધુ વખત સુધી ગુંજતો રહ્યો છે, એ છે, “અમીન સયાની.” માત્ર ને માત્ર અવાજના માધ્યમથી તેઓ વર્ષો સુધી આ દેશના લાખો કરોડો લોકોના હ્રદયમાં સંગીતની જ્યોત પ્રગટાવતા રહ્યા. એટલું જ નહી, પોતાની સફળ કારકિર્દી દરમિયાન તેમણે 54000થી વધુ રેડિયો કાર્યક્રમો કર્યા. 19000 જિંગલ્સમાં પોતાનો અવાજ આપ્યો. અનેક ટી.વી. શો હોસ્ટ કર્યા. અને ફિલ્મોમાં પણ રેડિયો એનાઉન્સર તરીકે કામ કર્યું.

   અમીન સયાની જેમનો સમય ભારતીય રેડિયોનો સુવર્ણકાળ ગણાય છે, તેમનો જન્મ ઇ.સ. 1932ની 21મી ડીસેમ્બરે મૂંબઈમાં થયેલો. તેમના માતા-પિતા બંને સ્વાતંત્ર્ય-સેનાનીઓ હતા. તેઓ પોતાને ગાંધીવાદી ગણાવતા. પ્રથમવાર તેઓ રેડિયો એનાઉન્સર તરીકે રીજેક્ટ થયા. કારણકે તેઓની બોલીમાં ગુજરાતી અને અંગ્રેજી શબ્દોનું ઉચ્ચારણ વધુ હતું. પછી તેમણે પોતાની બોલી સુધારવા પર ધ્યાન આપ્યું અને ઇ.સ. 1951માં તેઓ રેડિયો પર એનાઉન્સર તરીકે પસંદગી પામ્યા.

  હજી તેઓનો અવાજ થોડો લાઉડ ગણાતો. જ્યારે અવાજ કલાકાર અને ગાયક રમા મટ્ટુએ તેઓનો અવાજ પ્રથમવાર સાંભળ્યો તો તેણીએ પોતાના ભાઈને કહ્યું કે બંધ કર આ ઘોઘરો અવાજ.  આ બાબતથી અમીન સયાનીને સમજાયું કે જો લોકોના લિવિંગરૂમમા તેઓની સાથે જીવવું હશે તો અવાજની ક્વોલોટી સુધારવી પડશે. અને તેમણે તેના માટે ભરપૂર પ્રયાસો કર્યા. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ પોતાના સામાન્ય ટોનમાં જ રેડિયો પર કાર્યક્રમ આપશે. આ જ રમા મટ્ટુ સાથે તેમના લગ્ન થયેલા!   

  ઇ.સ. 1952માં RAS રેડિયો સિલોન માટે 'બિનાકા ગીતમાલા' નામનો રેડિયો શો લખવા, પ્રસ્તુત કરવા અને પ્રોડ્યુસ કરવા માટે કોઈની શોધમાં હતો, જે લોકપ્રિય હિન્દી ફિલ્મ ગીતો વિશેનો કાર્યક્રમ હતો. પણ ઓફર કરાયેલો પગાર શો દીઠ માત્ર 25રૂ હતો, તેથી કોઈ એ કાર્યક્રમ કરવા તૈયાર ના થયું. પણ અમીનજી એ ઓફર સ્વીકારી લીધી. અને પછી જે થયું તે આખા દેશ માટે અભૂતપૂર્વ બની રહ્યું.

  ઇ.સ. 1952માં શરૂ થયેલો અડધા કલાકનો એ કાર્યક્રમે આખા દેશને રેડિયો સાથે જોડી દીધા. પણ થોડા જ સમયમાં ત્યારની સરકારને આ કાર્યક્રમ "પશ્ચિમી" મૂલ્યોથી અસ્વસ્થ લાગ્યો!  અને  સરકારને લાગ્યું કે તેઓ એક પેઢીને બરબાદ કરી શકે છે. બી વી કેસકર, ત્યારના I&B પ્રધાને, રેડિયો પર ફિલ્મ સંગીત પર પ્રતિબંધ મૂક્યો.  તેને "શૃંગારિક અને અભદ્ર" ગણાવી અને માત્ર શાસ્ત્રીય સંગીતને પ્રસારિત કરવાની મંજૂરી આપી!

   પ્રતિબંધ પછી, સાયનીએ રેડિયો સિલોન પરથી તેના શોનું પ્રસારણ કરવાનું શરૂ કર્યું, જે શરૂઆતમાં હિટ પરેડ માટે જાણીતું હતું. માધ્યમ બદલાયું પણ શોની લોકપ્રિયતામાં કોઈ ફેર ના પડ્યો. તે સમયે કોઈપણ રેડિયો કાર્યક્રમની સફળતા તેને મળતા પત્રો પરથી નક્કી થતી. પહેલા જ અઠવાડિયે આ શોને 9000 પત્રો મળ્યા! જે સંખ્યા બાકીના અઠવાડીયા દરમિયાન 65000 પત્રો સુધી પહોંચી ગઈ. આ કાર્યક્રમમાં પોતાનો પત્ર વંચાય અને અમીનજીના મોઢે પોતાનું નામ બોલાય તે માટે લોકો ગામના ટપાલીને કહેતા કે બીજા કોઈના પત્રો ના લઈ જાય!

    તેઓ કાર્યક્રમમાં દરેક ગીતો સાથે જોડાયેલો ઇતિહાસ કહેતા અને પત્રોને આધારે હિન્દી ફીલ્મોના ગીતોને રેંકિંગ આપતા. બિનાકા ગીતમાલામાં પોતાની ફિલ્મનુ ગીત વાગે, તે માટે ગાયક કલાકારો અને ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારો પણ પોતાને ધન્ય સમજતા! બિનાકા ગીતમાલા ની સફળતા સમજીને ત્યારના  જાણીતા શિક્ષણશાસ્ત્રી અને રાજકીય કાર્યકર અરુણા અસફ અલીએ સયાનીને કહ્યું કે તેમને આ લોકપ્રિય શો AIR પર કરવાની જરૂર છે, શ્રીલંકાથી નહીં. અમીનજી એ કહ્યું મને મંજૂરી લાવી આપો, હું આ કાર્યક્રમ AIR પરથી કરીશ. અરુણાજીના પ્રયાસોથી ઇ.સ. 1957થી હિન્દી ફિલ્મ સંગીત રેડિયો પર પાછું ફર્યું અને અમીનજી પણ! પછી તો આ કાર્યક્રમ ઇ.સ.1994 સુધી ચાલુ રહ્યો.

 આ શો સિવાય તેમણે રેડિયો પર અનેક નામી કલાકારોના ઇન્ટરવ્યુ પણ લીધેલા. હિન્દી ફિલ્મ-ઉદ્યોગમાં લોકો પોતાનું ઇન્ટરવ્યુ અમીન સયાની દ્વારા લેવામાં આવે તેને પોતાનું સન્માન માનતા. તેમણે લતા મંગેશકર સાથેના પોતાના ઇન્ટરવ્યૂમાં તેમની પાસેથી ઘણી અંગત વાતો પણ સિફતપૂર્વર્ક લોકો સમક્ષ રજૂ કરાવેલી. કોઈપણ મહાન કલાકર પાસેથી તેમના અંગત જીવનની વાતો અત્યંત સહેલાઇથી કઢાવી લેવાની અમીનજીમાં આવડત હતી.

  20મી ફેબ્રુઆરી,2024 ના રોજ આ અવાજ કાયમ માટે શાંત થઈ ગયો, પણ લોકોના હ્રદયમાં અને જીવનમાં એ કાયમ ગુંજતો રહેશે.

  

 

  

 

 

 

 

 

 

 

Monday 26 February 2024

સોસિયલ પ્લેટફોર્મ્સ - જૂની પેઢીની આવડત અને નવી પેઢીના ટેક્નોલોજી અંગેના જ્ઞાનનું અદભૂત જોડાણ!!!

 

સોસિયલ પ્લેટફોર્મ્સ - જૂની પેઢીની આવડત અને નવી પેઢીના ટેક્નોલોજી અંગેના જ્ઞાનનું અદભૂત જોડાણ!!!

 16 Reasons Why Social Media Is Important to Your Company

 

હમણાં એક દરજી બહનને મળવાનું થયું. દરજીકામમાં તેઓ બહુ હોશિયાર છે. અત્યારના ટ્રેન્ડ મુજબ તમે કહો એવી ફેશનના કપડાં તેઓ સીવી આપે. છેલ્લી વખત હું તેઓની પાસે મારા સીવેલા કપડાં લેવા ગઈ ત્યારે તેમણે મને કહ્યું, મે એક યુ-ટ્યુબ ચેનલ બનાવી છે, તમે એને સબ્સ્ક્રાઈબ કરીને વિડીયો જો જો અને તમારા ગ્રૂપમાં બધાને કહેજો કે મારી ચેનલ જુએ.

  મે કહ્યું, તમને આવડે છે? આ ચેનલ બનાવતા અને વિડીયો મૂકતાં, તો તેમણે કહ્યું કે મારા દીકરાએ અને દીકરીએ મને આમાં મદદ કરે છે. એક વિડીયો બનાવી આપે, એક એડિટ કરે અને બંને ભેગા થઈને ચેનલ બનાવી અને વિડીયો પણ તેજ અપલોડ કરે છે. હવે એ મને ઇન્સ્ટાપેજ પણ બનાવી આપશે. મારા દીકરા-દીકરીએ કહ્યું મોમ તારી આ આવડતને સોસિયલ મીડિયાના ઉપયોગ થકી આપણે આગળ લઈ જઈએ.

   આ એક ઉદાહરણ અહી મે લખ્યું છે, પણ આવા ઘણા ઉદાહરણો આજકાલ આપણે આપણી આસપાસ જોઈએ છીએ, જ્યાં યંગ જનરેશન પોતાના માતા-પિતા કે પોતાના સગાવહાલાની કે પોતાની આવડતને સોસિયલ પ્લેટફોર્મ પર રજૂ કરીને એ આવડતને લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ઢાળી રહ્યા છે.

  જૂની પેઢીની આંખો (અનુભવ) અને નવી પેઢીના ટેક્નોલોજી અંગેના જ્ઞાનનો સમન્વય થઈ રહ્યો છે. અને એના ઘણા સારા પરિણામો આપણને મળી રહ્યા છે. હકીકત તો એ છે કે સોસિયલ મીડિયા એ પ્લેટફોર્મ બની ગયું છે જ્યાં કોઈપણ જાતના જ્ઞાતી, જાતિ કે ધર્મના ભેદભાવ વગર આપણે આપણી પ્રોડક્ટ અને આવડતને લાખો-કરોડો લોકો સમક્ષ મૂકી શકીએ છીએ.

  આવી રીતે કેટલીયે માતાઓએ પોતાની જે આવડતને અભેરાઈએ ચડાવી દીધી હતી, તેને નીચે ઉતારીને પોતાની એ આવડતને સારામાં સારા ધંધામાં ફેરવી દીધી છે. વળી આવું કરીને આપણે આપણી જૂની સંસ્કૃતિને આજની જનરેશન સુધી પહોંચાડી પણ શકીએ છીએ. યુ-ટ્યુબ, ઇનસ્ટા, વોટ્સએપ, એમેઝોન, ફ્લિપકાર્ટ વગેરે વગેરે ઓનલાઈન પ્લેટફોર્મ થકી લાખો લોકોની આવડત રજુ થઈ રહી છે અને રોજીરોટી મેળવી રહી છે.

 ખાખરા, નાસ્તા, ટિફિન, લેટેસ્ટ ફેશનવાળા કપડાં, ચણિયાચોળી, લગ્નના લેટેસ્ટ કપડાં, હેંડીક્રાફ્ટની વસ્તુઓ, અથાણાં, મસાલા, વગેરે વગેરે આજે આ સમન્વય થકી જુદા જુદા સોસિયલ મીડિયાના ઉપયોગ થકી કરોડો લોકો સુધી પહોંચી રહ્યું છે. ઘણા લોકો પોતાના આખા કુટુંબનું ભરણ-પોષણ આવી રીતે ઓનલાઈન બિઝનેસ થકી કરી લેતા હોય છે. માતા-પિતાએ પોતાના સંતાનોને નાના હતા ત્યારે નવી દુનિયામાં ડગ માંડીને ચાલતા શીખવ્યું હવે સંતાનો તેઓને ટેક્નોલોજીની દુનિયામાં ડગ માંડતા અને ચાલતા શીખવી રહ્યા છે.

 

  ઘણી મહિલાઓ પોતાની રસોઈની આવડતને યુ-ટ્યૂબના માધ્યમ થકી લાખો લોકો સુધી પહોંચાડી શકી છે. તેઓની ચેનલ આજે લાખો સબ્સક્રાઈબર્સ સુધી પહોંચી ગઈ છે. આ મહિલાઓને પણ તેઓના સંતાનો ચેનલ અપડેટ કરવામાં મદદ કરી રહ્યા છે. ક્રાફ્ટ, આર્ટ વગેરે વગેરે આજે યંગ-જનરેશન થકી આવા જ માધ્યમો થકી પહોંચી રહ્યું છે. અને તેઓ તેમાથી ઘણું બધુ શીખીને આગળ વધી પણ રહ્યા છે!

  ભારતમાં દર પાંચમાથી એક વ્યક્તિ ફેસબૂક કે બીજા કોઈપણ સોસિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. દર મહિને લગભગ 2.5 મિલિયન લોકો યુ-ટ્યુબ જુએ છે, અને હજી આ સંખ્યા વધતી જ જાય છે. એક સર્વે મુજબ ભારતની કુલ વસ્તીના 67.5% લોકો કોઈને કોઈ સોસિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. (દેશની આટલી વસ્તી ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલી છે!) હવે વિચારો આવડું મોટું માર્કેટ આપણને બીજે ક્યાં મળવાનું?

   આપણાં દેશમાં સોસિયલ મીડિયા હવે માત્ર ટાઈમ-પાસ કે મિત્રો કે સગા-સંબંધીઓ સાથે જોડાવાનું માધ્યમ નથી રહ્યું, પણ દેશની જીડીપીને બુસ્ટ આપનાર માધ્યમ પણ બની રહ્યું છે. ઘણી મમ્મીઓ માટે આ માધ્યમ પોતાની આવડત અને શોખને નવી ઊંચાઈઓ આપવાના માધ્યમ બની રહ્યા છે.

    આપણે મોટા ભાગે સોસિયલ મીડિયાને બે જનરેશન વચ્ચેના ગેપ તરીકે જ પ્રમોટ કરી રહ્યા છીએ. લગભગ દર ત્રીજા લેખમાં કે રીપોર્ટમાં આપણે સોસિયલ મીડિયાની યંગ જનરેશન પર પડી રહેલી ખરાબ અસરો વિષે લખતા વાંચતાં રહીએ છીએ. ચારેબાજુ સોસિયલ મીડિયાના દુરુપયોગ વિષે રાડો પડતી રહે છે. પણ આપણે સોસિયલ પ્લેટફોર્મ્સની આ સારી બાબતોને હાઇલાઇટ કરવાનું ભૂલી રહ્યા છીએ.

  આજ માધ્યમ થકી આજે બે જનરેશન વચ્ચેનો ગેપ ઘટી રહ્યો છે. જૂના જ્ઞાન અને નવી ટેક્નોલૉજી વચ્ચે પુલ બંધાઈ રહ્યો છે અને એ પુલ આપણને લેટેસ્ટ સંબંધો તરફ લઈ જઇ રહ્યો છે. કોઈપણ મમ્મીની ઇન્સ્ટા-રીલ જુઓ તો તમને દીકરા કે દીકરીની મહેનત જરૂર દેખાશે.

    

તમારા મન અને મગજમાં કોણ રહે છે?

  તમારા મન અને મગજમાં કોણ રહે છે?     તમારા મનમાં અને મગજમાં કોણ રહે છે ? આ પ્રશ્નનો જવાબ જો દરેક વ્યક્તિને પૂંછવામાં આવે તો તેઓ જવાબ આપ...