................................................................................!
કેટલાક લેખોને કોઈ શીર્ષક ની જરૂર નથી હોતી. એના પ્રત્યેની શ્રદ્ધા જ મહત્વની હોય છે. ને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી! કેમ ખરું ને? ‘માતા-પિતા’ જન્મ સાથે આપણને ઈશ્વર તરફથી મળેલી શ્રેષ્ઠ ભેટ છે. કુટુંબ,મિત્રો વગેરે બોનસમાં ભગવાન તરફથી મળતા રહે છે.”માતા-પિતા’ એટલે સૌના નસીબમાં લખાયેલું ને વણમાંગેલું મળેલું ‘સુખ’. કહેવાય છે કે ઈશ્વર બધે ના પહોચી સકે એટલે તેણે ‘માં-બાપ’ નું સર્જન કર્યુ ને જગતને પોષ્યું! પણ પછી ઈશ્વરને પ્રશ્ન થયો, આ પોષિત માણસો ને સાચા રસ્તે લઇ જવાનું અને તેઓમાં રહેલી શુશુપ્ત શક્તિઓને બહાર લાવવાનું કાર્ય કોણ કરશે? કોને દેશના ભાવી નાગરિકો અને મહાનુભાવોને ઘડવાનું અગત્યનું કાર્ય કોને સોપવું? ને આ પ્રશ્નના જવાબમાં ઈશ્વરે ‘શિક્ષક કે આચાર્યનું’ સર્જન કર્યું. ને એટલે જ શ્રેષ્ઠ શિક્ષક એટલે એવો માળી જે પોતાના બાગના ફૂલ ની એટલે કે પોતાના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તરફ સંપૂર્ણ ધ્યાન આપનાર વ્યક્તિ. જે વિદ્યાર્થીઓના જીવનમાં પ્રેરણાસ્ત્રોત બની તેની જિંદગીને સાચા અને સારા રસ્તે લઇ જનાર માર્ગદર્શક બને તે શિક્ષક.શિક્ષક નું સર્જન કરી ઈશ્વરે જગતનું સંચાલન માણસોના હાથમાં આપી દીધું! ઘડવૈયાઓના હાથમાં ધડતર સોપી ઈશ્વર નિશ્ચિંત બની ગયા!
ખરેખર એ વ્યક્તિ નસીબદાર છે ને મહેનતુ પણ છે જેને સારા ‘શિક્ષક’મળ્યા! કારણ સારા શિક્ષક મેળવવા મહેનતુ વિદ્યાર્થી બનવું જ પડે.આપણી મહેનતને યોગ્ય દિશામાં લઇ જવાનું કાર્ય શિક્ષક જ કરે છે.સારા શિક્ષક મળવા એ સારા કર્મોનું ફળ છે.અર્જુનને શ્રીકૃષ્ણ શિક્ષક સ્વરૂપે મળ્યા ને ભગવાન દત્તાત્રેયને એ કુતરા સ્વરૂપે મળ્યા ને બંને ની જિંદગી યોગ્ય દિશામાં વળી.એક ને નિરાશા છોડી ને લડવાની પ્રેરણા મળી ને એકને વફાદારી શીખવા મળી, કારણકે શિક્ષક મળ્યા! તો વળી હેલન-કેલરની શારીરિક ખામીઓને તેની શિક્ષિકા ‘એનીસુલીવાને’ વિશિષ્ટતામાં ફેરવી નાખી.શિક્ષક સારા મળે એને જિંદગી માં આગળ વધવાનો રસ્તો મળી રહે છે.શિક્ષક એટલે અદ્રશ્ય સ્વરૂપે આપણી સાથે ચાલતા ઈશ્વર જે આપણને ગમે તેવી મુશ્કેલીઓ સામે લડતા શીખવે છે ને મજબુત બનાવે છે. તમને થશે આજે ના તો “ગુરુપૂર્ણિમા” છે ના તો “શિક્ષક-દિન” તો પછી આ બધુ શું ..............
આ બધું આજે એટલા માટે લખ્યું કે મેં મારા પ્રિય અને પ્રેરણાદાયી શિક્ષક ૨-૩ દિવસ પહેલા ગુમાવી દીધા! englishનો તાસ હોય સર આવે એના બાગમાંથી કહો કે જીવનમાંથી અમારા બધા માટે ગુલાબના ફૂલ કે કાતરા લેતા આવે. તેઓના બાગમાં આવવાનું કાયમ કહેણ હોય જ! ભણાવતા-ભણાવતા ક્યારે કલ્પનાની દુનિયામાં લઇ જાય ખબર જ ના રહે. ને વળી તેઓની પ્રિય કુદરત ને એક પુસ્તક તો સાથે જ હોય! ‘પ્રકૃતિ’ તેઓ માટે ખુદા હતી.તાસ દરમિયાન પણ એ સાથે જ રહેતી.મારા જેવા હજારો વિદ્યાર્થીઓમાં સાહિત્ય,સંગીત,વાંચન ને પ્રકૃતિના સંસ્કારો રેડનાર એ શિક્ષક હતા, ‘અસગર’ સર! સરસ મજાનો આલણબાગ જીવંત કરેલો.એક પુસ્તકાલય જેટલા પુસ્તકો, એક સંગ્રહાલય જેટલો સંગ્રહ, ને સંપૂર્ણ કુદરતને વરેલા મારા એ સરને ઘણીવાર નામ ના આવડતા લોકો ‘અજગર’ કહીને પણ સંબોધતા! એ ઘણીવાર કહેતા જંગલમાં રહું એટલે મારું નામ ના બદલી નાખો. મને અસગર સર રહેવા દ્યો. તેઓના તાસની અમે રાહ જોઇને બેસતા.ક્યારે એ આવે ને અમને નવી દુનિયામાં લઇ જાય! અંગ્રેજી આજે પણ પ્રિય વિષય છે ને કોલેજ ના વિદ્યાર્થીઓને ભણાવી શકું છું તેઓના લીધે. એવું સરસ ભણાવતા કે બધાને અઘરું લાગતું અંગ્રેજી અમને સાવ સરળ લાગતું! તેઓનો આલણબાગ અમારા માટે પણ પ્રિય સ્થળ બની ગયું હતું. નિશાળે રજા હોય એટલે ઉપાડી જતા ત્યાં પ્રકૃતિનો આનંદ માણવા ને સરના જ્ઞાનનો લાભ લેવા.ઘરે કોઈ મહેમાન આવે તો તેઓને પણ લઇ જવાની તાલાવેલી રહેતી. જેટલી વાર જઈએ સર એટલું ધ્યાનપૂર્વક શીખવે કે દરેક વખતે પ્રકૃતિ વિશે ને સાહિત્ય વિશે નવું જાણતા આવીએ!
બાગમાં ઊંચા-ઊંચા વ્રુક્ષો, સરસ મજાના krotons, ફૂલોની તો જાણે પથારી! નાના નાના વિકસાવેલા ‘બોન્સાઇ’, ખુબ જ ચીવટથી ઝાડના થડમાંથી બનાવેલું ચા પીવાનું ને વાતો કરવાનું ટેબલ ને સુંદર હીંચકો,પક્ષીઓનો કલરવ ને એ શ્રુષ્ટિ વચ્ચે તેઓનું ઘર! દુનિયાથી પર વિકસાવેલું. તેમના બાગમાં દરરોજ કોઈ નવું મહેમાન છોડ,વ્રુક્ષ કે પક્ષી સ્વરૂપે આવતું. ત્યાં જઈએ એટલે પ્રકૃતિ અને સાહિત્યની વાતો ખૂંટે નહિ. મોટા ભાગના ગુજરાતી સાહિત્યકારો સાથે જીવંત પરિચયમાં હતા.કેટલાય લેખકોના પુસ્તકોથી તેઓનું પુસ્તકાલય શોભતું! તેઓ સ્વયમ પણ કવિતાઓ લખતા પણ કદી બહાર પાડતા નહિ.એટલું જ નહિ સારા ગાયકોના ગીતોનો તેઓ પાસે ખજાનો હતો.પ્રકૃતિ,સાહિત્ય,સંગીત ને શિક્ષણનો શ્રેષ્ઠ સમન્વય સાધી તેઓએ પોતાનું જ એક વિશ્વ સર્જેલું, ને મને તેના સાક્ષી બનવાનું ગૌરવ મળ્યું તે બદલ ઈશ્વરનો આભાર! તમારી સમક્ષ આજે હું જે કઈ લખી શકું છું એ મારા વાંચનને આભારી છે ને મારું વાંચન હમેંશા તેઓથી પ્રેરિત રહ્યું. મારામાં રહેલા શિક્ષક્તવનાં અંશો તેઓના જ શિક્ષણને આભારી રહેવાના! તે માટે હું કાયમ તેઓની ઋણી રહીશ.
ઈશ્વર સરના આત્માને શાંતિ આપે એટલું જ નહિ પણ હમેંશા પ્રકૃતિની સોડમાં રાખે તેવી પ્રાથના.
ક્લાસમાં તેઓ ‘હેલન-કેલરના’ એક પુસ્તક,”three days to see” ની બહુ વાતો કરતા. તેમણે એ પુસ્તકનો ભાવાનુવાદ પણ કરેલો જે આજે પણ મેં સાચવેલો છે. જેના થોડાક અંશો આજે તમારી સમક્ષ લખું છું. તમને પ્રેરણા આપશે એવી શુભેચ્છા સાથે,
‘મને ઘણીવાર વિચાર આવે છે કે પ્રત્યેક વ્યક્તિ તેની પુખ્ત ઉંમર થતા સુધીમાં થોડાક દિવસો માટે જો આંધળી અને બહેરી થઇ જાય તો તેના માટે તે આશીર્વાદરૂપ થઇ પડે.અંધારાનો અનુભવ તેને દ્રષ્ટિનો મહિમા સમજાવશે, સર્વથા ની:શબ્દતા તેને અવાજનો ખ્યાલ આપસે.’
‘હમેંશા જોનારની આંખો તેમના વાતાવરણની રોજીંદી ઘટમાળથી ટેવાય જાય છે,ને આંખો આળસુ બની જાય છે.’
‘મનુષ્ય અને તેના જીવનની પ્રગાઢતા મને બંધ આંખોએ પુસ્તકોએ દર્શન કરાવ્યા છે.
No comments:
Post a Comment