ગીતાજી... ઈશ્વરે આપણાં વાંચન પર મૂકેલી શ્રદ્ધા છે!!!
કોણ એવું હશે? જેણે હતાશ, નિરાશ થઈને જિંદગીમાં એકવાર હથિયાર હેઠા મૂક્યા નહી હોય? કોણ એવું હશે? જેણે પોતાની જિંદગીના કુરુક્ષેત્રની લડાઈ અંગત સંબંધો સામે નહી લડી હોય? કોણ એવું હશે? જેને એકવાર તો જિંદગીમાં ‘હું કોણ છુ” એવો પ્રશ્ન નહી થયો હોય? 142.67 કરોડ ભારતીયો, ભલે પછી તેઓ ગમે તે ધર્મને અનુસરનારા હોય, કોણ એવું હશે જેણે જિંદગીમાં એકવાર આ ‘જ્ઞાન-ગંગામાં’ ડૂબકી મારવાનું નહી વિચાર્યું હોય? સાવ ખાલી થઈને કોઇની પાસે જઈએ તો શું મળી શકે? થાકીને, હારીને, નિરાશાના અંધકારમાં ગરકાવ થઈને કોઇની પાસે જઈએ તો શું મળી શકે? જ્યારે ‘આત્મજ્ઞાન’ ખોટા સમયે પ્રગટે ત્યારે શું મળી શકે? જ્યારે જિંદગીના કુરુક્ષેત્રમાં અંગત માણસો સામે ‘ધર્મ’ માટે લડવા અંગે મૂંઝવણ હોય ત્યારે શું મળી શકે? હું સક્ષમ છુ, છતાં લડી નહી શકું! એવા નકારાત્મક વિચારો મનને ધમરોળી નાખે ત્યારે શું મળી શકે?
તમને થશે લેખ છે, કે પ્રશ્નબેંક? પણ જરા વિચારો એક પ્રિય મિત્ર પોતાના પરમ મિત્રને એક પછી એક એમ પ્રશ્નો પૂંછતો જાય અને બીજો મિત્ર તેને બધુ જ સમજાય ના જાય, તે લડવા માટે તૈયાર ના થઈ જાય ત્યાં સુધી જવાબો આપતો જ રહે, એ પણ જરાપણ ગુસ્સે થયા વિના! તો હું તમને એટલા પ્રશ્નો તો પુંછી જ શકું ને? જેથી તમને ખબર પડી જાય કે આજે એટલે કે માગશર શુદ અગિયારસના પાવન દિવસે આપણે વિશ્વને સદીઓથી મૂંઝવતા પ્રશ્નોનાં જવાબો આપનાર જીવંત પુસ્તકની વાતો કરવાના છીએ.
5 હજાર વર્ષો પહેલા ‘કુરુક્ષેત્રના ધર્મયુદ્ધ’ માં લડાઈ શરૂ થવાના થોડા સમય પહેલા અર્જુનમાં પ્રગટેલા ક-ટાઇમના આત્મજ્ઞાનને ( ભાગેડુવૃત્તિને) નિરાશાના અંધકારમાથી આશાના અંજવાળામાં લઈ આવવા બંને મિત્રો વચ્ચે જે સંવાદો થયા તે આજે પણ આ દેશની ગલીએ ગલીએ ગુંજી રહ્યા છે. આજે પણ લખાતું અને છપાતું દર ત્રીજું પુસ્તક ગીતાજીના વિચારોને આધારે ઘડાઈ રહ્યું છે. બિઝનેસ મેનેજમેન્ટ થી લઈને રીલેશન મેનેજમેન્ટ સુધી બધુ જ મેનેજ કરવા ગીતાજીમાં શ્રીકૃષ્ણએ આપેલા વિચારોને લોકો અપનાવી રહ્યા છે.
જીવનની વિપરીત પરિસ્થિતિઓ સામે લડવા બહાર ભટકતા રહેવું એના કરતાં અંદરનું જે જીવન આપણને બોલાવી રહ્યું છે, તેનો અવાજ સાંભળવા લોકો આ પુસ્તકને જીવતે-જીવ વાંચે તો એમાં મારે કેમ જીવવું? એ જાણવા માટેની શ્રદ્ધાના બીજ રોપાયેલા છે. આપણાં મનમાં ઉછળતા પ્રશ્નોને બંધ નથી કરવાના પણ જે કઈ સવાલો આપણને આપણાં અસ્તિત્વને લઈને ઊભા થાય છે, તે સઘળા પ્રશ્નોનાં જવાબો મેળવવા આ ગ્રંથને ઘરની અને જીવનની લાયબ્રેરીમાં સામે રાખવાનું છે,વાંચવાનું છે.
દરેક પરિસ્થિતિને એકસરખી રીતે ફીલ કરતાં શીખી જઈશું તો તમામ વિપરીત અને મુશ્કેલ પરિસ્થિતિઓ સામે લડવાની આપણી ઇમ્યુનિટી વધી જશે. મને કશું મળશે કે નહી? તે અપેક્ષામાં ફસાયા વિના પ્રયત્નો કરતાં રહીશું તો જિંદગીમાં જે મેળવવું છે, તે મળી રહેવાની આશાઓને કાયમ જીવંત રાખી શકીશું. જીવવા માટે, જીવી લેવા માટે સૌથી શ્રેસ્ઠ સમય ‘વર્તમાન’ છે. મારુ અત્યારનુ, આ ક્ષણનું કર્તવ્ય શું છે? જેઓને આ પ્રશ્નનો જવાબ ગીતાજી થકી મળી જાય તેઓ સરદાર વલ્લભભાઈની જેમ ચાલુ અદાલતે પત્નીના મૃત્યુના સમાચાર વાંચીને પણ સ્વસ્થતાથી જીંદગીનો કોઈપણ અઘરો કેસ લડી શકે છે, જીતી શકે છે. આ તો માત્ર ટ્રેલર છે, આવા લગભગ દરેક સમસ્યાઓને લગતા સોલ્યુશન આ ગ્રંથ આપણને આપે છે.
શ્લોકોની સંખ્યા, અધ્યાયોની સંખ્યા એ ગીતાજીનું વિષયવસ્તુ નથી. ઘણા લોકો આખી ગીતાજી મોઢે કરી લેતા હોય છે. પણ એનાથી શું થઈ જવાનું? આપણે ગીતાજી કેટલા ગોખ્યા? કેટલીવાર વાંચ્યા? એ મહત્વનુ નથી, મહત્વનું તો છે, કે ગીતાજી સાંભળ્યા બાદ કે વાંચ્યા બાદ આપણે અર્જુનની જેમ રીફ્રેશ અને અપડેટ થઈને લડવા તૈયાર થઈ ગયા કે નહી? આ ગ્રંથ જીવનમાં ઉતારવાનો છે. જ્યારે જ્યારે આપણે મૂંઝાઈએ ત્યાં માર્ગદર્શન મેળવવાનો ગ્રંથ છે. જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ કોઈપણ યોગનો એકાદ શ્લોક પણ જીવનમાં છેક તળિયા સુધી લઈ જઇ શકીશું તોપણ જિંદગીને મોજ-મસ્તીથી જીવી શકીશું. જીવંત રાખી શકીશું. અરે મૃત્યુનો ડર ખતમ કરી શકીશું. જિંદગીને આત્માના રહસ્યો શોધવામાં વેડફી નાખવાને બદલે આત્માનું પરમાત્મા સાથે કનેક્શન કેમ કરવું? આત્માનું સિગ્નલ સાંભળીને ખરાબ રસ્તે જતાં સ્ટોપ થઈ જવું, ખરાબ કર્મો કરતાં અટકી જવું બસ એ જ ગીતા જયંતીની સાચી ઉજવણી છે.
હકીકત તો એ છે કે આ ગ્રંથનું જ્ઞાન આપ્યા બાદ આપણે ‘યંગ જનરેશનને’ કઈ પણ નહી આપીએ તોપણ ચાલશે. સાહિત્યના અઘરા અર્થોમાથી, વિવેચનોમાથી, ગીતાજીને બહાર લઈ આવી સરળ ભાષામાં ‘યંગ જનરેશનને’ તેઓની ભાષામાં જ તેઓ સુધી પહોંચાડી શકીશું. જેમ પ.પૂ. મોરારી બાપુ પોતાની ‘રામકથા’ માં રામને, હનુમાનજીને અને રામાયણના સંદેશાઓને લોકોના હ્રદય સુધી પહોંચાડે છે, તેમ જ સ્તો!

No comments:
Post a Comment