Wednesday, 18 December 2024

 

ભારતીય ‘ન્યાય-વ્યવસ્થા’ દેર પણ અને અંધેર પણ!!!

 Fallacies of Digitization of Judicial System of India - LawLex.Org

 

         નીટનું પેપર ફોડીને જેણે આ દેશના લાખો હોશિયાર વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં ગરકાવ કરી દિધૂ?  એ લોકોને સજા થશે કે કેમ? તથ્ય પટેલ કે જેણે કોઈના ઘરના દીપકને ઓલવી નાખ્યા, તેને સજા થશે કે કેમ?  ધનીકો અને મોટા મોટા રાજકારણીઓના નબીરાઓ મોંઘીદાટ ગાડીઓના નશામાં જે ગરીબોને કચડીને ભાગી જતાં હોય છે, તેઓને સજા થશે કે કેમ? વડોદરા રેપ કેસના ગુનેગારોને કેટલા વર્ષે સજા મળશે? મોરબીના ઝૂલતા પુલ હત્યા-કાંડના આરોપીઓને કોઈ પકડી શકશે કે નહી?  રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને સજા મળશે કે કેમ?  હમણાં બેંગલુરુમાં એ.આઈ. એંજિનિયરે આ સિસ્ટમથી કંટાળીને લાઈવ સ્યૂસાઇડ કર્યું. તેને કોણ ન્યાય અપાવશે? બે વર્ષ પહેલા બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડના આરોપીઓ અત્યારે ક્યાં છે? કોલકાતા રેપ અને મર્ડર કેસના આરોપીઓને સજા થશે કે કેમ?

      ઉપરના બધા પ્રશ્નોનાં જવાબોનો જો સર્વે કરવામાં આવે તો 95% લોકો એવું કહેશે કે આમાથી કોઈને કઈ થવાનું નથી. અમને ખબર છે, આ લોકો પૈસા અને પાવરનો ઉપયોગ કરીને ગમે તેમ કરીને છટકી જશે. એટલે કે કોઈને સજા નહી થાય! આપણી આસપાસ આજકાલ જે કઈ થઈ રહ્યું છે, તેને જોઈને એવું નથી લાગી રહ્યું કે આ દેશમાં તમારી પાસે પૈસો અને પાવર બેમાથી કોઈ એક શક્તિ હોય એટલે તમને આ દેશનો કાયદો ટચ પણ નહી કરી શકે. આવા કેસોના ચુકાદાઓમાં એટલી બધી તારીખો પડે છે, કે પેઢીઓની પેઢીઓ બદલાય જાય છે, પણ કોઈ ચુકાદો આવતો નથી. ઉપરના જેવા મોટા ભાગના કેસોને એટલા બધા ખેંચવામાં આવે છે કે તેની સાથે જોડાયેલા બધા જ સાક્ષીઓ ફરી જાય છે, લોકો શું થયું હતું? એ ભૂલી જાય છે. સાચું બોલજો ઉપરના કેસોમાથી આપણને કેટલા યાદ છે? જ્યારે જુવાળ ઊભો થયો હતો, ત્યારે બધાને એવું લાગતું હતું કે સજા થવી જોઈએ, પણ હવે અત્યારે આપણે શું માની લીધું છે?

  હકીકત એ છે કે આ દેશમાં જ્યારે કોઈ આવો ચોંકાવી દેનારો કિસ્સો થાય ત્યારે થોડા દિવસો સુધી બધે જ એની ચર્ચા થાય છે, લોકો આંદોલનો કરવા રસ્તા પર ઉતરી આવે છે, મીણબત્તીઓ લઈને ન્યાય મળે તે માટે એક દિપક પ્રગટાવવાની કોશીશો થાય છે, પણ પછી થોડા જ સમયમાં એ દીપક ઓલવાઈ જતો હોય છે. સવારે ચા ની ચૂસકી સાથે વાંચેલી આ હેડલાઈન્સો વરાળ બનીને ક્યાય ઊડી જતી હોય છે. આપણે ત્યાં કોર્ટમાં કેસો એટલા લાંબા ચાલે છે. કે મૂળ કેસ જ ભૂલાય જતો હોય છે, અને કા તો એ આરોપીએ ગુનો કર્યો હતો, એ આ દેશની 142.67 કરોડની વસ્તીને ખબર હોય છે, પણ છતા પુરાવાઓના અભાવે તે છૂટી જતા હોય છે. યાદ કરો, સલમાનખાન વાળો હિટ એન્ડ રન વાળો કેસ! એ કેસ લગભગ 13 વર્ષો સુધી ચાલ્યો, પણ ચુકાદો શું આવ્યો? તે કેસ સાથે જોડાયેલા આઈ-વિટનેસ ની હાલત વિષે કોને ખબર નથી?

      ભારતની જુદી જુદી કોર્ટસમાં પેન્ડિંગ કેસોના આંકડા દેશના જી.ડી.પી. વૃદ્ધિદરની જેમ વધતાં જ જઇ રહ્યા છે. વિશ્વના સૌથી મોટા બંધારણમાં કાયદાઓ એટલા બટકણા છે, અને એમાં એટલા બધા છીંડા છે કે શક્તિશાળી આરોપીઑ આબાદ છટકી જતાં હોય છે. આ દેશમાં સેલેબ્રેટીઓ માટે, મોટા માણસો માટે, રાજકારણીઓના સગાવહાલાં માટે, ધનિક માણસો માટે, અને ગરીબ માણસો માટે અલગ આલગ કાયદાઓ છે! આગળના બધા જ ખરાબ કામો કરીને છૂટી જાય છે, જ્યારે જેની કોઈ પહોંચ નથી કે જેની પાસે પૈસો નથી તેઓ કાયદાની આંટીઘૂંટીમાં જકડાઈ જતાં જોય છે. આ દેશમાં સજા શબ્દ માત્ર પૈસા કે પાવર વગરના લોકોના શબ્દકોશમાં જ છે.

   જેઓ ન્યાયની અપેક્ષામાં પોતાના મંગલસૂત્ર પણ વહેંચી દેતાં હોય છે, તેવા સામાન્ય લોકો માટે આ કાચબા જેવી સિસ્ટમ સિવાય બીજો સહારો કોનો છે? અમુક કેસોના ચુકાદાઓ 32 વર્ષે, પણ આવે છે. વચ્ચેથી ત્રણ પેઢીઓ પસાર થઈ જાય પછી મળેલા ન્યાયનું શું મહત્વ? કેસ દાખલ કરનાર ઘણા લોકો તો મૃત્યને પણ પામી ગયા હોય છે. મોડે મોડે મળતો ન્યાય પણ અન્યાય સમાન જ ગણાય!

   આપણાં દેશમાં એક સક્રિય સિસ્ટમ છે, જ્યારે આવો કોઈપણ હાઇ-પ્રોફાઇલ કે લો-પ્રોફાઇલ કેસ માર્કેટમાં આવે, દરેકને તેમાં પોતાનો હિસ્સો જ દેખાતો હોય છે. રાજકારણીઓને તેઓનો, વકીલોને તેઓનો, પોલીસોને તેઓનો, મીડિયાવાળાઓને તેઓનો, વગેરે વગેરે સૌને સૌનો હિસ્સો મળી જાય એટલે કેસ બાષ્પ બનીને ઊડી જાય છે. ગુનેગારો આબાદ છટકી જાય છે. અને આની સૌથી મોટી આડઅસર એ થાય છે કે ગુનાઓ વધતાં જ જાય છે, કારણકે કાયદાઓનો કોઈને ડર નથી.

No comments:

Post a Comment

એ.આઈ.રમકડાઓ’ બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે!!!

  ‘ એ.આઈ.રમકડાઓ ’ બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે!!!           રમકડાં એક એવું વિશ્વ છે , જ્યાથી બહાર નીકળવું બાળકો માટે અશક્...