
યંગ જનરેશનનો નવો સંવાદ, ‘ પોડકાસ્ટ’
આપણે માણસો એકબીજા સાથે વાતો શેર કર્યા વિના નથી રહી શકતા. બધા જ પોતાની અંદર રહેલી લાગણીઓને અભિવ્યક્ત કરવા માટે કોઈને કોઈ માધ્યમનો ઉપયોગ કરતાં હોય છે. આજથી 40/50 વર્ષો પહેલા આવી લાગણીઓ અભિવ્યક્ત કરવાના માધ્યમો ઓછા હતા અને જેઓ પાસે આપણી સંવેદનાઓ અભિવ્યક્ત કરી શકાય એવા લોકો પણ ઓછા હતા. પણ આજે આપણી પાસે એકબીજા સાથે કનેક્ટ થવા માટે ઘણા બધા ટેક્નોલોજિકલ માધ્યમો છે, એમાનું એક એટલે, ‘ પોડકાસ્ટ’
પોડકાસ્ટ ખાસ કરીને યંગજનરેશનમાં સૌથી લોકપ્રિય માધ્યમ છે, જેના થકી આજની યુવાપેઢી પોતાના વિચારો સરળતાથી રજુ કરી શકે છે અને બીજા પાસેથી સારા વિચારો લઈ પણ શકે છે. સૌપ્રથમ માન્ય પોડકાસ્ટ જુલાઈ ૨૦૦૩માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તેમાં અમેરિકન રેડિયો હોસ્ટ ક્રિસ્ટોફર લિડન અને સોફ્ટવેર ડેવલપર ડેવ વાઈનર વચ્ચેની ઓડિયો મુલાકાતનો સમાવેશ થતો હતો, જેનું વિતરણ વાઈનર દ્વારા વિકસાવવામાં આવેલી 'ઓડિયો એન્ક્લોઝર' ટેક્નોલોજી સાથેના RSS ફીડનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. અને આજે આખા વિશ્વમાં આશરે 4550000 જેટલા પોડકાસ્ટ રજૂ થાય છે!
ઇન્ટરનેટ પોડકાસ્ટ એ એક ડિજિટલ ઓડિયો અથવા વિડિયો પ્રોગ્રામ છે જેને આપણે ઓનલાઇન ડાઉનલોડ અથવા સ્ટ્રીમ કરી શકિએ છીએ. તેમાં સમાચાર, રમતગમત, કોમેડી, અપરાધો, મનોરંજન, કોઈ સફળ વ્યક્તિની મુલાકાત વગેરે વગેરે રજૂ થતું હોય છે. આ પોડકાસ્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે, કોઈપણ વ્યક્તિ તેને કોઈપણ સમયે પોતાની અનુકૂળતા મુજબ સાંભળી કે જોઈ શકે છે. અને તેમાં થતી વાતો પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ અને યંગ-જનરેશનને સ્પર્શતી હોય છે.
'ઇન્ડિકાસ્ટ' ઓક્ટોબર 2005માં ભારતનો આદિત્ય મહાત્રે અને અભિષેકકુમાર દ્વારા શરૂ થયેલો સૌપ્રથમ પોડકાસ્ટ હતો, જે હજી ચાલુ છે અને જેમાં સમાચાર અને વર્તમાન ઘટનાઓ પર ચર્ચાઓ થતી અને હજી પણ થાય છે. તે જ સમયગાળા દરમિયાન, છવી સચદેવે પણ દેશમાં ઓડિયો અને રેડિયો-શૈલીના પોડકાસ્ટિંગની શરૂઆત કરી હતી. સુદીપ્તા ભૌમિક દ્વારા રજૂ થતું બંગાળી પોડકાસ્ટ જે મહાભારતની વાર્તાઓ પર આધારિત હતું, તે ખૂબ જ લોકપ્રિય થયેલ છે.
‘ધ રણવીર શો’રણવીર અલ્લાહબાદિયા જેઓ આધ્યાત્મિકતા, ઇતિહાસ, ભૂરાજકીય બાબતો અને સેલિબ્રિટીના ઊંડાણપૂર્વકના અનુભવો શોમાં રજૂ કરે છે. ‘રાજ શમાણી શો’જેમાં નવા નવા ઉદ્યોગપતિઓની સફળતા, ભારતીય અર્થતંત્ર અને નાણાકીય બાબતો રજૂ થાય છે.દેશી ક્રાઇમ પોડકાસ્ટ જેમાં આર્યન મિશ્રા અને ઐશ્વર્યા સિંહ સાવધાન ઈન્ડિયાની જેમ દક્ષિણ એશિયામાં થતાં અપરાધોને સીરોયલો સ્વરૂપે રજૂ કરે છે. તો આરૂષિ ઠક્કર 5-મિનિટના દૈનિક ઓડિયો અપડેટ્સ આપે છે, જે અઘરા બિઝનેસ સમાચારોને સરળ ભાષામાં સમજાવે છે.
આ બધા લોકો પોડકાસ્ટ દ્વારા કરોડો રૂપિયા કમાય શકે છે. એટલે તમારો અવાજ સારો હોય, તમને આસપાસના લોકોમાં રસ હોય, તમારી રજૂઆત સારી હોય તો તમે પણ આ ક્ષેત્રે જંપલાવી શકો છો. આ પોડકાસ્ટના વિડિયોઝ તેઓ યુ-ટ્યુબ અને ઇનસ્ટા પર પણ મૂકે છે, જેથી યંગજનરેશન સુધી પહોંચી શકાય. ભારતમાં પોડકાસ્ટ સાંભળનારા લોકોની સંખ્યા 105 થી 177 મિલિયન જેટલી છે, જે ચાઈના અને અમેરિકા બાદ ત્રીજા નંબરે આવે છે! આ આંકડો એકલા ભારતમાં જ આવતા વર્ષોમાં 260 મિલિયનને આંબી જવાનો છે. કમાણીની દ્રષ્ટિએ જોઈએ તો આશરે 969 મિલિયન ડોલરનું આ માર્કેટ છે, જે 2030 સુધીમાં 4.5 બિલિયન ડોલર્સનું થઈ જશે.
ભારતમાં સૌથી વધુ પોડકાસ્ટ લીસનર્સ હિન્દી ભાષાના છે, ત્યારબાદ તમિલ અને તેલેગુ, મરાઠી અને બંગાળી ભાષાના લીસનર્સ આવે છે. ઘણા સ્પીકર્સ પોતાના પોડકાસ્ટસ ‘હિંગલીશ’ ભાષામાં પણ રજૂ કરે છે. તો ઘણા હવે પ્રાદેશિક ભાષામાં પણ ઓનલાઈન થઈ ગયા છે. ગુજરાતી ભાષામાં પણ ઘણા સારા પોડકાસ્ટ્સ અવેલેબલ છે, લોકપ્રિય ગુજરાતી પોડકાસ્ટમાં જલ્સો પોડકાસ્ટ પર સાંસ્કૃતિક વાર્તા કહેવાનો કાર્યક્રમ, ડિજિટલ વાતો પર ઇશાન જોશી સાથે સર્જક અને વ્યવસાયિક ઇન્ટરવ્યુ, ગ્રો લાઈક અ ગુજરાતી પર લોક સંસ્કૃતિ અને કલા, ગપ્પા ગુજરાતી પોડકાસ્ટ પર કેઝ્યુઅલ ચેટ્સ અને લર્ન ગુજરાતી વિથ મી પર ભાષા શીખવાનો સમાવેશ થાય છે.
યંગજનરેશન સુધી પહોંચવા માટે આ માધ્યમ આજકાલ લેટેસ્ટ ટ્રેન્ડમાં છે, અને કમાણીની પણ અઢળક તકો રહેલી છે...

No comments:
Post a Comment