Monday, 16 November 2026

આ દિવાળીએ એક દીવો બાળકોમાં વધી રહેલી હિંસાત્મક માનસિકતાને દૂર કરવા પણ પ્રગટાવીએ....


 Did you know that 2.2 crore “invisible” children are growing up without a  childhood in India? They work under the sun, sort scrap, carry heavy loads  — while the world moves on.


આ દિવાળીએ એક દીવો બાળકોમાં વધી રહેલી હિંસાત્મક માનસિકતાને દૂર કરવા પણ પ્રગટાવીએ....

 

 

    આ ટેકનો-એજની સૌથી વધુ અસર જો કોઈ પર થઈ હોય તો એ ‘બાળકો’ પર થઈ છે! ઈલેક્ટ્રોનિક ગેઝેટસે બાળકો પાસેથી તેઓની નિર્દોષતા, નિખાલસતા, દાદા-દાદીની વાર્તાઓ, વિસ્મયતા,અણસમજણ, શેરીની રમતો, કુદરત સાથેની મિત્રતા, એકાગ્રતા, વાંચન વગેરે વગેરે બધુ જ છીનવી લીધું છે. અને આ ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટસ બાળકોને આપ્યા છે, આપણે! અને હવે તેઓને આ બધાથી દૂર પણ આપણે જ કરવા પડશે. બાળકોને શેરીની ધુળ આપણે પાછી આપવી પડશે, નહિ તો તેઓનું માનસિક અને શારીરિક આરોગ્ય એટલું ખરાબ થઈ જશે કે તેઓ પોતાનું જીવન જીવી જ નહીં શકે!

   ભારતમાં આશરે 44 કરોડ જેટલા બાળકો વસે છે, જેઓના શારીરિક અને માનસિક આરોગ્ય પર બજાર, માતા-પિતા અને આસપાસના લોકો દ્વારા એવા ઘાતક હુમલા થઈ રહ્યા છે કે બાળકો પોતાનું માનસિક સંતુલન ગુમાવીને પોતે ઘાતકી અને ક્રૂર બની રહ્યા છે. બાળકો પોતે પણ એકબીજાને ‘બુલિંગ’ થકી એટલા ટોર્ચર કરતાં રહે છે કે પીઅર પ્રેશર ઘણા બાળકોને હિંસક અને જંગલી બનાવી દેતાં હોય છે. હરિયાણામાં 28મી ઓકટોબરે એક શાળામાં 8માં ધોરણના છોકરાએ હાયર કે.જી.માં ભણતી છોકરીને નિર્દયતાથી એટલી મારી કે દીકરીને હોસ્પીટલમાં દાખલ કરવી પડી! આ ઘટના સોસિયલ મીડિયા પર લોકોએ જોઈ અને લોકો પણ ધ્રુજી ઉઠ્યા કે આટલા નાના છોકરામા આટલી નિર્દયતા ક્યાથી આવી? ( જો કે આવા વાયરલ વિડિયોઝ સાથે ઘણું બધુ વાયરલ થતું હોય છે, પણ આ ટ્રેન્ડને હમણાં નજીકના ભવિષ્યમાં તો કોઈ બદલી શકે એમ નથી!)

બાળપણ અને કિશોરાવસ્થા એ માનસિક સ્વાસ્થ્ય માટે વિકાસના અત્યંત મહત્વપૂર્ણ તબક્કા છે, અને જે વાતાવરણમાં બાળકો અને કિશોરો ઉછરે છે તેની અસર તેમના કલ્યાણ અને વિકાસ પર પડે છે.આપણાં દેશમાં છેલ્લા દસ વર્ષોમાં જુદા જુદા સંશોધકો અને સંશોધન-સંસ્થાઓ દ્વારા થયેલા સર્વેમાં બાળકોના માનસિક આરોગ્યને લઈને સૌથી વધુ ચિંતાજનક પરિણામો સામે આવ્યા છે, જેમાં ‘ડીપ્રેશન’ સૌથી વધુ અસરકારક પરિબળ તરીકે બાળકોને પજવી રહ્યું છે. આ ઉપરાંત સામાજિક, વર્તણૂકીય અને ભાવનાત્મક સમસ્યાઓ, ચિંતા,માનસિક તકલીફ,ઇન્ટરનેટ ટેક્નોલોજીનું વ્યસન, તણાવ, સામાજિક ભીતિ,જાતીય અને ભાવનાત્મક શોષણ, હિંસા અને 'એટેન્શન ડેફિસિટ હાઇપરએક્ટિવ ડિસઓર્ડર' જેવી સમસ્યાઓથી પણ બાળપણ ઘેરાયેલું છે.

  જો ભારતીય નિશાળોમાં ભણતા બાળકોની ‘મેન્ટલ-હેલ્થ’ તપાસવામાં આવે તો મોટા ભાગના બાળકોમાં કોઈને કોઈને બાબતોને લઈને હતાશા અને નિરાશા જોવા મળશે જ. માતા-પિતાના ઝઘડા, તૂટતાં કુટુંબો, ગળા-કાપસ્પર્ધા, એકેડેમીક પ્રેશર, અસ્તિત્વ માટેનો સંઘર્ષ, સમાજની અપેક્ષાઓ, અને ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી સતત બદલાતા રહેતા પેરેંટિંગ અંગેના ખ્યાલોને લીધે બાળકો એક એવી ઊંડી ખીણમાં ધકેલાઈ ગયા છે, એવા હાંસિયામાં ધકેલાઈ ગયા છે, જ્યાં કોઈને કોઈને માનસિક ટેન્શન તેઓની પાસેથી તેઓનું બાળપણ છીનવી રહ્યું છે. અને આપણે માત્ર શું કરવું જોઈએ? અને શું ના કરવું જોઈએ? એની ગાઈડ-લાઇન્સ લઈને ફર્યા કરીએ છીએ, પણ બાળકો માટે ખરેખર જે કરવું જોઈએ એ કરતાં નથી.

 આપણાં દેશના મોટા ભાગના રાજ્યોમાં બાળકોનું માનસિક આરોગ્ય બગડી રહ્યું છે. જેમાં સૌથી મોટો ફાળો ઈલેક્ટ્રોનિક ગેજેટસ એડિકશનો છે, ભારતમાં 5 વર્ષથી નાના બાળકોનો સ્ક્રીન ટાઈમ 2.5 કલાકનો, 6 થી 18 વર્ષ સુધીના બાળકો અને ટીન-એજર્સનો સ્ક્રીન ટાઈમ 3 થી 7 કલાકોનો છે, જે દુનિયામાં સૌથી વધુ છે! માતા-પિતા પોતે પણ સ્ક્રીનમાં એટલા વ્યસ્ત છે કે બાળકો શું જુએ છે? એ જોવા કે સમજવાનો પણ તેઓની પાસે ટાઈમ નથી. પરિણામે બાળકો જોવાનું- ના જોવાનું બધુ જ જુએ છે, અને તેની વિપરીત અસરો તેઓના માનસિક આરોગ્યને બગાડી રહી છે.

 બાળકો પોતાની પાસે રહેલા કંપાસના સાધનોનો પણ એકબીજા પર હુમલો કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે. આપણે પેરેંટિંગ બદલવું પડશે, બાળકોને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ નહી સમય આપવો પડશે. ક્રૂર થઈ રહેલા બાળકોને ક્રૂરતાથી નહી, પણ સ્નેહ અને સંસ્કારોથી સિંચવા પડશે. બાળકો આપણાં દેશની સૌથી મોટી સંપતિ છે, જે માતા-પિતાના આર્થિક અને સામાજિક સંકટોથી માનસિક રીતે ના ઘવાય એ જોવાની જવાબદારી આપણાં સૌની છે....

No comments:

Post a Comment

આ દિવાળીએ એક દીવો બાળકોમાં વધી રહેલી હિંસાત્મક માનસિકતાને દૂર કરવા પણ પ્રગટાવીએ....

  આ દિવાળીએ એક દીવો બાળકોમાં વધી રહેલી હિંસાત્મક માનસિકતાને દૂર કરવા પણ પ્રગટાવીએ....          આ ટેકનો-એજની સૌથી વધુ અસર જો ક...