Monday, 17 December 2018

લોકશાહી,પ્રજા,સરકાર અને આપણે,






 

    લોકશાહી એટલે શું? આ પ્રશ્નનો સૌથી પહેલો જવાબ આપણને નાગરિક-શાસ્ત્ર ભણતા ત્યારે મળ્યો. અબ્રાહમ લિંકન ની એક બહુ જાણીતી વ્યાખ્યા આપણે શીખી ગયા છીએ. “ લોકશાહી એટલે લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું રાજ્ય.”  બીજી લોકશાહી વિષે એ માહિતી આપણી પાસે છે કે ભારત સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. પણ આપણે એ ના શીખી શક્યા કે લોકોને શીખવી શક્યા કે લોકશાહીની સફળતા માટે ત્રણ બાબતો સૌથી અગત્યની છે,૧) લોકો ભણેલાં હોવા જોઈએ. ૨) લોકોએ પોતાના તમામ પ્રશ્નોના ઉકેલ માટે કે ના ઉકેલાય તે માટે માત્ર સરકારને જ જવાબદાર ના ગણવી. અને ૩) આપણે પ્રજા તરીકે જે પ્રતિનિધિઓને ચૂંટીએ છીએ તેની પસંદગી કોઈપણ જાતના પૂર્વગ્રહ વિના થવી જોઈએ. હવે એ કહો કે આમાંથી આપણે કઈ બાબતને ભારતની લોકશાહીને સફળ બનાવવા અપનાવી છે? હા આપણે પ્રથમ બાબત પ્રત્યે થોડા આગળ જરૂર વધ્યા છીએ આપણે સાક્ષર બન્યા છીએ પણ શું આપણે સમજુ બન્યા છીએ ખરા? હકીકતે સાક્ષરતા બાબતે આપણને માત્ર આંકડા સાથે જ વધુ સંબંધ છે, પણ એ સાક્ષરતા થકી જે સમજણ આપણામાં આવવી જોઈએ એ આપણે કેળવી શકયા નથી. આઝાદ થયા ત્યારે એવું હતું સાક્ષરતા વધશે તો લોકશાહી પણ આગળ વધશે.પણ એવું થયું કે ના થયું? જવાબ તમારા પર છોડું છું, ત્રીજી બાબતને ધ્યાનમાં લઈએ તો આપણે જે કોઈ પ્રતિનિધીઓને સરકાર ચલાવવા ચૂંટીએ છીએ એને આપણે સમજણ સાથે ચૂંટીએ છીએ કે માત્ર ને માત્ર જ્ઞાતિને આધારે? ઈલેકશન સમયે માત્ર આ એક જ મુદ્દો આપણા ધ્યાનમાં રહે છે, અને આપણે સૌ આપણા કીમતી મતને સાવ કોડીનો કરી મુકીએ છીએ. જે મત વડે આપણે આપણું અને આપણા દેશનું ભાવી ઘડી શકીએ છીએ એ મતને આપણે જ્ઞાતિવાદ ના નામે સાવ ફ્રીમાં આપી દઈએ છીએ. જે મત આપીને આપણે આપણો દેશ આપણા પ્રતિનિધીઓને સોપીએ છીએ એ મતને આપણે સાવ મૂલ્યવિહીન બનાવી દીધો છે. લોકશાહીમાં પ્રજા સૌથી અગત્યનું પરિબળ હોય છે. હકીકત તો એ છે કે લોકશાહી એટલે પ્રજાનું જ રાજ્ય! પણ આપણે એ વ્યાખ્યાને સાવ ખોટી સાબિત કરી દીધી છે. આપણે તો એવું માની લીધું છે કે મત આપી આવીએ એટલે આપણી જવાબદારી પૂરી! પણ આપણને ખબર નથી કે મત આપી દઈએ એટલે જ આપણી જવાબદારી શરુ થાય છે.
   આઝાદી સમયે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું, કે “ દેશના વિકાસ માટે પ્રજાનો સહયોગ સૌથી મહત્વનો છે,”  કોઈપણ રાષ્ટ્ર મહાન ત્યારે જ બને જયારે પ્રજા પુરેપુરો સહકાર આપે. આપણે કોઈ પણ દેશનો ઈતિહાસ તાપસીસું તો જાણી શકીશું કે કોઈપણ દેશ મહાન અને વિકસિત ત્યારે જ બન્યો છે,જયારે ત્યાની પ્રજાએ સરકારની સાથે કદમ થી કદમ મિલાવીને દેશ માટે કામ કરેલું છે. જાપાન ૧૯૪૫માં અણુ-હુમલાનો ભોગ બનેલું અને આપણે ૧૯૪૭માં ગુલામીના અણુ બોમ્બમાંથી આઝાદ થયા. બંને દેશો સમાંતર ચાલ્યા છતાં આજે આપણે જાપાનને વિકસિત અને ભારતને વિકાસશીલ રાષ્ટ્ર તરીકે જોઈએ છીએ. ફર્ક શા માટે? ત્યાની પ્રજાએ પોતાના દેશનાં વિકાસ માટે સરકાર સાથે રહીને કામ કર્યું અને પરિણામ આપણી સામે છે. તેઓ કોઈ પણ બાબતનો વિરોધ કરવા હડતાલ પાડે તો તે દિવસે ૨ કલાક વધુ કામ કરે અને આપણે હડતાલ પાડીએ તો કામ ના કરીએ અને જે લોકો રાજ કમાય રોજગારી મેળવતા હોય એને નુકસાન પહોચાડીએ, એટલું જ નહિ તોફાનો કરીએ, સરકારી મિલકતોને નુકસાન પહોચાડીએ! જયારે આપણને પણ ખબર છે કે આ મિલકતો આપણા કરના પૈસામાંથી જ ઉભી થયેલી છે! શાંતિથી વિરોધ કરતા આપણને આવડતું જ નથી. જાપાન ના લોકોએ માત્ર પોતાના જ દેશમાં બનતી વસ્તુઓ વાપરવાની નીતિ અપનાવી ને પરિણામ આપણી સામે છે. નાના હતા ત્યારથી શીખતા આવ્યા છીએ કે તાળી હમેંશા બે હાથે જ પડે, પણ આપણને એ ગળે ઉતરતું જ નથી. વાંક કાઢવા અને સલાહ આપવા બધા તૈયાર થઇ જઈએ છીએ પણ સહકાર આપવાનો વારો આવે ત્યારે હતા ત્યાં ને ત્યાં! લોકશાહીમાં લોકો જ જો રાજા ગણાતા હોય તો રાજાએ પોતાના દેશના વિકાસ માટે બનતું કરી છૂટવું જોઈએ.
   પ્રજા એ લોકશાહીનો સૌથી મહત્વનો આધાર સ્તંભ છે. જો એ નબળો હશે તો લોકશાહીની ઈમારત ક્યારેય મજબુત નહિ બને. એ આપણે સૌએ સમજવું જ રહ્યું! જનતાને જનાર્દન કહી છે, તો આપણે પણ આપણી જવાબદારીઓ સમજવી પડશે અને નિભાવવી પડશે. આપણે જ્ઞાતિવાદ,ભાષાવાદ,કોમવાદ, ધર્મના નામે ઝઘડા,પ્રાંતવાદ,અનામતને નામે આંદોલનો, આ બધું બંધ કરવું પડશે. આપણે આ બધા વચ્ચે વહેચાઈ જવાને બદલે સંગઠિત રહેવું પડશે. સૌથી અગત્યની વાત એ છે કે કોઈપણ પક્ષ આપણો ‘વોટબેંક’ તરીકે ઉપયોગ ના કરી જાય એ જોવું પડશે. સમજવું પડશે. આપણને મોટા મોટા વાયદાઓ આપી છેતરી ના જાય એ સમજવું પડશે. ચૂંટણી સમયે થતી લોભામણી જાહેરાતોમાં ના આવી તટસ્થ મતદાન કરવું પડશે. આપણે આપણો નેતા નિષ્પક્ષ રહી પસંદ કરવો પડશે. આપણા મતનો વ્યવસ્થિત ઉપયોગ જ આપણને સાચી લોકશાહી તરફ દોરી જશે. આપણે મત માટે કિમતી અને પવિત્ર એવો શબ્દ વાપરીએ છીએ. એ પવિત્રતા જાળવવી પડશે. સરકારની ગલત બાબતોનો શાંતિથી વિરોધ કરવો પડશે. અને એની સાચી બાબતો સ્વીકારી અને સહકાર આપવો પડશે. સરકારની લોકઉપયોગી યોજનાઓનો ગલત નહિ પણ સાચો ઉપયોગ કરવો જ રહ્યો! જે લાભો જે વર્ગ માટે હોય તેના સુધી પહોચાડવાની જવાબદારી આપણી સૌની છે. સબસીડીનો ગેસનો બાટલો કલાબઝારમાં વેચાય ના જાય એ આપણે જોવાનું છે. કોઈપણ સરકારી કર્મચારી વ્યવસ્થિત કાર્ય કરે તે જોવાની જવાબદારી આપણી સૌની છે. ભ્રષ્ટાચાર ત્યારે જ થાય છે જયારે આપણે સામેથી ઓફર આપીએ છીએ. આપણી પાસે હવે સોસીયલ મીડિયા જેવું મજબુત સાધન છે, જેનો ઉપયોગ કરી આપણે કોઈપણ પ્રકારના ભષ્ટાચારને ખુલ્લો પાડી શકીએ છીએ.
  ગરીબી, બેકારી,ભૂખમરો, દારૂની આદત,બળાત્કાર,ભ્રૂણહત્યા,વસ્તી-વધારો,વગેરે જેવી આફતો સામે આપણે સૌએ સાથે મળીને લડવું પડશે. એક પ્રજા તરીકે આપણે રાષ્ટ્રના વિકાસમાં પુરેપુરો સહકાર આપવો પડશે. જાપાન તો એક ઉદાહરણ છે, વિશ્વના એવા કેટલાયે રાષ્ટ્રો છે, જે પ્રજા થકી જ વિકસ્યા છે. ઇઝરાયેલ,ડેનમાર્ક,જર્મની,વગેરે રાષ્ટ્રો આના શ્રેષ્ઠ ઉદાહરણો છે. તો આપણે પણ પ્રજા તરીકેની ફરજો બજાવવી જ રહી. આપણે જો દુષણોમાંથી બહાર આવી જઈશું તો રાષ્ટ્રને પણ બહાર લાવી શકીશું. “ be the change you wish to see in the world.” 
તમને થશે સરકાર વિષે કશું ના લખ્યું પણ મિત્રો જો પ્રજા જાગશે તો એને જાગવું જ પડશે! અને આમપણ સરકાર તો આપણે જેને પસંદ કરીએ એની જ બને છે ને? યથા પ્રજા તથા રાજા! આપણા પ્રતિનિધિઓ આપણામાંથી જ આવે છે ને? તો ચાલો એક તટસ્થ અને સ્વચ્છ સરકાર પસંદ કરીએ અને દેશના વિકાસમાં યથાયોગ્ય ફાળો આપીએ. માત્ર વાતો નહિ કામ પણ કરીએ.
  in democracy People shouldn't be afraid of their government. Governments should be afraid of their people.”
― Alan Moore,
તેં શું કર્યું?
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો, એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?
‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના, કાળા બજારો, મોંઘવારી: ના સીમા!’ -
રોષથી સૌ દોષ ગોખ્યા, ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાનેય શિર આવે ન, જો! તેં શું કર્યું?
આપબળ ખર્ચ્યું પૂરણ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું?
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે; સ્વાતંત્ર્યના ગઢકાંગરા: કરવત ગળે. ગાફેલ, થા હુંશિયાર! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે?
શી સ્વર્ગદુર્લભ મૃતિકાનો પુણ્યમય તુજ પિંડ છે.
હર એક હિંદી હિંદ છે,
હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ:
એ સ્વાતંત્ર્યદિનની બંદગી.
(ઉમાશંકર જોશી)
 


Tuesday, 23 October 2018

MEE TOO, અને આપણે,


MEE TOO, અને આપણે,





Image result for mee too


 ટી.વી.માં એક સ્પ્રેની જાહેરાત આવે છે, કદાચ બધાએ જોઈ હશે, “ આજકલ ક્યાં ચલ રહા હે? અરે ફોગ ચલ રહા હે. એવો જવાબ પૂછનાર વ્યક્તિને મળે છે. મારો ઈરાદો આ સ્પ્રેની જાહેરાત કરવાનો જરાયે નહિ, હું તો માત્ર અત્યારે ચાલી રહી ( આમ તો શરુ ૨૦૧૭ માં થઇ હતી,પણ આપણા દેશમાં હમણાં હમણાં બહુ ચાલી રહી છે) આ mee too ની ચળવળની વાત કરી રહી છું. અત્યારે કોઈને ભી પૂછો જવાબ મળશે, mee too ચલ રહા હે,. એક સરસ ચળવળ છે, અને એ પણ એક સ્ત્ર્રી એ શરુ કરી છે, એટલે વિશેષ સારી છે, પણ મને એ નથી સમજાતું કે આપણે કોઈપણ ચળવળને જાણ્યા સમજયા વિના શા માટે એટલી બધી ચગાવી દઈએ છીએ? સોસીયલ મીડિયામાં જે કઈ પણ શરુ થાય તરત વાયરલ થઇ જાય છે. અને વાયરલ પણ એટલું થઇ જાય કે રાતોરાત લોકો એ સાઈટને લાખો કરોડો કમેન્ટ્સ આપી દે, like કરી દે અને લોકો જોડાવા પણ માંડે ફટાફટ!  લોકો ફોલો પણ કરવા માંડે. પછી એમાં બીજા પોતાના અનુભવો જોડે, અને પછી એમાં સેલીબ્રેટી પણ જોડાય, અને પછી રાજકારણીઓ, અને અંતે બાકી રહેલું કામ મીડિયા અને છાપાવાળા પૂરું કરી આપે. એ mee too જેવી ચળવળને બ્રેકીંગ ન્યુઝ બનાવી બધા રેકોર્ડ બ્રેક કરાવી દે. છાપાવાળા ફ્રન્ટ પેજ પર છાપી એને ગામડા સુધી પહોચાડી દે. અને આમ એક ચળવળ ખુબ જ થોડા સમયમાં દેશની ચળવળ બની જાય છે. અને એમાં કોઈ ક્ષેત્રની સેલીબ્રેટીને એવું લાગે કે આપણે આઉટડેટ થઇ ગયા છીએ, કે આવનાર મુવી માટે કોઈ ફિલ્મ-સ્ટાર એવું વિચારે કે પબ્લીસીટી સ્ટંટ કરવા જેવો છે, તો તેઓ તરત જ આ તકનો લાભ લઇ લે છે અને દસ કે પંદર વર્ષ પહેલા પોતાની સાથે થયેલો કિસ્સો જાહેરમાં મૂકી દે છે. બસ પછી તો એ ચળવળ એટલી વાયરલ થઇ જાય કે દેશની દરેક મહિલાને એવું લાગવા માંડે કે યાર આવું તો ....આટલા અને આટલા વર્ષો પહેલા મારી સાથે પણ થયેલું! લોકો ગુગલ પર સર્ચ કરતા રહે આ mee too છે શું? અને બસ ચર્ચાઓ ચાલુ. આમાંથી કોઈ એવું નહિ વિચારે કે સમજે કે આ ચળવળ જેના માટે શરુ થઇ છે, એ જાતીય સતામણી ની સમસ્યા દુર કરવા ખરેખર શું કરવું જોઈએ? જે બાળકીઓ કે મહિલાઓ આનો ખરેખર ભોગ બની છે કે હજી બની રહી છે, એની માનસિક સ્થિતિ સુધારવા શું કરવું જોઈએ? યાદ છે, પેલી ૮ મહિનાની છોકરી પર થયેલા દુષ્કર્મની? એનો આરોપી પકડાયો કે નહિ એના માટે આપણે ગુગલ પર સર્ચ કરીશું ખરા અથવા તો કોઈ ચળવળ ચલાવીશું ખરા? એવા તો રોજ છાપામાં કેટલા કિસ્સા આવે છે, આપણે થોડા દિવસ અરેરાટી કરી બધું ભૂલી જઈએ છીએ. રૂટીનમાં ગોઠવાઈ જઈએ છીએ!  “કોઈપણ ગલત સિસ્ટમનો વિરોધ કરવાને બદલે આપણે એનો ભાગ બની જઈએ છીએ અને એટલે જ એ ગલત સીસ્ટમ સુધરવાને બદલે વધુ ને વધુ બગડતી જાય છે.”  એ હેવાનિયતનો ભોગ બનનાર એ ઘટનાને કદી નથી ભૂલી શકતા પણ આપણે એક –બે દિવસમાં બધું જ ભૂલી જઈએ છીએ! આપણે સૌએ એ યાદ રાખવું રહ્યું માત્ર like આપવાથી કે comment આપવાથી કે શેર કરી દેવાથી કોઈ સીસ્ટમ ક્યારેય સુધરતી નથી એના માટે તો આપણે સાથે મળી લડવું પડે છે.
        હવે વાત કરીએ આપણે એ લોકોની અગર તો એ મહિલાઓની જેમણે આ mee too ને ટેકો આપી પોતાની પર થયેલા જાતીય શોષણના આરોપ જે તે વ્યક્તિઓ પર મુક્યા અને આપણા દેશમાં જાણે ભૂકંપ આવી ગયો. આ આરોપો સાચા છે કે ખોટા એ તો સમય કહેશે.( આપણા દેશમાં કોર્ટ આરોપો નક્કી કરવામાં એટલો બધો સમય લે છે કે ...) બાકીનું વાક્ય તમે જ પૂરું કરી લેજો...પણ જાણવા સમજવા જેવી વાત એ છે કે mee too ચળવળ ચાલુ થઇ ત્યારે જ આ બધાને પોતાની પર થયેલા જાતીય શોષણો યાદ આવ્યા! આ બધી મહિલાઓ એ લેવલની છે, જેઓ ક્યારેય પણ આવા આરોપો કરે તો લોકો તેઓને સપોર્ટ કરે જ. તો પછી અત્યારે જ કેમ? જે મહિલાઓ mee too ,mee too કરી અત્યારે કુદી રહી છે, સોરી પણ હું પણ અત્યારે મારો મત જ રજુ કરું છું. એ મહિલાઓને mee too નો બીજો અર્થ નહિ ખબર નથી લાગતી. mee too એટલે” હું પણ”  અગર તો ‘મારી સમંતિ પણ છે’ એવો અર્થ પણ થાય છે. કારકિર્દી ઘડવા કે જીવનમાં સફળ થવા કે હોદો મેળવવા કે રોલ મેળવવા કે માર્ક્સ મેળવવા કે અન્ય કોઇપણ કારણોસર મહિલાઓ mee too કહી દે છે ને પછી mee too નો અર્થ બદલાવી પોતાની રીતે અર્થઘટન ફેરવી નાખતી હોય છે. એક સ્ત્રી તરીકે મને એટલી ખબર પડે કે, તમે થવા ના દયો ત્યાં સુધી કોઈ તમારો ઉપયોગ કરી સકે નહિ! બળાત્કાર જેવી અત્યાચારી ઘટનાની વાત અહી નથી થતી પણ માત્ર એવી મહિલાઓની વાત કે જેઓ પેલા પોતાનો ઉપયોગ થવા દે છે અને પછી આરોપો લગાવી દે છે. મજબુરીથી આવા લોકોને શરણે જતી સ્ત્રીઓની આ વાત નથી, પણ પોતાના શોખો પુરા કરવા જે મહિલાઓ સંબંધોનો દુરુપયોગ કરે છે, તેની વાત છે.
      mee too mee too કરી માત્ર પબ્લીસીટી સ્ટંટ કરનાર મહિલાઓ mee too નો સાચો અર્થ કદી નહિ સમજી સકે. જેને ન્યુઝ ચેનલો માટે મસાલો બનવું છે કે જેણે છાપામાં ફ્રન્ટ પેજ પર સ્ટોરી બની ચમકવું છે, એ આવી ચળવળો ને કદી નહિ સમજી શકે. mee too પાછળનું દર્દ એ કદી નહિ સમજી શકે. જે લોકો આ શોષણથી પીડાતા હોય છે, તેઓનું દર્દ જ અસહ્ય હોય છે. આમપણ આપણા દેશમાં લોકોને ચાલતી ગાડીએ ચડી જવાની આદત છે. ટોળું ચાલતું હોય તો આપણે સાથે જોડાય જઈએ છીએ, એ પણ જાણવાની કોશિશ નથી કરતા કે એ ક્યાં જાય છે? અને શેના માટે જાય છે? વિરોધ કરવો સારી બાબત છે,પણ એ વિરોધ વ્યાજબી હોવો જોઈએ. આટલા વર્ષો સુધી આ તનુશ્રી ને આ બધા ક્યાં હતા?  અને જો આ આરોપો ખોટા નીકળ્યા તો આપણે mee too નો કયો અર્થ કરવો? સ્ત્ર્રીઓ તરફી કાયદાઓનો સૌથી ગલત ઉપયોગ પણ મહિલાઓ જ કરે છે. એવું પણ ના બને કે જીવનમાં આગળ વધવા આ મહિલાઓએ સામેવાળાનો સી.ડી, તરીકે ઉપયોગ કર્યો હોય? બધી સ્ત્રીઓની વાત નહિ, પણ જેમ દરેક પુરુષ ખોટો નથી હોતો,એમજ દરેક સ્ત્રી પણ સાચી ના હોય સકે!  
            જે લોકો સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે, એને કડકમાં કડક સજા થવી જોઈએ અરે તેઓને તો જાહેરમાં ફાંસી થવી જોઈએ, પણ પેલા આપણે સૌએ mee too નો સાચો અર્થ સમજવો પડશે. કેમ ખરું ને?  જે સ્ત્રીઓ પોતાની પ્રતિભા,આવડતને લીધે આગળ આવે છે,તેઓ કદી આવી કોઈ ફરિયાદ કરતી નથી. તેઓ આ ચળવળને ટેકો આપે તો સાચું. તો મિત્રો ટોળા પાછળ જવાને બદલે શાંતિથી વિચારો, આ સમસ્યાને દુર કરવા ખરેખર આપણે કરવું શું જોઈએ. દરેક વખતે સલાહ નહિ ક્યારેક સહકાર પણ આપતા રહો. અને હા mee too નો અર્થ સમજાય તો કેજો OK. જેને આ ચળવળ ચાલુ કરી હશે એ સાચા હશે.પણ આપણા દેશમાં જે મહિલાઓએ એને ટેકો આપ્યો છે, એ ટોળું ક્યાં? 
 છેલ્લા સમાચાર મુજબ રાહુલ ગાંધીએ પણ mee too ને ટેકો આપ્યો છે. ક્યાં ઓલું ટોળું!


                                                               

Sunday, 29 July 2018

ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને આપણે,.


ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને આપણે,


                                   



 ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ, જો કદાચ દીવાર મુવીમાં અમિતાભ બચ્ચન શશીકપૂરને પૂછે છે મેરે પાસ બંગલા હે, ગાડી હે, એશોઆરામ હે સબ કુછ હે તુમ્હારે પાસ ક્યાં હે? અને શશીકપૂર જવાબ આપે છે, કે મેરે પાસ ‘મા’ હે, એમ જ જો પ્રાચીનયુગના લોકો આધુનિક યુગના લોકોને પૂછે કે હમારે પાસ સંસ્કૃતી થી, સભ્યતા થી, મનકી શાંતિ થી, અચ્છે સે અચ્છી શિક્ષણતરાહ થી, અચ્છે સે અચ્છી શસ્ત્રવિદ્યા થી, એક આદર્શ સમાજવ્યવસ્થા થી એક સુંદર કુટુંબવ્યવસ્થા થી,etc.. તુમ્હારે પાસ આજ ક્યાં હે? તો આપણે જવાબ દઈશું હમારે પાસ “ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ” હે! કેમ ખરું ને મિત્રો? માનવીએ પોતાની બુદ્ધીક્ષમતાઓનો ઉપયોગ કરી માનવજીવનને સરળ અને સુખી બનાવવા અનેક ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ બનાવ્યા છે. અને આજે એ ગેઝેટ્સ વગરની આપણી દુનિયાની કલ્પના પણ થઇ શકે એમ નથી. આપણે આપણી જિંદગીને સગવડભરી બનાવવા માટે આ સાધનોનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ અને આજે તો આ તમામ સાધનો આપણા સૌ માટે જિંદગીની રોટી,કપડા અને મકાન પછીની ચોથી જરૂરિયાત બની ચુકી છે. ઘણા ને તો જમવા ના આપો તો ચાલે પણ મોબાઇલ,ટી.વી. ટેબ્લેટ તો જોઈએ જ. માણસ આ સાધનો થકી જ એકબીજાની નજીક આવ્યો છે અને આ સાધનો થકી એકબીજાથી દુર જઈ રહ્યો છે. આ બધા સાધનો એટલી હદે આપણી જરૂરિયાત બની ગયા છે કે હવે આપણી આદત અને સ્ટેટસ બની ચુક્યા છે. નાના બાળકથી માંડી યુવાનો અને યુવાનો થી માંડી વૃદ્ધો સુધીની પ્રત્યેક વ્યક્તિઓ આ ગેઝેટ્સના ચક્કરમાંથી બહાર આવી શકે એમ લાગતું નથી. હકીકત તો એ છે કે માનવજીવનને સરળ બનાવવાના ચક્કરમાં આપણે એને વધુ કોમ્પ્લેક્ષ બનાવી મુક્યું છે. આમપણ આ દરેક તો એક સાધન છે, આપણે એનો જેવો ઉપયોગ કરીશું એવું પરિણામ મળશે. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સારા કરતા ખરાબ વધુ ઝડપથી કેપ્ચર કરી લઈએ છીએ. આ કોઈ નેગેટીવ વાત નથી પણ આજે જે રીતે લોકોને આ ગેઝેટ્સ પાછળ પાગલ થતા જોઈએ છીએ એટલે એવું લાગે છે.
 હમણાં અમારા ગ્રૂપ દ્વારા એક વકતૃત્વ-સ્પર્ધાનું આયોજન કરેલું જેમાં ત્રણ વિષયો આપેલા ૧) જળ એ જ જીવન, ૨) પ્લાસ્ટિક હટાવો,પર્યાવરણ બચાવો.૩) આજના માતા-પિતા પોતાના સંતાનોને શું આપી રહ્યા છે, સંસ્કાર કે ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ? સૌથી વધુ સ્પર્ધકો આ છેલ્લા વિષય પર બોલ્યા. અને બધાનું કેવું એ જ હતું કે ઘરમાં વડીલો સંસ્કારને બદલે ગેઝેટ્સ જ આપે છે. આમ તો સંસ્કારો અને ગેઝેટ્સ વચ્ચે કોઈ સંબંધ નથી પણ આપણી જૂની પ્રથા મુજબ આપણે બધો દોષ આ ગેઝેટ્સ પર જ નાખી દઈએ છીએ. બાળકો બગડે,યુવાનો બગડે,છોકરીઓ બગડે વગેરે માટે આ સાધનોને જ જવાબદાર માનવામાં આવે છે. કોઈ સંત પ્રવચન આપે,કોઈ ધર્મગુરુ સારીવાત સમજાવે, કોઈ મોટીવેશનલ સ્પીકર સાચી વાત સમજાવે બધા એક જ વાત કહે ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ ને લીધે આપણું અને આપણા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે.હવે મિત્રો વાત મજાની છે કે આ બધું જે માધ્યમ થકી આપણા સુધી પહોચે છે એ ઇલેક્ટ્રોનિક જ છે. જો આ સાધનો આટલા જ ખરાબ હોય તો શા માટે આપણે સૌં તેનો ઉપયોગ ટાળતા નથી. હકીકત તો એ છે કે અપડેટ રહેવા આપણે સૌ આ સાધનોનો ઉપયોગ કરીએ જ છીએ. જેણે પોતાના સંતાનોને સંસ્કાર આપવાના છે એ માતા-પિતા પણ એ જ જાળમાં ફસાયેલા છે. બાળકો તોફાન ના કરે,મસ્તી ના કરે,જમી લે એવા કાર્યો માટે માતા-પિતા બાળકોને ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ પકડાવી દે છે અને પછી બાળકોને આદત પડી જાય એટલે તેઓ જ રાડો પાડતા રહે છે. ઘરમાં જેટલા સભ્યો એટલા ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ હોય છે. અરે ઘણા ઘરોમાં તો જેટલા રૂમ એટલા ટી.વી. હોય છે. અને આમપણ તમે માર્ક કરજો આજથી ૫-૭ વર્ષ પહેલા લોકો ટી.વી. ને દોષ આપતા હવે એ દોષ મોબાઇલ,ટેબ્લેટ કે આઈ-ફોન પર ટ્રાન્સફર થઇ ગયો છે. જેમ આકાશમાંના ગ્રહો માણસને નડતા રહે છે એમ જાણે આ સાધનો જાણે માણસની જિંદગીને ગ્રહણ લગાડતા રહે છે. પણ લોકોને ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ પ્રત્યેના પૂર્વગ્રહો વધુ નડે છે.
  આમપણ કોઈપણ નવી શોધ કે સંસોધન માણસ જીવનને ઉપયોગી બનવાના ઈરાદાથી જ થઈ હોય છે. પણ આપણે જ એનો ગલત ઉપયોગ શોધી લઈએ છીએ. ટી.વી. માં ઘણી સારી વાતો પણ આવે છે પણ આપણે એમાંથી માત્ર ફેશન,દેખાદેખી કે ગલત બાબતો જ લઈએ તો એ વાંક આપણો ગણાય. એવું જ અન્ય સાધનોનું છે. મોબાઈલની શોધ વગર દોરડે વાતો કરવા થઇ હતી પણ આપણે તો એનો મૂળ ઉપયોગ જ ભૂલી ગયા છીએ. સેલ્ફી પાડતા પાડતા કોઈ પડી જાય કે મરી જાય તો એ કોની ભૂલ ગણાય. બાળકો કે યુવાનો સારામાં સારા વિડિયોઝ છોડી માત્ર પોર્ન વિડીયો જ જુએ( જોકે બધા જ એવા નથી હોતા) તો એમાં ભૂલ કોની? અરે ઘણા માતા-પિતા તો પોતાનું સ્ટેટસ ઊંચું બતાવવા સંતાનોને મોંઘામાં મોંઘા સેલફોન ખરીદી આપે છે. અરે એમાં સંતાનો શું જુએ છે? એની પણ તેઓ દરકાર રાખતા નથી. એમાં પણ જો સંતાન કારકિર્દીના અગત્યના વર્ષમાં હોય તો માતા-પિતા અને સંતાનો વચ્ચે આ બાબતે રોજ બબાલ થતી રહે છે. તમે બાળકોને સાધનો આપો પણ સાથે સાથે એના ફાયદા-ગેરફાયદા પણ જણાવવા. જેથી તેઓ તેના ઉપયોગ બાબતે સજાગ રહે. આપણે સૌ માર્ક કરીશું તો ખબર પડશે કે બાળકો અને યુવાનો આ ગેઝેટ્સની મદદથી કોઈપણ બાબત સરળતાથી સમજી શકે છે અને શીખી શકે છે તો આપણે એનો ઉપયોગ આ બાળકોને સારું શીખવાડવામાં કરી શકીએ. ટી.વી. માં કે મુવીમાં આવતા ગીતો એને કેવા ફટાફટ યાદ રહી જાય છે. તો આપણે જે કંઈપણ એને સારું શીખવાડવું છે, એ રસપ્રદ બનાવીને શીખવી શકીએ. બધો વાંક આ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સનો કાઢવા કરતા એ ગેઝેટ્સનો સારો ઉપયોગ કરતા શીખીએ.
     આજે જ છાપામાં એક આર્ટીકલમાં સરસ વાચ્યું માણસ કદી સાવ સારો કે સાવ ખરાબ નથી હોતો. આતો આપણી કોઈ તરફ દોરવાઈ જવાની વૃતિ જ માણસને પૂજનીય બનાવી દે છે. પણ જેને આપણે પૂજનીય માનીએ છીએ એ વ્યક્તિ પણ ક્યારેક તો કોઈ ભૂલ કરી જ બેસે છે. તેમ જ આ સાધનોનું છે, સાધનો ક્યારેય આપણને તેના ગેરઉપયોગ તરફ વાળતા નથી એ તો આપણે જ છીએ જે એનો ઉપયોગ સમજી શકતા નથી. માટે બીજાની બાબતોથી દોરવાઈ ના જવું અને આ સાધનોને બિચારાને દોષ ના દેતા રહેવું. સંસ્કારો જેની પાસેથી મળવા જોઈએ ત્યાંથી જ આપવા. આમપણ બાળક તો કોરી સ્લેટ છે, જેવું લખીશું લખાશે.અને હા સંસ્કારો બગડવા માટે આ સાધનો નહિ પણ આપણે ખુદ જવાબદાર છીએ. માટે આ સાધનોનો યોગ્ય ઉપયોગ કરો અને જલસા કરો. હું આ લેખ પણ તમારા સુધી ફેસબુક,બ્લોગર કે whatsapp દ્વારા જ પહોચાડીસ. છે ને કમાલ. કોઈ માણસને ખરાબ કહીએ તો એ આપણી સાથે ઝઘડે કે સંબંધ તોડી નાખે. આ બિચારા સાધનોને આપણે કેટલું વગોવીએ, પણ છતાં તેઓ આપણને મદદ કરતા રહે. તમે કહેશો એ તો મશીન છે. પણ વાત સમજજો મશીન મશીન છે અને આપણે.....................

·         We cannot get grace from gadgets. In the Bakelite house of the future, the dishes may not break, but the heart can. Even a man with ten shower baths may find life flat, stale and unprofitable.



Saturday, 14 July 2018

માતા-પિતાની મહત્વાકાંક્ષા સંતાનો અને આપણે,


માતા-પિતાની મહત્વાકાંક્ષા સંતાનો અને આપણે,


             


<b>Over</b>-<b>Ambitious</b> <b>Parents</b> stock illustration. Illustration of force - 66475834

બુધવારે એસ.વાય. બી.એ. માં રવીન્દ્રનાથ ટાગોરનું ફેમસ કાવ્ય ચાલતું હતું, “ where the mind is without fear” જેમાં ચિતને ભયથી દુર રાખવાની વાત કહેલ છે. મસ્ત કાવ્ય છે. ભણાવતા-ભણાવતા મેં બધા વિદ્યાર્થીઓને પૂછ્યું, ચાલો કહો તમને સૌથી વધુ ડર શેનો લાગે છે? બધાએ જવાબ આપ્યા, કોઈકે કહ્યું પાણીનો,કોઈકે કહ્યું આગનો, કોઈકે કહ્યું મરવાનો. બધાએ અલગ-અલગ જવાબ આપ્યા. પણ એક જવાબ જેણે મને આજે લખવાની પ્રેરણા આપી અને એ છે “ મને મારા માતા-પિતાની મહત્વાકાંક્ષાઓનો ડર લાગે છે.” હું જયારે ભણવા બેસું મને એવું લાગે છે, હું તેઓની અપેક્ષાઓ નહિ પૂરી કરી સકું તો? અને તેના લીધે મારા જીવનમાં નકારાત્મક વિચારો આવી જાય છે. ને હું હતાશ અને નિરાશ થઇ જવ છું. આ જવાબ લગભગ આજના ૯૦% વિદ્યાર્થીઓનો હોય છે. આપણે સૌ જાણીએ છીએ, ડરને લીધે કોઈપણ કામ સરખું થઇ શકતું નથી. આપણે જેનાથી ડરીએ છીએ, તેને કદી પૂરેપૂરું આપી શકતા નથી. તો પછી માતા-પિતા શા માટે પોતાના સંતાનોને પોતાના સપનાઓ પુરા કરવાનું મશીન સમજતા હશે અને બાળકો પર પોતાના વિચારો ફરજીયાત લાદતા હશે. અને એ પણ કોઈક સાથે સરખામણી થવાને લીધે. હકીકત તો એ છે કે માતા-પિતા સંતાનોને બજારમાં એક ચલણી સિક્કો બનાવી દેવાની દોડમાં એના અસ્તિત્વને છિન્નભિન્ન કરી દે છે. સંતાનોને ખુદની જિંદગી જીવવા મળતી નથી. તેઓ સતત માતા-પિતાની મહત્વાકાંક્ષા હેઠળ પોતાનું વ્યક્તિત્વ ગુમાવી દે છે. માતા-પિતા એ નહિ સમજતા કે સંતાનોને પોતાની પણ કોઈ ઈચ્છાઓ, સપનાઓ હોય છે. છે કોઈ ક્ષેત્ર એવું જે તેને બહુ ગમતું હોય છે, પણ એ દુનિયાની દ્રષ્ટીએ કે બજારની દ્રષ્ટીએ બહુ ઉપયોગી નહિ હોવાને લીધે, માતા-પિતા સંતાનોના એ સપનાઓને ‘સ્પેસ’ જ આપતા નથી. મોટાભાગના ઘરોમાં આ બાબતે માતા-પિતા અને સંતાનો વચ્ચે ‘વિશ્વયુદ્ધ’ થતા રહે છે. અને તેઓ વચ્ચે ગેપ વધતો જાય છે. માતા-પિતાની મહત્વાકાંક્ષા સાથે મેળ નહિ પડતો હોવાથી મોટાભાગના બાળકોને શિક્ષણ પ્રત્યે નફરત થઇ જાય છે. દર વર્ષે લાખો બાળકો માતા-પિતાની મહત્વાકાંક્ષાને લીધે પોતાનું મનપસંદ શિક્ષણ કે જીવન મેળવી શકતા નથી. બીજાની સરખામણીએ મારું સંતાન પાછળ ના રહી જાય એ જ તેઓનું એકમાત્ર ધ્યેય હોય છે. તેઓ પોતાના સંતાનોને રેસના ઘોડાથી વિશેષ કશું સમજતા હોતા નથી. ગમે તે રીતે સંતાનોને રેસ જીતવાની છે, આગળ વધવાનું છે. પછી ભલે એ રેસમાં રસ હોય કે ન હોય!
 મોટાભાગે માતા-પિતા બાળક જન્મે એ પહેલા જ તેનું ભવિષ્ય નક્કી કરી લેતા હોય છે. મારો દીકરો કે દીકરી આમ જ કરશે અને આમ જ બનશે. તેઓને ખબર નથી હોતી કે જે જન્મવાનું છે, એ સ્વતંત્ર અસ્તિત્વ સાથે જન્મશે. આપણે એને જન્મ આપીએ છીએ,પણ એનું ભવિષ્ય એને જાતે નક્કી કરવાનું છે.વળી મોટાભાગના માતા-પિતા પોતાના બાળકોને કા તો ડોક્ટર અને કા તો એન્જિનિયર જ બનાવવા ઈચ્છતા હોય છે, જાણે આ સિવાય બીજું કઈ તેઓનું ભવિષ્ય જ ના હોય એવું લાગે! આવી મહત્વાકાંક્ષાને લીધે બાળકોનું અસ્તિત્વ સતત ભૂંસાતું રહે છે. તું આમ કર આમ ના કર એવું કહી માતા-પિતા સંતાનોને ટોકતા રહે છે અને સંતાનો ઘણીવાર એને લીધે પોતાનું અસ્તિત્વ બનાવી શકતા નથી.દરેક વાલીએ એ સમજવું જોઈએ કે તેઓ પોતાના સંતાનોના વોચમેન નથી, પણ માળી છે. જેમ માળી ફૂલને ખીલવાની પૂરી તક આપે છે, એ ફૂલને પાણી, સૂર્યપ્રકાશ,હવા બધું સમયાંતરે આપે છે, જેથી ફૂલ એની પૂર્ણ કક્ષાએ ખીલી શકે. એ ફૂલો વચ્ચે કદી સરખામણી નહિ કરે. એમ જ આપણે પણ આપણા સંતાનોને સમયાંતરે જરૂરી બધું જ આપવું પણ એ આપણી રીતે જ ખીલે એવી અપેક્ષા કદી ના રાખવી. જેમ દરેક ફૂલને પોતાનું સોંદર્ય,મહેક હોય છે, એમ જ દરેક બાળકને પોતાનું વિશ્વ હોય છે. કોઈ રમતમાં હોશિયાર તો કોઈ કળામાં તો કોઈ ભણવામાં હોશિયાર હોય છે, સૌને સૌનું ક્ષેત્ર પસંદ કરી લેવા દેવું જોઈએ. તમે માર્ક કરજો જે માતા-પિતાએ પોતાના બાળકોને આવી ક્ષમતા પારખી ઉછેર્યા છે, તેઓ આજે સફળ છે. જે તે ક્ષેત્રમા આગળ છે. તો પછી શા માટે બાળકોને મહત્વાકાંક્ષા ના બોજ નીચે કચડી દેવા. એ જે છે એ પણ ભૂલી જશે. એક ડર હમેંશા તેની સાથે વિકસતો રહેશે, કે હું મારા માતા-પિતાની આંકાક્ષાઓ પૂરી નહિ કરી સકું તો શું થશે? એ બીકે ઘણા બાળકો પોતાનું બાળપણ,યુવાની બધું જ ગુમાવી બેસે છે!
     એક માતા-પિતા તરીકે સમાજમાં આપણે આપણા બાળકોને હમેંશા એક ઢાંચામાં ઢાળવાના પ્રયત્નો કરતા રહીએ છીએ અને એટલે જ જનરેશન ગેપ વધતો જાય છે. એવી ખાઈ બંને વચ્ચે બનતી જાય છે જે રોજેરોજ વધુને વધુ ઊંડી બનતી જાય છે. આવી પરિસ્થિતિમાં માતા-પિતા અને સંતાનોના સપનાઓ ટકરાતા રહે છે અને બંને પક્ષે હતાશા,નિરાશા વધતી જાય છે. ઘણા મા-બાપ સંતાનોને “સ્ટેટસ અપડેટ” માનતા હોય છે. દુનિયાને દેખાડી દેવાના ચક્કરમાં તેઓ પોતાના સંતાનોને સ્ટેટસનું પ્રેશર આપતા રહે છે, જેને લીધે બાળકો વધુ ટેન્શનમાં રહે છે. તેઓ બાળકોને પાંખ તો આપે છે, પણ ઉડવા આકાશ આપતા નથી. મહત્વાકાંક્ષાની બેડીઓ સંતાનોના આકાશને સીમિત કરી દે છે. ઘણા ઘરોમાં તો વિચારોની બારીઓ ખોલવાની પણ છૂટ નથી હોતી. માતા-પિતા પોતાના સંતાનોનું જીવન ‘ડીઝાસ્ટર મેનેજમેન્ટ’ ની સૂચનાઓ જેવું કરી દે છે, આમ કરાય અને આમ ના કરાય. સંતાનોને હરહમેંશ એવું લાગ્યા કરે કે કોઈ અદ્રશ્ય સ્વરૂપે એની પાછળ ફરતું રહે છે, જે એને વિકસવા દેતું નથી. તું અમારી આશા છે એવું જયારે કોઈ માં-બાપ પોતાના સંતાનને કહે છે એ સંતાન પોતાના જીવનની આશા ગુમાવી બેસે છે. આપણે એને માત્ર ચાલવા શીખવવાનું છે, રસ્તાઓ એને જાતે શોધવા દેવાના છે, આપણે એને રક્ષણ આપવાનું છે બાકી એ પોતાનું અસ્તિત્વ જાતે શોધી લે છે. હકીકત તો એ છે કે આપણે તેઓને વારસામાં મિલકત કે અપેક્ષાઓ નહિ પણ એને જાતે વિકસવાની તકો આપવાની છે. એને નક્કી કરવા દેવાનું છે કે એને શું બનવું છે? ચાણક્ય એ કહ્યું છે, એમ “Treat your kid like a darling for the first five years. For the next five years, scold them. By the time they turn sixteen, treat them like a friend.Your grown up children are your best friends.”  આજથી હજારો વર્ષ પહેલા આપેલુ આ જ્ઞાન આજે આપણે ખાસ અમલમાં મુકવાની જરૂર છે.  
ખલીલ જિબ્રાન ની કવિતા આપણે સૌએ ખાસ યાદ રાખવી રહી,
Your children are not your children. The by Khalil Gibran ... 

  
 


Sunday, 17 June 2018

સ્પર્ધા અને આપણે,


સ્પર્ધા અને આપણે,





  નાના હતા ત્યારે સ્કૂલમાં ટીચર એક સરસ વાર્તા કહેતા. વાર્તા કઈક આમ હતી, એક સ્કૂલમાં એકવાર એક શિક્ષકે બોર્ડ પર એક લાઈન દોરી અને પછી કહ્યું કે “ આને સ્પર્શ કર્યા વિના તમારે નાની બનાવી દેવાની છે, નહિ ભૂંસવાની કે નહિ સ્પર્શવાની! આખો વર્ગ વિચારમાં પડી ગયો, આવું કેમ શક્ય બને? આ તો કોઈ જાદુગર જ કરી સકે. સ્પર્શ કર્યા વિના કે ભૂંસ્યા વિના લાઈન નાની કેવી રીતે કરવી? શિક્ષકને દુ:ખ થયું શું કોઈ વિદ્યાર્થી આવું નહિ કરી સકે? એટલામાં એક વિદ્યાર્થી ઉભો થયો અને એને ચોક લઇ એ નાની લાઈન નીચે બીજી મોટી લાઈન કરી દીધી. ઉપરની લાઈન આપોઆપ નાની થઇ ગઈ. શિક્ષકે પેલા વિદ્યાર્થીને શાબાશી આપી. અને સમજાવ્યું કે જીંદગીમાં દરેકે પોતાની સફળતાની લાઈન જાતે જ દોરવી પડે છે. બીજાની લાઈન ભૂંસીને કદી સફળ થઇ શકાતું નથી. બીજાની લાઈન કરતા આપણી લાઈન મોટી કરીને જ આપણે દરેક સ્પર્ધાઓ જીતી શકીએ છીએ.સ્પર્ધામાં સૌથી અગત્યનો આપણો જ ટ્રેક હોય છે. એ ટ્રેક પર ચાલીને જ આપણે સફળતાનો માર્ગ બનાવી શકીએ છીએ. બીજાના ટ્રેક પર જવાથી તો અકસ્માત થઇ જાય છે. ઈશ્વરે દરેક વ્યક્તિને ખાસ ક્ષમતા સાથે આ પૃથ્વી પર મોકલ્યો છે. ઇવન એણે આપણા સૌમાં ખાસિયતો અને મર્યાદાઓ પણ સરખી માત્રામાં આપી છે. જેઓ જે બાબતો પર એકાગ્ર થાય છે, તેઓ એ રીતે પોતાની જિંદગી વિકસાવી સકે છે. જો આપણે આપણી મર્યાદાઓ સમજી આપણામાં રહેલી ખાસિયતોને વિકસાવતા રહીશું, તો આપણે જરૂરથી સફળ થઇ શકીશું. ઈશ્વરે જે આપીને આપણને મોકલ્યા છે, એને ધ્યાનમાં રાખીશું તો આપણે ખીલી શકીશું અને બીજાને પણ મહેક આપી શકીશું. ખીલવા માટે ફૂલો જેટલી ખેલદિલી જોઈએ. કોઈ ફૂલ કદી પોતાના રંગ,દેખાવ,બાબતે બીજા સાથેસરખામણી કરતા હોતા નથી અને એટલે જ દરેક ફૂલનું પોતાનું અલગ અસ્તિત્વ હોય છે. ઇવન કુદરતનું દરેક તત્વ ક્યારેય એકબીજા સાથે સરખામણી કરતુ નથી. એ સૌ પોત-પોતાની રીતે વિકસે છે અને મસ્તીમાં રહે છે. તમે કદી ક્યાય સાંભળ્યું કે વાંચ્યું કે કોઈ પશુ-પક્ષીએ એકબીજાની સરખામણીમાં આપઘાત કરેલ હોય! કુદરતના કોઈપણ તત્વને ક્યારેય પોતાના સ્ટેટસની પડી હોતી નથી. એટલે તેઓ મસ્ત જીવે છે. અને આપણું જીવન રેસનું મેદાન બની ગયું છે જ્યાં લોકો દરેક બાબતે એકબીજાની સરખામણી કરતા રહે છે, અને હતાશા,નિરાશામાં આવી સુસાઇડ કરતા રહે છે. માનસિક રોગોના શિકાર બનતા રહે  છે. આપણે સૌ સરખામણીના ચક્રવ્યુહમાં એવા ફસાઈ ગયા છીએ કે આપણી જિંદગી આપણને હમેંશા બીજા કરતા અધુરી જ લાગ્યા કરે છે.
  સ્પર્ધા માનવજીવન માટે જરૂરી છે,પણ એ સ્પર્ધા ખેલદિલી વાળી હોવી જોઈએ. વળી આપણે સ્પર્ધામાં આગળ વધવું હોય તો આપણી ક્ષમતાઓને વધારવી જોઈએ, નહિ કે સામેવાળાની ક્ષમતાને ઉતારી પાડવાની કોશિશ કરવી જોઈએ. જીવનમાં દરેક ક્ષેત્રમા આ બાબત ધ્યાનમાં રાખવી. તમે કોઈ સ્કૂલ ચલાવો છો અને અન્ય સ્કૂલ સાથે તમારી સ્પર્ધા છે તો તમારે તમારી ગુણવત્તા સુધારી તમારી સ્કૂલને આગળ લઇ જવી જોઈએ, નહિ કે સામેની સ્કૂલનું ખરાબ કરી તમારી સંખ્યા વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શ્રેષ્ઠ ગુણવત્તા આપશો તો આપોઆપ વિદ્યાર્થીઓ ખેંચાઈ આવશે.એ જ રીતે તમે કોઈ સારા કલાકાર છો તો તમારી કલાને શ્રેષ્ઠ રીતે ખીલવો, નહિ કે બીજાની કલાનું અપમાન કરી કે એને નીચી દેખાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનના દરેક ક્ષેત્રમા દરેક જગ્યાએ એ બાબત લાગુ પડે છે. તમારે સફળ થવું છે તો તમારું ધ્યેય નક્કી કરી એ રસ્તે ચાલતા રહો. તમારે બોલવાની જરુર નથી તમારા કામને બોલવા દયો. કોઈપણ જગ્યાએ આપણે હોઈએ આપણે જે કરવા માંગીએ છીએ, એમાં આપણું સંપૂર્ણ ધ્યાન હોવું જોઈએ.બીજાઓ જે કરે તે. જો આપણે બીજાઓની બાબતોને મહત્વ આપતા રહીશું તો આપણું લક્ષ ભૂલાય જશે. અને આપણે ભટકતા થઇ જઈશું. જો લક્ષ આપણું છે, તો એની સુધી જવાના રસ્તાઓ પણ આપણા જ હોવા જોઈએ. માટે સ્પર્ધા કરવી, પણ સરખામણીથી હમેંશા દૂર રહેવું. બીજાને પાડવા મહેનત કરવી એના કરતા તો આપણી જાતને ઉન્નત બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ.
ક્રિકેટની રમતમાં સચિન એક છે, ધોની એક છે, વિરાટ એક છે. દરેક ખેલાડીઓનું પોતાનું અલગ અસ્તિત્વ છે. ત્રણેય ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓ છે. એમ જ આપણે પણ ભલે કોઈ એક જ ક્ષેત્રમા હોઈએ  બીજાથી આપણું અલગ અસ્તિત્વ વિકસાવવું જોઈએ. હકીકત તો એ છે કે આપણે જીતવા માટે કે સફળ થવા માટે લડવું જોઈએ નહિ કે બીજાને હરાવવા કે નિષ્ફળ બનાવવા. કર્ણ અર્જુન કરતા પણ ચડિયાતો યોધ્દ્ધા હતો પણ એણે પોતાની જાતને સાબિત કરવા કરતા પણ વધુ મહત્વ અર્જુન કરતા પોતે વધુ ચડિયાતો છે, એ સાબિત કરવામાં પોતાની કલાનો ઉપયોગ કર્યો અને એ જ સાબિત કરવામા અધર્મના રવાડે ચડી ગયો. તે શ્રેષ્ઠ હતો, પણ સરખામણીના ઝેરે એને ખરા સમયે પોતાની તમામ વિદ્યાઓ પણ ભુલાવી દીધી. આપણે પણ જયારે આવું કરીએ છીએ આપણી શ્રેષ્ઠતા ગુમાવી બેસીએ છીએ. તમે જ વિચારજો જેઓ જીંદગીમાં સફળ થયા છે, તેઓએ કદી કોઈની સાથે પોતાની જાતને સરખાવી નથી. તેઓ નિષ્ફળ ગયા પણ નીચે ના ઉતર્યા. તેઓ હારી પણ ગયા પણ પોતાની જાતને ના હારવા દીધી. આગળ વધવા માટે બીજાને ગુણવત્તા આપવી પડે છે. બ્રાન્ડનેમ બનવા માટે ગ્રાહકોનો વિશ્વાસ જીતવો પડે છે. તમારી અંદર રહેલા જુનુન ને તમારી સફળતા માટે આગ આપવી પડે છે. જો આપણે બીજા માટે પથ્થર બનતા રહીશું તો કદી કોઈ આવી એ પથ્થરને દુર ફેંકી દેશે. માટે બીજાને નીચા દેખાડવાનો કદી પ્રયાસ ના કરો.
જિંદગી રમતનું મેદાન છે, એ મેદાનમાં ખેલદિલી સાથે જે રમે છે, એ જ જીતે છે. જેઓ ચીટીંગ કરી જીતે છે, તેઓ જિંદગીના મેદાનમાં પોતાનું સ્થાન ગુમાવી બેસે છે. દોડની રમતમાં દોડનાર હમેંશા પોતાના ટ્રેક પર જ દોડે છે, અને એટલે જ પોતાના ટ્રેક પર સૌથી ઝડપથી દોડનાર જ જીતે છે.શ્રેષ્ઠ બનવા માટે શ્રેષ્ઠતા સાબિત કરવી પડે છે. તમે નક્કી કરેલી સફળતાનો માપદંડ તમારી પાસે જ રાખજો. એને જયારે તમે બીજાના માપદંડથી માપશો. તમારી સફળતાનું અવમુલ્યન થવા લાગશે. આપણી સફળતાં કદી કોઈ અવોર્ડ કે સર્ટીફીકેટને આધીન નથી હોતી. માટે કોઈ બિરદાવે નહિ તો ગભરાશો નહિ. બસ આગળ વધ્યે જ જાવ. અને હા લીટી તમારી મોટી કરજો બીજાની ભૂંસવાનો પ્રયાસ ના કરતા ok. ઈશ્વરે આપણને બાય ડીફોલ્ટ ‘યુનિક’ જ બનાવ્યા છે તો બીજાની સાપેક્ષે શા માટે જીવવાનો પ્રયાસ કરવો! આપણે જિંદગીની રેસના ઘોડાઓ નથી જેને કોઈ આપણા વતી રેસમાં દોડાવે અને આપણે દોડતા રહીએ, પણ આપણે તો એ વ્યક્તિઓ છીએ, જે પતંગની કલ્પનાના આધારે પ્લેન પણ બનાવી શકે. જેઓ અપંગ હોવા છતાં હિમાલય પણ ચડી સકે અને જેઓ કેન્સર હોવા છતાં તેમાંથી બહાર આવી રમી પણ શકીએ. આપણે એ છીએ જે આંધળા બેહરા મૂંગા હોવા છતાં બીજાને રસ્તા બતાવી સકે એવું પ્રેરણાદાયી જીવી શકીએ. આપણા માં રહેલી અખૂટ શક્તિઓને ઓળખીએ અને સફળ થઈએ. આપણામાં રહેલી ઉર્જાનો ઉપયોગ આપણા જીવનને ઉજ્જવળ બનાવવામાં કરીએ. બીજાની જીંદગીને અન્જાવવામાં શામાટે એનો વ્યય કરવો? કેમ ખરું ને?



Wednesday, 13 June 2018

આપણે અને આપણે,


આપણે અને આપણે,


   







શીર્ષક વાચી નવાઈ ના લગાડતા! આપણે શબ્દમાં આપણે સૌ આવી જઈએ છીએ. અને આપણે હમેશા કોઈપણ બાબતે બીજા પર આરોપ મુકતા રહીએ છીએ, પણ આપણી જાતને અમુક પ્રશ્નો કદી પૂછતાં નથી ને એટલે જ આપણી અને આપણા રાષ્ટ્રની સમસ્યાઓ નો કદી કોઈ ઉકેલ નથી. ના સમજાયું તો ચાલો એક સર્વે કરીએ. આમપણ જુદી-જુદી ન્યુઝ ચેનલો અને સમાચાર-પત્રો દ્વારા જુદી જુદી સરકારોની કામગીરી બાબતે સર્વે થતા રહે છે.આપણે ઉત્સાહભેર એમાં ભાગ પણ લઈએ છીએ અને સર્વેના આધારે સરકારોની કામગીરી મૂલવતા રહીએ છીએ. સર્વેમાં શું હોય આપણે હા કે ના લખી દઈએ અગર તો અમુક પ્રશ્નોના જવાબમાં જે ઓપશન આપેલા હોય તેની સામે ટીક કરી દઈએ. જાણે એવું લાગે આપણે આપણી કેવડી મોટી જવાબદારી નિભાવી દીધી અને સરકારને પણ કહી દીધું કે તમે કેટલું કામ કર્યું અને કેટલું બાકી છે. આમ પણ આપણે ત્યાં ભારતમા બે બાબતો હમેંશા મફતમાં જ મળી રહે છે, ૧) સલાહ અને ૨) અભિપ્રાય. કેમ ખરું ને? આમ કરો અને આમ ના કરો એ સલાહ અને સરકાર આમ કરે છે અને આમ કરતી નથી એવા અભિપ્રાયો! આપણે આખો દિવસ ચર્ચા કરીએ છીએ અને ટી.વી. પર સાંભળતાં રહીએ છીએ, જોતા રહીએ છીએ. એ ચર્ચાઓ ટાઇમ પાસ કે ટી.આર.પી. વધારવાના પ્રયત્નોથી વિશેષ કશું હોતી નથી. ઘણીવાર તો સાવ બિનજરૂરી બાબતોની ચર્ચાઓ થતી રહે છે અને આપણ હોંશે હોંશે જોતા રહીએ છીએ. સરવાળે શું થાય? ચૂંટણી આવે ત્યારે જરૂરી મુદ્દાઓ ભૂલાય જાય અને બિનજરૂરી ચર્ચાતા રહે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે આપણે આવી બિનજરૂરી બાબતોને ધ્યાનમાં લઇ વોટ પણ આપી આવીએ છીએ અને પછી પાંચ વર્ષ સુધી ગલત સરકારને સહન કરતા રહીએ છીએ. શું કરવું જોઈએ એ બધા કહે છે, પણ કરતુ કોઈ નથી. અને હદ તો ત્યારે થાય જયારે કોઈ એ દિશામાં કઈ કામ કરે તો આપણે એની મજાક ઉડાવતા રહીએ છીએ અને પછી એ વ્યક્તિ મસ્ત કામ કરે ત્યારે એના જ ગુણગાન ગાતા રહીએ છીએ.
ચાલો આજે આપણે આપણો ખુદનો જ સર્વે કરીએ એક પ્રજા તરીકે આપણે સરકારના સારા કાર્યોને કેટલો સપોર્ટ કર્યો? અને પછી નક્કી કરીએ આપણે હજી સુધી કેમ ‘વિકાસશીલ’ છીએ? હકીકત તો એ છે કે દરેક રાષ્ટ્રનું એક કેરેક્ટર હોય છે. જે સર્વ વિશ્વમાં ઓળખાતું હોય છે. આપણે પણ થોડું ચેક કરી લઈએ એક નાગરિક તરીકે આપણે દેશ માટે શું કરીએ છીએ. અને પછી સરકાર પર આરોપ લગાવીએ. ok તો ચાલો સર્વે ચાલુ કરીએ.
૧) સરકારના સ્વચ્છતા-અભિયાન પ્રોજેક્ટ માટે આપણે શું કર્યું?
૨) સરકારના નદીઓના પાણીને સ્વચ્છ કરવાના પ્રયાસોમાં આપણે કેટલી મદદ કરી?
૩) સરકારે ખાનગી શિક્ષણ સંસ્થાઓ સામે ફી ઘટાડાનો જે કાયદો ઘડ્યો એના પાલનમાં કેટલા વાલીઓએ મદદ કરી?
૪) સરકાર માર્ગ સલામતી માટે જે કાયદાઓ બનાવે એમાથી કેટલા આપણે પાળીએ છીએ?
૫) ચૂંટણી સમયે સાચા ઉમેદવારને વોટ આપવાના બદલે આપણે હમેંશા આપણી ‘જ્ઞાતિના’ જ ઉમેદવારને પસંદ કરી છીએ?ભણેલા હોવા છતાં! હા કે ના
૬) સરકાર જે કોઈ યોજનાઓ બહાર પાડે એ ગરીબ વર્ગ માટે હોવા છતાં આપણે ધનિક થઈને પણ તેનો લાભ લઇ લઈએ છીએ? હા કે ના
૭) ભ્રૂણહત્યા,દહેજ,બળાત્કાર,ઘરેલુંમારપીટ,વગેરે સામાજિક સમસ્યાઓ સામે લડવા સરકારે જે કઈ કાયદાઓ ઘડ્યા છે, એમાં આપણે કેટલો સપોર્ટ આપીએ છીએ?
૮) પર્યાવરણ બચાવવા સરકાર જે કઈ પ્રયત્નો કરે જેમકે પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરવાનો, વૃક્ષારોપણ, જળબચાવો,પૃથ્વી બચાવો,વગેરે બાબતોમાં આપણે કેટલો સહયોગ કરીએ છીએ?
૯) જંગલી પ્રાણીઓને બચાવવા અને ઘર આંગણાના પશુ-પક્ષીઓને બચાવવા આપણે શું કરી છીએ?
૧૦) ભ્રષ્ટાચાર રોકવા આપણે શું કર્યું?
૧૧) સગાવાદ,કોમવાદ,જ્ઞાતિવાદ,લાગવગશાહી રોકવા આપણે શું કર્યું?
૧૨) વસ્તી આપણા દરેક પ્રશ્નનું મૂળ હોવા છતાં એને ઘટાડવા સરકારે જે કઈ પણ પ્રયાસો કર્યા એમાં આપણે ક્ર્ટલો સહયોગ આપ્યો?
૧૩) સરકારે  ખરાબ ખોરાકથી બચાવવા આપણા માટે જે કોઈપણ કાયદાઓ ઘડ્યા એના પાલન માટે આપણે શું કર્યું? અરે આપણી પાસે તો બોટલ કે પેકિંગ પર લખેલી એક્સપાયરી ડેટ વાંચવાનો પણ સમય હોતો નથી. હા કે ના
૧૪) અમુક જ્ઞાતિઓ આજે પણ સામાજિક કે આર્થીક રીતે પછાત છે, કારણકે તેઓ દારૂ અને જુગાર જેવા દુષણોમાંથી બહાર આવતા નથી, હા કે ના
૧૫) આપણી પ્રાચીન સારામાં સારી શિક્ષણ-પ્રથા છોડી આપણે મેકોલ ની જ શિક્ષણ પદ્ધતિને અનુસરી રહ્યા છીએ,હા કે ના જે માત્ર કારકુનો જ પેદા કરે છે. કે સંશોધકો નહિ.
૧૬) આજે પણ આપણે અંધશ્રદ્ધા ને મહત્વ આપીએ છીએ અને એટલે જ આશારામ કે બાબા રામરહીમ જેવા લોકો આપણને છેતરતા રહે છે? હા કે ના
૧૭) હજી આજે પણ આપણે રાહ જોઈ બેઠા છીએ કે કોઈ આવશે અને આપણો ઉદ્ધાર કરશે? હા કે ના ( જ્યારે આપણને પણ હવે સમજાય ગયું છે કે આપણે જ આપણે ઉદ્ધારક છીએ છતાં!)
૧૮) સરકારના સોચાલય અભિયાન માટે આપણે શું કર્યું? ( આઝાદીના ૭૧ વર્ષો પછી પણ આપણને શીખવાડવું પડે છે કે લેટ્રિન કરવા ક્યાં જવાય?)
૧૯) દર ચૂંટણીઓમાં રાજકારણીઓ આપણને ‘ઉલ્લુ’ બનાવી ધર્મના નામે ઝઘડાવી મુકે છે, છતાં આપણે હજી પણ ‘ઉલ્લુ’ બનતા જ રહીએ છીએ? હા કે ના
૨૦)  આપણે આપણા દેશના બધા જ પ્રશ્નો જાણીએ છીએ, છતાં આંખ આડા કાન કરી છીએ, અને વિચારીએ છીએ મારા એકલાથી શું થવાનું? હા કે ના
 હજી તો ઘણા પ્રશ્નો છે, પણ આદર્શ પ્રશ્નાવલી ટૂંકી હોવી જોઈએ એટલે હવે પ્રશ્નો અહી અટકાવી દઉં છું. પણ આ સર્વેમાં ભાગ જરૂર લેજો. આપણે દેશ માટે શું કરીએ છીએ? એનું પરિણામ મળી રહેવાનું છે. મિત્રો કોઈપણ દેશ વિકસિત છે, કારણકે ત્યાની પ્રજા પણ સરકારની લગોલગ કામ કરે છે. દેશના વિકાસ માટે સરકારને પૂરેપૂરો સહકાર આપે છે. આપણે તો સહકાર આપવાને બદલે સરકારે ઘડેલા કાયદાઓ કેમ તોડવા એ જ વિચારતા રહીએ છીએ! ઉપર પૂછેલા દરેક પ્રશ્નોના જવાબ તમારી જાતને પણ પૂછજો. આપણે એક સ્ટેટમેન્ટ હમેંશા આપતા રહીએ છીએ, કે “ સરકાર કઈ કરતી નથી” પણ કદી એ પણ વિચારો કે “ આપણે દેશ માટે શું કર્યું?” આપણે સૌ દેશના ઓછા વિકાસ માટે એકબીજા પર આરોપ મુકતા રહીએ છીએ, પણ એ નથી વિચારતા કે એક આંગળી જયારે આપણે અન્ય તરફ ચીન્ધીએ છીએ તો બાકીની આપણી તરફ જ જાય છે. પ્રજા સહકાર ના આપે તો કોઈ દેશ કદી પ્રગતિ કરી શકતો નથી. વિશ્વના જે દેશોએ પ્રગતિ કરી છે, એ પ્રગતિમાં ત્યાની પ્રજાનો પુરેપુરો સપોર્ટ છે. જાપાન વિકસિત છે કારણ કે ત્યાની પ્રજાએ નિર્ણય લીધો કે આપણે માત્ર દેશમાં બનેલી વસ્તુ જ વાપરીશું અને આજે પરિણામ આપણી સમક્ષ છે.આપણો સૌથી મોટો પ્રશ્ન જ એ છે કે એક પ્રજા તરીકે આપણે ક્યારેય આપણી ભૂલોમાંથી શીખતા નથી. અને એટલે જ આપણે વિકસતા નથી. એટલીસ્ટ સારા કામો કરી બતાવે એવી સરકાર તો આપણે ચૂંટી જ શકીએ ને? દેશના દરેક પ્રશ્નો આપણા છે, એવું આપણે સમજવું પડશે.
  કચરો કચરાપેટીમાં નાખવો પડશે, દીકરા દીકરી વચ્ચેનો ભેદ દુર કરવો પડશે, દારૂ અને જુગાર જેવા દુષણોથી દુર રહેવું પડશે,પર્યાવરણ ચોખ્ખું રાખવું પડશે. ઉપર જણાવેલા દરેક પ્રશ્નોના ઉકેલ માટે આપણે મહેનત કરવી પડશે. કાયદાઓનું પાલન આપણા સહકાર વિના નહિ થાય. દેશનું ઘડતર આપણા થકી જ થઇ શકશે. આપણે જેટલુ દેશ માટે કામ કરીશું દેશ એટલો જ આગળ વધશે. અને હા સર્વેમાં જોડાજો અને પ્રજા તરીકેના આપણા કેરેક્ટરને સમજજો. શું ખબર આપણે સમજી શકીએ, “જાગ્યા ત્યારથી સવાર”
બસ એટલું યાદ રાખવું આપણું કેરેક્ટર એ જ દેશનું કેરેક્ટર બની રહેશે?
સરકારનો કેસ-સ્ટડી આપણે વારંવાર કરીએ છીએ, ચાલો આજે આપણે આપણો પણ કરીએ!
જે વિદેશના રસ્તા,ગાડીઓ, ટેક્નોલોજી વગેરે વગેરે આપણને બહુ ગમે છે, એ બધું એટલે આટલું સરસ છે કે ત્યાં લોકો દરેક નિયમોનું અને કાયદાઓનું પાલન કરે છે. કાયદાઓ તોડવા એને કોઈ બહાદુરી ગણતું નથી.


દેશ તો આઝાદ થતા થઇ  ગયો 
પણ તે શું કર્યું? 
  ઉમાશંકર જોષી.  
                                                 

Thursday, 12 April 2018

ભ્રષ્ટાચાર, અને આપણે


ભ્રષ્ટાચાર, અને આપણે


           








આ ભારતમા ઘરે ઘરે, ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, ઓફિસે ઓફિસે ટી.વી. ના દરેક કાર્યક્રમોમાં, અરે દરેક જગ્યાએ ચર્ચાતો વિષય છે, અને એવરગ્રીન વિષય છે. બધાને આની ચર્ચા કરવી ગમે છે. એને વખોડવો ગમે છે, કોણ કેટલું ભ્રષ્ટ છે એ માપવાની મજા સૌને આવે છે. સૌ એવું ત્રાજવું લઇ બેસે છે કે તોલી સકે કોણ કેટલું ભ્રષ્ટ છે? આ દેશમાં નેતાઓ,વેપારીઓ,પત્રકારો,કલાકારો,અધિકારીઓ,ડોકટરો, વકીલો,શિક્ષકો,પટ્ટાવાળાઓ,ઓફિસરો, અરે બધા જ ‘ભ્રષ્ટ’ છે. તો પછી કોણ કોને આંગળી ચીંધી સકે? કારણ એક આંગળી ચિંધનાર ની બાકીની આંગળીઓ પોતાના તરફ હોય છે. અને આ બધા જ જાણે છે, છતાં બધા એવી રીતે ચર્ચાઓ કરતા હોય જાણે તેઓ ભ્રષ્ટ ના હોય. હકીકત તો એ છે કે આપણા દેશમા ભ્રષ્ટાચાર લોકોનો સ્વભાવ બની ગયો છે. જેમ કોઈ રોગ લોહીમાં ભળી જાય પછી એનો ઈલાજ શક્ય ના બને એમ જ ભ્રષ્ટાચાર આપણા સૌના લોહીમાં ભળી ગયો છે. જેનો કોઈ ઈલાજ શક્ય જ નથી. વેલ એવું નથી કે એનો કોઈ ઈલાજ નથી એ ઈલાજ કોઈએ સ્વીકારવો નથી. ભ્રષ્ટાચારનું પ્રિસ્ક્રીપ્શન બહુ સરળ છે. “સાદું અને સાચું જીવન જીવો” પણ એ આપણે સ્વીકારવું નથી. સૌને તમામ સુખ-સગવડો વાળું જીવન જોઈએ છીએ,બીજાઓ જીવે છે એવું વૈભવશાળી જીવન જોઈએ છે. માટે આ રોગનું પ્રિસ્ક્રીપ્શન કોઈ અમલમાં મૂકતું નથી.
  કોઈપણ કૌભાંડ પકડાય ત્યારે તમે માર્ક કરજો, કેટકેટલા લોકો એમાં સંડોવાયેલા હોય છે, નીચેથી ઉપર તમામ કેટેગરીના લોકો એમાં ભળેલા હોય છે. કોભાંડ કરનાર જાણે છે કે અહી દરેક વ્યક્તિની એક કિમત છે જે એ ચુકવવા તૈયાર છે. એના માર્ગમાં જેટલા લોકો આવે બધાને એ ‘ભ્રષ્ટ’ કરી મુકે છે.જેથી પકડાવવાનો સવાલ જ રહેતો નથી. છેલ્લા થોડા વર્ષોમાં આપણા દેશમાં થયેલા કોભાંડો પર નજર નાખશો તો ખ્યાલ આવશે, કોમનવેલ્થ કોભાંડ,સ્ટેમ્પપેપર કોભાંડ,ટેલિકોમકોભાંડ,કોલસા કોભાંડ,વગેરે વગેરે...લીસ્ટ લાંબુ છે. પણ સવાલ એ છે કે આ બધા અબજો રૂપિયામાં કન્વર્ટ થયા ત્યારે પકડાયા વર્ષો પછી પકડાયા અને આખી ચેનલ એમાં સામેલ હતી. જેના ભાગે જે આવે, બધાએ ખાઈ લીધું. એક ઓફીસ હોય તો એમાં કામ કરતા તમામ લેવલના કર્મચારીઓ રિશ્વત લેતા હોય છે. જેવી જેની ક્ષમતા અને પહોચ. અરે પત્રકારત્વ જેને આપણે લોકશાહીનો ચોથો આધાર-સ્તંભ કહીએ છીએ,એ પણ સમાચાર છાપવાના, કોઈ મુદ્દાને ઉછાળવાના કે ક્લોઝ કરી દેવાના પણ પૈસા તેઓ લેતા રહે છે. શિક્ષકો પેપર ફોડવા કે imp પ્રશ્નો આપવાના પૈસા લેતા રહે છે. સી.બી.એસ.સી. ના પેપર ફૂટ્યા એ તેનું ઉદાહરણ છે, આવું તો ઘણ બધી પરીક્ષાઓમાં થાય છે. નેતાઓ તો આપણે ત્યાં આ બાબતે સૌથી પ્રખ્યાત છે. એટલે એની ચર્ચાઓ કરવી નથી.કારણ એને ચૂંટીને આપણે જ તો મોકલીએ છીએ. આવી રીતે બધાજ લોકો પોતપોતાની રીતે ભ્રષ્ટાચાર કરતા રહે છે અગર તો એને પ્રાત્સાહન આપતા રહે છે.
આપણે તો એડમીશન લેવા માટે, લાંબી લાઈનોમાં ઉભું ના રહેવું પડે, નોકરી માટે, ઇન્ટરવ્યુમાં પાસ થવા માટે, એમ દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરતા રહીએ છીએ. નાના નાના કામો માટે પણ આપણે આ દુર્ગુણનો સહારો લેતા હોઈએ છીએ. રસ્તામાં ટ્રાફિક પોલીસ પકડે એને દંડ ના આપવો પડે એટલે એની સાથે સેટિંગ કરતા હોઈએ છીએ. કૂપનનું કેરોસીન ‘કાળાબજાર’ માં વેચી, કે ગેસનો બાટલો બારોબાર વેચી, બીલ વગરનો માલ ખરીદી, આર.ટી.ઓ. માં લાયસન્સ જલ્દી મળી જાય એટલે કે પછી ડોકટર પાસેથી ખોટું મેડીકલ સર્ટિ કઢાવવા પણ સેટિંગ કરતા હોઈએ છીએ. અરે આપણા આરોગ્ય માટે જરૂરી એવી બાબતોમાં પણ આપણે ભ્રષ્ટાચાર કરતા હોઈ છીએ. પોતાના બાળકોને સારી કોલેજમાં એડમીશન અપાવવા માતા-પિતા ડોનેશનના નામેં રિશ્વત જ તો આપે છે. આમાંથી સમાજનો કોઈ એક વર્ગ બાકાત નથી. બધા પોતાનું કામ કરાવી લેવા આવું નાનું-મોટું સેટિંગ કરતા રહે છે. અને એટલે જ આપણે આ રોગનો નિકાલ કરી શકતા નથી. ભ્રષ્ટાચાર મુક્ત ભારત એક કલ્પના માત્ર છે. રામરાજ્ય તો સપનામાં કન્વર્ટ થઇ ગયું છે. આવું શુકામ થાય છે, એના માટેનું કારણ એક જ છે, આપણે સૌએ એને ‘વ્યવહાર’ તરીકે સ્વીકારી લીધું છે. જેમ હવા,પાણી, ખોરાક વિના ના જીવી શકાય એમ ‘ભ્રષ્ટાચાર’ વિના ના જીવી શકાય એવું આપણે માનતા થઇ ગયા છીએ.અરે આપણી માંગ સ્વીકારવા કે જરૂરિયાતો પૂરી કરાવવા આપણે તો આપણા ઈશ્વર,અલ્લા,ઈશુ વગેરે ને પણ ..................................હવે તમે સૌ જાણો જ છો. જ્યાં શ્રદ્ધા હોય ત્યાં બીજું કોઈ પીઠબળ જરૂરી નથી, પણ આપણે શ્રદ્ધા સાથે પણ પૈસાને જોડી દઈએ છીએ.
તમને થશે તો શું આપણા દેશમા પ્રમાણિક માણસો છે જ નહિ. અરે મિત્રો છે ને! પણ એને તો સૌએ ‘એલિયન’ માની લીધા છે. જે પ્રામાણિક છે,એને આપણે વેદિયા કે સમય સાથે ના ચાલનાર કે સિદ્ધાંતના પૂંછડા કહી એકલા પાડી દઈએ છીએ. એવા માણસો જાણે આ દેશમાં દુખી થાવા જ આવ્યા હોય એવું લાગે છે. કોઇપણ ડીપાર્ટમેન્ટમાં આવા માણસો હિજરાતા રહે છે, આંખો સામે ખોટું થતા જુએ છે, પણ કશું કરી શકતા નથી. સાવ એકલા પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરી તેઓ લડતા રહે છે અને એક દિવસ રીટાયર્ડ પણ થઇ જાય છે. તેઓને માત્ર એટલો સંતોષ રહે છે, આપણે પ્રામાણિક જીવન જીવ્યા. પણ અફસોસ એટલો રહી ગયો કે સીસ્ટમ સુધારી શક્યા નહિ. આપણને પ્રામાણિક વ્યક્તિઓ ગમે છે, પણ પ્રામાણિક થવું ગમતું નથી. બધા જાહેરમાં પ્રવચન કે ભાષણ આપતા હોય એ સંભાળીને એમ લાગે આહા આના જેવું પ્રામાણિક કોઈ નહિ હોય,પણ વાસ્તવિકતા કઈક જુદી જ હોય છે. અરે અહી તો લોકો સપ્તાહ સાંભળીને ઘરે જતા હોય ને રસ્તામાં કોઈ રોકે તો ‘ટ્રાફિક-પોલીસ’ સાથે સેટિંગ કરતા જોવા મળે છે. પૂજા કરીને બહાર નીકળે અને કોઈકના સારા ચંપલ લઇ જતા રહે છે. એટલે એવું ના માનતા જેઓ બહુ ધાર્મિક છે, તેઓ નૈતિક છે. તેઓ પણ આ દોડમાં સામેલ છે. બાકી આપણે વાત કરી એમ પ્રમાણિક માણસો મળી બધે આવે છે, પણ પૂજાતા ક્યાય નથી. એ બધાને નડે છે અને એટલે સૌથી વધુ દુખી થાય છે. બાકી રહી વાત ‘ભ્રષ્ટાચાર’ દુર થવાની તો દિલ્હી હજી અનેક ‘પ્રકાશવર્ષ’ દૂર છે. અને આપણું અને મુલ્યો વચ્ચેનું અંતર વધતું જ જાય છે.
  આપણે જે જે બાબતોને સ્વીકારી લીધી છે, એ આપણે કદી દુર કરી શકવાના નથી. પ્રત્યેક કામ માટે આપણે એક કિમત ચૂકવીએ છીએ અને એટલે જ “ ભ્રષ્ટાચાર’ ઘટવાનો કે દુર થવાનો નથી.
      
 નાના હતા ત્યારે નિબંધ પૂછાતો,
 "ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર" હજી એમાં કોઈ ફર્ક પડ્યો નથી.
.

                                                                                                                            

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...