Friday, 30 April 2021

મારાથી આ નહિ થાય અને આપણે,

 

 

મારાથી આ નહિ થાય અને આપણે, 


📚 આજનું જ્ઞાન Images - - ShareChat - ભારતનું પોતાનું ભારતીય સોશ્યલ નેટવર્ક

 

              ડર સૌથી મોટો વાયરસ છે, એવું ઓશોએ કહ્યું છે. અને મારાથી આ નહિ થાય એ આ વાયરસની મુખ્ય અસર છે. આપણે વણખેડાયેલા રસ્તાઓ પર કદી નથી જતા એનું મુખ કારણ જ આ શબ્દો છે. જિંદગીમાં કેટલું બધું એવું હોય છે, જેનો આનંદ આપણે આ શબ્દોને લીધે લઇ શકતા નથી. સ્વ-પ્રેરણા નાં તમામ પુસ્તકો એવું કહે છે કે મનમાં અનંત શક્તિઓ રહેલી છે, આપણે એકવાર આપણું મન મજબુત કરી લઈએ, પછી દુનિયામાં કોઈ કામ અશક્ય નથી. પણ ખબર નહિ કેમ? છતાં આપણે આ મારાથી નહિ થાય એવું ફિલ કરતા રહેતા હોઈએ છીએ. કશુક એવું આપણા સૌમાં હોય છે, જે બહાર આવવા મથતું હોય છે, પણ આપણે આવવા દેતા હોતા નથી કારણકે આપણે માની લીધું છે કે ‘આ મારાથી નહિ થાય’ એકદમ બ્લેન્ક મન લઈને આપણે સૌ આ પૃથ્વી પર આવીએ છીએ. હવે એ બ્લેન્ક મન પર શું લખવું અને શું નાં લખવું ? એ આપણે શીખતા રહેવાનું હોય છે. એટલે જ તો કહે છે કે વ્યક્તિ આજીવન વિદ્યાર્થી હોવો જોઈએ. આપણી ક્ષમતાઓને બહાર આવવાનો રસ્તો નાં મળે તો ઝરણાઓની જેમ પથ્થરને ચીરીને વહી જવાનું હોય છે. હકીકત તો એ છે કે નાનપણથી આપણને શીખવી દેવામાં આવે છે કે જિંદગીમાં સલામતી સૌથી અગત્યની બાબત છે. ભાખોડિયા ભરતાં બાળકને તું પડી જઈશ, એમ કહી આપણે રોકી દેતાં હોઈએ છીએ, અને એ અવરોધ આખી જીંદગી એને ટોકતો રહે છે,રોકતો રહે છે. do’s અને don’t s આ બંને ગાઈડલાઇન્સ વચ્ચે જીંદગી ઝૂલતી રહે છે, અને આપણે એવું માની લેતા હોઈએ છીએ કે મારાથી આ નહી થાય.

  કેટલા બધા સેમિનારો, કેટલું બધું સાહિત્ય, કેટલા બધા શિક્ષકો, કેટલા બધા વક્તાઓ આપણને સમજાવતા રહે છે કે આ પૂર્વગ્રહ છોડી દઈએ, પણ આપણે છોડતાં નથી કે પછી આસપાસની દુનિયા આપણને છોડવા દેતી નથી? જીવન કોઈનું પણ હાઈ-વે જેવું નથી હોતું, એ તો કાચા રસ્તાઓની પગદંડીઓથી થઈને જ પસાર થતું હોય છે. રફ રસ્તાઓ સૌના જીવનને ઢંઢોળતા રહેતાં હોય છે. જેઓ આ શબ્દ સાથે ક્યાંક અટકી જાય છે, તેઓ સ્થિર થઇ જીવનનો આંનદ ગુમાવી દેતાં હોય છે. અને કેટલાક લોકો એવા હોય છે, જેઓ આ સાંકળને તોડીને આગળ વધી જતા હોય છે. જો કે આ રસ્તે ભીડ બહુ નથી હોતી. પણ આ રસ્તાઓમાં ઓબસ્ટેકલ વધુ હોય છે. અને એ પાર કરવાની મજા જ કઈક ઓર હોય છે. શા માટે પહેલેથી એવું માની લેવું કે હું આ નહિ કરી શકું. એક કદમ આગળ વધીને જોયું હોત તો સમજાત કે આ એક કદમ પણ આપણને આપણા લક્ષ્ય તરફ લઇ જઈ શક્યું હોત.

  શા માટે શરૂઆતની થોડી નિષ્ફળતાઓથી ગભરાઈને હથિયાર હેઠા મૂકી દેવા. હા બીજા કરતાં કઈક અલગ કરશો કે બીજા અટકી ગયા હતા, ત્યાંથી આગળ જવાના પ્રયાસો કરીશું એટલે ટીકાના, કોઈના અનુભવના અવરોધો આપણને રોકવાની કોશિશ કરતા રહેશે અને એ વળાંકો પરથી આગળ વધવું એ જ સૌથી મોટી બાબત હોય છે. તમે આ નહિ કરી શકો એવું કહેવા વાળા પણ મળી આવશે. એમાં પણ જો આપણે નિષ્ફળ ગયા તો પૂરું... ટીકાઓની લાંબી લાઈનો લાગી જતી હોય છે. હમણાં એક મેગેઝીનમાં સુંદર વાક્ય વાંચ્યું, “ પડેલા માણસને ટીકાની નહિ, ટેકાની જરૂર હોય છે” આપણે શું કરીએ છીએ? એ થોડું વિચારીને પછી આગળ વાંચવું. અમે તો કહેતા જ હતા, આ કામ તમારાથી નહિ થાય, અમારું તો કોઈ માનતું જ નથી, અને મિત્રો માનવું પણ નહિ... આ બધાને અવગણીને જ આગળનાં રસ્તે જવાનું છે. કોઈનો અનુભવ એના જીવનનો રસ્તો નક્કી કરે છે, એ આપણા માટે એ દિશા-સૂચક બની શકે, પણ દિશા તો આપણે જ નક્કી કરવાની હોય છે.

  કોઈપણ કામ, કોઈપણ મુશ્કેલી જ્યાં સુધી આપણે અટેન્ડ નથી કરતા ત્યાં સુધી જ અઘરી લાગે છે, અશક્ય લાગે છે. જો આપણે હું કરી શકીશ એવી દ્રઢ ભાવના સાથે એ કામમાં લાગી જઈશું, તો જરૂર સફળ થઇ શકીશું. એ કામ પૂરું કરી શકીશું. શા માટે કોઈ કામ નહિ થાય એ માટેના બહાનાઓ શોધતા રહેવા? પ્રયાસોને મહત્વ આપીએ અને મારાથી આ નહિ થાય એવી નકારાત્મકતાથી દુર રહીએ. આપણે જે દિવસે એવું નક્કી કરી લેતા હોઈએ છીએ કે મારે આ કામ કરવું છે અને હું કરીશ એ દિવસે આપણી અંદરની તમામ ક્ષમતાઓ તે બાબતને આધાર આપવા જાગૃત થઇ જતી હોય છે અને આપણે એ કામ પૂરું કરી શકતા હોઈએ છીએ. અરે અરીસા સામે તે દિવસે આપણે ઉભા રહીશું, તો અરીસો પણ આપણને શાબાશી આપશે. આજે અરીસામાં દેખાતું વ્યક્તિત્વ આપણા અસ્તિત્વનો આપણને પરિચય કરાવી દેશે. આપણને ખબર નથી હોતી એટલી ક્ષમતાઓ આપણી અંદર સમાયેલી હોય છે. જ્યારે આપણે આ નકારાત્મક વાક્યને જીવનમાં સ્થાન આપીએ છીએ, આપણી એ ક્ષમતાઓનું અપમાન કરતાં હોઈએ છીએ. ઈશ્વરે આપણને આપેલી ક્ષમતાઓ જો વણ-વપરાયેલી રહી જશે, તો જીવન અપૂર્ણ રહી જશે. માટે આ વાક્યથી બને તેટલા દુર રહીએ.

  પતંગને ઉડતા જોઈ આપણે ઉડવાની કલ્પનાઓ કરી અને વિમાન શોધાયું! હવે વિચારો જો વૈજ્ઞાનિકો કે સંશોધકો કે ઉદ્યોગ-સાહસિકો, કે ડોક્ટર્સ કે શિક્ષકો કે કોઇપણ વ્યક્તિઓ એવું માનીને ચાલી હોત કે આ મારાથી નહિ થાય તો આપણે આવી રીતે વિકસિત થઇ શક્યા હોત ખરા! કોરોનાનીદવા નહિ મળે એવું માનીને આપણે બેસી જઈશું તો આ રોગ સામે લડી શકીશું? કોઈપણ કામ આપણે શરુ કરીએ ત્યારે નકારાત્મક અને હકારાત્મક બંને પ્રકારના વિચારો આવે છે, આપણે કોના પર એકાગ્ર થવું એ આપણે નક્કી કરવાનું હોય છે. આપણાથી જે થઇ શકે એમ હોય તે બધું કરવા પ્રત્યે હકારાત્મક બનીએ અને આગળ વધતાં રહીએ. આપણે આ વાક્યમાં માત્ર ‘નહિ’ જ દુર કરવાનું છે.

 મનમાં દ્રઢ-સંકલ્પ સાથે અરુણીમાં જો એક પગ સાથે એવરેસ્ટ સર કરી શકતી હોય તો આપણે તો સંપૂર્ણ શારીરિક ક્ષમતાઓ સાથે જીવી રહ્યા છીએ. મારી પાસે સમય નથી, એ વાક્ય આ નકારાત્મક વાક્યને પ્રેરણા આપતું રહે છે, માટે તેનો ઉપયોગ બને તેટલો ઓછો કરીએ. તમે કોઈપણ ક્ષેત્રની સફળ વ્યક્તિનું જીવન વાંચજો કે જોજો (હવે બાયોપિક બહુ બને છે ને!) આ વાક્ય તમને ક્યાય નહિ જોવા મળે. અને જો જોવા મળશે તો એ લોકો આ વાક્યને અવગણતા હશે. આપણે પણ એ જ કરવાનું છે. કોઈની ટીકાઓ આપણા માટે આગળ વધવાનું માધ્યમ બની રહેવી જોઈએ. માટે જયારે કોઈ એમ કહે કે આ તમારાથી નહિ થાય તો પેલા કરો. આપણે તો નાનપણથી જ કોઈ નાં પાડે તે કરવા ટેવાયેલા છીએ. તો ચાલો આગળ પણ એ જ કરીએ

Ziglar Inc - Focus on what you CAN do, not what you can't do.

   જિંદગીના માઈલ-સ્ટોન પાર કરવા આવા અવરોધોને દુર કરતાં રહીએ. જ્યાંથી બધા અટકી જતા હોય, ત્યાંથી આગળ વધવાની મોજ જ કઈક અલગ હોય છે. આપણી જિંદગીના અનુભવો આપણે કરવાના હોય છે, બીજાના કહેવાથી ક્યારેય અટકી જવું નહિ, એવું જરાપણ જરૂરી નથી કે જે રસ્તે થઇ બીજાઓ નિષ્ફળ ગયા હોય તે રસ્તે આપણે પણ નહિ જ આગળ વધી શકીએ. 

 

Walter Bagehot - The greatest pleasure in life is doing...

Monday, 12 April 2021

સ્ત્રી,સંઘર્ષ,સ્વતંત્રતા અને આપણે,

 

સ્ત્રી,સંઘર્ષ,સ્વતંત્રતા અને આપણે, 

 

 

Quotes about Freedom and Independence | Ellevate

 

 

            એક સ્ત્રી તરીકે જન્મ લેવો એ જ આ દુનિયાનો સૌથી મોટો સંઘર્ષ છે. કોઈ સ્ત્રી જયારે દીકરી તરીકે જન્મ લે છે, ત્યારથી જ તેના જીવનમાં સંઘર્ષ શરુ થઇ જાય છે. હકીકતમાં તો સૌથી પહેલો સંઘર્ષ જ હોય છે કે દીકરીને જન્મવા દેવી કે નહિ? આપણો સમાજ અમુક સમયને બાદ કરતા સ્ત્રીઓ માટે સતત સંઘર્ષનો જ રહ્યો છે. સ્ત્રીઓ જીવનના દરેક તબક્કે અને દરેક ક્ષેત્રે સંઘર્ષ કરતી જ જોવા મળે છે. આપણે સ્ત્રીઓ માટે લાયક સમાજની હજી વ્યવસ્થા કરી શક્યા નથી, અને એટલે જ આપણે ભ્રૂણ-હત્યા કરવા તૈયાર થઇ જતાં હોઈએ છીએ. શા માટે કોઈપણ માતા-પિતા એવું નથી ઈચ્છતા કે મારા આંગણામાં દીકરી રમે. મને સંતાન તરીકે દીકરો મળે એના માટે કેટલા બધા માતા-પિતા માનતાઓ અને દોરા-ધાગાઓ કરતાં હોય છે. ઘણી જ્ઞાતિઓમાં અને કુટુંબોમાં અને ધર્મમાં હજી દીકરીને ખીલવા માટે જોઈએ એવું વાતાવરણ કે ભાવાવરણ મળતું નથી. મને તો એ જ નથી સમજાતું કે સ્ત્રીને ભણાવવી કે નહિ એવો નિર્યણ સમાજ કે ધર્મ કઈ રીતે લઇ શકે? દીકરીઓનું જીવન અગાઉથી લખી લેવાની આ છૂટ ખબર નહિ ક્યારથી અને કોણે લઇ લીધી છે? અને મહત્વની વાત તો એ છે કે આપણે હજી પણ આવી છૂટ આપતા જ રહીએ છીએ. વળી અમુક ધર્મો તો સ્ત્રીઓને નર્કનું દ્વાર માને છે. જે સમાજ સ્ત્રી-પુરુષ એમ બંને પાયા પર ટકેલો હોય છે, તો પછે કોઈ એક પાયાને નબળો બનાવી દેવાની આ વૃતિ કેવી? તમને થશે આ બધી ક્યા જમાનાની વાતો છે, અરે યાર આપણે ભલે ચંદ્ર પર કે મંગળ પર જવાની તૈયારી કરી રહ્યા હોય કે ગમે તેટલા આધુનિક હોવાનો દેખાડો કરતા હોઈએ અંદરથી તો આપણે હજી બહુ બદલાયા નથી! હજી આજે પણ આપણા સમાજમાં સ્ત્રીઓને સ્વતંત્રતા માટે સંઘર્ષ કરવો જ પડે છે. કેટલાક એવા પ્રશ્નો જે આજે પણ સ્ત્રીઓના અસ્તિત્વ અને વ્યક્તિત્વ સાથે જોડાયેલા છે. જે ઉકેલી શકાયા નથી.

૧) દીકરીઓને જન્મ આપવો કે નહિ?

૨) દીકરીઓને કેવા કપડાં પહેરાય?

૩) દીકરીઓને ભણાવાય કે નહિ?

૪) દીકરીઓને ધર્મ-સ્થાનોમાં જવાય કે નહિ?

૫) દીકરીઓએ માસિકમાં હોય ત્યારે શું કરવું અને શું નહિ?

૬) દીકરીઓને બહુ છૂટ દેવાય કે નહિ?

૭) દીકરીઓને દીકરા જેવી સગવડો અપાય કે નહિ?

૮) દીકરીઓને જીવન-સાથી પસંદ કરવાની છૂટ અપાય કે નહિ?

૯) દીકરીઓને વિચારવાની છૂટ અપાય કે નહિ?

૧૦) દીકરીઓને નોકરી કરવાની છૂટ અપાય કે કેમ?

    છે ને આ પ્રશ્નો જેનાં પર આપણે હજી ચર્ચા જ કરીએ છીએ, તેનો ઉકેલ હજી મળ્યો નથી. આપણે ઉપગ્રહો છોડ્યા પણ સ્ત્રીઓ પ્રત્યેના પૂર્વગ્રહો છુટતા નથી. સ્ત્રીના જીવનનો સૌથી મોટો સંઘર્ષ તેના અસ્તિત્વની સાબિતી સાથે જોડાયેલો છે. આપણે સૌએ એક સમાજ-રચના સ્વીકારી કે પુરુષ આર્થીક ક્ષેત્ર સંભાળે અને સ્ત્રીઓ ઘર સંભાળે, પણ પછી શું થયું? આર્થિક દરજ્જાને આપણે એટલો ઉંચો દરજ્જો આપી દીધો કે સ્ત્રીઓના કાર્યોનું બહુ મહત્વ જ રહ્યું નહિ. સ્ત્રી એટલે સહન-શક્તિની મૂર્તિ, સ્ત્રી એટલે જવાબદારીઓ વહન કરનાર પાત્ર, સ્ત્રીઓ એટલે બધું જ પણ સ્ત્રી નહિ! સ્ત્રીઓને પોતાના અધિકાર બાબતે સતત લડતા જ રહેવું પડે છે. પોતે અમુક ક્ષેત્રોમાં પુરુષો કરતા ચડિયાતી હોવા છતાં ( જો કે અહી કોઈ સ્પર્ધા નથી.) તેને વિકસવાની તકો મળતી નથી. સ્ત્રીઓ પોતાના કરતા આગળ નીકળી જાય એ આજે પણ પુરુષોને ગમતું નથી. સ્ત્રીઓની બુદ્ધિ પગની પાનીએ હોય છે, એવું માનવાવાળા પણ અનેક મળી આવશે. સન્માન અને સ્વ-તંત્રતા માટે સ્ત્રીઓ કાયમ ઝૂઝતી જોવા મળે છે.

   સ્ત્રીઓને સ્વ-તંત્રતા આપવાથી સમાજને નુકસાન થાય  છે, એવું ક્યાય સાબિત થયેલું  નથી. છતાં આપણે સૌ સ્ત્રીઓને સ્વ-તંત્રતાથી ખુબ દુર રાખીએ છીએ. સ્ત્રીઓ પ્રત્યેની આપણી વિચાર-ધારામાં પરિવર્તન આવ્યું નથી. ચંદ્રકાંત બક્ષી એ સરસ લખ્યું છે કે “ નોકરી કરતી સ્ત્રીઓ પહેલા કરતા વધુ ગુલામ બની ગઈ છે.” પહેલા તે એક જ મોરચે લડતી હતી, પણ હવે તેને બે મોરચે લડવું પડશે. વર્કિંગ-વિમેન્સ દરેક જગ્યાએ દોડતી જોવા મળે છે. પુરુષોને ખબર હતી કે જો સ્ત્રીઓ આર્થિક રીતે પગભર થઇ જશે તો પછી આપણે તેને સ્વ-તંત્રતા આપવી પડશે, માટે નોકરી કરવા પર પાબંધી આવી ગઈ. જો તે ભણશે તો પોતાના હકો પ્રત્યે જાગૃત થઇ જશે અને આપણે તેનાં વિચારો પર બ્રેક નહિ લગાવી શકીએ એટલે ભણવા પર બ્રેક લાગી. દીકરા કરતા દીકરીઓને ઓછી ગણીશું એટલે પહેલેથી જ તેઓનો આત્મ-વિશ્વાસ ઓછો થઇ જશે. અને ઓછા આત્મ-વિશ્વાસ સાથે તેઓ આગળ જ નહિ વધી શકે! સ્ત્રીઓને ધર્મ-સ્થાનોમાં એન્ટ્રી નાં આપવાનો તર્ક હજી મને સમજાયો નથી, તમને કોઈને ખબર હોય તો મને કહેજો. કોણ સ્ત્રીઓના માસિકને ધર્મ સાથે જોડી બેઠું એ પણ મને  નથી ખબર!

    સ્ત્રીઓના કપડાં બાબતે તો મિત્રો શું કહેવું? ભારતનો આ રાષ્ટ્રીય પ્રશ્ન છે. માત્ર ભારતનો જ હો! પાનનાં ગલ્લે બેઠેલા લોકોથી માંડી,શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવો કે આપણા સાંસદો સુધી એમ દરેક લોકો આ બાબતે ચર્ચાઓ કરતા રહે છે અને સ્ત્રીઓ પર થતાં બળાત્કાર માટે સ્ત્રીઓના કપડાંને જવાબદાર ગણાવતા રહે છે. સ્ત્રીઓની છાતી પરથી દુપટ્ટો તો દુર થવો જ નાં જોઈએ, (પુરુષોની નજરની જેમ!) એવા પૂર્વગ્રહ સાથે સ્ત્રીઓ ખુદ પણ જીવી રહી છે.અવાર-નવાર સ્ત્રીઓના પોશાક વિષે લેખો છપાતાં રહે છે, મહાનુભાવોનાં વિચારો પ્રગટ થતા રહે છે. સ્ત્રીઓ ઢંકાયેલી જ રહેવી જોઈએ. છતાં પુરુષોનું સ્કેનોંગ અટકતું નથી. સ્ત્રીઓના કપડાં થોડા ટૂંકા થાય એટલે પુરુષોની નજર ટૂંકી થઇ જાય છે.

   ઉપરની એકપણ બાબતે સ્ત્રીઓને સ્વ-તંત્રતા મળી નથી.  હકીકત તો એ છે કે સ્ત્રીઓને વિચારવાની જ સ્વ-તંત્રતા મળી શકી નથી. સ્ત્રીઓની અંદરનું જીવન હજી તેને જીવવા મળ્યું જ નથી. જે જે જગ્યાએથી સ્ત્રીઓને પોતાની ઓળખ મળે તેમ હતી, તે દરેક જગ્યાઓ સમાજે બંધ કરી દીધી અને સ્ત્રીઓએ પણ સ્વીકારી લઇ એ બંધ દરવાજાઓ કદી ખખડાવ્યા નહિ! જે કેટલીક સ્ત્રીઓએ પ્રયત્નો કર્યા તેની ઓળખ આજે પણ કાયમ છે, પણ એવી સ્ત્રીઓ કેટલી? નાનપણથી જ સ્ત્રીઓને સમર્પિત થઇ જવાનું શીખવી દેવામાં આવે છે, સહન કરતાં રહેવાનું શીખવવામાં આવે છે. દરેક પેઢીની સ્ત્રીઓ ભાવિ પેઢીની સ્ત્રીઓને આ જ વિચારો આપતી રહી અને પરિણામે સ્ત્રીઓ વિકસી શકી નહિ. ખુદ સ્ત્રીઓ પોતે પણ પોતાની ઓળખ પ્રત્યે જાગૃત થઇ શકી નહિ કે થવા દેવામાં આવી નહિ! ઘર,બાળકો, સંબંધો, બધું જ સંભાળવાની જવાબદારી સ્ત્રીઓને સોંપી પુરુષો મુક્ત બની ગયા! સ્ત્રીઓ પણ સ્વ-તંત્ર હોઈ શકે છે, એવી કોઈ સંભાવના જ સમાજે ઉભી નાં થવા દીધી.

  સ્ત્રીઓને સતી થવાનું, સ્ત્રીઓને વિધવા થયા પછી પુનર્લગ્ન નહિ કરવાના, સ્ત્રીઓને ઘરડાં પુરુષ સાથે પણ પરણી જવાનું, સ્ત્રીઓને શિક્ષણ લેવાનું નહિ, ............. સ્ત્રીને જન્મ નહિ લેવાનો સ્ત્રીઓની સ્વ-તંત્રતા અને પુરુષોની સ્વ-તંત્રતા શબ્દ-કોશના બે અલગ અલગ શબ્દો બની ગયા! આજે પણ ઘણા ગામડાઓ નક્કી કરે છે કે સ્ત્રીઓએ ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ રાખવાનાં કે નહિ? સ્ત્રીઓને સ્વ-તંત્રતા તરફ લઇ જાય એ તમામ રસ્તાઓ આજે પણ બંધ કરવાનાં પ્રયાસો ચાલુ જ છે.

 સ્ત્રીઓનું જીવન સ્વ-તંત્રતાના સંઘર્ષ સાથે શરૂ થાય છે અને એ સાથે જ પૂરું! જગતના અસ્તિવ માટે જવાબદાર વ્યક્તિ પોતાના અસ્તિત્વ માટે લડતી રહે છે બસ લડતી જ રહે છે. આજથી ચેત્ર-નવરાત્રીનો આરંભ થઇ રહ્યો છે. જેને આપણે આદ્ય-શક્તિ તરીકે પૂજીએ છીએ, એ વ્યક્તિત્વને ઘર-આંગણે અને સમાજમાં ખીલવાની પુરી તકો આપીએ.

  અને સ્ત્રીઓ યાદ રાખે કે ફૂલ કાંટાઓ વચ્ચે જ ખીલે છે અને મહેંકે છે. એવી મહેંક આપણે સ્ત્રી તરીકે સમાજમાં ફેલાવવાની છે, પણ વિચારોની સ્વ-તંત્રતા સાથે. સંઘર્ષના અંતે મળતું અસ્તિત્વ જ આપણું વ્યક્તિત્વ નિખારે છે.

બધું સ્વીકારી ના લેતા, લડજો અને આગળ વધતા રહેજો. 

Quotes about Freedom and Independence | Ellevate

Friday, 2 April 2021

ઓનલાઈન શિક્ષણ અને આપણે,

 

ઓનલાઈન શિક્ષણ અને આપણે,

 

 

             

 

 

 

 Remote realities: Children with disabilities bear the brunt of online  education during pandemic- The New Indian Express

 ભારતનું ભાવિ આજ-કાલ ઓનલાઈન ઘડાઈ રહ્યું છે. છેલ્લા એક વર્ષથી કોરોનાને કારણે આપણું શિક્ષણ વર્ચુઅલ બની ગયું છે. જે વિદ્યાર્થીઓ ઓફલાઈન નથી ભણી શકતા તેઓ માટે ઓનલાઈન શિક્ષણ લગભગ દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી જે લોકો ઓનલાઈન શબ્દથી સાવ અપરીચિત હતા, તેઓ પણ આ શબ્દથી પરિચિત થઇ ગયા છે. ઘણી સ્કુલો વાળાએ તો પોતાના વિદ્યાર્થીઓને યુનિફોર્મ પહેરીને સ્ક્રીન સામે બેસવાનું કહ્યું છે. અને બાળકો બેસે પણ છે. આ કોરોના કાળ દરમિયાન ઘણા લોકોએ મોબાઈલ ખરીધા. માતા-પિતા સામેથી પોતાના સંતાનોને મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ આપવા લાગ્યા છે. જૂમ,ગૂગલ મીટ,માઈક્રીસોફટ ટીમ જેવી કેટલીયે એપ્લીકેશન રાતો રાત પ્રખ્યાત થઇ ગઈ. જુમ કંપનીનો નફો અનેક ગણો વધી ગયો. શિક્ષકો પણ અપડેટ થઇ ગયા. તેમણે પણ ઘણું બધું નવું નવું શીખી લીધું. ક્લાસરૂમનું શિક્ષણ એક નાનકડી સ્ક્રિનમાં વહેતું થઇ ગયું. કોલેજથી માંડીને હાયર કે.જી. લોઅર કે.જી. નાં વિદ્યાર્થીઓ અરે પ્લે-ગ્રુપનાં વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન શિક્ષણ લેતા થઇ ગયા! આ દેશમાં બાળકને જન્મ્યા પછી બીજું કઈ આવડે કે ના આવડે પણ સ્કૂલે જતા અને ભણતા આવડી જવું જોઈએ!

  ટેકનોલોજીના વિકાસ સાથે આપણો પણ વિકાસ થઇ રહ્યો છે. આપણે પણ ઓનલાઈન રહેતા શીખી ગયા છીએ. અરે ઓનલાઈન ઈશ્વરના દર્શન પણ થઇ રહ્યા છે. લાગે છે કે ઈશ્વર પણ ઓનલાઈન બુકિંગ સ્વીકારતા થઇ ગયા છે! અને ઓનલાઈન શોપિંગ આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ! અરે રે ગાડી પાટા પરથી ઉતરી ગઈ. આપણે તો ઓનલાઈન શિક્ષણની વાતો કરી રહ્યા હતા. છેલ્લા એક વર્ષથી બાળકો ઘરે બેઠા બેઠા મોબાઈલ, ટી.વી., ટેબ્લેટ કે લેપટોપ કે કમ્પ્યુટરની સ્ક્રીન પણ ભણી રહ્યા છે. કે પછી......... હવે સવાલો અહીથી જ ઉભા થઇ રહ્યા છે. હમણાં છાપામાં એક સર્વે આવ્યો હતો કે ઓન-લાઈન શિક્ષણને લીધે બાળકો વધુ ને વધુ ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ તરફ વળી રહ્યા છે. અને સૌથી અગત્યનું તેઓ ખુબ ઝડપથી ‘પોર્ન ફિલ્મો’ અને ‘પોર્ન-સાઈટ’ તરફ વળી રહ્યા છે. નાં જોવાનું જોઈ રહ્યા છે. હમણાં રાજકોટમાં બનેલો કિસ્સો આપણે વાંચી વાંચી ને અફસોસ કરી જ રહ્યા છીએ. જેમાં ૧૩વર્ષના બે કિશોરોએ ૧૨ વર્ષની એક કિશોરી પર બળાત્કાર કરેલો. ( આવી સાઇટ્સ જોઇને!) આગળ શું થશે? એ અંગે જાણવાની આપણે બહુ તસ્દી લેતા નથી. આપણે વાંચીને ભૂલી જતા હોઈએ છીએ. પણ એ દીકરી અને તેના કુટુંબ પર જે વીતશે એ કોણ સમજી શકશે?

    વિદ્યાર્થી સતત ગેઝેટ્સ સામે બેસી રહે છે. માતા-પિતાને એમ હોય છે કે તેઓ ભણી રહ્યા છે, પણ એ તો વિદ્યાર્થીઓ જ જાણે કે તેઓ શું કરી રહ્યા હોય છે? સતત સ્ક્રીન સામે બેસી રહેવાથી વિદ્યાર્થીઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. તેઓ શારીરિક રીતે જરાપણ ફિટ રહી શકતા નથી. શેરીની રમતો ભૂલાય રહી છે. એટલું જ નહિ આ બધા ગેઝેટ્સ સ્માર્ટ થતા જાય છે, પણ આપણે સ્માર્ટનેસ ગુમાવી રહ્યા છીએ. વિદ્યાર્થીઓની આંખોને બહુ નુકસાન થઇ રહ્યું છે. મને એ નથી સમજાતું કે સાવ નાના બાળકોને ગેઝેટ્સ આપી માતા-પિતા શું સાબિત કરવા માંગે છે? સાવ નાના નાના બાળકો કદાચ એકાદ વર્ષ ના ભણે તો શું થઇ જવાનું? ઓનલાઈન શિક્ષણને લીધે જે બાળકો અત્યાર સુધી મોબાઈલથી હેબીચ્યુઅલ નહોતા તેઓ પણ તે તરફ વળી રહ્યા છે.  વિદ્યાર્થીઓ આખા દિવસમાં ઓછામાં ઓછા ૫ થી ૬ કલાક ગેઝેટ્સ પાછળ બગાડી રહ્યા છે. એકપણ સાઈટ પર કોઈનો કંટ્રોલ નથી. તેથી બાળકો પર પણ કોઈ કંટ્રોલ રહ્યો નથી.

    ભણવું જરૂરી છે, પણ નૈતિક મુલ્યો જળવાય એ પણ એટલું જ જરૂરી છે. વળી ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ પાસે આ ગેઝેટ્સ ખરીદી શકવાની ક્ષમતા નથી હોતી. વધુ બાળકો હોય તે માતા-પિતા સામે પણ અનેક સવાલો ઉભા થતા રહે છે. વળી કેટલાક બાળકો બીજા બાળકોની દેખા-દેખીમાં આવી માતા-પિતાને બ્લેકમેલ કરી ગેઝેટ્સ પરાણે લેવડાવતા હોય છે. સરકાર પણ પોતાના પક્ષનો પ્રચાર કરવા યંગ-જનરેશનને ફ્રીમાં ગેઝેટ્સ આપે છે, જેનો યંગ-જનરેશન દુરુપયોગ જ કરે છે. ઓનલાઈન શિક્ષણ ક્યારેય સારો વિકલ્પ બની શકે એમ નથી. ઓક્સફર્ડ યુનીવર્સીટીએ પણ ઓનલાઈન શિક્ષણનો પ્રયોગ કરેલો જે નિષ્ફળ ગયેલો. ઓનલાઈન શિક્ષણ રસ વિનાનું બની રહે છે. વર્ગ-ખંડ જેવું જીવંત વાતાવરણ ઉભું થઇ શકતું નથી. શિક્ષણ સંપૂર્ણ રીતે એકતરફી બની રહે છે. અને સૌથી મોટી સમસ્યા તો વિદ્યાર્થીઓની ભટકી જવાની છે.

 કોરોના છે, એટલે અમુક બાબતોનો વિકલ્પ આપણે અપનાવવો જરૂરી છે, પણ આ વિકલ્પ છોડી દેવા જેવો છે. અગર તો માતા-પિતાના ઓબ્ઝર્વેશનમાં સંતાનોને ઓનલાઈન શિક્ષણ આપવાની જરૂર છે. સરકારે પણ ગલત સાઇટ્સ પર કંટ્રોલ રાખવાની જરૂર છે. આપણે ઘણી બધી ગેમ્સને લીધે વિદ્યાર્થીઓને આપઘાત કરતા પણ સાંભળ્યા છે. સોસીયલ મીડીયાના ચક્કરમાં બાળકો પોતાનું બાળપણ,યુવાનો પોતાની યુવાની અને આપણે આપના ઘરના લોકો સાથેનો જીવંત સંપર્ક ગુમાવી રહ્યા છીએ. ઓનલાઈન શિક્ષણ આ ઘેલછાને વધારી આપશે. એટલીસ્ટ જે બાળકો આનાથી બચી શકે એમ છે, તેઓને આ તરફ વાળવાની જરૂર નથી. પ્રાઇવેટ સ્કૂલો ફી લેવા આ ગતકડું ચલાવે છે. પણ તેઓ પાસે ઓનલાઈન શિક્ષણ માટે સારું આંતરમાળખું નથી હોતું. કે પછી તેઓ ઉભું કરવા માંગતા હોતા નથી! ગ્રામ્ય-વિસ્તારોમાં નેટવર્કનાં પ્રશ્નો હોય છે. બાળકો વારંવાર શિક્ષણ અને શિક્ષકથી ડીસ-કનેક્ટ થઇ જતા હોય છે.

  મોટા ભાગના વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે ઓનલાઈન શિક્ષણમાં અમને કઈ સમજાતું નથી. તો જે નહિ સમજાય તે પ્રત્યે તેઓને અણગમો થઇ જશે. અને આગળ ભણાવવા અઘરા લાગશે. વળી ઘણી સ્કૂલો તો કશું સમજાવ્યા વિના માત્ર લેશન જ આપી દેતી હોય છે. બાળકો ઝીણા ઝીણા ફોન્ટ જોઈ લખે છે, અને પરિણામે તેઓની આંખોને વધુ નુક્શાન થાય છે. ઘણા બાળકોના આંખોના નંબર છેલ્લા વર્ષ દરમિયાન વધી ગયા છે. તો જેને ચશ્માં નહોતા તેઓને આવી પણ ગયા છે. ઘણી સ્કૂલો મહેનત કરી, સારું શિક્ષણ પણ આપે છે, પણ એવી સંસ્થાઓ કેટલી? શિક્ષણનો ઉપયોગ આપણે સમસ્યાઓ ઉકેલવા કરીએ છીએ, પણ અત્યારે તો શિક્ષણ સ્વયં એક સમસ્યા બની રહી ગયું છે. વળી નાના બાળકો લાંબો સમય સ્ક્રીન સામે સ્થિર થઈને બેસતા હોતા નથી. તેઓ આમપણ રમવા જ માંગતા હોય છે, તેઓને રમવા દઈએ અને મોજ કરવા દઈએ.

  ઓનલાઈન શિક્ષણ પાછળ વિદ્યાર્થીઓનું ભાવિ ઓફ નાં થઇ જાય એ આપણે જોવાનું છે. ખાસ કરીને બાળકોને આનાથી દુર રાખવાની જરૂર છે. મારું બાળક આટલા કલાક સ્ક્રીન સામે બેસી ભણ્યું એવું અભિમાન કરવા કરતા તે આટલા કલાક રમ્યું કે તેણે કશુક નવું કર્યું એ ગર્વ લેવા જેવો છે! નિષ્ફળ પ્રયોગ પણ ઘણું શીખવી શકે છે. બાળકો,યુવાનો ને બને તેટલા ઓનલાઈન શિક્ષણથી દુર રાખીએ.

 ઓનલાઈન શિક્ષણને લીધે તમારા સંતાનો તમારાથી દુર નાં થઇ જાય ધ્યાન રાખજો.

Online education in India | Future of e-Learning in India

 

 

 

 

 

 

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...