Wednesday, 8 September 2021

શાળામાં પ્રયોગશાળા હોવી જોઈએ, પણ શાળા એ પ્રયોગશાળા ના હોવી જોઈએ!!!

 

       શાળામાં પ્રયોગશાળા હોવી જોઈએ, પણ શાળા એ પ્રયોગશાળા ના હોવી જોઈએ!!!

 Burned out: why are so many teachers quitting or off sick with stress? |  Teaching | The Guardian

  કોઈ સંશોધક કોઈ સંશોધન પાછળ વર્ષો વિતાવી દેતો હોય છે, તે પોતાના સંશોધન માટે અનેક જાતના પ્રયોગો કરતાં હોય છે. પ્રયોગોને અંતે તે કોઈ તારણ પર આવે છે અને દુનિયાને કોઈ નવી વસ્તુ મળે છે. પણ આપણાં દેશમાં એક સ્થાન એવું છે. જ્યાં સતત પ્રયોગો થતાં રહે છે, જેના અંતે કોઈ નવી વસ્તુ કે વિચાર નહી, પણ પરીપત્રો મળતા રહે છે, ને નવા નવા કામો પ્રયોગપાત્રોને મળતાં રહે છે. કોઈ કહી શકશે ક્યૂ છે તે સ્થાન?

 એક આચાર્ય આજે શાળામાં પ્રવેશે છે, પોતાનો ઇ-મેલ ચેક કરે છે, અને પરિપત્રોનો ઢગલો ખડકેલો જોવા મળે છે. એને બીજું કશું સર્ચ કરવાનું જ રહેતું નથી. આમાં જ સમય જતો રહે છે. એ શિક્ષકોને જાણ કરે છે, આજે આ કાર્યક્રમ કરવાનો છે, આજે આ ઓનલાઈન તાલીમ લેવાની છે, શિક્ષક જવાબ આપે છે, સાહેબ મારો લેકચર છે, આચાર્યને ના છૂટકે ક્લાસ પડતો મુકાવી શિક્ષકોને કા તો કાર્યક્રમોમાં અથવા તો ઓનલાઈન તાલીમમાં જોડવાનું કહેવું પડે એમ છે. આ પરીપત્રો શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે સમય વિતાવવા જ દેતાં નથી. શું આવા કાર્યક્રમો વારંવાર કરવાથી કે વારંવાર ઓનલાઈન તાલીમ આપતા રહેવાથી પ્રાથમિક,માધ્યમિક કે ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણનું સ્તર ઊંચુ આવી જશે?

આજે કોઈપણ આચાર્ય કે શિક્ષક શાળાઓમાં કે મહાશાળાઓમાં પગ મૂકે એ પહેલા તો કોઈ નવા પરિપત્રએ પગ મૂકી દીધો હોય છે. રોજ નવા પરિપત્રો અને રોજ નવા કાર્યક્રમોએ વર્ગખંડ શિક્ષણને હાંસિયામાં ધકેલી દીધું છે. શાળામાં પ્રયોગશાળા હોવી જોઈએ, પણ શાળા એ પ્રયોગશાળા ના હોવી જોઈએ!

 વળી આ પરીપત્રો એટલા ગતિશીલ હોય છે કે બદલાતા જ રહે છે. ક્યારે ક્યો પરિપત્ર બદલાય એ ભવિષ્યવાણી તો ભલભલા જ્યોતીષો પણ ના કરી શકે! આપણું શિક્ષણ જાણે પરિપત્રોને આધીન થઈ ગયું છે. શિક્ષકોને બીજા કામોમાં એટલા રોકી દેવામાં આવે છે કે તેઓને પોતાના વર્ગમાં ભણાવવા માટે પૂરતો સમય જ મળતો નથી! જેમ આજના વિદ્યાર્થીઓ ઇન્ટરનેટની જાળમાં ફસાય ગયા છે, એમ શિક્ષકો પરીપત્રો, કાર્યક્રમો અને ઓનલાઈન તાલીમની જાળમાં ફસાય ગયા છે!

  વિદ્યાર્થીઓ કહેતા થઈ ગયા છે, કુછ દિન તો ગુજારો ક્લાસમે’. શિક્ષકોનું મુખ્ય કાર્ય શિક્ષણ આપવાનું છે, એ જ ભૂલાય ગયું છે. વિદ્યાર્થીઑ અને શિક્ષકોને એકલા મૂકી દેવાની જરૂર છે. શિક્ષણના આ બે ધ્રુવો વચ્ચે એટલા બધા પરિબળો આવી ગયા છે કે તેઓ એકબીજાને સમજી શકે એટલો સમય જ મળતો નથી. શિક્ષણ હવે વિદ્યાર્થીકેન્દ્રી નહી, પણ કાર્યક્રમો કેન્દ્રિત બની ગયું છે. રોજ દિવસ ઊગે ને શિક્ષકોને ચોંકાવી દેનાર જાહેરાતો થતી રહે છે. આ બધા કાર્યક્રમો વચ્ચે ક્યારેક સમય મળે તો શિક્ષક પોતાના વર્ગમાં ભણાવવા જતાં હોય છે!

   પ્રાથમિક શિક્ષણ નબળું રહી જાય છે, તેનો સંપૂર્ણ દોષ શિક્ષકો પર ઢોળી દેવામાં આવે છે. શિક્ષકો ભણાવતા જ નથી એવું કહી આ બધી જવાબદારી શિક્ષકો પર જ નાખી દેવામાં આવે છે. પણ જરા નજર કરો સરકારી શાળાઓ અને શિક્ષકો તરફ યાર, બધા શિક્ષકો એવા નથી હોતા. શિક્ષકો અથાક મહેનત કરતાં હોય છે. પણ કોઈનું ધ્યાન એ તરફ ભાગ્યે જ જાય છે. સરકારને પ્રાથમિક શિક્ષણ ગુણવત્તાયુક્ત બનાવવું જ હોય તો ઘણું થઈ શકે એમ છે.

   ખાનગી અને સરકારી શાળા માટે અલગ અલગ નિયમો શા માટે? શું કોઈને નથી ખબર કે ખાનગી શાળાઓમાં કેવી લાયકાતવાળા શિક્ષકો બાળકોને ભણાવતા હોય છે? સરકારી શાળાના શિક્ષકો બનવા જેટલી ડીગ્રીઓ અને લાયકાતો જોઈએ છીએ, એની પા ભાગની પણ ખાનગી શાળાઓના શિક્ષકો માટે જરૂરી નથી રહી. ધોરણ 10 કે 12 પાસ કે નાપાસ કે નાસીપાસ થયેલા શિક્ષકો ખાનગી શાળાઓમાં ભણાવતા હોય છે! આજે વિદ્યાર્થીઓનો મોટો હિસ્સો ખાનગી શાળાઓમા ભણવા જતો હોય છે. તેઓ એવા શિક્ષકો પાસે ભણે છે, જેઓને શિક્ષણ સાથે દૂર દૂર સુધી કોઈ નાતો નથી!

   જેટલા અને જે નિયમો આપણે સરકારી શાળાઓ માટે ઘડીએ છીએ એ નિયમો ખાનગી શાળાઓ માટે પણ હોવા જોઈએ. બધા પરીપત્રો, કાર્યક્રમો, તાલીમો તેઓને પણ લાગુ પાડવી જોઈએ ને?

  શિક્ષકોના અનેક સ્વરૂપો આપણી સરકાર દ્વારા નક્કી થયેલા છે! ક્યાક એ બી.એલ.ઑ. છે, તો ક્યાક એ ચૂંટણીમાં કામ કરનાર અધિકારી છે, ક્યાક એ વસ્તી-ગણતરી કરનાર છે, તો ક્યાક એ આરોગ્ય ખાતાનો અધિકારી છે, તો વળી ક્યાક એ સર્વે કરનાર અધિકારી છે! ક્યાક એ કોરોના થયો હોય એવા ઘરનો ચોકીદાર છે, તો ક્યાક એ શાળાનો ક્લાર્ક છે, ક્યાક એ તીડના ટોળાં ઉડાડે છે, તો ક્યાક એ માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને ચણાની નોંધ રાખનાર કર્મચારી છે! હજી તો ઘણા એવા ક્ષેત્રો છે, જ્યાં શિક્ષકોના નવા નવા સ્વરૂપો પ્રગટ થતાં રહે છે, કોણ પ્રગટ કરશે એમ? જસ્ટ વેઇટ એન્ડ વોચ! આમાં ક્યાય શિક્ષણ નો પણ દેખાય તો....  

    તમારે નવા નવા પ્રયોગો જ કરવા છે, તો સૌથી મોટો પ્રયોગ કરો, શિક્ષકોને આ બધી કામગીરીમાથી મુક્ત કરી માત્ર ને માત્ર શિક્ષણનો વાહક બનાવો. તેઓને તેઓનું મૂળ કામ કરવા દઇશું તો શિક્ષણનું સ્તર ખરેખર ઊંચું લાવી શકીશું. જો શિક્ષકને પોતાના પદ અને કાર્યથી સંતોષ મળશે તો એ આપોઆપ વિદ્યાર્થીઓના ઘડતરમાં પોતાનું 100% આપી શકશે. તેને સતત ક્યાક ને ક્યાક બંધાયેલા રાખીશું તો શિક્ષણની ગુણવત્તા હજી નીચે જશે અને જશે જ!

  વળી કેટલોક વર્ગ એવો છે, જેને શિક્ષકોના પગારની ગણતરીમા જ રસ હોય છે! તેઓ શિક્ષકોના પગાર ગણવા એક કેલ્ક્યુલેટર સાથે જ રાખતા હોય છે. હકીકતમાં તો તેઓને પોતાની કમાણી કરતાં પણ શિક્ષકોની કમાણીમાં વધુ રસ હોય છે. આટલો પગાર અને આટલું જ કામ? એ તેઓ માટે રાષ્ટ્રીય પ્રશ્ન હોય છે! પણ શિક્ષણ એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલું કાર્ય છે. એકધારું ત્રણ-ચાર કલાક ભણાવી જો જો... શિક્ષક તો ભણાવી દેશે પણ વિદ્યાર્થી એકસાથે આટલું બધુ સમજી શકશે? માનસિક શ્રમ સાથે જોડાયેલું પ્રત્યેક કાર્ય વચ્ચે વચ્ચે વિરામ માંગતુ હોય છે. શિક્ષકોને કોઈ મશીન સાથે કામ નથી લેવાનું હોતું, જીવંત બાળકો સાથે કામ કરવાનું હોય છે. એ સૌએ સમજી લેવાની જરૂર છે.

  એ બાળકો સાથે રહી શિક્ષકો વધુ ને વધુ પ્રયોગો કરી શકે એ માટે તેઓને વર્ગ નામની પ્રયોગશાળામાં રહેવા દઈએ. જેઓ ખરેખર કામ નથી કરતાં તેઓને શાળામાથી કાયમ દૂર કરી દઈએ, પણ જેઓ કામ કરે છે, તેઓને વારંવાર જુદા જુદા કાર્યક્રમોમાં અને પરિપત્રોમાં જોડી તેઓનો શિક્ષણ પ્રત્યેનો સ્નેહ ઘટાડતા જવું એ વળી કેવો પ્રયોગ છે? શિક્ષકના ભાગે વિદ્યાર્થીઓના વિકાસનો વહીવટ જ હોવો જોઈએ, અન્ય વહીવટમાં જોડી તેઓની કાર્યક્ષમતાને અને આવડતને કાટ લગાડવાની જરૂર નથી ને નથી જ!

  ન્યાયતંત્ર ની જેમ શિક્ષણ-સંસ્થાઓ પણ સરકારથી અલગ સંસ્થાઑ તરીકે વિકસવી જોઈએ. ન્યાયતંત્ર જેટલી નિષ્પક્ષતા શિક્ષણમાં હોવી જોઈએ. જેમ આપણાં દેશનું ન્યાયતંત્ર સરકારના દબાણમાં આવ્યા વિના કાર્ય કરે છે, એમ જ શિક્ષણ-સંસ્થાઓ પણ મુક્ત રીતે કાર્ય કરતી હોવી જોઈએ. દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં માત્રને માત્ર શિક્ષણ પ્રત્યે સમર્પિત લોકોને જ સ્થાન હોવું જોઈએ.

 સરકારમાં શિક્ષણ હોવું જોઈએ પણ શિક્ષણમાં સરકારી દખલ બને તેટલી ઓછી હોવી જોઈએ. આ પ્રયોગ કરવા જેવો છે હો!!!

    લાઈક, કમેંટ, શેર....

           હે શિક્ષક સતત બદલાતા આ પરીપત્રો, સતત તને આપવામાં આવતી આ તાલીમો, તારા માટે તૈયાર કરવામાં આવેલા આ મોડ્યુલો, અને તને સોંપવામાં આવતા આ કાર્યો વચ્ચે પણ શિક્ષણ પ્રત્યેની તારી સ્થિતપ્રજ્ઞતા જાળવી રાખજે!!!

  100 Teacher Quotes—Teacher Appreciation Quotes (2021)

 

   

Monday, 6 September 2021

તૈયાર સ્ટડી-મટિરિયલ્સ અને આપણે,

 

તૈયાર સ્ટડી-મટિરિયલ્સ અને આપણે,

Best Study Material for XAT 2021 Preparation- Check Here

    એક વિદ્યાર્થી પરિક્ષાની તૈયારી કરી રહ્યો છે, એની આસપાસ જે તે વિષયોનું અઢળક મટિરિયલ્સ છે, તે મટિરિયલ્સથી ઘેરાઈને મૂંઝાઇને બેઠો છે. શું વાચવું અને શું નહી? એ તેને સમજાઈ નથી રહ્યું. એટલામાં તેના મિત્રનો કોલ આવે છે, મારી પાસે આ વિષયમાં પુંછાય એવું ઘણું બધુ મટિરિયલ્સ છે, તું અહી આવી લઈ જા. પેલો વિદ્યાર્થી ફોન મૂકીને સીધો મિત્રને ઘરે દોડે છે. તેનો મિત્ર પણ તેની જેમ પથારો કરીને બેઠો છે. તેની પાસે હતું એના કરતાં પણ વધુ સ્ટડી-મટિરિયલ્સ તેના મિત્ર પાસે હતું! બંનેનો પ્રોબ્લેમ એક જ હતો, શું વાંચવું અને શું નહી?

  ક્લાસમાં શિક્ષકે દાખલો ગણીને આવવાનું કહ્યું. દાખલો થોડો અઘરો હતો. પણ થોડું મથીએ તો આવડી જાય તેવો હતો. પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ જાતે પ્રયત્ન કરવાને બદલે માર્ગદર્શિકામાથી કોપી કરીને ગણીને લાવ્યા!

  તો વળી એક કલાસમાં શિક્ષકે નિબંધ લખીને લાવવા કહ્યું અને વિદ્યાર્થીઓએ નિબંધમાળામાથી બેઠે બેઠો નિબંધ લખીને આવી ગયા. નિબંધ અભિવ્યક્તિ માટે સૌથી શ્રેસ્થ માધ્યમ ગણાય છે. પણ એ અભિવ્યક્તિ પણ જો ઉછીની લેવી પડે તો આપણે ભૂલા પડી ગયા છીએ એ માની લેવાનો સમય આવી ગયો છે.

  આ ચિત્ર લગભગ અત્યારે દરેક શાળાઓમાં અને મહાશાળાઓમાં, અને ઇવન ઉચ્ચ-શિક્ષણમાં પણ જોવા મળે છે. વિદ્યાર્થીઓ કોઈપણ વિષય શીખવા માટે જાણે મથવાનું જ ભૂલી ગયા છે.તેઓ માટે બજારમાં એટલું તૈયાર મટિરિયલ્સ ઉપલબ્ધ છે, કે તેઓ જાતે કશું શીખવાની કોશિશ જ કરતાં નથી. આપણું શિક્ષણ ગોખણિયું બની ગયું છે, એનું એક મોટું કારણ આ પણ છે કે આપણે વિદ્યાર્થીઓને બધુ તૈયાર જ આપી દઈએ છીએ. તેઓને કોઈપણ વિષયમાં નવું શીખવા કે જાણવા જ આપણે દેતાં નથી. વિદ્યાર્થીઓએ પણ થોડી મહેનત કરે અને ના આવડે એટલે વધુ પ્રયાસો કરવાને બદલે તૈયાર મટિરિયલ્સમાં જોઈને જવાબો લખી નાખતા હોય છે, ક્યાં નાખતા હોય છે? એ આપણે સૌ જાણીએ છીએ.

   કોઈપણ વિષય પર રજૂઆત કરવાની વિદ્યાર્થીઓની ક્ષમતા દિવસે ને દિવસે ઘટતી જાય છે. તેઓ એટલું બધુ ગોખે છે કે સમજણને કોઈ સ્થાન જ રહેતું નથી. કોઇકે કહ્યું કે આ પ્રકાશનની આ બૂક સારી છે, કે પછી આનું આ તૈયાર મટિરિયલ્સ સારું છે, એટલે તેઓ ગાડરિયા પ્રવાહમાં તણાઈને તેની પાછળ દોડતા જ રહે છે, ભાગતા જ રહે છે! કટ કોપી અને પેસ્ટ એ જાણે તેઓનો શિક્ષણ-મંત્ર બની ગયો છે! તેઓ વરસાદની ભીનાશ પણ નિબંધમાં જ જાણે માણે છે. વધુમાં આજનું શિક્ષણ માત્ર પરીક્ષાલક્ષી બની રહી ગયું છે. એટલે કોઈપણ વિષય ઊંડાણપૂર્વર્ક શીખવામાં કોઈને રસ જ રહ્યો નથી. પરીક્ષામાં પૂછાય એટલું શીખવો બાકીનું જવા દ્યો!

   રેફરન્સ બુક્સ બિચારી ધૂળ ખાઈ રહી છે. વળી અમુક તૈયાર મટિરિયલ્સનો ઉપયોગ માત્ર ને માત્ર પરીક્ષામાં ચોરી કરવા માટે જ થાય છે. વિદ્યાર્થીઓની આસપાસ એટલું બધુ તૈયાર સ્ટડી-મટિરિયલ્સ છે કે તેઓની વિચારવાની શક્તિ જ સ્ટોપ થઈ ગઈ છે. માત્ર ને માત્ર ઉપરછલ્લું જ તેઓ ભણે છે, શીખે છે એમ પણ આપણે કહી શકીએ એમ નથી. એમાં વળી ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આવ્યા જેણે બધુ ઓનલાઈન કરી દીધું ને પરિણામે વિદ્યાર્થીઓએ વાચતા અને વિચારતા જ જાણે અટકી ગયા. ગૂગલ પર તો બધુ રેડી ટૂ ગેટ મળે છે. વિદ્યાર્થીઓ એમાથી કોપી કરીને પ્રોજેકટ, અસાઇનમેંટ તૈયાર કરી લેતા હોય છે. તે પેજ ભરી ભરીને નેક્સ્ટ નેક્સ્ટ આપતા જાય છે અને વિદ્યાર્થીઓએ શું લેવું અને શું ના લેવું? એમાં અટવાતા રહે છે.

   ગણિત અને અન્ય ગાણિતિક વિષયમાં શિખવ્યા બાદ વિદ્યાર્થીઓ મથતા જ નથી, તેઓ એકાદ બે સ્ટેપ ગણ્યા બાદ તરત જ માર્ગદર્શિકાનો સહારો લઈ લેતા હોય છે. ને પરિણામે દાખલો ક્યાં પદથી નથી આવડતો તે ભૂલો શોધી જ શકાતી નથી. પરીક્ષામાં પણ પાઠયપુસ્તકમાં હોય એવા બેઠા જ દાખલા પૂછાય છે, પરિણામે તેઓ વધારાના દાખલાની પ્રેક્ટિસ જ કરતાં નથી. શીખવાનો ઉદેશ જ જાણે ભૂલાય ગયો છે. શિક્ષકો પોતે પણ રેફરન્સ બુક્સનું સરનામું ભૂલી ગયા છે. બધા જ તૈયાર સ્ટડી-મટિરિયલ્સની જાળમાં ફસાઈ ગયા છે.

   શિક્ષક કોઈપણ નવો ટોપીક શીખવે પછી, એના પર વિદ્યાર્થીઓએ મનન કરવું જરૂરી હોય છે, પણ એ થતું નથી. પાઠ કે ચેપ્ટર પૂરું થાય અને શિક્ષક લેશન આપે એટલે કોપી કરવાનો સિલસિલો ચાલુ થઈ જતો હોય છે. શિક્ષણને એપ્લાય કરવાનું જ જાણે ભૂલાય ગયું છે. પરીક્ષામાં એપ્લાય ટાઈપના પ્રશ્નો પૂછાય એટલે વિદ્યાર્થીઓને પેપર અઘરું લાગવા માંડે છે અને દેકારો અને હોબાળો શરૂ થઈ જતા હોય છે. સાચું શિક્ષણ જ એ છે જે વિદ્યાર્થીઓને વિચારતા કરી શકે, પણ હવે એ બધુ જાણે આઉટ ઓફ ડેટ થઈ ગયું છે.

 આપણું શિક્ષણ એટલું બધુ તૈયાર સ્ટડી-મટિરિયલ્સ પર નભતું થઈ ગયુ છે કે ચિંતન અને મનન જેવી બાબતોને તેમાં સ્થાન જ નથી રહ્યું. ગોખણ-પટ્ટીની ફૂટપટ્ટી થકી જ એ મપાતું રહે છે. જેમાં વિદ્યાર્થીઓની આંતરિક ક્ષમતાઓ મપાયા વિનાની રહી જાય છે. તેને શિક્ષણમાં ખીલવાની તક જ મળતી નથી. સ્ટડી-મટિરિયલ્સના ઢગલા નીચે વિદ્યાર્થી દટાઇ ગયો છે. સ્વ-અધ્યયન તો જાણે ક્યાય દૂર હડસેલાઈ ગયું છે. તે કશું શીખવા પર પોતાની જાતને એકાગ્ર જ નથી કરી શકતો કે નથી કરી શકતી. પુસ્તકાલય તો જાણે ક્યાય દૂર હોય એવું લાગી રહ્યું છે.

આપણા શિક્ષણમાં નવીનતા લાવવા આપણે થોડું મથવાની જરૂર છે. વિદ્યાર્થીઓએ જાતે શીખવા તત્પર થાય એવા પ્રયાસો શરૂ કરવાની જરૂર છે, શિક્ષણ તેને બોજારુપ ના લાગે એવા પ્રયાસો કરવાની જરૂર છે. અને સૌથી વધુ જરૂર છે, તેઓને મથવા દેવાની. તેઓને વાંચન તરફ લઈ જવાની ખાસ જરૂર છે. તેઓ ઓનલાઈનમાથી ઓફલાઇન પર આવે તે માટે વિશિષ્ટ પ્રયાસો કરવાની જરૂર છે. શિક્ષણ સાથે માર્ક્સને જોડીને આપણે તેઓને ગલત રસ્તે લઈ જઇ રહ્યા છીએ. તેઓને શીખવા માટે પરિણામનું નહી પણ ખુલ્લુ આકાશ આપીએ, જેમાં તેઓ વિહરી શકે અને સાચી ઉડાન ભરતા શીખી શકે. હા આ બધુ થોડું અઘરું છે, પણ અશક્ય તો નથી જ !

તેઓને કેમ શીખવું? એ શીખવીએ. તૈયાર સ્ટડી-મટિરિયલ્સથી તેઓને બને તેટલા દૂર રાખીએ. તેઓનું મટિરિયલ્સ જાતે તૈયાર કરતાં શીખવીએ. જેટલું તેઓ મથીને શિખશે, એટલો ફાયદો તેઓને જ થશે એ સમજાવીએ. સમજીને શિખેલું જીવનભર યાદ રહી જતું હોય છે. કેમ ખરું ને?

સાચું શિક્ષણ ફીલ કરતાં શીખવે છે. 


33 Best Back-to-School Quotes to Read Now - Sayings About Education for 2020

 

    

Thursday, 12 August 2021

----------------------------------------------------------------------,,,,,

Pramukh Swami Status & Quotes - Google Play પર ઍપ્લિકેશનો

 કેટલાક લેખોને કોઈ શીર્ષક આપવાની જરૂર હોતી નથી. વાંચો એટલે શીર્ષક આપોઆપ સમજાય જાય. ને એવું બને ત્યારે શબ્દો નથી લખતા પણ કોઈના પ્રત્યેની આપણી લાગણી આપણો સ્નેહ ને આપણી શ્રદ્ધા રચાતી હોય છે. કાલે s.y.b.com.ના વર્ગમાં એક ‘group-discussion’ રાખેલું, ટોપિક હતો, “શ્રાવણ માસ શ્રદ્ધા કે અંધશ્રદ્ધા.વિધાર્થીયોએ મસ્ત રજૂઆત કરી. બંને પક્ષોએ સુંદર રજૂઆત કરી. સૌથી અગત્ય તો એ વાતનું હતું કે આ બાબતે યંગ-જનરેશન નાં વિચારો જાણવા મળ્યા ને થયું શ્રદ્ધા પરનો વિશ્વાસ આજે પણ એટલો જ કાયમ છે. સાર લખું તો શ્રદ્ધા થકી દરેક કાર્યો પાર પડે ને અંધશ્રદ્ધા થકી કશું જ ના થાય.સાચું ને મિત્રો શ્રદ્ધા ને કદી પુરાવાની જરૂર પડતી ને જ્યાં પુરાવા દેવા પડે એ અંધશ્રદ્ધા ! જ્યારે હૃદયના ઊંડાણથી કોઈ એક બાબતને આપણે વળગી રહીએ છીએ ને સારા ઉદેશથી કોઈ કાર્ય ને સ્વીકારીએ છીએ શ્રદ્ધા આપોઆપ પ્રગટ થઇ જાય છે.આવા સંજોગો માં ઈશ્વરને શોધવા જવા નથી પડતા તેઓ હાજર જ હોય છે, ને સાંજે જ ૬.૩૦ વાગ્યે ટી.વી. પર પ્રમુખ સ્વામીબ્રમ્હલીન થયાના સમાચાર જોયા ને આંખમાં આંસુ સાથે સમજાય ગયું આજે ઈશ્વર ખુશ ને આપણે દુખી થવાનો વારો છે.શ્રદ્ધા જ રહી મનમાં ને થયું કશુક લખું ચાલો.

            પ્રમુખ સ્વામીએ કોઈ અસ્તિત્વ કે વ્યક્તિત્વ નહોતા પણ એક સંસ્થા સમાન હતા જેઓના અંદરથી કાર્યોનો પ્રવાહ વહેતો જ ગયો ને એ પ્રવાહે જ આજે સૌને ભીંજવી દીધા. તેઓ માત્ર કોઈ એક ધર્મના નહિ પણ સમ્રગ ધર્મોના સ્વામી છે.(હતા એવું નહિ માનવાનું સદેહે ભલે તેઓ આપણી વચ્ચે નથી પણ વિચારો ને કાર્યો થકી આપણી સાથે જ રહેવાના છે.) તેઓ એક એવા સંત છે જેઓમાં તમે મુસ્લિમ હોવ તો ખુદાના, હિંદુ હોવ તો ઈશ્વરના, ખ્રિસ્તી હોવ તો જીસસના, શીખ હોવ તો ગુરુનાનકનાં, બૌદ્ધ હોવ તો બુધના, જૈન હોવ તો મહાવીરના ને કોઈ પણ ધર્મ સાથે સંકળાયેલા હોવ તમારા ગુરુના દર્શન થશે! ને એ જ તેઓના વ્યક્તિત્વ ની વિશેષતા છે. એટલું સરળ વ્યક્તિત્વ કે સ્વીકાર આપોઆપ જ થઇ જાય ને એટલે જ તેઓ આટલા વિશાળ સમુદાય ને તારી શક્યા. હકીકત તો એ છે કે આવા સંતો ના જ આધારે આ વિશ્વ ટકી રહ્યું છે. ઈશ્વર નો વિશ્વાસ પણ આ દુનિયા પર એટલેજ ટકી રહ્યો હોય એવું લાગે છે. ચહેરા પર એટલી શાંતિ ને સરળતા કે જોતા જ એવું લાગે એમનું કહીએ માનીએ. એક સંસ્થા જેટલું કાર્ય એમણે એકલાએ જ કર્યું ને આપણને સમજાવ્યું કે વ્યક્તિ ધારે તો શું ના કરી સકે! ઈશ્વરે મનુષ્યને આપેલી શક્તિનો ઉપયોગ યોગ્ય દિશામાં થાય તો કેટલી વ્યક્તિઓના જીવન સુધરી શકે ને સ્વયં ઈશ્વર પણ નિરાંત નો શ્વાસ લઇ શકે.કેટલી વ્યક્તિઓના જીવન એમને ઘડ્યા ને જીવન ઘડવૈયા બની સૌના જીવનને ઉગારતા રહ્યા.

                 ૧૭ વર્ષની ઉમરે જ તેઓને સંકેત મળી ગયા મારો જન્મ અસાધારણ કાર્યો માટે થયો છે ને ઈશ્વરને સમર્પિત થઇ ગયા. એ ઉમરે શરુ કરેલ કાર્યો નો યજ્ઞ આજે પણ ચાલુ છે. વ્યક્તિના કાર્યો જ તેઓના અંતિમ શ્વાસ બાદ તેઓના અસ્તિત્વને જીવતું રાખે છે ને પ્રમુખસ્વામીના કાર્યો તો અવરણીય છે. હજારો લોકોના અંધકારમય જીવનમાં પ્રકાશ પાથરનાર, લાખો વ્યસનીઓને વ્યસનમુક્ત કરનાર, વિદ્યાર્થીયોમાં સંસ્કાર નું સિંચન કરનાર, કુદરતી આફતો સમયે લોકોને સહાય કરનાર, પ્રત્યેક ધર્મના લોકોને સ્વીકારનાર,ઈશ્વરના દરેક કાર્યો કરનાર આ સ્વામીજી માટે આજે આ દેશના પી.એમ.થી માંડી સામાન્ય માણસ પણ દુખ અનુભવે છે. સમાચાર જ એવા કે લોકોને એવું લાગે કે ઈશ્વરે આપણી પાસેથી એક રાહ દેખાડનાર દીપક લઇ લીધો ખુદના સ્થાનને દિપાવવા.તેઓના અનુયાયી ના હોય તેવા લોકોને પણ ઘરમાંથી કોઈ સદસ્ય જતું રહ્યું હોય એવું લાગી રહ્યું છે ને એજ એમના અસ્તિત્વ ની વિશેષતા છે.

            હવે આપણે તેઓના ચિંધેલા માર્ગે આગળ વધીએ તેઓની સત્કર્મોની જ્યોત જાળવી રાખીએ એ જ તેઓને સાચી શ્રધ્ધાંજલી! તેઓએ શરુ કરેલા કાર્યોને આપણે to be continue રાખવાના છે.સાચી શ્રદ્ધાંજલિ પુષ્પો થકી કે તેઓના દર્શન થકી તો આપીએજ પણ સાથે સાથે તેઓના વિચારો ને કાર્યોને પણ જીવનમાં ઉતારીએ તો તેમને શ્રેષ્ઠ સમર્પણ કહેવાશે. ગરીબોને મદદ કરો, દરેક ધર્મના લોકોને સ્વીકારો, વ્યસનમુક્તિ અભિયાનમાં મદદ કરો, મુશ્કેલીમાં મુકાયેલા લોકોને મદદ કરો. ટૂંકમાં તેઓના ચિંધેલા માર્ગે આગળ વધી જ તેઓને સાચી રીતે આપણી સાથે રાખી શકીશું.કોઈ પણ એક સત્કાર્ય માં જોડાઈ તેઓને આકાશમાં હસતા જોઈ શકીશું. જુઓ નભ ભણી તેઓ પણ એ જ કહી રહ્યા છે.

                           મને તમારા વિચારોમાં, કાર્યોમાં, જીવતા રાખજો હું ક્યાય નહિ તમારી સાથે જ છું. Keep me in your heart and I will be always there with you! મને શોધસો નહિ કાર્યો થકી પામવાની કોશિશ કરજો. ને અંતમાં જેઓનો આત્મા જ પરમાત્મા હોય તેઓની આત્માની શાંતિ માટે પ્રાથના ના હોય એ તો ખુદ બધાને આત્મા ની શાંતિ બક્ષે! કેમ ખરુંને?  

                

 

43 Pramukh Swami Maharaj ideas | neelkanth, gujarati quotes, nilkanth

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...