ગુજરાતી સ્ત્રીઓ, દયા ભાભી અને ગોપીવહૂથી લઈને પુષ્પા ઇમ્પોસિબલ સુધી...
જુદી જુદી ચેનલો પર આવતી સીરિયલોમાં મોટા ભાગની સીરિયલોમાં ગુજરાતી કુટુંબોમા થતી ઊથલ-પાથલ બતાવવામાં આવે છે. ગુજરાતી સ્ત્રીઓ કા તો એકદમ લાઉડ અને કા તો એકદમ મૂંગી મૂંગી બતાવવામાં આવે છે. કુટુંબ વ્યવસ્થા ગુજરાતી સમાજની એક આગવી વ્યવસ્થા છે. એમાં પણ ખાસ કરીને જ્યારે કુટુંબો મોટા હોય ત્યારે જે ધમાલ થતી હોય છે, એ મસાલો સીરિયલોમાં ખાસ બતાવવામાં આવે છે. ગુજરાતી સ્ત્રીઓ મેકઅપ પાછળ એટલી પાગલ છે કે સર્વે કરાવવામાં આવે તો, મેકઅપ ખરીદીમાં 70%થી વધુ હિસ્સો તેઓનો નીકળે!
સાડીઓની ખરીદીમાં ( અરે મોંઘી સાડીઓની ખરીદીમાં!) તેઓને કોઈ ના પહોંચે. બપોરે સૂઈ જાય અને શરીર વધે એટલે જિમમાં જાય. રસ્તામાં એક બીજાને મળે તો ઘરે આવો,ઘરે આવો એવું કહેવામાં કલાક સુધી બહાર ઊભા રહી વાતો કરે પણ સાથે સાથે બોલતી જાય કે હમણાં તો સમય જ નથી રહેતો, એકદિવસ સમય લઈને ચોક્કસ આવીશું! મોબાઈલ પર કલાકો વાતો કરે કે પછી સોસિયલ મીડિયા પર કલાકો સમય વેસ્ટ કરનાર ગુજરાતી સ્ત્રીઓ પાસે સ્ટેટસ કે પ્રોફાઇલ પિક અપડેટ કરવાનો સમય હોય છે, પણ ખુદને અપડેટ કરવાનો સમય હોતો નથી.
ઘરે કોઈ સારો પ્રસંગ હોય તો સૌથી સારા મારા કપડાં, મારા ઘરેણાં, મારો મેકઅપ, મારી મહેંદી વગેરે વગેરે...ની સ્પર્ધાઓ થતી રહે છે. કોઈ બીજી સ્ત્રી વધુ સારી લાગતી હોય તો કોમ્પિમેંટ્સ એવી રીતે આપવાની કે સામેવાળાને ખબર ના પડે કે વખાણ થયા કે શું થયું? લેટેસ્ટ ફેશન એ શબ્દ તેઓના શબ્દકોશમાં ગુંજતો રહે છે. અને દુકાનદારો અને મોલવાળા તેનો સૌથી વધુ ફાયદો ઉઠાવતા હોય છે. એકબીજાને કોઈ સ્થળે મળતી વખતે કોણ પેલા સામેથી બોલાવે? એ પ્રશ્ન હજી વણઉકેલાયેલો છે. “બદલાતી ફેશન શુટ કરે કે ના કરે કરવી તો પડે જ એ ગુજરાતી સ્ત્રીઓનો નવો મંત્ર છે.”
રસોડું એ ગુજરાતી સ્ત્રીઓનું સૌથી મનગમતું સ્થળ છે, અને રસોઈ સૌથી વધુ ગમતી પ્રવૃતિ! પિકનિક કે ટુર પર જાય તો અથાણાં સહિતનું પરફેક્ટ પેકિંગ, છાશ વિના તો જમ્યા જ ના કહેવાઈએ, એ પણ સાથે હોય, એટલો નાસ્તો ભરે કે પાછા આવ્યા પછી બે દિવસ તો તેને ઠેકાણે પાડવામાં જાય! આમ તો પેકિંગમાં અહીની સ્ત્રીઓને કોઈ ના પહોંચી શકે. વિદેશમાં ગયેલા કે હોસ્ટેલમાં રહેતા સંતાનો માટે સથવારો મળે એટલે નાસ્તો તો મોકલાવવાનો જ! આરોગ્ય સાચવવાનું ગમે તેટલીવાર કહેવામાં આવે પણ રસોઈમાં તેલ, મીઠા કે ખાંડનો ઉપયોગ નહી ઘટાડવાનો જ!
સેલ સેલ સેલ અહીની સ્ત્રીઓનો અતિ પ્રિય શબ્દ છે, અરે શબ્દ નહી કહો કે એક ‘ફીલિંગ’ છે. એની સાથે જ સંકળાયેલો એક અતૂટ શબ્દ છે, શોપિંગ, આ હા હા આ શબ્દ એટલે ગુજરાતની સ્ત્રીઓનું સ્વર્ગ! એમાં પણ મોલમાં જવાનું હોય એટલે એવું જોરદાર તો પ્લાનિંગ કરે કે મેનેજમેંટ ગુરુઓ પણ આપણને કાચા લાગે! કમ્ફર્ટ ઝોનમાથી બહાર ના નીકળવું... આખી જિંદગીને બેડરૂમ અને રસોડા વચ્ચે આંટા ફેરા મારીને પૂરું કરી દેવું.. રાત્રે સૂતી વખતે પણ સાડી પહેરીને સૂવું!
દયા જે રીતે ગરબા રમતી રમતી આવે છે, એવા ગરબા ભાગ્યેજ કોઈ ગુજરાતી સ્ત્રીઓ લેતી હશે. એ જે રીતે બોલે છે, એવી રીતે કોઈ ગુજરાતી સ્ત્રીઓને મે બોલતા સાંભળી નથી. ગોપી વહુ જેટલી મૂંગી અને સહન કરનારી ગુજરાતી સ્ત્રી પતિ ના અપનાવે તો પણ પતિ પાછળ પાછળ દોડતી રહે એવી સ્ત્રીઓ હવે ગુજરાતમાં મળતી નથી અને એ સારું જ છે! દયા ભાભી અને ગોપી વહુ ગુજરાતની સ્ત્રીઓનું લુપ્ત થતું જતું અસ્ત્તિવ છે.
આ બધામાં ગુજરાતની સ્ત્રીઓનું જે ગમે તેવી પરિસ્થિતિઓ સામે લડી લેવાનું સ્વરૂપ છે, એ તો ક્યાંક ખોવાય જ ગયું હતું. અહીની સ્ત્રીઓ સમય આવ્યે જિંદગીના દરેક મોરચે પોતાના પરિવાર અને અસ્તિત્વ માટે લડી શકે છે, એવી સીરિયલો હવે છેક આવવા લાગી છે. પતિ ના હોય તો, કુટુંબ માટે સમાજ સામે કેવી રીતે લડવું? ગમે તેવા કામો કરવા પડે તો કરવા, સંતાનોને એકલા હાથે સારા સંસ્કારો આપી ઉછેરવા, પુરુષમિત્રો સાથે સુખ દૂ:ખ વહેંચવા, આસપાસના લોકોને મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ કરતાં રહેવી, બધાના ઘરના કામો કરી સંતાનોને ઉછેર્યા છે, એવું કહેવામાં શરમ ના અનુભવવી!, આરોગ્ય પ્રત્યે કાળજી રાખવી,
સંતાનોના વિરોધ છતાં અધૂરું રહી ગયેલું ભણવાનું પૂરું કરવું. એક લડતી સ્ત્રીને પૂરેપૂરો સાથ સહકાર આપવો, સંતાનોની મિત્ર બનીને રહેવું.... બહુ ઓછા પેરેગ્રાફ લખ્યા છે, ગુજરાતી સ્ત્રીઓના આ બદલાયેલા સ્વરૂપ વિષે, કારણકે હજી તેઓમાં ઘણો ફેરફાર થવાનો બાકી છે. પુષ્પા I am possible. ભેગું કરીને કે છુટ્ટુ, તમારે જેમ વાંચવું હોય વાંચી શકો છો.