Sunday, 18 September 2022

ઈશ્વરની ભેટ ગણાતા બાળકો ‘અનૌરસ’ કેમ??

 

 

 


"We need to live in a country where there will be no example to cite for the word 'bastard'," the Kerala high court said recently, while ruling that a child can use only the mother’s name on official documents

 રોહિત શેખરે 2012માં સાબિત કર્યું કે તે નારાયણ તિવારીનો દીકરો છે. તેના માટે તેઓ સાત વર્ષ સુધી કોર્ટમાં લડયા. તેઓના પિતાએ આખરે DNA-ટેસ્ટના રીપોર્ટના આધારે સ્વીકારવું પડ્યું કે રોહિત તેમનુ જ સંતાન છે.

  આવા તો કેટલાયે કિસ્સાઓ છે, જેમાં પિતાએ ના સ્વીકારેલા બાળકો કા તો માતાના સહારે કે પછી માતા દ્વારા તરછોડાઈને સંઘર્ષમય જીવન જીવતા હોય છે. તેઓ સમાજ દ્વારા અધિકૃત થવા લાખો પ્રયાસો કરતાં હોય છે, પણ સમાજ તેઓને અનૌરસ સમજીને ધિકકારતી જ રહે છે. બંને દ્વારા જન્મેલા બાળકની જવાબદારી જ્યારે પિતા નથી લેતા તો એ માં અને બાળક બંને જીંદગીભર સમાજના અપ્રુવલ માટે લડતા રહે છે. આ બાળકના પિતા કોણ છે? એના માટે જ્યારે કોર્ટમાં જવું પડે, સંબંધોની વચ્ચે કાયદો આવે તો એ અંગત સંબંધો જાહેરમાં ચર્ચાઇ જતાં હોય છે. અને એમાં સૌથી વધુ સ્ત્રીઓ એ જ સહન કરવાનું આવતું હોય છે. પેલા આવા બાળકોને સમાજ નફરતની નજરે જોતો, અને હવે આવા બાળકો કોઈપણ ક્ષેત્રમાં આગળ આવે તો, ટ્રોલ થતાં રહે છે! આવા બાળકોને જોવાનો ના આપણો અભિગમ બદલાયો, ના આપણે બદલાયા!

 મારે તો તમને સૌને એક જ પ્રશ્ન પૂંછવો છે, કે સ્ત્રી-પુરુષના સહવાસથી જન્મેલું બાળક માત્ર એકલી સ્ત્રીનું કેવી રીતે હોઇ શકે? કુંવારી માં આ શબ્દ આપણાં સમાજના શબ્દકોશમાં છે, પણ કુંવારો બાપ એ શબ્દ નથી! પુરુષપ્રધાન સમાજે આવા તમામ કિસ્સાઓની જવાબદારી માત્રને માત્ર સ્ત્રીઓ પર જ નાખી દીધી છે. પુરુષને પુરુષ તરીકે જે કઈ પણ કરે, તેમાથી છટકી જવાની છૂટ છે, પણ સ્ત્રીઓ માટે દરેક જગ્યાએ બંધનો જ છે. કોઈ બાળક કેવી રીતે અનૌરસ હોઇ શકે? સદીઓ પહેલા મહાભારતમાં કુંતીએ કર્ણ સાથે જે કર્યું હતું એ આજે પણ આપણાં સમાજમાં થઈ રહ્યું છે.

  કર્ણ જન્મતાવેંત તરછોડાયો એને કારણે મહાભારતનું સૌથી કરૂણ પાત્ર બનીને રહી ગયો. ક્ષમતા હોવા છતાં જીવનભર ખુદને સાબિત કરવા મથતો રહ્યો, પણ સાબિત ના કરી શક્યો. એમ જ તરછોડાયેલ બાળક મોટા ભાગે અનાથ તરીકે પોતાની જિંદગી જીવે છે, એક એવા અંધારામા જીવે છે, જ્યાં તેની આખી જિંદગી પ્રકાશ શોધતી રહે છે, પણ એ પ્રકાશ તેને મળતો નથી. માતા-પિતાના આધાર વિનાનું એ બાળક આખી જિંદગી પ્રેમ માટે તરસતું અને તડપતું રહે છે.

 સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોની નૈતિકતાને આધારે બાળકોનું મૂલ્યાંકન કરવાનો હક સમાજને કોણે આપ્યો? સેક્સને લીધે જન્મતુ બાળક પોતાની સાથે લગ્ન નામની સંસ્થાનો સિક્કો લઈને ના આવે તો એ બાળક અનૌરસ કેવી રીતે થઈ જતું હોય છે. સમાજ આવા બાળકને બાળક તરીકે શા માટે નથી સ્વીકારતું? આવા બાળક માટે અંગ્રેજીમાં ‘unwanted’ એવો શબ્દ વપરાય છે. જો આપણે બાળકને ઈશ્વરનું સ્વરૂપ માનતા હોઈએ તો એ ‘unwanted’ કેવી રીતે હોઇ શકે? આવા બાળકો સતત પોતાના અસ્તિત્વને સાબિત કરવા મથતા રહે છે, પણ પિતા કે સમાજ દ્વારા તેઓ સ્વીકૃતિ પામતા હોતા નથી.

બાળકનો જન્મ એ કોઈપણ કુટુંબ માટે સૌથી મોટી ખુશીનો ઉત્સવ હોય છે.બાળક એ માતા-પિતાનું શ્રેસ્ઠ સર્જન છે. “આ પૃથ્વી પર અવતરતું પ્રત્યેક બાળક એ વાતનો સંદેશો લઈને આવે છે કે ઈશ્વરને માણસ પર હજી શ્રદ્ધા છે.” એવું રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે. પણ એ જ બાળકને જન્મતાવેંત જ્યારે કોઈ તરછોડી દે છે, તો હ્રદયમાં વેદના સાથે પ્રશ્નો પણ ઉદભવે છે. કે આ દુનિયામાં કેટલાયે માતા-પિતાઓ બાળક ના થાય તો ઘાંઘા થઈ જતાં હોય છે, બાધા માનતા રાખતા હોય છે. અને એ જ બાળક જ્યારે લગ્નના લાઇસન્સ વિના આવે, તો આપણો સમાજ તેને અપનાવતો નથી! કેમ?

 

  

 

Tuesday, 6 September 2022

સ્ત્રીઓને કોઈપણ ભોગે મેળવી લેવાની ઘેલછા. સતયુગ થી કળયુગ સુધી……..આ વિચારધારા બદલાઈ નથી!

 સ્ત્રીઓને કોઈપણ ભોગે મેળવી લેવાની ઘેલછા. સતયુગ થી કળયુગ સુધી……..આ વિચારધારા બદલાઈ નથી!

 What is the statement before death, which can lead to the death of Ankita's  convict. Jharkhand

ઝારખંડના દુમકા ગામે આવેગમાં પાગલ એક શેતાને અંકિતા નામે એક છોકરીને સળગાવી દીધી. આને એકતરફી પ્રેમ નહી, પણ હેવાનિયત કહેવાય. તે છોકરો છેલ્લા પંદર દિવસથી અંકિતાને હેરાન કરી રહ્યો હતો. ફોન નંબર કોઈ પાસેથી મેળવી તેણીને હેરાન કરતો હતો. મિત્રતા કરવા બળજબરી કરતો હતો! અને જો અંકિતા ન માને, તો મારી નાખવાની ધમકી આપતો હતો!

  અને એક રાત્રે તેણીને ક્રૂરતાથી પેટ્રોલ છાંટીને મારી નાખી. છોકરી પાંચ દિવસ સુધી તરફડીને મરી ગઈ. મરતા મરતા તેણીએ કહ્યું કે હું મરી રહી છુ, એમ શાહરૂખ મરવો જોઈએ. જોકે આવી લાગણી આપણને સૌને પણ થવી જોઈએ કે એ છોકરાને જાહેરમાં ફાંસી થવી જોઈએ. તેનું મૃત્યુ જોઈને આવું કરવાનો વિચાર કરનારને પણ ધ્રુજારી છૂટી જવી જોઈએ.

  ગમતું પાત્ર ના મળે એટલે આચરવામાં આવતી આવી ક્રૂરતા તેઓના મનમાં ક્યાથી આવતી હશે? “તું મારી નહી તો કોઇની નહી” એવી વિકૃતિ એસિડ સ્વરૂપે છોકરીઓના મોઢા પર ફેંકાતી રહે છે. ના મળી શકે એમ હોય એ પાત્રને બળજબરીથી વશમાં કરી લેવાના આ પ્રયાસો કોઈ માસુમની જિંદગીને મૃત્યુની ગોદમાં સુવડાવી દેતું હોય છે. સામેવાળી વ્યક્તિની હા પણ પ્રેમમાં જરૂરી છે, એવું આવા લોકો સમજતા હોતા નથી.

  કોઈનો પ્રેમ કોઈ વસ્તુ નથી હોતી જેને આપણે ગમે તે ભોગે મેળવી લઈએ. હકીકત તો એ છે કે જ્યાં બળજબરી હોય છે, ત્યાં પ્રેમ કદીયે હોતો જ નથી. આપણે કેમ કોઈના રીજેકશનને સમજી શકતા હોતા નથી. દરેક વ્યક્તિની પોતાની પસંદગી હોય છે અને આપણે તે પસંદગીને માન આપવું જ જોઈએ. જો આપણે આપણાં સંબંધો કોઈ પર થોપતા રહીશું તો એ વ્યક્તિ આપણાથી અને આપણા વર્તનથી કંટાળી જ જવાની. માટે કોઈને કહીએ કે હું તને પ્રેમ કરું છુ, તું મને કરે છે? અને એ વ્યક્તિ ના પાડે, તો ધરાર એ વ્યક્તિને મેળવી લેવાની કોશિશો બંધ કરી દેવી જોઈએ.

  જ્યારે આપણે રીજેકશનને અહમ અને સ્ટેટસ સાથે જોડી દઈએ છીએ, સમાજમાં આવા કિસ્સાઓ વધતાં જાય છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સોસિયલ મીડિયાઝ પર આવા કિસ્સાઓ નિયમિત રીતે ચર્ચાતા રહે છે, પણ સમાજમાથી આ વિકૃતિ દૂર કરવાના પ્રયાસો કોઈ નથી કરી રહ્યું.

  આજના બાળકો, યુવાનો અને યુવતીઓને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ આપીને તેઓને એક વિશ્વમાં છોડી દીધા છે, જ્યાં તેઓને મૂંઝવણ સમયે માર્ગદર્શન આપે એવું કોઈ નથી રહ્યું. માતા-પિતા કે ઘરના બીજા સભ્યો પાસે બેસીને પોતાના બાળકો, યુવાનો, અને યુવતીઓને શું સારું છે? અને શું ખરાબ? એ બંને વચ્ચેનો ભેદ નથી શીખવી રહ્યા અને એટલે તેઓ આવી જિદના રસ્તે ચડી જતાં હોય છે.

  અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે વૃદ્ધો એકલા છે, પણ છેલ્લા 5 વર્ષોથી એવું લાગી રહ્યું છે કે બાળકો, યુવાનો અને યુવતીઓ પણ એકલા છે! કશુંક મેળવવા શું કરવું જોઈએ? એ આપણે તેઓને સમજવી છીએ, પણ કશુંક ના મળે તો, તેને મેળવવા હેવાનિયતની હદે ના જવાય! એવું શીખવતા હોતા નથી.

    છોકરી ના પાડે તો તેના ચહેરા પર એસિડ નાખી દેવું, તેની જિંદગીને બરબાદ કરી નાખવી, તેના ચારિત્ર્યને ડહોળી નાખવું, તેના કરિયરને ખતમ કરી નાખવું, આમ તો આવા બળજબરીના કિસ્સાઓ છપાતા રહે છે, પણ ખાનગીમાં સ્ત્રીઓ સાથે ડગલે ને પગલે જે બળજબરી થતી રહે છે, તે મોટા ભાગે બહાર આવતી હોતી નથી.

  કોઈપણ પુરુષ સ્ત્રીને ભોગવવા માટે જ્યારે તેનો સાધન તરીકે ઉપયોગ કરે છે, તો એ પણ વિકૃતિ જ છે, ક્યાકને ક્યાક આપણાં સમાજનો મોટો ભાગ આવી માનસિક વિકૃતિથી પીડાય રહ્યો છે. જેના કારણે કોઈપણ ક્ષેત્રે સ્ત્રીઓને આગળ વધવા માટે આવી માનસિકતાઓ સામે લડતા રહેવું પડે છે. અને જે સ્ત્રીઓ લડી નથી શકતી તેઓ ક્ષમતા હોવા છતાં આગળ આવી શકતી હોતી નથી.

  રમત-ગમત, સાહિત્ય, સિનેમા, કળા, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં આ દૂષણ જોવા મળે છે. સ્ત્રીઓને કોઈપણ ભોગે પ્રાપ્ત કરવાની ઘેલછા આમ તો આપણાં સમાજમાં રામાયણ, મહાભારત કાળથી જોવા મળે છે. ક્યારેક તો એવો પ્રશ્ન થાય કે આપણે ખરેખર વૈચારિક રીતે બદલાયા છીએ ખરા! પુરુષોના મનમાં સ્ત્રીઓને માત્ર ને માત્ર માલિકીભાવની નજરે જોવાની નકારાત્મકતા હજી સુધી ખતમ થઈ શકી નથી.

  પુરુષોની બળજબરી સામે ઘણીવાર સ્ત્રીઓએ પોતાનું ચારિત્ર્ય ગીરવે મૂકવું જ પડે છે!

 

 

 

 

Sunday, 28 August 2022

સંપતિ અને સંબંધો એ સમસ્યાઓનો ઉકેલ છે કે ખુદ એક સમસ્યા છે?

 

સંપતિ અને સંબંધો એ સમસ્યાઓનો ઉકેલ છે કે ખુદ એક સમસ્યા છે?

The emotional baggage is the relationship. Everybody has their issues, the point is to sort them out together. - Morgan Reznick (The Good Doctor Quotes)

 

       હમણાં એક સમાચાર વાંચ્યા, પતિએ પત્નીને ઢોર માર મારતો, માર મારતી વખતે એ વિડીયો ઊતારતો અને એ વિડીયો પોતાના મિત્રોને બતાવતો, એમાં એને મજા આવતી! તો વળી બીજા એક સમાચારમાં એક માતાએ પોતાના ખુદના બાળકને જ મારી નાખ્યું, કારણકે તેણે કોઈ બીજા પુરુષ સાથેના તેણીના પ્રેમની લીલા જોઈ લીધી હતી! નાની નાની વાતોમાં આપઘાતની ઘટનાઓ આપણે રોજ વાંચતાં કે સાંભળતા રહીએ છીએ. ખબર નહી પણ કેમ લોકોને જીવંત રહેવાને બદલે મરી જવાના કારણો વધુ મળી રહ્યા છે! તો વળી એક કિસ્સામાં એક જેઠાણીએ દેરાણીની છોકરીને અગાશી પર લઈ જઇ દસ્તાથી ક્રૂર રીતે મારી નાખી!

જગ્યાએ જગ્યાએ થી લાશો મળી રહી છે. બધા એકબીજા સાથે બંધાયેલા ખુદને મહેસુસ કરી રહ્યા છે. સંબંધોથી કંટાળેલા માણસોના જીવનમાં નવી નવી વ્યક્તિઓ આવી રહી છે, અને એ નવી વ્યક્તિઓને લીધે જૂના સંબંધો ઘણાને એટલા વાસી લાગી રહ્યા છે કે તેનાથી પીછો છોડાવવા લોકો નજીકની વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. સંપતિના નામે લોકો ઝઘડી રહયા છે. નાનપણમાં એક-બીજાનો હાથ પકડીને ચાલતા ભાઈઓ ઝઘડી રહ્યા છે. સંપતિના નામે સતત ઘરો તૂટી રહ્યા છે. એટલું જ નહી, સંપતિને લીધે રોજ કેટલાયે ખૂન થતાં રહે છે!

  વ્યક્તિઓ જિંદગીમાં જીવન ઉમેરવા સંબંધો સાથે જોડાતા રહે છે, પણ એ સંબંધો જ આજે લોકોના મૃત્યુનું કારણ બની રહ્યા છે. કેટલી બેરહેમીથી લોકો પોતાની નજીકની વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ઇવન પોતાના લગ્ન બહારના સંબંધોને છુપાવવા ઘણા દંપતિઓ પોતાના સંતાનોને પણ નિર્દયતાથી મારી રહયા છે. સંબંધોને આપણે જીવનમાં ખુશીઓ ઉમેરવા માટે જોડતા હોઈએ છીએ, આ જીંદગીનું સફર એકદમ સરળ રીતે મોજથી પસાર થઈ શકે, પણ એવું નથી થઈ રહ્યું. એ બંધનો જ જીવનને ગૂંગળાવી રહ્યા છે. અને લોકો એનાથી થાકીને એ બંધનમાથી છૂટવા આસપાસની વ્યક્તિઓને નુકસાન પહોંચાડી રહ્યા છે.

  કેવા કેવા કિસ્સાઓ અને ઘટનાઓથી આપણાં સમાચાર પત્રો અને બીજા સોસિયલ મીડિયાઓ ખદબદતા રહે છે. કેવા કેવા વિકૃત કિસ્સાઓ આપણી આસપાસ થતાં રહે છે. આપણે ક્યારેય વિચાર્યું પણ ના હોય એટલી બધી ક્રૂરતા આપણી આસપાસ થતી રહે છે. આપણે પશુઓ કે પક્ષીઓ કે પછી કુદરત પ્રત્યે સંવેદનશીલ થવાની વાત તો દૂર રહી,આપણે માણસો એકબીજા પ્રત્યે પણ સંવેદનશીલ નથી થઈ રહ્યા! જેટલા સાધનો વધી રહ્યા છે, એટલા આપણે વધુ ને વધુ એકલા થઈ રહ્યા છે. હકીકત તો એ છે કે મોટા ભાગના લોકોને પોતાના વર્તમાન જીવનથી સંતોષ નથી!

    કોઈ એવું નકકી કરે કે આ દિવસે આ સોસિયલ મીડિયામાં નકારાત્મક સમાચારો નહી આવવા જોઈએ, છતાં પણ આવા સમાચારો છાપવા કે દેખાડવા પડે, એટલી હદે આપણાં સમાજમાં ખરાબ ઘટનાઓ બની રહી છે! આપણાં સૌના જીવનમાં વિસ્મયતાનું સ્થાન આશ્ચર્યોએ લઈ લીધું છે! આપણી કલ્પના બહારની વાસ્તવિકતાઓ આપણે જોવા ટેવાઇ રહ્યા છીએ. આવું બધુ હવે રૂટિન બની ગયું છે. સવારના પહોરમાં છાપામાં આવા સમાચારો વાંચીએ, પછી થોડીવારમાં તો ચાની વરાળ સાથે એ બધુ પણ ઊડી જતું હોય છે અને આપણે નોર્મલ થઈ જતાં હોઈએ છીએ.

  સંપતિ અને સંબંધો કોઈપણ વ્યક્તિના જીવનમાં નવા નવા સપનાઓ લઈને આવે છે, સપનાઓ પૂરા કરવા આવે છે, પણ ક્યારેક સપનાઓ પણ ડરામણા હોય છે, એમ જ આજે જાણે આપણે સૌ એવા ડરામણા વિશ્વમાં જીવી રહ્યા છીએ કે મૃત અવસ્થામાં અશ્મિઓ બનીને દટાઈ રહ્યા છીએ, એ જ સમજાતું નથી! સંપતિનો વધારો સુખનું સર્જન કરી નથી રહ્યો, ઉલટાનું લોકોને દૂ:ખી કરી રહ્યો છે. સંપતિ લાગણીઓ પર ભારે થઈ રહી છે. રોજ કેટલાયે ભાગોમાં આપણે વિભાજિત થઈ રહ્યા છીએ.

 આજે આપણી પાસે જિંદગીને સરળ બનાવી શકે, એટલા માટે ઘણી બધી સગવડો અને સુવિધાઓ છે, પણ આપણે સૌ એવા બંધનોમાં ખુદને બાંધીને બેસી ગયા છીએ, કે એમાથી બહાર આવવાનો રસ્તો જ નથી મળી રહ્યો. બહુ નાની નાની બાબતોમાં સંબંધો તૂટી રહ્યા છે, વધારે પડતાં કનેકશનોએ આપણને સંવેદના વિહીન બનાવી દીધા છે. એકબીજાને નજીક લાવવા જે સાધનોની આપણે શોધ કરી હતી, એ જ સાધનો આજે લોકોને એકબીજાથી દૂર કરી રહયા છે.

  લોકો સંબંધો અને સંપતિને લીધે ટુકડાઓમાં વહેંચાઈને રહી ગયા છે. ગમે તે ભોગે અમુક સંબંધો મળવા જ જોઈએ, અને સંપતિ માટે ગમે તેવા નજીકના સંબંધો તોડી નાખવા પડે, એ જાણે આપણામાથી મોટાભાગના લોકોનો જીવનમંત્ર બની ગયો છે. હજી સમય છે, આપણી અંદર જે કઈ ધબકતું જીવંત તત્વ છે, એને સહારે જીવન જીવીશું, તો સંપતિ ભલે ઓછી ભેગી થશે, પણ નજીકના સંબંધોથી આપણાં જીવનનો બાગ મહેંકી ઉઠશે.

    

  

 

 

 

  

 

 

 

 

   ;

 

 

 

 

Sunday, 21 August 2022

ગુજરાતી સ્ત્રીઓ, દયા ભાભી અને ગોપીવહૂથી લઈને પુષ્પા ઇમ્પોસિબલ સુધી....

 

           ગુજરાતી સ્ત્રીઓ, દયા ભાભી અને ગોપીવહૂથી લઈને પુષ્પા ઇમ્પોસિબલ સુધી...

Sony SAB launches Pushpa Impossible! - MTI News

 જુદી જુદી ચેનલો પર આવતી સીરિયલોમાં મોટા ભાગની સીરિયલોમાં ગુજરાતી કુટુંબોમા થતી ઊથલ-પાથલ બતાવવામાં આવે છે. ગુજરાતી સ્ત્રીઓ કા તો એકદમ લાઉડ અને કા તો એકદમ મૂંગી મૂંગી બતાવવામાં આવે છે. કુટુંબ વ્યવસ્થા ગુજરાતી સમાજની એક આગવી વ્યવસ્થા છે. એમાં પણ ખાસ કરીને જ્યારે કુટુંબો મોટા હોય ત્યારે જે ધમાલ થતી હોય છે, એ મસાલો સીરિયલોમાં ખાસ બતાવવામાં આવે છે. ગુજરાતી સ્ત્રીઓ મેકઅપ પાછળ એટલી પાગલ છે કે સર્વે કરાવવામાં આવે તો, મેકઅપ ખરીદીમાં 70%થી વધુ હિસ્સો તેઓનો નીકળે!

    સાડીઓની ખરીદીમાં ( અરે મોંઘી સાડીઓની ખરીદીમાં!) તેઓને કોઈ ના પહોંચે. બપોરે સૂઈ જાય અને શરીર વધે એટલે જિમમાં જાય. રસ્તામાં એક બીજાને મળે તો ઘરે આવો,ઘરે આવો એવું કહેવામાં કલાક સુધી બહાર ઊભા રહી વાતો કરે પણ સાથે સાથે બોલતી જાય કે હમણાં તો સમય જ નથી રહેતો, એકદિવસ સમય લઈને ચોક્કસ આવીશું!  મોબાઈલ પર કલાકો વાતો કરે કે પછી સોસિયલ મીડિયા પર કલાકો સમય વેસ્ટ કરનાર ગુજરાતી સ્ત્રીઓ પાસે સ્ટેટસ કે પ્રોફાઇલ પિક અપડેટ કરવાનો સમય હોય છે, પણ ખુદને અપડેટ કરવાનો સમય હોતો નથી.

  ઘરે કોઈ સારો પ્રસંગ હોય તો સૌથી સારા મારા કપડાં, મારા ઘરેણાં, મારો મેકઅપ, મારી મહેંદી વગેરે વગેરે...ની સ્પર્ધાઓ થતી રહે છે. કોઈ બીજી સ્ત્રી વધુ સારી લાગતી હોય તો કોમ્પિમેંટ્સ એવી રીતે આપવાની કે સામેવાળાને ખબર ના પડે કે વખાણ થયા કે શું થયું? લેટેસ્ટ ફેશન એ શબ્દ તેઓના શબ્દકોશમાં ગુંજતો રહે છે. અને દુકાનદારો અને મોલવાળા તેનો સૌથી વધુ ફાયદો ઉઠાવતા હોય છે. એકબીજાને કોઈ સ્થળે મળતી વખતે કોણ પેલા સામેથી બોલાવે? એ પ્રશ્ન હજી વણઉકેલાયેલો છે. “બદલાતી ફેશન શુટ કરે કે ના કરે કરવી તો પડે જ એ ગુજરાતી સ્ત્રીઓનો નવો મંત્ર છે.”

   રસોડું એ ગુજરાતી સ્ત્રીઓનું સૌથી મનગમતું સ્થળ છે, અને રસોઈ સૌથી વધુ ગમતી પ્રવૃતિ! પિકનિક કે ટુર પર જાય તો અથાણાં સહિતનું પરફેક્ટ પેકિંગ, છાશ વિના તો જમ્યા જ ના કહેવાઈએ, એ પણ સાથે હોય, એટલો નાસ્તો ભરે કે પાછા આવ્યા પછી બે દિવસ તો તેને ઠેકાણે પાડવામાં જાય! આમ તો પેકિંગમાં અહીની સ્ત્રીઓને કોઈ ના પહોંચી શકે. વિદેશમાં ગયેલા કે હોસ્ટેલમાં રહેતા સંતાનો માટે સથવારો મળે એટલે નાસ્તો તો મોકલાવવાનો જ! આરોગ્ય સાચવવાનું ગમે તેટલીવાર કહેવામાં આવે પણ રસોઈમાં તેલ, મીઠા કે ખાંડનો ઉપયોગ નહી ઘટાડવાનો જ!

  સેલ સેલ સેલ અહીની સ્ત્રીઓનો અતિ પ્રિય શબ્દ છે, અરે શબ્દ નહી કહો કે એક ફીલિંગ છે. એની સાથે જ સંકળાયેલો એક અતૂટ શબ્દ છે, શોપિંગ, આ હા હા આ શબ્દ એટલે ગુજરાતની સ્ત્રીઓનું સ્વર્ગ! એમાં પણ મોલમાં જવાનું હોય એટલે એવું જોરદાર તો પ્લાનિંગ કરે કે મેનેજમેંટ ગુરુઓ પણ આપણને કાચા લાગે! કમ્ફર્ટ ઝોનમાથી બહાર ના નીકળવું... આખી જિંદગીને બેડરૂમ અને રસોડા વચ્ચે આંટા ફેરા મારીને પૂરું કરી દેવું.. રાત્રે સૂતી વખતે પણ સાડી પહેરીને સૂવું!

  દયા જે રીતે ગરબા રમતી રમતી આવે છે, એવા ગરબા ભાગ્યેજ કોઈ ગુજરાતી સ્ત્રીઓ લેતી હશે. એ જે રીતે બોલે છે, એવી રીતે કોઈ ગુજરાતી સ્ત્રીઓને મે બોલતા સાંભળી નથી. ગોપી વહુ જેટલી મૂંગી અને સહન કરનારી ગુજરાતી સ્ત્રી પતિ ના અપનાવે તો પણ પતિ પાછળ પાછળ દોડતી રહે એવી સ્ત્રીઓ હવે ગુજરાતમાં મળતી નથી અને એ સારું જ છે! દયા ભાભી અને ગોપી વહુ ગુજરાતની સ્ત્રીઓનું લુપ્ત થતું જતું અસ્ત્તિવ છે.

   આ બધામાં ગુજરાતની સ્ત્રીઓનું જે ગમે તેવી પરિસ્થિતિઓ સામે લડી લેવાનું સ્વરૂપ છે, એ તો ક્યાંક ખોવાય જ ગયું હતું. અહીની સ્ત્રીઓ સમય આવ્યે જિંદગીના દરેક મોરચે પોતાના પરિવાર અને અસ્તિત્વ માટે લડી શકે છે, એવી સીરિયલો હવે છેક આવવા લાગી છે. પતિ ના હોય તો, કુટુંબ માટે સમાજ સામે કેવી રીતે લડવું? ગમે તેવા કામો કરવા પડે તો કરવા, સંતાનોને એકલા હાથે સારા સંસ્કારો આપી ઉછેરવા, પુરુષમિત્રો સાથે સુખ દૂ:ખ વહેંચવા, આસપાસના લોકોને મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ કરતાં રહેવી, બધાના ઘરના કામો કરી સંતાનોને ઉછેર્યા છે, એવું કહેવામાં શરમ ના અનુભવવી!, આરોગ્ય પ્રત્યે કાળજી રાખવી,

  સંતાનોના વિરોધ છતાં અધૂરું રહી ગયેલું ભણવાનું પૂરું કરવું. એક લડતી સ્ત્રીને પૂરેપૂરો સાથ સહકાર આપવો, સંતાનોની મિત્ર બનીને રહેવું.... બહુ ઓછા પેરેગ્રાફ લખ્યા છે, ગુજરાતી સ્ત્રીઓના આ બદલાયેલા સ્વરૂપ વિષે, કારણકે હજી તેઓમાં ઘણો ફેરફાર થવાનો બાકી છે. પુષ્પા I am possible. ભેગું કરીને કે છુટ્ટુ, તમારે જેમ વાંચવું હોય વાંચી શકો છો.

Friday, 5 August 2022

ઘરના કામ માટે સ્ત્રીઓને પગાર મળવો જોઈએ..... લાગણીઓની કોઈ શું કિંમત ચૂકવી શકશે....?

 

ઘરના કામ માટે સ્ત્રીઓને પગાર મળવો જોઈએ..... લાગણીઓની કોઈ શું કિંમત ચૂકવી શકશે....?

Should housework be a salaried profession? | India News - Times of India

      પપ્પા સાંજે ઓફિસેથી ઘરે આવે છે. મમ્મી પાસે આવીને કહે છે, આજનો હિસાબ લાવ એટલે તને આજનો પગાર ચૂકવી દઉં. મમ્મી હિસાબ લખાવે છે,

  રસોઈના, વાસણ સાફ કરવાના, કપડાની ઈસ્ત્રીના, ઘર સાફ કરવાના, બાળકોની સંભાળ રાખવાના, બાળકોનું સ્કૂલ ટિફિન બનાવવાના, મમ્મી-પપ્પાની સારસંભાળ રાખવાના, કપડાં ધોવાના, વગેરે વગેરે...... યાદી લાંબી થતી જાય છે, અને સાથે સાથે પપ્પાના હ્રદયની ધડકનો પણ વધતી જાય છે. પપ્પા મમ્મીને પૈસા આપતા આપતા થાકી જાય પણ ઘરના કામોનો કોઈ હિસાબ જ પૂરો થતો નથી. જ્યાં છેલ્લો ટોટલ કરવા જાય કોઈને કામના પૈસા ગણતરીમાં રહી જાય છે! આ કામોના આંકડાઓનું મૂલ્યાંકન તો કોઈ અબજોપતિ પણ કરી શકે એમ નથી!

   ઉપર જે લિસ્ટ આપેલું છે,  એ તો માત્ર મોટા મોટા કામોનું આર્થિક વળતર આપણે નક્કી કરી રહ્યા છીએ, એવા તો કેટલાયે નાના નાના કામો છે, જેને આપણે ગણતરીમાં લઈએ તો સ્ત્રીઓનું દૈનિક પેકેજ એકદમ ઊંચું જતું રહે એમ છે. કોઈપણ જાતની ડિગ્રી વિના સ્ત્રીઓ જે રીતે સમગ્ર ઘરનું સંચાલન કરતી હોય છે. આઈ.આઈ.એમ. વાળા કેસ સ્ટડીમાં એક સ્ત્રી દ્વારા ઘરના સંચાલન નો  જીવંત વિષય પોતાના વિદ્યાર્થીઓને સમજાવી શકે એમ છે! પુરુષ જેટલો પગાર લાવે એમાં ઘરના કોઈપણ સભ્યની જરૂરિયાત બાકી ના રહી જાય એ રીતે એ પગારનું આયોજન માત્ર ને માત્ર સ્ત્રીઓ જ કરી શકે છે.

  ઘણા બધા સમયથી સ્ત્રીઓને ઘરકામ માટે આર્થિક વળતર મળવું જોઈએ, એવી વાતો અને ચર્ચાઓ થતી રહે છે. સ્ત્રીઓ ઘરે જે કઈ કામ કરે છે, તેનું કોઈ મૂલ્ય નથી એવું લગભગ બધી સ્ત્રીઓને લાગે છે, તો કેટલાક પુરુષો એવું માને છે કે સ્ત્રીઓને ઘરે કામ જ શું હોય છે? એકવાર તેઓ ઘરે રહીને આખા દિવસનું કામ કરે, બાળકોને સંભાળે તો તેઓને સમજાય કે સ્ત્રીઓ ઘરે કેટલું કામ કરતી હોય છે? તેઓ માત્ર સ્ત્રીઓના કામનું લિસ્ટ બનાવશે તો પણ તેઓને સમજાય જશે કે  સ્ત્રીઓ ઘરે રહીને કેટલા કામ કરે છે.  

    આર્થિક વળતરને વધુ પડતું મહત્વ આપવાના આપણાં માપદંડોએ જ આ પ્રશ્ન ઊભો કર્યો છે. આપણે બધા મૂડીવાદીઓ બની ગયા છીએ, જે માનવીને માત્ર આર્થિક માનવી જ સમજે છે. ઘરમાં જે પૈસો લઈને આવે, તેનું મહત્વ આપણે વધુ આંકીને સદીઓ સુધી સ્ત્રીઓને અન્યાય કર્યો જ છે અને સાથે સાથે સ્ત્રીઓ પણ એ અન્યાય સહન કરીને પોતે પોતાના અસ્તિત્વને ઠેસ પહોંચાડતી રહી છે. હજી આજની તારીખે પણ ઘણી સ્ત્રીઓ પુરુષોના કામને જ વધુ મહત્વ આપતી હોય છે.

     પ્રશ્ન ગૃહિણીઓને આર્થિક વળતર આપવાનો છે જ નહી. પ્રશ્ન તો છે, તેઓના કામને સન્માન આપવાનો અને કામના વર્ગીકરણને દૂર કરવાનો! આપણે શા માટે આ કામ માત્ર સ્ત્રીઓ એ જ કરવું જઈએ અને આ કામ માત્ર પુરુષોએ જ એવું વર્ગીકરણ કરતાં રહીએ છીએ. પુરુષ આખા દિવસના કામથી થાકેલો હોય એમ સ્ત્રીઓ પણ હોય શકે છે, એવું આપણે શા માટે માનવા જ તૈયાર નથી હોતા? અને હવે તો સ્ત્રીઓ પણ આર્થિક રીતે પગભર થઈ રહી છે, તો બંને સાથે મળીને ઘરકામ કરે એમાં ઘરના કોઈ સભ્યને વાંધો ના હોવો જોઈએ.

    સ્ત્રી થકી મકાન ઘર બને છે. સ્ત્રી વિનાનું ઘર આત્મા વિનાના શરીર જેવુ થઈ જતું હોય છે. ઘર લાગણીઓથી સીંચાતું હોય છે, કબાટની કઈ થપ્પીમાં કોના કપડાં પડ્યા છે? સવારે દૂધ કેટલા વાગ્યે આવે છે? મમ્મી-પપ્પાને દવા ક્યારે આપવાની છે?, બાળકોને કેટલું હોમવર્ક કરાવવાનું છે?, ઘરના ફ્રીજમાં શાકભાજી છે કે નહી? ઘરમાં કરિયાણાની કોઈ વસ્તુઓ ખૂંટે છે કે કેમ? વગેરે વગેરે બાબતોનું ધ્યાન તે એકદમ કાળજીથી રાખતી હોય છે, રસોઈમાં એ પ્રેમ ઉમેરે છે, એટલે એ રસોઈ આપણાં સૌની પ્રિય વાનગી બની રહે છે. અને આ બધી પ્રવૃતિઓમાં રહેલા તેના પ્રેમને આપણે ફીલ કરીએ એટલે તેનો આખા દિવસનો થાક ઉતરી જશે.

   આ ચીવટ અને લાગણીઓનું કોઈ શું આર્થિક મૂલ્ય નક્કી કરી શકશે? જે કશુંક પૈસાની પહોંચથી દૂર છે, એને શા માટે પૈસાના પરિઘમાં લાવવાની કોશિશ કરવી? એક મકાનને ઘર બનાવવા સ્ત્રી સતત મથતી રહે છે. ભલે વિતેલા જમાનાએ સ્ત્રીઓના અસ્તિત્વ પ્રત્યે જરાપણ ધ્યાન નથી આપ્યું, પણ હવે એ પરિસ્થિતિમાં ઘણો ફેરફાર થવા લાગ્યો છે. બધુ ભલે નથી બદલાયું પણ ઘણું બધુ બદલાઈ રહ્યું છે. આ સમાજ એક ગૃહિણીઓને તેઓના કામનું વળતર શું આપી શકશે? હકીકત તો એ છે કે સ્ત્રીઓ થકી થતાં ઘરકામનું કોઈ મૂલ્ય જ આંકી શકાય એમ નથી.

 

 

     

 

 

ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...