Saturday, 14 October 2023

યુદ્ધ સમયે સ્ત્રીઓ પર થતાં અત્યાચારો........ ને પુરુષો માનસિક જીત સમજે છે????

 

યુદ્ધ સમયે સ્ત્રીઓ પર થતાં અત્યાચારો........ ને પુરુષો માનસિક જીત સમજે છે???? 

Indian women set fire to house of suspect as Manipur sex assault case  triggers outrage | Reuters

 

    પેલેસ્ટાઇને ઇઝરાયલ પર હુમલો કર્યો. આજે દરેક છાપાના પ્રથમ પાનાનાં સમાચાર છે. બંને રાષ્ટ્રો વચ્ચે લાંબા સમયથી ઝઘડાઓ ચાલી રહ્યા છે. મહાત્વાકાંક્ષાઓ ટકરાય છે, ધર્મો ટકરાય છે, ત્યારે યુદ્ધો થતાં હોય છે. યુદ્ધો હવે ના ટાળી શકાય એવી બાબતોના લીસ્ટમાં આવતા જાય છે. વિશ્વ છેલ્લા દોઢ વર્ષોથી રશિયા-યુક્રેન યુદ્ધની વિનાશકતા અનુભવી રહ્યું છે. કેટલાયે નિર્દોષ લોકો પોતાની જિંદગી ગુમાવી રહ્યા છે. માતા-પિતા સંતાનો વગરના અને સંતાનો અનાથ થઈ રહ્યા છે. ઘરોમાં ધબકી રહેલી લાગણીઓ પર દારૂગોળો વરસી રહ્યો છે. અને ધડાકાઓને લીધે લાગણીઓ જાણે કે વધુ ને વધુ બહેરી બની રહી છે!

   છાપાના પ્રથમ પાનાં પર છવાયેલા ધુમાડામાં એક સમાચાર સ્પષ્ટ વંચાયા, હુમલો કરનાર મહિલાઓને નિર્વસ્ત્ર કરી રગદોળી, બંધક બનાવી સાથે લઈ ગયા. આપણે ભલે એ-આઇ ટેક્નોલોજીના યુગમાં પ્રવેશી ગયા હોઈએ, પણ પુરુષોની સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતા હજી આદિકાળ જેવી અકબંધ છે!

   આપણાં દેશમાં મણિપુરમાં બે કોમો વચ્ચેના ઝઘડાઓમાં પણ સ્ત્રીઓને નિર્વસ્ત્ર કરીને ફેરવવાના વિડીયો વાઇરલ થયેલા. દ્રૌપદી હોય કે આજની મણિપુર કે ઇઝરાયલની સ્ત્રીઓ હોય પુરુષો એકબીજા પ્રત્યેના રાગ-દ્વેષનું ઝેર ઓકવા સ્ત્રીઓ સાથે બર્બરતા આચરતા રહે છે. પ્રાચીન ગ્રીકમાં યુદ્ધ દરમિયાન સ્ત્રીઓ પર થતાં બળાત્કારોને વેલીડ ગણવામાં આવતા! યોદ્ધાઓ જીતેલી મહિલાઓને "કાયદેસરની લૂંટ,પત્નીઓ,ઉપપત્નીઓ,ગુલામ મજૂરી અથવા યુદ્ધ-શિબિર ટ્રોફી" તરીકે ગણતા હતા! પાછળનો તર્ક આપવામાં આવતો કે પત્ની પતિની ગુલામ છે કે પછી તેની મિલકત છે.

    આપણે ભારતના યુદ્ધોનો ઇતિહાસ વાંચીશું તો એમાં પણ આવા અનેક કિસ્સાઓ મળી આવશે. જીતી ગયેલા દુશ્મન રાજાઓની નજરથી બચવા રાજઘરાનાની સ્ત્રીઓ જોહર કરતી. જોહર કરવાના ખાસ સ્થળો રાજમહેલમાં બનાવવામાં આવતા! રાણી પદ્માવતીએ 1600 સ્ત્રીઓ સાથે જોહર કરેલું. દુનિયાના મોટા ભાગના લશ્કરના સૈનિકોએ યુદ્ધ દરમિયાન અને યુદ્ધ બાદ જીતાયેલા પ્રદેશોની સ્ત્રીઓ સાથે બર્બરતા આચરવામાં કશું બાકી નથી રાખ્યું.

     પુરુષ જ્યારે સ્ત્રીને પોતાનાથી આગળ વધતી જુએ છે, અને તેને એવું લાગે છે કે હવે તે સ્ત્રીને પહોંચી નહી શકાય, તો સ્ત્રીના ચારિત્ર્ય પર સીધો હુમલો કરતો હોય છે. એમ યુદ્ધ કે સશસ્ત્ર સંઘર્ષ સમયે દુશ્મનને અપમાનિત કરવા સ્ત્રીઓ પર વારંવાર બળાત્કારો થતાં રહે છે. બર્બરતાનો ઉપયોગ મનોવૈજ્ઞાનિક યુદ્ધના સાધન તરીકે થાય છે. સ્ત્રીઓ સાથે આવા અત્યાચારો કરીને તેઓ અત્યાચારોને પોતાની માનસિક જીત માનતા હોય છે.

જ્યારે કોઈ સ્ત્રી કોઈપણ સ્વરૂપમાં જાતીય હિંસાનો ભોગ બને છે, ત્યારે તેણીને માત્ર શારીરિક અથવા માનસિક નુકસાન જ નહીં,પણ કલંકનો પણ સામનો કરવો પડે છે. અપમાનના વધારાના આઘાતથી ઘેરાયેલા પરિવારો આ મહિલાઓને તેમના ઘરની બહાર કાઢી મૂકે છે. જ્યારે મહિલાઓને તેમના જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે સમાજની કમર તૂટી જાય છે. પુરુષો જાતીય હિંસાનો ભોગ બનેલી મહિલાઓ સાથે લગ્ન કરવાનો ઇનકાર કરે છે. પરિણીત પુરૂષો આ સ્ત્રીઓને તેમના જીવનમાં પાછા આવકારવા માંગતા નથી,કારણ કે તેમની નજરમાં તેઓ "ઉપયોગી માલ" બની રહે છે! 
 

  15મી અને 16મી સદી દરમિયાન કેથલિક ચર્ચો દ્વારા યુદ્ધ વખતે સ્ત્રીઓ પર થતાં બળાત્કારો રોકવા માટે પ્રયાસો શરૂ થયા. પણ એ પ્રયાસોને સારા પરિણામો મળ્યા નહી. ડચ કાયદાશાસ્ત્રી હ્યુગો ગ્રોટિસે સૌપ્રથમ યુદ્ધ દરમિયાન સ્ત્રીઓ પર થતાં બળાત્કારો માટે કાયદો ઘડવાનું સૂચન કર્યું. ત્યારબાદ બીજા ઘણા મહાનુભાવોએ પણ પ્રયાસો કરી જોયા. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે પણ ઘણા પ્રયત્નો છતાં, યુદ્ધ દરમિયાનની આ ક્રૂરતાને રોકી શકાઈ નહી. ઘણા યુદ્ધો સમયે તો ગર્ભવતી સ્ત્રીઓ પર પણ બળાત્કારો થયેલા છે!

  બીજા વિશ્વયુદ્ધ બાદ યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિશામાં ખાસ વિચારણાઓ થઈ, પણ તેઓ પણ આ બાબતે કશું નક્કર કરી શક્યા નથી. ઇ.સ. 1996માં યુનાઈટેડ નેશન્સ દ્વ્રારા યુદ્ધ દરમિયાન સ્ત્રીઓ પર થતાં બળાત્કાર માટે મૃત્યુદંડ કે જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે સ્ત્રીઓની હાલતમાં આ બાબતે કોઈ જ સુધારો થયેલ નથી. હજી આજે પણ સ્ત્રીઓ આવા સમયે સોફ્ટ-ટાર્ગેટ બની રહી છે.

  ચંદ્ર કે બીજા કોઈ ગ્રહો કે ઉપગ્રહો પર જીવન શોધનાર માણસ હજી આ પૃથ્વીને સ્ત્રીઓ માટે સલામત સ્થળ બનાવી શક્યો નથી.

 

  

 

 

Sunday, 24 September 2023

‘હ્રદય’ બહુ ઝડપથી બંધ પડી રહ્યું છે, કારણ કે આપણે જીવી નથી રહ્યા, દોડી રહ્યા છીએ.....

 

‘હ્રદય’ બહુ ઝડપથી બંધ પડી રહ્યું છે, કારણ કે આપણે જીવી નથી રહ્યા, દોડી રહ્યા છીએ.....

 Structure and Function of the Heart

   છેલ્લા કેટલાક મહિનાઓમાં 15 થી 40 વર્ષના યુવાનોમાં હાર્ટ-એટેક આવવાનું પ્રમાણ વધી રહ્યું છે! કોઈ વર્ક-આઉટ કરતાં કરતાં તો કોઈ રમતના મેદાનમાં દમ તોડી રહ્યું છે. અરે નિશાળમાં ભણતા ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ પણ હાર્ટ-એટેક ને લીધે જિંદગીને અલવિદા કહી રહ્યા છે. હમણાં બે દિવસ પહેલા દિલ્હીમાં બસ ચલાવતા ચલાવતા ડ્રાઈવરને એટેક આવી ગયો. કોઈ ઓફિસમાં આજે કામ કરી રહી રહ્યું છે, અને બે મિનિટમાં તો તે હતું, ના હતું, થઈ રહ્યું છે.  થોડા મહિના અગાઉ જામનગરના પ્રખ્યાત ડોકટર કે જેમણે અનેક હાર્ટ-સર્ઝરી કરી હતી, તેઓ જ આ એટેકનો શિકાર બની ગયા!

 એક દસકા પહેલા 40 વર્ષની ઉંમરની આસપાસની વ્યક્તિને હાર્ટ-એટેકને લીધે ઈમરજન્સી સારવાર આપવી પડે, તેવા કિસ્સાઓ ભાગ્યે જ બનતા, પણ આજકાલ તો 30 થી 40 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં આ પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છાપાઓના જુદા જુદા પાને આવા કિસ્સાઓ છપાતાં જ રહે છે.

  આ હાયપરટ્રોફિક કાર્ડિયોમાયોપથી (HCM) નામની ક્લિનિકલ સ્થિતિને કારણે થાય છે, જેના કારણે રમતગમતના મેદાનમાં ઘણા અકસ્માતો થયા છે, જેમાં યુવા જીવન સ્ટેડિયમમાં અથવા તો જીમમાં વર્કઆઉટ કરતી વખતે કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ પામે છે. આ સ્થિતિ, જે હૃદયના સ્નાયુને જાડી બનાવે છે,તે સામાન્ય રીતે અસામાન્ય જનીનોને કારણે થાય છે. જાડા હૃદયના સ્નાયુ હૃદય માટે રક્ત પંપ કરવાનું મુશ્કેલ બનાવી શકે છે. હૃદયના ચેમ્બરની દીવાલો જાડી અને કડક બને છે, જેનાથી દરેક ધબકારા સાથે શરીરમાં લઈ શકાય અને બહાર પમ્પ કરી શકાય તેવા લોહીની માત્રામાં ઘટાડો થાય છે. સામાન્ય રીતે,હજારમાંથી એક વ્યક્તિમાં તે હોય છે.

    નાના હતા, ત્યારથી આપણે વિજ્ઞાનમા શિખતા આવ્યા છીએ કે હ્રદય એ શરીરનું સૌથી અગત્યનું અંગ છે. હ્રદય સાથે જોડાયેલા રહીશું તો મસ્ત જીવન જીવી શકીશું. પણ આધુનિક જીવન-શૈલીએ આપણી પાસેથી હ્રદયનો ઓરિજિનલ ધબકાર છીનવી લીધો છે. હ્રદય જે રીતે આપણાં શરીરમાં કામ કરે છે, તે જાણીશું તો લાગશે કે દુનિયાની તમામ અજાયબીઓ આપણી અંદર જ સચવાયેલી છે.

  હ્રદયનું સૌથી અગત્યનું કામ લોહીને આપણાં આખા શરીરમાં ફરતું રાખવાનું છે. રુધિરાભિસરણ તંત્રના મુખ્ય ભાગ તરીકે હ્રદય લોહીના પમ્પિંગનું, ઑક્સીજન અને પોષકતત્વો પૂરા પાડવાનું અને શરીરની તમામ પેશીઓમાંથી કાર્બન ડાયોક્સાઈડ જેવા મેટાબોલિક કચરાને દૂર કરવાનું કામ કરે છે. આપણે જો આજે અત્યારે જીવી રહ્યા છીએ, તો તેનું બહુ મોટું કારણ આપણાં હ્રદયનું ધબકતું રહેવું છે. જે સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે. પણ જો એ અટકી ગઈ તો આપણે પણ કાયમ માટે અટકી જતાં હોઈએ છીએ.

  નોર્મલ એટેક પછી સ્ટેન્ડ બેસાડી કે બાયપાસ સર્ઝરી કરાવી આપણે જીવી તો શકીએ છીએ, પણ પછી એ જિંદગી નોર્મલ રહેતી નથી! એ જિંદગી બહુ ઝડપથી હાંફી કે થાકી જતી હોય છે. ડોક્ટર્સના અને રીસર્ચના કહેવા પ્રમાણે આપણી આધુનિક બેફામ અને ફેશન આધારિત જિંદગીને લીધે આજથી 30વર્ષો પહેલા હાર્ટ-એટેક નું જોખમ 50 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં વધુ રહેતું, જે આજે  20 થી 45 વર્ષના યુવાનોમાં વધી રહ્યું છે. 

  શારીરિક શ્રમનું ઘટતું પ્રમાણ એટેલે કે બેઠાડું જીવન, સ્મોકીંગ, શરાબનું વધુ પડતું સેવન, ડાયાબિટીસ, જાડાપણું, હાઇપર-ટેન્શન, ખોરાક લેવાની ખરાબ ટેવો, જંકફૂડનું વધુ પડતું પ્રમાણ, સ્ટ્રેસ, વગેરે કારણોને લીધે આ જીવલેણ રોગનું અને તેને લીધે મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધતી જ જાય છે. આધુનિક જીવનશૈલીએ આપણને ઘણી ઘણી નવી નવી ટેક્નોલૉજી આપી છે, પણ સાથે સાથે આપણી પાસેથી નિરાંત નામની ફીલિંગને છીનવી લીધી છે.

 બાળકો પણ આજકાલ સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. આપણે સૌ જીવી નથી રહ્યા, બસ દોડી જ રહ્યા છીએ. બાળકોથી માંડીને મોટી ઉંમરના દરેક જાણે કે કોઈને કોઈ દબાણમાં જીવતા હોય એવું લાગી રહ્યું છે. અને જીવનશૈલી એમાં તો આપણે કાલિદાસની જેમ જે ડાળ પર બેઠા છીએ એ જ ડાળને નુકસાન પહોંચાડી જાતે જ મૃત્યુનો રસ્તો પસંદ કરી રહ્યા છીએ. હૃદય  છાતીની મધ્યમાં  ફેફસાંની વચ્ચે,બ્રેસ્ટબોન (સ્ટર્નમ) ની પાછળ અને સહેજ ડાબી બાજુએ આવેલું છે. બસ તેને ધબકતું રાખવા માટે જેવુ જીવવું જોઈએ એવું જીવીએ...

 

 

 

 

Tuesday, 19 September 2023

આપણે સૌ શા માટે ગણેશોત્સવ ઉજવીએ છીએ?

   આપણે સૌ શા માટે ગણેશોત્સવ ઉજવીએ છીએ?

 50 Best] God Ganpati HD Images & Wallpaper | गणपती के फोटोस - Digital Alia50 Best] God Ganpati HD Images & Wallpaper | गणपती के फोटोस - Digital Alia

આપણે સૌ શા માટે ગણેશોત્સવ ઉજવીએ છીએ? આ પ્રશ્ન પૂંછવામાં આવે તો કેટલા લોકો જવાબ આપી શકે? આપણને સૌને who, why, what? આવી જિજ્ઞાસાઑ થવાની બંધ જ થઈ ગઈ છે. આપણી આસપાસ જે કઈ થઈ રહ્યું છે, તેના મૂળમાં કોઈને કોઈ વાર્તા કે પ્રસંગ હોય છે, પણ આપણે એ જાણવાનો પ્રયાસ જ કરતાં નથી!

  ઈશ્વર મને ખબર છે, શ્રદ્ધાનો વિષય છે, પણ એ શ્રદ્ધામાં પણ તર્ક હોવો જરૂરી છે. અને એ તર્ક વિશે જ આજે મારે તમારી સાથે વાત કરવી છે. આપણા ઋષિમુનિઓ અને વડવાઓ ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિઓ હતા, તેઓ જે પણ કઈ કરવાનું કહેતા, તેની પાછળ વિજ્ઞાન અને જ્ઞાન સમાયેલું હતું. જેમ કે તેઓ કહેતા કે આરાગ્યમ ધન સંપદા તો એ આજે આપણે સૌ સ્વીકારી અને સમજી રહ્યા છીએ કે આરોગ્ય સાચવીશું તો  છેક છેલ્લા શ્વાસ સુધી મસ્ત જીવન જીવી શકીશું. અને આરોગ્ય સારું નહી હોય તો ગમે તેટલી જાહોજલાલી હશે, છતાં જીવન જીવવાની મજા નહી આવે.

  એમ જ ગણેશજીને આ દસ  દિવસ દરમિયાન આપણે ઘરે લાવીએ છીએ, અને પછી વિસર્જન કરીએ છીએ, તેની પાછળ પણ શ્રદ્ધા, વિજ્ઞાન અને વાર્તા છે. પહેલા વાર્તા જોઈ લઈએ, દેવી પાર્વતીએ શિવજીની ગેરહાજરીમાં પોતાનું રક્ષણ કરવા માટીમાથી એક બાળક બનાવ્યું અને તેમાં જીવ પુર્યોં. એકવાર દેવી સ્નાન કરવા ગયા અને એ બાળકને કહીને ગયા કે કોઈ અંદર ના આવવું જોઈએ.

બાળકે માતાની આજ્ઞાનું પાલન કરીને શિવજીને પણ અંદર આવતા રોક્યા. શિવજીએ ક્રોધમાં આવી જઇ, એ બાળકનનું માથું ધડથી અલગ કરી દીધું. બાળકની આ હાલત જોઈને માતા પાર્વતીએ બાળકને જીવીત કરવાનું કહ્યું, શિવજીએ પોતાના સાથીઓને કહ્યું જઈને જે પહેલા મળે તેનું માથું લઈ આવો, તેઓ હાથીનું લઈ આવ્યા, જે શિવજીએ લગાડી દીધું અને આવી રીતે ગણપતિનો ફરીથી જન્મ થયો.

  ગણપતિના આ હાથી વાળા જન્મદિવસને આપણે ગણેશ-ચતુર્થી તરીકે ઉજવીએ છીએ. ગણેશજીના બીજા 108 નામો છે, અને તેઓના હકારાત્મક કામો તો એથીયે અનેક છે. અને એ છે આ ઉત્સવ પાછળ રહેલી શ્રદ્ધા!

ચારેય તીર્થ જઈને જે પહેલો કૈલાશ પાછો આવે એ વિજેતા એવી શરત ભાઈ કાર્તિકેય સાથે લગાવી અને માતા-પિતાને આસન પર બેસાડી, તેઓની પૂજા કરી, પ્રદક્ષિણા કરી કહ્યું સાચું તીર્થ તો માતા-પિતા છે, મે આજે તેઓની પ્રદક્ષિણા કરી એટલે હું જીત્યો, ખુશ થઈને શિવ અને પાર્વતીએ વરદાન આપ્યું આજથી લોકો કોઈપણ શુભ કામ કરતાં પહેલા તને યાદ કરશે.

  ગણેશજી પોતાના દરેક કામમાં પછી ભલે એ કામ અઘરું હોય કે સહેલું, હકારાત્મક રહેતા અને એટલે જ તેઓ વિઘ્નહર્તા દેવ તરીકે પૂજાય છે. તેમ આપણે પણ જો કોઈપણ કામ શરૂ કરતાં પહેલા હકારાત્મક રહીશું તો ગણેશની જેમ બધા કાર્યો પાર પાડી શકીશું. જેઓ હકારાત્મક થઈને આગળ વધે છે, તેઓની દરેક અડચણો આપોઆપ દૂર થઈ જતી હોય છે.

  ગણપતિ જેવા હતા, તેવા ખુદને સ્વીકારીને આગળ ચાલતા હતા, જિંદગીમાં આવતા સંઘર્ષો સામે તેઓ કદી હાર્યા નથી અને એટલે જ તેઓ બધાના પ્રિય બની રહ્યા છે. વેદ વ્યાસજીએ મહાભારત ગણેશજી પાસે લખાવ્યું હતું, લખતા લખતા કલમ તૂટી ગઈ તો પોતાનું દંતશૂળ તોડીને તેની કલમ બનાવીને તેમણે એ કામ પૂરું કર્યું. કોઈપણ કામ પ્રત્યેનું આવું ડેડિકેશન જ આપણને જિંદગીમાં આગળ લઈ જતું હોય છે.

  હવે સમજાયું શા માટે ગણપતિનું નામ લઈને શરૂ કરેલું કાર્ય વિના અડચણ પૂરું થઈ જતું હોય છે. જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, નક્કી કરેલા ધ્યેયથી ડગી જવું નહી, આવી રીતે પૂરેપૂરા પ્રયાસો થકી આગળ વધતાં રહેવું. આ થઈ વાત શ્રદ્ધાની!

  અને રહી વાત વિજ્ઞાનની તો જ્યાં, શ્રદ્ધા હોય છે, ત્યાં તર્ક પણ હોય જ છે ને તર્ક એટલે જ તો વિજ્ઞાન! આ 10 દિવસ દરમિયાન પૂરેપુરી શ્રદ્ધાથી આ હકારાત્મક દેવને ભજીએ અને વિસર્જન કરતાં સમયે જળસંપતિ અને પર્યાવરણને લગતા નિયમોનું પાલન કરીએ. પી.ઓપી. વાળા ગણપતિ નહી, પણ માટીમાથી બનાવેલા ગણપતિનું વિસર્જન કરીએ.

   યાદ રહે માં પાર્વતીએ ગણપતિનું સર્જન માટી વડે કરીને પછી જ તેમાં જીવંતતા પૂરી હતી.

Thursday, 14 September 2023

જીવનના સંઘર્ષોનો હસતાં હસતાં સામનો કરવો એટલ' 'કૃષ્ણત્વ'

જીવનના સંઘર્ષોનો હસતાં હસતાં સામનો કરવો એટલ' 'કૃષ્ણત્વ' 

Black Full HD Krishna Images HD Wallpapers With 100+ Status 


     એક એવું પાત્ર જેને આપણે કદી જોયું નથી,અને છતાં જે હમેંશા આપણી આસપાસ હોય એવું લાગ્યા કરે! આપણા દરેક સંબંધો આપણે ઈચ્છીએ તેના જેવા હોય! એક એવું વ્યક્તિત્વ જેને આપણે આપણી અંદર સતત ફીલ કર્યા કરીએ. એ કૃષ્ણ વિષે જાણવાની,તેની બાળ-લીલાઓ અને રાસ-લીલાઓ માણવાની આપણને ઈચ્છા થયા જ કરે, નાના હોઈએ ત્યારે એની બાળલીલાઓ દાદા-દાદી પાસેથી સાંભળવાની મોજ કરવાની, રાક્ષશો સાથેની લડાઈ,નાગદમન, ગોપીઓની પજવણી, વાંસળીના સૂર, નંદ અને યશોદામાતાનો સ્નેહ, ઇન્દ્ર સાથેની લડાઈ, ટચલી આંગળીએ ઉપાડેલ ગોવર્ધન પર્વતની વાત, કુદરત સાથે દોસ્તીની વાત, કંસના અન્યાયનો વિરોધ, ગાય સાથેની નિકટતા, ગોકુળની ગલીઓમાં કરેલા તોફાનો, માખણની ચોરી, ગોપીઓ સાથેની રાસ-લીલા, રાધા સાથેનો પ્રેમ, વૃંદાવન નિર્માણ, દરેક ઉત્સવોની ઉજવણી જીવન નામે ઉત્સવ જ સૌથી મસ્ત બનીને જીવ્યા, આજે પણ ગોકુળ જઈએ તો લાગે દરેક ડગલે કૃષ્ણ આપણી સાથે છે. આટલું ભરચક બાળપણ એક જ ઝાટકે, છોડી દઈ નીકળી પડ્યા મથુરા જવા, જન્મ આપનાર માતા-પિતાને બચાવવા! આખું ગોકુળ પોતાનામાં સમાવી, એવા નીકળી પડ્યા કે પછી કદી ગોકુળ પાછા ફર્યા જ નહીં! ગોકુળે કૃષ્ણને બે સ્ત્રીઓ આપી રાધા અને યશોદા જે તેઓના જીવનનો પર્યાય બની રહ્યા. વાંસળી રાધા પાસે છોડી ગયા, તેમને ખબર હતી, હવે એ નિખાલસતા અને નિર્દોષતા જીવનમાં પાછી આવવાની નથી!

આ આખું જીવન મનમાં સમાવી, તેઓ આગળ વધી ગયા. કંસને માર્યો, દેવકી અને વાસુદેવને છોડાવ્યા, મથુરા ઉગ્રસેનને સોંપી,સાંદીપની ઋષિના આશ્રમમાં રહી ભણ્યા, ગુરુને ગુરુદક્ષિણામાં પુત્ર પાછો લાવી આપ્યો. સુદામા જેવા મિત્ર મળ્યા, જેમની સાથેની દોસ્તી આજીવન રહી, અહી જ સુદર્શન ચક્ર પરશુરામ પાસેથી મળ્યું, મહાભારતમાં કૃષ્ણની એન્ટ્રી દ્રૌપદી સ્વયંવર સમયે થાય છે. દ્રૌપદી સાથેની મિત્રતા, અને સ્ત્રી-પુરુષના જીવનને આપેલૂ એક નવું વિઝન, જે આપણે ટેકનો એજમાં પણ આપી શકયા નથી! મિત્ર એવો હોવો જોઈએ જે જરૂર પડ્યે, સ્ત્રીના અસ્તિત્વનું રક્ષણ કરી આપે, દ્રૌપદી અને કૃષ્ણના સંબંધો મિત્રતાનો હાર્દ છે, જિંદગીના દરેક સંબંધોને જીવી બતાવનાર કોઈ હોય તો તે શ્રી કૃષ્ણ તેઓએ દરેક સંબંધો જીવ્યા, બાંધવાની કોશિશ કદી ના કરી. અર્જુન સાથેની મિત્રતા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બનીને નિભાવી. કુરુક્ષેત્રના રણમાં તેમણે જે પાર્થને આપ્યું, આપણને પણ લડવાનું શીખવી ગયા. જિંદગીમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે, લડવાનું છોડવાનું નહીં, પ્રયાસો કરતાં રહીશું તો જરૂર આગળ વધી શકીશું. જિંદગીના તમામ દૂ:ખો સાથે પણ આગળ વધતાં રહેવું પડે છે, જિંદગી ક્યારેય અટકતી નથી. શૂન્ય માથી સર્જન કેવી રીતે કરવું એ કૃષ્ણથી વિશેષ કોઈ ના શીખવી શકે.

હું તમને ધર્મના રસ્તે ચાલવા સાથ આપીશ, પણ ચાલવું તો તમારે જ પડશે. એટલે તો યુદ્ધમાં હથિયાર ના ઉપાડ્યા. ઈશ્વર આમપણ તેને જ મદદ કરે છે, જેઓ ખુદને મદદ કરતાં રહે છે. રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે, એમ એ ખેતરમાં કામ કરનાર ખેડૂત સાથે કે મહેનત કરનાર દરેક વ્યક્તિ સાથે હોય છે, કર્મથી ભાગનાર સાથે એ કદી હોતા નથી. કર્મથી નિવૃત થવાનું એમણે ક્યારેય શીખવ્યું જ નથી. ભગવદ-ગીતા આપણને જીવતા શીખવે છે, અને એટલે જ એ જીવતા હોઈએ ત્યારે એકવાર માત્ર વાચી નહીં સમજી લઈએ. જિંદગીના કુરુક્ષેત્રમાં લડવા એના જેવુ પ્રેરણાદાયી ઉપનિષદ કે પુસ્તક બીજું કોઈ નથી. સંવાદ દ્વારા શિક્ષણ આપનાર તેઓ પ્રથમ શિક્ષક હતા. કેટલું સરસ સમજાવ્યું કે તને જાણવાની ઈચ્છા હશે, તો જ હું તમને શીખવી શકીશ. અર્જુને પૂછેલા પ્રત્યેક સવાલનો જવાબ તેમણે આપેલો છે. જરૂર પડ્યે જિંદગીના કુરુક્ષેત્રમાં સગાવહાલા સામે લડવું પડે તો પણ લડી લેવાનું! અને જરૂર પડ્યે દુશ્મન આપણા કરતાં વધુ શક્તિશાળી લાગે તો રણ-મેદાન છોડી ભાગી પણ જવાનું!  જિંદગીમાં ફ્લેક્ષિબલ રહેનાર જ આગળ વધી શકે છે.

જુગાર અને દારૂના સખત વિરોધી હતા.આપણે તેઓની પુજા કરીએ છીએ, છપ્પન ભોગ ધરીએ છીએ, પણ તેઓને વિચારોથી અનુસરતા હોતા નથી! તેઓના જન્મના મહિના દરમિયાન જ સૌથી વધુ જુગાર રમાય છે. દુર્યોધનના પકવાન કરતાં વિદુરની ભાજી તેઓને વધુ પ્રિય હતી. લાગણીઓ થકી જ ક્રુષ્ણની નજીક જઇ શકાય. સ્ત્રી-સ્વાતંત્ર્યના હિમાયતી હતા. સ્ત્રીઓને સન્માન આપવામાં માનતા હતા. કુબ્જાથી લઈને કુંતી સુધી અને દ્રૌપદીથી લઈને આઠ મહારાણીઓ સુધી કે પછી 16000 સ્ત્રીઓ સુધી તેઓ વિસ્તરતા જ રહ્યા! કુંતીને પોતાની ભૂલ સંતાનો સામે લાવવા મદદ કરનાર કૃષ્ણ, યશોદા માતાને યુનિવર્સ બતાવનાર કૃષ્ણ, દ્રૌપદીના ચીર પૂરનાર પણ તે અને સુભદ્રાને અર્જુન સાથે ભગાડનાર પણ તે અને ઋક્મણીને ભગાડી જનાર પણ તે,ગાંધારીનો શ્રાપ લેનાર પણ તે અને છતાં રાધા સાથે કાયમ જોડાયેલા રહ્યા તે કૃષ્ણ! સ્ત્રીઓને જેટલું સન્માન શ્રીકૃષ્ણ એ આપ્યું છે, એટલું કોઈએ આપ્યું નથી. મીરાં સાથે પણ સમર્પણના સંબંધે જોડાયેલા રહ્યા!

સુદામા સાથેની મિત્રતા શ્રેષ્ઠ રીતે નિભાવી, દુનિયાને સમજાવ્યું કે મિત્ર કદી ધનવાન કે ગરીબ નથી હોતો! કશું કહ્યા વિના મિત્રને મદદ કરી, તેની ગરીબી દૂર કરી. તેની સાથે ઝઘડી તેના તાંદુલ ખાધા. ઈશ્વરે આપણને ઓલરેડી સમજાવ્યું જ છે કે હું લાગણીઓ અને શ્રદ્ધા સાથે જોડાયેલો છુ અને છતાં આપણે તેને ધર્મ-સ્થાનોમાં શોધતા રહીએ છીએ. બહુ સરળ રીતે તેમણે સમજાવ્યું છે કે  કુદરતની નજીક રહેવાથી ઈશ્વર નજીક રહી શકાય છે,પણ આપણે…..

યુદ્ધ રોકવા પોતાનાથી બનતા પ્રયાસો કર્યા, તેઓ પ્રયાસો કદી છોડતા નહીં, વસ્ત્રાહરણ બાદ પણ દ્રૌપદીને સમજાવે છે, માફ કરી દેવાનું! આપણા મનની શાંતિ માટે પણ બીજાને માફ કરતાં શીખી જવાનું! સાથે સાથે સમજાવે પણ છે કે સ્ત્રીનું અપમાન કરનાર સમાજ કદી સુખી રહી શકતો નથી. જીવનમાં ગમે તેટલા કષ્ટો આવે, જીવવાનું છોડવાનું નહીં. જ્યાં જીવન છે, ત્યાં સંઘર્ષ છે અને સંઘર્ષ થકી જ આપણે ઘડાતા રહીએ છીએ. તેઓ રસ્તો બતાવીને તે રસ્તે જવું કે ના જવું એ આપણા પર છોડી દે છે. હું માત્ર મદદ કરીશ કામ તો તમારે જ કરવાનું છે!

કૃષ્ણ વિષે લખવા બેસીએ તો એક આખું જીવન નાનું પડે, દુનિયામાં સૌથી વધુ તેઓ ચર્ચાયા છે. યુવાનો માટે ભગવદ-ગીતા જેવો ગ્રંથ તેમણે આપ્યો છે. નાના બાળકોને તેઓ કહે છે, થાય એટલા તોફાનો કરો, નાનપણ તો નિર્દોષ અને નિખાલસ જ હોવું જોઈએ. આખી દુનિયાએ જેમને માન્યા, તેઓના ખુદના વંશજો જ પરસ્પર લડી મર્યા! તેઓ પોતાના રથની લગામ પોતાની પાસે જ રાખતા. એમ આપણે પણ આપણો જીવનરથ આપણી જાતે જ ચલાવવાનો છે! જેટલો ખુદ પર વિશ્વાસ રાખીશું સુખી થઈશું. પ્રેમ સફળ-નિષ્ફળ ક્યારેય હોતો નથી, બસ પ્રેમ હોય છે, એવું આપણને કૃષ્ણ સિવાય કોણ સમજાવી શકે. કૃષ્ણને આપણે ખૂબ અનુસરીએ છીએ, એને અનુસરવાના કેટલાક માર્ગો

સત્ય અને પ્રામાણિકતાના રસ્તે ચાલો.

પ્રયત્નો કરતાં રહો.

જુગાર અને દારૂથી દૂર રહો.

સ્ત્રીઓનું સન્માન કરો.

જાત પ્રત્યે શ્રદ્ધા રાખો.

ધર્મના રસ્તે ચાલો.

જિંદગીના કુરુક્ષેત્રમાં લડતા રહો.

પોતાના કર્તવ્યનું પાલન કરો.

હમેંશા જીવંત રહો.

મુશ્કેલીઓનો સામનો કરો.

પરીવર્તન સ્વીકારતા રહો.

સંબંધોને જીવો, બાંધો નહીં.

હવે કૃષ્ણ અને આપણે

 આમાં આપણે ક્યાં છીએ? એ આપણે નક્કી કરવાનું છે.

કૃષ્ણની નજીક રહેવું હશે, તો આપણે તેની સાથે જોડાવું રહ્યું!


ફરિયાદો નહી, પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!

    ફરિયાદો નહી , પ્રયાસો કરનાર ઈશ્વરની ગૂડ-બૂકમા હોય છે!!!   જિંદગી થોડી થોડી સૌને સતાવતી રહે છે. ને વળી સહેલાવતી પણ રહે છે. પણ આપણો પ્ર...