Friday, 19 December 2025

સેક્સનું સૌંદર્ય બ(બા)ળત્કારની વિકૃતિમાં શા માટે ફેરવાય જાય છે?

 

સેક્સનું સૌંદર્ય બ(બા)ળત્કારની વિકૃતિમાં શા માટે ફેરવાય જાય છે? 

 India's Kolkata rape-murder case brings the focus back to the safety of  women: India reported 1 rape case every 16 minutes in 2022, the latest year  for which data is available. | #FPCreatives

 

 

 

 

 

       આટકોટ નજીકના એક ગામમાં સાત વર્ષની બાળકી પર એક વિકૃત વ્યક્તિએ રેપ કરવાની કોશિશ કરી, જેના માતા-પિતા ખેતીમાં કામ કરી રહ્યા હતા.રેપ કરવામાં નિષ્ફળતા મળતા તે માણસે એ કુમળી દીકરીના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો ઘૂંસાડી દીધો. દીકરી ના મળતા માતા-પિતાએ શોધ આદરી અને એ લોહીલુહાણ હાલતમાં એ જગ્યાએથી મળી આવી. આરોપી પકડાય ગયો અને જેલભેગો પણ થયો. જો કે હવે તેને આ કુકર્મની સજા મળશે કયારે? તેની રાહ માતા-પિતા અને તે દીકરી સિવાય કોઈ નહી જુએ... આપણે સૌ તો થોડા દિવસો સુધી અફસોસ વ્યક્ત કરીને આ દુર્ઘટનાને ભૂલી પણ જઈશું. જેમ આ દેશમાં રોજ 86 દીકરીઓ પર બળાત્કાર થાય છે, એમાં એક આ પણ ગણાઈ જશે.

  નિર્ભયા કાંડ થી લઈને આટકોટની આ દુર્ઘટના સુધીના સમયગાળા પર નજર કરીશું તો સમજાશે કે દિન-પ્રતિદિન આવી દુર્ઘટનાઓ વધતી જ જઇ રહી છે. હવે તો આ દુર્ઘટનાઓ વધારે ઘાતકી અને ક્રૂર બની ગઈ છે. આ વિકૃતિ પાછળના કારણો આખરે શું છે? એમાં પણ દીકરીઓનો ઇજ્જત બચાવવા પ્રતિકાર જેટલો જોરદાર એટલું ઘાતકીપણું વધતું જાય છે. મરદાની મુવીમાં એક સાયકો વ્યક્તિ સ્ત્રીઓને સમાજમાં આગળ વધતી નથી જોઈ શકતો, એટલે તે સ્ત્રીઓ પર બળાત્કાર કરીને તેની સાથે પાશવી વર્તન કરે છે.

 આજે  સમાજમાં આવા સાયકોની સંખ્યા વધી રહી છે. આ સાયકોની સંખ્યા વધવાનું સૌથી મોટું કારણ છે, સેક્સ વિષેની અધુરી અને છીછરી સમજણ! છોકરો કે છોકરી ઉંમરલાયક થાય એટલે જાતિય અને હોર્મોનલ્સ ફેરફારો થવાના જ! આપણી પાસે આ ફેરફારો વિષે તેઓને સમજાવવાનો સમય જ નથી કે કોઈ એવો કાઉન્સેલર નથી કે જે તેઓને પોતાનામાં થતાં હોર્મોનલ્સ ફેરફારો વિષે સમજાવે. બાયોલોજી જેવો વિષય ભણતા વિદ્યાર્થીઓમાં પણ આ બાબતે જાજી સમજણ નથી હોતી... કારણકે જેવુ બાયોલોજીમાં એ ચેપ્ટર આવે, તેને સ્કીપ કરાવી દેવામાં આવે છે. ઘણી સ્કૂલોમાં તો એ ચેપ્ટરને પિન મારી દેવામાં આવે છે. એટલે વિદ્યાર્થીઓ માટે સેક્સ અજાણ્યો વિષય જ રહી જાય છે. સેક્સ વિષે જાણવાની તેમની ઉતેજના અધૂરી જ રહી જાય છે..

  આપણા સમાજમાં ખૂલીને સેક્સ વિષે ચર્ચાઓ જ થતી નથી. જાણે કે એ કોઈ અછૂત વિષય હોય, તેવું વર્તન તેની સાથે કરવામાં આવે છે. સેક્સના લાયસન્સ માટે લગ્નો થાય છે, પણ ઘણા એવા છે કે તેઓને લગ્ન પછી  સેક્સ વિષે પ્રાથમિક બાબતોની પણ ખબર હોતી નથી. ખાનગીમાં આ વિષય કાયમ ચર્ચાતો રહે છે, પણ જાહેરમાં આ શબ્દ વિષે બોલવું અપરાધ માનવામાં આવે છે. એઝ્યુકેટેડ અને સમૃદ્ધ વાલીઓ પણ પોતાના બાળકો સાથે આ બાબતે ખૂલીને ચર્ચા કરતાં નથી..

  તો બીજી બાજુ અભણ લોકો પાસેથી તો આ બાબતે જ્ઞાનની અપેક્ષા રાખવી જ વધુ પડતી છે. એમાં પણ જે લોકો પોતાના કુટુંબના ભરણપોષણ માટે પોતાનું વતન અને કુટુંબ બંને છોડીને બીજી જગ્યાએ કામ કરતાં હોય, તેઓની સેક્સની જરૂરિયાતો સંતોષાતી નથી. જેને સંતોષવા તેઓ ભૂખ્યા વરૂની જેમ આવી માસૂમ દીકરીઓ પર તૂટી પડતાં હોય છે. સેક્સ એ ભૂખ, તરસ, વગેરેની જેમ એક અનિવાર્ય જરૂરિયાત છે. જેમ ભૂખ્યો માણસ પેટની આગ બુઝાવવા ગમે તે હદે જઇ શકે છે, એવું જ સેક્સની જરૂરિયાત બાબતે થતું હોય છે.

  એમાં અધુરામાં પૂરું ઑ.ટી.ટી. પ્લેટફોર્મે તો સેક્સ્યુઅલ કન્ટેન્ટ દેખાડવામાં બધા જ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. બાળકોથી લઈને યંગ જનરેશન અને તેનાથી વાયા આ પ્લેટફોર્મ દેશના લગભગ દરેક મોબાઈલ યુઝર્સ સુધી પહોંચી ગયું છે. જેઓ પાસે શિક્ષણ નથી તેવા લોકોના હાથમાં રહેલું આ કન્ટેન્ટ તેઓના આવેગોને વધુ વેગીલા બનાવી રહ્યું છે. અને એ આવેગો દીકરીઓ પરના રેપનું મહત્વનુ કારણ બની ગયા છે.  

 આપણા દેશમાં સૌપ્રથમ રઘુનાથ કર્વેજીએ 100 વર્ષો પહેલા સેક્સ અંગેના શિક્ષણની શરૂઆત કરેલી.  આપણા દેશમાં સેક્સ હમેંશા કંટ્રોવર્સિયલ વિષય રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છતીસગઢ, આ રાજ્યોમાં સ્કૂલોમાં સેક્સ એઝ્યુકેશન પર બેન લાગેલો છે!  હજી આપણે સેક્સ શિક્ષણની જરૂરિયાતને સમજી નથી રહ્યા!

 આપણી પ્રાચીન કલાકૃતિઓમાં સેક્સને ક્લાત્મક રીતે કોતરવામાં આવ્યું છે, પણ આપણે એ સુંદરતાને વિકૃતિમાં કન્વર્ટ કરી દીધી છે. .

Wednesday, 10 December 2025

મૃત્યુ મળે એ પહેલા જીવી લઈએ, જેની સાથે જીવવું હોય તેની સાથે જીવી લઈએ....

 

 મૃત્યુ મળે એ પહેલા જીવી લઈએ, જેની સાથે જીવવું હોય તેની સાથે જીવીલઈએ....

  

 5 moving, beautiful essays about death and dying | Vox

 

 

 

 

   હમણાં અમારા ગામ નજીક એક અકસ્માત થયો, આમ તો અકસ્માત થવા એ આ દેશમાં કોઈ નવી વાત નથી, પણ આ અકસ્માત એટલા માટે યાદ રહી ગયો કે એમાં એક એવી વ્યક્તિ મૃત્યુ પામી, જે ભટકાયેલા એકપણ વાહનમાં નહોતી બેઠી! એક જૈન સાધ્વીજી હતા, જે ચાલીને બીજે ગામ જતાં હતા, હવે અરસપરસ ભટકાયેલા બે વાહનોમાથી એક વાહન જે અનાજની ગુણોથી ભરેલું હતું, તેમાથી ગુણો તે સાધ્વીજી પર પડી, અને તેઓ મૃત્યુ પામ્યા. આશ્ચર્યની વાત એ છે કે ગાડીના જે ડ્રાઇવરની ઓવર સ્પીડે અકસ્માત સર્જ્યો હતો, એ ડ્રાઈવર બચી ગયો!

 મૃત્યુ ક્યાથી કઈ રીતે આપણને જિંદગીથી અલગ કરી દે છે? કોઈને ખબર નથી. તમને યાદ હોય તો અમદાવાદમા પ્લેન ક્રેશ થયું, ત્યારે પ્લેનમાં હતા તેમાથી એકને બાદ કરતાં બાકીના તો મૃત્યુ પામ્યા જ પણ સાથે સાથે એ પ્લેન જ્યાં ક્રેશ થયું, એ મેડિકલ કોલેજના અનેક વિદ્યાર્થીઓ અને બીજા અનેક લોકો મૃત્યુ પામ્યા...

 મૃત્યુ જીવનની સૌથી નિશ્ચિત ઘટના છે, પણ સાથે સાથે સૌથી અનિશ્ચિત પણ તે જ ઘટના છે. ક્યારે ક્યાં સ્વરૂપે એ આપણી પાસે આવે અને આપણને નવા જીવન તરફ લઈ જાય, તેની કોઇની પાસે માહિતી નથી હોતી, અને કદાચ હોત તો પણ આપણે મૃત્યુને રોકી શકતા નથી.

 આમ પણ આ બ્રહાંડમાં મૃત્યુથી વધુ રહસ્યમય કોઈ નથી. મૃત્યુ પછીના જીવન વિષે લગભગ બધાને જાણવાની જિજ્ઞાસા હોય છે, પણ કોઈ પાસે એ જીવન વિષેની સચોટ માહિતી નથી.... દરેક ધર્મની મૃત્યુ વિષેની સંકલ્પનાઓ અલગ અલગ હોય છે. માન્યતાઓ જુદી જુદી હોય છે.

 આવી રીતે એક દિવસ આપણને સૌને પણ મૃત્યુ શોધી જ લેશે. એક શ્વાસ પણ ઉછીનો મળવાનો નથી, ગમે તેટલું બાકી રહી ગયું હશે, છોડીને જવું પડશે એટલે જવું જ પડશે! ઉપરની બંને ઘટનાઓમાં એવા લોકો મૃત્યુ પામ્યા હતા કે જેઓને એ અકસ્માત સાથે કોઈ લેણ-દેણ જ નહોતી!

મૃત્યુ આપણી પાસેથી શું લઈ જાય છે? એ તો કોઈ નજીકની વ્યક્તિ છોડીને જાય ત્યારે જ સમજાતું હોય છે. ત્યારે મૃત્યુ જેટલું ક્રૂર કોઈ નથી લાગતું... વર્ષોના સંબંધો એક જ ઝાટકે દૂર થઈ જતાં હોય છે, એ સંબંધના દૂર થઈ જવાથી જિંદગીમાં જે ખાલીપો આવે છે, એ ક્યારેય ભૂલી શકાતો નથી, હા પણ પૂરી શકાય છે, ખરો!

અચાનક મૃત્યુ એકદમ ભયાનક ચિત્ર આપણી સમક્ષ ખડું કરી દેતું હોય છે. જેને યાદ કરીને આપણે જીવીએ છીએ, ત્યાં સુધી દર્દ ફીલ કરતાં રહીએ છીએ. મૌતની હાજરી કોઈ ગમે તેટલી સમજાવે પણ ઘરમાથી કોઈ કાયમ માટે ચાલ્યું જાય, ત્યારે આંસુઓને અને થોડા દિવસો સુધી એ એકલતાથી આપણે આપણી જાતને દૂર કરી શકતા નથી.

એક વ્યક્તિ કે જે આજ સુધી આપણી સાથે હતી, તે નેક્સ્ટ મોમેન્ટથી આપણી પાસે નહી હોય.... (સાથે તો એ વિચારો અને અહેસાસો રૂપે કાયમ હોય છે.) એ  ફીલિંગ જ આપણને જિંદગીમાં ખાલી ચડી ગઈ હોય તેવો અહેસાસ કરાવતી રહે છે.

 મૃત્યુ એ નવા જીવનની શરૂઆત છે, એ હવે લગભગ આપણને સૌને સમજાય ગયું છે. જે જતું રહ્યું છે, એ એવી દુનિયામાં જતું રહ્યું છે કે ત્યાથી કદી પાછું નથી આવવાનું.... એ પોતે એક એવા નવા વિશ્વમાં એન્ટર થવાનું છે, જ્યાં જૂના એકપણ સંબંધો નહી હોય.... જેટલા વર્ષો જીવ્યા એટલા વર્ષો સુધી જેની જેની સાથે જે પ્રકારના સંબંધો હતા, એ હવે તેઓ હવે ભૂલી ગયા છે.

  સ્મશાનમાં આપણે તેઓને રાખમાં ભળતા જોઈશું તો સમજાશે કે આ જીવન જેમાં આપણે ડગલે ને પગલે સ્ટેટસ અને સામાજિક માપદંડોને આધારે અહમ અને પૂર્વગ્રહોને મનમાં ભરી જિંદગીને વેડફી નાખતા હોઈએ છીએ, તે આપણી સૌથી મોટી ભૂલ છે, જો કે એ સ્મશાનવૈરાગ્ય બહુ જાજુ નથી ટકતું, થોડા દિવસો પછી વળી પાછા જિંદગીના એ જ પ્રવાહમાં આપણે ભળી જતાં હોઈએ છીએ.

મૃત્યુને જો કે બહુ નજીકથી જોવાની જરૂર નથી, કારણ કે એક દિવસ એ આપણને નજીકથી જોઈ જ લેવાનું છે, નજીકથી જોવાની જરૂર છે, જિંદગીને.... જિંદગી જ અઘરી છે, મૃત્યુ તો એકદમ સરળ છે. માટે જિંદગીને એ જ્યારે પણ આપણી પાસે આવે, જીવી લઈએ.

 જે જતાં રહ્યા, તેઓ સાથે હજી માટે જીવવાનું રહી ગયું, એ અફસોસ જીંદગીનો સૌથી મોટો અફસોસ બની જતો હોય છે. કેટલું બધુ એવું છે, જે જીવવાનું રહી જાય છે અને આપણે આપણી નજર સામે એ વ્યક્તિઓને જતાં માત્ર જોઈ રહીએ છીએ, કશું કરી શકતા નથી...

 હાથ પકડીને દૂર સુધી ચાલવું હતું, સાથે ફરવા જવું હતું, વરસાદમાં ભીંજાવવું હતું, આ યાદી લાંબી લાંબી બાકી જ રહી જાય છે. અને આપણે હજી સમય છે, એ વહેમમાં એ ક્ષણોને ટાળતા રહીએ છીએ.

 મૃત્યુ જેને લઈ જાય છે, એ વ્યક્તિ અને વીતી ગયેલો સમય ક્યારેય પાછા આવતા નથી, માટે બધુ જ છોડીને જેની સાથે જીવી લેવું છે, એ વ્યક્તિઓ સાથે જીવી લઈએ. અને જે ક્ષણોને માણવી છે, તેને માણી લઈએ.

 મૃત્યુ સ્પર્શી જાય એ પહેલા એ વ્યક્તિને સ્પર્શી લઈએ, મળેલી જિંદગીને છેક સુધી જીવી લઈએ. 

 તસ્વીરોની સામે જોઈને રડયા કરવું, એના કરતાં જીવંત વ્યક્તિઓ સાથે જીવી લઈ, એ સંવેદનાઓને સ્મૃતિઓ સ્વરૂપે યાદ કરતાં રહેવું વધુ મહત્વનુ છે.... 

Friday, 5 December 2025

માણસ અને મશિન્સની રાશી એક જ છે, પણ કુંડળી બંનેની એકદમ અલગ અલગ!

 

માણસ અને મશિન્સની રાશી એક જ છે, પણ કુંડળી બંનેની એકદમ અલગ અલગ!

 Man vs Machine - Study24x7

 

 

 

માણસ અને મશિન્સની રાશી એક જ છે, પણ કુંડળી બંનેની એકદમ અલગ અલગ છે. હા બંને માં વધુ પ્રભાવી માણસ છે, પણ નવાઈની વાત એ છે કે મશીન્સનો પ્રભાવ માણસ પર વધી રહ્યો છે. હકીકત તો એ છે કે માણસે અત્યાર સુધી મશીન્સ બનાવ્યા, હવે મશીન્સ માણસને બનાવી રહ્યા છે! અને મજાની વાત તો એ છે કે માણસે પોતાની જિંદગીને સરળ બનાવવા મશીન્સ શોધ્યા હતા, પણ હવે એ મશીન્સને લીધે જ માણસોની જિંદગી સૌથી વધુ કોમ્પ્લિકેટેડ બની ગઈ છે.

 એ મશીન્સ વચ્ચે એવો ફસાય ગયો છે કે જેમ માછલીઓ પાણીમાં મુક્ત રીતે તરી રહી હોય અને કોઈ માછીમારની જાળમાં ફસાય જાય, તેમ મશીન્સથી મુક્ત માણસ મોજથી જીવી રહ્યો હતો, પણ હવે એ મશીન્સે ( પોતે જ) બિછાવેલી જાળમાં એવો ફસાય ગયો છે કે એ છટપટી રહ્યો છે, પણ બહાર નથી આવી રહ્યો....

 આસપાસ તે એટલા બધા મશીન્સથી ઘેરાઈ ગયો છે કે ધબકવાનું જ ભૂલી ગયો છે. અરે હ્યૂમન માઇન્ડ કે જેનો કોઈ વિકલ્પ જ નથી, તેને પણ તે આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ માં ફેરવવા મથી રહ્યો છે. કૃત્રિમતા જાણે કે તેના જીન્સમાં એન્ટર થઈ ગઈ છે... વર્ચુઅલ વર્લ્ડમાં એ એવો ખોવાય ગયો છે કે વાસ્તવિક દુનિયા, જે તેણે ઊભી કરેલી દુનિયા કરતાં વધુ સુંદર છે, કુદરતી છે, તેને સામે હોવા છતા નથી માણી રહ્યો...

  જિંદગીને કેપ્ચર કરી લેવાની લ્હાયમાં તે જિંદગીમાં રહેલા આનંદને, પોતાની અંદર રહેલા આનંદને ફીલ કરવાનું જ જાણે કે ભૂલી ગયો છે.... એક્સટર્નલ મેમરી એટલી બધી ફૂલ છે કે ઇન્ટરનલ મેમરીની ફીલિંગ જાણે કે વાઇરલ બનીને ઊડી ગઈ છે. તે ચર્ચાઇ રહી છે, પણ જીવાય નથી રહી....

 જિસે ભી દેખીયે, વો મોબાઇલકી સ્ક્રીન મે ગુમ હે.... સ્ક્રોલિંગ આજના જીવનનું એવું સ્લાઇડર બની ગયું છે કે એની આરપાર કોઈને કશું દેખાય જ નથી રહ્યું.... જીંદગીનો ક્વોલિટી ટાઈમ સ્ક્રીન ટાઈમમાં ખોવાય ગયો છે... એ 11 થી 14 ઇંચની સ્ક્રીને આપણી અનલિમિટેડ ખુશીઓને લિમિટ કરી દીધી છે. બહુ સરળતાથી આજે માણસો એકબીજાના સંપર્કમાં આવી રહ્યા છે, પણ એ સંપર્કમાં રહેલું આકર્ષણ ખતમ થઈ જાય ત્યારે એકબીજાથી દૂર થઈ જવાની ઘેલછા એટલી વધી જાય છે કે એ અંતર ક્રીએટ કરવા લોકો સામેવાળી વ્યક્તિઓને જિંદગીથી જ દૂર કરી રહ્યાં છે.

 વર્ચ્યુઅલ દુનિયા આપણને શીખવાડી રહી છે કે જિંદગીનું રીમોટ આપણા હાથમાં છે, અને આપણે ઈચ્છીએ ત્યારે ચેનલો બદલી શકીએ છીએ, બધુ સેટ કરી શકીએ છીએ, પણ વાસ્તવિક દુનિયામાં આપણું રીમોટ આપણી પાસે નથી હોતું, એની સ્વીચીસ તો કોઈ બીજું જ બદલી રહ્યું છે, અને તે સ્વીકારીને જ જિંદગી જીવવી પડે છે, પણ આપણે સ્વીકારી શકતા નથી કે ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ તો છે, પણ અંદરનો પાવર આપણા હાથમાં નથી, અને એ જ બાબત આપણને વધુ ને વધુ ક્રોધિત કરી રહી છે...

 અને એ ક્રોધ ફસ્ટ્રેશન સ્વરૂપે બહાર આવીને આસપાસની દુનિયાને ખેદાન-મેદાન કરી રહી છે. ખુદ આપણે ખોદેલા ખાડામાં આપણે જ દટાઈ રહ્યા છીએ. ઇલેકટ્રોનિક ગેઝેટ્સે આપણને બધુ નેગેટિવ જ આપ્યું છે, એવું નથી, પણ આપણે લઈ લીધું છે, બધુ નેગેટિવ... એ તો સાધન છે, આપણે જેવો ઉપયોગ કરીશું, તેવા પરિણામો આપણને મળશે....

 રોજ સવારે ઊઠીને ખુદને રીચાર્જ કે રીફ્રેશ કરવાને બદલે આપણે ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સને રીચાર્જ કરવા દોડીએ છીએ... ને તેને લીધે, આપણી દુનિયા સમેટાઈને એકદમ સંકુચિત થઈ ગઈ છે.... અને એ સંકુચિતતા જ આપણને એકબીજાથી દૂર ને દૂર લઈ જઇ રહી છે... કેવી વિચીત્રતા છે કે જે ગેઝેટસની શોધ આપણને કનેક્ટ કરવા થઈ હતી, તે જ ગેઝેટસે આપણને ડિસકનેક્ટ કરી દીધા છે....

 સૌથી વધુ ભયાનક સ્થિતિ એ છે કે મશીન્સને લીધે આપણો કુદરત સાથેનો સંબંધ બગડી ગયો છે, આપણે કુદરતથી એટલા દૂર થઈ ચૂક્યા છીએ કે પાછા ફરવામાં પણ વર્ષો વીતી જાય એવું લાગે છે. આપણા પૂર્વજો કુદરત સાથે રહીને મસ્ત જીવન જીવી શકતા પણ આપણે એમાં નિષ્ફળ ગયા છીએ. કુદરતનો કલરવ મશીન્સના ઘોંઘાટમાં ક્યાંક ખોવાય ગયો છે. અને આપણે કુદરતી જંગલની મોજ માણવાને બદલે મશીન્સના જંગલોમાં ભટકી રહ્યા છીએ. અને સાલું એવા ભટકી ગયા છીએ કે ખુદને જ નથી મળી રહ્યા!

  જે કઈ જાતે થઈ શકે તેવું હતું, તેને પણ આપણે મશીન્સના હવાલે કરી દીધું છે. મશીન્સ સ્માર્ટ થઈ રહ્યા છે, પણ આપણે આપણી સ્માર્ટનેસ ગુમાવી રહ્યા છીએ. સૌથી ડેંજર પરિણામ એ છે કે આપણે સર્જનાત્મકતા ગુમાવી રહ્યા છીએ. આર્ટિફિસિયલ ઇંટેલિજન્સના ચક્કરમાં આપણે ખુદની બુદ્ધિને અભેરાઈએ ચડાવી રહ્યા છીએ.

 એકાદ કલાક મશીન્સથી દૂર રહીશું તો આપણને સમજાશે કે આપણે મશીન્સ પર કેટલા નિર્ભર થઈ ચૂક્યા છીએ. આ નિર્ભરતા જ આપણને માનસિક રોગો તરફ ખેંચી રહી છે. એકલા કરી રહી છે. લોકો લાગણીઓ માટે પણ મશીન્સ પર આધાર રાખીને બેસી ગયા છે, જે તેઓને ત્યાથી કદી મળવાની નથી... કોઈ આર્ટિફિસિયલ ઇંટેલિજન્સ પાસે પોતાની માટે લાઈફ પાર્ટનર માંગી રહ્યું છે, પણ તેને ખબર નથી કે એ લાઈફ પાર્ટનર તેને જીંદગીની જીવંત ક્ષણો નથી આપી શકવાનો....

 આપણા સૌના જીવનમાં માણસનું સ્થાન મશીન્સ ક્યારેય નથી લઈ શકવાના, કારણકે મશીન્સ ધબકી શકતા નથી..... તે હસી શકતા નથી, રડી શકતા નથી, તે ફીલ કરી શકતા નથી...

 મગજ અને મન આ બંનેનો વિકલ્પ કોઈ પાસે નથી, વૈજ્ઞાનિકો અને દુનિયાભરના સંશોધકો ગમે તેટલા ઠેકડા મારી લે, પણ તેઓ મન અને મગજના ઓપશન્સ આપણને આપી શકે એમ જ નથી,…..

 માટે ઈશ્વરે જે આપણને નવું સર્જન કરવા માટે આપ્યું છે, તેને એમ જ રહેવા દઈએ. જે જાતે થઈ શકે એમ છે, તેને જાતે જ કરી લઈએ. જિંદગીમાં સગવડો જરૂરી છે, પણ અગવડો સાથે જીવી લેવું પડે તો પણ હસતાં હસતાં જીવી લઈએ.

 સૂર્યોદય, સૂર્યાસ્ત, પૂનમના ચંદ્રનું સૌંદર્ય, ફૂલોનું ખીલવું, બાળકોની રમતો, પ્રેમના પતંગિયા, હોર્મોન્સનું અસંતુલન, તરુણાવસ્થાની સંવેદનાઓ, શારીરીક અને માનસિક ફેરફારો... નદીઓનો રવ, પર્વતોનો આનંદ, ઝરણાની સ્વતંત્રતા, સંધ્યાના રંગો, આકાશ અને દરિયાની અસીમતા, વૃક્ષોનું સૌંદર્ય,પક્ષીઓનો કલરવ, જંગલોની ગીચતા વગેરે વગેરે આપણને જે કઈ ફીલ કરવા મળ્યું છે, તેને કરીએ.

 મશીન્સ સાથે બંધાઈને ક્યાંક આપણે ફીલ કરવાનું જ ના ભૂલી જઈએ. મશીન્સના વધતાં ઉપયોગે વાતાવરણમાથી ફ્રેશનેશ લઈ લીધી છે. તેને લીધે આપણને વાતાવરણ પાસેથી જે હુંફ મળી રહેવી જોઈએ એ નથી મળી રહી... આજે વાતાવરણ જ એટલું ધૂંધળું બની ગયુ છે કે આપણે સતત થાક ફીલ કરવા લાગ્યા છીએ.

 મશીન્સથી થઈ શકે એટલી દૂરી આપણે કરવી પડશે... જો આપણે ધબકતા રહેવું હશે, તો.... જો આપણે ભાવી પેઢીને સ્વચ્છ અને સુંદર પર્યાવરણ આપવા માંગતા હોઈએ તો....

 

 

Thursday, 4 December 2025

 

લગ્નો શાશ્વત છે, અને લગ્નેત્તર સંબંધો? 
 Extramarital Affair: Why Do Faithful Partners Engage In Adultery?

 

હેડિંગ: 

ખાડા ખોદીને લાશ દાટવી, એના કરતાં આપણા પૂર્વગ્રહો દાટીને અંદર એવું કશુંક ઉગાડીએ કે આપણને પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો તફાવત સમજાય જાય.... 

 

 

 

        ભારતની સૌથી મોંઘી દાટ અને ઠાઠમાઠવાળી મેરેજ સિઝન ચાલી રહી છે. અનેક લગ્નો થઈ રહ્યા છે. પોતાની જિંદગીમાં એક જ વાર (સાચે જ !) આવતા આ પ્રસંગને ચાર ચાંદ લગાડવા લોકો આખી જિંદગીભરની કમાણી વહાવી રહ્યા છે. અને જેની પાસે નથી, તેઓ ઉછીના લઈને આ ખુશીને સેલિબ્રેટ કરી રહ્યા છે. દર વર્ષે એકાદ સેલિબ્રેટીના લગ્નની ધામધૂમની સોસિયલ મીડિયા પર એટલી ચર્ચા અને દેખાડો થાય છે કે આવતી મેરેજ સીઝનમાં અમારે પણ દુનિયાને દેખાડી દેવું છે, એવું નક્કી કરી લઈને ઘણા લોકો ત્રેવડ ના હોવા છતાં બેફામ ખર્ચા કરે છે. અને ઘણીવાર તો માતા-પિતા લગ્નના ખર્ચમાથી બહાર પણ ના આવ્યા હોય અને છૂટા-છેડા થઈ જતાં હોય છે!

 આજકાલના લગ્નોમાં કમીટમેંટ સિવાય બધુ જ હાજર હોય છે. લગ્ન એટલે ગમે તેવી પરિસ્થિતિમાં એકબીજાને સાથ આપી આખી જિંદગી સાથે રહેવું એ જાણે કે ભૂલાય જ ગયું છે. બધા નહી પણ મોટા ભાગના લગ્નોમાં કપલ્સનો એકબીજા પ્રત્યેનો વિશ્વાસ તળિયે આવી ગયો છે. લગ્ન બહારના સંબંધોએ લગ્ન સંસ્થાના પાયા હચમચાવી નાખ્યા છે. એક રીપોર્ટ મુજબ ભારતમાં છેલ્લા 5 વર્ષોમાં મેરિચ્યુયલ અફેર્સની લીધે સૌથી વધુ આપઘાતો થયા હતા, તો સૌથી વધુ એટલે કે 42% જેટલા મર્ડર થયા હતા. અને તેમાથી મોટા ભાગના એટલા ઘાતક અને ક્રૂર હતા કે તેની વિગતો જાણીને પોલીસની આંખોમાં પણ આંસુ આવી જતાં કે અરેરાટી થઈ જતી.

  એક્સ્ટ્રા મેરિચ્યુયલ અફેર્સની એક આશ્ચર્ય પમાડે એવી માહિતી એ છે કે સ્ત્રીઓ દ્વારા પુરુષો વધુ પ્રમાણમાં મરી રહ્યાં છે. સ્ત્રી-સશક્તિકરણ! એન.સી.આર.બી. ના લેટેસ્ટ રીપોર્ટ મુજબ ભારતમાં રોજ 20 આત્મહત્યા અને હત્યા આવા અફેર્સને લીધે થાય છે. દર વર્ષે લગભગ 4500 સ્ત્રીઓ અને 6000 જેટલા પુરુષો આ અફેર્સને લીધે મૃત્યુને શરણે થઈ જતાં હોય છે. સાથે જીવવું એટલું અસહ્ય થઈ ગયું છે કે મૌત સિવાય બીજો કોઈ વિકલ્પ તેમને દેખાતો નથી. જુદી જુદી સોસિયલ સાઇટ્સ પર લોકો એકબીજાને મળે છે, એકબીજાના જીવનના અને જીવનસાથીના પ્રોબ્લેમ્સ શેર થાય છે, પછી તેઓ મળે છે, આકર્ષણ થાય છે, અને એ આકર્ષણ પતિ કે પત્નીના આપઘાત કે હત્યાનું કારણ બની જાય છે.

   કા તો એકવખતના જૂના પ્રેમીઑનું રીયુનિયન થાય છે અને ના જીવી શકાયેલુ જીવન સપાટી પર તરી આવે છે, અને એ જીવન જીવી લેવા પ્રેમીઓ પોતાના જીવનસાથીને જ નહી, પણ પોતાના સંતાનોને પણ મોતને ઘાટ ઉતારી રહ્યા છે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સે જે વર્ચ્યુયલ દુનિયા ઊભી કરી છે, તેને લીધી લોકોને પોતાનું લગ્નજીવન બીજાની સાપેક્ષે દૂ:ખી દૂ:ખી જ લાગી રહ્યું છે. સૌના મનમાં મને આ નથી મળી રહ્યું, તેનો અસંતોષ તેઓને ગમે તેવા ક્રૂર રસ્તે લઈ જાય છે. કોઈને મારી નાખવાથી જો પોતાની  જરૂરિયાતો પૂરી થઈ જતી  હોય, તો એકાદ ખૂન કરી લેવામાં કઈ વાંધો નહી, એવું કપલ્સ માનવા લાગ્યા છે. પણ પછી જયારે એ પકડાય ત્યારે જિંદગી કેવી થઈ જશે? એ વાસ્તવિક્તા આ આભાસી દુનિયામાં કોઈ નથી જોઈ રહ્યું!

  છાપું વાંચતાં વાંચતાં આપણા હાથ ધ્રુજી જતાં હોય છે, દિવસોના દિવસો સુધી એ હત્યાઓ અને આત્મહત્યાઓ આપણા મનને અશાંત કરી દેતી હોય છે, તો જેઓ આવા ઘાતકી કિસ્સાઓ સાથે જોડાતા હશે, તેઓને કશું નહી થતું હોય? 

   મોટા ભાગના ઘરોમાં વડીલોની બાદબાકી આ દુર્ઘટનાઑ બનવા માટેનું સૌથી મોટું કારણ છે. ઘરમાં વડીલો હોય તો તેઓ કપલ્સમાં ઊભા થતાં પ્રશ્નોને કેમ ઉકેલવા તે સમજાવી શકે, પણ હવે ઘરમાં વડીલો લોકોને ખાસ કરીને સ્ત્રીઓને જૂના ફર્નિચર કે ડસ્ટબિન જેવા લાગે છે. અને આવા જૂના ફર્નિચરનું મકાનમાં શું કામ?

  તે ઉપરાંત પ્રેમ સંબંધનો સ્ટ્રેસથી લઈને છૂટાછેડા પછીના પરિણામો, ખોટા કાનૂની કેસ અને સામાજિક કલંક પણ  આ આત્મહત્યાઓ અને હત્યાઓ પાછળ છુપાયેલા કારણો છે. ભારતમાં લોકોને પોતાનું લગ્ન-જીવન બચાવવા સાયકોલોજિસ્ટ પાસે જવામાં પણ શરમ આવે છે. હોર્મોનિયલ સમસ્યાઓ અને મૂડ-સ્વીંગસને સમજવા મેરેજ કાઉન્સેલર પાસે જવું જરૂરી છે, પણ આ અંગે હજી આપણે એટલા જાગૃત નથી.

  ખાડા ખોદીને લાશ દાટવી, એના કરતાં આપણા પૂર્વગ્રહો દાટીને અંદર એવું કશુંક ઉગાડીએ કે આપણને પ્રેમ અને આકર્ષણ વચ્ચેનો તફાવત સમજાય જાય....

 

    

શું હવે સોસિયલ મીડિયા પર કશુંક પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે???

        શું હવે સોસિયલ મીડિયા પર કશુંક પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે???          સોસિયલ મીડિયા આજકાલ આપણા સૌના જીવનનો એક ...