Saturday, 21 March 2026

એ.આઈ.રમકડાઓ’ બાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે!!!

 

એ.આઈ.રમકડાઓબાળકોના ભવિષ્ય સાથે રમી રહ્યા છે!!!

ChatGPT-powered teddy bears could read ... 

 

 

    રમકડાં એક એવું વિશ્વ છે, જ્યાથી બહાર નીકળવું બાળકો માટે અશક્ય છે. બાળકોને ખુશ રાખવા અને નવું નવું શીખવવા માતા-પિતા તેઓને રમકડાં લઈ આપતા હોય છે. ઘણા માતા-પિતા તો આજકાલ બાળકો માટે રમકડાથી સજાવેલો એક રૂમ તૈયાર કરતાં હોય છે. આપણી પ્રાચીન સંસ્કૃતિઓના અવશેષોમાં રમકડાંના નમૂના પણ મળી આવ્યા છે. હવે તો બાળકો માટે રમકડાઓથી ભરેલું બજાર છે, પહેલા મેળામાં બાળકો જવા માટે જ એટલા માટે તૈયાર થતાં કે ત્યાં રમકડાં મળશે. ઘણા બાળકો તો પોતાના રમકડાઓને જીવની જેમ સાચવી રાખે છે, અને ઘણા બાળકો માટે દર બે-ત્રણ કલાકે એક રમકડું જૂનું થઈ જતું હોય છે.

   સમય બદલાતા બાળકોના રમકડાઓમાં અને ખુદ બાળપણમાં પણ પરીવર્તન આવી ગયું છે. બીજા ક્ષેત્રોની જેમ બાળકોના રમકડાઓમાં પણ ટેક્નોલૉજી આવી ગઈ છે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સે બાળકોના બાળપણની વ્યાખ્યા જ બદલી નાખી છે. પેલાના રમકડાઓને લીધે બાળકોમાં કુતુહુલવૃતિ વધતી, પણ હવેના આ ઈલેક્ટ્રોનિક રમકડાઓએ બાળકો પાસેથી તેઓનની  કુતુહુલવૃતિ અને માસુમિયત બંને છીનવી લીધા છે. રમકડાઓના વિશ્વમાં ગાડી, રેલગાડી, ઢીંગલી, લાકડાનો ઘોડો, પક્ષીઓ, ટેડીબીયર, વગેરે વગેરે આવતું. પેલા પાંચ બાળકો વચ્ચે એક રમકડું ચાલી જતું, અને હવે એક બાળકને પાંચ રમકડાંથી પણ ચાલતું નથી!

  બાળકોને ભણાવવા માટે પણ રમકડાનો ઉપયોગ થતો. આપણે નાના હતા ત્યારે ગણિત શીખવવા મણકા-ઘોડીનો અને રંગો ઓળખતા શીખવવા રંગીન કાર્ડ્ઝનો ઉપયોગ થતો. રમકડાંઑ સાથે રમી રમીને આપણે ઘણું બધુ શીખી લેતા અને યાદ પણ રાખી શકતા. આજે તો મોટા ભાગની સ્કૂલ્સમાં લેટેસ્ટ રમકડાઓનો ઉપયોગ કરીને બાળકોને આકર્ષવામાં આવે છે, શીખવવામાં આવે છે કે નહી? એ પ્રશ્નનો જવાબ તમારા પર છોડું છુ.

   આજનું બાળપણ તો જો કે મોબાઈલ અને બીજા ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ પાછળ લિટરલી વેડફાઇ જ રહ્યું છે. અમને ના મળ્યું, એ અમારા બાળકોને મળવું જોઈએ, એ ઘેલછામાં માતા-પિતા બાળકોને ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સથી ભરેલી દુનિયામાં એકલા મૂકી રહ્યા છે. અને એમાં હવે એ.આઈ ટોયઝનો ઉમેરો થયો છે. એ.આઈ. આખી દુનિયાને કશુંક આપી રહ્યું છે, તો બાળકો કેમ બાકાત રહી જાય? 6જીની સ્પીડે એ.આઈ. બાળકોના વિશ્વમાં પણ હાઉકલી કરી રહ્યું છે.   

  2026માં રમકડાના બજારમાં  મિકો 3, મીરાના મૂન વોકર, ક્વાર્કી ઇનોવેટિવ કીટ, વગેરે વગેરે ઇન્ટરેક્ટિવ સાથીઓની સવારી આવી ગઈ છે. એક પ્રકારના રોબોટ્સ છે, બાળકોને સાયન્સ,ટેક્નોલૉજી, એંન્જીનિયરિંગ, અને મેથ્સના કોન્સેપ્ટ શીખવે છે. બાળકો તેઓની સાથે વાતચીત પણ કરી શકે છે. એનો અર્થ હવે આપણે આપણાં બાળકોને રોબોટસના સહારે મૂકી દઇશું. ખાસ કરીને ધનિક માતા-પિતા આવા રોબોટ્સ માટે દોડ મૂકશે, અને તેઓને જોઈને મિડલકલાસ માતા-પિતા પણ એ જ કરશે.  બાળકોને શિક્ષણ આપવા માટે આ નવી ટેક્નોલૉજીનો ઉપયોગ કરતાં પહેલા તેનાથી થતાં ગેરલાભો વિષે જાણી લેવું જરૂરી છે. 

 યુનિસેફ જેવી સંસ્થાઓએ પણ એ.આઈ. ટોયઝના ઉપયોગ વિષે સભાનતા રાખવાની સલાહ આપેલી છે. આવા રમકડાઓ બાળકોને ગલત કોન્ટેંટ શીખવે છે, ખાસ કરીને ડ્રગ્સ અને સેક્સ વિષે! ઘણીવાર બાળકો આવા રમકડાઓ પાસેથી ભયંકર માહિતી પણ મેળવે છે. બાળકોના સામાજિક અને સાંવેગિક વિકાસ પર પણ આ રમકડાઓ વિપરીત અસરો ઊભી કરે છે."જો AI રમકડાંને આકર્ષક બનાવવા માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવે, તો તે બાળકના જીવનમાં વાસ્તવિક સંબંધોને ભીડમાં નાખવાનું જોખમ લઈ શકે છે જ્યારે તેમને તેની સૌથી વધુ જરૂર હોય છે." આવું ડૉ. કેથી હિર્શ-પાસેક કે જેઓ એક પ્રખ્યાત યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના પ્રોફેસરે પોતાના સંશોધનથી સાબિત કર્યું છે.   

  આપણે બાળકોને ભ્રામક નહી, પણ વાસ્તવિક દુનિયાનો પરિચય શિખવવાનો છે. ઉંમર પહેલા તેઓ જેટલું વધુ શિખશે તેટલું તેઓ માટે અને માતા-પિતા માટે નુકસાનકારક સાબિત થશે.ભારતીય બજારો આવા બ્રાન્ડેડ, ઉચ્ચ-ગુણવત્તાવાળા અને શૈક્ષણિક રમકડાંઓથી ઉભરાઇ રહ્યું છે. 2028 સુધીમાં આ બજાર અબજો રૂપિયાનુ થઈ જશે. પણ એ.આઈ. ની આ રેસમાં સામેલ થયા પહેલા આપણે સૌએ એ રેસના ખેલાડીઓને બરાબરથી સમજી લેવા પડશે. મોટા ભાગના નિષ્ણાતોના કહેવા મુજબ બાળકો સાથે "વાત" કરવા અને તેમને શિક્ષિત કરવા માટે ચેટબોટ્સનો ઉપયોગ કરતા એ.આઈ. સંચાલિત રમકડાં ખરેખર તેમની પ્રાઈવસી અને સ્વસ્થ વિકાસને નુકસાન પહોંચાડી શકે છે.

 

 

Thursday, 12 March 2026

ભારતીય કૃષિ હવે યુવાન થઈ રહી છે....

 

ભારતીય કૃષિ હવે યુવાન થઈ રહી છે.... 

Emerging Trends of Agriculture in India 

 

  આપણાં દેશમાં ખેતીને શિક્ષણમાં જેવુ સ્થાન મળવું જોઈએ, એવું સ્થાન મળેલ નથી! પણ આજની યંગ જનરેશને પોતાની ટેક્નોલોજિકલ દુનિયામાં ખેતીને ઊંચું સ્થાન અપાવી દીધું છે. જેને લીધે આઝાદી પછીના ઘણા વર્ષો સુધી યંગ જનરેશન ખેતીથી દૂર થઈ ગઈ હતી તે ખેતી તરફ પાછી વળી ગઈ છે.. ખેતી પ્રત્યેના તેઓના એટિટ્યુડમાં ક્રાંતિકારી પરીવર્તન આવ્યું છે. ખેતી ફક્ત એવા લોકો માટે છે જેની પાસે બીજું કોઈ કામ નથી, એવી જૂની માન્યતાને યંગ જનરેશને ટેક્નોલોજીના ઉપયોગ થકી બદલી નાખી છે. લેપટોપ અને ડ્રોનથી સજ્જ આજના યુવાનો "કૃષિ-માલિક" બની રહ્યા છે. ખેતી એક ઊંચા ટેક્નોલોજિકલ વ્યવસાયમાં વિકસિત થઈ રહી છે, જે નફાકારકતા અને સન્માન બંને આપે છે. વિકસતા બજારો, સરળ લોન સિસ્ટમ અને અદ્યતન ટેકનોલોજીએ ખેતીને એટલી આકર્ષક બનાવી છે કે લોકો કૃષિ સાહસો શરૂ કરવા માટે પોતાની હાલની ઊંચા પદની નોકરીઓ છોડી રહ્યા છે!

   આધુનિક ખેતી કોર્પોરેટ નોકરીઓ જેટલી જ નફાકારક બની શકે છે, જેમાં કૃષિ-ઉદ્યોગ સાહસિકો માત્ર પાક વેચીને જ નહીં, પરંતુ બીજ વ્યવસાયો, પ્રક્રિયા અને સીધા છૂટક વેચાણમાં જોડાઈને પણ વાર્ષિક લાખો અને કરોડોનો ટર્નઓવર હાંસલ કરે છે. ઉદાહરણ તરીકે, ઓર્ગેનિક ખેતી થકી, સોયાબીનની ખેતી થકી, મકાઈની ખેતી થકી, વગેરે વગેરે પાકોમાં તેમણે લેટેસ્ટ ટેકનૉલોજીનો ઉપયોગ કરીને નિકાસ, કૃષિ-પર્યટન અને ઓર્ગેનિક બ્રાન્ડિંગમાં અસંખ્ય તકો પોતાના માટે ખોલી નાખી છે. પ્રારંભિક રોકાણ પછી, સફળ કૃષિ વ્યવસાય 20% થી 40% સુધીનો ચોખ્ખો નફો મેળવી આપે છે.

   યુવા ખેડૂતો હવે પરંપરાગત પદ્ધતિઓને બદલે હવામાન અપડેટ્સ માટે સ્માર્ટવોચ અને મોબાઇલ એપ્લિકેશનોનો ઉપયોગ કરે છે. ડ્રોન આધારિત ખાતર છંટકાવ અને રિમોટ-કંટ્રોલ સિંચાઈ પંપોએ ખેતીને રોમાંચક અને સરળ બનાવી દીધી છે, જે વિડીયો ગેમ રમવા જેવી છે. આધુનિક ખેતીનો મંત્ર છે, ઓછો પ્રયાસ અને વધુ ઉપજ.  

   ભારતીય યુવાનો કૃષિની ઉપજ અને ટકાઉપણું વધારવા માટે AI, ડ્રોન, સેટેલાઈટ સિસ્ટમ અપનાવીને કૃષિને હાઇ-ટેક ક્ષેત્રમાં પરિવર્તિત કરી રહ્યા છે. 1,300 થી વધુ કૃષિ સ્ટાર્ટઅપ્સ પાકમાં થતી જીવાત શોધવા માટે, પોષક તત્વોના છંટકાવ માટે ડ્રોન ટેકનોલોજી અને બજારમાં વેચાણ માટે માટે સ્માર્ટ એપ્લિકેશન્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ "કૃષિ 4.0" અભિગમ છે, જે ઓટોમેશન, ડેટા-એનાલિસિસ અને ટકાઉ પદ્ધતિઓના ખભ્ભે ખેતીને બેસાડી રહ્યું છે.

  આજના યુવા ખેડૂતો તેમના ખેતરો અને વાડીઓને વિવિધ પ્રકારના પાકોથી અપ ટૂ ડેટ કરી રહ્યા છે. ઘઉં અને ચોખાને વળગી રહેવાને બદલે, તેઓ ફૂલોની ખેતી, મોંઘા ઓર્ગેનિક મસાલા અને વિદેશી શાકભાજી જેવા ઉચ્ચ માંગવાળા પાક ઉગાડે છે, જે સતત આવક સુનિશ્ચિત કરે છે. આ યુવા ખેડૂતો પોતાની ખેતીના માલિક બની રહ્યા છે અને ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની નવી તકો ઉભી કરી રહ્યા છે અને સાથે સાથે નોંધપાત્ર આવક પણ મેળવી રહ્યા છે.

 ગુજરાતનો વેપારી યુવાન પણ આ ફીલ્ડમાં પાછળ નથી. ગુજરાતમાં નૈરીતા સર્વિસીસ જે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે, હનીવેદ, મધમાખી ઉછેર ક્ષેત્રે, કૂલક્રોપ સૌર કોલ્ડ સ્ટોરેજમાં, ઇન્ફીયુ લેબ્સ ફળ પરીક્ષણમાં, અને એવિક એગવેન્ચર જેવા સ્ટાર્ટઅપ્સે ગુજરાતની ખેતીને પણ ગ્લોબલ બનાવી દીધી છે. તો AAU આનંદ અને i-Hub જેવા મુખ્ય કેન્દ્રો AI, રોબોટિક્સ અને ઓર્ગેનિક ખેતીમાં નવીનતાના રંગો લઈને આવ્યા છે.

   આંધ્રપ્રદેશમાં, યુવા ખેડૂતો મુખ્ય પોપકોર્ન અને નાસ્તા કંપનીઓ સાથે સીધી ભાગીદારી કરીને મકાઈની ખેતીમાં ક્રાંતિ લાવી રહ્યા છે, આમ વચેટિયાઓને બાયપાસ કરીને તેમનો નફો વધારી રહ્યા છે. મહારાષ્ટ્ર અને પંજાબમાં, યુવાનો દ્રાક્ષ અને દાડમની બ્રાન્ડ બનાવી રહ્યા છે અને તેમને વૈશ્વિક સ્તરે નિકાસ કરી રહ્યા છે, અને પંજાબમાં, તેઓ કૃષિ-ટેક સ્ટાર્ટઅપ્સ સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. રાજસ્થાનમાં, બાજરીની ખેતી પુનર્જીવિત થઈ રહી છે, જ્યારે કેરળમાં, 'ફાર્મ સ્ટે' તરીકે ઓળખાતા કૃષિ પર્યટનનો એક નવો ટ્રેન્ડ લોકપ્રિય બની રહ્યો છે.

 સૌથી મહત્વનુ એ છે કે હવે યુવાનોને કૃષિમાં પોતાનું કરિયર દેખાઈ રહ્યું છે, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં કૃષિ આધારિત નવા કરિયર ઓપશન્સની પસંદગી આજની યંગ જનરેશન કરી રહી છે. ખેતીને તેનો હાઇફાઈ તાત મળી ગયો છે. એ આનંદની વાત છે.  

 

 

  

 

 

Monday, 9 March 2026

દીકરીઓ.................કોની જવાબદારી?

 

 દીકરીઓ.................કોની જવાબદારી? 

Band Baaja Bitiya | Goel TMT 

 

ઝારખંડના રાંચી શહેરમાં ઠાઠથી એક બારાત નીકળી છે, જેમાં કોઈ વર નથી, કોઈ વધુ નથી, એક વૃદ્ધ માણસ અતિ હરખથી નાચતા નાચતા આગળ વધી રહયા છે. તેઓના ચહેરા પર સંતોષનો આનંદ છે. તે બારાત એક ઘર પાસે જઈને ઊભી રહે છે, અરે પિતાજી તમે, એવું કહીને જમાઈ પિતાને પગે લાગે છે, ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બનેલી દીકરી પિતાને આવેલા જોઈને પિતાને ભેટી પડે છે. તેણીની આંખોમાં આંસુઓની ધારા વહી રહી છે, અને પિતાની આંખોમાં પણ... પણ એ આંસુ દીકરીને સાસરિયાના ત્રાસમાથી છોડાવવાના સંતોષના હતા! ખુશીના હતા!

  મારી દીકરી સાસરે જવાથી કોઈ અજાણી વ્યક્તિ નથી બની ગઈ કે નથી એ પરાયું ધનડાઈવોર્સી દીકરીને ઘરે લઈ જતાં સમયે નીકળેલા આ વાક્યોએ સમાજને જગાડવાનું કામ કર્યું છે. પિતાએ કહ્યું કે એક બાપ પોતાની દીકરીને ઉજ્જવળ ભવિષ્ય આપવા તેણીના લગ્ન કરાવે છે, પણ જો જીવનસાથી ખરાબ નીકળે કે સાસરિયાં સારા ના હોય તો દીકરીને તરત જ પિયર તરફ સન્માનપુર્વર્ક લઈ જવી જોઈએ. કારણકે દીકરીઓ અમૂલ્ય હોય છે!

  જો માતા-પિતા આ વાતને સમજી લે, તો દીકરીઓ પ્રત્યેના સમાજના પૂર્વગ્રહોમાં ધરખમ ફેરફારો લાવી શકાય એમ છે....

“દીકરી કોની જવાબદારી છે?” આ પ્રશ્નનો જવાબ સદીઓથી આપણો સમાજ શોધી રહ્યો છે, પણ હજી સુધી તેનો કોઇ જવાબ મળી શક્યો નથી! તમે કહેશો અરે આજના સમાજમાં દીકરીઓને વળી કોણ જવાબદારી સમજે છે? હવે તો સમય બદલાય ગયો છે. અને દીકરીઓ સાથે પણ હવે દીકરાઓ જેવો જ વ્યવહાર કુટુંબોમા થાય છે. નો ડાઉટ સમય બદલાય ગયો છે, પણ આપણા સમાજની, ખાસ કરીને ગ્રામ્ય સમાજની મેંટાલિટી બદલાઈ છે ખરી?

 ઘણા બધા ક્ષેત્રે હવે દીકરીઓની એન્ટ્રી થઈ ચૂકી છે, પણ એ એન્ટ્રી લેનાર દીકરીઓની સંખ્યા કેટલી? ભારતમાં આમ તો બે પ્રકારની દીકરીઓ રહે છે, એક શહેરી દીકરી અને બીજી ગ્રામ્ય દીકરી.... શહેરી વિસ્તારની દીકરીઓની પરિસ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે, પણ ગ્રામ્ય વિસ્તારોમાં હજી આ બદલાવ બાકી છે..... આજે પણ ગામડાઓમાં દીકરીઓને પોતાનો જીવનસાથી નક્કી કરવાની કે પછી પોતાનું કરિયર નક્કી કરવાની કે સફળતા મેળવવાના રસ્તાઓ પસંદ કરવાની સ્વતંત્રતા નથી મળતી....

આજે પણ આગળ વધનાર સ્ત્રીઓ કરતાં પીછેહઠ કરનાર સ્ત્રીઓની સંખ્યામાં બહુ મોટો તફાવત જોવા મળે છે. ઘણા એવા કુટુંબો છે, જ્યાં દીકરીઓ કરતાં દીકરાઓને વધુ મહત્વ આપવામાં આવે છે. દિકારાઓ સક્ષમ ના હોય તો પણ એના શિક્ષણ પાછળ ખર્ચ કરવો છે, પણ દીકરીઓ સક્ષમ હોય તો પણ તેણીના શિક્ષણ પાછળ રોકાણ નથી કરવું!

 દીકરી તો પરણીને સાસરે જતી રહેવાની, તેને ભણાવીશું તો એ લાભ તો બીજાને મળવાનો છે, એવા પૂર્વગ્રહો ધરાવનાર લોકોની સંખ્યામાં જરાપણ ઘટાડો નથી થયો. દીકરીનું શિક્ષણ તેના માટે વિપરીત સંજોગોમાં અને પોતાના હકો માટે લડવાનું સૌથી મજબૂત હથિયાર બની શકે એમ છે, પણ આપણે એ દિશામાં વિચારતા જ નથી...

દીકરીને લગ્ન સમયે કરિયાવર નહી આપીએ તો ચાલશે, પણ શિક્ષણ અને સ્કિલ-ડેવલપમેંટના પાઠ શીખવીશું તો તેણી જીવનમાં આવતી કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકશે, બસ દીકરીઓને ભણાવતી વખતે આટલું યાદ રાખીએ...

 તો બીજો જવાબદારી અંગેનો એ સવાલ છે કે લગ્ન પછી ખબર પડે કે દીકરીને સાસરામાં દૂ:ખ આપવામાં આવે છે, ડોમેસ્ટિક વાયોલન્સનો દીકરી ભોગ બની રહી છે, તો તે તેણીનું નસીબ છે, એવું કહીને કે પછી, પતિ-પત્ની વચ્ચે આવું તો ચાલ્યા કરે, થોડો સમય જશે એટલે બધુ સરખું થઈ જશે, એવું સમજાવીને કે પછી ઘરમાં હજી તારી બહેનો બેઠી છે, તો એડજસ્ટમેંટ કરી લે એવી શિખામણ આપીને કે લગ્ન પછી તો દીકરીનું સાસરું જ તેણીનું ઘર છે, તેવી ડાહી ડાહી વાતો કરી લેવાથી શું આપણે દીકરીઓને આત્મહત્યાના રસ્તે નથી વાળી દેતાં?

 ખાસ કરીને દીકરીઓએ જ્યારે અણસમજણમાં આવી જઈને લવ મેરેજ કર્યા હોય ત્યારે તો આપણે જાણે એણે માફ ના કરી શકાય એવો અપરાધ કર્યો હોય એવું ચિત્ર ઊભું કરી દેવામાં આવે છે. માતા-પિતાએ શોધ્યું હોત તો આવું ના થાત! એવી માન્યતાઓ સાથે આપણે દીકરીઓને જંગલી પશુઓથી ભરેલા જંગલમાં એકલી છોડી દેતાં હોઈએ છીએ.

 અરે આવી ભૂલો તો થઈ જાય, પણ માતા-પિતા તરીકે આપણા સૌની ફરજ છે કે આપણે દીકરીના આ કપરા કાળમાં તેણીની સાથે ઊભા રહીએ. ઉપરની સુંદર ઘટનાનો એક યુ-ટ્યુબ વિડીયો આજકાલ બધુ વાઇરલ થઈ રહ્યો છે, જેનું ટાઇટલ છે, બેન્ડ, બાજા ઓર બીટીયા’. જોવાલાયક વિડીયો છે.  સોસિયલ મીડિયા સામાજિક જાગૃતિ લાવવાનું સૌથી મોટું માધ્યમ છે, બસ આપણે જાગૃત થવા જોઈએ. દીકરી હકીકતમાં તો કોઇની જવાબદારી નથી, તેણીને મોકો મળે તો એ આખા કુટુંબની જવાબદારી ઉપાડી લે એમ છે, બસ એક જાગૃત માતા-પિતા તરીકે આપણે સૌએ તેણીને પેલા પિતાએ આપ્યો એવો સપોર્ટ આપવાનો છે.

 ગામની એક દીકરી લવ મેરેજ કરીને ભાગી જાય તો આખા ગામની દીકરીઓના શિક્ષણ પર રોક લાગી જતી હોય છે. એક દીકરીએ કર્યું, એવું બધી કરશે, એ પૂર્વગ્રહ જ કેટલો અન્યાયી છે.... અને આ અન્યાયને આપણે સૌએ સાથે મળીને દૂર કરવો પડશે.

  મહિલાઓને નડતાં આવા તો કેટલાયે પ્રશ્નો છે, જેના ઉકેલો આપણે સૌએ સાથે મળીને શોધવાના છે, અને સ્ત્રીઓને અસ્તિત્વ ટકાવી રાખવામા સપોર્ટ પૂરો પાડવાનો છે. સ્વસ્થ અને સુશિક્ષિત દીકરીઓ આખા સમાજની સૌથી મોટી સંપતિ છે, કારણકે તેની કોખમાં જ દેશનું ભવિષ્ય પલતું હોય છે....

Thursday, 5 March 2026

પ્રેમ, પ્રકૃતિ, શ્રદ્ધા, ખુશીઓના રંગોને પિચકારીમાં ભરી નીકળી પડીએ.... જીવી લઈએ!

 

   પ્રેમ, પ્રકૃતિ, શ્રદ્ધા, ખુશીઓના રંગોને પિચકારીમાં ભરી નીકળી પડીએ.... જીવી લઈએ!

 Happy Holi 2026: 75+ best unique wishes, quotes, greetings messages,  Instagram & WhatsApp status to share with loved ones - Lifestyle News | The  Financial Express

 

 

 

     આપણે સૌ રંગ વગરના જીવનની કલ્પના જ કરી શકીએ એમ નથી. આમ તો પ્રકૃતિ આપણી પાસે રોજ નવા રંગો લઈને આવે છે. સૂર્યોદયનો કેસરી અને પીળો રંગ, સંધ્યાના આકાશના રંગોની તો ફીલિંગ જ કઈક અલગ હોય છે. સૂર્યાસ્ત સમયે હાશનો રંગ, ઢળતા સૂરજની ગરિમા જ કઈક અલગ હોય છે. જેને આમ તો આપણા ઘરની અગાશીએથી કે પછી ફળિયામાથી કે વાડી ખેતરના શેઢેથી પણ ફીલ કરી શકાય છે, પણ આપણે એ ફીલિંગ લેવા લાખો રૂપિયા ખર્ચી નાખતા હોઈએ છીએ. પક્ષીઓના કલરવનો રંગ હોય કે પછી ગોધૂલી સમયે પાછી ફરતી ગાયોના પગની ઠેસથી ઊડતી ધૂળનો રંગ હોય!

  કે પછી વાડી ખેતરમાં લહેરતા અનાજ, કઠોળ કે શાકભાજીના રંગોની રંગોળી તો આપણા સૌના જીવનમાં પથરાતી જ રહે છે. માણસ થાકે એટલે કુદરતના રંગો તેને આરામ આપે છે. થાકેલો માણસ આજે ફાર્મ હાઉસ કે વી-કેંડ વીલામાં એટલે જ તો શાંતિના રંગો શોધવા નીકળી પડે છે. ભારતીય પરંપરા મુજબ દરેક પ્રસંગનો એક અલગ રંગ છે. કાળો રંગ ભલે આપણને અશુભ લાગે છે, પણ અંધકારનો એ રંગ છે, એટલે જ આપણને આવતીકાલે નવી સવાર લઈને જિંદગી આવશે એવી શ્રદ્ધા છે!

  આપણી આસ્થા પણ રંગીન છે, અને આપણો ઈશ્વર પણ! ઈશ્વરને શરણે ચડાવાતા ફૂલોના રંગો પણ એટલા કે આપણને એ રોજ તાજગી અને નવીનતાના રંગથી ભીંજવતા જ રહે છે. પ્રકૃતિ પાસે રંગોની એટલી વિવિધતા છે કે આપણે ખુશીના રંગે પણ રંગાઈએ છીએ અને દૂ:ખનાં રંગે પણ. બ્લેક એન્ડ વાઇટ જિંદગીને કલરફૂલ બનાવવા આપણે ભલે જરૂરિયાતો પાછળ દોડતા રહીએ છીએ, પણ આપણને એક વાર તો જિંદગી સમજાવે જ છે કે પેલી રંગેલી જે લાઇન દેખાય છે ને, એ આપણા સૌની ફિનિશિંગ લાઇન છે, એને અડીને પાછા ફરી જઈએ અને જીવી લઈએ.

  આપણા દરેક તહેવારનો પણ એક રંગ છે, દુનિયા આખી ભલે ગોરા રંગ તરફ દોડે, પણ આપણો ઈશ્વર એવો મેઘવર્ણ છે, કે રંગભેદનો, અમીર-ગરીબનો તફાવત ત્યાં કાયમ ભૂંસાય જાય છે. ત્યાં સુધી પહોંચવા કોઇની જિંદગીમાં ખુશીના રંગો ઉમેરવા સિવાય બીજું કશું જ જરૂરી નથી! આપણી પ્રાર્થના મેઘધનુષના સાત રંગો જેવી છે, સત્ય અને પ્રામાણિક્તાના સફેદ પારદર્શક રંગ પર જ્યારે જ્ઞાનના પ્રકાશનો રંગ આપાત થાય છે, તો જે મેઘધનુષ રચાય છે, એનો રંગ એટલો પાક્કો થઈ જાય છે કે લોકોને એ રંગે રંગાવું જ પડે છે.

  હોળીના રંગો સાથે જોડાયેલી વાર્તાઓનો રંગ પણ સત્ય અને અસત્યના રંગો સાથે જોડાયેલી છે. અસત્ય ગમે તેટલું બળવાન હોય તેનું દહન થઈને જ રહે છે. ધર્મને ભલે આપણે અલગ અલગ રંગો સાથે બાંધી દીધો, પણ માનવતાનો રંગ એટલો અદભૂત છે કે એ દરેક ધર્મસ્થાનોમાથી બહાર નીકળીને આપણા સુધી પહોંચી જ જાય છે. હોળીના રંગો રાધા-કૃષ્ણના પ્રેમના ગુલાલ સાથે ઉડતા રહે છે. પ્રેમથી વધુ ક્રિયા કરનાર કોઈ બીજું કેમિકલ જ નથી. સતત લડી રહેલી આ દુનિયાને પ્રેમના રંગો થકી રંગી શકીશું તો જ દારૂગોળાના ધુમાડાના રંગોથી આપણે મુક્ત થઈ શકીશું.

  પ્રેમની પિચકારી લઈને નીકળી પડવાનું છે, આપણે વિકાસની આંધળી ગલીઓમાં ફસાઈ ગયા છીએ, પણ હવે ત્યાથી યુ-ટર્ન લઈ લેવાનો છે. ઉજ્જડ બનતી જતી ધરતીને આપણે ફરીથી લીલી ચુંદડી ઓઢાડવાની છે. ઘરના બારી-બારણાં ખોલી દઈને પ્રકૃતિના રંગોને આપણા ઘરોમાં એન્ટ્રી આપવાનો સમય આવી ગયો છે. માત્ર સમૃદ્ધિ નહી પણ ખુશીના રંગો થકી ઘરના આંગણાને અને આ પૃથ્વીને આપણે રંગવાની છે. આવનારી પેઢીને આપણે સ્વચ્છતા અને સ્વસ્થતાના રંગોથી રંગેલું પર્યાવરણ આપવાનું છે. જેના માટે જીંદગીની સ્ક્રીનમાથી પ્રદૂષણ ફેલાવતા રંગોને આપણે ડિલીટ કરી દેવાના છે.

   હોળી આપણે એટલે પણ ઉજવીએ છીએ કે દિવસ-રાત પરિશ્રમ કરતાં ખેડૂતોના ખેતરે નવા ધાનનું આગમન થાય છે. અને એ આગમનને વધાવવા આપણે એકબીજા પ્રત્યે રહેલા રાગ-દ્વેષ અને ઈર્ષ્યાને ભૂલી જઈને એકબીજાને પ્રેમના રંગો વડે રંગી દઈએ. બુરા ના માનો હોલી હે....

બાળકની દ્રષ્ટિએ યુદ્ધ એટલે શું?

 બાળકની દ્રષ્ટિએ યુદ્ધ એટલે શું? હેડિંગ:  हम अपने अपने खेतों में, गेहूँ की जगह चावल की जगह ये बन्दूकें क्यों बोते हैं?  जब दोनों ही की गलियो...