સ્ત્રીઓને કોઈપણ ભોગે મેળવી લેવાની ઘેલછા. સતયુગ થી કળયુગ સુધી……..આ વિચારધારા બદલાઈ નથી!
ઝારખંડના દુમકા ગામે આવેગમાં પાગલ એક શેતાને અંકિતા નામે એક છોકરીને સળગાવી દીધી. આને એકતરફી પ્રેમ નહી, પણ હેવાનિયત કહેવાય. તે છોકરો છેલ્લા પંદર દિવસથી અંકિતાને હેરાન કરી રહ્યો હતો. ફોન નંબર કોઈ પાસેથી મેળવી તેણીને હેરાન કરતો હતો. મિત્રતા કરવા બળજબરી કરતો હતો! અને જો અંકિતા ન માને, તો મારી નાખવાની ધમકી આપતો હતો!
અને એક રાત્રે તેણીને ક્રૂરતાથી પેટ્રોલ છાંટીને મારી નાખી. છોકરી પાંચ દિવસ સુધી તરફડીને મરી ગઈ. મરતા મરતા તેણીએ કહ્યું કે ‘હું મરી રહી છુ, એમ શાહરૂખ મરવો જોઈએ.’ જોકે આવી લાગણી આપણને સૌને પણ થવી જોઈએ કે એ છોકરાને જાહેરમાં ફાંસી થવી જોઈએ. તેનું મૃત્યુ જોઈને આવું કરવાનો વિચાર કરનારને પણ ધ્રુજારી છૂટી જવી જોઈએ.
ગમતું પાત્ર ના મળે એટલે આચરવામાં આવતી આવી ક્રૂરતા તેઓના મનમાં ક્યાથી આવતી હશે? “તું મારી નહી તો કોઇની નહી” એવી વિકૃતિ એસિડ સ્વરૂપે છોકરીઓના મોઢા પર ફેંકાતી રહે છે. ના મળી શકે એમ હોય એ પાત્રને બળજબરીથી વશમાં કરી લેવાના આ પ્રયાસો કોઈ માસુમની જિંદગીને મૃત્યુની ગોદમાં સુવડાવી દેતું હોય છે. સામેવાળી વ્યક્તિની હા પણ પ્રેમમાં જરૂરી છે, એવું આવા લોકો સમજતા હોતા નથી.
કોઈનો પ્રેમ કોઈ વસ્તુ નથી હોતી જેને આપણે ગમે તે ભોગે મેળવી લઈએ. હકીકત તો એ છે કે જ્યાં બળજબરી હોય છે, ત્યાં પ્રેમ કદીયે હોતો જ નથી. આપણે કેમ કોઈના રીજેકશનને સમજી શકતા હોતા નથી. દરેક વ્યક્તિની પોતાની પસંદગી હોય છે અને આપણે તે પસંદગીને માન આપવું જ જોઈએ. જો આપણે આપણાં સંબંધો કોઈ પર થોપતા રહીશું તો એ વ્યક્તિ આપણાથી અને આપણા વર્તનથી કંટાળી જ જવાની. માટે કોઈને કહીએ કે ‘ હું તને પ્રેમ કરું છુ, તું મને કરે છે? ‘ અને એ વ્યક્તિ ના પાડે, તો ધરાર એ વ્યક્તિને મેળવી લેવાની કોશિશો બંધ કરી દેવી જોઈએ.
જ્યારે આપણે રીજેકશનને ‘અહમ’ અને ‘સ્ટેટસ’ સાથે જોડી દઈએ છીએ, સમાજમાં આવા કિસ્સાઓ વધતાં જાય છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સોસિયલ મીડિયાઝ પર આવા કિસ્સાઓ નિયમિત રીતે ચર્ચાતા રહે છે, પણ સમાજમાથી આ વિકૃતિ દૂર કરવાના પ્રયાસો કોઈ નથી કરી રહ્યું.
આજના બાળકો, યુવાનો અને યુવતીઓને ‘ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ’ આપીને તેઓને એક વિશ્વમાં છોડી દીધા છે, જ્યાં તેઓને મૂંઝવણ સમયે માર્ગદર્શન આપે એવું કોઈ નથી રહ્યું. માતા-પિતા કે ઘરના બીજા સભ્યો પાસે બેસીને પોતાના બાળકો, યુવાનો, અને યુવતીઓને શું સારું છે? અને શું ખરાબ? એ બંને વચ્ચેનો ભેદ નથી શીખવી રહ્યા અને એટલે તેઓ આવી જિદના રસ્તે ચડી જતાં હોય છે.
અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે ‘વૃદ્ધો’ એકલા છે, પણ છેલ્લા 5 વર્ષોથી એવું લાગી રહ્યું છે કે બાળકો, યુવાનો અને યુવતીઓ પણ એકલા છે! કશુંક મેળવવા શું કરવું જોઈએ? એ આપણે તેઓને સમજવી છીએ, પણ કશુંક ના મળે તો, તેને મેળવવા હેવાનિયતની હદે ના જવાય! એવું શીખવતા હોતા નથી.
છોકરી ના પાડે તો તેના ચહેરા પર એસિડ નાખી દેવું, તેની જિંદગીને બરબાદ કરી નાખવી, તેના ચારિત્ર્યને ડહોળી નાખવું, તેના કરિયરને ખતમ કરી નાખવું, આમ તો આવા બળજબરીના કિસ્સાઓ છપાતા રહે છે, પણ ખાનગીમાં સ્ત્રીઓ સાથે ડગલે ને પગલે જે બળજબરી થતી રહે છે, તે મોટા ભાગે બહાર આવતી હોતી નથી.
કોઈપણ પુરુષ સ્ત્રીને ભોગવવા માટે જ્યારે તેનો સાધન તરીકે ઉપયોગ કરે છે, તો એ પણ વિકૃતિ જ છે, ક્યાકને ક્યાક આપણાં સમાજનો મોટો ભાગ આવી માનસિક વિકૃતિથી પીડાય રહ્યો છે. જેના કારણે કોઈપણ ક્ષેત્રે સ્ત્રીઓને આગળ વધવા માટે આવી માનસિકતાઓ સામે લડતા રહેવું પડે છે. અને જે સ્ત્રીઓ લડી નથી શકતી તેઓ ક્ષમતા હોવા છતાં આગળ આવી શકતી હોતી નથી.
રમત-ગમત, સાહિત્ય, સિનેમા, કળા, રાજકારણ વગેરે ક્ષેત્રોમાં આ દૂષણ જોવા મળે છે. સ્ત્રીઓને કોઈપણ ભોગે પ્રાપ્ત કરવાની ઘેલછા આમ તો આપણાં સમાજમાં રામાયણ, મહાભારત કાળથી જોવા મળે છે. ક્યારેક તો એવો પ્રશ્ન થાય કે આપણે ખરેખર વૈચારિક રીતે બદલાયા છીએ ખરા! પુરુષોના મનમાં સ્ત્રીઓને માત્ર ને માત્ર માલિકીભાવની નજરે જોવાની નકારાત્મકતા હજી સુધી ખતમ થઈ શકી નથી.
પુરુષોની બળજબરી સામે ઘણીવાર સ્ત્રીઓએ પોતાનું ચારિત્ર્ય ગીરવે મૂકવું જ પડે છે!