બહોત જ્યાદા ઘૂટન હો રહી હે માં’ સસુરાલમે મેરે સાથ બહોત ગલત હો રહા હે, એ લૉગ મુજ પર બચ્ચા પેદા કરને કા પ્રેશર બના રહે હે. મુજે યહાં સે લે જાઓ. મુજે લગતા હે કી મે યહા ફસ ચૂકી હું, મેરા પતિ મુજે પૂછ રહા હે કી યે બચ્ચા કિસકા હે? આ મેસેજિસ છે, 2012 માં મિસ પૂને રહી ચૂકેલી ફેમસ મોડેલ અને એક્ટ્રેસ ત્વિષા શર્માના, જેણે 5 મહિનાના લગ્ન-જીવનથી કંટાળીને 12 મે 2026 ના રોજ પોતાના સાસરિયામા આપઘાત કરી લીધો. જે દીકરી સામે ઉજ્જવળ ભવિષ્ય હતું, તેણે દહેજના ત્રાસથી કંટાળીને પોતાનું જ જીવન રોળી નાખ્યું. પણ ત્વીશાના કુટુંબના કહેવા મુજબ તેમની દિકરીને દહેજ અને પતિના શંકાશીલ સ્વભાવને લઈને મારી નાખવામાં આવી છે.
આપણી આસપાસ એટલું બધુ અજુગતું બની રહ્યું છે કે લાગે છે કે આપણે છીએ એકવીસમી સદીમાં પણ જીવન પાછું ખેંચાઈને 15 મી-16 મી સદીઓમા જતું રહ્યું છે. શરીરના કોઈ ભાગમાં થયેલું કેન્સર જેમ ઊથલો મારે, એ રીતે કુરિવાજો ફરીથી ઊથલો મારી રહ્યા છે. જે કુરિવાજોને દૂર કરવા આપણે સદીઓથી પ્રયાસો કરી રહ્યા છીએ એ કુરિવાજો સમાજમાં પાછા ફરી રહ્યા છે. અને એ પણ અતિ-શિક્ષિત લોકોના ઘરો થકી!
આપણા સમાજમાં મોટા ભાગના કૂ-રિવાજોનો ભોગ સ્ત્રીઓએ જ બનવું પડે છે. પછી એ સતી થવાનો રિવાજ હોય કે પછી વિધવા સ્ત્રીઓના પુનર્વિવાહ અંગેનો રિવાજ હોય કે પછી બાળકીને દૂધપીતી કરવાનો કૂ-રિવાજ હોય! અને બળાત્કાર તો એ એવરગ્રીન ગુનો છે, જે આપણા દેશમાં બારેમાસ થતો જ રહે છે.
સ્ત્રીઓ સમાજમાં કોઈને કોઈ રીતે શોષિત થઈ રહી છે. ભલે આજે તેણીને ઉડવા માટે આકાશ મળી રહ્યું હોય, પણ તેણીની પાંખો કાપવા આસપાસ શિકારી ઊભા જ છે. વર્ષોથી પુરુષોના આદેશો હેઠળ જીવી રહેલી સ્ત્રીઓ હવે દરેક ક્ષેત્રે પુરુષો સાથે કદમ થી કદમ મિલાવીને ચાલી રહી છે. એ બાબત જ પુરુષોને હર્ટ કરી રહી છે, અને ઘાયલ પુરુષો સ્ત્રીઓના એ કદમોને રોકવાના પ્રયાસો અલગ અલગ રીતે કરી રહયા છે. ‘દહેજ-પ્રથા’ આવું જ એક દૂષણ છે, જેને છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશમાં ઉથલો માર્યો છે. ભોપાલમાં ત્વીશા શર્મા અને ગ્રેટર નોઇડામાં દિપીકા નાગરની હત્યાએ એ સાબિત કરી દીધું છે જે આટલું બધુ લીગલ પ્રોટેક્શન હોવા છતાં આપણા દેશમાં NCRFના સર્વે મુજબ રોજ 16 સ્ત્રીઓ દહેજનો અને ડોમેસ્ટિક વાયોલન્સની શિકાર બને છે.
ભોપાલ દહેજ-કાંડમાં તો જે દીકરી આપઘાત કર્યો હતો, એ દીકરીના સાસુમાં નિવૃત જજ અને પતિદેવ ફેમસ વકીલ છે. આવા શિક્ષિત ઘરોમાં પણ જો આ પ્રકારના કિસ્સાઓ થતાં હોય તો આપણે અભણ માણસોને કોઈ દોષ આપી શકીએ એમ નથી! આ બંને દીકરીઓનું દહેજની માંગ બાબતે સતત શોષણ થતું હતું અને થાકીને તેણીએ અંતે ઈશ્વરનું શરણ લઈ લીધું. રાજ્યની વાત કરીએ તો ઉત્તરપ્રદેશ અને શહેરોની વાત કરીએ તો દિલ્લી દહેજના કેસોમાં નંબર વન સ્થાન ધરાવે છે. શિક્ષણ પણ આપણા વિચારોમાં પરિવર્તન લાવવામાં નિષ્ફળ જઇ રહ્યું છે.
ભારતમાં છેક વેદિક સમયથી આ કૂરિવાજ આપણા સમાજમાં ઘૂસી ગયેલો હતો, જેણે આપણે આજે પણ સંપૂર્ણ રીતે દૂર કરી શક્યા નથી. છોકરો જો વધુ ભણેલો હોય તો દહેજના બજારમાં તેની ઊંચી કિંમત નક્કી કરવામાં આવે છે. કરિયાવરના નામે દિકરીઓના માતા-પિતા પાસેથી તેઓની આખી જિંદગીની કમાણી લઈ લેવામાં આવે છે. અને લગ્ન પછી પણ આવા સ્વાર્થી અને લાલચુ સાસરીયાઓ દીકરીઓને શાંતિથી રહેવા દેતાં નથી. ત્વીશા શર્મા કે દિપીકા નાગર આ તો થોડાક નામો છે, જે નોંધાયેલા છે,
આપણા દેશમાં હજી આજેપણ અમુક રાજયોમાં દિકરીઓના પરિવાર પાસેથી ‘દહેજના નામે’ લાખો રૂપિયા વસૂલ કરવામાં આવે છે. જે કિસ્સાઓ નોંધાય છે, તેમાંથી કેટલાને ન્યાય મળે છે? એ પ્રશ્નનો જવાબ કોઈ પાસે નથી. અને જે કિસ્સાઓ નથી નોંધાતા તેઓના માતા-પિતા આંસુઓના પ્રવાહમાં પોતાની બાકી જિંદગી વહાવી દેતાં હોય છે.

No comments:
Post a Comment