Sunday, 19 July 2026

ઉમ્મીદ પે દુનિયા કાયમ હે.....

 

 Hope Stock Photos, Images and Backgrounds for Free Download

 

ઉમ્મીદ પે દુનિયા કાયમ હે..... 

 

 

 

                આજે એક સરસ મજાની વાત સાંભળી... ઇ.સ. 1971માં બંગાળના હંસપુકુર નામના ગામે સુભાષિની નામની સ્ત્રી પૈસાના ના હોવાને લીધે પોતાના પતિને ના બચાવી શકી. આ અફસોસ ને અહેસાસમાં બદલવા ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે આવો અફસોસ હવે હું કોઈના જીવનમાં નહી થવા દઉં. અને ઉમ્મીદનું એક કિરણ લઈને તેણીએ ખાલી ખિસ્સે, બાળકોની જવાબદારી સાથે ત્રીસ વર્ષ બાદ મફત હોસ્પિટલ બનાવી. પોતે શોકભાજી વેચતી રહી, દીકરાને અનાથાશ્રમમાં રાખીને ભણાવ્યો અને આજે સુભાષિની અને તેણીનો પરિવાર ત્રણ હોસ્પિટલ ચલાવે છે, જેમાં સેંકડો દર્દીઓને નવજીવન મળી રહ્યું છે! તેમણે ગરીબ પરિવારોમાં એક ઉમ્મીદ જગાવી છે કે આપણું પણ કોઈ છે.

   રોજ સવારે સૂર્યોદય થાય ત્યારે આશાના અનેક કિરણો આપણાં સુધી પહોંચે છે, અને આપણને કહે છે કે જે વીતી ગયું તેને ભૂલી  આગળ વધી જઈએ. નિરાશાનો અંધકાર આશાના પ્રકાશ સામે લાંબો સમય ટકી શકતો નથી. એક નવી સવારની આશામાં આપણે રાત્રે સૂઈ જતાં હોઈએ છીએ. એ સઘળું જ ભૂલીને જેણે વિતેલા સમય દરમિયાન આપણને દર્દ અને પીડા આપેલી. સવારે ઊઠીએ ત્યારે હમેંશા એક નવી આશા સાથે ઊઠીએ કે જે કઈ આપણને નથી મળી શક્યું, એ બીજાને આપીએ અને તેઓની જિંદગીમાં આશાના રંગો પુરીએ.

  આપણી આસપાસ ગમે તેટલું ખોટું કે ખરાબ થતું હોય, આપણને આશા હોય છે કે એવી જ રીતે સારું કે સાચું પણ થતું જ રહે છે. આપણને દૂ:ખની નકારાત્મકતા કરતાં સુખની હકારાત્મકતા પર વધુ શ્રદ્ધા હોય છે. વિશ્વના કોઈ ને કોઈ હિસ્સામાં એવા પણ લોકો છે, જે બીજાના જીવનમાં આશાના કિરણો લઈને આવે છે અને તેઓના જીવનને પ્રકાશિત કરી દે છે. કોઈ અન્યાયનો વિરોધ કરે છે, કોઈ ની:સહાય લોકોને સહાય આપે છે, કોઈ રડતાં અને ભૂખ્યા બાળકોને સાચવે છે, તો કોઈ ગંદી આદતો છોડાવીને લોકોને નવજીવન આપી રહ્યા છે. તો કોઈ ગમે તેવી મુશ્કેલીઓનો સામનો કરીને પણ જીવનમાં આગળ વધી રહ્યું છે. કોઈ જગ્યાએ કોઈ પહેલ કરી રહ્યું છે, તો કોઈ જગ્યાએ સ્ત્રીઓ પોતાના પર થતાં અત્યાચારોનો સામનો કરીને વધુ ને વધુ આગળ વધી રહી છે. કોઈ પર્યાવરણ બચાવવાના પ્રયાસો કરી રહ્યું છે, તો કોઈ પક્ષીઓને અને પ્રાણીઓને! આમાથી મોટા ભાગના લોકો એવા છે, જેઓને કોઈ જ લાઈમ-લાઇટની જરૂર નથી, કે નથી કોઈ સોસિયલ મીડિયા પર પોતાનો પ્રચાર કરવાની. તેઓ બસ નવી આશાઓની તાકાત લઈને વિશ્વને મજબૂત બનાવી રહ્યા છે. વધુ ને વધુ બેટર બનાવી રહ્યા છે.

      તમને થશે આજે વળી આ આશા કે ઉમ્મીદ ની વાતો કેમ? આ રહ્યો જવાબ, વૈશ્વિક પડકારોને દૂર કરવા, શાંતિને પ્રોત્સાહન આપવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે વ્યક્તિઓ અને રાષ્ટ્રોમાં નવા વિચારો અને હકારાત્મકતાની જ્યોતને સળગતી રાખવા માટે દર વર્ષે 12 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય આશા દિવસ ઉજવવામાં આવે છે. આશા એ શકિત છે, જે દિવ્યાંગને પણ એવરેસ્ટ સુધી પહોંચાડી શકે છે કે પછી કોઈ રમતમાં શ્રેસ્ઠ બનાવી શકે છે. હું આ કરી શકું છુ એ આશાએ કેટલાયે લોકોના જીવનમાં શ્રદ્ધાનો સંચાર કર્યો છે, અને એવી મજબૂતી બક્ષી છે કે લોકો ગમે તેવી મુશ્કેલીઓ સામે લડીને પણ જીવનમાં નવા રંગો ઉમેરી રહ્યા છે.

  આશાનો સંચાર એ મોસમના પ્રથમ વરસાદ જેવો હોય છે, જે આપણને હમેંશા તાજગી જ આપતો રહે છે, અને મનમાં એ ઉમ્મીદ જગાવે છે કે હાશ.. હવે વર્ષ સારું જશે. આપણી આસપાસ આજે જ્યારે આપઘાત સ્વરુપે, હત્યા સ્વરૂપે, લાગણીઓના દુકાળ સ્વરૂપે, બળાત્કારના પાપ સ્વરૂપે, કરપ્શન સ્વરૂપે, માનસિક અસ્વસ્થતા સ્વરૂપે, એમ અલગ અલગ સ્વરૂપે ઘોર નિરાશા વ્યાપી રહી છે, ત્યારે આપણે આત્માના પ્રકાશ થકી નિરાશાના વાદળોને હટાવવાના છે. આશા એક સંદેશ છે, કે દુનિયાના કોઈ ખૂણે બેઠેલી વ્યક્તિ આપણી ચિંતા કરી રહી છે. તે આપણને સારું જીવન આપવા મથી રહી છે. આપણે ધગાવેલી આશાની એક ચિનગારી નકારાત્મકતાના અનેક જંગલોમાં દાવાનળ લગાડી શકે છે.

No comments:

Post a Comment

ઉમ્મીદ પે દુનિયા કાયમ હે.....

      ઉમ્મીદ પે દુનિયા કાયમ હે.....                         આજે એક સરસ મજાની વાત સાંભળી... ઇ.સ . 1971 માં બંગાળના હંસપુકુર નામ...